Opinion Magazine
Number of visits: 9663876
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

અમેરિકન ભારતીયો કોને વફાદાર? 

હેમંતકુમાર શાહ|Opinion - Opinion|16 August 2025

जय हिंद કે जय जगत? 

હેમન્તકુમાર શાહ

અમેરિકન ભારતીયો કે જેઓ સત્તાવાર રીતે અમેરિકાના નાગરિકો છે, કે જેમની પાસે અમેરિકન પાસપોર્ટ છે, કે જેઓ ભારતના નાગરિક છે જ નહિ, તેઓ ભારતનો તિરંગો લહેરાવીને ૧૫મી ઓગસ્ટે ભારતનાં રાષ્ટ્રગીતો જન ગણ મન અને વંદે માતરમ્ ગાઈને ભારતના સ્વાતંત્ર્ય દિનની ઉજવણી કરે તો તે અમેરિકાની દૃષ્ટિએ દેશદ્રોહ કહેવાય કે નહીં?

અમેરિકન સરકાર તેમની સામે દેશદ્રોહનો કેસ કરે છે? ના. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ અને કોઈ રાજકીય પક્ષ કે કોઈ સંસ્થાના લોકો એ બધાને અર્બન નક્સલ કહે છે? ના. “गोली मारो सालों को, देश के गद्दारों को” એવું ત્યાંનો કોઈ પ્રધાન જાહેર સભામાં ઘાંટા પાડીને બોલે છે? ના. એનો અર્થ એમ છે કે અમેરિકાના મૂળ ભારતીય નાગરિકોને ભારતનો ઝંડો જાહેરમાં લહેરાવવાની સંપૂર્ણ આઝાદી છે અને તેથી અમેરિકા માટે કોઈ ખતરો ઊભો થાય છે એમ અમેરિકન સરકાર માનતી જ નથી. અમેરિકાનું આકર્ષણ એ જ છે : શક્ય તેટલી આર્થિક, સામાજિક અને રાજકીય આઝાદીવાળું મનુષ્યનું જીવન. 

અમેરિકામાં જો આમ કરવાની આઝાદી અમેરિકન ભારતીયોને હોય તો તે મનુષ્યની સાચી આઝાદી કહેવાય કે નહીં? અમેરિકાએ આટલા પૂરતો પણ वसुधैव कुटुम्बकम्-નો આદર્શ સિદ્ધ કર્યો કહેવાય કે નહીં? 

રાષ્ટ્રધ્વજ એ દેશના સન્માનનું અને દેશની ઓળખનું પ્રતીક છે. ભારતીય અમેરિકન નાગરિકો અમેરિકાના આઝાદી દિન ચોથી જુલાઈએ અમેરિકન રાષ્ટ્રધ્વજને સલામી આપે અને અમેરિકાનું રાષ્ટ્રગીત ગાય જ. તો તેઓ અમેરિકા અને ભારત એમ બે દેશ પ્રત્યે વફાદારી બતાવે છે એમ કહેવાય? 

આજના વૈશ્વિકીકરણના જમાનામાં દેશો વચ્ચે ભૌગોલિક સરહદો હોવા છતાં રાષ્ટ્રના અને રાષ્ટ્રવાદના ખ્યાલો કેવા ભૂંસાઈ અને ઘસાઈ ગયા છે તે આ ઉદાહરણ પરથી સમજવું જોઈએ. ભારતમાં રાષ્ટ્રવાદને નામે જે ધમપછાડા ચાલે છે તે કેટલા વાહિયાત છે એનો ખ્યાલ આનાથી આવવો જોઈએ. 

કંસના નિકંદન પછી ભગવાન શ્રીકૃષ્ણ મથુરા છોડીને ત્યાંના લોકોને લઈને દ્વારકા આવીને વસેલા કારણ કે મથુરા પર જરાસંધે ૧૭ વખત હુમલા કરેલા અને ત્યાંના નગરજનોને પરેશાન કરેલા. કૃષ્ણ માટે દ્વારકા એવી જગ્યા હતી કે જ્યાં કોઈ ભય ન હોય. ભગવાન પણ ભાગેલા, ભય વિનાની જિંદગી જીવવા! આજકાલની ભાષામાં એને immigration કહે છે. એ જમાનામાં દ્વારકા કંઈ મથુરા રાજ્યનો ભાગ નહોતું, એટલે એને મથુરાના સંદર્ભમાં તો વિદેશ જ કહેવાય. માણસને કોઈ પણ જાતના ભય વગરની જિંદગી જીવવી હોય છે. એવો ભય વગરનો સમાજ ઊભો થાય એનું નામ સ્વાતંત્રતા.

ભગવાન કૃષ્ણ શ્રીમદ્ ભગવદ્ ગીતામાં અર્જુનને વિરાટ સ્વરૂપનું દર્શન કરાવે છે કે જે કૃષ્ણે માતા જશોદાને ગોકુળમાં પોતાના મુખમાં બ્રહ્માંડનું દર્શન કરાવ્યું હતું. આ દંતકથા એમ દર્શાવે છે કે આપણે બધા મનુષ્યો એક જ છીએ, પછી ભલે ને ધર્મ કે જાતિ અલગ અલગ હોય. 

આનો સ્પષ્ટ અર્થ એ છે કે માણસજાતે પોતાના દેશના નકશાઓને પ્રેમ કરવાનો છે એના કરતાં માણસને જ વધુ પ્રેમ કરવાનો છે. પૃથ્વી પરના નકશાઓ તો એક નાછૂટકે ઊભી થયેલી મનુષ્યોનાં સુખ, શાંતિ, સલામતી અને સમૃદ્ધિ માટે ઊભી થયેલી વ્યવસ્થા છે. નકશાઓ રહેવાના જ છે, પણ નકશાઓથી આગળ વધીને સમગ્ર માનવજાતને પ્રેમ કરવાની જરૂર છે. વિનોબા ભાવે કહેતા હતા તેમ जय हिंदથી આગળ વધીને जय जगत। 

જન્માષ્ટમી, ૨૦૨૫
સૌજન્ય : હેમંતકુમારભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

આઝાદ દેશમાં આઝાદ મનુષ્ય જોઈએ

હેમંતકુમાર શાહ|Opinion - Opinion|16 August 2025

હેમન્તકુમાર શાહ

આજના સ્વતંત્રતા દિન નિમિત્તે દેશની સ્વતંત્રતાની ઉજવણી કરાય છે. પણ સ્વતંત્ર દેશ શા માટે જોઈતો હતો? વિચાર્યું છે ખરું કદી? 

દેશ સ્વતંત્ર એટલા માટે જોઈતો હતો કે એમાં મનુષ્યો આઝાદ હોય. મહાત્મા ગાંધીએ ૧૯૦૯માં લખેલા પુસ્તક ‘હિંદ સ્વરાજ’માં એ સાવ સ્પષ્ટ કરેલું. તેમણે કહેલું કે, “મુખ્ય વાત જણે જણે સ્વરાજ ભોગવવાની છે.” શું આવું સ્વરાજ લાવવા તરફ આપણે આગળ વધીએ છીએ કે પછી દેશી-વિદેશી મહાકાય કંપનીઓની મિલીભગત સાથે ચાલતી સરકારોની ગુલામી તરફ આગળ વધી રહ્યા છીએ? 

યાદ કરો જરા. એક ઇસ્ટ ઇન્ડિયા કંપની આવી હતી અને આપણે ગુલામ બની ગયા હતા. આજે ૫,૪૦૦થી વધુ વિદેશી કંપનીઓનાં ભારતમાં કારખાનાં ચાલે છે અને ઓફિસો ધમધમે છે. દેશના શેરબજારમાં ૧૧,૨૦૦થી વધુ વિદેશી કંપનીઓ રોકાણ કરી રહી છે. શું આપણે ભ્રમમાં તો નથી ને કે આપણે આઝાદ છીએ? કેટલીક ગુલામી નરી આંખે દેખાતી હોતી નથી.

ભારતના બંધારણના આમુખમાં એક ઉદ્દેશ તરીકે મનુષ્યની આઝાદી સ્પષ્ટ કરવામાં આવી છે. એ આઝાદી છે વિચાર, અભિવ્યક્તિ, ધર્મ, માન્યતા અને ઉપાસનાની સ્વતંત્રતા. 

સવાલ એ આપણી જાતને પૂછવો જોઈએ કે આમુખમાં લખવામાં આવેલી સ્વતંત્રતા આજે કેટલી છે? એમાં જે ધોવાણ થયું છે તે કેટલું છે, એ કોણે કર્યું છે અને એ શા માટે એણે કર્યું છે? શું આપણે નાગરિકની એ સ્વતંત્રતા માટે લડવું છે ખરું? 

આઝાદ દેશમાં ગુલામ નાગરિકો હોય છે જ. ચીન અને રશિયા એનાં આજે સૌથી મોટાં ઉદાહરણો છે. ભારત આઝાદ જ છે, એ હવે જે રીતે અંગ્રેજોએ ગુલામ બનાવ્યો હતો તે રીતે કદી ગુલામ બનવાનો નથી. ઇતિહાસનું એવું પુનરાવર્તન નહીં થાય. એટલે દેશની આઝાદીની ચિંતા કરવાની જરૂર છે જ નહિ. ચિંતા તો એની કરવાની જરૂર છે કે આઝાદીનું આંદોલન કેમ ચાલ્યું હતું? એ આઝાદી આપણે શા માટે મેળવેલી? એ તો દરેક માણસની આઝાદી માટે ચાલેલું. 

મોટે ભાગે એની ચિંતા થતી જ નથી. તિરંગા યાત્રા આઝાદીનું પ્રતીક છે કે પછી સરકારો આદેશ આપે અને સ્કૂલો અને કોલેજો તિરંગા યાત્રાઓ કાઢે એ ચૂંટાયેલી સરકારો દ્વારા લાદવામાં આવતી ગુલામીનું પ્રતીક છે? જરા, વિચારજો. 

આવી અનેક નાની નાની ગુલામી આ દેશના નાગરિકોના દિમાગમાં ઘૂસી રહી છે. સરકારની નીતિ કે કાર્યક્રમની કે નેતાના વર્તનની ટીકા કરનારાને અર્બન નક્સલ કે દેશદ્રોહી કહેવામાં આવે એ પણ ગુલામીની માનસિકતા દૃઢ કરવા માટેનો માર્ગ છે. રાજકીય સત્તાનો ઇરાદો હંમેશાં મનુષ્યોને ગુલામ બનાવવાનો હોય છે. એવી ગુલામીમાંથી બહાર નીકળવા માટે મથીએ તો જ તિરંગો લહેરાવવાનો, તિરંગાને સલામી મારવાનો અને રાષ્ટ્રગાન કરવાનો કશો અર્થ છે. બાકી તો આ બધું સત્યનારાયણની કથા જેવી એક વિધિ બની રહે છે, એથી વિશેષ કશું જ નહીં. 

માત્ર રાજકીય આઝાદી પૂરતી નથી. એકેએક મનુષ્ય ધાર્મિક, સામાજિક અને આર્થિક રીતે પણ આઝાદ હોય એ ભારતની સ્વતંત્રતાનો હેતુ હતો એ યાદ રાખીએ અને એને માટે લડીએ. ગુલામીમાં જ આનંદ અને સુખ ભોગવતાં થઈ જઈએ એ પહેલાં જાગીએ. 

સ્વતંત્રતા દિન, ૨૦૨૫
સૌજન્ય : હેમંતકુમારભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

વિશ્વાસ

વસુધા ઇનામદાર|Opinion - Short Stories|15 August 2025

થોડા સમય પહેલાંની વાત છે. ભારતના ઉત્તરે શિરોમણીની જેમ શોભતું કાશ્મીર ! હિમાલયની ગોદમાં લપાઈને બેઠેલું કાશ્મીર ! ભારતના શિરદર્દસમું કાશ્મીર, ભારતીય વીરોના બલિદાનથી રક્તરંજિત કાશ્મીર, વારે ઘડીએ રણમેદાને ચડતું  કાશ્મીર, કારગિલની યુદ્ધની કળમાંથી બેઠું થઈ રહેલું કાશ્મીર. તેની આ નાનકડી વાત ! 

પાકિસ્તાનના સૈનિકો દ્વારા મશીનગન અને રોકેટ લોન્ચર મારફતે કરવામાં આવેલા હુમલાને ભારતીય શૂરવીર સૈનિકોએ જડબાતોડ જવાબ આપ્યો હતો. ગોળીઓના વરસાદની રમઝટ બે કલાક પહેલાં જ શમી હતી. કાશ્મીરની  સરહદે દેશની રક્ષા કાજે, જીવન કુરબાન કરનાર સૈનિકોની છાવણીમાં અજંપો હતો. એ વીસ જ જણાની ટુકડીઓમાંથી એક   શૂરવીરે દેશના રક્ષણ કાજે હંમેશ માટે વિદાય લીધી હશે, એવી દહેશત સૌના મનમાં હતી. અનેક શંકા-કુશંકાથી ઘેરાયેલો સોલ્જર મોહન ભાટિયા પોતાના મિત્રને શોધવા નીકળી પડ્યો હતો.

કાળજું ઠારી નાખે એવી કાતિલ ઠંડી હતી. બરફથી છવાયેલી ધરતી પર દર્દથી પીડાતા અર્ધ બેહોશ જેવા મિત્રની શોધમાં નીકળી પડેલા સૈનિકની છાતીના ધબકારા વધતા જતા હતા. કડકડતી ઠંડીમાં અબ્દુલની ભાળ કાઢવા એને એના કાન સરવા કર્યા. એની આંખો જાણે વીજળીના ગોળા બનીને અંધારાને ચીરતી સૈનિક મિત્ર અબ્દુલને શોધી રહી હતી. એના પગમાં ગતિ હતી. સમગ્ર શરીરમાં શક્તિનો સ્રોત વહી રહ્યો હતો. દોસ્ત અબ્દુલ માટે, તેની સલામતી માટે, તે મનોમાન ઈશ્વરને પ્રાર્થી રહ્યો હતો. 

અબ્દુલ કહીને એણે બૂમ પાડી. એ નીરવ વાતાવરણમાં એના એ શબ્દો પાછા ફર્યા. મોહને ફરી ફરીને બૂમ પાડી ત્યાં જ એક બરફીલી કેડીપર એનો પગ લપસ્યો ! મોહન ગબડતો ગબડતો મોટા વૃક્ષ સાથે અથડાયો. એના મોઢામાંથી એક ચીસ નીકળી પડી, પણ પોતાના દર્દને છુપાવીને એણે જોશથી બૂમ પાડી “અબ્દુલ … અબ્દુલ … તું ક્યાં છે ?”

“હું અહીં છું, મોહન,” એક દર્દ ભર્યો અવાજ આવ્યો.

“અબ્દુલ …” કહીને મોહન લગભગ ત્યાં બેસી પડ્યો.એણે અબ્દુલને પોતાના મજબૂત શરીરનો સહારો આપીને બેઠો કર્યો.માત્ર મોહનને સંભળાય એમ ધીમે અવાજે અબ્દુલ બોલ્યો,

“આ ગયા મોહન, મુઝે પતા થા, મેરે દોસ્ત ! મેરે મરને સે પહેલે તું જરૂર આયેગા !”

“ઐસા મત બોલ, મેરે યાર, મેં તુઝે લેને આયા હું .”

“નહીં દોસ્ત, અબ વખ્ત આ ગયા હૈ. તુઝે દેખ કે બડી ખુશી હુઈ, મુઝે પતા થા તું જરૂર આયેગા …! તું જરૂર આયેગા …  “

થોડા સમય માટે શાંતિ ફેલાઈ. 

અબ્દુલ બોલ્યો, “સુન,…મેરી મા કો બોલના …… યા ખુદા,…મા કા ખયાલ રખના …!  જય હિન્દ , જય હિન્દ !!”

મોહન થોડીવાર  શૂન્યવત  બેસી રહ્યો. એણે ઊભા થઈને મિત્રને સેલ્યુટ મારી ! હળવેકથી એના મૃતદેહને ઉપાડ્યો અને તે ભારે પગલે છાવણી તરફ ચાલવા લાગ્યો. છાવણીના પ્રવેશ દ્વારા આગળ વાંકા વળીને અબ્દુલનો દેહ એણે નીચે મુક્યો. શિસ્ત પ્રિય ને કડક સ્વભાવના મેજર ખુશવત સિંગ છાવણીની બહાર સિગારનો દમ મારીને ઠંડી ઉડાડવાનો પ્રયત્ન કરતા હતા.

મોહનને ઉદ્દેશીને અબ્દુલના મૃતદેહ સામે જોઈને તે બોલ્યા, “મિસ્ટર ભાટિયા કયા પાયા તુમને ? હમ તો બોલે થે, ઉસકે બચનેકી કોઈ ઉમ્મીદ નહીં હૈ. ભોર હોતે હી ઉસે ઢુંઢ કે લિયે આયેંગે.”

મોહને ઉદાસ ચહેરે દૃઢતાથી સરને સેલ્યુટ મારતા કહ્યું, “મૈને બહોત કુછ પાયા સર ! આખરી દમ તોડતે વખ્ત વહ બોલા થા,મુઝે વિશ્વાસ થા તું જરૂર આયેગા ,…ઔર મૈંને ઉસ કે વિશ્વાસ કો તુટને નહીં દિયા !”

મોહનની આંખો ભરાઈ આવી. લોહીથી ખરડાયેલો કોટ કાઢતા તે બોલ્યો, “જય હિન્દ!!”

બોસ્ટન
e.mail : inamdarvasudha@gmail.com

Loading

...102030...174175176177...180190200...

Search by

Opinion

  • દમ પતી જાય એને દંપતી કહેવાય 
  • સ્ક્રીનની પેલે પાર : જ્યારે ડિજિટલ એસ્કેપ મોતનો ગાળિયો બને ત્યારે
  • ચલ મન મુંબઈ નગરી—327 
  • માતૃભક્ત મન્જિરો
  • નાનમ પણ ન લાગે …?

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 

Poetry

  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 
  • મુખોમુખ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved