નિરંતર
વાત જો કે ૨૦૨૨માં અને ૨૦૨૨ની જ કરવી છે, પણ કલમ ઉપાડવા કરું છું ત્યારે ચિત્ત કવિકુલગુરુ કાલિદાસની મનહર-મનભર સૃષ્ટિમાં અને એમાં ય તે શાકુન્તલ અને કણ્વાશ્રમની ચિત્રણામાં રમવા કરે છે.
રાજા દુષ્યન્ત મૃગયાએ નીસર્યા છે. નાસતું મૃગલું વન વીંધતું તપોવનમાં પ્રવેશે છે. કણ્વ મુનિનો એ આશ્રમ છે. રાજા નિશાન લેવાની અણીએ છે ત્યારે સહસા બે આ શ્રમિકોનો અવાજ સંભળાય છે : રાજન, આ તો આશ્રમમૃગ છે, ન હન્તવ્યો ન હન્તવ્યઃ …
નોંધ્યું તમે, આશ્રમની સીમા જ્યાં શરૂ થઈ, રાજાની ને રાજ્યની એક હદ ત્યાં આવી ગઈ. રાજ અલબત્ત રાજાનું જ છે, પણ આણ અને આમન્યાને વશ વરતીને.
અહીં સાંભરે છે તક્ષશિલાના પ્રવેશદ્વારે મુકાયેલ એક સૂચનાપટ, ‘દીપનિર્વાણ’ નવલકથામાંથી દર્શકની બાનીમાં : “હે ચક્રવર્તી! આ જગ્યાએ જ્ઞાનની અધિષ્ઠાત્રી, આજીવન બ્રહ્મચારિણી, સર્વવત્સલા સરસ્વતીનું ઉપાસના સ્થાન છે એટલે અહીંની શાંતિને અભંગ રાખવા માટે તારા, સપ્તસિંધુઓનું જલ પીધેલા ઘોડાને અહીં બહાર જ વિશ્રામ દેજે. તારાં દેદીપ્યમાન અસ્ત્રશસ્ત્રનો ભાર અહીં જ રથમાં ઉતારી નાખજે; ને તારા રાજવી મદમર્દનનો અહંભાવ અહીં જ મૂકીને આ અંતર્વેદીમાં પગ મૂકજે.”
હવે, એ તો રાજાશાહીનો જમાનો હતો – અને એણે પણ શિક્ષણ ને સાહિત્ય પરત્વે એક આમન્યા જાળવવામાં પોતાનો ધર્મ જોયો હતો. જમાનો ક્યાં ય આગળ ચાલ્યો છે, અને લોકશાસને કેટલીએક પ્રજાસૂય આમન્યાઓ જાળવવામાં પોતાનું શીલ જોયું છે. આ જે પ્રજાસૂય આણ ને આમન્યા, એની વિધિવત્ બંધારણીય ને કાનૂની ઓળખને આપણે આજની લોકશાહી પરિભાષામાં સ્વાયત્તતાને નામને ઓળખીએ છીએ.
નમૂના દાખલ ગ્રેટ બ્રિટનની વાત કરું જરી? અને દૃષ્ટાંત છે પણ મજાનું એણે ‘રાજા’ની સંસ્થા ઘટતાં માનપાન સહ જાળવી રાખી છે, પણ લોકશાહી વ્યવહારની અનોખી સંસ્કૃતિ નિપજાવી છે. ૧૯૮૫ની સાલમાં ‘બ્રિટનની ધરતી પર એક વિક્રમ ઘટના નોંધાઈ. શ્રેષ્ઠતમો પૈકી એક એવા વિદ્યાધામ, ઑક્સફર્ડ યુનિવર્સિટીમાં દરખાસ્ત આવી કે વડા પ્રધાન માર્ગરેટ થેચરને માનદ્દ ડૉક્ટરેટ આપવી. ઇંગ્લેન્ડની સંસદીય લોકશાહીના ઇતિહાસમાં એક અર્થમાં થેચરનું નામ ચર્ચિલની હારોહાર લેવાય છે. બલકે, લાંબા કાર્યકાળની કસોટીએ તો માર્ગરેટ થેચરને આપણે આગળ મૂકવાં પડે. આવાં આ થેચરબાનુ, એમને માનદ્દ ડૉક્ટરેટની દરખાસ્ત સામાન્યપણે સ્વીકાર્ય જ હોય ને. ખુદ યુનિવર્સિટીને પણ એમાં ગૌરવ મળે એ સહજ હતું. પણ આ કિસ્સામાં બન્યું એવું કે યુનિવર્સિટીએ બહુમતીથી ધરાર નન્નો ભણ્યો. કારણ ? તો કહે, થેચર શાસનમાં શિક્ષણ અને સંશોધનની સરકારી જોગવાઈ પર કાપ મુકાતો રહ્યો છે. હવે જુઓ તમે માર્ગરેટ થેચરની પ્રતિક્રિયાઃ “યુનિવર્સિટીમાં માનદ્દ ડૉક્ટરેટ સારુ મારું નામ વિચારાઈ રહ્યાનું જાણ્યું ત્યારે સ્વાભાવિક જ આનંદ થયો હતો. પણ એને જો એ સ્વીકાર્ય ન લાગે તો હું તે માટે દબાણ શા સારુ કરું?”
લોકશાસનની શોભા, આમપ્રજાસૂય આણ અને આમન્યા પરત્વે આદરથી વધતી હોય છે. સાહિત્ય આદિ ક્ષેત્રોમાં સંવર્ધન-સંગોપન સારુ સારસંભાળની રીતે રસ લેવો ને ઉપયોગી થવું એમાં કોઈ પણ રાજ્ય પોતાની શોભા ને ધર્મ સમજે એ અલબત્ત ઈષ્ટ છે. તે માટે બંધારણીય ને કાનૂની ધોરણે આગવી સંસ્થાનિર્મિતિ એનો હક ને ફરજ બંને છે. પણ લોકશાહીએ ગંગાની પેઠે શંકરની જટા ને જહ્નુની જંઘાને વટી સાઠ હજાર સગરપુત્રોના હિત વાસ્તે મેદાનમાં આવવું રહે છે. સગરપુત્રો લગી પહોંચવાની આ બંધારણીય પ્રયુક્તિ અને કાનૂની જોગવાઈને આપણે સ્વાયત્તતા કહીએ છીએ.
સદ્દભાગ્યે, દેશની સાહિત્ય અકાદેમીના ચુંટાયેલા, રિપીટ, ચુંટાયેલા પ્રમુખ ઉમાશંકર જોશીએ અક્ષર બિરાદરીને જગવ્યાથી અને દર્શક સરખા સાહિત્યસેવી સ્વાતંત્ર્યસૈનિકે સીધો રસ લીધાથી ગુજરાતમાં સ્વાયત્ત સાહિત્ય અકાદમીનો એક કાર્યસાધક ઢાંચો બનેલો છે. યુનિવર્સિટીઓ અને સાહિત્યસંસ્થાઓના ને સરકારી પ્રતિનિધિઓ ઉપરાંત આ ઢાંચાની ખાસ વિશેષતા નોંધાયેલા લેખકોની અલાયદી કૉન્સ્ટિટ્યુઅન્સીનીયે છે જે અન્ય રાજ્યોની અકાદમીઓમાં ભાગ્યે જ હશે. આ સૌનું જે મતદારમંડળ (ઇલેક્ટોરલ કૉલેજ) બને તે અધ્યક્ષને ચૂંટી કાઢે. આવો જે એક ઢાંચો આપણે ત્યાં હાજરાહજૂર છે એને ફેરજાગતો અને ગાજતો કેમ ન કરી શકીએ? ગુજરાત મોડેલની એ એક ગૌરવ ઘટના હશે.
e.mail : prakash.nireekshak@gmail.com
સૌજન્ય : “નિરીક્ષક”, 01 ફેબ્રુઆરી 2022; પૃ. 16
![]()


‘એક અજાણ્યા ગાંધીની આત્મકથા’ આપણા કવિ, એક બિન નિવાસી ગુજરાતી અને નાણાકીય બાબતોના વિશ્વવિખ્યાત નિષ્ણાત નટવર ગાંધીની આત્મકથા છે. 2016માં પ્રસિદ્ધ થયેલી 270 પાનાની આ આત્મકથા ઉપરાંત આગળ 20 પેજની પ્રસ્તાવના છે અને પાછળ 40 પેજનાં બે લાંબા લખાણો છે જે અમેરિકામાં વસતા ભારતીઓ અને અમેરિકામાં હાલમાં સર્જાઈ રહેલા ગુજરાતી સાહિત્યની દશા અને દિશા સૂચવે છે. Amazon પરથી માહિતી મળે છે કે આ આત્મકથા અમેરિકામાં Still the Promised Land શીર્ષકથી 2019માં પ્રકાશિત થઈ છે. વાચકને આ શીર્ષક જાણીતું લાગવાનો સંભવ છે કેમ કે અમેરિકના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાની આત્મકથાના બીજા ભાગનું શીર્ષક થોડું મળતું આવતું છે, A Promised Land જે 2020માં બહાર પડી. એ જોતાં નટવર ગાંધીને શીર્ષક પહેલા સૂઝયું એમ કહેવાય. ખેર, હાલ તો આપણે ગુજરાતી આત્મકથાની વાત કરીએ –
ટપાલ આવી હોય એવું મને યાદ નથી.’(39) લેખકે કેમેરાની આંખે ગામનું લંબાણપૂર્વકનું વર્ણન કર્યું છે ત્યાં પણ એમને ક્યાં ય કશું આકર્ષક લાગ્યું નથી. એમને જાણે કે સ્પર્શ, ગંધ અને સ્વાદ પ્રત્યે અણગમો હોય એવું સતત લાગ્યા કરે. દાદાના ગાંઠિયા ખાવાના અતિ શોખને એમણે ‘ઇંડલજન્સ’ – વ્યસન – તરીકે ઓળખાવ્યું છે. કુટુંબભાવનાના અભાવ વિષે એમણે લખ્યું છે, એટલે સુધી કે ‘જાણે કે કોઈ અજાણ્યા માણસો અકસ્માતે એક ઠેકાણે ભેગા થઈ ગયા હોય એમ અમે બધાં સાથે રહેતા.’(54) રહી રહીને લેખક પોતાના અને બીજાં ભાઈબહેનોના ઉછેરમાં વડીલોએ દાખવેલી બેદરકારીની વાત કરે છે, ‘જેવી રીતે શેરીમાં કૂતરાં બિલાડાં ઉછરી જાય એમ અમે ઉછરી ગયાં.’ (59) છેવટે ન્યાય કરવા એ એક વાક્ય લખે છે, ‘એનો અર્થ એ નહીં કે એમને અમારે પ્રત્યે માબાપને સંતાનો પ્રત્યે સહજ વ્હાલ અને પ્રેમ હોય તે નહોતાં, પણ એ જમાનો જ જુદો હતો.’ (59) છતાં એ કહ્યા વગર રહી શકતા નથી કે, ‘પણ મારે જો આ મારી કથા પ્રમાણિકતાથી લખવી હોય તો મારા મનમાં કાકા (અહીં, લેખકના પિતા) વિષે જે ઉબળખો ભર્યો છે તે કાઢવો જ જોઈએ. ખોટો ખોટી સુષ્ઠુ સુષ્ઠુ વાતો કરવાનો કોઈ અર્થ નથી.’ ( 61) સ્કૂલ વિષે લખે છે, ‘સ્કૂલમાં પણ ગીતસંગીતના ક્લાસ નહોતા’. (35)
પણ કિસ્મતનું ચક્ર બદલાય છે અને એમને રતિભાઈ નામના સગાનો ભેટો થાય છે જેમને એક જમાનામાં લેખકનાં માતા-પિતાએ આશરો આપેલો. આ વાત રતિભાઈ ભૂલ્યા નહોતા. એમણે લેખકની આંખ ખોલી કે ક્યારેક શેઠ થઈશું એવી આશામાંને આશામાં લોકો ગુમાસ્તા કે મહેતાજી તરીકે જિંદગી કાઢી નાખે છે, અને એમ જ પગ ઘસડીને ગુજરી જાય છે. જો પ્રગતિ કરવી હોય તો ભણ્યા વગર છૂટકો નથી. વાત સાચી, પણ ભણતરનો ખર્ચો કોણ આપે? પિતાજી પોતે આખા કુટુંબનું માંડ પૂરું કરતાં, વળી એમની સાથે એવો કોઈ સંબંધ જિંદગીભર બંધાયો નહોતો કે જેમાં પોતાની આશાસ્પદ કારકિર્દીની ચર્ચા કરી શકે. એમને તો દીકરો જલદી કમાતો થાય એ સિવાય કશામાં રસ નહોતો. રતિભાઇએ ખર્ચાનો પ્રશ્ન પણ હલ કરીને પોતાને ત્યાં ટ્યુશન અપાવ્યું. મૂળે લેખકનાં મનમાં ભૂત હતું સાહિત્યનો અભ્યાસ કરવાનું પણ એમાં નોકરી ન મળે એમ કહી એ ખયાલ પણ રતિભાઈએ ઓગાળી નાખ્યો અને સિડનહામ કોલેજમાં કોમર્સમાં પ્રવેશ લેવરાવીને જ્ઞાતિની હોસ્ટેલમાં પણ રહેવાની વ્યવસ્થા કરાવી. લેખકની જિંદગીમાં આ સૌથી મોટો વળાંક છે. આના આધારે જ પછી એમનો અમેરિકા જવાનો રસ્તો ખૂલ્યો. આ ઉપકાર લેખક જિંદગીભર ભૂલ્યા નથી, એટલું જ નહીં પણ આ આત્મકથા – એમણે જેમ અત્યારે ચાલ છે એમ માતા-પિતા કે ગુરુજનોને નહીં પણ – રતિભાઈમે અર્પણ કરી છે.
શિક્ષણના ક્ષેત્રમાં સાથી અધ્યાપકોમાં જોયું તો, ‘અહીં ફેકલ્ટીમાં ઉચ્ચ કક્ષાના અધ્યાપકો બહુ ઓછા હતા. હા, જેમનો જે વિષય હોય, અને જે ભણાવતા હોય, તેમાં હોંશિયાર હોય એ ખરું, પણ પછી બીજી બધી બાબતોમાં એમનું જ્ઞાન કે સમજણ સામાન્ય કક્ષાના ….. અમેરિકન પબ્લિક અફેર્સ અને રાજકારણની બાબતમાં તેમના કરતાં હું વધુ જાણતો હતો! ….. જો પ્રોફેસરો અને ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓ મારી દૃષ્ટિએ બૌદ્ધિક ક્ષેત્રે પછાત હોય, તો પછી સામાન્ય લોકોની તો શી વાત કરવી?’ (204) આ છે એમનું અમેરિકા દર્શન! આપણને અહીં બેઠા એમ થાય કે અમેરિકન પ્રોફેસરો પ્રખર બુદ્ધિમતાવાળા હશે, હાર્વર્ડ કે જહોન્સ હોપકીન્સ યુનિવર્સિટીઓમા એવું હશે પણ એ દેશમાં મોટા ભાગે આવા જ હાલ છે. હવે લેખકના જીવનમાં પ્રોફેશનલ કટોકટી શરૂ થાય છે. લેખકને એમ હતું કે હજી અમેરિકન યુનિવર્સિટીઓમાં કેનેથ ગાલબ્રેથ જેવા અર્થશાસ્ત્રીઓની લેખન પ્રણાલી અમલમાં હશે કે જે મુજબ અઘરા આર્થિક મુદ્દાઓને લોકભોગ્ય અને પ્રવાહી શૈલીમાં રજૂ કરીને અભ્યાસલેખો લખાતા હોય. ત્યાંની યુનિવર્સિટીમાં અધ્યાપકોએ દર વરસે પોતાના વિષય અંગે ફરજિયાત અભ્યાસલેખ લખવાં પડે અને પ્રતિષ્ઠિત જર્નલમાં છપાવવા પડે. અર્થશાસ્ત્રમાં મેથેમેટિકલ ઈક્વેશન અને ઇંપિરિકલ એનાલિસિસ પદ્ધતિનો ઉપયોગ કરીને લેખો લખવા પડે એ સિવાય નોકરીમાં ચાલુ ન રહી શકાય. ફક્ત આ પદ્ધતિએ તમે લખો તો જ નોકરીમાં ટકી શકો. આ અમેરિકન શિક્ષણ પદ્ધતિની મોટી ખામી છે પણ એ જ વાસ્તવિકતા હતી. તેમ છતાં લેખકે પ્રયત્ન તો કર્યો અને એવો થીસિસ રજૂ કર્યો કે એકાઉન્ટિંગ ક્ષેત્રનું ભવિષ્ય આંકડાઓમથી બહાર નીકળવામાં છે. એ વાત વ્યાવહારિક રીતે શક્ય નહોતી. સાહિત્યના કોઈ અધ્યાપક એવું સાબિત કરી દે કે સાહિત્યનું ભવિષ્ય ભાષા છોડવાનું છે એવી વાત થઈ. આટલું અવ્યવહારિક સંશોધનકાર્ય પૂરું કર્યા પછી બેટન રુજમાં પોતાનું ભવિષ્ય નથી એ સમજી જઈને લેખકે એ ગામ પણ છોડયું અને પીટસબર્ગ તરફ હંકાર્યું. ત્યાં નેચરલાઇઝ્ડ અમેરિકનની જેમ ઘર લીધું. અમેરિકામાં રહેલા બિન નિવાસી વસવાટીની બેવડી જિંદગી અંગે લેખક નોંધે છે કે, ‘અમે સોમથી શુક્ર સુધીના અમેરિકન, શનિ રવિએ પાછા ઇંડિયન થઈ જઈએ. ભલે અમે અમેરિકામાં રહીને અમારો કામધંધો કરીએ, પણ ઘરે આવીએ ત્યારે પાછું બધું અમારું ઇંડિયન જ! અમારું ખાવા પીવાનું, ઓઢવા પહેરવાનું, બોલવા ચાલવાનું ખાસ કરીને વિકએન્ડમાં બધું ઇંડિયન જ સમજો. (217) દરમિયાનમાં લેખક બે બાળકોના પિતા થયા હતા, આ બાજુ થીસિસને આધારે તૈયાર કરેલો આર્ટિકલ ક્યાં ય છપાતો નહોતો, લેખકને ભાન થાય છે કે શિક્ષણના ક્ષેત્રમાં આજીવન રહેવું હોય તો મૂળે સ્કૉલર હોવું જરૂરી છે પણ,’ ભલે હું પીએચ.ડી. થયો પણ સાચા અર્થમાં હું સ્કૉલર ન હતો, વધુમાં હું સ્કૉલર થઈ શકું એવી કોઈ શક્યતા પણ નહોતી ….. મારો એટેન્શન સ્પાન બહુ મર્યાદિત છે. હું ભલે મેક્ષ વેબરની વાતો કરું, પણ એના જેવા થવા માટે જે અસાધારણ પરિશ્રમપરાયણતા જોઈએ, જે ધીરજ જોઈએ એનો મારામાં સર્વથા અભાવ છે. …. પુસ્તક લખવાની વાત બાજુએ મૂકો પણ કોઈ પુસ્તક આખુને આખું વાંચવાની ધીરજ મારામાં નથી …. ગુજરાતી કે અંગ્રેજી સાહિત્યના અગત્યના ગ્રંથો મેં વાંચ્યા નથી.’ (223) પોતાની જાત વિષેનું આ ક્રૂરતમ નિરીક્ષણ છે અને આવું આત્મદર્શન થયા પછી એની શબ્દો ચોર્યા સિવાય કબૂલાત કરવાની પારદર્શકતા કેટલામાં હોય છે?
ભારતમાં અત્યારે અર્થતંત્રમાં તેજીનો પુનઃસંચાર થઈ રહ્યો છે એવી વાતો, ખાસ કરીને શાસકો દ્વારા કરવામાં આવે છે. પણ ૨૦૨૧ના ડિસેમ્બરમાં બેકારી વધીને ૭.૯૧% થઈ હતી જે ૨૦૧૮-૧૯માં ૬.૩% હતી અને ૨૦૧૭-૧૮માં ૪.૭% હતી. શહેરી વિસ્તારોમાં ૨૦૨૧માં બેકારીનું પ્રમાણ ૯.૩૦% હતું અને ગ્રામીણ વિસ્તારોમાં બેકારીનું પ્રમાણ ૭.૨૮% હતુ. ૨૦૧૯-૨૦ અને ડિસેમ્બર ૨૦૨૧ વચ્ચે ઉદ્યોગોમાંથી ૯૮ લાખ નોકરીઓ ઓછી થઈ અને ખેતીના ક્ષેત્રે ૭૪ લાખનો વધારો થયો. આ ઘટના અંગ્રેજોના શાસનમાં ઇંગ્લેન્ડમાં થયેલી ઔદ્યોગિક ક્રાંતિને કારણે ભારતમાં ઉદ્યોગોના ક્ષેત્રે ઘટેલી રોજગારી અને ખેતીના ક્ષેત્રે શ્રમિકોનો વધારો થયો તેની યાદ આપે છે.