Opinion Magazine
Number of visits: 9962456
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

આ યુ.પી.માં ચૂંટણી?

ભરત મહેતા|Opinion - Opinion|2 February 2022

રણમેદાન અસ્તવ્યસ્ત છે અને ખેલાડીઓ જુદ્ધ ખેલવાના ધખારાં બતાવી રહ્યાં હોય એવી નરક સમી ઉત્તર પ્રદેશમાં હાલત છે. યુ.પી. સરકારના મંત્રી દારાસિંહે રાષ્ટ્રપતિને જે પત્ર લખ્યો એમાંથી ભા.જ.પ.નો આંતરવિરોધ વિસ્ફોટની માફક ફૂટી નીકળ્યો છે. ચૂંટાયેલા ધારાસભ્યો, મંત્રીઓ એકાએક અન્ય પક્ષો તરફ કેવળ લાલચથી જ વળે એ માની શકાતું નથી. ભા.જ.પ. ધનવાન, વગદાર, કેન્દ્રીય સત્તાવાળી પાર્ટી હોય ત્યારે વિચારવું જોઈએ. હકીકતે યોગીશાસન દુઃશાસન જ રહ્યું છે, જેનો પણ આ પડઘો છે.

કોરોનાપૂર્વે સરકારી હૉસ્પિટલમાં ઑક્સિજન વિના બાળકો મરી જાય અને એને બચાવનાર(થોડાંક)ને, ડૉક્ટરને રિબાવવામાં આવે! ઉન્નાવમાં ધારાસભ્ય સેંગર બળાત્કાર કરે. અન્યત્ર જ પીડિતાનું શરીર કુટુંબને સોંપ્યા વિના અગ્નિસંસ્કાર કરી દેવાય! પ્રધાન ધમકી આપે, અને પ્રધાનપુત્ર ગાડી ખેડૂતો પર ચડાવીને ખેડૂતોને મારી નાંખે! જ્યાં યોગી ચૂંટણી ટાણે હવે નહેરુ નહીં, જિન્નાહને યાદ કરે! ગન્ના વિરુદ્ધ જિન્નાહ! ૮૦, ૨૦ની વાત કરીને, ધર્મનિરપેક્ષતાના શપથ લેનાર મુખ્ય મંત્રી ખુલ્લેઆમ સાંપ્રદાયિક હાકલ કરે અને ચૂંટણી આયોગ નમાલું બનીને તમાશો જોયા કરે! UAPA હેઠળ કોઈને પણ પકડી લેવામાં આવે! હમણાં જ ગોરખપુરમાં જે પરિવારને મરાયો એ પોલીસ સામે સી.બી.આઈ.એ ચાર્ટશીટ કરી છે! ખેડૂતોને કચડી નાંખે, મારી નાખનારને બચાવનાર પોલીસ સામે સરકારી ફરિયાદ થઈ છે! લખનૌમાં શંકાના આધારે હિંદુ ઇજનેરને ભૂલમાં મારી નંખાયો! ‘બધાંમાં રાજ્યને મદદ કરનાર ડી.જી.પી. હવે સત્તાવાર ભા.જ.પ.ના ઉમેદવાર પણ બન્યા!

અપરાધમુક્ત ઉત્તર પ્રદેશની જાહેરાત દિલ્હીથી માંડી કર્ણાટક સુધી મેટ્રોથી માંડી રોડ રસ્તે બૅનર, પોસ્ટરથી કરાઈ છે, જે અફવા છે. અમિત શાહ કે યોગી વાંચતા જ નથી. ગૃહમંત્રાલયના NCBના રિપોર્ટમાં જ અપરાધોની સંખ્યા વધી છે તે દર્શાવાયું છે. વળી, ૨૦૧૯ના આંકડાઓ શહેર મુજબ – કાનપુર, ગાઝિયાબાદ કે લખનૌના જુઓ તો અનુક્રમે બમણાં, આઠ ગણાં અને છ ગણાં થયાં છે! આ જ રિપોર્ટમાં ઘરેલુ હિંસા અને બળાત્કારમાં થયેલો વધારો છે. દલિત મહિલા પર ૭% અને આદિવાસી પર ૧૩% બળાત્કારો વધ્યાં છે! ઍન્ટિ રોમિયો સ્ક્વૉડના નામે પ્રેમી-યુગલોને પરેશાન કરવામાં પાછી પાની કરી નથી, જેમાંથી યુ.પી.માં ભા.જ.પ. આવ્યો એ મુઝફ્ફનગરની લવ-જેહાદવાળી નીતિ પણ ચાલુ જ રહી. ઢગલો ઍન્કાઉન્ટર્સ. પરિવારોની અંગત જિંદગી પણ તબાહ કરાઈ રહી છે.

દમદાર, ઈમાનદાર સરકારની વાત કરનાર યોગીજી રાજ્યનું ૭૦% બજેટ પણ વાપરી શક્યા નથી! શંખનાદ અને ઘંટનાદ જ ચાલે છે. કાશી કોરિડોર અને રામમંદિરના નામે સેંકડો ઐતિહાસિક મંદિરોનો ખાતમો બોલાવ્યો છે. અયોધ્યામાં દલિતોની જમીનો પક્ષના કાર્યકરો, સરકારી અધિકારીઓએ પડાવી લીધી છે. જેની વિગતો સમૂહમાધ્યમમાં આવી ચૂકી છે. વારે વારે ગંગાની વાત કરનારાંઓ ગંગા, યમુના, ગોમતીને જોઈ આવોઃ નરકમાં રૂપાંતરિત થઈ રહી છે. ગંગા એક્સપ્રેસ હાઇવેની યોજના જેમાં ૧૪૦ તળાવોનો નાશ થવાનો છે.

શિક્ષણ પણ રામભરોસે ચાલે છે. યોગીજીના મંત્રાલયે જ પાંચ વર્ષની સમીક્ષા કરાવી છે. શિક્ષકોની યુ.પી.માં ૨૧% જગાઓ ખાલી છે. રાજ્યોમાં ૧૮,૦૦૦ શાળાઓ માત્ર એક જ શિક્ષકથી ચાલે છે. પટાવાળો પણ શિક્ષક જ. પરીક્ષાનાં કૌભાંડો ગુજરાત જેવાં અને જેટલાં જ રહ્યાં છે. વિશ્વગુરુની વાતો કરનારાંઓએ જોવું જોઈએ કે શિક્ષણમાં યુ.પી. ૧૭મા ક્રમે છે! તેલંગાણા, બિહાર અને ઝારખંડ સાથે! શિક્ષણવંચિત પેઢી તૈયાર કરાઈ રહી છે. 'બચ્ચા બચ્ચા રામ કા, અનપઢો કે કામ કા.' ભારતમાં ગયા વર્ષ કરતાં ૨૩ લાખ બાળકોનું એનરોલમેન્ટ ઓછું થયું એમાં એકલા ઉત્તર પ્રદેશનો સિંહફાળો ૭ લાખનો છે! પોસ્ટરબોય પ્રચારજીવી મુખ્ય મંત્રીએ આ આંકડા જોયાં છે? ઉચ્ચ શિક્ષણની તો વાત જ જવા દો. ઉત્તરવહીઓની ઢીલી તપાસના આંકડાથી છાપાં ઉભરાતાં હતાં. ૯૦% શાળાઓ માપદંડ મુજબની નથી. અલ્હાબાદ કોર્ટે ચુકાદો આપેલો સરકારી કર્મચારીઓએ ફરજિયાત પોતાનાં સંતાનોને સરકારી શાળામાં ભણાવવા પડશે અન્યથા કડકમાં કડક સજા થશે. આ આદેશનું જરા પણ પાલન થયું જ નથી! યુપીમાં ૬,૨૯,૦૦૦ બાળમજૂરો છે! પંદર કરોડ કરોડ લોકો યુ.પી.માં બેકાર છે. ૫૪% મહિલાઓ નિરક્ષર છે. મહિને અપાતાં ૧૦ કિલો અનાજ, મીઠું, દાળ તેલમાં થતી ભેળસેળ રોજબરોજની ઘટના છે.

આ બધાંનું શું કરવાનું એની વાત ભા.જ.પ. કરતું જ નથી. કરવા માંગતું પણ નથી. હજુ ઘોષણાપત્ર કેમ રજૂ નથી કર્યું? હકીકત એ છે કે એમને સાંપ્રદાયિકતાના જોરે જ ચૂંટણી જીતવી છે. તેથી જ જિન્નાહ – ગન્ના , ૮૦-૨૦ ચાલ્યાં કરે છે. જેનાથી સામાજિક વિભાજન વધુ મજબૂત થઈ શકે. સાંપ્રદાયિકોને 'રાષ્ટ્ર' બોલતાં શરમ આવવી જોઈએ. એ લોકોએ રાષ્ટ્રનો મેગાસેલ માંડ્યો છે. એક મીટર રેલવે લાઇન નથી નાંખી એને રેલવે, જેણે એક મીટર હવાઈપટ્ટી નથી નાંખી એને વિમાનમથકો આપી દીધાં છે! ખેડૂતોની શેરડીના કરોડો રૂપિયા બાકી છે ચૂકવવાના એની વાત નથી થતી. કોરોનામાં ગંગામાં તરતી લાશો તરફ યોગીજીને કોઈ મોહમાયા ન હતી, એ જ ગંગામાં મોદીજીની એક ડૂબકી સાડા છ કરોડમાં પડી! સાંપ્રદાયિકોને રાષ્ટ્ર, દલિત, શિક્ષણ, આરોગ્ય કોઈની સાથે સંબંધ નથી હોતો. બાકી ગૌમાંસ નિર્યાતમાં યુ.પી. પ્રતિ વર્ષ ૧૭,૦૦૦ કરોડનો વેપાર કરે છે. (ભારતના ગૌમાંસ નિર્યાતના નવ મોટાં વેપારી નવેનવ હિન્દુ છે!) પણ સાંપ્રદાયિકો ઉના જેવી ઘટના માંસાહારના નામે કરી શકે છે. લોકોની ખાણી-પીણી, ધર્મ, રીતરિવાજ, લગ્નપસંદગીના વિવિધ મુદ્દાઓ પર તોફાનો થાય છે.

આ બધાની વચ્ચે પણ કિસાન આંદોલનથી હવા બદલાઈ છે. કદાચ, પ્રજા હિન્દુમુસ્લિમના મુદ્દાથી અળગી રહેશે. ભા.જ.પ. આવવાનું કારણ વિકાસ, અને દલિતો-લઘુમતીને પણ અચ્છે દિનની આશા હતી. જે નથી ફળી એ દારાસિંહનો પત્ર પ્રતીતિ કરાવે છે. પક્ષ છોડે કે તરત જ એ મંત્રી કે ધારાસભ્ય પર વર્ષો પહેલાંના પોલીસ કેસ ખૂલવા માંડે છે. સામ-દામ-દંડ-ભેદમાં કુશળ ભા.જ.પ. આવા યુ.પી.માં જીતે કે ન જીતે પણ એની લોકપ્રિયતાનો આંક ખાસ્સો નીચો ગયો છે એ તો હવામાનમાંથી પારખી શકાય છે.

સૌજન્ય : “નિરીક્ષક”, 01 ફેબ્રુઆરી 2022; પૃ. 09

Loading

ભારતમાં બેકારી

રમેશ બી. શાહ|Opinion - Opinion|2 February 2022

ભારતમાં અત્યારે અર્થતંત્રમાં તેજીનો પુનઃસંચાર થઈ રહ્યો છે એવી વાતો, ખાસ કરીને શાસકો દ્વારા કરવામાં આવે છે. પણ ૨૦૨૧ના ડિસેમ્બરમાં બેકારી વધીને ૭.૯૧% થઈ હતી જે ૨૦૧૮-૧૯માં ૬.૩% હતી અને ૨૦૧૭-૧૮માં ૪.૭% હતી. શહેરી વિસ્તારોમાં ૨૦૨૧માં બેકારીનું પ્રમાણ ૯.૩૦% હતું અને ગ્રામીણ વિસ્તારોમાં બેકારીનું પ્રમાણ ૭.૨૮% હતુ. ૨૦૧૯-૨૦ અને ડિસેમ્બર ૨૦૨૧ વચ્ચે ઉદ્યોગોમાંથી ૯૮ લાખ નોકરીઓ ઓછી થઈ અને ખેતીના ક્ષેત્રે ૭૪ લાખનો વધારો થયો. આ ઘટના અંગ્રેજોના શાસનમાં ઇંગ્લેન્ડમાં થયેલી ઔદ્યોગિક ક્રાંતિને કારણે ભારતમાં ઉદ્યોગોના ક્ષેત્રે ઘટેલી રોજગારી અને ખેતીના ક્ષેત્રે શ્રમિકોનો વધારો થયો તેની યાદ આપે છે.

નોકરીઓની ગુણવત્તા પણ કથળી છે. ઉજળિયાત નોકરીઓ જેમાં ચૂકવાતા વેતનને અંગ્રેજીમાં સેલેરી કહેવામાં આવે છે તેનું પ્રમાણ ઘટ્યું. ૨૦૧૯-૨૦માં એ પ્રમાણ ૨૧.૨% હતું જે ઘટીને ૨૦૨૧માં ૧૯% થયું. આનો અર્થ એવો થાય કે એટલા પ્રમાણમાં લોકો બેકાર થયા અથવા બિનસંગઠિત ક્ષેત્રમાં જોડાયા. જો કે, બિનસંગઠિત ક્ષેત્ર પોતે પણ સંકોચાયું છે. આ સમય દરમિયાન કુલ રોજગારી ૪૦.૮૯ કરોડ હતી. એ ઘટીને ૪૦.૦૬ કરોડ થઈ. દરમિયાન એક કરોડ યુવાનો રોજગારીની શોધમાં શ્રમના બજારમાં આવ્યા હતા.

વ્યાપક રીતે પ્રવર્તતી બેકારીનું એક પરિણામ એ આવ્યું છે કે ભારતમાં જેને અર્થશાસ્ત્રમાં શ્રમની સામેલગીરીનો દર કહેવામાં આવે છે તે ઘણો નીચે રહે છે. ૨૦૨૦માં તે ભારતમાં ૪૬% હતો એટલે કે કામ કરી શકે એ વયના ૪૬% લોકો રોજગારીમાં હતા કે બેકાર હતા. જે લોકો રોજગારીની શોધમાં હોય અને બેકાર હોય તેને પણ સામેલગીરીના દરમાં સમાવવામાં આવે છે. જે લોકો રોજગારીની શોધમાં ન હોય એને જ શ્રમના સામેલગીરીના દરમાં સમાવવામાં આવતાં નથી. ભારત જેવા વિકાસશીલ દેશમાં સામેલગીરીનો દર કેટલો હોય છે તેના કેટલાક આંકડા નોંધીએ. બ્રાઝિલમાં ૫૭%, ચિલીમાં ૫૭%, ચીનમાં ૬૭%, ઘાનામાં ૬૬% અને મલેશિયામાં ૬૪% હતો. આનો અર્થ એ થાય કે ભારતમાં આપણે શ્રમશક્તિનો પ્રમાણમાં ઓછો ઉપયોગ કરીએ છીએ. આપણી ગરીબીનું આ એક કારણ છે.

ભારતમાં રાજ્યો દીઠ બેકારીનો પ્રમાણમાં મોટો તફાવત છે. ૨૦૨૧ના ડિસેમ્બરમાં સૌથી વધારે બેકારી હરિયાણામાં હતી જે ૩૪% હતી. બીજા નંબરે રાજસ્થાન હતું જ્યાં ૨૭% લોકો બેકાર હતા. ત્રીજા નંબરે ઝારખંડ હતું જ્યાં ૧૭% લોકો બેકાર હતા. બિહારમાં બેકારીનું પ્રમાણ ૧૬% હતું.

એન.એસ.એસ.ઓ.ના રિપોર્ટ પ્રમાણે ૨૦૧૯માં ભારતમાં ૪૫ વર્ષમાં સૌથી વધારે બેકારી હતી. ખાસ કરીને યુવાનોમાં બેકારીનું પ્રમાણ વધારે જોવા મળે છે. ૨૦થી ૨૪ વર્ષની વયની વ્યક્તિઓમાં તે ૩૪% હતું. અને ૨૦થી ૨૯ વર્ષની વયની વ્યક્તિઓમાં બેકારીનું પ્રમાણ ૨૮% હતું. એનો અર્થ એવો થાય કે ૩ કરોડ યુવાનો બેકાર હતા એની સરખામણીમાં ૨૦૧૭માં ૧.૭૮ કરોડ લોકો બેકાર હતા. એ જુદી વાત છે કે કાંદાના ભાવની જેમ યુવાનોની બેકારી ચૂંટણીનો મુદ્દો બનતો નથી. પણ શાસકોએ યુવાનોની બેકારીને દેશની એક નંબરની સમસ્યા ગણવી જોઈએ. દુર્ભાગ્યે જેનાથી રોજગારી વધે એ મૂડી રોકાણમાં ઘટતું જાય છે. ૨૦૧૧માં એ જી.ડી.પી.ના ૩૪.૩% હતું, ૨૦૨૦માં એ ઘટીને ૨૭% થયું છે.

સંગઠિત ક્ષેત્રમાં બેકાર થયેલા લોકો પાસે પ્રોવિડન્ટ ફંડ રૂપે સંચિત બચત હોય છે એનાથી એ કામ ચલાવે છે. પણ બિનસંગઠિત ક્ષેત્રમાં, મુખ્યત્વે ગ્રામીણ વિસ્તારોમાં આવી કોઈ સગવડ હોતી નથી. એ લોકો માટે આજે ‘મનરેગા’ સામાજિક સલામતીની યોજના બની છે. ૨૦૧૯માં ૮.૫૬ કરોડ મજૂરદિવસોની રોજગારી સર્જાઈ હતી જે વધીને એપ્રિલ-ઑક્ટોબર ૨૦૨૧ના ગાળામાં ૧૧ કરોડ હતી. આમ જેની વડા પ્રધાન મોદીએ એક વખત હાંસી ઉડાવી હતી એ યોજના જ આજે લોકો માટે રાહતરૂપ થઈ છે.

સૌજન્ય : “નિરીક્ષક”, 01 ફેબ્રુઆરી 2022; પૃ. 10 તેમ જ 12

Loading

બહુઆયામી પ્રયાસોથી આત્મહત્યાઓ અટકાવી શકાય છે.

ચંદુ મહેરિયા|Opinion - Opinion|2 February 2022

લગભગ રોજેરોજ આપણને આત્મહત્યાના સમાચાર વાંચવા-જોવા મળે છે. જો ભોગ બનનાર કોઈ નજીકની વ્યક્તિ ન હોય તો આવા સમાચારોની ખાસ કશી અસર ન થતી હોય એમ પણ બનવાજોગ છે. આત્મહત્યાના બનાવોમાં મોખરાના વીસ દેશોમાં ભારતનો સમાવેશ થાય છે. વિશ્વ આખામાં વરસે દહાડે દસથી વીસ લાખ આત્મહત્યાના પ્રયાસોમાં આઠથી દસ લાખ લોકોનાં મોત થાય છે.

નેશનલ ક્રાઈમ રેકર્ડ્સ બ્યૂરોના ‘સ્યુસાઈડ્સ એન્ડ એક્સિડેન્ટલ ડેથ્સ ઈન ઇન્ડિયા’ રિપોર્ટ મુજબ ૨૦૨૦માં ભારતમાં ૧,૫૩,૦૫૨ લોકોએ આત્મહત્યા કરી હતી. ૨૦૧૯ કરતાં ૨૦૨૦માં દસ ટકા વધારે આત્મહત્યા થઈ છે. ૨૦૨૦ના કોરોના કાળમાં આત્મહત્યા કરીને જીવનનો અંત આણનારા લોકોમાં દાડિયા મજૂરો અને ગૃહિણીઓનું પ્રમાણ વધારે હતું. મહિલાઓની તુલનામાં પુરુષો વધુ આત્મહત્યા કરે છે. આત્મહત્યા કરનારાનાઓમાં પુરુષો ૧,૦૮,૫૩૨ (૭૦.૯ ટકા) અને મહિલાઓ ૪૪,૪૯૮ (૨૯.૧ ટકા) હતા. ૬૬.૧ ટકા પરિણિત લોકોની આત્મહત્યા, આત્મહત્યા કરનારી મહિલાઓમાં ૫૦.૩ ટકા ગૃહિણીઓ અને આત્મહત્યા પાછળનું સૌથી મોટું (૩૩.૬ ટકા) કારણ કૌટુંબિક સમસ્યા હોવું – આત્મહત્યાની સમસ્યા આપણા કુટુંબ જીવનને કેટલી મોટી અસર કરે છે. તે દર્શાવે છે.

આમ તો તમામ વયજૂથના અને આવકના લોકો આત્મહત્યા કરતા હોય છે. પરંતુ ૨૦૨૦ના આંકડા દર્શાવે છે કે આત્મહત્યા કરનારા પૈકી ૯૬,૮૧૦(૬૩.૩ ટકા)ની વાર્ષિક આવક રૂપિયા એક લાખ રૂપિયાથી ઓછી અને ૪૯,૨૭૦(૩૨.૨ ટકા)ની આવક એકથી પાંચ લાખ હતી. એટલે ગરીબી  – બેકારી જેવી આર્થિક સમસ્યાને કારણે તેમણે જીવન ટૂંકાવ્યું હતું. કોરોના મહામારી અને તાળાબંધીએ અસંગઠિત ક્ષેત્રોના શ્રમિકોનું જીવવું દોહ્યલું કરી મૂક્યું હતું. રોજનું કમાઈને ખાનારા લોકો માટે જીવન ગુજારાનો કોઈ ઉપાય ન રહેતા ૩૭,૦૦૦ લોકોને ૨૦૨૦માં આત્મહત્યા કરવા મજબૂર થવું પડ્યું હતું.

ખેડૂતોની આત્મહત્યા ઘણાં વરસોથી ચિંતા અને ચકચાર જગાવે છે. પરંતુ હવે ખેડૂતોના જેટલાં જ ખેતકામદારો પણ આત્મહત્યા કરે છે, તે સવિશેષ ચિંતાનો વિષય બનવો જોઈએ. ૨૦૨૦ના વરસમાં ખેતીક્ષેત્ર સાથે સંકળાયેલા ૧૦,૬૭૭ લોકોએ આત્મહત્યા કરી હતી. તેમાં ૫,૫૭૯ ખેડૂતો અને ૫,૦૯૮ ખેત કામદારો હતા. ગુજરાતમાં ૫ ખેડૂતો અને ૧૨૬ ખેત કામદારોના આત્મહત્યાથી મોત થયાનું નોંધાયું છે. ખેતીમાં ઝાઝી બરકત ન રહેવી, પાક નિષ્ફળ જવો અને દેવું – ખેતી ક્ષેત્રની આત્મહત્યાનું કારણ છે.

દુનિયાના અન્ય દેશોમાં મોટી ઉમરના લોકો આત્મહત્યા કરતા નોંધાયા છે. પરંતુ ભારતમાં યુવાનો અને આધેડ વયના લોકો વધુ આત્મહત્યા કરે છે. ૧૮થી ૪૫ વરસના ૬૫.૮ ટકા લોકોએ આત્મહત્યા કરી હતી. તેમાં દસેક ટકા વિધ્યાર્થીઓ હતા. આત્મહત્યા કરનારાઓમાં માત્ર ૧૨.૬ ટકા જ અશિક્ષિત હતા. જ્યારે ૪ ટકા જ ઉચ્ચ શિક્ષણ મેળવેલા હતા. એટલે મોટો વર્ગ મધ્ય શિક્ષણ મેળવેલો હતો. અધૂરા કે રોજગારવિહીન શિક્ષણનાં કારણે જેમ આત્મહત્યાઓ થાય છે તેમ ઉચ્ચશિક્ષણની સંસ્થાઓમાં સામાજિક ભેદભાવ અને જ્ઞાતિ ઉત્પીડન પણ યુવાનોની આત્મહત્યાનું કારણ બને છે. લોકસભાના છેલ્લા શીતકાલીન સત્રમાં કેન્દ્રીય શિક્ષણ મંત્રીએ આપેલી માહિતી પ્રમાણે આઈ.આઈ.ટી., આઈ.આઈ.એમ. અને સેન્ટ્રલ યુનિવર્સિટીઓમાં ૨૦૧૪થી ૨૧માં ૧૨૨ વિધ્યાર્થીઓએ આત્મહત્યા કરવી પડી હતી. તેમાં ૪૧ અન્ય પછાત વર્ગના, ૨૪ દલિત અને  ૩-૩ આદિવાસી-લઘુમતી વર્ગના હતા.

નેશનલ ક્રાઈમ રેકર્ડ બ્યૂરોના આંકડા પોલીસ ચોપડે નોંધાયેલી આત્મહત્યાઓ જ દર્શાવે છે. ખરેખર તેના કરતાં વધુ મોત થાય છે. એન.સી.આર.બી. ૨૦૧૯માં ૧.૩૯ લાખ આત્મહત્યા થયાનું જણાવે છે પરંતુ વલ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન ૧.૭૩ લાખ આત્મહત્યા થયાનું જણાવે છે. ૨૦૧૪થી ૨૦૧૮માં પંજાબમાં કૃષિક્ષેત્ર સાથે સંકળાયેલા ૧,૦૮૨ આત્મહત્યાના બનાવો રાષ્ટ્રીય અપરાધ રેકર્ડ બ્યૂરોમાં નોંધાયેલા છે. પરંતુ પંજાબની ત્રણ યુનિવર્સિટીઓનો માત્ર છ જ જિલ્લાનો અભ્યાસ તેના કરતાં ચાર ગણી વધુ આત્મહત્યાઓ થઈ હોવાનું દર્શાવે છે.

ભારતમાં મહામારી જેવો આત્મહત્યાનો આ સવાલ કેટલો ભયાનક છે તેની વરવી હકીકતો આંખ ઉઘાડનારી નહીં ઊંઘ ઉડાડનારી છે : દુનિયામાં દર એક લાખની વસ્તીએ સરેરાશ નવ લોકો આત્મહત્યા કરે છે, પણ ભારતમાં અગિયાર લોકો આત્મહત્યા કરે છે. વળી એક લાખે કિસાન આત્મહત્યાની સરેરાશ ૧૫.૮ છે. કેરળના કોલ્લમમાં એક લાખે ૪૩.૧ વ્યક્તિએ આત્મહત્યા કરી હતી. દરરોજ ખેતી સાથે જોડાયેલા ૨૮ લોકો આત્મહત્યા કરે છે. ૧૫થી ૨૯ વરસના લોકોમાં દેશની કુલ આત્મહત્યાઓની સરેરાશથી ત્રણ ગણી વધુ આત્મહત્યા થાય છે. ૨૦૧૯માં ૫૩.૬ ટકા લોકોએ ગળા ફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી. દર ચાર મિનિટે આત્મહત્યાનો એક બનાવ બને છે. દક્ષિણ ભારતના સંપન્ન રાજ્યોની સરખામણીએ ઉત્તરના નિર્ધન રાજ્યોમાં આત્મહત્યા ઓછી છે. ૨૦૧૯ની તુલનામાં ૨૦૨૦માં વ્યવસાયીઓની આત્મહત્યામાં પચાસ ટકાની વૃદ્ધિ થઈ છે. આત્મહત્યા કરનારા દુનિયાના ચોથા ભાગના પુરુષો અને ૧૫થી ૪૦ વરસની ઉંમરની દુનિયાભરની આત્મહત્યા કરનારી મહિલાઓમાં ૩૭ ટકા મહિલાઓ ભારતીય છે.

આત્મહત્યાનો પ્રયાસ ભારતમાં સામાજિક કલંક અને કાનૂની અપરાધ છે. આત્મહત્યાનો પ્રયાસ ભારતીય ફોજદારી ધારાની કલમ ૩૦૯ હેઠળ ગુનો ગણાય છે. એટલે આત્મહત્યાનો પ્રયાસ ભારતમાં મોત નહીં તો જેલ અને દંડ તો આપે જ છે. એન.ડી.એ. સરકારે ૨૦૧૭માં માનસિક સ્વાસ્થ્ય અધિનિયમની ધારા-૧૧૫ હેઠળ માનસિક તાણને લીધે કરાયેલી આત્મહત્યાને અપરાધ ગણવામાંથી મુક્તિ આપી છે, પણ ઇન્ડિયન પિનલ કોડની ધારા ૩૦૯ તો ઊભી જ છે.

આત્મહત્યા માટે સામાજિક, આર્થિક અને માનસિક કારણો જવાબદાર છે. એટલે તેને અટકાવવા માટે પણ બહુઆયામી પ્રયાસોની જરૂર રહે છે. બીમારી અને પરીક્ષામાં નિષ્ફળતા જો આત્મહત્યાનું કારણ હોય તો સૌને પરવડે તેવાં અને છતાં ગુણવત્તાયુક્ત દવાખાના અને શિક્ષણ સંસ્થાઓ તેનો ઉકેલ છે. મહિલાઓને ઘરકંકાસ અને ઘરેલું હિંસાના કારણે મરવું ન પડે તેવું સામાજિક વાતાવરણ અને સ્થિતિ ઊભી કરવી પડશે. ખેડૂતોને ખેતપેદાશોના યોગ્ય ભાવ મળે તથા દેવામુક્ત થાય તેવા કૃષિ કાયદા ઘડવાની જરૂર છે. આત્મહત્યા માટે હાથવગા સાધનો સીમિત અને પ્રતિબંધિત કરવા જોઈએ. ગરીબી અને બેરોજગારીની સમસ્યા હલ કરવા વધુ કલ્યાણકારી કાર્યક્રમો અપનાવવા જોઈએ. જાગ્રતિ કાર્યક્રમો, સહાનુભૂતિ, હૂંફ, આપાતકાલીન હેલ્પલાઈન, માનસિક સ્વાસ્થ્ય સેવા અને સામાજિક સુરક્ષાની દિશામાં વિચારવું પડશે.

‘મનખાવતાર મળ્યો છે તો તેને આનંદથી, દુ:ખો વચ્ચે પણ જીવવો જોઈએ’, ’દુ:ખોનો ઉકેલ મોત નથી પણ સંઘર્ષપૂર્ણ જીવન છે’, ‘માનવમાત્રમાં જીવટ તો હોવી જ જોઈએ.’ આ અને આવી આધ્યાત્મિક ફિલસૂફીની નહીં, રોજિંદી જિંદગીની વાસ્તવિકતા ઉકેલી આપે તેવા પ્રયાસો જ આત્મહત્યાઓને રોકી શકશે. આત્મહત્યા એ ખરા અર્થમાં તો સરકાર અને સમાજવ્યવસ્થાની વિફળતાનું પરિણામ છે, તેનો સ્વીકાર કરીને તે દિશાના પ્રયાસો કરવાની જરૂર છે.

e.mail : maheriyachandu@gmail.com

Loading

...102030...1,7281,7291,7301,731...1,7401,7501,760...

Search by

Opinion

  • રેવા / તત્ત્વમસિ  
  • लोकतंत्र का एंकाउंटर हो रहा है  
  • બ્રેઇન ડ્રેઇન નહીં, બ્રેઇન લીઝઃ ભારતીય પ્રતિભા સર્જે છે, મૂલ્ય બીજા વસૂલે છે
  • ચલ મન મુંબઈ નગરી—347
  • AIને માથે ચડાવવા જેવું નથી …

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • દરિયો
  • ગઝલ
  • ગઝલ
  • ગઝલ
  • નોકરી એક ચુડેલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved