Opinion Magazine
Number of visits: 10,225,477
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

બહુ યાદ આવે છે બક્ષી …

અંકિત દેસાઈ|Opinion - Opinion|25 March 2022

લેખ અત્યંત લાંબો છે એટલે નિરાંતે વાંચવો પડશે. પરંતુ એક સમયે હું 'khabarachhe.com'માં મેગેઝિન ઍડિટર તરીકે જવાબદારી નિભાવતો, ત્યારે મેં ચંદ્રકાંત બક્ષીના જન્મ દિવસે પાંચ એવા લોકોના ઈન્ટરવ્યૂ કર્યા હતા, જેઓ બક્ષી સાથે કોઈક વિશિષ્ટ રીતે સંકળાયેલા હોય અથવા બક્ષી સાથે કોઈક જૂદો સંબંધ શેર કરતા હોય.

આશા રાખું છું કે આજે પણ આ ઈન્ટરવ્યૂ સાંપ્રત હશે અને તમને ગમશે.

***

ચન્દ્રકાંત કેશવલાલ બક્ષી. આ ગુજરાતી લેખકે એમના જીવન દરમિયાન છ પાનાંની યાદી થાય એટલા, તકરીબન બસો જેટલાં પુસ્તકો લખ્યાં છે. પોતાની ધારદાર જબાન અને તેજાબી કલમને કારણે બક્ષીબાબુ ગુજરાતી વાચકોમાં ભારે પ્રિય તો કેટલાક ગુજરાતી લેખકોમાં કંઈક અંશે અપ્રિય રહ્યા છે. પરંતુ જો તમને ગુજરાતી લેખન-પત્રકારત્વ સાથે જરા સરખો ય નાતો હશે તો પેલી અંગ્રેજી ઉક્તિની જેમ, ક્યાં તો તમે બક્ષીને ચાહી શકો છો અથવા એમને ધિક્કારી શકો છો. બાકી એમને અવગણવાનું કોઈનું ગજું નથી. ગુજરાતી લેખન જગતમાં આ લેખકની એક ચોક્કસ જગ્યા છે. આફ્ટર ઑલ, બક્ષી ઈઝ બક્ષી!

આજે એમની પુણ્યતિથિએ એવા પાંચ લોકોનો સંપર્ક કર્યો, જેઓ ચંદ્રકાંત બક્ષી સાથે કંઈક યુનિક રીતે સંકયાયેલા હોય અથવા બક્ષી સાથે કોઈ પણ રીતે એમનો વિશેષ નાતો હોય. આ પાંચ લોકોમાં રિવા બક્ષી, બક્ષી સા'બના દીકરી છે તો સંજય વૈદ્યએ એમની સાથે ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કર્યો છે. ડૉ દક્ષેશ ઠાકરે બક્ષીના સાહિત્ય પર પીએચ.ડી કર્યું છે તો બક્ષીને ‘ક્રિએટિવ ગોડ’ માનતા આપણા જાણીતા લેખક-કૉલમિસ્ટ શિશિર રામાવતે એમના જીવન પર નાટક લખ્યું છે. અને પીઢ લેખક-હ્યુમરિસ્ટ વિનોદ ભટ્ટ સાથે બક્ષીની લવ-હેટની રિલેશનશિપ તો જગજાહેર છે જ. તો ચાલો જાણીએ ચંદ્રકાંત બક્ષી વિશે શું કહે છે કે આ લોકો …

•••

અમારા દંભની પણ એક મજા હતી

– વિનોદ ભટ્ટ (જાણીતા હાસ્ય લેખક)

બક્ષી સાથે તો મારા ઢગલાબંધ યાદગાર પ્રસંગો છે. પરંતુ તેમનો એક પત્ર મને હંમેશાં યાદ રહેશે. વર્ષો પહેલાં જ્યારે મારા હ્રદયનું ઓપરેશન કરેલું ત્યારે એમણે મને એક પત્રમાં લખેલું કે, ‘હ્રદય હેમખેમ રાખજો. હજુ આપણે ઘણું લડવાનું છે …’ આટલો બધો પ્રેમાળ માણસ મેં ક્યારે ય નથી જોયો. બક્ષી જો આજે જીવતા હોત તો સાહિત્યમાં એમની જે ખોટ સાલે છે એ ખોટ નહીં સાલતી હોત. એમના અવસાન બાદ આ નવ વર્ષોમાં આપણને એના જેવો બીજો બક્ષી હજુ મળ્યો નથી. અને મળે એવું લાગતું પણ નથી. એમને પડકારી શકે અથવા એમની તોલે આવી શકે એવો કોઈ લેખક આપણને સાંપડ્યો નથી.

બક્ષી થોડા વહેલાં ગયા એવું હું માનતો નથી. દરેક માણસે પોતાનો જવાનો સમય નક્કી કર્યો જ હોય છે. બક્ષી પણ યોગ્ય સમયે એમનું બધું કામ પતાવીને ગયા. હું માનું છું કે, પોતાનું કામ પતે એટલે દરેક માણસે અહીં નીકળી જવું જોઈએ. ખરેખર તો વિનોદ ભટ્ટે પણ અહીં રહેવું ન જોઈએ પરંતુ કોણ જાણે કેમ હું હજુ ય જીવી રહ્યો છું!

હું અને બક્ષી મળતા ત્યારે અમે એકબીજાને ખૂબ પ્રેમથી ભેટતા. અમને બંનેને ખબર હતી કે અમે બંને એકબીજાને ખોટેખોટુ ભેટીએ છીએ. પરંતુ એકબીજા પ્રત્યે અમારો જે દંભ હતો એ દંભની પણ એક મજા હતી. આજે તો કોની જોડે દંભ કરવો એ જ ખબર નથી પડતી! દંભ કરવા માટે સામે બક્ષી જેવો માણસ પણ જોઈએ ને?

***

તમારું સ્થાન મારા દિલમાં છે

– ડૉ. દક્ષેશ ઠાકર (પૂર્વ કુલપતિ, વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી)

એકવાર અમદાવાદના લૉ ગાર્ડન પાસેના એક હૉલમાં ચંદ્રકાન્ત બક્ષી ‘મારું તમારું અને આપણું ગુજરાત’ વિષય પર વક્તવ્ય આપવાના હતા અને એમને સાંભળવા માટે હું છેક મોડાસાથી અમદાવાદ પહોંચેલો. વક્તવ્ય બાદ સ્ટેજ પર એમને મળવા ગયો ત્યારે હું એમને પગે પડવા જતો હતો અને હું જેવો નીચો નમ્યો કે, તરત મારું બાવડું પકડીને તેઓ મને ભેટી પડેલા. એમણે કહેલું કે, ‘ઠાકર સાહેબ તમારું સ્થાન મારા ચરણમાં નહીં પરંતુ મારા હ્રદયમાં છે.’ બક્ષી સાહેબ સાથેનો મારો આ સૌથી યાદગાર પ્રસંગ હતો.

આજે જો બક્ષીસાહેબ જીવતા હોત તો તેઓ જીવતા હતા ત્યારે એમણે જે કર્યું હતું, એ વધારે બળકટતાથી અને વધુ સક્ષમતાથી કર્યું હોત. તેમને જે સાચું લાગ્યું એ જ કરીને જંપ્યા હોત. હું માનું છું કે, બક્ષી આપણી વચ્ચેથી ઘણા વહેલાં ચાલી ગયા. તેઓ એકાદ દાયકો વધુ જીવ્યા હોત તો પત્રકારત્વક્ષેત્રે આપણને એમનું ઉત્તમ પ્રાપ્ત થયું હોત. આજે ચોખેચોખુ લખનારા અને બોલનારાં લોકો ઘણા ઓછા રહ્યા છે. આજના લેખકો જ્યારે માપી-તોલીને લખી રહ્યા છે ત્યારે મને બક્ષી સાહેબની ખોટ સૌથી વધુ સાલે છે અને આ એક કારણસર હું એમને અત્યંત મિસ કરું છું.

***

બક્ષી સાથેની બપોર મિસ કરું છું

– સંજય વૈદ્ય (ખ્યાતનામ ફોટોગ્રાફર)

બક્ષી સાહેબ મને હંમેશાં કવિરાજ કહીને સંબોધતા કારણ કે, બંગાળી ભાષામાં કવિરાજનો અર્થ વૈદ્ય થતો. આમ તો બક્ષીબાબુને હું જ્યારે પણ મળ્યો છું એ દરેક ક્ષણ યાદગાર છે. પરંતુ આજે એમના જન્મ દિવસે એક પ્રસંગ હું ખાસ યાદ કરીશ. બક્ષીએ મને એમની નજરે એમનું કોલકાતા બતાવેલું. એમની સાથે કોલકાતામાં વિતાવેલા એ બે દિવસો અદ્દભુત હતા.

એ બે દિવસોમાં એમણે મને એમના ‘અલકા સ્ટોર’થી માંડીને રિવા બક્ષીને આંગળી પકડીને તેઓ જ્યાં ચાલવા લઈ જતા તે સ્થળ કે પછી જ્યાં ‘ગુડ નાઈડ ડેડી’ની વાર્તાઓ સર્જાયેલી એ બેન્ચો એમણે મને જાતે ફેરવીને બતાવેલી. તમે જે સર્જકના સર્જનને આકંઠ પીધું હોય કે, જે વાર્તાઓ વાંચીને તમે રોમાંચિત થયાં હો એ વાર્તાઓનું સર્જન જ્યાં થયું હોય કે, વાર્તાઓમાં જે પરિવેશનું વર્ણન થયું હોય એ પરિવેશ લેખક જાતે જ તમારો હાથ ઝાલીને બતાવે તો એનાથી વધુ રોમાંચક શું હોય?

બક્ષી પોતાની જાતને અત્યંત અપડેટ રાખતા. એટલે જો બક્ષી જીવતા હોત તો આજે પણ તેઓ લેખકોને અત્યંત ટફ કોમ્પિટિશન આપતા હોત. અત્યારે ત્યાસી કે ચોર્યાસી વર્ષના થયા હોત તો ય લોકોને એમની સાથે ઊભા રહેવામાં કોમ્પ્લેક્સ ફિલ થાત. જો કે મને એમ નથી લાગતું કે, તેઓ એમના સમય કરતા વહેલા ગયા. કારણ કે એમના અંતિમ વર્ષોમાં એમના અંગત દુ:ખો વધતા જતા હતા. બીજું એ કે બકુલાબહેનના ગયાં પછી તેઓ કંઈક અંશે તૂટી પણ ગયેલા. એટલે એમણે એક્સિટ તો યોગ્ય સમયે જ લીધી હતી એમ કહી શકાય.

બક્ષીને હું અત્યંત મિસ કરી રહ્યો છું. અમદાવાદમાં મારા અને એમના ઘર વચ્ચે માત્ર પાંચ જ મિનિટનું અંતર હતું એટલે દર રવિવારે સવારે એમનો મારા પર કોલ આવતો, ‘સંજયબાબુ ઘરે આવી જાઓ. બપોરે બેસીએ આપણે.’ બીજી તરફ કાજલે (ઓઝા- વૈદ્ય) રસોઈ બનાવવાની હોય એટલે એ પણ મને કહે કે, ‘તથાગતને લઈને તમે ત્યાં જાઓ, એટલામાં મારી રસોઈ પણ થઈ જશે.’ એટલે હું અને તથાગત એમના ઘરે જઈએ અને તેઓ પોતાના હાથે બોર્નવિટા બનાવીને તથાગતને સર્વ કરે અને એને કહે કે, ‘તથાગત તમે તમારું બોર્નવિટા અને ટી.વી. એન્જોય કરો. હું અને તમારા પપ્પા બેસીએ છીએ.’ અને પછી અમે બંને સાથે બેસીને બિયર પીતા. રવિવારે બપોરે સાથે બેસીને બિયર પીવો એ અમારો ક્રમ બની ગયેલો. ત્યારે અમે જે વાતો કરતા અને તેઓ જે રીતે ખીલતા એ વાતો અવર્ણનિય છે. હું રવિવારની એ બપોર ખૂબ મિસ કરું છું.

***

બક્ષી ભરપૂર જીવ્યાં

– શિશિર રામાવત (કૉલમિસ્ટ, નવલકથાકાર, નાટ્યકાર, પત્રકાર)

ચંદ્રકાંત બક્ષીને હું મારા 'ક્રિયેટિવ ગોડ' ગણું છું તે વાત મેં અગાઉ કેટલી ય વાર કહી છે. આજે  ફરી એક વાર તે દોહરાવું છું. બક્ષીબાબુ સાથેનો યાદગાર પ્રસંગ એટલે એમની સાથેની મારી પહેલી મુલાકાત. તે વખતે હું એમ.એસ. યુનિવર્સિટીમાં એન્જિનિયરિંગનું ભણતો અને હોસ્ટેલમાં રહેતો હતો. બક્ષીનો બુખાર સંપૂર્ણપણે વ્યાપી ચૂક્યો હતો. ક્રિયેટિવ ગોડ તરીકે દિલ-દિમાગમાં તેમનું સ્થાપન થઈ ચૂક્યું હતું. 1994માં મેં એમનો બર્થ-ડે નહીં, પણ બર્થ વીક સેલિબ્રેટ કરવાનું નક્કી કર્યું. ઈમ્પ્રેશનેબલ એજમાં આમે ય આપણે ઘણા રિસેપ્ટિવ, ઘણા ઉત્સાહી હોઈએ છીએ. એમના બર્થડેવાળાં અઠવાડિયાના સાતેસાત દિવસ એમને રોજ એક-એક બથર્ડે કાર્ડ મળે તે રીતે મેં વારાફરતી સરસ મજાના કાર્ડ્સ પોસ્ટ કર્યા.

આ બર્થવીકના થોડા દિવસ બાદ મેસમાં જમી રહ્યો હતો ત્યારે મારા એક ફ્રેન્ડે ન્યુઝ આપ્યાઃ જલદી રુમ પર જા, તારા માટે સરપ્રાઈઝ છે. ઉતાવળે રુમ પર જઈને જોયું કે ચંદ્રકાંત બક્ષીએ મને સામું થેન્ક યુ કાર્ડ લખ્યું હતું. બંદાએ તો રાજીના રેડ થઈને કૂદાકૂદ કરી મૂકી. કાર્ડમાં જ એક પાને મરોડદાર અક્ષરોમાં એમણે લખ્યું હતું, ફલાણી ફલાણી તારીખે આણંદના ટાઉનહોલમાં મારું વ્યાખ્યાન છે. જો અનુકૂળ હોય તો આવજો. મળીશું.

આણંદ ન જવાનો પ્રશ્ર્ન જ ન હતો. લેકચરવાળા દિવસે હું અને મારો રુમમેટ હસમુખ આણંદ પહોંચી ગયા. ટાઉન હોલ હકડેઠઠ ભરાયેલો હતો. તે દિવસે મેં બક્ષીજીને પહેલી વાર પ્રત્યક્ષ, સદેહે જોયા. એમને સાંભળ્યા. મેં જોયું કે તેઓ જેટલું અસરકારક લખે છે એટલું જ અસરકારક બોલે પણ છે. પ્રવચન પૂરું કર્યા પછી ઓડિટોરિયમમાંથી બહાર નીકળ્યા ત્યારે પ્રશંસકો તેમને ઘેરી વળ્યા. પહેલી વાર કોઈ લેખકનો સુપરસ્ટાર જેવો દબદબો હું જોઈ રહ્યો હતો. બક્ષીજી બધા સાથે હસીને વાત કરતા રહ્યા. હું દૂરથી ચુપચાપ તેમને જોતો રહ્યો. આખરે એમની કાર પાસે પહોંચ્યા ત્યારે હું એમની પાસે ગયો. મારી ઓળખાણ આપી. એક-બે પળ બક્ષીજી ધારીને જોતા રહ્યા. પછી એકદમ ભેટી પડ્યા. થોડી મિનિટો બહુ જ પ્રેમથી વાતો કરી. પછી છૂટા પડ્યા. તેમની કાર પ્રિમાઈસીસની બહાર નીકળી ત્યાં સુધીમાં મારા પગ જમીનથી કમસે કમ છ ઈંચ અધ્ધર થઈ ગયા હતા. બક્ષી સાથેની આ સૌથી યાદગાર પળ.

એન્જિનિયરિંગમાં બન્ક મારીને પત્રકાર બનવા મુંબઈ દોડી આવ્યો અને રીતસર પત્રકાર બન્યો પછી બક્ષીબાબુને અનેક વાર મળવાનું થયું. એમના ઘરે, ફંકશનોમાં, વગેરે. ફોન પર વાતો થતી. છેલ્લે હું 'અભિયાન' સાપ્તાહિકનો સંપાદક હતો અને તેઓ મારા કૉલમિસ્ટ. જિંદગીનું એક વર્તુળ જાણે પૂરું થઈ રહ્યું હતું. એમની જે 'વિકલ્પ' કોલમ વાંચી-વાંચીને ટીનેજનાં વર્ષો પસાર થયાં હતાં, સમૃદ્ધ આંતરિક ઘડતર થયું હતું તે કોલમ હવે બક્ષીજીના હસ્તલિખિત સ્વરૂપમાં સૌથી પહેલાં મારી પાસે આવતી, હું તેનો ઓફિશિયલી પહેલો વાચક બનતો. પછી તેને કંપોઝ માટે મોકલતો. જબરી થ્રિલ થતી. આ તમામ પળો મૂલ્યવાન છે જ, પણ આણંદના ટાઉનહોલની બહાર પહેલી વાર એમને સન્મુખ થવાની પળ મને સૌથી યાદગાર લાગે છે.

બક્ષી આજે જીવતા હોત તો સાહિત્યજગત અને પત્રકારજગતમાં નોનસ્ટોપ તરંગો સર્જાયા કરતા હોત. કેટલાં ય નવોદિત લેખકો તેમનાથી પ્રેરાઈને લખતા થયા હોત. ગુજરાતી પત્રકારજગતમાં બક્ષી એક વોચ-ડોગ તરીકે ભૂમિકા ભજવતા હોત. તેમના હોવા માત્રને લીધે કેટલા ય લેખકોનાં લખાણમાં આપોઆપ ક્વોલિટી-કંટ્રોલ થતું હોત. બક્ષી કુશાગ્ર બુદ્ધિ ધરાવનારા દીર્ઘ દૃષ્ટા હતા. નરેન્દ્ર મોદીનું સચોટ ભવિષ્ય તેમણે મોદી હજુ પહેલીવાર ગુજરાતના મુખ્ય પ્રધાન બન્યા હતા ત્યારે જ ભાખી લીધું હતું. મોદીને ભારતના વડા પ્રધાન પદ પર જોઈને તેમણે તીવ્ર સંતોષ, આનંદ અને ધન્યતા અનુભવ્યા હોત. આજના અતિ ઉત્સાહી અને અતિ જીવંત સોશ્યલ મીડિયામાં બક્ષીજીને કારણે કેવી ધમાલ મચતી હોત તે કલ્પના કરતાં પણ રોમાંચ થાય છે.

બક્ષી વહેલા મૃત્યુ પામ્યા એવું મને લાગે છે? ના. બક્ષી જેટલું જીવ્યા, ભરપૂર જીવ્યા. ભરપૂરપણે જીવતા માણસના આયુષ્યના આંકડો નહીં, બોડી-ઓફ-વર્ક મહત્ત્વનું હોય છે. 'આનંદ' ફિલ્મમાં પેલો ડાયલોગ છે ને કે 'આનંદ મરા નહીં હૈ … આનંદ મરતે નહીં હૈ'. બક્ષીબાબુ માટે જ નહીં, ઉત્તમ કામ કરી જનારા તમામ ક્રિયેટિવ લોકો માટે આ ડાયલોગ લાગુ પાડી શકાય.

બક્ષીને હું શા માટે મિસ કરું છું એનો જવાબ આગલા ઉત્તરોમાં આડકતરો વણાઈ ગયો છે. એક લાંબો તબક્કો એવો હતો જ્યારે હું મારા પિતા કરતાં બક્ષીના જીવન વિશે વધારે જાણતો હતો, વધારે ઉત્સુક રહેતો હતો. માનસિક સ્તરે પપ્પા કરતાં બક્ષી સાથે વધારે વધારે ટ્યુનિંગ અનુભવતો હતો. સામાન્યપણે ઉંમરની સાથે, સમજણ-અનુભવ-એક્સપોઝરની સાથે આપણે ટીનેજ અવસ્થાના હીરોને યા તો ફેવરિટ લેખકને આઉટગ્રો કરી જતા હોઈએ છીએ. મારા કેસમાં, દેશવિદેશના ઉત્તમોત્તમ સાહિત્યકારોને માણ્યા પછી પણ દિલમાં બક્ષીનું સ્થાન એ જ રહ્યું છે જે હંમેશાં હતું. સભાન હોવું, વિચારશીલ હોવું અને છતાં ય મુગ્ધ રહી શકવું – મને લાગે છે કે આ એક ડેડલી કોમ્બિનેશન છે. બક્ષીના સંદર્ભમાં હું આ ખતરનાક કોકટેલ મારી ભીતર જોઈ શકું છું. મને ગમે છે તે ફીલિંગ. હું માનું છું કે ‘હું … ચંદ્રકાંત બક્ષી' નાટક મેં બક્ષીબાબુને આપેલી શ્રેષ્ઠ અંજલિ છે.

***

પહાડ ચઢવા પગમાં તાકાત જોઈએ

– રિવા બક્ષી (દીકરી)

ડેડી સાથેની યાદો ગણવા બેસીએ તો સાંજ થાય. પણ ડેડીની બે વાતો મને જીવનમાં અત્યંત ખપમાં આવે છે. પહેલી વાત તો એમણે ઘણી જગ્યાએ લખી છે. કે, જીવનમાં બીજું બધું પોસ્ટપોન કરો પરંતુ તમારી ખુશીને ક્યારે ય પોસ્ટપોન ન કરો. આ ઉપરાંત પોસ્ટ ગ્રેજ્યુએશન માટે મારી કોલેજનો પહેલો દિવસ હતો ત્યારે એમણે મને કહેલું કે, ‘કોઈની આંગળી પકડીને આપણે ઝાડ ચઢી શકીએ પરંતુ પહાડ ચઢવો હોય તો આપણા પગમાં તાકાત જોઈએ.’ ડેડીએ મને જીવનની તમામ પરિસ્થિતિઓમાં ખુમારીપૂર્વક જીવતા શીખવ્યું. અમે જીવનમાં ખરાબમાં ખરાબ દિવસો જોયા છે પરંતુ મેં ક્યારે ય એમને તૂટતા નથી જોયાં.

ડેડી જો આજે જીવતા હોત તો આજનો આપણો વિકાસ જોઈને ભારે ખુશ હોત. એમણે વર્ષો પહેલા લખેલું કે, ઈન્ટરનેશનલ એરપોર્ટ આ પ્રકારનું હોવું જોઈએ કે, અમદાવાદમાં આવું હોવું જોઈએ. તો આજે જ્યારે આપણી પાસે આ બધી સગવડો છે તો એ બધું જોઈને તેઓ જરૂર ખુશ થયાં હોત. ડેડી એમના સમય કરતાં સો ટકા વહેલા ગયા છે. હું એમના માટે હંમેશાં કહેતી હોઉં છું કે, હી લિવ્ડ બિફોર હિઝ ટાઈમ એન્ડ હી ડાઈ બિફોર હિઝ ટાઈમ.

આજે હું ડેડી અને મમ્મીને બધી રીતે મિસ કરું છું. અમારા ઘરમાં કોઈનો પણ બર્થ ડે હોય અથવા કોઈ તહેવારનો દિવસ હોય તો તેઓ મને અચૂક યાદ આવે. એમને પૂરણપોળી બહુ જ ભાવતી એટલે એમના ગયા પછી પણ હું એમના જન્મ દિવસે અચૂક પૂરણપોળી બનાવું છું.

ફોટો સૌજન્ય : સંજય વૈદ્ય

સૌજન્ય : અંકિતભાઈ દેસાઈની ફેઇસબૂક દિવાલેથી સાભાર

Loading

ભારતને પાંખમાં લેવાનો રશિયાનો પ્રયાસ

રમેશ ઓઝા|Opinion - Opinion|24 March 2022

સાહેબ જે કોઈ કામ કરે છે કે નિર્ણય લે છે એ શકવર્તી જ હોય છે, દુનિયા વિસ્ફારિત નેત્રે જોતી રહે એવો માસ્ટર સ્ટ્રોક જ હોય છે, હંમેશાં મારે છે તો મીર જ મારે છે, એ હવે ક્યાં અજાણ્યું છે! જેમ ભાટ-ચારણો બાપુઓના ધીંગાણાઓની વાર્તાઓ લડાવી લડાવીને કહેતા અને બાપુનું શૌર્ય જોઇને શ્રોતાઓની છાતી ગજગજ ફૂલતી એમ આજે ભક્તોનું છે. મામૂલીમાં મામૂલી નિર્ણયને, કે ખોટા નિર્ણયને કે પછી મજબૂરીમાં લેવા પડેલા નિર્ણયને એવી રીતે રજૂ કરવામાં આવે અને ગોદી મીડિયા એવી રીતે પડઘમ વગાડે કે ભક્તો રાજીના રેડ થઈ જાય. જીવન સાર્થક થઈ જાય અને ફરી વાર શરણમાં રહેવા સંકલ્પબદ્ધ થઈ જાય.

આ હવે રોજની ઘટના છે, પણ કેટલીક ઘટનાઓ એવી હોય છે, જ્યાં લેવાયેલા નિર્ણયના સૂચિતાર્થો વાચકોને જણાવવા જોઈએ. રશિયા પાસેથી સસ્તા ભાવે ક્રૂડ ખરીદવાનો નિર્ણય આ પ્રકારનો છે. એમાં મજબૂરી પણ છે અને લાંબા ગાળાનાં સંભવિત પરિણામો પણ નજરે પડી રહ્યાં છે એટલે સમજદાર વાચકોના લાભાર્થે થોડીક સ્પષ્ટતા જરૂરી છે.

પ્રચાર એવો કરવામાં આવે છે કે ભારત વૈકલ્પિક ઉર્જાસ્રોત વિકસાવવામાં દુનિયામાં અગ્રેસર છે અને તેનું ખનીજ તેલ પરનું અવલંબન ઘટી રહ્યું છે. સાચી વાત એ છે કે આખું જગત વૈકલ્પિક ઉર્જાસ્રોત વિકસાવવા પ્રયત્નશીલ છે, અને તેમાં ભારત એક છે અને એનાથી વધુ કડવી વાસ્તવિકતા એ છે કે ભારતનું ખનીજ તેલ પરનું અવલંબન ઘટવાની જગ્યાએ વધી રહ્યું છે કારણ કે ખપ વધી રહ્યો છે અને તેની સામે વૈકલ્પિક ઉર્જા બહુ ઓછી પડે છે.

અત્યારે ભારતની ખનીજ તેલની જરૂરિયાત પ્રતિદિન ૪૫ લાખ બેરલ્સ છે. કોરોનાકાળના અંત પછી ભારતની ખનીજ તેલની જરૂરિયાત પ્રતિદિન ૫૧ લાખ ૫૦ હજાર બેરલ્સની થશે, એમ ઉર્જા ક્ષેત્રના નિષ્ણાતો કહે છે. અત્યારે ખનીજ તેલનો ભાવ આંતરરાષ્ટ્રીય બજારમાં સો ડોલર્સ પ્રતિ બેરલ છે અને જો યુદ્ધ વકરે તો હજુ વધી શકે એમ છે. યાદ રહે કે ભારતે તેની જરૂરિયાતનું ૮૫ ટકા ખનીજ તેલ આયાત કરવું પડે એમ છે. જો રોજ ૪૫થી ૫૦ લાખ બેરલ્સ તેલ સો ડોલર્સના ભાવે ખરીદવું પડે અને જો યુદ્ધને કારણે ભાવમાં ભડકો થાય તો દેશના અર્થતંત્રનું શું થાય? આ સ્થિતિમાં રશિયા પાસેથી ઓછા ભાવે તેલ ખરીદવાનો નિર્ણય લેવાય અને એવી સમજૂતી થાય તો એનાથી રૂડું બીજું શું હોઈ શકે? આને તો ખરેખર શકવર્તી ઘટના જ કહેવી પડે.

પણ એવું નથી. રશિયા ભારતને પહેલાં ત્રીસ લાખ બેરલ્સ અને પછી ૨૦ લાખ બેરલ્સ ક્રૂડ તેલ આપવાનું છે. નહીં, પ્રતિદિન નહીં, વરસે. જે દેશની જરૂરિયાત રોજની ૪૫થી ૫૦ લાખ બેરલ્સની હોય તેને વરસમાં એક દિવસની જરૂરિયાત પૂરતું તેલ મળવાનું છે. કેન્દ્રના પેટ્રોલિયમ ખાતાના પ્રધાન હરદીપ પૂરીએ રાજ્યસભામાં કહ્યું હતું કે ભારત દ્વારા કરવામાં આવતી ખનીજ તેલની આયાતમાં રશિયાનો હિસ્સો એક ટકા જેટલો પણ નથી. અને સસ્તું એટલે કેટલું સસ્તું? ખરીદીના દિવસે જે બજારભાવ હોય એનાથી ૨૦ ટકા સસ્તું. જો ભાવમાં ભડકો થાય તો ભડકાના ભાવમાં ૨૦ ટકાની રાહત મળે અને એ પણ દેશની ઉર્જાની માત્ર એક ટકાની જરૂરિયાત પૂરી કરે. નથી મોટો જથ્થો કે નથી બાંધેલો ભાવ. કયો માસ્તર સ્ટ્રોક આમાં નજરે પડે છે?

તો પછી આવો નિર્ણય લીધો શા માટે? અને જો લીધો તો ભારતને રાહત થાય એવો મોટો જથ્થો શા માટે ખરીદવામાં ન આવ્યો? લાખ રૂપિયાના સવાલ આ બે છે.

ભારતે નિર્ણય લીધો નથી લેવો પડ્યો છે. મજબૂરી હતી. ૨૦ ટકાની ભાવમાં રાહત તો પડખે ઊભા રહેવા માટેનો શિરપાવ છે અને એ પણ મામૂલી.

વાત એમ છે કે યુક્રેન ઉપર આક્રમણ કર્યા પછી જગતમાં રશિયા એકલું પડી ગયું છે. પશ્ચિમના દેશોએ રશિયા ઉપર પ્રતિબંધો લાદ્યા છે, જેને કારણે રશિયાના અર્થતંત્રની કમર તૂટી જવાની છે. ઓછામાં પૂરું યુદ્ધને એક મહિનો થવા આવ્યો, પણ રશિયાનો વિજય નજરે પડતો નથી. તાકાતમાં રશિયા સામે સાવ સસલું ગણાતું યુક્રેન એક મહિનાથી ઝીંક ઝીલે છે. રશિયાનું નાક કપાયું છે અને તેના વડા વ્લાદિમીર પુતિનની આબરૂ તળિયે ગઈ છે. હવે તો વાતો થવા લાગી છે કે કદાચ પુતિનને પોતાને યુદ્ધની કિંમત ચૂકવવી પડશે. યુક્રેનના નાગરિકો યુક્રેનના પ્રમુખ ઝેલેન્સકીની સાથે છે, રશિયન નાગરિકો પુતિનની સાથે નથી.

પુતિનને મિત્રોની જરૂર છે અને મિત્રો બે છે. એક સાવ નજીક ખડે પગે ઊભેલું ચીન અને બીજું ભારત જે દૂર રહીને ટેકો તો આપે છે, પણ ઊઘાડો ટેકો આપતા સંકોચ અનુભવે છે. ભારતની દુવિધા એ છે કે ચીન શરમાયા વિના રશિયાને ઊઘાડો ટેકો આપે છે ત્યારે ભારત જો રશિયાને ટેકો ન આપે તો રશિયા ચીનની વધારે નજીક જાય. કાલ ઊઠીને જો ભારત-ચીન સરહદે સંકટ પેદા થાય તો રશિયા કદાચ મદદ ન પણ કરે! ભારતને ડર એ વાતનો છે કે જો ચીનની માફક ભારત રશિયાની પડખે ઊઘાડી રીતે ઊભું રહે તો અમેરિકા અને યુરોપના દેશો નારાજ થાય. ભારતની જરૂરિયાતનું લગભગ ૮૫ ટકા તેલ અમેરિકા અને અમેરિકા હસ્તક આરબ દેશોમાંથી આવે છે. આ સિવાય જો કાલે ચીન સાથે લશ્કરી સંકટ પેદા થાય તો અમેરિકા, યુરોપ જેવા દેશો મદદ ન કરે.

રશિયાને આ વાતની ખબર છે અને તેનો તેણે લાભ લીધો છે. રશિયા જગતને બતાવવા માગે છે કે ભારત માત્ર સલામતી સમિતિમાં ગેરહાજર રશિયાને મદદ નથી કરતું, રશિયા સાથે વ્યાપાર પણ કરે છે. રશિયાએ ભારતને પાંખમાં લેવાનો પ્રયાસ કર્યો છે અને એ રીતે ભારતને અમેરિકા અને યુરોપના દેશોથી દૂર કરવાનો પ્રયાસ કર્યો છે. ભારતે રશિયા પાસેથી ક્રૂડ તેલ મજબૂરીમાં ખરીદવું પડે એમ છે. ખરીદી મામૂલી છે, કારણ કે રશિયા પાસેથી તેલ ખરીદવામાં ટ્રાન્સપોર્ટેશન મોંઘુ પડે છે. એટલે તો ભારત રશિયા પાસેથી તેલ ખરીદતું નથી. આ તો રશિયાએ ભારત સાથે કરેલો પ્રદર્શન માટેનો સોદો છે જે ભારતે અલ્પ માત્રામાં કરવો પડ્યો છે.

આપણી હાલત સૂડી વચ્ચે સોપારી જેવી છે. નથી રશિયાને ખુલ્લેઆમ મદદ કરી શકતું કે નથી તેનો વિરોધ કરી શકતું. નરેન્દ્ર મોદીની સરકાર આવ્યા પછી ભારતની વિદેશનીતિ ચીનકેન્દ્રીય બની ગઈ છે અને એ મોટી મર્યાદા છે. હજુ તો અઠવાડિયું પણ વીત્યું નથી ત્યાં પરિણામ પણ દેખાવા લાગ્યા છે જેની વાત રવિવારના લેખમાં.

પ્રગટ : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 24 માર્ચ 2022

Loading

જળને સ્પર્શ કરું

બીજલ જગડ|Poetry|24 March 2022

જો કલમમાં શબ્દોની શાહી પુરાય છે.
જળને સ્પર્શ કરું તો ગઝલ લખાય છે,

ક્ષિતિજે જ્યાં આદિત્યનો અસ્ત થાય છે,
જળને સ્પર્શ કરું તો ગઝલ લખાય છે,

ધરતી જેવી ધીરજ સમુદ્રની ગહેરાય છે,
જળને સ્પર્શ કરું તો ગઝલ લખાય છે,

બે ડાળીનાં ફૂલડાંઓ વચ્ચે વાતો થાય છે,
જળને સ્પર્શ કરું તો ગઝલ લખાય છે,

ડોલતું નાવડું કાંકરે કાંકરે પાળ બંધાય છે,
જળને સ્પર્શ કરું તો ગઝલ લખાય છે,

ચંદ્રવિના ચકોરીના દિલમાં દુઃખ દેખાય છે,
જળને સ્પર્શ કરું તો ગઝલ લખાય છે,

વાગે ઝાંઝરી ને પગ નદીમાં ઝબોળાય છે,
જળને સ્પર્શ કરું તો ગઝલ લખાય છે,

રાત જેવું રડી મેઘ જેવું મનમાં વર્તાય છે
જળને સ્પર્શ કરું તો ગઝલ લખાય છે,

જળથી સફેદ રણ પર અક્ષરો ચિતરાય છે,
જળને સ્પર્શ કરું તો ગઝલ લખાય છે,

ચારણી છંદમાં અહર્નિશ ગાન ગવાય છે
જળને સ્પર્શ કરું તો ગઝલ લખાય છે.

ઘરમાં ચોકમાં ચારો ધામ રામ રામ બોલાય છે,
જળને સ્પર્શ કરું તો ગઝલ લખાય છે.

આતમ તત્ત્વ જાણી જ્યાં હરિ ગીત ગવાય છે,
જળને સ્પર્શ કરું તો ગઝલ લખાય છે.

ઘાટકોપર, મુંબઈ

e.mail : bijaljagadsagar@gmail.com

Loading

...102030...1,7301,7311,7321,733...1,7401,7501,760...

Search by

Opinion

  • બજેટ પૂરતું હોવા છતાં, શિક્ષકોની ભરતી થતી નથી …
  • ખટારાવાળો 
  • ભારતીય ચૂંટણી પંચને અત્યારે ટી.એન. શેષનની તાતી જરૂર છે 
  • મતદાર શાસકને ચૂંટે કે શાસક મતદારને ?
  • કરસનદાસ માણેક : કવિતાની ભક્તિ, ભક્તિની કવિતા  

Diaspora

  • 55 Million Speakers, 84 Editors: The Challenge Facing Gujarati in the Age of AI  
  • ગુજરાતી સાહિત્ય અને અનુવાદ – દશા અને દિશા
  • આપણે કયા ગુજરાતની વાત કરી રહ્યા છીએ?
  • દશમી ભાષા-સાહિત્ય પરિષદ :
  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા

Gandhiana

  • ગાંધીજીનો ઘરડો દોસ્ત
  • આતંકવાદ અને અસમતોલ યુદ્ધના માહોલમાં ગાંધી 
  • શાંતિની સ્થાપના અને જાળવણી શક્ય છે.
  • कौमी संवादिता की मधुशाला[1]
  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 

Poetry

  • ને ,પાળ તૂટી! !
  • હળવે હળવે હળવે
  • બગલ ખંજવાળો
  • નિષ્ક્રમણ
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • State-Sponsored Communal Profiling : The Gujarat Government Must Be Held Accountable
  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved