Opinion Magazine
Number of visits: 9963000
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ભરત દવે – બહુ આયામી વ્યક્તિત્વ

મુનિ દવે|Opinion - Opinion|4 February 2022

ભરત દવે – બહુ આયામી વ્યક્તિત્વ 

(16 ઓગષ્ટ 1948 – 15 મે 2021)

ભરત દવે એટલે ઉચ્ચ કોટીના નાટ્યવિદ્દ, ટી.વી. પ્રોડ્યુસર, અભિનેતા, દિગ્દર્શક, ચિંતક, લેખક, સંગીતજ્ઞ, ગાયક, ચિત્રકાર, વક્તા, નાટ્યશિક્ષક અને કલાના રસજ્ઞ. યુ ટ્યુબ પર રહેલાં તેમનાં પ્રવચનો સાંભળો તો ખ્યાલ આવે કે તેમનું વાંચન કેટલું વિશાળ હતું. સામ્પ્રત સમસ્યાઓ પ્રત્યે તે બહુ સંવેદનશીલ હતા અને તેના કારણે તેમના પ્રતિભાવો લખાણ અને પ્રવચનો દ્વારા બેધડક રજૂ કરતા રહેતા. ૧૫મી મેએ તેમણે જીવનના રંગમંચ પરથી એક્ઝીટ લીધી.

ભરતભાઈ નાનપણથી નાટકોના શોખીન. સ્કૂલમાં હતા ત્યારથી નાટકો કરવા માંડેલા. ત્યારથી લખવાનો અને ગાવાનો શોખ વિકસવા માંડેલો. કોલેજમાં ગયા ત્યારે મિત્રો સાથે મળીને જામનગરમાં ‘નાટ્યસંગમ’ નામની સંસ્થા કરેલી, જેના ઉપક્રમે શીવકુમાર જોશીનું એક નાટક પણ ભજવેલું.

બી.એ. થઈ ગયા પછી ઈચ્છા હતી કે નાટકમાં આગળ વધે. પણ પિતાજી ગાંધીવિચારના આગ્રહી અને આદર્શવાદી, એટલે એવું માને કે નાટકની દુનિયા લપસણી કહેવાય. તેમાં ચારિત્ર્યની જાળવણી આકરી પડે, એટલે રજા ન મળી. આ સાથે એવો વિચાર પણ ખરો કે તે વ્યવસ્થિત ભણી લ્યે પછી જે કરવું હોય તે કરે. અમદાવાદ આવી એમ.એ. કર્યું. ભણ્યા પછી જામનગર પાછા આવ્યા. થોડાક મહિના અધ્યાપક તરીકે નોકરી કરી. પણ તે દરમિયાન પિતાજીને ખબર પડી ગઈ કે હવે એ ઝાલ્યો ઝલાય તેમ નથી. એથી મુંબઈ જવાની છૂટ આપી. મુંબઈમાં દૂરના પિત્રાઈ ભાઈ વિષ્ણુકુમાર વ્યાસનું ગુજરાતી નાટકો અને ફિલ્મોમાં મોટુ નામ. તેમણે પોતાને ઘરે બોલાવી લીધા. વિષ્ણુભાઈએ પિતાજીને આશ્વાસન આપ્યું કે ‘તમે ચિંતા ન કરો, ભરતનું હું ધ્યાન રાખીશ.’

મુંબઈમાં વિષ્ણુભાઈએ ત્યાંની નાટ્યપ્રવૃતિઓ અને નાટ્યકારોનો પરિચય કરાવ્યો. આર્થિક રીતે સધ્ધર કરવા દૂરદર્શન પર નોકરી અપાવી દીધી. તેને કારણે સંગીત, ફિલ્મ, નાટકનાં ક્ષેત્રના બહુ બધા અગ્રણી કલાકારોને નજીકથી જોયા, અનુભવ્યા, તેમના ગુણદોષો જોયા, અને તેમની કલાઓને માણી. એ પછી દિલ્હીની નેશનલ સ્કૂલ ઓફ ડ્રામામાં પ્રવેશ મેળવ્યો. દિલ્હીમાં નિવાસ દરમિયાન ગાંધર્વ મહાવિદ્યાલયમાં સંગીતના વર્ગો ભર્યા. દિલ્હી રેડિયો સ્ટેશનના એપ્રૂવ્ડ આર્ટિસ્ટ બન્યા. સંસ્થાના વડા ઈબ્રાહિમ અલ્કાઝીએ તેને વધુ ચિત્રો કરવા પ્રેર્યા અને તે માટે સંસ્થા તરફથી ઓઇલ કલર લાવી આપ્યા. સંસ્થાની લાઇબ્રેરીનો ભરપૂર ઉપયોગ કરીને ભારતનાં સહિત દુનિયાભરનાં નાટકો વાંચ્યાં. ત્રણ વર્ષે દિગ્દર્શનમાં વિશેષતા સાથે, શિક્ષિત નાટ્યકાર તરીકે, નાટકના બહોળા જ્ઞાન સાથે બહાર પડ્યા અને અમદાવાદમાં સ્થાયી થયા. અલ્કાઝીસાહેબની કાર્ય પદ્ધતિને, નાટક પ્રત્યેની નિષ્ઠાને બરાબર સમજી અને પચાવી.

સૌ પ્રથમ ‘દર્પણ’ના ઉપક્રમે ફ્રેંચ નાટ્યલેખક મોલિયેરના નાટકનું પોતે કરેલું ગુજરાતી રૂપાંતર ‘વાહ વાહ રે મૈં’ ભજવ્યું, અને પછી સ્વતંત્રપણે બ્રિટિશ નાટ્યલેખક ટોમ સ્ટોપાર્ડ લિખિત ‘આલ્બર્ટ્સ બ્રીજ’ ભજવ્યું. આ નાટકોએ અમદાવાદના બુદ્ધિજીવીઓ, લેખકો અને નાટકોના શોખીન યુવાનોમાં ભારે રોમાંચ પેદા કરેલો, કે આવાં પણ નાટકો હોય? આવી રીતે ભજવાય? ત્યાં સુધી અમદાવાદમાં જે નાટકો ભજવાતા તેમાં મજબૂત સ્ક્રિપ્ટ અને વેશભૂષા જ માત્ર મહત્ત્વનાં રહેતાં. હવે તેમાં સેટ ડિઝાઈન, પ્રકાશ આયોજન, દિગ્દર્શકની વિશિષ્ટ સૂઝ, કથાને અનુરૂપ વસ્ત્રપરિધાન પાર્શ્વસંગીત વગેરે ઉમેરાયા. તે બધાના યોગ્ય સંયોજન દ્વારા નાટકની જે અસર ઊભી થતી તે પ્રેક્ષકો માટે નવીન હતી.

પછી ભરતભાઈએ તેમના દિલ્હીના સ્નાતકો – રાજુ બારોટ અને દિલીપ શાહ અને અન્ય નાટ્યરસિક મિત્રો સાથે ‘સપ્તસિંધુ’ નામની સંસ્થા શરૂ કરી. તેના નેજા હેઠળ કેટલાંક ઉત્તમ નાટકો ભજવ્યાં. સૌ પ્રથમ તેમણે શ્રીકાંત શાહ લિખિત બે એકાંકીઓ, ‘એક ટીપું સૂરજનું’ અને ‘એકાંતની અડોઅડ’ ભજવ્યાં. પછી અમદાવાદમાં પહેલીવાર કોઈ એક લેખક(શ્રીકાંત શાહ)નાં સાત એકાંકીઓ (micro plays – ૧૦-૧૫ મીનિટનાં) એક સાથે ભજવ્યાં. જેમાં ભરતભાઈએ રાજુ બારોટ, નિમેષ દેસાઈ જેવા વિવિધ દિગ્દર્શકોને સામેલ કર્યા. પાલડીની એક શાળાના વિદ્યાર્થીઓ સાથે એક નાટક શાળાની અગાશીમાં ભજવ્યું. અને શ્રીકાંતભાઈનું જ એક ત્રિઅંકી નાટક ‘બાલ્કનીમાંથી દેખાતું આકાશ’ અમદાવાદ ઉપરાંત લખનઉમાં ભજવ્યું.

વિઝ્યુઅલ આર્ટ સેન્ટરમાં કેટલાંક નાટકો ભજવ્યાં. ત્યાં શ્રીકાંત શાહનાં બે એકાંકીઓ ભજવ્યાં અને ટાગોર લીખિત અને કરસનદાસ માણેક અનુવાદિત ‘મુક્તધારા’ની ત્રીસેક જેટલા કલાકારો સાથે સંગીતમય રજૂઆત કરી. જયશંકર સુંદરી હોલમાં રશિયન લેખક ગોગોલ લિખિત અને ભરતભાઈએ અનુવાદ કરેલુ ‘પોલંપોલ’ ભજવ્યું. એન.એસ.ડીની રેપર્ટરીના કલાકારો સાથે ‘ગિલોટીનકી ગોટી’ અને ‘મેના ગુર્જરી’ ભજવેલાં.

ભરતભાઈએ તેમનું અત્યંત મહત્ત્વાકાંક્ષી નાટક ચં.ચી. મહેતા દ્વારા પદ્યમાં લિખિત સંવાદો સાથેનું નાટક ‘મદીરા’ ભજવ્યું. એ માટે કલાકારોની ગ્રીક ટ્રેજેડી અને ગ્રીક થિયેટરની સમજ વધે તે માટે એક વ્યાખ્યાનમાળા યોજી જેમાં એન.એસ.ડીના સેટ ડીઝાઈનના નિવૃત્ત પ્રાધ્યાપક ગોવર્ધન પંચાલ, પ્રા. દિગીશ મહેતા, યશવંત કેળકર, અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ, નિરંજન ભગત અને એસ.આર. ભટ્ટ જેવા વિદ્વાનોનો લાભ લીધો. જેમાં તેના સેટની ડીઝાઈન એન.એસ.ડી.ના ગોવર્ધન પંચાલે કરેલી. તેની વેશભૂષા માટે અમદાવાદના ડિઝાઇનર રાજન ચૌધરીએ તેના સંગ્રહમાંથી સસ્તા દરે જોઇતું કપડું આપ્યું. પછી ઘરે દરજી બેસાડી ગ્રીક સ્ટાઈલનાં કપડાં સિવડાવાયાં. ઘરે સુથાર આવ્યો અને સેટ બન્યો. મૂળ વિચાર હતો કે એ નાટક અમદાવાદના કોઈ જૂના ઐતિહાસિક રોજાની આગળ ભજવાય પણ તેના માટે પુરાતત્ત્વ ખાતાની મંજૂરી મેળવવી મુશ્કેલ હતી, આથી આખરે થિયેટરમાં ભજવાયું. આ નાટકમાં અદિતી ઠાકર, રાજુ બારોટ અને હેમંત નાણાવટીએ અદ્દભુત અભિનય કરેલો. તેમાં આચાર્યનો પાઠ કવિશ્રી પિનાકિનભાઈ ઠાકોરે ભજવેલો. ‘મદીરા’ મુંબઈ દૂરદર્શને રેકોર્ડ કર્યું.

ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રાંગણમાં મોટા લીમડા નીચે અમેરિકન નાટ્યલેખક ઈરવીન શો લિખિત નાટક ‘બરી ધ ડેડ’ ભજવ્યું. તેમાં કોઈ બનાવેલો સેટ નહોતો પણ આસપાસની જગ્યા અને મકાનનો ઉપયોગ કરેલો, જેમાં જમીન પર, પરિષદની લોબીમાં, ઉપરના માળે ગેલેરીમાં વિવિધ સીન ભજવાય. પ્રેક્ષકોએ જ્યાં લાઈટ જાય ત્યાં ફરવાનું. એ નાટકમાં લીમડા નીચે ચાર કબરો ખોદેલી, મિલિટરીનો તંબુ બાંધેલો, મોટર સાયકલ અને જીપ લાવ્યાં. મેજર બનેલા એક્ટરે પાત્રને ન્યાય આપવા ટકો કરાવેલો. આ અનુભવ મોટાભાગના પ્રેક્ષકો માટે અદ્દભુત હતો. અભિજાત જોશીએ આ નાટકમાં પહેલી વાર કામ કર્યું. તેના કહેવા મુજબ તે થિયેટરની બારાખડી અને નાટકની સ્ક્રિપ્ટને ચુસ્ત કેવી રીતે બનાવાય તે ભરતભાઈ પાસેથી શીખ્યો. તે વખતે મળેલા શિક્ષણને કારણે તે ભવિષ્યમાં ફિલ્મની સ્ક્રિપ્ટ લખી શક્યો. આવાં નાટકોમાં ખુરશી ભાડે લાવવાનો ખર્ચ તો ન પોસાય. પ્રેક્ષકોએ જમીન પર પાથરણા પર બેસીને નાટક જોવાનું.

પછી પરિષદના પ્રાંગણમાં સેટ બનાવી શ્રી પન્નાલાલ પટેલનું ‘માનવીની ભવાઈ’નું ભરતભાઈએ પોતે કરેલું નાટ્ય રૂપાંતર ભજવ્યું. તે પહેલા પન્નાલાલના મૂળ ગામ માંડલી બધા કલાકારોને સાથે લઈ જઈને ત્યાંનાં જૂનાં ઘરોનાં, લોકો જે પહેરવેશ પહેરતાં, જે વાસણો વાપરતાં તેનાં ફોટોગ્રાફ્સ લીધા અને સ્કેચીસ દોરેલા. તેના આધારે પંચાલદાદાના માર્ગદર્શન હેઠળ સેટ ડીઝાઈન થઈ, વેશભૂષા નક્કી થઈ. ત્યાં રેકોર્ડ કરેલાં લોકગીતો અને ભજનોને પાર્શ્વસંગીત તરીકે ઉપયોગમાં લીધું. તેમાં મુખ્યપાત્રો તરીકે રાજુ બારોટ, દીપ્તિ જોશી અને અન્નપૂર્ણા શુક્લ હતાં. એ નાટક જોઈને પન્નાલાલભાઈ અને ઉમાશંકરભાઈ બહુ પ્રસન્ન થયેલા. લેખકનું ગામ માંડલી જીવતું કરેલું. પછીથી જ્યારે પન્નાલાલભાઈને અકાદમી એવોર્ડ મળ્યો ત્યારે એ નાટક દિલ્હીમાં ભજવ્યું.

દર્શકનાં ત્રણ નાટકો, ‘અંતિમ અધ્યાય’ ‘સોદો’, અને ‘હેલન’ ભજવ્યાં, જે હિટલરના નાઝી શાસન વખતના પ્રસંગો પર આધારિત હતાં. અંતિમ અધ્યાયમાં અરવિંદ વૈદ્યએ હિટલરનો યાદગાર રોલ પૂરા કૌશલ્ય સાથે ભજવેલો. અરવિંદભાઈએ ભરતને અંજલિ આપતા કહ્યું છે કે "મારી ૫૫ વર્ષની રંગભૂમિની કારકિર્દીમાં, અવેતન કે વ્યાવસાયિક, મેં કોઈ દિવસ, ક્યારે ય નાટકમાં કામ માગ્યું નથી, મારાં ગુરુવર્ય શ્રી જશવંત ઠાકર, જેમણે મને ઘડ્યો, એમની પાસે પણ નહીં. માત્ર અને માત્ર ભરત એવો એક નાટ્યકર્મી છે …. હતો … જેની પાસે હું પ્રેમથી, હકથી કામ માંગતો .." ‘સોદો’માં ભરતના એન.એસ.ડી.ના સહાધ્યાયી અને મશહૂર એક્ટર અનંગ દેસાઈએ મુખ્ય રોલ કરેલો. જ્યારે ‘હેલન’માં અન્નપૂર્ણા શુક્લએ મુખ્ય પાત્ર ભજવેલું. આ ત્રણે નાટકો જબરદસ્ત સફળતા પામ્યાં. આ નાટકો દર્શકની ભૂમિ લોકભારતીમાં પણ ભજવાયાં.

તે ઉપરાંત ઓગસ્ટ સ્ટ્રિનબર્ગનું ‘ધ ફાધર’ થિયેટરમાં ભજવ્યું, જેનું ભાષાંતર પણ પોતે જ કરેલું.

ભરતભાઈએ વિવિધ નાટકો અમદાવાદ ઉપરાંત વડોદરા, સુરત, રાજકોટ, જામનગર, મહેસાણા, લોકભારતી સણોસરા, દિલ્હી, લખનઉ, મુંબઈ વગેરે શહેરોમાં ભજવ્યાં. તેવી જ રીતે ભરતભાઈએ અગાશીમાં, જયશંકર સુંદરી અને ટાગોર હોલ જેવાં થિયેટરોમાં, પરિષદના પ્રાંગણમાં, વિવિધ શહેરોમાં ખુલ્લી જગ્યાઓમાં, વિઝ્યુઅલ આર્ટ સેંટરના નાના હોલમાં અને જયશંકર સુંદરી હોલના મીની થિયેટર જેવી જગ્યાઓએ નાટકો ભજવ્યાં.

ભરતભાઈના મુખ્ય કલાકારો રાજુ બારોટ, અદિતિ ઠાકર (દેસાઈ), દીપ્તિ જોશી અને અન્નપૂર્ણા શુક્લ રહ્યાં, પણ તે સિવાય હેમંત નાણાવટી, વિનોદ નાઈક, દેવેંદ્ર દીક્ષિત, સુભાષ બ્રહ્મભટ્ટ, ફિરદોશ મેવાવાલા, હર્ષદ શુક્લ, હસમુખ ભાવસાર, અરવિંદ વૈદ્ય, અનંગ દેસાઈ, કિરણ જોશી, પ્રભાકર શુક્લ, સલીલ મહેતા, વંદના વૈદ્ય (પાઠક), ભાવિની જાની, રૂપા દીવેટિયા, અભિજાત જોશી, વગેરેએ પણ વિવિધ પાત્રો ભજવ્યાં. તે ઉપરાંત તેમણે પોતે ‘પોલંપોલ’, ‘અંતિમ અધ્યાય’, અને ‘ધ ફાધર’માં અભિનય કરેલો. અંતિમ અધ્યાયમાં શ્રી જશવંત ઠાકરના ઘેઘૂર અવાજનો ઉપયોગ કરેલો. દરેક નાટકોમાં પ્રકાશ આયોજન એન.એસ.ડી.ના સહાધ્યાયી દિલીપ શાહે સંભાળેલું.

ભરતભાઈએ આ પ્રવૃત્તિઓ દ્વારા પિતાજીને જે ડર હતો તે દૂર કર્યો. તેમણે દેશ-વિદેશના નામાંકિત નાટ્યકારોના શિષ્ટ અને દર્શકોને વિચારતા કરી મૂકે તેવાં નાટકો ભજવ્યાં. દર્શક કે ઉમાશંકરભાઈ પિતાજી પાસે આવે ત્યારે ભરતભાઈની કળાના વખાણ કરતા. 

ભરતભાઈ નાટકો સાથે કલાકારોનું શિક્ષણ પણ કરતા. પહેલા પંદર દિવસ નાટક વિષે અને તેના લેખક વિષે વાતો થાય. ભરતભાઈનો એવો આગ્રહ રહેતો કે કલાકારોએ લેખકનો પૂરો પરિચય, તેણે લખેલાં અન્ય નાટકો વગેરેથી પણ પરિચિત થવું પડે. તે માનતા કે પાત્ર ભજવવું એટલે પરકાયા પ્રવેશ કરવાનો છે. તે પાત્રના દેખાવની સાથે તેની ભાવનાઓ, ઈચ્છાઓ, લાગણીઓ, વળગણો વગેરેને શક્ય તેટલી સચ્ચાઈથી અપનાવીને પાત્રને આત્મસાત કરવાનું છે. તે વખતે કલાકારે પોતાનાં અંગત આદર્શો, પસંદગીઓ, મૂલ્યો ભૂલીને જે પાત્ર ભજવે છે તેને સમગ્રપણે અપનાવવાનું છે. તે દ્વારા નટ વાસ્તવિક જીવનમાં પણ અન્યોના દૃષ્ટિકોણને પણ મહત્ત્વ આપતા થશે. ત્યાર પછી એક મહિનો વાચિકમ્‌ ઉપર કામ થાય. ઉચ્ચારોની સ્પષ્ટતા, કેટલા ઊંચા અવાજે, કેવા ભાવ સાથે, ક્યાં અટકીને બોલવાનું છે તે સમજાવાય. પછી ત્રણેક મહિના રિહર્સલો ચાલે. તેમાં સમયપાલનનો ચુસ્ત આગ્રહ. સ્ત્રી કલાકારો સાથે સભ્યતા અને આભિજાત્ય દાખવવું ફરજિયાત. જ્યાં સુધી નાટક પૂરું પાકે નહીં ત્યાં સુધી સ્ટેજ પર ન જાય.

આ નાટકો કરવા પાછળ ક્યારે ય વ્યવાસાયી વૃત્તિ ના રહી. મોટે ભાગે ગાંઠના પૈસે નાટકો કર્યા. બહુ ઓછા નાટકોમાં કલાકારોને કોઈ ચૂકવણી થતી. જ્યારે બહારગામ જઈએ ત્યારે પૈસા મળે. તેમાં બધાને (મુખ્ય કલાકારથી માંડીને બેકસ્ટેજના) એકસરખું વેતન મળે. અમદાવાદમાં નાટક થાય ત્યારે ૧૦ રૂપિયા ટીકિટ હોય. ફ્રી પાસ તો ભાગ્યે જ કોઈને અપાય.

એક નાટક પૂરું થાય પછી ભરતભાઈને તેના ભાવાવરણમાંથી બહાર આવી બીજા નાટક વિષે વિચાર કરવામાં કેટલાંક મહિના થાય. અન્ય દિગ્દર્શકોની માફ્ક એક નાટક જેવું સ્ટેજ ઉપર જાય તેવું બીજા નાટકની તૈયારી શરૂ ન થાય. આથી તે કલાકારોને સતત વ્યસ્ત ન રાખી શકે. મોટા ભાગના કલાકારોને તો નાટક જલદી સ્ટેજ પર જાય, રોજ શો થાય તેમાં રસ હોય. પછી દૂરદર્શન આવ્યું. અને તે સાથે આવી ટી.વી. સિરિયલ્સ. એણે અભિનેતાઓને વ્યસ્ત કરી દીધા. એને કારણે ભરતભાઇ અકળાતા. એ નાટક કરવા તો માંગતા હતા પણ રિહર્સલ વિષે આગ્રહી અને તે પણ એમને સંતોષ ન થાય ત્યાં સુધી ચાલુ રહે. આ શિસ્ત અને સામે કલાકારોને ગમતી એપીસોડની ઝડપ અને આર્થિક મુદ્દો પણ ખરો. એટલે ગુજરાતની નવી રંગભૂમિની ગતિ ધીમી પડતી ગઈ. ભરતભાઈએ દર્શકની નવલકથા ‘સોક્રેટિસ’નું નાટ્ય રૂપાંતર કરેલું. નિમેષ દેસાઈને મુખ્ય પાત્ર તરીકે પસંદ કરીને તેનું વાચિકમ્‌ શરૂ કર્યું, પણ થોડા દિવસોમાં કલાકારોની અનિયમિતતા અને સમયની અશિસ્તથી અકળાઈને બંધ કરી દીધું. તેના કેટલાંક વર્ષો પછી રાજુ બારોટે તેને હાથમાં લીધું અને સફળતાપૂર્વક ભજવ્યું.

આ સાથે ભરતભાઈએ ઈસરો દ્વારા ચાલતા પીજ (DECU) ટી.વી.માં પ્રોડ્યુસર તરીકે નોકરીના ભાગરૂપે કેટલીક ઉત્તમ ટૂંકી ફિલ્મો, સિરિયલો અને ડોક્યુમેન્ટરીઓ બનાવી. તેની સિરિયલ 'ભલા ભૂસાના ભેદભરમ' બહુ લોકપ્રિય બની. તેવી જ રીતે શ્રીધરાણીની લખેલી વાર્તા પરથી 'પિયો ગોરી' નામની ટૂંકી ટી.વી. ફિલ્મ બનાવી. અમદાવાદમાં પહેલી કાપડ મીલ શરૂ કરનાર અને પહેલા સુધરાઈ પ્રમુખ રણછોડભાઈ વિષે ડોક્યુમેન્ટરી બનાવી. તેમણે કચ્છના ધરતીકંપનો ચિતાર આપતી, પાણી વિષે અને અન્ય વિષયો પર ડોક્યુમેન્ટરીઓ બનાવી. જેમાંથી એકાદ-બે ને રાષ્ટિય પારિતોષિક મળેલાં.

૧૯૯૦માં ભરતભાઈને ગુજરાત સરકારનો ગૌરવ પુરસ્કાર એનાયત થયેલો.

નાદુરસ્ત તબિયતને કારણે ભરતભાઈનું સક્રિય જીવન બંધ થઈ ગયું. પણ તે દરમિયાન તેમણે ઘરમાં બહુ સમૃદ્ધ લાઈબ્રેરી ઊભી કરેલી. જેમાં નાટકો, નાટ્યકારોની આત્મકથાઓ, દાર્શનિકો, ગાંધી વિચાર, ઉત્તમ નવલકથાઓ, કાવ્ય સંગ્રહો વગેરે વિવિધ વિષયનાં પુસ્તકો વસાવેલાં. આથી તેમણે ખૂબ વાંચ્યું અને પચાવ્યું. તેના પરિપાક રૂપે છેલ્લા પાંચેક વર્ષોમાં નાટક સહિત વિવિધ વિષયો પર દર વર્ષે એક-બેના ધોરણે પુસ્તકો લખ્યાં અને પબ્લિશ કર્યાં. વાને કારણે આંગળાં કામ નહોતા કરતાં. એ સ્થિતિમાં તે કોમ્પ્યુટર પર લખતા શીખ્યા. એ પુસ્તકો અને લેખ-શ્રેણીને કારણે ભરતભાઈને વિશ્વકોશ દ્વારા ધીરુભાઈ ઠાકર સવ્યસાચી એવોર્ડ, કુમાર સામાયિક દ્વારા કુમાર ચંદ્રક અને સુરતની સંસ્થા દ્વારા નર્મદ એવોર્ડ મળ્યા.

આજે ભરતભાઈની દીકરી દેવકી નાટકો અને અને રેડ FMના RJ તરીકે રેડિયોમાં ભરતભાઈના એ જ આદર્શો અને સમજણ સાથે ઉત્તમ કામ કરી રહી છે અને અનેક એવોર્ડ મેળવી રહી છે.

ભરતભાઈના મનમાં બે ત્રણ પુસ્તકોનો ખ્યાલ રમતો હતો, ત્રણેક પુસ્તકો છપાઈને આવવામાં હતાં એવે વખતે કોરોના ભરતભાઈને લઈ ગયો. જેમ ઘણા લોકોએ કહ્યું છે તેમ, ભરતભાઈનું અકાળ અવસાન એ માત્ર તેમના કુટુંબને જ નહીં. પણ સમગ્ર નાટ્યજગતને પડેલી ખોટ છે. સ્વ. શ્રી ઈબ્રાહિમ અલ્કાઝીનાં પુત્રી અમલ અલ્લાનાએ આપેલી અંજલિ અનુસાર ભરતભાઈ ભારતીય નાટ્યજગતની બિરાદરીના મહત્ત્વના સ્તંભ હતા.

ભરતભાઈએ સવ્યસાચી એવોર્ડ સ્વીકારતી વખતે તેમના પ્રવચનના અંતમાં દુ:ખ વ્યક્ત કરતા કહેલું કે ‘નાટક જેવી મહાન કળાને આપણે ગુજરાતી કલાકારો અને પ્રેક્ષકોએ માત્ર રમૂજી ટૂચકાના પ્રોગ્રામમાં ફેરવી નાખી છે. આ બાબત અમારા કામને મર્યાદિત કરી દે છે. આ કારણે પ્રેક્ષકોનું નવી દિશામાં ઘડતર થયું જ નથી અને એટલે જ તેઓ આ સિવાયના થિયેટરની કલ્પના જ કરી શકતા નથી. બહારથી ભલે તેઓ શિક્ષિત-સુધરેલા દેખાય પણ અસલમાં they are culturally illiterate.’

e.mail : samanvay.sys@gmail.com

પ્રગટ : “નવનીત-સમર્પણ”, જુલાઈ 2021; પૃ. 47-54

Loading

ડૉ. કિરણ ન. શીંગ્લોતનું પુસ્તક ‘કૅન્સરની જીવનગાથા’

સંજય સ્વાતિ ભાવે|Opinion - Opinion|4 February 2022

વિશ્વ કૅન્સર દિવસ

અમેરિકાના કૅન્સર નિષ્ણાત સિદ્ધાર્થ મુખર્જીના  'The Emperor of All Melodies : A Biography of Cancer' પુસ્તકનો 'કૅન્સરની જીવનગાથા' નામે વાચનીય અનુવાદ કરીને વડોદરાના કર્મશીલ તબીબ ડૉ. કિરણ ન. શીંગ્લોત આપણા સમયનું એક  વિશ્વવિખ્યાત પુસ્તક ગુજરાતીમાં લાવ્યા છે. તે વડોદરાના યજ્ઞ પ્રકાશને  કોરોનાકાળમાં એટલે કે જૂન 2020માં બહાર પાડ્યું છે.

આ પુસ્તકમાં ઇસવીસન પૂર્વેના સમયથી લઈને અત્યાર સુધીમાં થતી રહેલી વિવિધ પ્રકારના કૅન્સર રોગની શોધ, તેની પરનાં સંશોધનો અને આ અકળ વ્યાધિની સારવારનો માહિતીથી ખીચોખીચ ભરેલો આલેખ આપ્યો છે.

પુસ્તકને અંતે મૂકવામાં આવેલી લાંબી મુલાકાતમાં ડૉ.મુખર્જી કહે છે :

‘એમાં [પુસ્તકમાં] મેં માનવજાતિ કૅન્સરને સંભવત: જાણતી થઈ ત્યારથી શરૂ કરીને તે છેક અદ્યતન સમય સુધીનો તેનો સમગ્ર ઇતિહાસ તેમ જ તેના વિકાસ અને માનવીની તેની સામેની લડાઈની વાત માંડી છે … આ પુસ્તક સામાન્ય જનતા માટે છે … પુસ્તકનું આલેખન કરતી વેળાએ મેં એવો નિયમ બનાવેલો કે કૅન્સર જીવવિજ્ઞાનના ક્ષેત્રમાં સામાન્ય માનવીના જીવનને સ્પર્શે તેવો એક પણ મુદ્દો બાકી ન રહેવો જોઈએ.'

(તસવીર : અનુવાદક અને પુસ્તકનું મુખપૃષ્ઠ)

પોણા ચારસો પાનાંના પુસ્તકના સાત ખંડોમાં લેખકે આવરી લીધેલી બાબતોમાંથી કેટલીક આ મુજબ છે : ઇતિહાસમાં કૅન્સરના ઉલ્લેખો, કૅન્સરની અણુવૈજ્ઞાનિક (મોલિક્યુલર) ભૂમિકા અને તેનું જનીનવિજ્ઞાન, કૅન્સરનું રોગકારણ સમજવામાં અને તેની ચોક્કસ સારવાર શોધવામાં અનેક દેશોના તબીબો / વિજ્ઞાનીઓએ કરેલા પ્રચંડ પરિશ્રમ, કૅન્સરના નિદાન માટે વખતોવખત શોધવામાં આવેલી પદ્ધતિઓ, કૅન્સર નિવારણ માટેની કામગીરી, નિવારણ અને સારવારનું રાજકારણ.

તદુપરાંત, અમેરિકામાં સિગરેટના દૂષણને નાથવા માટે વિજ્ઞાનીઓ અને જાગૃત નાગરિકોએ સિગરેટ બનાવનાર કંપનીઓ અને તેમને સાથ આપનાર રાજકારણીઓની સામે માંડેલી લડત પુસ્તકનો નોંધપાત્ર હિસ્સો છે.

કાપડ ઉદ્યોગ, રસાયણ ઉદ્યોગ, વિશ્વયુદ્ધો, માધ્યમો, કલાકારો, ધનપતિઓ, યુરોપના દેશોમાં ચિમનીઓ સાફ કરનારા બાળકો, એઇડસનો વ્યાધિ જેવી નાનાવિધ બાબતો સાથે ગૂંથાયેલા કૅન્સરના તાણાવાણા વિશે વાંચતા અચંબો થાય છે. ત્રીસેક વૈજ્ઞાનિકોના પ્રદાનની લેખકે અહીં સંદર્ભોચિત, સપ્રમાણ, ગૌરવપૂર્ણ નોંધ લીધી છે.

ક્લિનિકલ ટ્રાયલ્સના કિસ્સા તેમ જ સંખ્યાબંધ દરદીઓના વીતકોનું લાગણી અને કૃતજ્ઞતાથી કરેલું બયાન આ પુસ્તકનો હૃદયસ્પર્શી હિસ્સો છે. ડૉક્ટરોની પોતાની વ્યથાના અનેક ઉલ્લેખો મળે છે. પુસ્તકમાં કેટલીક જગ્યાએ પ્રથમ વ્યક્તિ એકવચની કથન (first person narration) છે. ‘સામાન્ય શરીરની વિકૃત આવૃત્તિ’ નામના પાંચમા ખંડના પહેલા પ્રકરણ ‘એક કારણ’માં દરદીઓની વચ્ચે રહીને સંશોધન કરનાર લેખકની ખુદની મનોવેદના વાંચવા મળે છે. ડૉ. મુખર્જી 2003માં 33વર્ષની વયે અમેરિકાની પ્રતિષ્ઠિત સંસ્થાઓમાં કૅન્સર મેડિસિનની અદ્યતન તાલીમ માટે દાખલ થયા હતા. અનુવાદક નોંધે છે : ‘ઊગતી કારર્કિર્દીના આ વર્ષો દરમિયાન એમનાં મનમાં જે મંથન થયું તેમાંથી આ પુસ્તકનો જન્મ થયો.’ તેને પુલિત્ઝર પુરસ્કાર સહિત દસ જેટલાં આંતરરાષ્ટ્રીય ઇનામો પણ મળ્યાં.

સારવારના સતત અખતરામાંથી ઊભી થતી દરદીની રિબામણીના ભોગે થતું અને છતાં ય એકંદર માનવજાતિ માટે જરૂરી સંશોધન વાચકને એક અસ્વસ્થ મનોસ્થિતિમાં મૂકે છે. જો કે લેખક હતાશ નથી. 'વિજ્ઞાને હવે ઘણાં કૅન્સર પર વિજય મેળવ્યો છે' એમ લખીને તે 1990થી 2005ના ગાળાનો  અમેરિકાનો દાખલો આપીને નોંધે છે : ‘ફેંફસાં, સ્તન, મોટું આંતરડું, પ્રોસ્ટેટ એ દરેક મુખ્ય કૅન્સરને કારણે થતાં ધીમી પણ મક્કમ ગતિથી સતત ઓછો થઈ રહ્યો હોવાનાં એંધાણ વર્તાય છે.'  મુલાકાતમાં તે કહે છે : '…સંપૂર્ણ અશાવાદી પણ નહીં અને છેક નિરાશાવાદી પણ નહીં એવો મધ્યમ માર્ગ સ્વીકારીને આ પુસ્તક લખાયું છે. કૅન્સર સંશોધનના ક્ષેત્રમાં ચિત્ર એક લોલકની જેમ સતત બદલાતું રહ્યું છે.'

કૅન્સર વિશે ગુજરાતીમાં આવેલાં દસેક પુસ્તકો, જાણકાર ગ્રંથપાલ તોરલબહેન પટેલ મિનિટોમાં હાજર કરે છે. સન્નિષ્ઠતાથી લખાયેલાં આ નાનાં-મોટાં પુસ્તકો માહિતી, ઉપચાર અને સ્વકથન પ્રકારના છે. યજ્ઞ પ્રકાશન, માનવીય ટેક્નોલોજી ફોરમ અને અન્ય નિસબત ધરાવતાં જૂથો દ્વારા કૅન્સર જાગૃતિ અંગે સેમિનાર, જાગૃતિ અભિયાન અને પ્રકાશન જેવાં કામ બિનધંધાદારી રીતે સમાજકાર્ય તરીકે હાથ ધરાતાં રહ્યાં છે, જેની મહિતી રજનીભાઈ દવેએ લખેલા આ અનુવાદના ‘પ્રકાશકીય’માં મળે છે.

ડૉ. શીંગ્લોતના સારાનુવાદની ખાસિયત એ છે કે તે વાંચતી વખતે એકંદરે ગુજરાતી મૌલિક પુસ્તક વાંચતા હોઈએ એવું લાગે છે. મૂળ અંગ્રેજી લખાણને કોઈ કરામતો વિના આપણી ભાષાના સામાન્ય  વાચક માટે રસપ્રદ બનાવવાની સિદ્ધિ અનુવાદકે હાંસલ કરી છે. ચોટદાર નામથી શરૂ થતું પ્રકરણ સરળ રીતે અંત સુધી પહોંચે છે.

અલબત્ત,આ પુસ્તક કથારસનું પુસ્તક નથી. તેમાં ઘણી બધી ટેકનિકલ વિગતો છે તે કોઈ વાચકને છોડી દેવા જેવી લાગે, કેટલીક દુર્બોધ લાગે, કેટલીક જગ્યાએ કંટાળો આવે એમ પણ બને. છતાં પુસ્તક કૅન્સરની જટીલતા ઉપરાંત તેની સામેની માનવસંસ્કૃતિની, civilizationની લડતનો અત્યંત પ્રભાવક ખ્યાલ આપે છે. આપણા સમાજની વધતી અવૈજ્ઞાનિકતાના સમયમાં વિજ્ઞાનમાંનો આપણો વિશ્વાસ દૃઢ બને છે.

પુસ્તકની મહત્તામાં ડૉ. સિદ્ધાર્થ મુખર્જીના જ્ઞાનખચિત લેખન સાથે અનુવાદક ડૉ. કિરણ શીંગ્લોતની મહેનત પણ બિલકુલ સ્પષ્ટ થાય છે. આ ડૉક્ટર ખાનગી પ્રૅક્ટિસ કરતા નથી અને પદ-પ્રતિષ્ઠા-પ્રસિદ્ધિ-પૈસાના ચક્રોથી દૂર રહે છે. વૈદકવિદ્યા વ્યાસંગી  કિરણભાઈએ ભ્રમણપૂર્ણ વ્યસ્તતા સાથેના તબીબી સેવાકાર્ય વચ્ચે મૌલિક લખાણ અને અનુવાદનાં થઈને વીસ જેટલાં પુસ્તકો આપ્યાં છે. 'જ્યાં ડૉક્ટર ન હોય' એ માર્ગદર્શક ગ્રંથની જેમ 'કૅન્સરની જીવનગાથા' પુસ્તક માટે વાચકો ડૉ. શીંગ્લોતના ઋણી છે.

પુસ્તકનાં પ્રાપ્તિસ્થાન :

ગૂજરાત વિદ્યાપીઠ પુસ્તક ભંડાર, અમદાવાદ. ફોન 079-400016269 

‘ભૂમિપુત્ર’ કાર્યાલય, હિંગળાજ માતાની વાડીમાં, હુજરાત પાગા, વડોદરા.  0265-2437957

04 ફેબ્રુઆરી 2022

સૌજન્ય : સંજયભાઈ ભાવેની ફેઇસબૂક દિવાલેથી સાદર

Loading

વિચારી જુઓ, નાગરિક રાષ્ટૃ હોવું જોઈએ કે હિન્દુ રાષ્ટૃ ?

રમેશ ઓઝા|Opinion - Opinion|3 February 2022

પાકિસ્તાની પદાર્થવિજ્ઞાની અને સમાજચિંતક પરવેઝ હૂડભોય આપણે ત્યાં થોડુંઘણું વાંચી-સમજી શકનારાઓમાં લાડલા છે. પરવેઝ હૂડભોય કરાંચીથી પ્રકાશિત થતા ‘ડૉન’ નામના અખબારમાં કોલમ લખે છે જેમાં તેઓ પાકિસ્તાનના શાસકો અને મુલ્લાઓની આકરી ટીકા કરતા રહે છે. ટીકાનો તેમનો કેન્દ્રવર્તી મુદ્દો એ હોય છે ખોટો ઇતિહાસ શીખવવાથી, ખોટાં કલ્પનો (મીથ) પેદા કરવાથી, વાસ્તવિકતાઓથી નજર ફેરવી લેવાથી, ધર્મના આધારે લોકો વચ્ચે ભેદભાવ કરવાથી કોઈ ફાયદો થતો નથી એનો મૂર્તિમંત દાખલો પાકિસ્તાન છે. પાકિસ્તાનનો ૭૫ વરસનો ઇતિહાસ જો કોઈ એક વાત કહેતો હોય તો એ આ છે અને એમ તેઓ લગભગ પચીસ વરસથી કહે છે. પરવેઝ હૂડભોયના લેખો કેટલાક ભારતીય અખબારોમાં પ્રકાશિત કરવામાં આવે છે અને હિન્દુત્વવાદીઓ તેમના ઉપર ફિદા છે.

પરવેઝ હૂડભોયે તાજેતરમાં પ્રકાશિત થયેલા તેમના લેખમાં લખ્યું હતું કે પાકિસ્તાનની સ્થાપના થઈ ત્યારે પાકિસ્તાનના પ્રાંતોમાં જન્મેલા એવા કેટલા બધા હિંદુઓ, પારસીઓ, ઈસાઈઓ, અહમદદિયા મુસલમાનો, સેક્યુલર મુસલમાનો, અન્ય ધર્મીઓ અને નાસ્તિકો હતા જેમણે જે તે ક્ષેત્રમાં નામના મેળવી હતી અથવા આગળ જતાં મોટા થઈને નામના મેળવી હતી. જો ધર્મને વચ્ચે લાવ્યા વગર અને ઇસ્લામ અંગેની ચોક્કસ ધાર્મિક માન્યતાઓને વચ્ચે લાવ્યા વગર એ બધા લોકોને પાકિસ્તાને પોતાનાં માન્ય હોત તો તેઓ પાકિસ્તાનને કેટલું બધું આપી શક્યા હોત! પણ બન્યું એવું કે પાકિસ્તાનના શાસકોએ, મુસ્લિમ કોમવાદીઓએ અને મૂળભૂતવાદી ઝનૂની મુસ્લિમોએ તેમને સતાવ્યા જેને પરિણામે એ લોકોએ નાછૂટકે પાકિસ્તાનમાંથી ઊચાળા ભર્યા અને તેઓ બહાર જઈને ઝળક્યા. વધારે નુકસાન કોને થયું? પાકિસ્તાનને કે એ લોકોને? એ લોકો તો વધુમાં વધુ ન્યાય નહીં મળ્યો હોવાની અને વતન છોડવાની પીડા ધરાવે છે, પણ પાકિસ્તાન તો પ્રગતિથી વંચિત રહેવાની વાસ્તવિકતાની પીડા ધરાવે છે. નોબેલ પારિતોષિકથી વિભૂષિત અબ્દુસ સલામ આનું ઉદાહરણ છે. તેઓ અહમદિયા મુસલમાન હતા એટલે સતાવવામાં આવ્યા અને તેઓ બહાર જઇને ઝળક્યા. તેમના યોગદાનથી પાકિસ્તાન વંચિત રહ્યું છે. પરવેઝ હૂડભોયે બીજા એક નોબેલ પારિતોષિક વિજેતા હિંદુ વિજ્ઞાની હરગોવિંદ ખુરાનાનો દાખલો ટાંક્યો છે. તેઓ લાહોરના હતા અને લાહોરમાં ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કર્યું હતું. જો પાકિસ્તાને હિંદુઓને પોતાનાં ગણ્યાં હોત તો ખુરાના પાકિસ્તાનમાં રહ્યા પણ હોત! આવા તો બીજા અનેક લોકો છે.

પાકિસ્તાન અને મુસલમાનો વિષે આવું બધું વાંચવું-સાંભળવું હિન્દુત્વવાદીઓને ગમે છે, પણ એ જ વાત ભારતના સંદર્ભમાં અત્યારે આ લખનાર જેવા સેક્યુલર હિંદુ કે બીજો કોઈ વિધર્મી કે જગતના પ્રવાહો ઉપર નજર રાખનારા નિરીક્ષકો કહે તો હિન્દુત્વવાદીઓને મરચાં લાગે છે. પરવેઝ હૂડભોયનો લેખ પ્રકાશિત થયો એનાં બીજા અઠવાડિયે ભારતના ભૂતપૂર્વ ઉપરાષ્ટ્રપતિ હમીદ અન્સારીએ તેમની આત્મકથાના પ્રકાશન નિમિત્તે કહ્યું હતું કે અત્યાર સુધી ભારત નાગરિક રાષ્ટ્ર હતું એટલે તેણે પ્રગતિ કરી છે, પણ હવે હિંદુ રાષ્ટ્ર આકાર લઈ રહ્યું છે જેમાં માણસની ગણના અને તેના કૌવતનું આકલન ધર્મના ત્રાજવે કરવામાં આવે છે. આ કોઈ પણ રાષ્ટ્ર માટે પતનનો માર્ગ છે. હમીદ અન્સારીએ કહ્યું હતું કે તેમણે દેશની વિદેશસેવામાં પોતાની જે કોઈ સજ્જતા હતી તેના આધારે યોગદાન આપ્યું હતું, તેને મુસ્લિમ હોવાપણા સાથે કોઈ સંબંધ નથી. હોવો પણ ન જોઈએ.

અહીં નાગરિક રાષ્ટ્ર અને હિંદુ રાષ્ટ્ર વચ્ચે શું ફરક છે એ સંક્ષેપમાં ભક્તોને સમજાવી દઉં. નાગરિક રાષ્ટ્ર એ છે જેમાં નાગરિક રાષ્ટ્રનું મૂળભૂત એકમ છે અથવા પાયાનો પથ્થર છે. રાષ્ટ્રની આખી ઈમારત નાગરિકના ખભે ઊભી હોય છે. હિંદુ રાષ્ટ્ર, ઇસ્લામિક રાષ્ટ્ર કે એવા બીજા કોઈ પણ રાષ્ટ્રના પાયામાં બહુમતી ધરાવતા જે તે પ્રજાસમૂહો હોય છે. નાગરિક રાષ્ટ્રમાં દેશના નાગરિક, નાગરિક તરીકે એક સરખો દરજ્જો ધરાવે છે જ્યારે બહુમતી પ્રજા આધારિત રાષ્ટ્રમાં (ભારતમાં હિંદુ રાષ્ટ્ર) બહુમતી વિશેષ દરજ્જો ધરાવે છે અને બીજી પ્રજા સાથે ઓરમાયો વહેવાર કરવામાં આવે છે. શરૂઆત વહાલાં-દવલાંનાં વહેવારથી કરવામાં આવે છે અને એવા વહેવારને જો બહુમતી પ્રજા અપનાવે, રાજકીય માન્યતા આપે, ચૂંટણીમાં વહાલાં-દવલાંનો વહેવાર કરનારાઓને જીતાડે તો પછી બંધારણમાં સુધારા કરીને નાગરિક રાષ્ટ્રને બહુમતી રાષ્ટ્રમાં ફેરવવામાં આવે છે. વિધિવત્ ભારતમાં પાકિસ્તાન આકાર પામે.

હવે જો બહુમતી પ્રજા માથાભારે થઈને ફરે, લઘુમતીને સતાવે, તેની સાથે ઓરમાયો વહેવાર રાખે, તેમને તકથી વંચિત રાખે તો પરિણામ શું આવે? એ પ્રજા રાષ્ટ્રજીવનમાંથી અળગી થઈ જાય અને અન્યત્ર પોતાની જગ્યા બનાવે. શક્તિશાળી બીજ ક્યાંક તો ફૂટવાનું જ, પણ તમારી ધરતી તેનાથી વંચિત રહી જાય. અને યાદ રહે, શક્તિને ધર્મ સાથે લેવાદેવા નથી. જો ઇસ્લામ જગતનો શ્રેષ્ઠ ધર્મ છે તો જગતના તમામ તેજસ્વી માણસો મુસ્લિમ ઘરમાં પેદા થવા જોઈતા હતા. જો હિંદુ ધર્મ શ્રેષ્ઠ ધર્મ છે તો જગતના તમામ જ્યોતિર્ધરો હિંદુ હોવા જોઈતા હતા. પણ એવું નથી. ઊલટું માણસ જેટલો અસ્મિતામુક્ત એટલો વધારે તેજસ્વી હોવાનો અથવા એમ કહો કે જેને આભમાં પ્રકાશવું હોય તેણે અસ્મિતાઓનાં દીવડાઓથી મુક્ત થવું પડશે. આનું પરિણામ એ આવે છે કે જેઓ આભ આંબવાના મનોરથ સેવે છે અને કૌવત ધરાવે છે એવા લોકો ધર્મ જેવા અસ્મિતાઓના સંકુચિત રંગમંચ ઉપર ગુંગળામણ અનુભવે છે. ગુંગળામણ અનુભવતા લોકો ગુંગળામણને વાચા આપશે, તેઓ વાચા આપશે એટલે ભક્તો તેમને સતાવશે, ટ્રોલિંગ કરશે અને સરવાળે તેઓ અન્યત્ર જતા રહેશે. ૭૫ વરસ પહેલાં પાકિસ્તાનમાં આ રીતે જ શરૂઆત થઈ હતી જે રીતે અત્યારે ભારતમાં શરૂઆત થઈ છે અને પરવેઝ હૂડભોય કહે છે એમ પરિણામ આપણી સામે છે.

એક વાત યાદ રાખજો, ટોળાંમાં બુદ્ધિ હોતી નથી, બુદ્ધિ વ્યક્તિમાં હોય છે. હકીકત તો એ છે કે ટોળાંનો હિસ્સો બનવા માટે બુદ્ધિનો અભાવ જરૂરી હોય છે. તો પાકિસ્તાનના પરવેઝ હૂડભોય કહે છે પાકિસ્તાનની બરબાદીનું કારણ ટોળાંનું સત્ય અને ટોળાંનું માથાભારેપણું છે. જો વ્યક્તિને એટલે કે નાગરિકને ઊગવા દીધો હોત તો પાકિસ્તાનની સ્થિતિ અલગ હોત. ભારતના હમીદ અન્સારી કહે છે કે ભારતે જે કોઈ સિદ્ધિ પ્રાપ્ત કરી છે એ વ્યક્તિને એટલે કે નાગરિકને ઊગવા દીધો એનું પરિણામ છે, પણ અત્યારે હવે હિંદુ રાષ્ટ્રના નામે ટોળાંનું સત્ય માથે મારવામાં આવી રહ્યું છે એ ઘાતક છે.

બન્નેના કથનમાં શો ફરક છે? બન્ને એક જ વાત કહી રહ્યા છે. પરવેઝ હૂડભોયના શબ્દો મીઠા લાગે અને હમીદ અન્સારી એ જ વાત કહે તો મરચાં લાગે એવું શા માટે? ભારત સરકારના પ્રવક્તાએ હમીદ અન્સારીની ટીકા કરતાં કહ્યું છે કે તેઓ દેશને બદનામ કરી રહ્યા છે અને ભારતને બદનામ કરવાનું જાગતિક ષડયંત્ર છે. હવે જો પાકિસ્તાનના શાસકોની, મુલ્લાઓની, કોમી તત્ત્વોની, ધર્મઝનૂનીઓની ટીકા કરીને પરવેઝ હૂડભોય પાકિસ્તાનને બદનામ કરી રહ્યા છે એમ જો તમે માનતા હો તો હમીદ અન્સારીની ટીકા સ્વીકારી શકાય. પાકિસ્તાનને જગતમાં પરવેઝ હૂડભોય જેવાઓએ બદનામ કર્યું છે કે અસહિષ્ણુ ધર્મઝનૂનીઓએ અને ભેદભાવ કરનારા શાસકોએ? ભારતને બદનામ હિંદુ ધર્મઝનૂનીઓ અને કોમવાદીઓ કરી રહ્યા છે કે હમીદ અન્સારી જેવા ચેતવણી આપનારાઓ? હમીદ અન્સારી મુસ્લિમ છે એ ગૌણ છે.

જો ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ એમ કહેતા હોય કે દેશમાં લડાઈ ૮૦ ટકા વિરુદ્ધ ૨૦ ટકા વચ્ચેની છે અને વડા પ્રધાન જો તેમને વારતા ન હોય અને સરેરાશ હિંદુનું મૂક સમર્થન હોય તો પાકિસ્તાનની પંક્તિમાં બેસવામાં શરમ શેની! ખોટો ઢોંગ શા માટે? ગર્વ સે કહો હમ પાકિસ્તાન જૈસે હૈ. પંક્તિ તમે અને તમારા હિંદુ શાસકો પસંદ કરી રહ્યા છો, અમે તો ઊલટું એ પંક્તિમાં બેસવામાં જે જોખમ છે તેની ચેતવણી આપી રહ્યા છીએ.

પ્રગટ : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 03 ફેબ્રુઆરી 2022

Loading

...102030...1,7251,7261,7271,728...1,7401,7501,760...

Search by

Opinion

  • રેવા / તત્ત્વમસિ  
  • लोकतंत्र का एंकाउंटर हो रहा है  
  • બ્રેઇન ડ્રેઇન નહીં, બ્રેઇન લીઝઃ ભારતીય પ્રતિભા સર્જે છે, મૂલ્ય બીજા વસૂલે છે
  • ચલ મન મુંબઈ નગરી—347
  • AIને માથે ચડાવવા જેવું નથી …

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • લૂંટ શકે તો લૂંટ
  • દરિયો
  • ગઝલ
  • ગઝલ
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved