Opinion Magazine
Number of visits: 9962450
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

લૂઝ કનેક્શન શ્રેણી (25)

સુમન શાહ|Opinion - Opinion|9 February 2022

(મારી તબિયત ઝડપથી સુધરી રહી છે, ચિન્તાનું કારણ ટળ્યું છે. સૌ સ્વજનો સ્નેહીઓ મિત્રો FB મિત્રોનો આભારી છું.)

સૅક્સ્યુઅલ રીલેશનશિપ :  લેખાંક – 6 : પરમ્પરાગત ફિલસૂફીમાં … :

સાત હકીકત ધ્યાનપાત્ર છે :

૧ :

ફિલસૂફીએ સદીઓથી ભેદોની ભૂમિકાએ વિચાર્યું છે. ખાસ તો, આટલાં જોડકાંઓમાં – ડાયકોટમીઝમાં – વિચાર્યું છે : દેહ અને આત્મા, ચિત્ત અને શરીર, તર્ક અને ભાવ તેમ જ સ્ત્રી અને પુરુષ.

૨:

એટલું જ નહીં, આ જોડકાંઓમાં, આત્મા કરતાં દેહને ઊતરતી કોટિનો ગણવામાં આવ્યો છે. એ જ રીતે, શરીર કરતાં ચિત્ત, ભાવ કરતાં તર્ક, અને સ્ત્રી કરતાં પુરુષ ચડિયાતાં ગણાયાં છે.

૩ :

ફિલસૂફીના સમગ્ર ઇતિહાસમાં માનવશરીરની ઘોર ઉપેક્ષા કરવામાં આવી છે – તેને માત્ર હાડમાંસનો પિણ્ડ ગણવામાં આવ્યો છે. પરિણામે, સંસારમાં શરીર કે જેથી મનુષ્યનું અસ્તિત્વ છે તેને જ વિશે ઘૃણા અને તિરસ્કાર પ્રસર્યાં છે.

૪ :

શરીર જેમ તુચ્છ મનાયું છે તેમ સ્ત્રી કે જે ગર્ભધારણ કરે છે, જે માનવજાતના અસ્તિત્વ અને સાતત્યનું મહત્ કારણ છે, તેને જ વિશે સંસારમાં હીનભાવ દૃઢ થયો છે, એટલે લગી કે સ્ત્રીને વસ્તુ ગણીને વાપરવાની વૃત્તિ-પ્રવૃત્તિ દૃઢ થયેલી છે, જાણે સ્ત્રી મનુષ્ય જ નથી !

૫ :

પરિણામે, ઉત્તરોત્તર વિચારજગતમાંથી સ્ત્રીને બાકાત રાખવામાં આવી છે. તેનું કશું સ્થાન કે માન જળવાયું નથી.

૬ :

સ્ત્રીને વિશેના આ તુચ્છકારનો સ્ત્રીના જીવન પર ઘેરો પ્રભાવ પડ્યો છે : મનુષ્યના જાતીય જીવનમાં સ્ત્રીને વધુ ને વધુ ભાવે ભોગની વસ્તુ તો ગણવામાં આવી જ પણ તેનાં નગરવધૂ, રૂપજીવીની, રખાત જેવાં સ્વરૂપો પણ પેદા કરવામાં આવ્યાં, જેમાં એના શરીર સિવાય કશાયને લક્ષમાં લેવાયું જ નથી.

૭ :

પરિણામે, પરમ્પરાગત ફિલસૂફી પક્ષિલ અને એકાંગી રહી ગઈ છે.

આ સાતેય હકીકતોના મૂળમાં મોટા મોટા ફિલસૂફોની વિચારસરણીઓએ ભાગ ભજવ્યો છે.

પ્લેટો

જેમ કે, પ્લેટો :

પ્લેટોમાં ‘ફૉર્મ’-નો સમ્પ્રત્યય કેન્દ્રવર્તી છે. તદનુસાર, એમણે ઠસાવ્યું છે કે સત્ય શિવ સૌન્દર્ય કે પ્રેમ, જીવન જીવવા માટેના આદર્શો છે, અને તે માટેનાં ફૉર્મ્સ ચિત્તથી જ સમ્પાદિત કરી શકાય છે, અને તે માટે શરીરથી માણસે મુક્ત થવું જરૂરી છે.

જેમ કે, ભારતીય પરમ્પરામાં, આહાર નિદ્રા ભય અને મૈથુન વિશે જે અંગુલિનિર્દેશ થયો છે તેમાં શરીરને વિશેની મૂળભૂત સમજદારી વ્યક્ત થઈ છે. અને તેમાં પણ નૉંધનીય સમજ એ છે કે શરીરને માત્ર મનુષ્યનું નથી કહ્યું, જીવ માત્રનું કહ્યું છે – આહારનિદ્રાભયમૈથુનમ્ ચ સામાન્યમેતત પશુભિર્નરાણામ્.

પણ પછી છલાંગ લગાવાઈ છે કે – ધર્મો હિ તેષામધિકો વિશેષો, ધર્મેણ હીના પશુભિ: સમાના: એટલે કે માણસ અને પશુમાં ફર્ક એ છે કે માણસમાં ધર્મની વિશેષતા વધારે હોય છે; અને ધર્મ વિનાને પશુ સમાન ગણવો. મન્તવ્ય એમ બન્યું છે કે માણસ તો પશુથી શ્રેષ્ઠ છે અને તે આ ચાર મૂળ બાબતો પર અંકુશ જો મેળવે, તો એનું ધર્મજીવન શરૂ થઈ જાય.

એ પ્રકારે માનવશરીરને ગૌણ અને અધ્યાત્મસાધનાનું માત્ર સાધન ગણી લેવાયું છે. એ કાજે એમાંથી છૂટી જવાનો મહિમા દૃઢ થયેલો છે.

રેને દેકાર્ત

જેમ કે, રેને દેકાર્ત :

દેકાર્તે ચિત્ત અને શરીર વચ્ચેની ભેદક માનસિકતાને દૃઢ કરી. એમણે શરીર વિનાના ‘હું’-નો ખયાલ નીપજાવ્યો, કહ્યું કે 'હું વિચારું છું, માટે હું છું'. ઇગોનું આ ડિસ્ઍમ્બૉડિમૅન્ટ સૌને ગમી ગયું અને એમના એ કોગિટોએ – એ સમ્પ્રત્યયે – છેક આપણા સમય લગી વિચારજગતનો કબજો કરી રાખ્યો.

દેહ અને આત્મા વગેરે જોડકાંમાંથી જ પ્રસરેલું જોડકું – ડાયકોટમી – છે, વિષયી અને વિષય – સબ્જેક્ટ અને ઑબ્જેક્ટ અને તે પરથી, સબ્જેક્ટિવિટી અને ઑબ્જેક્ટિવિટી – આત્મલક્ષીતા અને પરલક્ષીતા. પરમ્પરાગત ફિલસૂફીએ આત્મલક્ષીતા પાછળ પોતાનો ઘણો સમય ખરચ્યો છે.

આત્મલક્ષી વિચારણા ‘હું’-ને બાહ્ય જગતથી કાપીને જુએ છે પણ એ હકીકત પરથી ધ્યાન ઊઠી જાય છે કે ‘હું’-ને ઘડે છે જ બાહ્ય જગત ! ‘હું’-માં બાહ્ય જગતે ઘણો મોટો ભાગ ભજવ્યો હોય છે. શુદ્ધ ‘હું’ એક મહામોટી અશક્યતા છે.

અને આ 'હું' તે શું? મનુષ્યશરીર !  મનુષ્યશરીરને પણ બાહ્ય જગતે, પંચમહાભૂતે, સરજ્યું છે, એને જળ વાયુ અગ્નિ આકાશ હમેશાં ઘડે છે, બદલે છે.

આધુનિક ફિલસૂફી ઑન્ટોલૉજિકલ તેમ જ ઍપિસ્ટમોલૉજિકલ બન્ને ક્ષેત્રે માનવશરીરને જ પાયામાં મૂકીને વિચારે છે.

શરીરને પૉન્તિ જગતનું ઍજન્ટ ગણે છે. આ અગાઉના લેખમાં મેં જણાવ્યું કે દેકાર્તના કોગિટોના વિકલ્પે પૉન્તિ ‘બૉડિ-સબ્જેકટ’-નો વિકલ્પ લાવ્યા. મારે ઉમેરવું જોઇએ કે પૉન્તિ અનુભૂતિના સભાન – ખરા – વિષય લેખે શરીરને અંકિત કરનારા પહેલા ફીનૉમિનોલૉજિસ્ટ છે.

મનુષ્યનો વિશ્વ સાથેનો સમ્પર્ક અને સમ્બન્ધ-અનુબન્ધ હમેશાં સેન્દ્રિય હોય છે, શારીર, અને તે સદા હોય છે. સમજાય એવું છે કે જો મને શરીર અને તેમાં ય દસ ઇન્દ્રિયો ન મળી હોત તો વિશ્વ શું છે તે ન સમજાત, ઉપરાન્ત, હું પોતે શું છું તે પણ ન સમજાત.

પૉન્તિ એટલે લગભગ ચીડાઈને કહે છે કે સ્વને અને ચેતનાને ખોપરીના અવકાશમાં ન શોધો ! ચેતના નથી તો ચિત્તમાં, હૃદયમાં કે ક્યાંયે ! એ શરીરની બહાર પણ નથી. એ કંઈ ચીજ નથી કે અમુક સ્થળે પડી રહી હોય ! ચેતના તો શરીર, વાણી અને કાર્યોની આપણા વાતાવરણ વચ્ચે ચાલતી એક આન્તરલીલા છે – ઇન્ટરપ્લે છે.

પૉન્તિ આત્માને શરીરમાં પડેલો hollow કહે છે – પોલાણ. લખે છે કે તેથી શરીર અને આત્મા વચ્ચેના સમ્બન્ધને convex અને concave વચ્ચેના bond રૂપે જોવો જોઈશે; solid vault અને તેનાં hollow forms રૂપે જોવો જોઈશે.

= = =

(February 9, 2022: Ahmedabad)

Plato. Descartes. : Pictures courtesy : Encyclopedia Britanica

સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દિવાલેથી સાદર

Loading

કવિ ‘રાઝ’ નવસારવીના ગઝલસર્જન વિશે

સંધ્યા ભટ્ટ|Opinion - Literature|8 February 2022

આજની ગઝલના પાયામાં પરંપરાની ગઝલ છે, એ વાતનો ઇન્કાર થઈ શકે તેમ નથી. ગઝલનો જે હુતાશન હમણાં પ્રજ્જ્વળી રહ્યો છે તેમાં કેટલાયે સંનિષ્ઠ ગઝલકારોએ પોતાનું સમિધ આપ્યું છે. કેટલીક વાર એવું બને કે ઘણાં ય નામોનો પુનરોચ્ચાર થતો રહે અને કેટલાંક નામ ભુલાતાં જ રહે. આવું એક નામ છે, કવિ ‘રાઝ’ નવસારવીનું. મૂળ નામ સૈયદ સગીર અહમદ અલીજાન. તા.૯ ડિસેમ્બર, ૧૯૩૫ના રોજ નવસારી મુકામે જન્મેલા અને તેને જ પોતાની કર્મભૂમિ બનાવીને રહેલા આ કવિ વ્યવસાયે શિક્ષક રહ્યા. ઇયત્તા અને ગુણવત્તાની દૃષ્ટિએ ગઝલસર્જનમાં માતબર એવા ‘રાઝ’ સાહેબ વિશે વાત કરવાનો ઉપક્રમ અહીં છે.

‘ઊર્મિનાં શિલ્પ’ નામે તેમનો પ્રથમ ગઝલસંગ્રહ ડિસેમ્બર, ૧૯૮૨ માં મળે છે. તેની બીજી આવૃત્તિ ૧૯૯૭માં થાય છે. આ સંગ્રહની પ્રથમ આવૃત્તિમાં સર્વશ્રી ઉશનસ્‌, હરીન્દ્ર દવે, બરકત વિરાણી ‘બેફામ’ અને ‘મરીઝ’નાં નિવેદનો મળે છે. બીજી આવૃત્તિમાં ચંદ્રકાન્ત પંડ્યા, ભગવતીકુમાર શર્મા, મુસાફિર પાલનપુરી, હનીફ મહેરી અને અદમ ટંકારવીએ તેમની ગઝલો વિશે લખ્યું છે. એક મરમી ગઝલકાર તરીકે તેમણે ઉપાસેલી ગઝલ-ખેવનાને સૌની દાદ મળી છે. ભગવતીકુમાર શર્મા ‘રાઝ’ની ગઝલને શબરીનાં ચાખી ચાખીને નાણેલાં બોર સાથે સરખાવે છે. ‘મુશાયરામાં વાહ વાહ થાય તે માટે તેમણે ગઝલનું ધોરણ કદી નીચું રાખ્યું નથી’, એમ કહેતા ચંદ્રકાન્ત પંડ્યા એમને ‘ચીંથરે વીંટેલું રતન ’કહે છે અને અદમ ટંકારવી કહે છે કે તેમના આ શેરને શ્રોતાઓ સમક્ષ વારંવાર રજૂ કરવો પડે :

તારા મિલનની શક્યતાઓ જીવંત રાખવા
પેદા કરું છું રોજ હું અવસર નવા નવા

હનીફ મહેરી આ જ આવૃત્તિમાં તેમના ચુનંદા શેરની આખી યાદી આપે છે. હરીન્દ્ર દવે કહે છે, ‘ગઝલ તર્કગમ્ય નથી પણ લાગણીથી પામી શકાય એવી છે એની પ્રતીતિ ‘ઊર્મિનાં શિલ્પ’માં આપણને ઠેર ઠેર મળે છે. ’(પૃ. ૨૨, ’ઊર્મિનાં શિલ્પ’, બીજી આવૃત્તિ)

તેમના આ પ્રથમ સંગ્રહમાં પ્રચલિત રદીફ-કાફિયાથી નવીન અર્થ પ્રગટાવવામાં તેમનો કલા-ઉન્મેષ પ્રગટ થતો જોવા મળે છે. શબ્દ પ્રત્યેની તેમની જિકર આ શેરમાં કેવી પ્રગટ થઈ છે તે જુઓ :   દુનિયા તો મારે માટે નિરાકાર થઈ ગઈ

છે આંખ સામે ફક્ત એક આકાર શબ્દનો (પૃ. ૩૧)

‘કોણ માનશે’ની પ્રચલિત રદીફમાં તેમણે કરેલું કામ જુઓ.

શ્રદ્ધાને મારી જેના થકી બળ મળી ગયું
એ એમના નકાર હતા કોણ માનશે?
  (પૃ. ૩૭)

ધર્મ અને સંપ્રદાયને લીધે થતી ગૂંચવણ અને ભીડને લઈને કવિ કહે છે,

સૂઝયું જ નહીં ‘રાઝ’ કયા રાહથી જવું
રસ્તા ઘણા જતા હતા તે ઘરની આસપાસ (પૃ. 38)

જીવનમાં દુ:ખની પણ મહત્તા છે એમ સ્વીકારતાં કવિ લખે છે,

કહેવાય છે કે સ્વર્ગમાં સુખ વિણ કશું નથી
માફક શી રીતે આવશે ત્યાંની હવા મને ?
(પૃ. 41)

કવિની ફકીરી બતાવતો આ શેર જુઓ

એથી વધુ જરૂર નથી એનું ભાન છે,
નીચે ધરા છે માથા ઉપર આસમાન છે.
(પૃ. 48)

‘મને ખ્યાલ પણ નથી’ ,’મને કંઈ ખબર નથી’, ‘રસ્તો’, ‘શું થશે?’, ;મુકદ્દરની વાત છે’, જેવા જાણીતા રદીફ અને પરંપરાના ગઝલકારો દ્વારા વપરાયેલા કાફિયાને ઉપયોગમાં લઈને પણ આ કવિ નિજી મિજાજ પ્રગટાવવાનો પ્રયત્ન આદરે છે, જે પરંપરાને આત્મસાત કરવાની તેમની ખેવના બતાવે છે. પરંતુ નોંધવાનું એ છે કે આ તો કવિની શરૂઆત છે. ઊર્મિનાં શિલ્પ કંડારવાની શરૂઆત કરતા આ કવિ ત્યાર પછી ઊર્મિની ઇમારત ખડી કરવા સુધી પહોંચ્યા છે, જે તેમની ગઝલનિષ્ઠા બતાવે છે. તેથી જ તેઓ લખે છે,

         જીવિત છે મારા ઉરમાં તપસ્વીની આસ્થા
         બહાનું તમારી પાસ છે કેવળ કદાચનું
         નીકળ્યો છું ખાલી હાથ ઉઘાડા ચરણ લઈ
         જોવું છે ‘રાઝ’ કેટલું છે બળ કદાચનું   
      (પૃ. 87)

ગઝલશાસ્ત્રની પૂરી જાણકારી,ભાષા પરનું પ્રભુત્વ, ઊર્મિશીલ ભાવજગત, સર્જકસભાનતા, સાધના, સંયમ, નિસ્બત તથા કાવ્યત્વને સિદ્ધ કરવા તરફની ગતિને સાથે રાખીને આ કવિએ ઉત્તરોત્તર પ્રગતિ સાધી છે. પોતે જેટલું લખ્યું તે બધું જ સંગ્રહમાં સમાવવાનું તેમનું વલણ નથી. વિપુલ પ્રમાણમાં લખતા સર્જકોમાં તેમની ગણના ન થાય તો કઈ નહીં, પણ તેઓ પોતે પસંદ કરેલી કેડી પર જ ચાલ્યા છે.

ઇ.સ. 2000માં તેમની પાસેથી ‘ઊર્મિનાં મોતી’ નામે સંગ્રહ મળે છે, જેમાં સો મુક્તકો અને એંશી તઝમીન સંગ્રહાયા છે. તેમના સમકાલીન કવિ સ્વ. મનહરલાલ ચોક્સીનું નિવેદન તેમાં મળે છે, જેમાં તગઝ્ઝુલ અને તસવ્વુફ બંને રંગને ન્યાય આપતા એક મુક્તક તરફ તેઓ આપણું ધ્યાન ખેંચે છે :

                 હું ય જાણું છું એ નથી સહેલું 
                 પામવું એને એક સમસ્યા છે
                 દિલના ઊંડાણમાંથી પ્રગટેલી
                 કિંતુ મારી એ તીવ્ર ઇચ્છા છે 
   (પૃ. 19)

પ્રણયરંગનું દેખાતું અને અધ્યાત્મરંગથી રસાયેલું આ મુક્તક કવિની ભીતરની મથામણને બરાબર પ્રગટ કરી રહે છે.

કવિની ભાવનાશીલતા આ મુકતકમાં કેવી પડઘાય છે !

   ક્યાં કોઈ એક બનાવ બોલે છે
   આયખાનો અભાવ બોલે છે
   આજ સંયમની વાત ના કરશો
   લાગણીનો ઝુકાવ બોલે છે 
     (પૃ. 35)

ગઝલમાં અપેક્ષિત છે તે વેધકતા તેમની ઘણી રચનાઓમાં જોવા મળે છે.

    મનને ગમે ના એવી હવા હોઈ પણ શકે
    માણી શકો તો એની મઝા હોઈ પણ શકે
    એની અસર થયા વિના કે’વાય ના કશું
    જેને ગણો છો ઝેર, દવા હોઈ પણ શકે  
     (પૃ. 41)

તઝમીન એ કાવ્યનું એવું સ્વરૂપ છે, જેમાં બીજા ગઝલકારની ભોંય પર પોતાની સુગંધ પ્રગટાવવાની હોય છે. આ પ્રકારમાં સફળતા સર કરવાનું સૌનું ગજું નથી. ‘રાઝ’સાહેબે મરીઝ, શયદા, સૈફ, ગનીથી માંડીને રઈશ મનીઆર સુધીના શાયરો પર અને તે ય તેઓના જાણીતા શેર પર સફળતાપૂર્વક તઝમીન કરી છે.

કવિ અદમ ટંકારવીના શેરની કેવી બખૂબી તઝમીન તેમણે કરી છે !

       લાગશે તમને અતિશયતા ઘણી
       કિંતુ ઘટના એ ચમત્કારી હતી
       તે હતી એક દિલની મીઠી છોકરી
       જ્યાં સુકાવા નાખી એણે ઓઢણી
      લીમડાની ડાળ મીઠી થઈ ગઈ 
      (પૃ. 62)

મૂળ કવિના શેરને ગળે લગાડીને જ તઝમીન થઈ શકે જે તેમણે કુશળતાપૂર્વક કરી બતાવ્યું છે. મરીઝ સાહેબના શેરને અર્થસઘન બનાવતી આ તઝમીન પણ જોઈએ :

      હું જ પોતાને વહન કરતો રહું
      કોણ છે મારા સમું જેને કહું
      કોઈ કેડી પણ નથી કે ત્યાં વળું
      લાખ ચિંતામાં છું હું કોને મળું?
      સૌ કહે છે આપ મોંઘા થઈ ગયા 
    (પૃ. 46)

ગઝલના માર્ગ પર ત્રીજા પડાવરૂપે મળે છે તેમનો સંગ્રહ ‘ઊર્મિની ઈમારત’. લગભગ પંચ્યાશી જેટલી રચનાઓ અહીં મળે છે. કવિ ઉશનસ્‌ અને જયંત પાઠકની પ્રસ્તાવના ધરાવતા આ સંગ્રહમાં કવિ અઝીઝ ટંકારવી પણ પોતાનો સ્વર ઉમેરે છે. ‘રાઝ’ સાહેબનો આ શેર જુઓ :

    કોઈ મરમી આંખ વાંચે એટલી આરત રહી
    બસ અઢી અક્ષર લઈને ઉંબરે બેઠા છીએ.
   (પૃ. 21)

જુદું કરી બતાવવા માટેની મહાત્ત્વાકાંક્ષાનો અભાવ, અંતર્મુખી સ્વભાવ તથા માત્ર અને માત્ર શબ્દની જ ઉપાસના કરવાની તત્પરતાને કારણે તેઓ નેપથ્યમાં જ રહ્યા. આમ છતાં ગઝલવિશ્વના મંચ ઉપર તેમનું પ્રદાન ઉવેખી શકાય નહીં. અનુભૂતિની સચ્ચાઈ, અધ્યાત્મરંગ, અર્થગાંભીર્ય, બળકટ કથયિતવ્ય, પૌરાણિક સંદર્ભો, ગઝલને અનુરૂપ અદબ તથા વ્યક્તિત્વની ગુણસંપત્તિને પ્રગટ કરતાં વિચાર અને શૈલીથી તેમની ગઝલો સોહે છે. કેટલાક શેર જોઈએ :

એક પરપોટાનું આયુ કેટલું ?
જિંદગીનો મર્મ સત્વર વાંચીએ   (પૃ. 28)

કોઈ થાકેલો મુસાફર બે ઘડી તો માણશે
ફૂલ ને ફોરમ લઈને રાહમાં ઊભા છીએ    (પૃ. 29)

માનવીના વેશમાં સામે હજારો જણ હતાં
સત્ય એ છે, માનવીના અર્થમાં બે-ત્રણ હતાં   (પૃ. 33)

આ કસોટીની ઘડીઓ છે ઓ મારી નમ્રતા
લોકની નજરોમાં હું મશહૂર થાતો જાઉં છું.  (પૃ. 34)

‘રાઝ’ આખી જિંદગી વીતી ગઈ
એ હતી એના ભરોસાની મઝા    (પૃ. 60)

એ પ્રતિભા વિશ્વમાં સૌ કોઈને મળતી નથી
તું નથી ને સૌને તારી ભવ્યતા લાગ્યા કરે    (પૃ. 68)

એ નહીં ઓળંગે તારી પ્રેમરેખાને કદી
‘રાઝ’ સામે રોજ સોનાના હરણની વાત છે    (પૃ. 69)

પોતાના આયુષ્યના આઠ્મા દાયકામાથી પસાર થતાં ગઝલસાધનામાં રાત એવા આ કવિનું વિસ્મય હજી પણ અકબંધ છે. તેઓ કહે છે :

    કોઈ બાળક જેમ હું બેસું સમયની રેત પર,
    વાયરાની ભાત દોરાયા ને ભૂંસાયા કરે     (પૃ. 47)

થોડા સમય પહેલાં જ ‘અમૃત ઘાયલ એવોર્ડ’ જેમને અર્પણ થયો છે એવા આપણાં ‘રાઝ’ સાહેબને અભિનંદન આપીએ.

(પ્રગટ : “કવિલોક”, નવેમ્બર-ડિસેમ્બર 2012)

e.mail : sandhyanbhatt@gmail.com

Loading

ઓફલાઇન શિક્ષણ આજથી શરૂ થઈ રહ્યું છે ત્યારે …

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|7 February 2022

મોડે મોડે પણ ગુજરાત સરકારે આજથી ધોરણ 1થી 9નું ઓફલાઇન શિક્ષણ શરૂ કરવાનું નક્કી કર્યું છે તે આવકાર્ય છે. લગભગ એક મહિને વિદ્યાર્થીઓ વર્ગોમાં આવતા થશે તો સ્કૂલો ફરી સક્રિય થશે ને એમ વાતાવરણ ફરી કિલ્લોલતું થાય એમ બને. મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથેની ચર્ચા વિચારણા પછી રાજ્યના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ શનિવારે જાહેરાત કરી કે સોમવારથી ધોરણ 1થી 9ના ઓફલાઇન વર્ગો શરૂ કરી શકાશે. કોરોનાના લાંબા વેકેશન પછી ગયા નવેમ્બરમાં જેમ તેમ ઓફલાઇન શિક્ષણ સ્કૂલોમાં શરૂ થયું હતું, પણ ગઈ જાન્યુઆરીની 6 તારીખે ચાર હજારથી વધુ કેસો ત્રીજી લહેરમાં આવતાં 1થી 9 ધોરણના ઓફલાઇન વર્ગો 31 જાન્યુઆરી સુધી બંધ કરવાનો અને ઓનલાઈન શિક્ષણ જ ચાલુ રાખવાનો નિર્ણય સરકારે લીધો હતો. એ પછી 31 જાન્યુઆરીએ ઓફલાઇન વર્ગોની અનુમતિ સરકારે આપવાની હતી, પણ કેસ ખાસ ઘટતા ન હતા એટલે 5 ફેબ્રુઆરી સુધી ઓફલાઇન વર્ગો શરૂ નહીં કરવાનો નિર્ણય સરકારે લીધો. જો કે, 5 ફેબ્રુઆરીએ જૂની ગાઈડ લાઇન પ્રમાણે સ્કૂલો ચાલુ કરવાનો નિર્ણય લેવાયો છે તે એટલા માટે કે કોરોનાના કેસો ઘટી રહ્યાનું સરકારને લાગ્યું છે. ગમ્મત એ છે કે 6 જાન્યુઆરી, 2022 ને રોજ કોરોનાના કેસ 4,213 થઈ જતાં સરકારે ઓફલાઇન શિક્ષણ બંધ કરવાનો નિર્ણય લીધો હતો ને હવે 7મીથી ઓફલાઇન શિક્ષણ શરૂ કરવાનો નિર્ણય લીધો છે ત્યારે કેસ ઘટી રહ્યા છે, પણ 4 ફેબ્રુઆરીએ પણ કેસની સંખ્યા 6,097ની તો હતી જ ને 35 મૃત્યુ નોંધાયા હતા. કહેવાનું તાત્પર્ય એ છે કે કેસ ઘટી રહ્યાં છે એ ખરું, પણ 6 જાન્યુઆરીએ જે સ્થિતિ સ્કૂલો બંધ કરવા માટે જરૂરી બની હતી એના કરતાં બહુ સારી સ્થિતિ અત્યારે સ્કૂલો ચાલુ કરવા માટેની નથી, પણ સરકાર આશાવાદી છે ને ઈચ્છીએ કે સ્કૂલો શરૂ થાય એ ગાળામાં સ્થિતિ સુધરે.

સ્કૂલો ચાલુ કરવાનું એક કારણ તો શાળા સંચાલકોનું સરકાર પર દબાણ પણ લાગે છે. ગયાં શૈક્ષણિક વર્ષમાં સરકારે એક ક્વાર્ટરની સ્કૂલ ફી માફ કરાવી હતી. આ વર્ષે પણ એક ત્રિમાસિકની ફી જતી કરવાનું પૂર્વ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ વચન આપ્યું હતું, પણ એ મુદ્દે નવા શિક્ષણ મંત્રી વાઘાણી ચૂપ છે. એમાં ય 3 ક્વાર્ટર તો પૂરા થઈ ગયા ને ચોથું ક્વાર્ટર પણ જાય તો ઓનલાઇન શિક્ષણને નામે ફીનું નાહી નાખવું પડે. ઓફલાઇન શિક્ષણ શરૂ થાય ને ફી આવે એટલે સંચાલકોએ ઓનલાઇન શિક્ષણના વાંક પણ કાઢી બતાવ્યા કે સ્કૂલો ફરી બંધ થતાં વિદ્યાર્થીઓને લોસ જઈ રહ્યો છે, ઓનલાઈન શિક્ષણ બાળકોનો સ્વભાવ ને આંખ બગાડે છે, મોબાઈલ બધાં પાસે નથી કે મોબાઈલથી બાળક ભણવાને બદલે તેમાં ગેમ્સ રમવામાં પડે છે … વગરે. એટલે ઓફલાઇન શિક્ષણ શરૂ થાય તે વિદ્યાર્થીઓના હિતમાં છે જેવી વાતોથી સરકાર પર દબાણ ઊભું કરાયું. એ જે હોય તે, પણ સરકારને 7 ફેબ્રુઆરીથી સ્કૂલો શરૂ કરવાની ફરજ પડી છે એ ખરું.

જો કે, સરકારે ઓફલાઇન શિક્ષણ મેળવવા આવતાં વિદ્યાર્થીઓ માટે વાલીની સંમતિ ફરજિયાત કરી છે ને ઓનલાઈન વર્ગો પણ ચાલુ જ રહેશે એવી જાહેરાત પણ કરી છે. એટલે જે વિદ્યાર્થીઓને વાલીઓ સ્કૂલે મોકલવા ન માંગતા હોય તેમને માટે ઓનલાઈન શિક્ષણનો વિકલ્પ ખુલ્લો છે જ, છતાં ઘણા વાલીઓને લાગે છે કે સરકારે સ્કૂલો ચાલુ કરવામાં ઉતાવળ કરી છે. હજુ કેસ ઘટે એની એકાદ પખવાડિયું સરકારે રાહ જોવાની જરૂર હતી. એ ખરું કે ફી માટે સ્કૂલો ઓફલાઇન શરૂ થઈ તો જાય, પણ જો બાળકો પર જોખમ વધતું હોય તો કોઈ વાલી પોતાનાં સંતાનોને સ્કૂલે મોકલવા તૈયાર નહીં થાય, પણ એવા વિદ્યાર્થીઓ માટે ઓનલાઇનનો વિકલ્પ સરકારે ખુલ્લો રાખ્યો જ છે, એટલે વાલીઓ એની ચિંતા ન કરે ને સ્કૂલો શરૂ થાય તે જુએ. બાળકને ભોગે શિક્ષણ ન હોય તે કબૂલ, પણ વાલીઓ એ પણ જુએ કે સ્કૂલે નથી જતાં તે સંતાનો બીજે કયાં ક્યાં જાય છે? વાલીઓ સાથે કે એકલાં બાળકો બજારે જાય છે? સગાંસંબંધીને ત્યાં, પાર્ટીઓમાં, લગ્નોમાં, ફિલ્મોમાં, બગીચાઓમાં, હોટેલોમાં, મિત્રોમાં, મેળાવડાઓમાં જાય છે? તે કેસ ઘટી જાય છે એટલે જાય છે? ત્યારે જોખમો હોતાં નથી? એ જોખમો ઉઠાવવાનો વાંધો નથી ને સ્કૂલે મોકલવામાં જ જોખમ લાગે છે? જો બહાર ગાઈડલાઇન્સનું પાલન કરીને જવાતું હોય તો સ્કૂલોમાં પણ એનું પાલન કરીને ઓફલાઇન ભણી જ શકાય.

હવે જ્યારે સ્કૂલો ખૂલી રહી છે ને વિદ્યાર્થીઓ પ્રત્યક્ષ શિક્ષણ મેળવવાના છે ત્યારે એક ઉપકાર સરકારે અને શિક્ષણ સમિતિઓએ શિક્ષકો પર કરવા જેવો છે અને તે એ કે તેઓ વિદ્યાર્થીઓને ભણાવી શકે એવી અનુકૂળતા તેમને થાય તે જુએ. એક વસ્તુ સમજી લઇએ કે લગભગ ત્રણ વર્ષ વિદ્યાર્થીઓ અસરકારક શિક્ષણથી વંચિત રહ્યા છે. આ લર્નિંગ લોસ નાની નથી. ઓનલાઈન શિક્ષણ જ્યાં થયું હશે ત્યાં થયું હશે, પણ મોટો ભાગ શિક્ષણથી વંચિત રહ્યો છે તે હકીકત છે. એ સ્થિતિમાં વિદ્યાર્થીઓ સઘન શિક્ષણ તરફ વળે ને શિક્ષકો એ તરફ વાળી શકે એવી અનુકૂળતા શિક્ષણ વિભાગે અને સંબંધિત શિક્ષણ સમિતિઓએ કરી આપવાની રહે. કોરોનામાં પ્રત્યક્ષ શિક્ષણ ન થયું એ સમયમાં શિક્ષકો પાસે ભલે બીજી પ્રવૃત્તિઓ કરાવાઈ  હોય, પણ જેટલું પણ ઓફલાઇન શિક્ષણ ચાલ્યું એમાં શિક્ષકોને ભણતર સિવાયની જવાબદારીઓ એટલી સોંપાઈ છે કે શિક્ષક ભણાવી શકે એટલી મોકળાશ જ તેની પાસે ન રહે. શિક્ષક પત્રકો અને પરિપત્રોમાંથી જ ઊંચો નથી આવતો. આમ પણ ચૂંટણી, વસ્તી ગણતરી જેવાં કામો તો હતાં જ, ત્યાં રસીકરણની જવાબદારી ઉમેરાઈ. આ ઉપરાંત કોઈને કોઈ મહાનુભાવની જન્મ તારીખ ને જાતભાતના દિવસોની ઉજવણીનું ભારણ એટલું વધ્યું છે કે એ ઉજવણાં કે ઊઠમણાંમાંથી જ પરવારતો ન હોય તો તે ભણાવશે ક્યારે? તેને નોકરી ભણાવવાની સોંપાઈ છે, પણ તેની પાસેથી કામ કારકૂનનું લેવાય છે. આ કોઈ પણ રીતે યોગ્ય નથી. શિક્ષક આ મામલે ફરિયાદ કરી શકતો નથી, કારણ તેણે નોકરી કરવી છે ને તેનાં પગાર પર ઘણાં નભે છે એટલે સરકારે અને સમિતિઓએ જ આગ્રહ રાખીને શિક્ષક ગંભીરતાથી ભણાવે એ સ્થિતિ ઊભી કરવાની રહે. આ નહીં થાય તો એક આખી પેઢી શિક્ષિત અભણની ઊભી થવાનું જોખમ છે. એ માટે વાલીઓએ પણ કાળજી લેવાની રહે કે પોતાનું સંતાન પ્રત્યક્ષ શિક્ષણ લે એ શક્ય બને.

એ સો ટકા કબૂલ કે ઓફલાઇનમાં વિદ્યાર્થીઓ પર જોખમ વધતું હોય તો ઓનલાઇનનો વિકલ્પ જ પસંદ કરવાનો રહે, સાથે જ એ પણ વિચારવા જેવું છે કે વચ્ચેના થોડા મહિના બાદ કરતાં ત્રણેક વર્ષ શિક્ષણની, તેનાં સ્તરની ભયંકર દુર્દશા થઈ છે. ઓનલાઈન શિક્ષણનું આશ્વાસન છે જ, પણ એ, બધા વિદ્યાર્થીઓ સુધી પહોંચ્યું નથી. ગ્રામીણ અને આદિવાસી વિસ્તારોમાં સાધનોની ખેંચને કારણે બધા વિદ્યાર્થીઓ તેનો લાભ નથી જ લઈ શક્યાં. છતાં એ બધાં ત્રણેક વર્ષથી પાસ થાય છે ને ઉપલા વર્ગોમાં ચડાવાય પણ છે. વિદ્યાર્થી વર્ગમાં ગયો જ નથી ને કમાલ એ છે કે તેને વર્ગ બઢતી મળી છે. એવાં બાળકોને આ વર્ષે પણ સ્કૂલમાં ગયા વગર જ આગળ જવા દેવા છે? આ યોગ્ય છે? આ સ્થિતિ હાયર સેકંડરીમાં નથી જ એવું નથી. ગયે વર્ષે બોર્ડે પરીક્ષા જ નથી લીધી ને આગલી પરીક્ષાઓ, જે ક્યાંક લેવાઈ, ક્યાંક ન લેવાઈ, તેનાં પરથી  પરિણામો તૈયાર થયાં, આમ તો એ માસ પ્રમોશનની સુધરેલી રીત જ હતી, પણ હકીકત એ છે કે પરીક્ષા લીધાં વગર જ પરિણામો અપાયાં, એટલું જ નહીં, ટોપ ટેન પણ જાહેર કરાયાં, એ બધું શિક્ષણના હિતમાં, વિદ્યાર્થીના હિતમાં થયું હોય એમ લાગે છે? એ બધું હજી ચાલવા દેવું છે?

ત્રીજા ધોરણમાં આવેલા વિદ્યાર્થીને એકડો લખતાં ન આવડે એવા અસંખ્ય બાળકો આસપાસ જ જોવા મળશે. આને શિક્ષણની પ્રગતિ કહીશું? શિક્ષણ એટલે માત્ર માર્કસ અને ટકાવારી એટલું જ છે? હવે તો નકલી સર્ટિફિકેટો કે માર્કશીટ્સ પૈસા ખર્ચવાથી મળી જાય છે. પૈસા ખર્ચો તો પીએચ.ડી.નો થીસિસ લખનારાની ખોટ નથી, પણ એ જ્ઞાન છે? શિક્ષણ છે? માની લઇએ કે થોડા મતલબી ને અમીર માણસોને એ માફક આવે છે, પણ બધાંને એ ચાલશે? હવે અસલી કશાની આપણને જરૂર જ નથી રહી, શું? આખી દુનિયા નકલી ચીજ વસ્તુઓથી જ ચાલશે? નકલી સૂરજ, નકલી ચંદ્ર, નકલી પૃથ્વી, નકલી માણસ, નકલી પૈસા એ જ ભવિષ્ય છે, શું? પછી તો માબાપ, બાળક પણ અસલી શું કામ હોય? શ્વાસો નકલી ને જિંદગી પણ નકલી. પણ એક વસ્તુ એકદમ અસલી હશે ને તે મૃત્યુ. એ તો નકલીને પણ આવશે જ, કારણ એને અસલીનકલીથી કોઈ ફેર પડતો નથી –

000

e.mail : ravindra21111946@gmail.com

પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 07 ફેબ્રુઆરી 2022

Loading

...102030...1,7211,7221,7231,724...1,7301,7401,750...

Search by

Opinion

  • રેવા / તત્ત્વમસિ  
  • लोकतंत्र का एंकाउंटर हो रहा है  
  • બ્રેઇન ડ્રેઇન નહીં, બ્રેઇન લીઝઃ ભારતીય પ્રતિભા સર્જે છે, મૂલ્ય બીજા વસૂલે છે
  • ચલ મન મુંબઈ નગરી—347
  • AIને માથે ચડાવવા જેવું નથી …

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • દરિયો
  • ગઝલ
  • ગઝલ
  • ગઝલ
  • નોકરી એક ચુડેલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved