Opinion Magazine
Number of visits: 9962664
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

લતા મંગેશકર : અવાજની ‘છોકરિયાળ’ યુવાની

રાજ ગોસ્વામી|Opinion - Opinion|19 February 2022

હિન્દી ફિલ્મોની એક સદાબહાર ગાયક કલાકાર તરીકે, લતા મંગેશકર વિશે બધાને ઘણું બધું ખબર છે. નહીં હોય તો ખબર પડી જશે, એટલું લખાયું છે અને લખાતું પણ રહેશે, પરંતુ સંગીતના જાણકારોને એક વાતનું વિસ્મય કાયમ રહેશે કે એક એકથી ચડિયાતી અનેક ગાયિકાઓ વચ્ચે, લતા દીદીના અવાજની એવી કઈ વિશેષતા હતી, જે તેમને સર્વેથી અલગ કરી ગઈ એટલું જ નહીં, ગાયિકીની દૃષ્ટિએ તેમને લાંબી ઉંમર આપી ગઈ? આ લેખ, લતા દીદીના અવાજની જવાનીનું રહસ્ય જાણવા માટે છે.

લતા મંગેશકરના અવાજની આવરદા બેમિસાલ છે. હિન્દી સિનેમાનું સુગમ સંગીત હોય કે પછી ભારતની શાસ્ત્રીય સંગીતની પરંપરા, કોઇ પણ ગાયિકાનો અવાજ આટલાં વર્ષો સુધી 'જવાન' રહ્યો નથી. નિયમિત રિયાઝથી ગળું ચોક્કસ એક સૂરમાં રહે, પરંતુ શરીરની બાયોલોજી બદલાય તેમ તેમ શરીરના અંગ-ઉપાંગોની કરામત પણ બદલાય. લતા દીદીના કિસ્સામાં તેમની વોકલ સિસ્ટમ ઘણાં વર્ષો સુધી એ જ ‘સૂર’માં રહી. લતાની બહેન આશા ભોંસલેનો અવાજ પણ હાઈ પિચ છે, એટલે એવું કહી શકાય કે મંગેશકર ખાનદાનની એ બાયોલોજીકલ ગીફ્ટ હતી કે સર્વે બહેનો અસાધારણ ઊંચા સ્વરમાં ગાઈ શકતી હતી.

લતા મંગેશકરના અવાજની વાત નીકળે ત્યારે, જ્ઞાની લોકો એક શબ્દ 'સોપ્રાનો'(એસ.ઓ.પી.આર.એન.ઓ.)નો ઉલ્લેખ કરે છે. સોપ્રાનો એટલે તાર સપ્તક અવાજ. સોપ્રાનો શબ્દ ઇટાલિયન 'સોપ્રા' (ઉપર, ઊંચું) પરથી આવે છે. ઇટાલિયન ઓપેરા સંગીતમાં ઊંચા અવાજે ગાતી સ્ત્રી ગાયિકાને 'સોપ્રાનો' કહેવાય છે. લતાને ભારતની સોપ્રાનો કહેવામાં આવે છે.

ભારતીય સંગીતશાસ્ત્રમાં સાત સૂરોના સમૂહને સપ્તક કહે છે; સા, રે, ગા, મા, પ, ધ અને ની. તેમાં પ્રત્યેક સ્વરની અંદોલન સંખ્યા તેના પાછળના સ્વરથી વધુ હોય છે. બીજી રીતે કહીએ તો, તમે જેમ જેમ 'સા'થી આગળ જાવ, તેમ તેમ સ્વરોના આંદોલનની સંખ્યા વધતી જાય. શાસ્ત્રીય સંગીતકારોએ આ સ્વરોને ત્રણ સપ્તકમાં વહેંચ્યાં છે; મન્દ્ર સપ્તક, મધ્યમ સપ્તક અને તાર સપ્તક.

પાર્શ્વગાયનમાં નીચેના સૂરમાં ગાવાનું અનિવાર્ય હોય છે, પણ તેમાં તમે ઉપરનાં સ્તર સર કરતા જાવ, તેમ તેમ ગાયનની ગુણવત્તામાં ઉમેરો થતો જાય. લતા મંગેશકરનો અવાજ આ ત્રણ સપ્તકની પણ ઉપર જઈ શકતો હતો.

પ્રસિદ્ધ ગાયિકા શોભા મુદગુલ કહે છે કે અવાજને ઊંચોને ઊંચો ફેંકતા (પિચિંગ) રહેવાની લતા મંગેશકરની ક્ષમતા અદ્વિતીય છે. ઉદાહરણથી સમજવું હોય તો એમ કહેવાય કે લતા નાળિયેરી જેવા સૂરોના ઊંચા-સીધા સપાટ ઝાડ પર ચઢી જઈને ત્યાં આરામથી બેસી શકતાં હતાં. બીજો ગાયક ત્યાંથી લપસી પડે. સૂર ગમે તેટલો અઘરો હોય, લતા તેને એ ઊંચાઈ પર પણ એટલી સરસ રીતે પકડી રાખે છે કે શ્રોતા તેમાં મંત્રમુગ્ધ થયા વગર ન રહે, અને અવાજની એ ગુણવત્તા કારકિર્દીના પહેલા ગીતથી લઈને છેલ્લા ગીત સુધી અખંડ રહી હતી તે લતાની લોકપ્રિયતાનું રહસ્ય છે.

મંગેશકર બહેનોના આગમન પહેલાં, હિન્દી ફિલ્મોમાં સુરૈયા અને શમશાદ બેગમ જેવી નાકમાંથી ગાતી અને લો પિચ અવાજવાળી ગાયિકાઓનો જમાનો હતો. કદાચ પરંપરાગત, રૂઢિચુસ્ત અને પુરુષોના આધિપત્ય હેઠળ રહેતી તે વખતની હિરોઈનોનાં સ્ત્રી પાત્રો માટે દબાયેલો, ભારેખમ અવાજ યોગ્ય હશે, પણ હિન્દી સિનેમામાં હિરોઈનો ઉન્મુક્ત થઇ, પુરુષ સમાન થઇ અને પોતાના આગવા વ્યક્તિત્વને નિખારતી થઇ તેમાં લતા મંગેશકરનો (અને પછી આશાનો) તીણો, ઊંચો અને નાજુક અવાજ આધુનિક સ્ત્રી પાત્રોનું પ્રતીક બની ગયો.

આ જ સંદર્ભમાં કહેવાય છે કે આશાએ લતાથી અલગ પાડવા માટે એ જ સમયની ‘સેક્સી’ અથવા વેસ્ટર્ન હિરોઈનોનો અવાજ બનવાનું નક્કી કર્યું. જેમ કે, કેબ્રે ડાન્સ નંબર માટે લતાનો અવાજ ‘યોગ્ય’ નહોતો ગણાતો, પણ ઓ.પી. નૈયર અને પાછળથી આર.ડી. બર્મને આશાને સેક્સી ગીતો ગાતી કરી દીધી. આશાજી એમાં એટલાં સફળ રહ્યાં હતાં કે લતાજી પર એવો આરોપ પણ છે કે ‘હું પણ આશાની જેમ ગાઈ શકું છું’ એવી જિદ્દમાં તેમણે ‘મૈ ક્યા કરું રામ મુજે બુઢ્ઢા મિલ ગયા’ કે ‘કૈસે રહું ચૂપ કે મૈને પી હી કયા હૈ’ જેવા ફાસ્ટ નંબર પણ કર્યા હતા.

લતા મંગેશકર સાથે સંગીતકારો અવાજની રેંજમાં નવા નવા પ્રયોગ કરતા થયા, કારણ કે ઉપર કહ્યું તેમ, તે નાળિયેરી જેવા ઊંચા સૂર પર પણ આસાનીથી સડસડાટ ચઢી જતાં હતાં એ જ વખતે એવી હિરોઈનો પણ આવવા લાગી (મીના કુમારી, મધુબાલા, નરગિસ, વહીદા રહેમાન, નૂતન, સાયરા બાનુ, ગીતા બાલી, રેખા, શર્મિલા ટાગોર જયા ભાદુરી, હેમા માલિની, વગેરે), જે હીરોની સમોવડી હતી, જે પોતાના સ્વતંત્ર અસ્તિત્વને ડંકાની ચોટ પર જાહેર કરતી હતી. લતાનો અવાજ આ હિરોઈનોની આઝાદીનો અવાજ હતો.

૨૦૧૬માં, એક ઇન્ટરવ્યૂમાં લતાને આ સવાલ પૂછવામાં આવ્યો હતો કે તમારા અવાજમાં રેંજ હતી એટલે સંગીતકારોએ બિનજરૂરી રીતે તમારી પાસે ઊંચા અવાજમાં ગવડાવતા હતા, ત્યારે તેમણે કહ્યું હતું, “એ વાત સાચી છે. બે ઉદાહરણ આપું. ‘જંગલી’માં અહેસાન તેરા હોગા મુજ પર અને ‘લવ ઇન ટોકિયો’માં ઓ મેરે શાહ-એ-ખૂબા બંનેને શંકર-જયકિશને સ્વરબદ્ધ કર્યાં હતાં. બંને ગીતો પહેલાં મોહમ્મદ રફી સાબે ગાયાં હતાં. એ પછી એવું નક્કી થયું કે એ જ ગીતો મારે પણ ગાવાં જોઈએ. ‘જંગલી’માં સાયરા બાનુ અને ‘લવ ઇન ટોકિયો’માં શર્મિલા ટાગોર પર ગીતો શૂટ કરીને તેમણે મને કહ્યું કે હવે આવી રીતે ગાવ. તેમણે રફી સા’બના અવાજમાં હિરોઈનો પર ગીત શૂટ કર્યું હતું!”

લતાના અવાજની બીજી એક વિશેષતા એ છે કે તે ‘છોકરિયાળ’ છે. અંગ્રેજીમાં તેને ગર્લિશ કહે છે. સામાન્ય રીતે છોકરી પુખ્તવયની થાય ત્યારે તેનો અવાજ થોડો ફાટે અને તેમાં હોર્મોનની ‘કર્કશતા’ આવે. લતા દીદીના અવાજમાં શરૂઆતથી ગર્લિશ હતો. ફિલ્મો ગીતો માટે તો એ અવાજ બાલિશ કહેવાય. ઇન ફેક્ટ, તેમણે જ્યારે પાર્શ્વગાયન માટે ૧૯૪૭માં ફિલ્મીસ્તાન સ્ટુડીઓનો સંપર્ક કર્યો હતો ત્યારે તે લોકોએ એવું કહીને લતાને ના પાડી દીધી હતી કે તારો અવાજ બહુ પાતળો છે.”

એ અવાજ એટલા માટે આજીવન ‘જવાન’ રહ્યો. અલગ-અલગ સમયની અલગ-અલગ હિરોઈનો આગ્રહ રહેતો હતો કે તેમનું ગીત લતા દીદી ગાય કારણ કે એક તો એ અવાજમાં ઉંમર વર્તાતી નહોતી, અને બીજું,  પ્રેમ હોય, પીડા હોય કે ખુશી હોય, લતા એ તમામ લાગણીઓને એક સરખી તાકાતથી અભિવ્યક્ત કરી શકતાં હતાં. હિરોઈનો જ નહીં, ભારતના કરોડો શ્રોતાઓને પણ એ અવાજમાં પોતાના ભાવ વ્યક્ત થતા જણાતા હતા.

પંડિત જશરાજે એક કિસ્સો જાવેદ અખ્તરને વર્ણવ્યો હતો. ૧૯૫૦માં પંડિતજી શાસ્ત્રીય ગાયક ઉસ્તાદ બડે ગુલામ અલી ખાનને મળવા અમૃતસર ગયા હતા. બંને ગપસપ મારતા હતા] અને અચાનક ખાન સા’બે પંડિતજીને ચૂપ રહેવા કહ્યું. તેમના કાનમાં ‘અનારકલી’નું લતાનું ગીત ‘યે જિંદગી ઉસી કી હૈ’ પડ્યું. ખાન સા’બ મંત્રમુગ્ધ થઇ ગયા. છેલ્લે બોલ્યા, “કમબખ્ત, કભી બેસૂરા હોતી હી નહીં.”

લતા મંગેશકર દેશનો સૂર હતી.

પ્રગટ : ‘બ્રેકિંગ વ્યૂઝ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”, 13 ફેબ્રુઆરી 2022

Loading

ચલણી નોટો પર ગાંધીજીને બદલે ગોડસે ચાલે?

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|18 February 2022

કાઁગ્રેસ સત્તા પર રહી ત્યારે નહેરુ, ઇન્દિરા ચલણમાં રહ્યાં. ચલણમાં ન રહે એવું હતું ત્યારે પણ ચલણમાં રાખવાના પ્રયત્નો થયા. એ જમાનામાં સરદાર વલ્લભભાઈ પટેલને પડદા પાછળ રાખવામાં આવ્યા, તો પણ ગાંધીજીની શરમ નડતી હતી એટલે કૈં નહીં તો એમને નામે રોડ અને રોકડ તો રહેવાં દીધાં. ગાંધીમાર્ગ અત્યાર સુધી તો છે, ભલે એના પર કોઈ ચાલતું હોય કે ન ચાલતું હોય તો પણ ! એ જ રીતે ચલણી નોટો પર પણ ગાંધીજી અત્યાર સુધી તો છે. કાલે એના પર ગોડસે દેખાય તો આઘાત ન લાગે એવી હવા સરકારે જ ઊભી કરી છે. તે એટલા માટે પણ માનવાનું મન થાય છે કે પ્રાથમિક શિક્ષણથી જ ગોડસે આદર્શ તરીકે સ્થપાય તેવી કોશિશો થઈ રહી છે. આમ પણ સૌથી ઊંચું પૂતળું સરદારનું ઊભું કરીને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સરદારને વૈશ્વિક ઊંચાઈ આપી છે ને કેવડિયાને તમામ વ્યવહારોથી સાંકળવાનો પ્રયત્ન કર્યો છે, પણ ગાંધીજીનું પોરબંદર વૈશ્વિક સંદર્ભે દેશ-દુનિયા સાથે સાંકળવાનું સૂઝ્યું નથી. કદાચ એમાં પણ ગાંધીજીને સરદારથી પાછળ પાડી દેવાનો ઉપક્રમ હોય એમ બને. આમ તો નહેરુ અને સરદાર, બંને, ઐતિહાસિક ક્રમે ગાંધીનું મહત્ત્વ ને આદર કરનારી વિભૂતિઓ છે, પણ શાસકો ઇતિહાસને બદલવાની ક્ષમતા ધરાવતા હોય છે એટલે એ કોઈને પણ રાજકીય હેતુસર આગળ પાછળ કરતા રહે છે.

કોની સ્થાપના કરવી ને કોનું ઉત્થાપન કરવું એ હવે ઇતિહાસના હાથમાં નથી, એ શાસકોના હાથમાં છે. એ ઈચ્છે તેનો મહિમા કરે અને ઈચ્છે તેનું ઊઠમણું કરે એમ બનવાનું. એને નિયંત્રિત કરવાનું પ્રજા કરી શકે, પણ તે પણ શાસકો અને વિપક્ષોમાં વહેંચાયેલી છે. પ્રજા કયાં તો ભા.જ.પી. છે અથવા તો વિપક્ષી છે. એ સિવાયના જે તટસ્થ છે તેમનો અવાજ બહુ ક્ષીણ છે એટલે વખાણ કે વખોડથી જ ચલાવવાનું રહે. વડા પ્રધાનને અત્ર તત્ર સર્વત્ર પ્રગટ થવામાં વાંધો ન આવે એટલે એમણે પણ પ્રાથમિક શિક્ષણથી જ વિદ્યાર્થીઓને દર્શન આપવાનું સ્વીકાર્યું છે. એ ન સ્વીકારે તો પણ, ભાવિક ભક્તો તો એમનો વરઘોડો કાઢીને વહાલા થવાના જ ! પ્રાથમિક સ્કૂલોમાં અન્ય મહાનુભાવોની સાથે હવે મોદી પણ દેખા દે એવું  કરવાની સ્કૂલોને ફરજ પડાઈ છે. એ હિસાબે અન્ય નેતાઓની સાથે હવે વડા પ્રધાનની છબીઓ પણ ભીંતે લાગશે. અહીં પણ ગાંધીજી નથી. એટલે બાળકો નાનપણથી જ ગાંધીજીથી દૂર રહે એમ બને. ગાંધીજી ગુજરાતના હતા ને ગુજરાતમાંથી જ તેમનો કાંકરો કાઢવાનું શરૂ થયું છે. એ થાય તે ય સમજી શકાય, પણ ગોડસેની સ્થાપનાનો પ્રયત્ન વધારે પડતો છે. આમ પણ દેશ આખામાં ગાંધીજીને ભાંડવાનું ચાલ્યા જ કરે છે. ત્રણેક દિવસ પર જ બિહારના ચંપારણમાં ગાંધીજીની પ્રતિમા ખંડિત કરવામાં આવી છે. આમ તો ભારત આવ્યા પછીની પહેલી ચળવળ ગાંધીજીએ ચંપારણમાં શરૂ કરેલી, એ જ ચંપારણમાં ગાંધીજીની પ્રતિમા ખંડિત થઈ છે. ગયે વર્ષે ભા.જ.પ.ના સાંસદ પ્રજ્ઞા ઠાકુરે ગાંધીજીની એવી નિંદા કરેલી કે ખુદ વડા પ્રધાને કહેવું પડેલું કે હું તેમને જિંદગીભર માફ નહીં કરી શકું. જો કે, તે પછી પણ પ્રજ્ઞા ઠાકુરને ઊની આંચ આવી નથી તે ચમત્કાર જ છે. ધર્મસંસદના સમાપનમાં કાલીચરણ તો ગાંધીજીને હરામી કહેવા સુધી ગયા છે એટલું જ નહીં, ગોડસેને ગાંધીજીની હત્યા કરવા બદલ વંદન પણ કર્યા છે. જામનગરમાં પણ ગોડસેની પ્રતિમા મૂકવાની વાત તાજી જ છે. અમેરિકાના મેનહટ્ટનમાં 6 ફેબ્રુઆરીએ ગાંધીની કાંસ્યપ્રતિમા તોડવામાં આવી તો ભારતે કડક કાર્યવાહીની માંગ કરેલી, પણ અહીં ગાંધીજીના વિરોધમાં કૈં થાય છે તો સરકાર તે ચાલવા દે છે.

વલસાડમાં 14 ફેબ્રુઆરીએ ધોરણ પાંચથી આઠના વિદ્યાર્થીઓ માટે જિલ્લા કક્ષાએ બાળ પ્રતિભા શોધ સ્પર્ધા યોજાઈ. અન્ય સ્પર્ધાઓ સાથે વકતૃત્વસ્પર્ધા પણ હતી. એને માટેના ત્રણ વિષયોમાં એક વિષય ‘મારો આદ ર્શ- નાથુરામ ગોડસે’ હતો. એક બાળકી એ વિષય પર બોલી અને તેને પહેલું ઈનામ પણ મળ્યું. આ વિષય પર બોલવા માટે ઈનામ ન મળ્યું હોત તો એની ચર્ચા થઈ હોત કે કેમ તે નથી ખબર, પણ ગોડસે વિષય તરીકે ચર્ચા જગાવી ગયો. ગાંધીજીના ગુજરાતમાં તેનો હત્યારો વિષય તરીકે સહન ન થયો ને વાત મીડિયામાં ફેલાઈ. વધારે ચગે તે પહેલાં સરકારે જિલ્લા વિકાસ અધિકારીને સસ્પેન્ડ કરી દીધા. ગૃહ મંત્રીએ તપાસનો આદેશ આપી દીધો. એ સાથે જ બધાંએ જવાબદારીમાંથી છટકવાનું શરૂ કરી દીધું. કુસુમ વિદ્યાલયના સંચાલિકાએ કહ્યું કે અમે તો માત્ર સ્પર્ધા માટે શાળા આપી છે. એ સિવાય અમારી કોઈ ભૂમિકા નથી. એવું જ વલસાડ જિલ્લાના પ્રાથમિક શિક્ષણાધિકારી પણ કહે છે કે સ્પર્ધા રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા યોજાય છે ને શિક્ષણ વિભાગ એનાથી અલગ છે. શિક્ષણ વિભાગને આ સ્પર્ધા અંગેની કોઈ જાણ રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગે કરી નથી. આ સાચું હશે, પણ અન્ય વિભાગનો કાર્યક્રમ પોતાના શિક્ષણ વિભાગમાં થાય છે તો તે અંગેની માહિતી મેળવવાનું સાહેબને જરૂરી ન લાગ્યું? આમ તો આ સંયુક્ત કાર્યક્રમ હતો, પણ કોઈ કોઈનામાં માથું ન મારી શકે એવી જડબેસલાક વ્યવસ્થા હશે, નહીં તો ‘મારો આદર્શ-નાથુરામ ગોડસે’ જેવા વિષય પર કોઇની તો નજર પડી હોત, પણ કોઈને જ એમાં વાંધાજનક કૈં ન લાગ્યું. ન તો વિષયની તૈયારી કરનાર વિદ્યાર્થિનીને કે ન તો નિર્ણાયકને કે ન તો વિષય પસંદ કરનાર અધિકારીને. આમાં સૌથી વધુ જવાબદાર એ અધિકારી છે જેણે ગોડસેમાં આદર્શ જોયો. એ પસંદગી કોને માટે થઈ રહી છે એનો વિચાર આવ્યો હોત તો પણ અધિકારીને અટકી જવાનું કોઈ કારણ મળ્યું હોત. 11થી 13ની ઉંમરના વિદ્યાર્થીને માટે આ વિષય અનુકૂળ ગણાય? બાળકના મનમાં એક હત્યારાને આદર્શ તરીકે વિચારવાની ફરજ પાડવાનું યોગ્ય છે? કુમળી વયના બાળકને રાષ્ટ્રપિતાની વિરુદ્ધ વિચારવાની ફરજ પાડવા જેવી ખરી – જેવી ચિંતા જરૂર થઈ હોત, પણ એવું કશું વિચારાયું નથી. નાની ઉંમરથી જ ગાંધી વિરુદ્ધ વિચારવાની આવી તાલીમ સરકારે સ્કૂલોમાં આપવાનું શરૂ કર્યું છે તે જોખમી છે. ગાંધીજીની બાદબાકી અને વડા પ્રધાનનો સરવાળો એ ગુજરાતી શિક્ષણનો પાયો છે એવું નથી લાગતું?

કોઈ પરિપક્વ વ્યક્તિ ગોડસે કે ગાંધી વિષે સમજીને વાત કરે એ વાત જુદી છે ને એક બાળકને તેની ઊઘડતી સમજમાં નાનેથી જ પૂર્વગ્રહ વિકસાવવા પ્રેરવો એ જુદી બાબત છે. વિષય પરત્વે વાંધો હોય તો એટલા પૂરતો જ છે. એવું પણ જાણવા મળ્યું છે કે ગોડસે વિષે બોલનાર વિજેતા બાળકી પાસેથી ઈનામ આંચકી લેવાયું છે, તો એમ પણ કહેવાયું છે કે પ્રથમ વિજેતા બાળક ગોડસે પર બોલ્યું જ નથી, એનો વિષય બીજો જ હતો. જો, ઈનામ પાછું લઈ લેવાયું હોય તો એ બધી રીતે નિંદનીય છે. વિષય પસંદગી વિજેતાની નથી. એણે વિષયને ન્યાય આપ્યો હોય ને નિર્ણાયકોએ એ બાળકીને વિજેતા જાહેર કરી હોય તો કોઈને પણ એ ઈનામ પરત લેવાનો અધિકાર નથી. મુદ્દો એટલો જ છે કે આ સ્પર્ધા માટે આ વિષય બાળકોમાં પૂર્વગ્રહ વધારનારો હતો. ગોડસે કે ગાંધી અંગે ચર્ચા થાય ને નીરક્ષીર ન્યાય કરનાર વચ્ચે થાય તો તેનો વાંધો જ નથી. ગાંધીજી રાષ્ટ્રપિતા હોય તો પણ તે માણસ હતા ને તેમની ઘણી બાબતો સામે કોઈને વાંધો હોય એ શક્ય છે. એ જ રીતે ગોડસે કેવળ હત્યારો કોઈને ન લાગે એમ પણ બનવાનું.

માણસને વિચારવાની શક્તિ કુદરતે આપેલી છે. તે જે તે નિર્ણય વિચાર્યા વગર કે વિચારીને લઈ શકે છે. કોઈને ખોટો લાગતો નિર્ણય, જે તે વ્યક્તિને તો યોગ્ય જ લાગતો હોય છે. ગોડસે અવિચારી માણસ હતો એમ કોઈ ન કહે. જેણે એનું ચરિત્ર કે નાટક વાંચ્યાં – વિચાર્યાં છે તેને એના નિર્ણયો યોગ્ય લાગે પણ ખરા. તેને પોતાને તો એ નિર્ણયો યોગ્ય જ લાગ્યા છે, નહીં તો તે એ લે નહીં ! એને ગાંધી ખોટા લાગ્યા ને તેણે ગાંધીની હત્યાનો નિર્ણય અમલમાં મૂક્યો. એ જ રીતે ગાંધીજીને પોતાના નિર્ણયો યોગ્ય લાગ્યા અને દેશ હિતમાં તે લીધા. એમના નિર્ણય સાથે ઘણાં સંમત ન હોય એમ બને. પણ ગાંધીજીને જમા પક્ષે એક વાત 100 ટકા મૂકવી પડે કે એમનો સાચો કે ખોટો લાગતો કોઈ પણ નિર્ણય એવો નથી, જેમાં એમનો કોઈ સ્વાર્થ હોય. આટલે વર્ષે પણ એ બહાર નથી આવ્યું કે અમુક નિર્ણય તેમણે પોતાને માટે કે સંતાનોના હિતમાં લીધા હતા. આ રાષ્ટ્રપિતા જ એવો પિતા છે જેણે પોતાનું તો ઠીક, સંતાનોનું હિત પણ ન જોયું. એ રીતે સંતાનો માટે એ યોગ્ય પિતા ન થઈ શક્યા. ગાંધીજીનો એક પણ નિર્ણય સ્વાર્થ પ્રેરિત નથી જણાતો. બધાંને બધાં નિર્ણય યોગ્ય જ લાગે એવું દરેક વખતે ન પણ બને, પણ જો તે પોતાનાં સ્વાર્થ માટે ન હોય તો તે હત્યાને પાત્ર ન જ ઠરે. એવા માણસની હત્યા ગોડસેએ કરી છે ને તે ગમે એટલી ન્યાયને પાત્ર હોય તો પણ તે હત્યા હતી ને તેની સજા તેણે ભોગવવાની હતી. એનાથી તેની ઊંચાઈ વધતી હોય તો પણ, ગાંધીજીની ઊંચાઈ એથી ઘટતી નથી.

માનવ જીવનના ઇતિહાસમાં બે જ મોહન એવા છે જેણે એક પણ નિર્ણય પોતાનાં હિતમાં નથી લીધો. દુર્યોધન સાથે કૃષ્ણને કોઈ અંગત સ્વાર્થ ન હતો. યુદ્ધ પહેલાં પોતાની અઢાર અક્ષૌહિણી સેના ને નિ:શસ્ત્ર કૃષ્ણમાંથી પસંદગી કરવાની તક કૃષ્ણ, દુર્યોધનને આપે છે ને એ સેનાની પસંદગી કરે છે. યુદ્ધમાં કપટ કરવાનું આવ્યું ત્યાં કૃષ્ણે તે કર્યું, પણ તે પોતાને માટે ન હતું, છતાં યાદવાસ્થળી એ રોકી ના શક્યા. એવું જ ગાંધીજી માટે પણ થયું, પણ આજે જે લાભ લેવાય છે, એમાંનો કોઈ રાજકીય લાભ આ માણસે નથી લીધો. ગમે એટલું ગાંધીજીની વિરુદ્ધ વિચારીએ તો પણ એવું નથી લાગતું કે તેની છાતી ગોળીથી વીંધાવા માટે હતી.

ગોડસેના પક્ષે પણ એ જ સ્થિતિ હતી. ગાંધીજીને ગોળી મારવાથી કોઈ લાભ ખાટી જવાશે એવી કોઈ ગણતરી એની નથી. ગાંધીજીના નિસ્વાર્થ પ્રયત્નો છતાં ગોડસેને લાગ્યું કે ક્યાંક કોઈનું અહિત તીવ્રતમ રૂપે થઈ રહ્યું છે ને તેણે ગાંધીજીની હત્યા કરવાનું નક્કી કર્યું, એ સિવાય કોઈ સ્વાર્થ તેનો જણાતો નથી. બલકે, હત્યા પછીનું પરિણામ તેણે વિચાર્યું જ નહીં હોય એવું પણ નથી. ગાંધીજીએ નિસ્વાર્થપણે જીવ દીધો ને ગોડસેએ નિસ્વાર્થપણે જીવ લીધો. આ બે સત્યો વચ્ચે રહીને બંને માટે વિચારવાનું રહે ને એ બધાં પછી પણ કહેવાનું તો એ જ બાકી રહે છે કે ગમે એટલી જ ન્યાયપૂર્ણ કેમ ન હોય, હત્યા એ અપરાધ છે ને એ કોઈને પણ નાયક નહીં, ખલનાયક જ પુરવાર કરે છે. ગોડસે એ રીતે ખલનાયક છે અને રહેશે. એને સરકારી કે શૈક્ષણિક રીતે હીરો પુરવાર કરવાના ને ગાંધીજીને ખલનાયક સાબિત કરવાના પ્રયત્નો પડતા મૂકવા જેવા છે. જે જ્યાં છે ત્યાં ઠીક છે. ગાંધીજીનું ચલણ છે જ, કમસે કમ એને ચલણમાં તો રહેવા દઇએ. બહુ થાય તો આપણે ફરિયાદી થઈએ, પણ ન્યાયાધીશ થવાના પ્રયત્નો ન કરીએ તો એ પણ રાષ્ટ્રની સેવા જ છે.

000

e.mail : ravindra21111946@gmail.com

પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 18 ફેબ્રુઆરી 2022

Loading

મકરંદભાઇ-કુંદનિકાબહેનનાં લગ્ન અને નંદિગ્રામ

રજનીકુમાર પંડ્યા|Opinion - Opinion|18 February 2022

1997માં નંદિગ્રામમાં મેં લીધેલા કુંદનિકાબહેનના રેકોર્ડેડ ઇંન્ટરવ્યુના આધારે, મકરંદ દવેની શતાબ્દી નિમિત્તે : રજનીકુમાર

લગ્ન કરવા વિષે કુંદનિકાબહેને કોઇ ચોક્કસ વિચાર નહોતો સેવ્યો, ત્યારે સાલ ૧૯૬૫ના એક દિવસે એકવાર કંઇક જાણીતા – કંઇક અજાણ્યા એવા અક્ષરોમાં એમના ઉપર એક પત્ર આવ્યો. પત્ર હતો તો વિનય-વિવેક ભર્યો પણ એ ડેસ્ટિનીનો કૉલ લેટર (વિધાતાનું વેણ) થઇ જશે એવી એમને ખબર નહોતી. પત્ર કવિ મકરંદ દવેનો હતો ! નવાઇ તો લાગી પણ નકારાત્મક ભાવ પેદા થાય તેવી કોઇ વાત એમાં નહોતી. એમનું નામ ખાસ્સું સાંભળેલું પણ હતું. વખાણ પણ સાંભળેલાં. ખાસ તો એમનાં ભાઇ સુરેન્દ્ર કાપડિયા અમદાવાદની એચ.કે. કૉલેજમાં લેક્ચરર હતા. એ વર્ષો સુધી અને વારંવાર મકરંદના કોઇ ને કોઇ નિમિત્તે વખાણ કર્યાં કરતા. ‘નવનીત’નાં તો કુન્દનિકાબહેન સંપાદિકા હતાં અને એમાં મકરંદભાઇનાં કાવ્યો પણ છપાતાં એટલે નામ પણ પરિચિત. અક્ષરો પણ જરા યાદ કરે તો લખનારની ઓળખ પડી જાય એવા પણ આમ એમનો પત્ર આવશે અને એમાં જોડાવા વિષે બહુ ધીમો સંકેત હશે એવી કલ્પના તો ક્યાંથી હોય ?  એટલે પહેલાં તો એમને થયું કે એમણે કોઈ બીજાને મોકલવાને બદલે ભૂલથી મને આ પત્ર મોકલી દીધો છે. પણ કોઇના પત્રનો જવાબ તો દેવો જ પડે. એટલે એ કાગળ જેમનો તેમ પાછો મોકલવાને બદલે માત્ર પોસ્ટકાર્ડથી જવાબ એ રીતે લખ્યો કે ભાઈશ્રી મકરંદભાઇ, તમારા કોઈ કાગળિયાં ભૂલથી અહીં આવી ગયાં લાગે છે. જો આપ જણાવો તો આપને પાછાં મોકલી આપું.

તરત એનો જવાબ તો ‘એવી જરૂર નથી, એ પત્ર તમારા માટે જ છે’ એવો આવી ગયો. અને પછી થોડો પત્રવ્યવહાર વધુ થયો. એમાં કુન્દનિકાબહેન પામી ગયાં  કે મકરંદભાઇને પક્ષે કંઇક એવી ગડભાંજ ચાલતી હતી. બિમાર બા ‘હવે તું લગ્ન કર’ એમ સીધું નહોતાં કહી શકતાં પણ ‘મારી આશા અધૂરી રહી જશે’ એમ તો રટ્યાં જ કરતાં હતાં. મકરંદભાઇ કાયમ જવાબ આપતા કે ‘ચિંતા ન કર, બા. મને યોગ્ય લાગશે ત્યારે લગ્ન કરીશ. કોઇ પાત્રને અને મને અમે એકબીજાને યોગ્ય છીએ એવું લાગશે ત્યારે હું એક દિવસ પણ મોડું નહીં કરું.’

કદાચ બાને સંતોષવાની એ માનસિકતાને કારણે જ આ પત્ર લખાયો હતો. પણ ત્રણ વર્ષ ચાલેલા એ પત્રવ્યવહારનો અંજામ છેલ્લે લગ્નમાં પરિણમ્યો.

અને સાલ ૧૯૬૮માં ૩૦મી એપ્રિલે પોતાનાથી પાંચ વર્ષ મોટા મકરંદભાઇ સાથે એ લગ્નથી જોડાયાં. એ દિવસ તે અખાત્રીજનો. મકરંદ રીતસરની જાન લઈને આવેલા હતા. પણ જાનમાં જાનૈયા બહુ ઓછાં હતાં. દીપકભાઈ વસાવા, બનેવી બાબુભાઈ વૈદ્ય, તેમનાં પત્ની દયાબહેન એટલે કે મકરંદભાઇનાં મોટાં બહેન. કુન્દનિકાબહેનને પક્ષે હતાં કાંતાબહેન, રતિભાઈ, નાનાભાઈ. મુંબઈમાં વિહાર તળાવને કિનારે માંડવો બાંધ્યા વગર જ સૂર્ય-ચંદ્રની સાક્ષીએ સાદો વિધિ થયો. (બા એ જોઇને પછી, સંતોષ પામીને ૧૯૭૫માં અવસાન પામ્યાં.)

મેં પૂછ્યું : ‘પણ આટલાં વર્ષ સુધી કેમ નહોતાં પરણ્યાં ?’

‘બસ,’ એ મરકીને બોલ્યાંઃ ‘મારે ન’તું પરણવું એટલે ન’તી પરણી.’

થોડી વાર અબોલ રહીને એ બોલ્યાં : ‘હું એક જ વાત કહીશ કે એ સાયુજ્ય પહેલાં મને ભગવાનની ઓળખ ન હતી.’

વાક્ય અધૂરું લાગે પણ એને પૂરું કરી આપનારા શબ્દો મારા મનમાં ઊગી ગયા.

‘તો એમણે તમને બદલી નાખ્યાં’ એવો જ અર્થ થયો. પણ એ કહો કે એવો તે કયો ધક્કો લાગ્યો? શું લાગ્યું એમને જોઈને ? કયાં કારણો મળ્યાં? વૈચારિક કે એથી વધુ ઊંચુ કે માત્ર બૌદ્ધિક? સાહિત્યિક ?

એમનો જવાબ : ‘સાહિત્ય શબ્દ એના માટે બહુ નાનો પડે. અવ્યક્તમાંથી આવતું કઈંક. આ અંતર શબ્દ અંતર જ પકડે છે. નકરાં બાહ્ય ઉપકરણોથી કાંઈ પ્રીતિ ઉત્પન્ન થતી નથી. મા ભગવતીનું એક પ્રખ્યાત વાક્ય છે. ‘દિલ કો ભા જાયે.’ જેની વ્યાખ્યા થતી નથી. પ્રેમને કારણો સાથે સંબંધ કાંઈયે નથી. કારણ છે કેવળ પ્રીતિનું !

પછી કહે : ‘પણ એ આપણે જાણતાં નથી કે આપણને આટલા બધા માણસોમાંથી કેમ આ એક જ માણસ ગમ્યો અથવા કેમ આની તરફ જ ખેંચાયાં? બીજા બધાં ઉપરનાં કારણો પણ છે પણ એ કંઈ એટલાં બધાં નક્કર નથી.’

હવે સ્વાભાવિક જ સવાલ જાગે કે નંદિગ્રામની કલ્પના કોના મનમાં પહેલાં આવી?  કુન્દનિકાબહેનના મનમાં કે મકરંદભાઇના મનમાં ?

તેમનો જવાબ : ‘એમને જુદી રીતે કલ્પના આવી અને મને પણ જુદી રીતે આવી. એમના મનમાં કામ કરવાની બ્લુપ્રિન્ટ પડી હશે તે એવું બધું એમણે પોતાના મિત્રો સાથે ઘડી રાખેલું અને મેં પણ એમને મળી તે પહેલાં કંઇક એવું વિચારેલું. એમ તો  છેક ૧૯૬૦થી મારા મનમાં આ વિચાર રમતો હતો કે આવું કશુંક હોવું જોઈએ. એ પછી જેમ જેમ દિવસો વીતતા ગયા તેમ તેમ એ ‘કશુંક પણ’ બદલાતું રહ્યું. પણ એના મૂળમાં હતું બહુ નાનપણમાં કર્યું હોય તે વાચન. પણ જેનાથી આવા વિચારો આવ્યા હોય. એવું વાચન શું હતું તે અત્યારે તો મને યાદ આવતું નથી પણ આવું કંઈ અનોખું કરવું જ છે એવો વિચાર સૌ પ્રથમ આવ્યો સાલ ૧૯૮૦માં.’

એટલે કુન્દનિકાબહેને એ વિચારને વ્યક્ત કરતો સૌ પહેલાં એક લેખ લખ્યો ‘જન્મભૂમિ-પ્રવાસી’ની ‘પ્રવાસી’ પૂર્તિમાં. એ લખવાની પ્રેરણા મળી તેમને ‘અમેરિકન રિવ્યુ’માં આવેલા ઈરવિન વિલિયમ થોમસન નામના એક અમેરિકન સાહિત્યકાર, ના, માત્ર સાહિત્યકાર નહીં પણ ઇતિહાસકારનો, એક લેખ વાંચીને. તેમાં એ લેખકે ગ્લોબલ કલ્ચરની વાત કરેલી. ગ્લોબલ કલ્ચર એટલે વૈશ્વિક સંસ્કૃતિ, વૈશ્વિક ફીલિંગ ! મતલબ કે, આ મારું સૌરાષ્ટ્ર કે આ મારો દેશ જેવો વિચાર જ ન રહે મનમાં. પણ ‘આ મારો ગ્રહ એટલે કે પ્લેનેટ!’ એવા કલ્ચરનો વિકાસ થવો જોઈએ એવી એ લેખકે લેખમાં આવી વાત મુકેલી. કુન્દનિકાબહેનને એ પરિકલ્પના બહુ જ જચી ગઈ હતી. અને તેમના મનમાં ઘણા વખતથી જે ધુંધળા વિચારો કે ખયાલો રમતા હતા તેને આ વાંચીને નક્કર આકાર મળ્યો. એ લેખકે એક કોમ્યુન એટલે કે સરખી માન્યતાઓના એક દોરે બંધાયેલી સમૂહજીવન જીવતી એક વસાહતની કલ્પના કરેલી અને વાસ્તવમાં એવું કરેલું પણ ખરું અને બહુ સારા સારા લોકો એ કોમ્યુનના મેમ્બર્સ હતા. લિન્ડિશ ફાર્મ એટલે લૉન્ગ આઈલેન્ડ ન્યુયોર્ક પાસે એ લોકોનું કોમ્યુન હતું. એમાં એ લોકો આ વિચારોને અમલમાં મૂકવાનું કામ કરે છે. એણે તો પછી બીજા એક કોમ્યુનની વાત પણ  કરેલી, ફિન્ડફાર્મ જે સ્કોટલેન્ડમાં છે ત્યાં પણ આવા લોકો વસીને વનસ્પતિજગતમાં કાર્ય કરે છે. આવી બધી વસ્તુ કુન્દનિકાબહેન અને મકરંદભાઇના વિચારો સાથે એટલી મળતી આવતી હતી કે એમાંથી એમને એક નક્કર આકાર મળી ગયો અને એ તે નંદિગ્રામ.

પણ એનું સ્વરૂપ (કંસેપ્ટ) કેવું હોવું જોઇએ ? એના વિષે બે સમાંતર વિચાર મનમાં સમાંતરે જ ચાલી રહ્યા હતાઃ એક તો સાધના અને બીજી સેવા. એ બે એની પાંખો હોવી જોઇએ. એને પરંપરાગત ધર્મ સાથે કોઈ લેવાદેવા નથી. સાધના એટલે કે મન જે આધ્યાત્મક સ્થિતિમાં હોય તેનાથી આગળની દિશામાં વધવું તે અને સેવા એટલે આપણે એકલાં નહીં પણ આપણું અમર્યાદ કુટુંબ છે તેવી સમજણ કેળવવી. હું મારું જ કરી લઉં એવું નહીં પણ આપણી આસપાસ રહેતા લોકો પણ આપણો જ પરિવાર છે, એમ માની તે લોકોને પણ આપણાપણામાં આવરી લેવા. જેમ આપણે આપણાં ભાઈબહેનો માટે શક્ય હોય તેટલું કરી છૂટીએ છીએ એમ બીજા લોકોને પણ આપણામાંના જ ગણીને એમને માટે શક્ય હોય તેટલું કરી છૂટવું. આમાં સાધના આને સેવા બંનેનો ત્યાં સમન્વય થવો જોઈએ. એટલે સાદી ભાષામાં કહીએ તો પોતાનું કલ્યાણ અને બીજાનું પણ કલ્યાણ. ખરા કલ્યાણનો એ જ સાચો માર્ગ હોવો જોઈએ એવી એક કલ્પના અને તેને મૂર્તિમંત કરવાનું સ્વરૂપ એમને આમાં દેખાયું જે એમણે પોતાના લેખમાં વ્યક્ત કર્યો હતો.

કુન્દનિકાબહેનના લેખનો બહુ બધા લોકોએ પડઘો પાડ્યો. અનેક કાગળો આવ્યા. તેમના લેખનો કન્સેપ્ટ જ એવો હતો કે આવું કોઈ કોમ્યુન હોવું જોઈએ કે જ્યાં આવા મિત્રો હળીમળીને રહે અને આવા વિચારોને મૂર્તિમંત કરવાનું કામ સાથે મળીને કરે. એમાં સર્વ જીવ પ્રત્યે આદર હોય, પ્રકૃતિને ખોળે જીવન હોય અને એક સમગ્ર જીવનશૈલી જેમાં વિકસિત થતી હોય. એ જીવનશૈલી પ્રદૂષણમુક્ત હોય, એમાં શોષણને સ્થાન ન હોય. વ્યવસાય પણ પોતે જે કરતાં હોય એ કરે પણ તેમાં લોભ ન હોય એટલે કે બીજાના ભોગે પોતે વધારે મેળવી લેવું અથવા તો વધારે મેળવી લેવું એવી જીવનની દિશા ન હોય. નિર્વાહ માટે જેટલું જરૂરી હોય તેટલું કમાવું પણ એ કમાવા માટેના વ્યવસાયો એવા નિર્દોષ હોય કે જે સમાજને પોષક હોય. એટલે આખી એક અલગ જ જીવનશૈલી હોય કે જેમાં સાદગી હોય. આવાં ઊંચાં મૂલ્યો અને વિજ્ઞાનનો જ્યાં સમન્વય થયો હોય તેવી રીતે જીવન જીવવાની કોશિશ કરવી અથવા તો એ રીતે વિક્સાવવાની કોશિશ કરવી. જો એમ થાય તો એમાં આ બધી વસ્તુઓ આપોઆપ આવી જાય એટલે કે સેવા અને સાધના આવી જાય.

કુન્દનિકાબહેનનો આ લેખ હિન્દીમાં પણ પ્રકાશિત થયો. એના પ્રતિભાવમાં ભવાની પ્રસાદ મિશ્રજી કે જે હિન્દીના બહુ મોટા કવિ હતા એમનો પ્રતિભાવ સૌથી પહેલા આવ્યો. હા, એમના પુત્રે એમને વાંચી સંભળાવ્યો હતો. જે વાંચીને એમનો સુંદર પત્ર આવ્યો હતો. જો કે પછી તો એ મધ્ય પ્રદેશ જતા રહ્યા અને ત્યાં તેમનું અવસાન થયું.

ગુજરાતમાંથી પણ ઘણા સાહિત્યકારો અને લેખકોના પ્રતિભાવોના પત્રો આવ્યા હતા.

આવા સરસ પ્રતિભાવો આવ્યા એટલે પછી એમણે જમીનની શોધ આદરી.

રૂપિયા-પૈસા માટે તો જે સાવ નજીકના મિત્રો હતા તેમની મદદ લીધી. એમાંથી દસ પંદર જણે પાંચસો પાંચસો રૂપિયા પ્રાથમિક તબક્કે આપી દીધાં એટલે જમીનની શોધે ગતિ પકડી. કાંતિભાઈ કાલાણી, પદ્માબહેન વિઠ્ઠલાણી, કવિ અનિલ જોશી, પછી કાંતાબહેન, મધુસૂદનભાઈ ઠક્કર, ભક્તજ્યોતિ કોઠારી, જગદીશભાઇ મહેતા અને મીનળબહેન મહેતા, બાબુભાઇ રાઠોડ, (કદાચ કોઇ નામ બોલતાં એ ચૂકી ગયાં હોય એમ પણ બને) એ બધાંએ પાંચસોથી પંદરસો રૂપિયા પ્રાથમિક તબક્કે આપ્યા.

પછી જમીનની વધારે સઘન શોધ, પત્રવ્યવહાર, ટ્રસ્ટડીડનું રજિસ્ટ્રેશન અને એ બધું ચાલ્યું. જમીન માટે તો એ લોકો છેક પાલીતાણાના શેત્રુંજ્ય સુધી પણ જઈ આવ્યાં. પહેલાં તો એમના મનમાં એમ હતું કે આમ ગુજરાતમાં રહેવું પણ મુંબઈની નજીક રહેવું. અને અને મુંબઈમાં વધુ મિત્રવર્તુળ, સંપર્કો હતા. એ રીતે નજીકની જમીન શોધવાનું સહેલું પડ્યું. એટલે ઉંમરગામથી શરૂઆત કરી હતી જમીનની. એ માટે બધા મિત્રોથી માંડીને દલાલોને પૂછતાં પણ હતાં. જાહેરખબરો પણ આપી હતી. એ વખતે તો એમને છથી આઠ દસ એકર જમીનની જ જરૂર હતી. એમાં આ વર્તમાન નંદિગ્રામ જ્યાં ઊભું છે તે ખાલી જમીનની ખબર પડી. દમણગંગાની આ જમીન આમ તો ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટે સ્થળાંતરિત થયેલા લોકોને વસાવવા માટે ફાળવી હતી. પણ કંઇ ઉપયોગ થયો નહોતો અને ફાજલ જ પડી રહેલી. આમ તો એમાં થોડા સ્થળાંતરિત લોકોને વસાવ્યા હતા પણ સંજોગો એવા થયા કે પછી વસાવવાના રહ્યા નહીં. મકાન પણ પડી રહ્યું હતું. જમીન પહેલાં ૩૩ એકર હતી પણ ગામ લોકોને જવા-આવવાનો રસ્તો કરવાનો હતો એટલે પછી એમાંથી ૪ એકર પાછી આપી દેવાની થઇ. ત્રણ વર્ષના પત્રવ્યવહાર પછી એમને આ જમીન સડસઠ હજારના ભાવે મળી. એ વખતે જમીન ખૂબ જ ખરાબ હતી અને આટલાં વર્ષોની મહેનત પછી હજી પણ ઊગતું નહોતું. સૌથી પહેલો કબજો એમને ૧૯૮૪માં મળ્યો. ત્યાર પછી ચોમાસું બેઠું એટલે એમાં વાવેતર પણ શરૂ કર્યું. પણ તે પહેલાં કૂવાનાં પાણીની પણ વ્યવસ્થા કરી. શરૂઆતમાં વાંસના ૨,૦૦૦ વૃક્ષો વાવ્યાં. ત્યાં તો આજુબાજુનાં ગામડાંઓવાળાનો વિરોધ ઊભો થયો અને ચણભણ પણ શરૂ કરી કે આ લોકો મુંબઈથી અહીં શું કરવા આવ્યા છે? શો છૂપો સ્વાર્થ છે એમનો ? એ વિષે અનેક અનુમાનો લોકોમાં ચાલ્યાં. એટલે કશા દેખીતા કારણ વગર જ એક જાતના બેઝિક વિરોધના પ્રદર્શનરૂપે એ લોકોએ એવાં વાવેલાં ઝાડવાં ઉખાડી નાંખ્યા, થોરની વાડ કરી હતી એ તોડી નાંખી, રોપા લઈ ગયા, કુન્દનિકાબહેનની એક છાપરી હતી એ પણ તોડી નખાઇ. લાકડાં એકઠાં કર્યા હતા તે પણ ઉપાડી ગયા. આ બધા અનુભવે બધાંને એવો વિચાર આવ્યો ફેન્સિંગ કરાવી લેવી જોઈએ. પણ આટલી મોટી વિશાળ જગ્યા ફરતી ફેન્સિંગ કરવા માટે લગભગ પચાસ હજાર જેવી રકમ જોઈએ. એટલા બધા રૂપિયાની તાત્કાલિક વ્યવસ્થા તો થાય તેમ ન હતી અને અહીંયા તો ઊભું રહેવાય એમ પણ ન હતું. આ લોકો ઝાડ નીચે ઊભા રહેતાં હતાં. કંઈક ખાવું-પીવું હોય તો ઝાડ નીચે લઈ આવતાં અને ઝાડ નીચે બેસીને ખાતાં. અહીં તો કઈં જ ન હતું. મકાનમાં મોટાં મોટાં બાકોરાં અને મોટી મોટી તિરાડો હતી. બાવળનાં ઝુંડ હતાં.

પણ પછી થોડી વધુ રકમ એકઠી થઇ. ૧૯૮૪ના ઑક્ટોબરમાં કુન્દનિકાબહેન અને બીજાં સહવાસીઓએ મકાન બાંધવાની શરૂઆત કરી. પણ કામ કરનારા માણસો એટલા બધાં આળસુ અને કામચોર કે માત્ર એક રૂમ અને એક ઓસરી બાંધવામાં એ લોકોએ એક આખું વર્ષ કાઢી નાખ્યું. ને એમ છેવટ ઑક્ટોબર ૧૯૮૫માં આ મકાન તૈયાર કરાયું. એ દરમિયાન જૂનું મકાન તોડી પડાયું. એ પછી ૧૯૮૬-૮૭માં બીજાં મકાનો તૈયાર થયાં. જરા પગ મૂકી શકીએ તો સારું લાગે એવી વ્યવસ્થા તો છેક ૧૯૮૬માં થઈ. એ પહેલાં તો અહીયાં માત્ર પગારદાર માણસો જ કામ કરતાં હતાં. એ વર્ષની ઑક્ટોબરની ૬ તારીખે થોડા મિત્રો સાથે અહીંયા વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખ્યો. એ પછી ૧૯૮૭માં તો કુન્દનિકાબહેન અને સહવાસીઓ જેવાં કે બાબુભાઇ રાઠોડ, જગદીશભાઇ અને મીનાક્ષીબહેન મહેતા, કાંતાબહેન મહેતા અને બીજાં બે-ત્રણ મિત્રો કાયમી ધોરણે અહીં રહેવા આવી ગયાં અથવા પ્રસંગોપાત રહેતાં થયાં પણ ખરી. મુશ્કેલી એમને વીજળીની પડી, જે એમને અહીં રહેવા આવ્યા પછી છેક છ-આઠ મહિને મળી. પાણી માટે પહેલા બોરિંગમાં તો પાણી આવ્યું જ નહીં, બીજું બોરિંગ કર્યું ત્યારે પાણી આવ્યું. પણ ત્યાં તો એ ગામવાળાઓએ ફરી વંટોળની જેમ સુસવાટાભેર ધસી આવીને સંસ્થાનાં તમામ વૃક્ષો ઉખેડી નાખ્યાં અને બીજી અનેક તોડફોડ પણ કરી. પણ કુન્દનિકાબહેન, મકરંદભાઇ અને સાથીઓએ હાર ન માની, ફરી મકાનોમાં બાંધવાનું શરૂ કર્યું, પણ એમાં પણ એમને બહુ જ આપદા પડી. કોન્ટ્રાક્ટર કોઈ દિવસ પૂરું કામ કરે નહીં. ગમે તેવો હલકો સામાન અને સામગ્રી બાંધકામમાં વાપરે. મજૂરો પણ આવે જ નહીં. અહીંના કામ કરનારા લોકોની એક ખાસ ખાસિયત જોવામાં આવી કે વાયદા આપીને પાળે નહીં. દિવસો સુધી એમની રાહ જોવી પડે. કુન્દનિકાબહેન અને ક્યારેક તો મકરંદભાઇ તો થોડો સમય વલસાડમાં રહ્યા. મિત્રો મુંબઈથી ક્યારેક ટ્રેનમાં આવતાં ક્યારેક બસમાં પણ આવતાં. સ્થાનિક અવરજવર રીક્ષામાં કરતાં. રહેવામાં પણ બહુ અગવડ ભોગવવી પડતી, ક્યારેક એ બધા પાંચ-છ જણ અહીં એક જ ઓરડામાં રહેતા અને એક ગોડાઉન જેવું હતું એમાં જમવાનું બનાવતાં. એક છાપરી હતી એમાં બધાં સાથે બેસીને જમતાં. ક્યારેક ઉપર ખપેડામાંથી વીંછી નીચે પડે. સાપ તો પહેલાં ઓસરીમાં ખુરશી પડી હોય તો આવીને બેઠા જ હોય. ઘણીવાર પગથિયાં પર બેઠા હોય. જીવડાંનો પાર નહીં, મચ્છરનો પાર નહીં. ૧૯૮૭થી અહીં વસવાટ શરૂ કર્યો હતો. એ પહેલાં મુંબઇથી આવ-જા કરતાં હતાં. ૧૯૮૭માં એકધારું લગભગ છ સાત મહિના રહ્યાં હતાં. જો કે મકરંદભાઈ તો કાયમી નિવાસ કરવાને બદલે મુંબઇથી અથવા વલસાડથી આવ-જા કરતા રહેતા હતા. 

નંદિગ્રામ નામ કેમ રાખ્યું ? જવાબ બહુ રસપ્રદ છે. કુન્દનિકાબહેન, મકરંદભાઇ અને કવિ અનિલ જોશી અમદાવાદના ઘરના કમ્પાઉન્ડમાં એકવાર બેઠાં હતાં અને વિચારતાં હતાં કે શું નામ પાડીશું આ સંસ્થાનું ? એકાએક ત્રણમાંથી કોઇ એકના મનમાં ‘નંદિગ્રામ’ નામ ઝબક્યું. પછી એના ઉપર સાગમટે વિચારવિમર્શ કરતાં ગયાં તેમ એ નામનાં ઘણા બધાં સૂચિતાર્થો મળતા ગયા. એક તો એ કે નંદિગ્રામ એ જગ્યા છે કે જ્યાં રહીને ભરતે રામના વનવાસ દરમિયાન રાજ કર્યું હતું. એટલે એવો અર્થ મનમાં ઊગ્યો કે જેમ ભરતે રામ વતી રાજ કર્યું. તો આ કામ આપણે આપણાં સ્વાર્થ માટે નહીં પણ બીજાં માટે આદર્યું છે. ભરતે રામની પાદુકા ગાદી પર મૂકીને રાજ-કાજ અને પ્રજાહિતનાં કામ કર્યાં જેથી એને સતત એવો અહેસાસ દૃઢ થાય કે એ કોઈના વતી રાજ કરે છે. બાકી તેણે નથી ગામડાંમાં રાજ કર્યું, નથી કર્યું શહેરમાં. એણે તો રાજકાજ ચલાવતા રહીને પણ નંદિગ્રામમાં સતત રામની જ રાહ જોઈ. એ રીતે આપણે પણ અહીં કામ કરતાં કરતાં ‘રામ’ની જ રાહ જોવાની છે. બીજું એક સબળ કારણ એ વિચારણા હતી કે રાજ્યશક્તિ કે સંઘશક્તિ એ ગામડામાં કેન્દ્રિત થવી જોઈએ, નહીં કે શહેરમાં. ગામડાની પ્રતીતિ તો આપણને નંદિગ્રામમાં જ થાય. જેને પોતાની જાતને આધ્યાત્મને માર્ગે વાળવી હોય તો તેના મનમાં કે વર્તનમાં કોઇ પણ પ્રકારના કામના ઊંચાનીચાપણાનો ભેદ ન હોવો જોઈએ, એ આ નંદિગ્રામમાં જ બની શકે. જો ગ્રામ સમાજ માટે કઈં કલ્યાણકારી કરવાની વૃત્તિ હોય, એના સમાજજીવનના તંદુરસ્ત પોષણ માટે માટે કઈંક કરી છૂટવાની ભાવના હોય, અને સામૂહિક જીવન જીવતાં જીવતાં બીજા માટે થોડુંઘણું જતું કરવાની ભાવના હોય તે જ નંદિગ્રામનો નિવાસી હોય. પરસ્પર પરત્વે સહિષ્ણુતાની વૃત્તિ હોય તો જ એક નંદિગ્રામ એક કોમ્યુન બની રહે, નહિં તો સામાન્ય ચીલાચાલુ સંસ્થા. અહીં ઈન્ડસ્ટ્રિયઅલ વાતાવરણ નથી. વિજ્ઞાન છે પણ એ આધ્યાત્મને માર્ગે આગળ વધે છે. પ્રકૃતિ સાથે એ દિશામાં હોલિસ્ટિક માર્ગે આગળ વધવાના પ્રયોગો નંદિગ્રામમાં થાય છે.

(લેખકના Zen Opus પ્રકાશનગૃહ દ્વારા પ્રકાશિત થનારા અને ૩૭ જેટલાં શબ્દસાધકોના જીવનચિત્રો અને સંસ્મરણોના પુસ્તક ‘શબ્દનાં સગાં’માંના એક પ્રલંબ લેખનો એક અંશ)

બી-૩, જી.એફ. ૧૧, આકાંક્ષા ફ્લેટ્‌સ, ઇસનપુર રોડ, અમદાવાદ – 380 050

e.mail : rajnikumarp@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક”, 16 ફેબ્રુઆરી 2022; પૃ. 09 – 11

Loading

...102030...1,7071,7081,7091,710...1,7201,7301,740...

Search by

Opinion

  • રેવા / તત્ત્વમસિ  
  • लोकतंत्र का एंकाउंटर हो रहा है  
  • બ્રેઇન ડ્રેઇન નહીં, બ્રેઇન લીઝઃ ભારતીય પ્રતિભા સર્જે છે, મૂલ્ય બીજા વસૂલે છે
  • ચલ મન મુંબઈ નગરી—347
  • AIને માથે ચડાવવા જેવું નથી …

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • દરિયો
  • ગઝલ
  • ગઝલ
  • ગઝલ
  • નોકરી એક ચુડેલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved