Opinion Magazine
Number of visits: 9962766
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ઉત્તેજનાથી આક્રમકતાઃ જીવનશૈલીની ઝડપી ગતિમાં ટૂંકુ થઇ રહેલું આ અંતર સમાજનું જોખમ વધારનારું

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|20 February 2022

ગ્રિષ્મા વેકરિયા, આખા સુરતની દીકરી છે, અને આખા સુરતને જ નહીં પણ આ કેસને જાણનારા એકેએક જણને, પોતાની આસપાસની દીકરીઓની ચિંતા હવે રૂંવાડું ફરકાવી દેનારી સાબિત થશે. ક્યારે ય પણ કંઇ પણ થઇ શકે છે. ફેનિલ ગોયાણી, જેણે ગ્રિષ્માનું ગળું કાપીને હત્યા કરી તેને આસપાસ ઊભેલા લોકો, વીડિયો શૂટ કરી રહેલા માણસો, ગ્રિષ્માનાં સગાંઓની બૂમાબૂમ કશાથી કોઇ ફેર ન પડ્યો. એ જે નક્કી કરીને આવ્યો હતો તે જ તેણે કર્યું. આ લખાઇ રહ્યું છે ત્યારે ફેનિલના તેના દોસ્ત સાથેના કૉલ્સ વાઇરલ થઇ રહ્યા છે. આ ઘટના એટલી બધી આઘાતજનક છે કે તેને વિશે વિસ્તારથી લખવું પણ વિચલિત કરી દે તેવું છે. આ ઘટનાના સતત સમાચાર આવી રહ્યા છે, કોઇને કોઇ તપાસ થઇ રહી છે. એક સમાજ તરીકે આપણને સવાલ એ થવો જોઇએ કે આ ઘટના શા માટે? પ્રેમનું આ ઝનૂન કોઇ કાળે ગળે ઉતરે તેમ નથી.

ફિલ્મો, ઇન્ટરનેટ, વધુ પડતી માહિતી, ઉછેર જેવી બાબતો પર ચર્ચાઓ થઇ રહી છે અને થશે. વળી આવો કિસ્સો પહેલી વાર થયો છે એમ પણ નથી, અને આવા કિસ્સાઓ આજથી ૩૦ વર્ષ પહેલાં નહોતા થતા તેવું પણ નથી. ઝનૂન, પ્રેમ અને ગુનો આ ત્રિરાશી જોખમી છે અને એમાં કશું પણ અજુગતું કે નવું નથી. આખરે આવું શા માટે? માણસ જાતની સંવેદનાઓ સમયાંતરે, દાયકાઓ સાથે બદલાય – પણ એ બદલાવમાં, તેની તીવ્રતામાં વધારો કે ઘટાડો થાય બાકી પ્રેમમાં પડેલો માણસ હોય કે ગુસ્સે ભરાયેલો માણસ હોય કે પછી દુઃખી માણસ હોય તે આજથી અમુક દાયકા પહેલા જેવો હતો તેવો જ હોય છે, માત્ર તેની લાગણીની તીવ્રતામાં ફરક આવ્યો હોય છે. આ તીવ્રતા બદલાવા પાછળના કારણોની વાત કરીએ તે પહેલાં કેટલાક આંકડા અને તાજેતરની અમુક બીજી ઘટનાઓ પર નજર નાખીએ.

સમય અને સ્થળના આયામોને પાર નજર કરીએ તો ઘણાં ઘાતકી ગુનાનું મૂળ હોય છે પ્રેમ. પ્રેમ સંબંધો જેમાં લગ્ન, સજાતીય સંબંધો અને લગ્નેતર સંબંધો સહિતના તમામનો સમાવેશ કરીએ તો આખા દેશમાં થતી હત્યાઓમાંથી ૧૦ ટકા હત્યાઓ પ્રેમને ખાતર થાય છે. નેશનલ ક્રાઇમ રેકોર્ડ્ઝ બ્યુરોનો ક્રાઇમ ઇન ઇન્ડિયા વર્ષ ૨૦૨૦ના રિપોર્ટ અનુસાર ભારતમાં થયેલી ૨૯,૧૯૩ મર્ડર્સમાંથી ૩,૦૩૧ હત્યાઓનું કારણ પ્રેમ પ્રકરણ હતું. દાયકા પહેલા આ પ્રમાણ સાત કે આઠ ટકાએ હતું જે હવે દસથી અગિયાર ટકાએ પહોંચ્યું છે. ઉત્તર પ્રદેશ, બિહાર, મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, તામિલનાડુ અને ગુજરાતમાં આ પ્રકારના કેસિઝ વધુ જોવા મળે છે. જાતિભેદ, સંકુચિત માનસિકતા વગેરે પણ આવા ગુનાઓમાં મોટો ફાળો ભજવે છે. પરંતુ સુરતમાં જે થયું તેમાં પ્રેમની ઘેલછા જે અંતે ઝનૂનમાં ફેરવાઇ તે બહુ મોટું કામ કરી ગઇ.

ગુજરાતના જાણીતા મનોવૈજ્ઞાનિક ડૉ. પ્રશાંત ભીમાણી સાથે જ્યારે આ કિસ્સાની ચર્ચા કરી ત્યારે તેમણે કહ્યું, “જે છોકરાએ આ ગુનો આચર્યો તેના મામલે મા-બાપ પણ ક્યાંક કદાચ કાચા પડ્યા. હોઇ શકે કે તે બાળક તરીકે બહુ જ જીદ્દી હોય. તેનો જીદ્દી સ્વભાવ આગળ જતા ઉગ્રતા-આક્રમકતામાં ફેરવાયો હોય. આપણે વેબસિરીઝ અને ફિલ્મોમાં હવે જે રીતે ક્રાઇમ બતાડાય છે, તેની વાત કરીએ તો એ સ્વીકારવું રહ્યું કે જે એક સમયે કોઇ એક ખૂણે ઘટતું હતું, અથવા અમુક સમાજમાં અમુક સ્તરે જ પ્રવર્તમાન હતું તે હવે વેબ સિરીઝ વગેરેને કારણે એક બહોળા વર્ગ સુધી પહોંચી રહ્યું છે. આવા હિંસક કોન્ટેન્ટનું જનરલાઇઝેશન મોટા સ્તરે થાય છે અને આ બધી બાબતોની અસર માનસિકતા પર એક યા બીજી રીતે પડતી જ હોય છે. ઇન્ફર્મેશન ઓવરલોડના જમાનામાં પેરન્ટિંગમાં પણ બદલાવ લાવવો પડશે. અને મેકર્સ જાણે કે તેઓ જે દર્શાવે છે તે સમાજનો આયનો જ છે પણ શું ખરેખર ગુનાને મામલે આવા આયના બતાડવાની જરૂર છે ખરી? પ્રેમમાં નિષ્ફળતા તો એક વાત છે પણ નિષ્ફળતા – એક સમાન્ય પરિણામ તરીકે કેવી રીતે સ્વીકારવી તે પણ શીખવવું જરૂરી છે. ફેલ્યોર મેનેજમેન્ટ એક અગત્યનું પાસું છે. હિંસા એક અજીબ પ્રકારનું એક્સાઇટમેન્ટ આપે છે, આ ઉગ્રતાને કાબૂમાં રાખવા માટે ધ્યાન અને વ્યાયામ સૌથી સારી પેઠે કામ કરી શકે છે.”

મુંબઇના પ્રતિષ્ઠિત મનોચિકિત્સક ડૉ. હરીશ શેટ્ટી પ્રેમના ભ્રમની વાત પર ભાર મૂકે છે. તેઓ કહે છે, “હું તેને પ્રેમ કરું છું એટલે એ પણ મને પ્રેમ કરે છેનો ભ્રમ કેટલો જોખમી હોઇ શકે છે તેનો પુરાવો છે સુરતની ઘટના. જાહેરમાં હત્યા કરવાની જે વાત છે તેમાં આ કૃત્ય કરનારાને માટે એ મોમેન્ટ ઑફ ગ્લોરી – વાહવાહીની ક્ષણ બની જાય છે. આવું કરનાર વ્યક્તિ દુનિયા સામે જાણે જાહેરાત કરી રહી છે કે તે આમ કરીને ગૌરવ મેળવે છે, હો હા કરીને, હંગામો કરીને તે સામી વ્યક્તિને પોતાનો પ્રેમ ન સ્વીકારવા બદલ ગુનાઇત લાગણી અનુભવવા પર જાણે મજબૂર કરે છે. તે દુનિયા સામે જાહેર કે છે કે, જુઓ મને પ્રેમમાં નાસીપાસ કરવામાં આવ્યો કે આવી અને હવે હું હતાશ છું એટલે હું આમ કરીશ. માલિકીભાવ ધરાવતો પ્રેમ, વળગાડ સમો પ્રેમ જોખમી જ હોય છે. કોઇ સાથી વાતવાતમાં તમારો પાસવર્ડ માંગી લે, તમારી બધી હિલચાલ પર નજર રાખે તો આવા રિલેશનશીપથી ચેતવું જરૂરી છે.”

ડૉ. શેટ્ટીએ એંશીના દાયકામાં થયેલી એક ઘટનાનો ઉલ્લેખ કર્યો જેમાં એક ધોબીએ બૅંકમાં કામ કરતી એક મહિલાને ધોળે દિવસે જીવતી સળગાવી દીધી હતી કારણ કે તેણે તેના પ્રેમનો સ્વીકાર ન કર્યો. આ સાબિતી છે કે આ પહેલીવાર થયેલી બાબત નથી. વળી આજે સ્માર્ટ ફોન અને ઇન્ટરનેટના જમાનામાં લોકોમાં બાય સ્ટેન્ડર સિન્ડ્રોમ વધ્યું છે, ઘટના ઘટી રહી છે તો કોઇ તેમાં ધસી જઇ રોકવાની કોશિશ નથી કરતા બલકે ફોન કેમેરાથી શૂટ કરવાનું શરૂ કરી દે છે. ડૉ. શેટ્ટીએ કહ્યું કે મુંબઈમાં પહેલીવાર બોમ્બ બ્લાસ્ટ થયા હતા ત્યારે લોકો અલગ અલગ વિસ્તારોના ફોટા લઇ પોતાની પાસે વધારે અરેરાટી ઉપજાવે તેવા ફોટોગ્રાફ્સ છે તેવી બડાશ હાંકતા. લોકોમાં સહાનુભૂતિ ઘટી છે, જિંદગીની ગતિ વધી છે. સાદું વિજ્ઞાન છે કે ગતિ વધે એટલે ગરમી વધે અને તેનું  જ પરિણામ આપણે સમાજમાં જોઇ રહ્યા છીએ.

બાય ધી વેઃ

આજે બધાને સતત એક્સાઇટમેન્ટ જોઇએ છે, ‘લિવીંગ ઓન ધી એજ’ પ્રકારની માનસિકતા કાં તો લોકો પાસે ખોટા કામ કરાવે છે, અથવા તો આવી ઘટનાઓના મૂક સાક્ષી બનાવે છે. ઉત્તેજના અને આવેશ ક્યારે આક્રમકતામાં ફેરવાઇ જાય છે તે સમજાતું નથી. સ્પેનમાં થતી બુલફાઇટ હોય કે, કોઇનું મૉબ લિન્ચિંગ હોય કે પછી શેરીનાં કૂતરાં સાથે થતી ક્રૂરતા હોય, લોકોને ગતિશીલ બનેલી જિંદગીમાં એક્સાઇટમેન્ટને નામે કંઇ પણ ચાલે છે. વળી જેન્ડર સેન્સિટિવીટીના પાઠ શીખવવામાં આપણી વ્યવસ્થા હજી પાછળ છે, પિતૃસત્તાક સમાજમાં સ્ત્રીને પોતાની જાગીર સમજનારાઓનાં ટોળાં છે. જીવનમાં થોડો કંટાળો ક્યારે ય હાનિકારક નથી હોતો, સ્ક્રીનનું વળગણ હોય કે ડ્રગ્ઝનું કે પછી પૂરપાટ વાહન ચલાવવાનું – જલદી એક્સાઇટમેન્ટ મેળવવાના ખેલમાં જિંદગી ખતમ થઇ જાય છે.

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”,  20 ફેબ્રુઆરી 2022

Loading

जो तोड़ने से भी न टूटे वह गांधी है

कुमार प्रशांत|Opinion - Opinion|20 February 2022

बिहार का चंपारण एक नहीं, कई अर्थों में महात्मा गांधी की जन्मभूमि है. यहीं से भारतीय सामाजिक-राजनीतिक जीवन में, 1917 में वे प्रवेश करते हैं और फिर अनवरत कोई 31 सालों तक के अनवरत संघर्ष की वह जीवन-गाथा लिखते हैं जिसे हिंदुत्व की धारा में कु-दीक्षित नाथूराम गोडसे की तीन गोलियां ही रोक सकीं. उसी चंपारण के मोतिहारी के चर्खा पार्क में खड़ी गांधी की मूर्ति आज खंड-खंड कर दी गई है. फिर यहीं से थोड़ी दूर, तुरकौलिया में गांधी-प्रतिमा को शराब की थैलियों की माला पहना कर, विकृत कर छोड़ दिया गया है. आज ऐसा मोतिहारी में हुआ है, कल कहीं और होगा – पहले कहीं और हो भी चुका है. ऐसी घटनाओं से नाराज या व्यथित होने की जरूरत नहीं है. फिक्र करनी है तो हम सबको अपनी फिक्र करनी है जो लगातार गहरी फिक्र का बायस बनती जा रही है.

गांधी की प्रतिमाओं के खिलाफ एक लहर तब भी आई थी जब नक्सली उन्माद जोरों पर था. गांधी की मूर्तियों पर हमले हो रहे थे- वे तोड़ी जा रही थीं, विकृत की जा रही थीं, अपशब्द आदि लिख कर उन्हें मलिन करने की कोशिश की जा रही थी. तब यहां-वहां चेयरमैन माओ के समर्थन में नारे भी लिखे व लगाए जा रहे थे. मूर्तियों से लड़ने के इसी उन्मादी दौर में बिहार के जमशेदपुर में जब गांधी की एक मूर्ति का विभंजन हुआ था तब जयप्रकाश नारायण ने अपनी गांधी-बिरादरी को संबोधित करते हुए लिखा था कि गांधी से इन लोगों को इतना खतरा महसूस होता है कि वे इनकी मूर्तियां तोड़ने में लगे हैं, इसे मैं आशा की नजरों से देखता हूं. यह हम गांधीजनों को सीधी चुनौती है जो अपनी-अपनी सुरक्षित दुनिया बना कर जीने लगे हैं. चुनौती नहीं तो गांधी नहीं, ऐसा भाव तब जयप्रकाश ने जगाया था जो शनै-शनै उस लहर में बदला जिसे इतिहास में जयप्रकाश आंदोलन या संपूर्ण क्रांति आंदोलन कहा जाता है.

आज गांधी के खिलाफ एक दूसरा ध्रुव उभरा है जो हिंदुत्व के नाम से काम करता है. यहां-वहां से अपनी बची-खुची ताकत से नक्सली हमलों व हत्याओं की खबरें आती रहती हैं लेकिन यह साफ है कि राज्य की हिंसा अब भारी पड़ रही है. हिंसा का यह दुष्चक्र नया नहीं है बल्कि यही इसका शास्र है कि बड़ी हिंसा छोटी हिंसा को खा जाती है और छोटी हिंसा बड़ी बनने की तिकड़म में लगातार हमले करती रहती है. इन दो हिंसाओं के बीच समाज पिसता रहता है.

हिंदुत्व का यह नया ध्रुव सत्ता की ताकत पा कर ज्यादा हमलावर व ध्वंसकारी हो गया है. पहले उसने गोली मारी थी लेकिन गांधी मरे नहीं. अब वे उनकी उन सारी स्मृतियों को पोंछ डालना चाहते हैं जो उनकी क्षुद्रता व विफलता की गवाही देता है. इसलिए तब गांधी के खिलाफ वामपंथियों ने चेयरमैन माओ का प्रतीक खड़ा किया था, हिंदुत्व वाले नाथूराम गोडसे का प्रतीक खड़ा करने में जुटे हैं.

गांधी होते तो आज डेढ़ सौ साल से ज्यादा उम्र के होते. इतने साल आदमी कहां जीता है ! लेकिन गांधी जी रहे हैं तभी तो हम उनसे सहमत-असहमत ही नहीं होते रहते हैं, उनकी मूर्तियों पर हमला कर अपना क्रोध या अपनी असहमति व्यक्त करते हैं. गांधी न कभी सत्ताधीश रहे, न व्यापार-धंधे की दुनिया से और उसके शोषण-अन्याय से उनका नाता रहा, न उन्होंने कभी किसी को दबाने-सताने की वकालत की, न गुलामों का व्यापार किया, न धर्म-रंग-जाति-लिंग भेद जैसी किसी सोच का समर्थन किया. वे अपनी कथनी और करनी में हमेशा इन सबका निषेध ही करते रहे. वे कहते व करते इतना ही रहे कि हमारे निषेध का रास्ता हिंसक नहीं होना चाहिए. उनका तर्क सीधा था और आज भी उतना ही सीधा है कि जितने तरह के शोषण, भेद-भाव, गैर-बराबरी, ज्यादती चलती है, चलती आई है और आगे भी चल सकती है, उन सबकी जड़ हिंसा में है.

हिंसा का मतलब ही है कि आप मनुष्य से बड़ी किसी शक्ति को, मनुष्य का दमन करने के लिए इस्तेमाल करते हैं फिर चाहे वह शक्ति हथियार की हो कि धन-दौलत या सत्ता की या संख्या या उन्माद की. गांधी ऐसे किसी हथियार का इस्तेमाल मनुष्य के खिलाफ करने को तैयार नहीं होते हैं क्योंकि वे मानते हैं कि इससे मनुष्य व मनुष्यता का पतन होता है और जिसके खिलाफ हम होते हैं, वह बना ही नहीं रहता है बल्कि पहले से ज्यादा क्रूर व घातक हो जाता है. हिंसा हमारे निष्फल क्रोध की निशानी बन कर रह जाती है.

अहिंसक रास्ते से मनुष्य व मनुष्यों का समाज अपनी कमियों-बुराइयों से कैसे लड़ सकता है, और अपनी सत्ता बना सकता है, इसका कोई इतिहास नहीं है. जो और जितना है वह गांधी का ही बनाया है. तो गांधी एक संभावना का नाम है. कुछ लोग हैं ऐसे जो गांधी के बाद भी इस संभावना को जांचने और सिद्ध करने में लगे हैं. उनकी अपनी मर्यादाएं व कमजोरियां भी हैं जैसी हर मानवीय प्रयास की होती हैं. लेकिन ऐसे गांधी का और ऐसी कोशिशों का विरोध क्यों है ? गांधी के प्रति धुर वामपंथियों का और धुर दक्षिणपंथियों का द्वेष क्यों है ? यह द्वेष आज का नहीं, जन्मजात है. गांधी को अपने जीवन के प्रारंभ से तीन गोलियों से छलनी होने तक इनका घात-प्रतिघात झेलना पड़ा. ऐसा क्यों ? इसका कारण समझना किसी जटिल वैज्ञानिक समीकरण को समझने जैसा नहीं है हालांकि विज्ञान ही बताता है कि एक बार ठीक से कुछ भी जान-समझ लें हम तो जटिल या सरल जैसा कुछ नहीं होता है. जो जटिल है वह ज्ञात व अज्ञात के बीच की खाई है.

गांधी इस अर्थ में बेहद खतरनाक हैं कि कैसी भी गैर-बराबरी, किसी भी स्तर पर भेद-भाव, किसी भी तर्क से शोषण-दमन को स्वीकारने को वे तैयार नहीं है- इस हद तक कि वे इनमें से किसी की मुखालफत करते हुए जान देने को तैयार रहते हैं. दूसरी तरफ यही गांधी हैं कि जो किसी भी तरह बदला लेने या प्रतिहिंसा को कबूल करने को तैयार नहीं हैं. मानव-जाति ने प्रतिद्वंद्वी से निबटने के जो दो रास्ते जाने,माने और लगातार अपनाए भी, वे इन्हीं दो बलों पर आधारित हैं. कहूं तो हमारी सभ्यता का सारा इतिहास शोषण-दमन तथा बदला व प्रतिहिंसा का दस्तावेज है. कोई तीसरी ताकत भी हो सकती है जो इस दुष्चक्र से मनुष्यता को त्राण दिला सकती है, इसका अविचल दावा और उस दिशा में लगातार साहसी प्रयास हमें गांधी में ही मिलता है.

गांधी से वामपंथियों का विरोध या द्वेष इधर कुछ कम हुआ है. राजनीतिक सत्ता की छीनाझपटी में लगी दलित पार्टियों का गांधी के खिलाफ विषवमन कुछ धीमा पड़ा है तो सोच-समझ रखने वाले दलितों के बीच से सहानुभूति व समन्वय की कुछ आवाजें उठने लगी हैं. लेकिन इन सबके पीछे राजनीतिक परिस्थितिजन्य मजबूरी कितनी है और समझ में बदलाव  कितना है, यह देखना अभी बाकी है. हम देख ही रहे हैं कि गांधी के अपमान व उनकी मूर्तियों के विभंजन पर इनकी तरफ से कोई खास प्रतिवाद नहीं होता है. 

प्रतिवाद में जो आवाजें उठती हैं उनमें हायतौबा ज्यादा होता है. यह भी सच है कि ऐसी घटनाओं के पीछे दिशाहीन सामाजिक उपद्रवी, शराबी-अपराधी किस्म के लोग भी होते हैं लेकिन यह भी सच है कि यह गांधी से विरोध-भाव रखने वाली राजनीतिक-सामाजिक शक्तियों का कारनामा भी है. यथास्थिति बनाए रखने वाली दक्षिणपंथी तथा हिंसा-द्वेष की लहर बहा कर उनकी जगह लेने में लगी वामपंथी ताकतों का यह वही खेल है जो गांधी को अपने हर कदम के इंकार में खड़ा पाता है. गांधी का यह इंकार इतना सशक्त, तार्किक व सीधा है कि 70 से अधिक सालों से लगातार अनुपस्थित होने पर भी वे गांधी की कोई सार्थक काट खोज नहीं पाए हैं सिवा छूंछा क्रोध प्रदर्शित करने के. यह असत का सत पर प्रहार है.

गांधीवालों में इससे क्रोध या ग्लानि का भाव पैदा नहीं होना चाहिए. मूर्तियों का यह प्रतीक-संसार सारी दुनिया में अत्यंत बेजान, अर्थहीन व नाहक उकसाने वाला हो गया है. हमारा हाल तो ऐसा है कि बुद्ध जैसे मूर्तिपूजा के निषेधक की मूर्तियों से हमने जग पाट दिया है. तो गांधी पर हम गांधी वाले रहम खाएं और मन-मंदिर में भले उन्हें बसाएं, उनकी मूर्तियां न बनाएं. हम दृश्य-जगत में उनके मूल्यों की स्थापना का ठोस काम करें. गांधी सामयिक हैं, यह बात नारों-गीतों-मूर्तियों-समारोहों-उत्सवों से नहीं, समस्याओं के निराकरण से साबित करनी होगी. जो गांधी को चाहते व मानते हैं उनके लिए गांधी एक ही रास्ता बना व बता कर गए हैं : अपने भरसक ईंमानदारी व तत्परता से गांधी-मूल्यों की सिद्धि का काम करें ! इससे उनकी जो प्रतिमा बनेगी, वह तोड़े से भी नहीं टूटेगी. हम जयप्रकाश की वह चेतावनी याद रखें : “ गांधी की पूजा एक ऐसा खतरनाक काम है जिसमें विफलता ही मिलने वाली है.” इसलिए गांधी की हर विखंडित प्रतिमा दरअसल हमें विखंडित करती है और हमें चुनौती देती है.

(20.02.2022)

मेरे ताजा लेखों के लिए मेरा ब्लॉग पढ़ें 

https://kumarprashantg.blogspot.com

Loading

ચલ મન મુંબઈ નગરી—133

દીપક મહેતા|Opinion - Opinion|19 February 2022

મુંબઈની વિક્ટોરિયા : યૂં તો હમને લાખ હસીને દેખે, તુમસા નહિ દેખા

યૂં તો હમને લાખ હસીને દેખે, તુમસા નહિ દેખા
ઐ દિલ, હૈ મુશ્કિલ, જીના યહાં
યે ક્યા કર ડાલા તુને
મૈ રંગીલા પ્યાર કા રાહી
હૌલે હૌલે સજના, ધીરે ધીરે બલમા
માંગ કે સાથ તુમ્હારા, મૈને માંગ લિયા સંસાર
બંદા પરવર, થામ લો જીગર
પિયા પિયા પિયા, મેરા જિયા પુકારે

સવાલ : જુદી જુદી ફિલ્મોનાં, જુદાં જુદાં ગાયક-ગાયિકાએ ગાયેલાં આ ગીતો વચ્ચે સમાનતા શી છે?

જવાબ : આ દરેક ગીતના મોટા ભાગ દરમ્યાન નાયક નાયિકા મુંબઈની વિક્ટોરિયામાં મહાલતાં હોય છે.

ભૂતકાળ બની ગયેલી વિક્ટોરિયા

એક વખત એવો હતો જ્યારે મુંબઈમાં નહોતી ટ્રામ, બસ, કે ટેક્સી. ત્યારે બે જ સાધન હતાં – પાલખી અને ઘોડા ગાડી. તવારીખમાં, સાલવારીમાં, વિગતોની જાળવણીમાં આપણને રસ ઓછો. એટલે મુંબઈમાં વિક્ટોરિયા ક્યારે દાખલ થઈ, કોણે કરી, એ ખાતરીપૂર્વક કહી શકાય નહિ. પણ ૧૯મી સદીમાં આપણે ઘણી બધી વસ્તુઓ, વ્યવસ્થા, ગ્રેટ બ્રિટન પાસેથી અપનાવી. આ વાહનનાં નામ અને ડિઝાઈન જોતાં કહી શકાય કે ગ્રેટ બ્રિટન પાસેથી આપણે વિક્ટોરિયા લઈ આવ્યા. એક જમાનામાં ચર્ની રોડ, ગ્રાન્ટ રોડ, બોમ્બે સેન્ટ્રલ જેવાં સ્ટેશનોની બહાર હારબંધ વિક્ટોરિયા ઊભી રહેતી. મોટા ભાગના ગાડીવાળા મુસ્લિમ બિરાદરો. માથે કાળા ફૂમતાવાળી લાલ ટોપી. એક હાથમાં લગામ, બીજા હાથમાં ચાબૂક. ગાડીની બે બાજુ કાચની ચોરસ ચીમનીમાં રાતે ઘાસલેટના દીવા કરવાના. ફોલ્ડિંગ હૂડ. ચોમાસામાં કે તડકામાં પેસેન્જરને થોડી રાહત આપે. પણ ગાડીવાને તો ટાઢ, તડકો, વરસાદ, બધું વેઠવું પડે. હા, વરસાદમાં સીધા હેન્ડલવાળી છત્રી પાઈપના ટુકડામાં ખોસી રાખી હોય તે વરસાદથી ચાલકને થોડો બચાવે.

બોમ્બે સેન્ટ્રલ સ્ટેશન ૧૯૩૭માં આવું દેખાતું હતું

આ લખનારને બાળપણની વિક્ટોરિયાની મુસાફરીઓ હજી યાદ છે. ખાસ તો બહારગામ જવાનું હોય ત્યારે બોમ્બે સેન્ટ્રલ જવા માટે વિક્ટોરિયા જ ભાડે કરાય. ટ્રેન ઉપડવાના ટાઈમ કરતાં બે-અઢી કલાક વહેલા નીકળી જવાનું ઘરેથી. બહારગામ જતી ટ્રેનમાં એ વખતે ચાર ક્લાસ : ફર્સ્ટ, સેકન્ડ, ઇન્ટર, અને થર્ડ. થર્ડ ક્લાસમાં એડવાન્સ બુકિંગ કે રિઝર્વેશનની સગવડ નહિ. સ્ટેશને પહોંચીને ટિકિટ લેવાની. એટલે ઘરેથી વહેલા નીકળી જવાનું. પહેલું કામ વિક્ટોરિયાના ચાલક સાથે ભાવ-તાલ. ત્યાર બાદ એક પછી એક ‘દાગીના’ વિક્ટોરિયામાં ગોઠવાતા જાય. પહેલાં આવે પતરાની ટ્રન્કો. નકૂચા પર પિત્તળનું તાળું. દરેક ટ્રંકના ઢાકણા પર કાકાનું (પિતાને અમે ‘કાકા’ કહેતા) નામ લાલ અક્ષરે લખેલું હોય. પછી આવે બિસ્તરો – ઠાંસી ઠાંસીને ભરેલો, ચામડાના જાડા પટ્ટાથી બાંધેલો. બે પટ્ટા વચ્ચેનો ભાગ કોઈ માલેતુજાર શેઠિયાની ફાંદની જેમ ફૂલેલો હોય. પિત્તળનો પાણીનો કુંજો. જર્મન સિલ્વરની પાનની પેટીને તો ‘કાકા’ ક્ષણભર પણ અળગી ન કરે. પછી આવે ભાતાની મોટી પેટી – ગૂંથેલા નેતરની. એમાં અંદર નાનાંમોટાં, આડાંઊભાં ખાનાં. આગલી રાતે મોડે સુધી જાગીને માએ બનાવેલી જાતજાતની વાનગીઓ છાપાના કાગળમાં બાંધીને ખાનાંઓમાં વ્યવસ્થિત ગોઠવાઈ હોય. ડબ્બાને બદલે કાગળ, જેથી એક તો વજન ઓછું થાય, અને બીજું, ખાલી વાસણ ધોવાની માથાકૂટ નહિ. મેથીનાં ઢેબરાં, જેને અમારા સુરતી-અમદાવાદી પડોશીઓ ‘થેપલાં’ કહેતાં. ટ્રેનમાં ઠંડાં ઢેબરાં ખાતી વખતે પેલું લોકગીત યાદ આવે :

મારે ઘેર આવજે માવા, ઊનાં ઊનાં ઢેબરાં ખાવા.

બટેટાંના તળેલા કટકા. ઉપરથી મીઠું-મરચું ખાતી વખતે ભભરાવી લેવાનું. ‘કપુરિયાં બટેટાં’ (આજની સૂકી ભાજીની ગોરી બહેન) બાફેલાં, એટલે જલદી બગડી જાય. એટલે એને બદલે તળેલાં બટેટાં. (બટાકા શબ્દ અમારા ઘરમાં ક્યારે ય વપરાતો નહિ.) બટેટાં વગર નાગરના ઘરમાં પાટલો પડે નહિ. એક નવી વહુ રસોઈ કરીને સાસુ પાસે આવી. ‘બેટા, આજે શેનું શાક કર્યું છે?’ ‘મા, બટેટાનું.’ ‘સારું, સારું, પણ એમાં બટેટાં ઉમેર્યાં કે નહિ? આપણા ઘરમાં દરેક શાકમાં બટેટાં તો જોઈએ જ.’ પછી હોય પૌઆનો ચેવડો. અમારું કુટુંબ ગિરગાંવકર, એટલે ચેવડો અસ્સલ મરાઠી ઇસ્ટાઈલનો. ગોળપાપડી, તીખા ગાંઠિયા, નાનખટાઈ, વગેરે. કાચની બાટલીઓમાં માએ બનાવેલાં મેથિયાં કેરી, ગળ્યો અને તીખો છૂંદો, કટકી કેરી, વગેરે અથાણાં. એક ખાનામાં પ્લેટ, ગ્લાસ, ચમચી વગેરે. બધાં તાંબા-પિત્તળનાં. સૌથી ઉપર બે-ત્રણ જૂનાં છાપાં.

મુસાફર અને મજૂર

બોમ્બે સેન્ટ્રલ પહોંચીને લાલ ખમીસ પહેરેલા મજૂર સાથે વાટાઘાટ શરૂ થાય. સામાન તો ડબ્બામાં ચડાવવાનો જ, પણ ચાર ‘બર્થ’ પણ અપાવવાની. આઠ-દસ રૂપિયાનો મામલો. ચાલતી ટ્રેને મજૂર કે તેનો સાથીદાર ટ્રેનમાં ચડી જાય અને ફાળિયું કે ચાદર પાથરીને ‘બર્થ’ અમારે માટે રોકી લે. એ વખતના થર્ડ ક્લાસના ડબ્બામાં બેસવા માટે લાકડાના બાંકડા. ઉપ્પર સૂવા માટે પાટિયું. પંખાની જરૂર ન રેલવે કંપનીને લાગતી, ન મુસાફરોને. બારીને સળિયા હોય, કે નયે હોય. ‘મારી માતાએ બેઉ જનમ્યા તેમાં હું નટવર નાનડો’ એટલે બારી પાસે બેસવાનો જન્મસિદ્ધ અધિકાર. પણ બેઠા પછી ઘણી વાર ઉમાશંકર જોશીની પેલી પંક્તિઓ જેવી દશા થાય :

સમાન પલ્લાં વિધિની તુલાનાં,
જયાજયો તે મનનાં જ બહાનાં.

એ જમાનો સ્ટીમ એન્જિનનો. ધૂમાડા ભેગી કોલસાની કરચો પણ ઊડતી હોય. એમાંની એકાદ આંખમાં આવીને બેસી જાય. આંખ રાતી ચોળ. થોડી વારે માંડ નીકળે. પણ તો ય બારી પકરી તે પકરી. છોડવાની નહિ.

આંખ ઠેકાણે આવે એટલે નજર સામે મકાનો, માણસો, ખટારા, ખખડધજ બસો, ઝાડ, નદી-નાળાં, ટેકરીઓ, બધું ઝડપભેર પસાર થતું રહે. દાદર, વાંદરા, બોરીવલી જેવાં સ્ટેશને બહારગામની ટ્રેનો ઊભી ન રહે. સીધું આવે પાલઘર. ત્યાં ચા પીવાની જ. ચા વેચવાવાળા બે જાતના : ‘ચાય, બામણિયા ચાય’ એવી બૂમો પાડનારા, અને બીજા ‘ચાય ગરમ, ચાય’ એમ બોલનારા. પહેલાના ઘરાકો ઉજળિયાત બામણ-વાણિયા. જ્યારે ચોથા વર્ણના અને પારસી, ખ્રિસ્તી, મુસ્લિમ વગેરે છડિયાં ‘ચાય, ગરમ ચાય’ના ઘરાકો. કાચનાં કપ-રકાબી. ઠીક ઠીક મોટાં. આજના કાગળના કપ જોઇને તો એમ લાગે કે હવે થોડા વરસમાં ગણીને રોકડાં દસ ટીપાં ચા ડ્રોપરથી સીધી મોઢામાં રેડશે. અમારા જેવા ઘણા મુસાફર પોતાનાં કપ-રકાબીમાં ચા લેવાનું પસંદ કરે. પિત્તળની કિટલીમાંથી ઉપરથી ધાર કરીને ચા કપમાં રેડાય, મિઠ્ઠી, કડક. ઉપર ફીણનું પડ બાઝી જાય.

જી.આઈ.પી. (આજની સેન્ટ્રલ) રેલવેમાં બહારગામ જઈએ તો વારે વારે નાનાં-મોટાં બોગદાં આવે. ‘રસિક’ મુસાફરો તો એ વખતે પણ હતા જ. આપણા કવિ નર્મદે લખ્યું છે :

ગાડી જ્યારે જાય ટનલમાં ચિંઇઈ કરીને,
તારે સહુ જન થાય અજબ બહુ,
એવી વેળા થોડી વારના અંધારામાં
નિજ પ્રિયજનને છાતીસરસું ખૂબ ચાંપવું,
એ સુખડું તો સ્વર્ગનું સાચે.

બી.બી.સી.આઈ. (આજની વેસ્ટર્ન) રેલવેમાં વચમાં વચમાં નદી પર બાંધેલા પૂલ પરથી ગાડી પસાર થાય. તાપી કે નર્મદા જેવી પહોળા પટની નદી પરથી ટ્રેન ધીમે ધીમે પસાર થાય ત્યારે ‘ભમભમ, ભભમભમ, એવો અવાજ આવે. આજની જેમ બે-ત્રણ મિનિટ નહિ, દરેક સ્ટેશને ટ્રેન ખાસ્સું રોકાય. નવાં પાણી-કોલસો ભરાય. ડ્રાઈવર બદલાય. એ વખતે બી.બી.સી.આઈ. રેલવેના બધા મોટા સાહેબો અંગ્રેજ કે એન્ગલો ઇન્ડિયન્સ. બાકીના સ્ટાફમાં પારસીઓ અને ભાઠેલાઓની બહુમતી.

રેલવે કંપની ટ્રેન ચલાવે છે તે આપણને રોજગારની તક આપવા માટે, એમ માનનારા ફેરિયાઓ બેધડક ડબ્બામાં આવે. દહાણુ સ્ટેશને ચણાની તળેલી દાળ વેચનારા. ગોલવડમાં ચીકુ અને સફેદ જાંબુ વેચનારી બાઈઓ. સંજાણ કે ઉદવાડા સ્ટેશને કસ્તી કે સુખડ વેચતો પારસી ફેરિયો પણ ક્યારેક દેખાઈ જાય. સુરત તો ફરસાણ અને મીઠાઈનું પાટનગર. માત્ર ફેરિયા જ નહિ, લારીઓ પણ પ્લેટફોર્મ પર દેખાય. અહીં ટ્રેન લાંબો વખત ઊભી રહે એટલે ઘણા મુસાફર ઊતરીને જોઈતી ખરીદી કરી લે. ભરૂચની ખારી સિંગ અને વડોદરાનો લીલો-સૂકો ચેવડો અને નડિયાદનું ભૂંસું તો લેવાનાં જ. ગળે હાર્મોનિયમ બાંધીને ગીતો ગાઈને પાઈ-પૈસો ઉઘરાવાનારાઓ, રોજિંદી જરૂરિયાતની વસ્તુ વેચનારા, નાનાં-મોટાં રમકડાં વેચનારા, ગળેથી લટકતા વાંસના ટોપલાવાળા પાન-પટ્ટીવાળા વગેરે ફેરિયાઓની આવન-જાવન ચાલતી ટ્રેને પણ થતી રહે.

BBCI રેલવે કંપનીની ટ્રેન

ટ્રેન અડધો પોણો કલાક અમદાવાદ સ્ટેશને રોકાય, અને પછી ઊપડે વિરમગામ તરફ. ત્યાંથી શરૂ થાય પીળી ભોમકા, એટલે કે દેશી રજવાડાંનો પ્રદેશ. વિરમગામ સુધી બ્રોડ ગેજ, પછી મિટર ગેજ ટ્રેક. એન્જિન, પાટા, ડબ્બા, બધું નાનું થઈ જાય. વિરમગામ સ્ટેશનના પ્લેટફોર્મની એક બાજુ બી.બી.સી.આઈ.ની બ્રોડ ગેજની મુંબઈથી આવેલી ટ્રેન ઊભી રહે. બીજી બાજુ મિટર ગેજની રજવાડી ટ્રેન ઊભી હોય. પણ એકમાંથી ઊતરીને બીજી ટ્રેનમાં સીધા બેસી ન જવાય. આખા પ્લેટફોર્મ પર વચ્ચોવચ જાળીવાળાં મોટાં પાંજરાં, લાઈન દોરી કે જકાતનાં. બધા મુસાફર સામાન સાથે એક બાજુથી પાંજરામાં દાખલ થાય. ઇન્સ્પેક્ટર સામે બેગ-બિસ્તરા ખોલવાના. જકાતના પૈસા માગે તો મૂંગે મોઢે આપી દેવાના. નહિતર ‘પછી જોશું’ કહી એક બાજુ બાંકડા પર બેસાડી દે તો તમારી ટ્રેન ઉપડી ગયા પછી જ સામે જુએ.    

વિરમગામથી મોટે ભાગે અમારી ટિકિટ ઇન્ટર ક્લાસમાં ‘અપગ્રેડ’ કરાવીએ. પાતળી ફાટેલી ગાદીવાળી સીટ. ચાલવું કે નહિ એ નક્કી ન કરી શકતો પંખો. વિરમગામ પછી રજવાડાની રેલવે લાઈન, ડબા, એન્જિન. દરેક બીજું સ્ટેશન ‘જંકશન.’ બે કે વધુ લાઈન ભેગી થાય. દરેક જંકશને બે-ચાર ડબ્બા કપાય ને બે ચાર નવા જોડાય. એટલે ટાઈમ ટેબલમાં ભલે દસ મિનિટ લખી હોય, ટ્રેન દરેક જંકશન પર અડધો કલાક તો રોકાય જ. બાપુની ગાડીની ઝડપ પણ ધીમી. ભાવનગર પહોંચતાં સુધીમાં અધમૂઆ થઈ જવાય. સ્ટેશનની બહાર આવીને રમકડાની હોય તેવી, દૂબળા ઘોડાવાળી ગાડી જોઈએ કે તરત યાદ આવે મુંબઈની બાદશાહી વિક્ટોરિયા. અને મન ગણગણવા લાગે : ‘ચલ મન મુંબઈ નગરી.’

E.mail  : deepakbmehta@gmail.com

xxx xxx xxx

પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”, 19 ફેબ્રુઆરી 2022

Loading

...102030...1,7061,7071,7081,709...1,7201,7301,740...

Search by

Opinion

  • રેવા / તત્ત્વમસિ  
  • लोकतंत्र का एंकाउंटर हो रहा है  
  • બ્રેઇન ડ્રેઇન નહીં, બ્રેઇન લીઝઃ ભારતીય પ્રતિભા સર્જે છે, મૂલ્ય બીજા વસૂલે છે
  • ચલ મન મુંબઈ નગરી—347
  • AIને માથે ચડાવવા જેવું નથી …

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • દરિયો
  • ગઝલ
  • ગઝલ
  • ગઝલ
  • નોકરી એક ચુડેલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved