Opinion Magazine
Number of visits: 9663880
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

દલપતરામનો ‘જ્ઞાતિ નિબંધ’

રાજેશ લકુમ|Opinion - Opinion|24 August 2025

રાજેશ લકુમ

ગુજરાત વર્નાક્યુલર સોસાયટીએ (૧૮૫૧માં) ‘જ્ઞાતિ વ્યવસ્થા’ પર સારો નિબંધ લખે તેને રૂ. ૧૫૦નું ઈનામ આપવાનું ઠરાવ્યું. ૧૯મી સદીમાં રાજ્ય કક્ષાની નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું. દલપતરામના ‘જ્ઞાતિ નિબંધ’ને રૂ. ૧૫૦નું ઈનામ પ્રાપ્ત હતું. આ નિબંધમાં જ્ઞાતિની ઉત્પતિ, જ્ઞાતિભેદ, જ્ઞાતિના આચાર-વિચાર અને જ્ઞાતિના ફાયદા અને ગેરફાયદા વિશે સવિસ્તાર માહિતી દર્શાવી છે. ડૉ. ગૌરાંગ જાની જણાવે છે કે ‘દલપતરામનો જ્ઞાતિ નિબંધ એટલે ગુજરાતી જ્ઞાન પરંપરા છે. કવિ હોવાથી સાથે દલપતરામ એક વિચારક અને સુધારક પણ હતા. ગુજરાતમાં જ્ઞાતિ વિશે અભ્યાસપૂર્ણ લખાણની શરૂઆત દલપતરામે કરી એ કહેવામાં કોઈ અતિશયોક્તિ નથી’ (જાની, ૨૦૨૩). પ્રસ્તાવનાની શરૂઆતમાં લેખક કહે છે કે “વેદમાં લખ્યું છે કે પરમેશ્વરે પોતાના મુખમાંથી બ્રાહ્મણ, બાહુમાંથી ક્ષત્રિય, પેટમાંથી વૈશ્ય અને પગમાંથી શુદ્રને ઉપજાવ્યા તે લખવાનો મતલબ એમ સમજાવો કે એ તો કવિએ કલ્પના કરી છે (પૃ. ૪-૫). તો અર્થ એમ કરી શકાય કે પ્રાચીન ગ્રંથોની રચના પણ કવિની કલ્પના જ છે. પરતું પ્રસ્તાવનાના અંત ભાગમાં લેખક પોતે જણાવે છે કે “ઘણું કરીને અસલ હિન્દુશાસ્ત્રથી વિરુદ્ધ વાતો નહિ લખું, તે એટલા સારું કે તેણે કરીને મારા પંડિત સ્વદેશિયો આ ગ્રંથ વાંચીને પ્રસન્ન થાય” (પૃ. ૮). પ્રસ્તુત ‘જ્ઞાતિ નિબંધને બૌદ્ધિક (Rational) અને સમીક્ષાત્મક (Critical) અભિગમ દ્વારા મૂલવીએ. પુસ્તકમાં શું છે? તે કઈ રીતે બન્યું? તેમ બનવાનું કારણ શું? આ સવાલો દ્વારા આપણે જ્ઞાતિ ઉત્પતિ, જ્ઞાતિભેદ, જ્ઞાત્યાચાર (જ્ઞાતિના આચાર-વિચાર) અને જ્ઞાતિના ફાયદા/ગેરફાયદાઓ વગેરે માહિતી મેળવવાનો પ્રયાસ કરીશું.  

·      જ્ઞાતિ ઉત્પતિ: 

પુસ્તકના ભાગ ૧માં “પેહેલો સવાલ જેમ – ઘણું કરીને નાતો બાંધવાનું કારણ શું છે? તે બાબતે તમો જાણવા હો તો કહો” તે વિશે જવાબમાં લેખકે પ્રથમ બાર પ્રકરણમાં જ્ઞાતિ ઉત્પતિમાં બ્રાહ્મણો, ઔદિચ્ય બ્રાહ્મણ, શ્રીમાળી બ્રાહ્મણ, નાગર બ્રાહ્મણ અને અન્ય બ્રાહ્મણોની ઉત્પતિ તેમ જ ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર વગેરેની ઉત્પતિ વિશે ધર્મગ્રંથોમાં કેવી રીતે વર્ણન કરવામાં આવ્યું છે તેની માહિતી પાનાં નંબર ૦૧થી ૫૯ સુધી આપવામાં આવી છે. લેખક પ્રકરણ ૧માં ‘બ્રાહ્મણોની ઉત્પતિ’ વિશે શ્લોક દ્વારા જણાવે છે કે ब्राह्मक्षात्रतथावैश्यं, शौर्द्रकर्म्मचतुष्टयं ॥ सृष्टंजनेच्योलोकेस्मि, न्येनतंप्रणमाम्यहम् १ (પૃ. ૧). અને તેનો અર્થ આપ્યો છે, ઉત્તમ, મધ્યમ, કનિષ્ટ, અને અધમ, એ ચાર પ્રકારના ધંધા, જગતમાં લોકો વાસ્તે જેણે રચ્યા, તેને હું નમસ્કાર કરું છું’. કર્મશીલ રાજુ સોલંકી કહે છે કે શું દલપતરામ ખરેખર સમાજ સુધારક હતા? પુસ્તકના શરૂઆતમાં જ કહે છે કે “બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર એ ચાર પ્રકારના ધંધા જગતમાં લોકો વાસ્તે જેણે રચ્યા છે એને હું નમસ્કાર કરું છું”. તેઓ પ્રારંભમાં જ બ્રાહ્મણ એટલે ઉત્તમ, ક્ષત્રિય એટલે મધ્યમ, વૈશ્ય એટલે કનિષ્ઠ અને શુદ્ર એટલે અધમ આવો અર્થ આપીને દલપતરામે સ્પષ્ટ કરી દીધું કે તેઓ મનુસ્મૃતિ પ્રેરિત વર્ણ વ્યવસ્થામાં માને છે. આવા જાતિવાદી વિચારો પેટમાંથી ઉપજે છે અને પછી ગુદામાંથી નીકળે છે, ત્યારે સમગ્ર નભોમંડળ, સચરાચરના પ્રાણીમાત્ર તેની દુર્ગંધથી સ્તબ્ધ થઈ જાય છે” (સોલંકી, ૨૦૨૫). 

બ્રાહ્મણ એટલે કોણ? તેના જવાબમાં લેખક લખે છે કે “નાસ્તિકપણું જેમાં ન હોય, ને સદા આસ્તિક હોય, એ બ્રાહ્મણના સ્વભાવનું કર્મ છે એટલે એવા ગુણ જેમાં હોય તે બ્રાહ્મણ કહેવાય (પૃ. ૧૦). બીજા શબ્દોમાં કહીએ તો “અસલમાં કોઈ કુળનું નામ બ્રાહ્મણ નહોતું, પણ કે વિદ્યા ભણીને અક્રોધપણા આદિક ગુણ મેળવીને લોકોને ધર્મનો ઉપદેશ કરતાં હતા, તેઓ બ્રાહ્મણ કહેવાતા હતા” (પૃ. ૧૧). શંકરસ્વામી મુજબ સારા ગુણ આવે તે બ્રાહ્મણ થાય. પછી એવા એક જથો બંધાયો હશે તે બ્રાહ્મણ જાતિ કહેવાયા (પૃ. ૧૨). સમાન ગુણવાળા અને રોજગારવાળી જુદી જુદી નાતો ભેગા થઈને બેસે છે. જેમ કે વિવાહના કામમાં પોતાની નાતમાં પણ વિદ્વાનની દીકરી વિદ્વાનને ધેર દેવાય. અને વેપારીની દીકરી વેપારીને ધેર જાય તો લોકો પરસ્પર ઘણા રાજી થાય છે. એ જ બ્રાહ્મણની નાત બાંધવાનું મૂળ કારણ જણાય છે (પૃ. ૧૩). હર્બર્ટ રીઝલે (H.H. Risley) કહ્યું છે કે ‘ભારતમાં જાતિ અને વ્યવસાય એકબીજા સીધા જોડાયેલા છે. અને વ્યવસાય પણ ચોક્કસ જ્ઞાતિ મુજબ હોય છે’ (રીઝલે, ૧૮૯૧). આગળ પુસ્તકમાં લેખક જણાવે છે કે બ્રાહ્મણના ધર્મનો મૂળ દિવસ એટલે બળેવ. તે દિવસે બ્રાહ્મણો જૂની જનોઈ કાઢીને નવી પહેરે છે ત્યારે ઋષિનું પૂજન કરે છે (પૃ. ૧૪). આમ બ્રાહ્મણ ઉત્પતિ વિશે પૃ. ૯થી ૧૪ સુધીમાં ધર્મગ્રંથો જેવા કે ભગવત ગીતા, મોક્ષધર્મ અને વર્જાસૂચિકોપનિષદ વગેરેમાં બ્રાહ્મણ જ્ઞાતિના કર્મ, ગુણો અને ઋષિઓની ચર્ચા કરી છે.

પ્રકરણ ૨માં કેવી રીતે જુદી-જુદી નાતો પ્રમાણે જુદા-જુદા મત બંધાયા તેના વિશે માહિતી આપવામાં આવી છે. લેખકના મતે જુદા જુદા મતવાળાને ભેગા કરવા “વિક્રમથી અગાવ આશરે વર્ષ ૧૦૦ ઉપર શંકરાચાર્ય સંન્યાશીનો ધર્મ ચલાવીને જૈનમતને હઠાવ્યો. અને બ્રાહ્મણોમાં સંપ કરાવીને એકબીજા મતની નિંદા કરવી નહિ, અને જે-જે ઋષિના મતને જેઓ માનતા હોય તેના વંશના જે થાય તેઓએ એ જ મત માનવો એવો ઠરાવ કરીને ટંટો (સમસ્યાનું) સમાધાન કીધો હોય એમ જણાય છે” (પૃ. ૧૮). આગળ પ્રકરણ ૩માં જૂના પુસ્તકો જેવા કે વાલ્મિકીનું ‘રામાયણ’, પાણિની ‘વ્યાકરણ’, મહાભારત, પુરાણો અને સ્મૃતિઓ વિશે થોડી સમજૂતી આપવામાં આવી છે. પ્રકરણ ૪માં બ્રાહ્મણોમાં ૮૪ નાત્યો કેવી રીતે બંધાય તેની માહિતી આપેલ છે. પ્રકરણમાં ૫માં લેખકે ઔદિચ્યની ઉત્પતિ વિશે મૂળગ્રંથ પ્રબંધચિંતામણિ, કુમારપાળચરિત્ર વગેરે ગ્રંથોમાંથી માહિતી મેળવીને લખે છે કે ટોળકિયા ઔદિચ્ય, સિહોરા ઔદિચ્ય, સિદ્ધપુરા ઔદિચ્ય વગેરે એમ બ્રાહ્મણોની ત્રણ મુખ્ય નાતો એકબીજા ઘેર જમવા બેસે અને સગપણ સંબંધ પણ કરે છે (પૃ. ૨૮. ૨૯). પ્રકરણમાં ૬માં શ્રીમાળી બ્રાહ્મણ તથા વાણિયાની ઉત્પતિ વિશે માહિતી સ્કંદપુરાણમાં ‘શ્રીમાળમહાત્મ્ય’ ગ્રંથમાં આપવામાં આવી છે. શ્રીમાળનગર (હાલ ભીનમાલ) ત્યાં બ્રાહ્મણોને બોલાવી વસાવ્યાં (પૃ. ૩૧). પ્રકરણમાં ૭માં નાગર બ્રાહ્મણોની ઉત્પતિ વિશે સ્કંદપુરાણમાં ‘નગરખંડ’ ગ્રંથ મુજબ વડનગરમાં થઈ હતી (પૃ. ૩૫). વર્ષ ૨૦૦ અથવા ૪૦૦ની અંદર તો એક-એક નાત્યમાંથી જુદા-જુદા સભા અસ્તિત્વમાં આવી છે. જેમ કે અમદાવાદી સભા, સુરતી સભા, ઇડરીયા, જૂનાગઢીયા વગેરે જુદી-જુદી સભામાં નાગરોનું સામાજિક બંધારણ બંધાયું છે (પૃ. ૩૮). પ્રકરણમાં ૮માં પરચૂરણ બ્રાહ્મણોની ઉત્પતિ વિશે જણાવે છે જે મોઢ બ્રાહ્મણ ‘મોઢેરા ગામ’માંથી, ત્રિવેદી ‘ત્રણ વેદ ભણનાર’, ચાતુર્વેદી ‘ચાર વેદ ભણનાર’ વગેરે ઉત્પતિ થઈ હતી (પૃ. ૩૯-૪૦). આ પુસ્તકના પૃ. ૧૧થી ૪૨ સુધી બ્રાહ્મણોની ઉત્પતિ વિશે વર્ણન કરેલ છે.  

જ્યોતિરાવ ફુલે

પ્રકરણમાં ૯માં ક્ષત્રિયોની ઉત્પત્તિ વિશે શ્રીમદ્દભાગવત, પૃથીરાજ રાસા અને રત્નકોશ ગ્રંથોમાં માહિતી આપી છે. લેખક કહે છે કે “બ્રાહ્મણ વંશમાં કેટલાએક પુરુષો એવા થાય કે, પોતાના શરીરના જોરથી માણસોને મારીને પોતાને તાબે કરવા લાગ્યા. ત્યારે એ કામ બ્રાહ્મણોના મતથી ઊલટું થયું, તેથી એ બે પ્રકારના જથા બંધાયા, તે બ્રાહ્મણ અને ક્ષત્રી. અને તેઓ પ્રથમ તો વિધ્યાચલ પર્વત, અને હિમાળાની વચ્ચે, જે આર્યાવર્ત ક્ષેત્ર કહેવાય છે, ત્યાં રહેતા હતા …. જમદગની ઋષિના દીકરા પરશુરામ ઋષિના વખતમાં બ્રાહ્મણો તથા ક્ષત્રિયોની વચમાં મોટી લડાઈ ચાલી હતી. પણ આખર રામચંદ્રજીએ પરશુરામને જીત્યા. એ વખતમાં એ રીતે મૂળ બ્રાહ્મણના વંશમાંથી ક્ષત્રી થતા હતા, અને ક્ષત્રીના વંશમાંથી બ્રાહ્મણ થતાં હતા. અને એક બીજાની કન્યા લેતા દેતા હતા, અને ધર્મ તો વેદનો એ બંને માનતા હતા (પૃ. ૪૨-૪૩). મહાત્મા જ્યોતિરાવ ફુલે કહે છે પરશુરામે સેંકડો લોકોની હત્યાઓ કરીને તેમની પત્ની-બાળકોની ભયંકર ખરાબ હાલત કરી હતી (ફુલે, ૧૮૭૩). પ્રકરણમાં ૧૦માં વૈશ્યની ઉત્પતિ વિશે લેખક કહે છે વૈશ્ય એટલે કે જે મુખ્ય તો ખેતી કરનારા તથા ગાયો પાળનારા કારીગર લોકો સર્વે, વેપાર કરનારા, તેઓ વૈશ્ય જાતિ કહેવાય. વેપાર રોજગારમાં મુખ્ય વાણીઆની નાતો ૮૪ છે. તેઓની ઉત્પતિ પણ ક્ષત્રીના વંશમાંથી જણાય છે (પૃ. ૪૬). આ નાત્યોમાંથી કેટલીએક નાત્યોમાં દશા, તથા વીશા એવા ભેદની બે-બે નાત્યો છે. વળી જુદા ધર્મના કારણથી તથા જુદે ગામ વસવાથી એક એક નાત્યમાંથી બીજી ઘણી નાત્યો થઈ છે (પૃ. ૪૮-૪૯).  

પ્રકરણમાં ૧૧માં શુદ્ર વર્ણની ઉત્પતિ વિશે લેખક જણાવે છે કે “જે લોકોના ધંધામાં કાંઇ વિદ્યા ભણવાની જરૂર નથી, પારકા હૂકમથી ફક્ત શરીરની મહેનત કરવી પડે છે, અને ઘણી બુદ્ધિ પણ વાપરવી પડતી નથી, એવા જે હજામ, ધોબી, વઘારી, ભીલ, ઢેડિયા વગેરે તે સર્વે શુદ્ર જાતિ કહેવાય …. હાલ સુધી હિંદુસ્તાનના રાજાઓની પણ એવી રીત છે કે, કોઈ હજામ, કુંભાર વગેરે પોતાનો ધંધો છોડીને બીજો વેપાર રોજગાર કરવા ચહાય, તો રાજા તેને શિક્ષા કરે છે. અને એ શુદ્ર લોકો પોતાને રહેવા ઘણાં સારાં ઘર બનાવે, અથવા જરિયાનનાં લૂગડાં વગેરે પેહેરે, તો પણ રાજા તેને શિક્ષા કરે છે. એ રીતે તેઓને શુદ્રપણામાં રાખેલાં છે (પૃ. ૪૯-૫૦). લેખક દલિતો વિશે જણાવે છે “ઢેડ લોકોમાં પણ ચાવડા, ચુહાણ, વાઘેલા વગેરે અટકવાળા છે, અને તેઓના વૈવંચા પણ છે. તે એમ કહે છે કે એ પણ સર્વે અસલ રાજપૂત હતા, પણ ગરીબ અવસ્થામાં આવ્યાથી એવો ધંધો કીધો, અને શુદ્ર થયા. વળી ઢેડનાં ગોર જે (ઢેડગરોડા) તે પણ કહે છે કે, એમ ઋષિનાં વંશના છૈયે. અને એ ઢેડગરોડા જનોઈ પહેરે છે. જોતિષ તથા રામકથા વગેરે ભણે છે, અને ઘણી કરીને કબીરનાં ધર્મને તેઓ માને છે. તેઓમાં પણ ઢેડ, અને ઓળગાણા (ભંગિયા), એવી બે જાતો છે. જેમાં ઢેડ ઓળગાણાથી વટલાય છે” (પૃ. ૫૦). લેખક કહે છે કે હિંદુ લોકોમાં એકબીજાની નાત્યનું પાણી પીવાથી વટલાયાનો ચાલ ચાલ્યો, તેનું મૂળ એ છે કે, જ્યારે જૈન મતવાળાઓએ પોતાનો ધર્મ હિંદુઓમાં ઘણો ફેલાવ્યો, ત્યારે, તથા ત્યારબાદ, મુસલમાનોએ હિંદુઓને વટલાવવા માંડયા, ત્યારે હિંદુઓના કેટલાએક આચારજોએ એવો બંદોબસ્ત કીધો કે અજાણ્યાની જોડે બેશીને જમવું નહિ, તથા તેનું પાણી પીવું નહિ અને જે સારો આચાર (નહાવા ધોવા વગેરે) પાળે નહિ તે નાત્યવાળા સાથે પણ ખાવાપીવાનો વહેવાર રાખવો નહિ. હિંદુશાસ્ત્રમાં પણ ભંગિયા જેવી (શુદ્ર) જાતવાળાનું પાણી પીવું નહિ, એટલું જ ફક્ત સ્મૃતિમાં લખેલું છે …. હિંદુશાસ્ત્રમાં પતિત થવાના કારણો, જે મોટાં મોટાં પાપ, મદ્યપાન, સોનાની ચોરી વગેરે લખ્યાં છે, તે બંધ થઈને ફક્ત પાણી પીવાથી તથા જમવાથી જ પતિત થાય છે, એટલું રહ્યું, તેનું કારણ એ છે કે, લોકો વિદ્યા ભણ્યા નથી, તેઓને માલમ નથી, કે આપણા ધર્મશાસ્ત્રમાં શું લખ્યું છે, અને આપણે શી રીતે ચાલીયે છીએ (પૃ. ૫૧-૫૨). શુદ્રોની દશા વિશે મહાત્મા જ્યોતિરાવ ફુલે કહે છે કે “વિદ્યા વિના મતિ ગઈ, મતિ વિના નીતિ ગઈ; નીતિ વિના ગતિ ગઈ, ગતિ વિના સંપત્તિ ગઈ, સંપત્તિ વિના શુદ્ર નાસીપાસ થયો, આટલો મોટો ઘોર અનર્થ; એકલી વિદ્યા વિના થયો” (બૌદ્ધ, ૨૦૨૪). લેખકે આ ભાગમાં ઔદિચ્ય બ્રાહ્મણ, શ્રીમાળી બ્રાહ્મણ, નાગર બ્રાહ્મણ અને અન્ય બ્રાહ્મણોની ઉત્પતિ તેમ જ ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર-એમ ચાર વર્ણની ઉત્પતિ વિશે પોતાનો મત ધર્મશાસ્ત્રો મુજબ આપ્યો છે. 

·      જ્ઞાતિ ભેદ:      

પુસ્તકના ભાગ ૨માં “બીજો સવાલ – જાતોમાં વિભાગ થવાની કેટલીક બાબતો સાબેતી વાળી હોય, તેનું વર્ણન કરો, ને શા કારણથી વિભાગ થયા, તે વાત પણ કહો”. તેના જવાબમાં લેખક જણાવે છે કે નાત્યો જુદી થવાનું કારણ એ છે કે, એક ધંધો કરનારાઓની એક નાત્ય થઈ સઘળી નાત્યો જુદી થઈ. ગ્રંથો કરનારા લખે છે કે, એક વર્ણનાં પુરુષ બીજા વર્ણની સ્ત્રી સાથે અનુલોમ, પ્રતિલોમ લગ્ન કીધા. તથા વ્યભિચાર અને જારકર્મથી ઉપજેલી જાતિઓ પ્રગટ થઈ. પરતું નાત્યો બાંધવાનું મૂળ કારણ બ્રાહ્મણો છે. કેમ કે સૌ પહેલી બ્રાહ્મણોની નાત્ય બંધાઈ (પૃ. ૫૮). બ્રાહ્મણ પોતાનું ગુજરાન ચલાવવા અન્ય જાતિનાં ગોર થયા. ત્યારબાદ બંદોબસ્ત કરીને નાતો બાંધી. પ્રકરણમાં ૧૫માં જોઈએ તો નાગરી નાત્યોમાંથી જુદા સંભા બંધાયાનું કારણ દર્શાવે છે કે આનર્ત દેશનાં રાજાને ચમત્કાર બાદ નાગની ઉત્પતિ ઘણી થઈ, તેઓએ ઘણાં માણસોને કરડી ખાધાં, તેથી કેટલાક બ્રાહ્મણો નાશી છૂટ્યા. પછી એક અપમાન કરેલે બ્રાહ્મણે (ત્રિજાતકે) મંત્રણો ઉપાય કર્યો, તથા એ સઉ બ્રાહ્મણોએ મળીને લાકડી પથરા વગેરેથી હજારો નાગરે મારી નાંખ્યા. ત્યારે એ શહેરનું નામ નગર (ઝેર વિનાનું) ઠર્યું, ને તે બ્રાહ્મણો નાગર કહેવાયા (પૃ. ૬૧). નાગરો વિશેની આ એક કપોળ વાર્તા જ છે. એટલે કે આ વાર્તામાં ‘નાગ’ નહિ, પરતું ‘નાગ વંશ’ વિશે છે. જેઓ ભારતમાં એક સમયે રાજશાસકના વંશજો હતા. પ્રકરણ ૧૬માં રાજપૂત, કારડીયા રાજપૂત, વગેરે રાજભ્રષ્ટ થયાથી પોતાની નાત્ય જુદી બાંધીને પોતાની જ નાત્યમાં દીકરીનો વિવાહ કરે છે તથા નતરાં કરે છે. પણ બીજા રાજપૂતો સાથે જમવાનો વહેવાર રાખે છે (પૃ. ૬૭). જ્યારે પ્રકરણમાં ૧૭માં વાણિયાની નાત્યોમાંથી જુદી નાત્યો થવાનું કારણ હતું કે જેઓનું કુલ દશવશા ઉત્તમ, અને જેઓનું વીશવસા ઉત્તમ હતું, તે ‘દશા’ અને ‘વીશા’ થયા. મહાજન ભેળું થાય ત્યારે વીશા વાણિયાને પ્રથમ ચાંદલો થાય છે. ‘દશા’ અને ‘વીશા’ એકબીજાની દીકરી લેતા દેતા નથી (પૃ. ૬૮). પ્રકરણમાં ૧૮માં સુતાર વગેરે નાત્યોમાં પણ ભેદ જોવા મળે છે. સુતાર ત્રણ જાત છે. ૧. ગુજર સુતાર, ૨. સઈ સુતાર, ૩. મેવાડા સુતાર. ગુજર સુતાર સઈ સુતારથી વટલાય છે (પૃ. ૭૦). પ્રકરણમાં ૧૯માં સુરતનું નાત્યો વિશે ૧૮૨૭માં સુરતનાં બારડોલ સાહેબે નાત્યોનાં શિરસ્તા લખાવ્યાં છે. જેમાં સુરત શહેરમાં ૨૦૭ જેટલી જુદી જુદી નાત્યો છે, તેટલી ગુજરાતનાં બીજા કોઈ શહેરમાં નથી (પૃ. ૮૨). પ્રકરણમાં ૨૦માં એ નાત્યોનાં નામ લખવાનું કારણ જણાવે છે. લેખકે કહે છે કે “એક એક નાત્યમાંથી કેટલી-કેટલી નાત્યો થઈ છે! તે કાંઇ પરમેશ્વર જુદી પાડી નથી, માણસોએ જ જુદી પાડી છે. અને સુરત આશરે ૫૦૦ વર્ષ થયા વશ્યું છે … કદાપિ આપણને પરમેશ્વર સહાયતા આપે, ને આપણે માંહો-માંહી ભાઈયોનાં જેવુ હેત કરીને બે નાત્યોની એક નાત્ય કરીએ અથવા એક નાત્યનો બ્રાહ્મણ બીજી નાત્યનાં બ્રાહ્મણની કન્યા લાવે, તો તેમાં પરમેશ્વરનો ગુન્હો શો થશે? કાંઇ નહિ થાય (પૃ. ૮૩). સ્વદેશમાં અથવા પરદેશમાં તે ઔદિચ્ય બ્રાહ્મણ, નાગર બ્રાહ્મણને દુ:ખમાં શી સહાયતા કરી શકે? કેમ કે તેની બનાવેલી રસોઈ નાગરે ખવાય નહિ. એ વહેમ આપણાં દેશમાંથી ક્યારે જાય અને લોકોનું કલ્યાણ થાય! (પૃ. ૮૪). 

છેલ્લે લેખકના કહે છે કે હિંદુશાસ્ત્રમાં શી રીતનો ધર્મ લખ્યો છે? અને માણસોએ હાલમાં શા શા બંદોબસ્ત કીધા છે? તે વાત મારે સારી પેઠે તપાસવી. પછી તો યમસ્મૃતિ, શાતાતપસ્મૃતિ, વ્યાસસ્મૃતિ, અંગિરાસ્મૃતિ, યાજ્ઞવાલ્કયસ્મૃતિ, મનુસ્મૃતિ વગેરે જેટલી સ્મૃતિઓ મળી શકી, તેટલી વાંચીને મે સારી પેઠે નિશ્ચય કીધો કે, બ્રાહ્મણ વગેરેની નાત્યોમાંથી જુદા જુદા વિભાગ થયા, તેનું કારણ તો વહેમ તથા લડાઈ છે, બીજું કાંઇ નથી (પૃ. ૮૬). આમ જ્ઞાતિભેદનાં કારણો બીજા નાત્યો કરતાં સારો આચાર, નહાવા અને ધોવાના વ્યવહાર તથા અલગ વસવાટ અને ધર્મનાં સંઘર્ષ દ્વારા નાતો જુદી થઈ છે. 

·      જ્ઞાત્યાચાર (જ્ઞાતિના આચાર–વિચાર):           

પુસ્તકના ભાગ ૩માં “ત્રીજો સવાલ – એક નાતના લોકોનો ચાલ બીજી નાતના લોકોના ચાલથી જૂદો પડે છે તે કહો. ને એ જૂદો પાડવાનું કારણ શું હશે તે બતાવો”. તેના જવાબમાં બ્રાહ્મણો કેવી રીતે વ્યક્તિ, વસ્તુઓથી અભડાઇ જાય છે તે દર્શાવ્યું છે. પ્રકરણ ૨૪માં બ્રાહ્મણોની નાત્યોની જમવા બેસવાની રીત. બ્રાહ્મણ સ્ત્રી અને પુરુષોએ કેવા કપડાં પહેરી અને કોની સાથે જમવા બેસાય તેની વાત કરી છે. પ્રકરણ ૨૫માં વાગડ, પારકર, પ્રગણાનાં બ્રાહ્મણોનો જમવા બેસવાના આચારમાં કપડાંનું મહત્ત્વ નથી તેની જાણકારી મળે છે (પૃ. ૯૬). પ્રકરણ ૨૬માં બ્રાહ્મણોની રસોઈની જગ્યા તથા વાસણ બાબતમાં ઘર બહારથી આવેલ વાસણને લીપણ કરીને ઉપયોગમાં લે છે. પ્રકરણ ૨૭માં એઠવાડ બાબત એટલે કે ઘઉં, બાજરી વગેરે અનાજનો લોટ હોય, તેમાં પાણીનો છાંટો પડે તો તે એઠવાડ કહેવાય છે. અથવા આખું અન્ન ચાવ્યા પછી એઠું કહેવાય છે. પ્રકરણ ૨૮માં તળેલું, શેકેલું, દૂધ વગેરેથી બાંધેલું પવિત્ર ગણાય. કેમ કે લોટમાં પાણીનો છાંટો પડ્યાથી અભડાય છે. એટલે કે સમાજશાસ્ત્ર હટ્ટને (Hutton) આ સંદર્ભમાં કાચું ભોજન અને પાકું ભોજન પરના પ્રતિબંધ વિશે વાત કરી છે. પ્રકરણ ૨૯માં પાણી બાબતનો એક એક નાત્યથી જુદો ચાલ. તેમ જ નિમ્ન જ્ઞાતિ વાળા પાણી ભારે તો ઊંચ જ્ઞાતિ વાળા પાણી ભરતા નથી. મૃત્યુ પ્રસંગ જો કોઈ પાણી ભરેલું બેડું લઈને સામું મળે તો બેડું નાંખી દે છે અથવા અવળા ફરી જાય છે (પૃ. ૧૧૪). પ્રકરણ ૩૦માં વિવાહ સંબંધી જુદા ચાલ વિશે ચર્ચા કરી છે (પૃ. ૧૨૧-૧૨૨). અમેરિકન સમાજશાસ્ત્રી કોલેન્ડા(Pauline Kolenda)એ ભારતમાં જાતિ આધારિત આહાર અને લગ્નના રિવાજો, વારસાહીક અશુદ્રતા એ જાતિ વ્યવસ્થાને મજબૂત કરે છે. આ ભાગમાં લેખક કહે છે કે “હરેક નાત્યના ચાલ જુદા જુદા પરણેતર ક્રિયા, નાત્યવરા વગેરેના છે … જેટલા ચાલ વહેમ ભરેલા છે. એવા એવા જુદા ચાલ, જે એકબીજાનું પાણી પીવું નહિ, એક બીજાથી અભડાવું, દીકરીઓના નાનપણમાં પરણાવીને દુ:ખમાં નાંખવી; ફલાણાની બાઈડીઓ રેશમી લૂગડાં પહેરીને જમતી નથી. વાસ્તે તે ભ્રષ્ટ છે અને રેશમી પહેરે છે તે આચારવાળાં છે, એવા એવા વહેલ ભરેલા ચાલ એક-એક નાત્યથી તથા ગામથી જુદા-જુદા છે … આ જુદા-જુદા ચાલ નાત્યોના બંધાયા છે, એ કાંઇ ધર્મની વાત નથી. એ તો માણસોની મરજી પ્રમાણે ચાલ બંધાયા છે. વાસ્તે જે-જે ચાલથી હરકત પડે છે, તે ચાલ આપણે ફેરવીને સુધારીએ તો કાંઇ પણ પાપ લાગશે નહિ” (પૃ. ૧૨૧-૧૨૨). 

·      જ્ઞાતિના ફાયદા/ગેરફાયદાઓ

ભાગ-૪માં “ચોથો સવાલ – નાતના કાયદાથી ધરમેળે તથા જાહેરાંત સર્વ મનુષ્ય પ્રાણી ઉપર શો દોર ચાલે છે, તે વર્ણવો. ને નાતથી કાયદા ને ગેરફાયદા થતા હોય તે બતાવો”. તેના વિશે માહિતી આપી છે. પ્રકરણ ૩૩માં નાત્યથી ફાયદા બાબતમાં લેખક જણાવે છે કે સર જમસેદજી જીજીભાઈ મોટા તાલેવંત થયા છે. તેઓએ પોતાની નાત્યના ગરીબોને બક્ષિત આપીને મોટા ફાયદો કરાવ્યો છે (પૃ. ૧૨૫). આગળ લેખક લખે છે કે “બીજું એ કે, અમદાવાદ વગેરેના ઢેડિયાઓમાં જેને ઘણાં પાયખાનાઓનું કામ કરવું પડે છે, તે એની નાત્યમાં મોટો ગરાશીયો કહેવાય છે, ને તે બાપદાદાના ઊઘમમાં આનંદ પામે છે. પણ જો ઢેડની નાત્ય ના બંધાઈ હોય તો, એનું કામ ગરીબ અવસ્થામાં આવેલા ખાનદાનના ફરજંદોએ કરવું પડે, ત્યારે તેના દીલમાં ઘણું માઠું લાગે, ને તેને કોઈ પોતાની દીકરી પરણાવે નહિ” (પૃ. ૧૨૬-૧૨૭). રાજુ સોલંકીની આ વિષય પરની ફેસબૂક પોસ્ટની કોમન્ટમાં વિરોધરૂપે કર્મશીલ ડૉ. જયંતિલાલ માંકડિયા લખે છે કે “ભારતમાં જેને ‘સાક્ષર’ કહેવાયા તે બધા આવા નીચલા સ્તરના નીચ છે. એને મોકો મળે એટલે એનું વર્ણભિમાન અને જાતિગત નીચતાની વિષ્ટા વિખેરતા રહ્યાં છે”. આ સિવાય સુતાર, લુવાર, સોની વગેરે કારીગર જ્ઞાતિઓ પોતાનું જાતિગત વ્યવસાય પોતાના બાળકોને શીખવાડવો. એ રીતે નાત્યો બાંધનારાઓએ તો સારા વિચારથી બાંધી હશે (પૃ. ૧૨૭). પ્રકરણ ૩૪માં નાત્યોના ગેરફાયદામાં લેખક લખે છે કે  “નાત્યોના હાલના કાયદાથી હિન્દુ ધર્મને પણ ઘણું નુકસાન લાગે છે કેમ કે હિંદુ શાસ્ત્રમાં લખ્યું છે, “દીકરા વિનાનું માણસ મરી જાય તેનો મોક્ષ થાય નહિ, ને સ્વર્ગને પણ ન  પામે તે ન જ પામે. વાસ્તે જે તે ઉપાયથી પણ પુત્રની ઉત્પત્તિ કરવી. હવે એ લખવાની મતલબ તો એવી છે કે પોતાના વર્ણની કન્યા મળે નહીં તો બીજા વર્ણની કન્યા લાવીને પણ પુત્રની ઉત્પત્તિ કરવી. કદાપિ એક સ્ત્રી મરી જાય તો બીજી સ્ત્રી પરણીને પણ પુત્રની ઉત્પત્તિ કરવી. તેમ જ ધણી મરી જાય તો દિયર વગેરે કુંવારો હોય, તેને પરણીને સ્ત્રીયે પણ પુત્રની ઉત્પતિ કરવી. એ જ રીતે જૂના હિંદુશાસ્ત્રમાં લખેલું છે. અને આજ તો કાયદો એવો છે કે એક નાત્યમાંથી કન્યા મળે નહીં, તો બીજી પોતાના વર્ણની નાત્યમાંથી પણ કન્યા લેવાય નહીં ત્યારે એ બિચારો પુત્રની ઉત્પત્તિ શા ઉપાયે કરે?” (પૃ. ૧૨૮). કર્મશીલ રાજુ સોલંકી જણાવે છે કે દલપતરામ બિચારા પુત્રની ઉત્પતિ વિના કેટલા દુ:ખી દુખી હતા! (સોલંકી, ૨૦૨૫). લેખક પર માર્મિક કટાક્ષ કરે છે. બ્રાહ્મણોને કેવા પ્રશ્નો નડે છે તેની વાત કરે છે. જેમ કે ઘરમાં મૃત્યુ થયું હોય ત્યાર પરનાતની વ્યક્તિ કામ આવતી નથી. કોના ત્યાં પાણી પીવી અને કોના ત્યાં પાણી ન પીવી તેની ચાલ. જ્યારે કોઈ રસોઈ બનાવનાર બ્રાહ્મણ જ્ઞાતિનો વ્યક્તિ ન મળે ત્યારે જાતે જ રસોઈ બનાવવી પડે છે. વધારે કામના કારણે ફુરસદ માનતી નથી. તે ગેરફાયદો થયો છે (પૃ. ૧૩૨). પ્રકરણ ૩૫માં ગામ નંદબારના શ્રીમાળીને નાત્યથી હરકત થઈના તેનો દાખલો આપે છે. કેવી રીતે નાતનો કાયદો તોડે તો તેને નાત બહાર મૂકવામાં આવે છે. પ્રકરણ ૩૬માં ગુરુ શિષ્યનો સંવાદમાં લેખક કહે છે એક પંગતીમાં સો પચાસ બ્રાહ્મણો ઊભા હોય, ને તે સર્વેના હાથમાં સોટીઓ હોય, તેણે કરીને એક એકને અદકેલા હોય, તેમાંથી એકજાણ ઢેડિઓ અડકે, તો તેઓમાંથી કેટલા જાણ અભડાય? …. એના જવાબમાં જણાવે છે કે એક બીજાને અડનાર જણ ૩ સુધી નહાવું. પણ ઘાસ, લાકડાં, વગેરેથી અડકે, તો એકે જ નાહાવું બીજાએ આચમન કરવું (પૃ. ૧૩૭). આગળ ગુરુ શિષ્યનો સંવાદમાં લેખક જણાવે છે કે કોઈ બ્રાહ્મણ ભંગિયાનું એઠું અન્ન ખાય તો એ પાપ કેવું હશે? અંગીરા ઋષિના વચન એ વિશે સ્મૃતિમાં લખ્યાં છે કે, એવા પાપથી એક મહિનાની મહેનતે બ્રાહ્મણ છૂટે, ને ક્ષત્રી સાત દિવસે છૂટે, વૈશ્ય ૬ દાહાડાની મહેનતે છૂટે, ને શુદ્ર ૩ દાહાડે છેડે (પૃ. ૧૩૮). પ્રકરણ ૩૭માં જૈનમતમાં જાતિભેદનો વિચારમાં લેખક લખે છે કે શ્રાવક ઢેડિયાને અડકે છે, ત્યારે પાણી અથવા અગ્નિને અડકે છે; કોઈ તો મુસલમાનને અડકે તો ત્યારે તેનો વહેમ મટે છે. ઢેડિયા ઉપર પાણીનો છાંટો અથવા અગ્નિનો તણખો નાંખીને પછી લે છે (પૃ. ૧૪૬). રાજુ સોલંકીની આ વિષય પરની ફેસબૂક પોસ્ટની કોમન્ટમાં ડૉ. મનીષ સોલંકી લખે છે કે આજના સમયમાં આ કાકો હયાત હોત તો એના એવા હાલ થાત કે એનું નામ દલપતરામથી બદલીને તડપત-રામ થઈ જાત!.

દલપતરામ અને જાતિબા ફુલે વચ્ચે તુલના કરતાં કર્મશીલ, રાજુ સોલંકી જણાવે છે કે “દલપતરામ જન્મ ૧૯૨૦માં અને જાતિબા ફુલેનો જન્મ ૧૮૨૭માં એટલે બંને સમકાલીન સમાજ સુધારકો અને અંગ્રેજી શાસનના સમર્થકો. પરતું બંનેના દૃષ્ટિકોણમાં આભજમીનનો ફરક છે. દલપતરામે અંગ્રેજ કલેક્ટરને ગુજરાતી શીખવાડવાની જહેમત કરી, જ્યારે જોતિબા ફુલે સાવિત્રીબા ફુલેએ વંચિત સમુદાયોને કલમ દિક્ષા આપી. દલપતરામે કોળી ભીલને ભાંડ્યા, જ્યારે જોતિબાએ એ જ સમુદાયોને જાગૃત કર્યા. જોતિબાએ ‘ગુલામગીરી’ (૧૮૭૩) પુસ્તક લખ્યું અને શુદ્રો અને અતિશુદ્રોનું વૈચારિક રતાંધળાપણું દૂર કર્યું. અંગ્રેજ રાજમાં પણ યથાવત રહેલી વર્ણવ્યવસ્થાની નાગચૂડનો પર્દાફાશ કર્યો. આજે જોતિબાના વૈચારિક વારસદારો દેશભરમાં મચી પડ્યા છે બહુજન ક્રાંતિને સાકાર કરવા. અને દલપતરામના વૈચારિક વંશજો એમના જ નાટક મિથ્યાભિમાનના નાયક જીવરામ ભટ્ટની જેમ રતાંધળા બનીને વિધવિધના વૈભવમાં મહાલી રહ્યા છે. આજે આપણા સૌનું વૈચારિક રતાંધળાપણું દૂર થાય તેવી શુભેચ્છા” (સોલંકી, ૨૦૨૫).

મહાત્મા જ્યોતિરાવ ફુલેએ ‘ગુલામગીરી’ (૧૮૭૩) પુસ્તકમાં ભારતના સૌથી શોષિત અને ઉપેક્ષિત સમાજના અછૂતો અને શુદ્રોના અધિકારોની ઘોષણા કરી હતી. ‘બ્રાહ્મણ સંસ્કૃતિ’ની કલ્પિત અને હાસ્યાસ્પદ કહાનીઓમાં ન ફસાવવા અને તાર્કિક અભિગમ અપનાવવા સ્પષ્ટ રજૂઆત કરે છે. મહાત્મા ફુલે કહે છે કે પ્રાચીન ભારતની હિન્દુ સમાજ-વ્યવસ્થા, જાતિ-વ્યવસ્થા બીજું કાંઇ જ નહીં, બલ્કે વાસ્તવમાં ગુલામીની જ વ્યવસ્થા હતી. શુદ્રો અને અતિશુદ્રને કેવી રીતે ગુલામ બનાવવામાં આવ્યા તથા તેમની સંપત્તિ, માલ-મિલકત, જમીન-જાયદાદ અને શિક્ષણથી કેવી રીતે વંચિત કરવામાં આવ્યા, તેની તાર્કિક અને તથ્યસભર રજૂઆત કરી છે (બૌદ્ધ, ૨૦૨૪). છેલ્લે જ્ઞાતિ નિબંધ પુસ્તક ઉપરથી કહી શકાય કે આ જ્ઞાતિ નિબંધ નથી પણ “બ્રાહ્મણ જ્ઞાતિ નિબંધ” છે. કેમ કે મોટાભાગની જ્ઞાતિની ચર્ચા બ્રાહ્મણને લક્ષ્યમાં રાખીને જ કરવામાં આવી છે. બીજી બાબત લેખકને વર્ણ અને જ્ઞાતિ વચ્ચેનો ભેદ વિશે સમજ ખરી? મોટાભાગની માહિતી ચાર વર્ણ વિશે જ આપવામાં આવી છે. આ ફક્ત જ્ઞાતિ નિબંધ નહિ, ‘ચાતુર્વર્ણ્ય જ્ઞાતિ’ નિબંધ કહી શકાય? 

સંદર્ભસૂચિ: 

1)     દલપતરામ. (૧૮૮૭). જ્ઞાતિ નિબંધ (ચોથી આવૃતિ). આર્યોદય પ્રેસ.

2)     જાની, ગૌરાંગ. (૨૦૨૩, નવેમ્બર ૮). ગુજરાતની જ્ઞાતિ પરંપરા: દલપતરામનો જ્ઞાતિ નિબંધ. દીવાદાંડી કૉલમ, ફૂલછાપ, પંચામૃત, પૃ. ૨.

3)     હટ્ટન, જે. એચ. (૧૯૪૬). ભારતમાં જાતિ: તેનું સ્વરૂપ, કાર્ય અને ઉદ્ભવ. કેમ્બ્રિજ યુનિવર્સિટી પ્રેસ.

4)     કોલેન્ડા, પૉલિન. (૨૦૦૩). કાસ્ટ, મેરેજ એન્ડ ઇનઇક્વાલિટી: એસેઝ ઑન નૉર્થ એન્ડ સાઉથ ઇન્ડિયા. રાવત પબ્લિકેશન્સ.

5)     ફૂલે, જ્યોતિરાવ. (૧૮૭૩/૨૦૨૪). ગુલામગીરી (ગુજરાતી અનુવાદ: હરપાલ બૌદ્ધ). નવભારત સાહિત્ય મંદિર. (મૂળ ગ્રંથ પ્રકાશન ૧૮૭૩)

6)     રીઝલે, એચ. એચ. (૧૮૯૧). બંગાળની જાતિઓ અને વર્ણો: માનવશાસ્ત્રીય આંકડા, ૧. કલકત્તા.

7)     સોલંકી, રાજુ. (૨૦૨૫, ઓગસ્ટ ૧૫–૧૬). દલપતરામ, જોતિબા ફૂલે અને બહુજનોની આઝાદી [ફેસબુક પોસ્ટ]. ફેસબુક.

[ડૉ. રાજેશ લકુમ, સમાજશાસ્ત્રી, અમદાવાદ]
e.mail : rajesh.cug@gmail.com

Loading

નર્મદનું પહેલું પુસ્તક

દીપક મહેતા|Opinion - Literature|24 August 2025

ગ્રંથયાત્રા – 11

આજે જેનો એક સો બાણુંમો જન્મ દિવસ છે તે નર્મદાશંકર લાલશંકર દવે ઉર્ફે નર્મદ વધારે જાણીતો થયો કવિ અને સમાજ સુધારક તરીકે. પણ ૧૮૫૭ના એપ્રિલની છઠ્ઠીએ મુંબઈમાં પ્રગટ થયેલું તેનું પહેલું પુસ્તક નહોતું કવિતાનું કે નહોતું સમાજ સુધારા વિશેનું. એનું પહેલું પુસ્તક હતું છંદશાસ્ત્ર, એટલે કે પિંગળ વિશેનું. એનું નામ પિંગળ પ્રવેશ. નર્મદના પિતા એ જમાનાના જાણીતા લહિયા હતા. કેપ્ટન જર્વિસના હાથ નીચે કામ કરેલું અને શીલા છાપથી છાપવા માટે કેટલાંક પુસ્તકોની હસ્તપ્રત તૈયાર કરેલી. આ અંગે ‘મારી હકીકત’માં નર્મદે લખ્યું છે : “અસલના લહિયાઓના અક્ષર જાડા ને લાલશંકરની કલમ અસલથી જ સાફ ને પાતળીપાતળી તેથી દશ ઉમેદવારોમાં એ પસાર થયા ને પછી જોન્સે (સુરતની અદાલતના જજ) તીસને પગારે મુંબઈ જવાનું કહ્યું … એના હાથના લખેલાં પુસ્તકો ઘણાં જ છે. એના જેટલું કોઈ લહિયાએ લખ્યું નહિ હોય. મુંબઈમાં ત્રણ-ચાર શીલા છાપખાનામાં જેટલી ગુજરાતી ચોપડીઓ જેટલી વાર છપાઈ છે તેમાંની ઘણી એક એના જ હાથની છે.” એટલે પિતા પાસે જ આખું પુસ્તક લખાવી, શીલા છાપ છાપખાનામાં છપાવી પ્રગટ કર્યું. અલબત્ત, કમનસીબે એ પહેલી આવૃત્તિની નકલ આજે ક્યાં ય જોવા મળતી નથી. પિતા લાલશંકર આ પુસ્તકના માત્ર લહિયા જ નહોતા. નર્મદે પોતાનું આ પહેલું પુસ્તક અર્પણ પણ તેમને જ કર્યું છે. સાથે લખ્યું છે : એમનો અપૂર્વ પ્રેમ તથા કવિતા પ્રકરણ સંબંધી પ્રથમ આવો ગ્રંથ કરવાની એઓની જ શુભ આજ્ઞા – એ આદિક કારણો ઉપરથી આ નાનો ગ્રંથ એમના આજ્ઞાંકિત પુત્ર નર્મદાશંકરે પ્રણામ પૂર્વક અર્પણ કર્યો છે.” 

એટલું જ નહિ, આવું પુસ્તક લખવાની નર્મદને પ્રેરણા આપનાર પણ પિતા લાલશંકર હતા. તેમની આ પ્રેરણા અને ‘પિંગળ પ્રવેશ’ના પ્રકાશન પાછળ નાનો પણ રસિક ઇતિહાસ છે. ૧૮૫૫ના ઉત્તરાર્ધમાં નર્મદે કવિતા લખવાનું શરૂ કર્યું. પણ ‘મારી હકીકત’માં નર્મદ એકરાર કરે છે કે “એ કવિતા મેં પિંગળના કાયદા પ્રમાણે કરી નહોતી, પણ શામળદાસના દોહરા, ચોપાઈ, છપ્પા વાંચેલા એ ઢાળ પ્રમાણે અને કવિ દલપતરામ તથા મનમોહનદાસની છપાયેલી ચોપડીઓમાંની કવિતા જોઈ જોઈને કરી હતી.” એટલે કે શરૂઆતમાં તો નર્મદ દલપતરામ અને બીજાઓની કવિતાનું અનુકરણ નહિ, તો ય અનુસરણ કરતો હતો. છંદોના શાસ્ત્રને ‘પિંગળ’ કહેવાય એ વાતની પણ ત્યારે નર્મદને ખબર નહોતી. ‘બુદ્ધિપ્રકાશ’ માસિકનો ઓક્ટોબર ૧૮૫૫નો અંક વાંચતાં તેને એ વાત જાણવા મળી. તેણે પહેલાં તો પિંગળના પુસ્તકની મુંબઈમાં શોધખોળ કરી. પણ ક્યાં ય મળ્યું નહિ એટલે ૧૮૫૬ના ફેબ્રુઆરીની ૧૬મી તારીખે નર્મદે ‘મિત્ર શિરોમણી કાવ્યોપનામક ભાઈ મનમોહનદાસ વી. રણછોડદાસજી’ને કાગળ લખ્યો. તેમાં નર્મદે લખેલું : “હું કવિતા પ્રકરણમાં છેક અજાણ્યો છઉં, પરંતુ એ વિષય જાણવાની મારી ઉત્કંઠિત ઇચ્છા છે ને ગમ પણ પડશે એમ ધારું છઉં, વાસ્તે તમે મારો કર ગ્રાહી પિંગળ ક્ષેત્રની જાત્રા કરાવશો એમ આશા રાખું છઉં. મારે માસ એપ્રિલમાં લગન સારું સુરત આવવું છે તે સમયે તમારાં દર્શન કરવાની તથા કેટલી એક શિક્ષા લેવાની આશા રાખું છું. પરંતુ હાલ પિંગળ શાસ્ત્ર પ્રવેશક કિયા ગ્રંથો વાંચવા જરૂરના છે તે લખવું.”

મદદ કરવાની વાત તો દૂર રહી, મનમોહનદાસે નર્મદના પત્રનો જવાબ સુધ્ધાં આપ્યો નહિ. એટલે ૧૮૫૬ના નવેમ્બરમાં નર્મદ સુરત ગયો ત્યારે તેણે પિંગળ વિશેના પુસ્તકની શોધ આદરી. પોતાના મિત્ર અને ‘જ્ઞાન સાગર’ના મુદ્રક જદુરામની સાથે પિંગળની શોધમાં નીકળ્યો. ગોરધન નામના એક કડીઆના ઘરેથી તેના ગુરુ લાલદાસના લખેલા ગ્રંથ ‘છંદ રત્નાવલી’ની હસ્તપ્રત મળી. પણ કડીઓ એ હસ્તપ્રત નર્મદ પોતાને ઘરે લઈ જાય તે માટે તૈયાર ન થયો. એટલે, રોજ સવારે કલમ, શાહીનો ખડિયો, ને કોરા કાગળ લઈને નર્મદ એ કડિયાને ઘરે જતો. અને રોજ થોડી થોડી નકલ કરતો. જો કે થોડા દિવસ પછી કડિયાને નર્મદ પર વિશ્વાસ બેઠો એટલે રોજ થોડાં પાનાં નર્મદ ઘરે લઈ જાય તે માટે તે તૈયાર થયો. નર્મદ નોંધે છે : “એ પિંગળના પુસ્તકની મતલબ મેં મારી મેળે સંસ્કૃતને જોરે સમજી લીધી.”

નર્મદના હસ્તાક્ષર

૧૮૫૭ના જાન્યુઆરીમાં ‘બુદ્ધિપ્રકાશ’માં છપાયેલ કવિ દલાપતરામની પિંગળ અંગેની લેખમાળા વિષે નર્મદ ઘસાતું બોલ્યો ત્યારે પિતા લાલશંકરે ટકોર કરી કે ‘હું તો તારી હોશિયારી ક્યારે જાણું કે પિંગળ બનાવે ત્યારે.’ આમ, કદાચ અજાણતાં જ, દલપતરામ સાથેની સ્પર્ધાનો ભાવ પિતાએ નર્મદના મનમાં રોપ્યો હોય એમ બને. બસ, બીજું બધું લખવાનું બાજુએ મૂકીને નર્મદ પિંગળ વિશેનું પુસ્તક લખવા મંડી પડ્યો. ‘લલગૂ સમજી સગણ ને જગણે જાણ લગૂલ’ એ કુન્ડલિયો બનાવી પિતાને સંભળાવ્યો ત્યારે તેઓ ખુશ થયા ને બોલ્યા કે હવે મારી ખાતરી થઈ. એ જ વર્ષના ફેબ્રુઆરીમાં નર્મદ મુંબઈના ગોકુલદાસ તેજપાલ વિદ્યાલયમાં મહિને ૨૮ રૂપિયાના પગારે માસ્તર તરીકે જોડાયો. સાંજે નિશાળ છૂટે તે પછી પણ તે નિશાળમાં રોકાતો અને દરિયો, આકાશ, હોળી વગેરે જોવાતાં જાય તેવા એકાંતમાં પિંગળ પ્રવેશ માટેની કવિતા બનાવતો. માર્ચ મહિનામાં પુસ્તક પૂરું કરી, પિતા પાસે હસ્તપ્રત લખાવી, મુંબઈના શીલાછાપ છાપખાનામાં છપાવી તેણે ‘પિંગળ પ્રવેશ’ બહાર પણ પાડી દીધું. પહેલી આવૃત્તિની પ્રસ્તાવના નીચે નર્મદે ૬ એપ્રિલ, ૧૮૫૭ની તારીખ નાખી છે.

આજના જમાના માટે પણ અસાધારણ ગણાય એટલી ઝડપે, ‘સત્યપ્રકાશ’ના ૧૨મી એપ્રિલના અંકમાં મહીપતરામ રૂપરામ નીલકંઠે લખ્યું : “જે પિંગળ વિષે હંમે આશા રાખતા હતા તે છપાઈ ચૂકો છે. એની નકલ એના બનાવનાર કવિ નર્મદાશંકર લાલશંકરની કીરપાથી હમને પહોંચી છે. એ વાંચવાથી માલમ પડે છે કે એ ગ્રંથ ઘણો જ ઉપયોગી ને પ્રૌઢ છે, અને એના કાબેલ બનાવનારને આપણા નામાંકિત કવિઓની પદવીમાં દાખલ કરે છે. કવિતાના નિયમો વિષે ગુજરાતી ભાષામાં આજ સુધી એક્કો પુસ્તક નહિ હતું એ ખોટ ભાઈ નર્મદાશંકરે પૂરી પાડી છે.” 

અલબત્ત, પાછળથી ‘નર્મગદ્ય’ની સરકારી આવૃત્તિ અંગે મતભેદ થતાં નર્મદ અને મહિપતારામના સંબંધો વણસ્યા હતા. તો જેઓ લગભગ આખી જિંદગી એકબીજાના હરીફ રહ્યા તે દલપતરામે ‘બુદ્ધિપ્રકાશ’ના ૧૮૫૭ના જૂન અંકમાં લખ્યું : “ગુજરાતી ભાષામાં કવિતાની રીત જાણવાનો ગ્રંથ આજ સુધી કોઈએ બનાવેલો નહોતો તે હાલ મુંબઈમાં ભાઈ નર્મદાશંકરે બનાવીને છપાવ્યો છે. એ પુસ્તક બનાવતાં તેને ઘણી મહેનત પડી હશે અને એ વિશેનું પુસ્તક ગુજરાતી ભાષામાં પહેલવહેલું થયું છે.” અહીં દલપતરામની ખેલદિલીની નોંધ લેવી જ જોઈએ. જે વિષય પર પોતે લેખમાળા લખી રહ્યા હતા તે જ વિષયના પુસ્તકને તેમણે ઉમળકાથી આવકાર્યું છે.

બીજી આવૃત્તિ, ૧૮૬૦

આમ, પિંગળપ્રવેશથી નર્મદ જાણીતો થયો. એટલું જ નહિ, તેની ૫૦૦ નકલ છપાવેલી તે પ્રમાણમાં ઝડપથી વેચાઈ ગઈ હશે, કારણ ૧૮૬૦ના જાન્યુઆરીની છઠ્ઠી તારીખે તેની બીજી આવૃત્તિની ૫૦૦ નકલ છપાઈ હતી. આ આવૃત્તિમાં નર્મદે ઘણા સુધારાવધારા કર્યા હતા અને તે શીલાછાપ પદ્ધતિથી નહિ, પણ મુવેબલ ટાઈપ વાપરતા નર્મદના મિત્ર નાનાભાઈ રૂસ્તમજી રાણીનાના યુનિયન પ્રેસમાં છપાઈ હતી. પુસ્તકની ત્રીજી આવૃત્તિ પણ પ્રગટ થઈ હતી, પણ તેની પ્રકાશન સાલ જાણવા મળી નથી. 

પુસ્તકને અંતે નર્મદે પહેલી વાર કવિતા કરનારને સૂચના આપી છે. તેની નવ સૂચનામાંથી કેટલીક તો આજના નવા કવિને પણ ઉપયોગી થાય તેવી છે : જેમ કે, ‘જેમ બને તેમ કવિતા મોઢે ને મોઢે જોડી રાખવાની ટેવ રાખવી. કેટલુંક મોઢે જોડ્યા પછી કાગળ ઉપર લખવું. પ્રથમ કાગળ ઉપર જોડતા જવું નહિ.’ વળી લખે છે : બીજાના શબ્દ અને બીજાના વિચાર ચોરીને કવિતા ન કરવી. પણ જેમ બને તેમ પોતાના વિચાર પોતાની જનમની ઢબથી બહાર કાઢવા. છે ને આ શબ્દો આજે આટલાં વરસ પછી પણ કોઈ નવા કવિને કામ લાગે તેવા. 

XXX XXX XXX

23 ઑગસ્ટ 2025
e.mail : deepakbmehta@gmail.com

Loading

નીતિશ કુમાર રહે કે જાયઃ બિહારની ચૂંટણીમાં NDAએની અગ્નિ-પરીક્ષા, એ પણ ચક્રવ્યૂહ સાથે

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|24 August 2025

બિહારમાં પરિવર્તનનું ચોમાસું બેઠું છે. એક માત્ર સવાલ એ છે કે પાણી ઓસરી ગયાં પછી કોણ અડીખમ ઊભું હશે?

ચિરંતના ભટ્ટ

બિહારમાં ઓક્ટોબર-નવેમ્બર વેળા વિધાનસભાની ચૂંટણીઓ શરૂ થઈ રહી છે, ત્યારે પ્રશ્ન એ નથી કે કોણ જીતશે – પ્રશ્ન એ પણ છે કે મુખ્ય પ્રધાન નીતિશ કુમાર પણ ચૂંટણી લડશે કે નહીં. બે દાયકાના રાજકીય વર્ચસ્વ પછી, તેમના સંભવિત પ્રસ્થાનથી 2014 પછી ભારતીય પ્રાદેશિક રાજકારણમાં સૌથી મોટું પુનર્ગઠન થઈ શકે છે. જો નીતિશ કુમાર 15 સપ્ટેમ્બર સુધીમાં નિવૃત્તિની જાહેરાત કરે છે, તો એવી અપેક્ષા રાખી શકાય કે ભા.જ.પ. પરિણામોના 24 કલાકની અંદર ચિરાગ પાસવાનને ડેપ્યુટી સી.એમ. પદ આપશે. જો તેઓ રહેશે, તો NDA રહેશે; જો તેઓ જશે, તો બિહાર ત્રિ-માર્ગીય લડાઈમાં પ્રવેશ કરશે જે 2029 માટે ભારતની વિપક્ષી વ્યૂહરચનાને નવો આકાર આપી શકે છે.

NDA માટે, નીતિશ માત્ર એક સાથી નથી – તે વિશ્વસનીયતાના મુખ્ય સૂત્રધાર છે. તેમના કુર્મી-OBC ગઠબંધને એક પછી એક વિજય હાંસલ કર્યો છે. તેમના વિના, JD(U) એક ખોખલું કવચ બની જાય છે, અને ભા.જ.પ.ની સામે એક એવા રાજ્યમાં એકલા જવાની પહેલી નક્કર આકરી વાસ્તવિક કસોટીનો સામનો કરશે છે જ્યાં તે ક્યારે ય પ્રબળ પ્રાદેશિક ખેલાડી રહ્યો નથી. તાજેતરના આંતરિક મતદાન દર્શાવે છે કે જો નીતિશ કુમાર બહાર નીકળી જાય તો NDA 140+ બેઠકોથી ઘટીને 110-115 થઈ જશે – જે 243 બેઠકોવાળી વિધાનસભામાં સત્તા ગુમાવવા માટે પૂરતું છે.

ચિરાગ પાસવાન આ તકને સારી પેઠે પારખે છે. તેમનું “ચિરાગ કા ચૌપાલ” અભિયાન એ જ યુવાન, મહત્ત્વાકાંક્ષી મતદારોને લક્ષ્ય બનાવે છે જેઓ એક સમયે નીતિશ તરફ વળ્યા હતાં. ચિરાગ પાસવાનનું ટાર્ગેટ ઑડિયન્સ પણ એ જ મતદારો છે. આ માટે એ જોવાનું એ રહેશે કે : જો નીતિશ પાછળ હટશે, તો ચિરાગ 50+ બેઠકો અને ડેપ્યુટી સી.એમ. પદની માંગ કરશે. ભા.જ.પ.નો આ માગ પ્રત્યેનો પ્રતિભાવ નક્કી કરશે કે NDA ગઠબંધન રહેશે કે પછી તે જુનિયર ભાગીદારો સાથે રાખીને ભા.જ.પ.ની પેટાકંપની બનશે.

નીતીશ કુમાર

તેજશ્વી યાદવનો પોતાનો આગવો જૂગાર છે. વિપક્ષને લોહીની ગંધ આવે છે. તેજશ્વી યાદવે પહેલેથી જ જાહેર કરી દીધું છે કે “INDIA બ્લોકમાં નીતિશ માટે કોઈ જગ્યા નથી” – નીતિશના બહાર નીકળવાથી NDA તૂટી જશે તેવી આશા રાખતા સિદ્ધાંતવાદી દેખાવા માટે આ એક ગણતરીપૂર્વકનું પગલું છે. શાતિર રાજકારણ તો છે જ કારણ કે તેજશ્વી યાદવ RJDને સ્થિર વિપક્ષ તરીકે મૂકે છે જ્યારે NDA જોરદાર વાયરામાં ફૂંકાઈ જશે. 

મતદારોનો મિજાજ પણ બદલાયો છે. મધુબની અને દરભંગા જેવા મતવિસ્તારોના ગ્રાઉન્ડ રિપોર્ટ્સમાં દેખાઇ આવે છે કે નીતિશના 20 વર્ષના કાર્યકાળથી લોકો હવે થાક્યા છે. તેમને પણ કંઇક નવું જોઇએ છે. બિહારના યુવાનો(18-25 વર્ષની વયના)માં બેરોજગારી 47% પર છે – જે રાષ્ટ્રીય સરેરાશ કરતાં વધારે છે. હજુ પણ માઇગ્રન્ટ્સ રેમિટન્સ પર નિર્ભર પરિવારો માટે, રોજગારીની તંગી રહે, નોકરીઓ થોડી હોય ત્યારે “સુશાસન”નાં વચનો પોકળ લાગે છે.

જો INDIA તેના વર્તમાન ગઠબંધન(RJD + કાઁગ્રેસ + ડાબેરી)ને જાળવી શકે, અને નીતિશ કુમાર બહાર નીકળી જાય, તો તેઓ 125+ બેઠકો માટેને સ્થિતિમાં છે. ગણિત સરળ છે : સત્તા વિરોધી અને વિપક્ષી એકતાનો સરવાળો એક નવી તાકાત ખડી કરશે. આ સંજોગોમાં પ્રશાંત કિશોરનું એક્સ ફેક્ટર પણ જોવું રહ્યું. આ એક વાઇલ્ડ કાર્ડ એન્ટ્રી છે એમ કહેવામાં કોઈ અતિશયોક્તિ નથી. પ્રશાંત કિશોરની જન સુરાજ પાર્ટી, બધી 243 બેઠકો પર ચૂંટણી લડી રહી છે. તેમનું તો બેબાક બનીને નીતિશ કુમારનું ક્રૂર મૂલ્યાંકન કરી દીધું છે. નીતિશ કુમારને “શારીરિક અને માનસિક રીતે અયોગ્ય” કહેવું – ફક્ત બોલાઇ ગયેલા શબ્દો નથી નથી; તે નીતિશ કુમાર પછીના કાળ માટેની સ્થિતિ અને ત્યારનો માહોલ તૈયાર કરવાની સજ્જતા છે. 

સર્વે દર્શાવે છે કે 62% મતદારો ફક્ત અલગ મેનેજમેન્ટ જ નહીં, પણ પરિવર્તન ઇચ્છે છે. શહેરી વ્યાવસાયિકો, પરત ફરેલા સ્થળાંતર કરનારાઓ અને કંટાળી ગયેલા યુવાનો માટેની તેમની દલીલ 8-12% મત હિસ્સો મેળવી શકે છે. ત્રિ-માર્ગીય સ્પર્ધામાં, પ્રશાંત કિશોરનો પ્રદેશ એક કિંગમેકર પ્રદેશ કહી શકાય. આ તેમનું એક સોલિડ પત્તું છે. 

જો કે આ જેટલું સોલિડ લાગે છે એટલું સોલિડ સાચા અર્થમાં હોય એ પણ જરૂરી છે. તેમાં પણ મુશ્કેલીઓ છે. બિહારમાં ત્રીજા પક્ષોને ઐતિહાસિક રીતે મત તો મળી જાય છે પણ બેઠકો નથી મળતી. લોકપ્રિયતાને વિધાનસભા સત્તામાં રૂપાંતરિત કરવા માટે પ્રશાંત કિશોરે રાજ્યભરમાં 15%થી વધુ મત મેળવવાની જરૂર છે.

મતદારોની વાસ્તવિકતા સાવ અલગ છે. તેમની જિંદગી આ રાજકારણના નાટકોથી જૂદી અને દૂર છે. તેમની જિંદગીઓ સંતુલનમાં જાણે લટકતી હોય તેવી હોય છે. નોકરી એટલે કે રોજગારીની વાત કરીએ તો બિહારમાં ઔદ્યોગિક વિકાસ સ્થિર થઇ ગયો છે, મુઝફ્ફરપુરમાં જે ટેક્સટાઇલ હબ્ઝના વચન અપાયા હતા તે ક્યારે ય સાકાર થયા જ નહીં. સ્થળાંતર – માઇગ્રેશનનો પ્રશ્ન પણ છે. સિવાન જેવા જિલ્લાઓમાં રહેતા પરિવારોમાંથી આજે પણ 60%+ પુરુષોને રોજગારી માટે મુંબઈ કે દિલ્હી જવું પડે છે. નીતિશ કુમારના શાસનમાં રસ્તાઓ સુધર્યા છે, પરંતુ વીજળી પુરવઠો અને સ્વાસ્થ્ય સંભાળ અંગેનાં વચનો હજી પૂરાં નથી થયાં.  RTE અમલીકરણ ઠેકાણા વગરનું છે; ખાનગી કોચિંગ હજુ પણ મધ્યમ વર્ગની આકાંક્ષાઓ પર કાબૂ ધરાવે છે. નક્કર વાસ્તવિકતાઓ એ વાતનો પુરાવો છે કે વિકાસના સંદેશાઓ હવે નીતિશની આસાન અને ઑટોમેટિક જીતને માટે પૂરતાં નથી, તેવી કોઈ ખાતરી રાખવી એ મુર્ખામી હશે.

લોકશાહીને નામે બૂમ પડાય એવી સ્થિતિ પણ છે. લોકશાહી પર SIR વિવાદનું દબાણ છે. સિસ્ટમેન્ટિક ઇન્ટેસિવ રિવિઝનને નામે અમલમાં મુકાયેલા સુધારાને કારણે બિહારની મતાદાર યાદીમાંથી લાખો નામોની બાદબાકી થઇ ગઇ છે. ચૂંટણી પંચે તો તેને “ભૂલ સુધારણા” એટલે કે ઇરર કરેક્શનનું લેબલ આપી દીધું છે પણ વિરોધ પક્ષોનો આરોપ છે કે લધુમતી વર્ગના લોકો અને સ્થળાંતર કરનારા નાગરિકોને આ “ભૂલ”ને નામે મતાધિકારથી વંચિત રાખવાનો ઇરાદો છે. આંકડાની વાત કરીએ તો કિશનગંજ અને અરરિયા જેવા મુસ્લિમ વસ્તીવાળા મતવિસ્તારોમાં, રાજ્યના સરેરાશ કરતા 12-18% વધુ નામો કાઢી નાખવામાં આવ્યા હતા. ઉચ્ચ જાતિનું પ્રભુત્વ ધરાવતી બેઠકોમાં, માંડ 3-4% નામો કાઢી નખાયા હતા. જો આ આખા બનાવને, આ સ્થિતિને સફળતાપૂર્વક પડકારવામાં આવે, તો તેને કારણે ચૂંટણીમાં વિલંબ થઇ શકે છે અથવા ફરીથી મતદાર નોંધણી અભિયાન ચલાવવાનું દબાણ પણ આવી શકે છે. INDIA બ્લોક માટે, તે NDAની નિષ્પક્ષ ચૂંટણીઓ પ્રત્યેની પ્રતિબદ્ધતા પર પ્રશ્ન ઉઠાવવા માટે આ આખો ખેલ એક બારુદનું કામ કરી શકે છે. 

જ્યારે રાજકારણમાં મંથન ચાલી રહ્યું છે, ત્યારે બિહાર શાંતિથી ભારતના ભવિષ્યનું વહન કરે છે તેવું લાગે. મ્યુનિસિપલ ચૂંટણીમાં બ્લોકચેન-સક્ષમ મોબાઇલ મતદાન જ્યાં પણ અમલમાં મુકાયું ત્યાં મતદાનમાં 73% વધારો દર્શાવવામાં આવ્યો છે. જો વિધાનસભા ચૂંટણીમાં આ ડિજિટાઇઝેશનને લાગુ કરવામાં આવે તો પછી માઇગ્રેટ થયેલા કામદારો માટે ચૂંટણીમાં ભાગ લેવું સરળ થઇ જશે અને આખી ચૂંટણી પ્રક્રિયામાં એક ક્રાંતિ આ શકે છે. ડિજિટલ સમાવેશ વિરુદ્ધ ડિજિટલ વિભાજનનો પ્રશ્ન આવી સ્થિતિમાં ખડો તો થાય જ. સીધી વાત છે કે નબળી કનેક્ટિવિટી ધરાવતા ગ્રામીણ વિસ્તારો છે તેના કરતાં વધુ હાંસિયામાં ધકેલાઈ જવાનો ભય રહે, જ્યારે શહેરી મતદારો માટે આ સુવિધા બહુ સારી સાબિત થાય છે. 

યુ.પી.-બિહાર આમે ય ચૂંટણી માટે અગત્યના રાજ્યો છે. બિહારમાં જે પણ ખેલ થાય તેની રાષ્ટ્રીય અસરોની વિચારણા કરીએ તો ત્રણ મોટી કસોટી થઇ શકે છે. એક તો એ કે શું ભા.જ.પા. મજબૂત પ્રાદેશિક સાથીઓ વિના બિહાર પર પ્રભુત્વ મેળવી શકે છે? બિહાર એ બતાડી દેશે કે 2024ની ગઠબંધન વ્યૂહરચના જરૂરિયાત હતી કે પસંદગી. બીજું એ કે 2029 માટે INDIA બ્લોક ચૂંટણી માટે કેટલો તૈયાર છે. બિહારની જીત રાષ્ટ્રીય મહત્ત્વાકાંક્ષાઓ માટે એક દૃષ્ટાંત બની શકે છે અને INDIA બ્લોક માટે આત્મવિશ્વાસ પૂરો પાડનારી સાબિત થઇ શકે છે. બિહારમાં જે પારંપરિક જાતિગત રાજકારણ છે તે ડિજીટલ હસ્તક્ષેપ સામે ટકી જશે?  બ્લોકચેન વોટિંગ અને સોશ્યલ મીડિયા પ્રચાર જૂની શૈલીઓને પડકારનારા છે.  

ડિજીટલ એજમાં આપણે મેટ્રિક્સની વાત કરવી પડે. આગાહીના આગવા મેટ્રિક્સ છે. જો નીતિશ કુમાર ચૂંટણી લડે તો NDA 130-140 બેઠકો, ભારત 90-100, અન્ય 10-15 જો નીતિશ કુમાર ચૂંટણી ન લડે તો : NDA 110-120, ભારત 115-125, જન સુરાજ 8-15 – એવી સ્થિતિ થવાની શક્યતા છે. પ્રશાંત કિશોર એ સત્તાનું સંતુલન સાભાળનારી હંગ એસેમ્બલી લઇને બેઠા છે – કોઈ તેના પરિણામો માટે તૈયાર નથી પણ એનો ડર તો રાખવો જ જોઇએ. 

બાય ધી વેઃ 

બિહાર 2025ની ચૂંટણી માત્ર મુખ્ય મંત્રી બદલવાની વાત નથી – અહીં ભારતનું જાતિને મામલે સૌથી સતર્ક રાજ્ય વધુ જટિલ, વધુ ડિજીટલ કે વધુ અણધાર્યું બની જશે કે કેમ તેની પણ વાત છે. જો નીતિશ કુમાર ખસી ગયા તો તેઓ એ બોધ સાથે ખસશે કે લોકશાહીમાં તમે તમારી છેલ્લી ચૂંટણીમાં કેવો દેખાવ કર્યો છે તેટલા જ મજબૂત રહો છો. વળી બિહારમાં જ્યાં ગઠબંધનો પૂરની મોસમમાં બદલાતા ગંગાના પ્રવાહની જેમ બદલાય છે ત્યારે રાજકારણના બાહોશ અનુભવી ખેલાડીને પણ પોતે આ પ્રવાહમાં તણાઇ ગયા હોવાનું ભાન થઇ જ શકે છે. બિહારમાં પરિવર્તનનું ચોમાસું બેઠું છે. એક માત્ર સવાલ એ છે કે પાણી ઓસરી ગયાં પછી કોણ અડીખમ ઊભું હશે? જો નીતિશ કુમાર હટી જશે તો માત્ર ટોચનું પદ ખાલી હશે એમ નહીં હોય પણ તે બિહારને એ વાત યાદ કરાવશે કે અનુભવી રાજકારણીઓ પણ બહાના પૂરાં થાય તે પહેલાં ગઠબંધનને અલવિદા કહી દે છે. બિહારમાં ગઠબંધન ચોમાસા જેવાં છે, ચેતવણી વિના ગાયબ થઇ જાય એવા. નીતિશ કુમાર વગર આ વખતે એવું ય બને કે વિરોધ પક્ષ કલ્પના કરી શકે તેના કરતા વધારે જ ધોવાણ થઇ જાય.

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 24 ઑગસ્ટ 2025

Loading

...102030...165166167168...180190200...

Search by

Opinion

  • દમ પતી જાય એને દંપતી કહેવાય 
  • સ્ક્રીનની પેલે પાર : જ્યારે ડિજિટલ એસ્કેપ મોતનો ગાળિયો બને ત્યારે
  • ચલ મન મુંબઈ નગરી—327 
  • માતૃભક્ત મન્જિરો
  • નાનમ પણ ન લાગે …?

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 

Poetry

  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 
  • મુખોમુખ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved