શબ્દોમાં તરતી સાંજ, ધુમ્મસમાં વિચારો ભર્યા,
કલ્પના વિસ્તરી કારણોની પાર, અક્ષરો તર્યા.
ધુમ્મસ ફૂટી ગયા છે શબ્દોના મૌન પ્રદેશમાં,
રઝળતા કાગળો મૂકી શબ્દો, ક્યાં જઈ ખર્યા ?
કાયનાત ચશ્માંનાં કાચ પર આરપાર છેદી,
કાગળની લટકતી વસંતો, શબ્દો ને દર્પણ કર્યા.
શબ્દોના દર્પણમાં ઊગી નીકળ્યાં છે એવાં ફૂલ,
ધોધમાર પાંપણોમાં જળનાં પ્રતિબિંબ ઠંર્યા.
શબ્દોની પારદર્શકતા, હાથમાં કાગળનું સફેદ રણ,
ત્રણ અક્ષરની છાંયડી, વાદળને મૃગજળ કર્યાં.
ઘાટકોપર, મુંબઈ
e.mail : bijaljagadsagar@gmail.com
![]()


પ્રલયનો દિવસ, કયામતનો દિવસ, ડૂમ્સ ડે, જજમેન્ટ ડે કે પછી આખેરાતનો દિવસ – આ બધાનો અર્થ આમ તો એક જ થાય છે. મૂળ આ દિવસ સુધી પહોંચવા માટે દુનિયાનો સર્વનાશ થવો જરૂરી છે. અત્યારે જે ચાલી રહ્યું છે તે જોતાં આ દિવસ ભણી માણસ જાત ધીમા (ક્યાંક ઝડપી) પણ મક્કમ પગલાં ભરી રહી છે. વાઇરસ, ક્લાઇમેટ ચેન્જ, રશિયા યુક્રેન, પાકિસ્તાન અને હવે એમાં શ્રીલંકાનો ઉમેરો થયો છે. ૫ એપ્રિલે, મધરાતે શ્રીલંકાના રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષેએ શ્રીલંકામાં કટોકટી જાહરે કરી. આર્થિક સંકટના બોજમાં પડી ભાંગેલા શ્રીલંકામાં રાષ્ટ્રવ્યાપી વિરોધની પકડ મજબૂત બની છે. ૧૯૪૮માં શ્રીલંકાના આઝાદી મળી, પછી પહેલીવાર આ રાષ્ટ્રએ આટલા ખરાબ દા’ડા જોયા છે. ૧૩ કલાક સુધી વીજળી ન હોય, ખાવા-પીવાનાં સાંસાં હોય, આવામાં આકળી થયેલી પ્રજા કંઇ પણ કરી બેસે અને એવું જ થઇ રહ્યું છે.
શ્રીલંકાની આ હાલત આખરે કેવી રીતે થઇ? શ્રીલંકામાં બેવડી અછત છે. બેવડી અછત એટલે કે જેટલી રાષ્ટ્રીય આવક છે તેના કરતા કંઇ ગણો વધારે રાષ્ટ્રીય ખર્ચ છે. આ સાબિત કરે છે કે એવી માલ-મત્તા અને ઉત્પાદનો જેની પર વ્યાપાર થઇ શકે તથા સેવાઓ જે રાષ્ટ્રની કમાણીમાં ઉમેરો કરે તેવી સેવાઓની શ્રીલંકામાં ભારે અછત છે. જો કે હાલમાં જે સંજોગો ખડા થયા છે તેનું સીધું કારણ છે ૨૦૧૯ની ચૂંટણીમાં મોટી કર છૂટના કરાયેલાં ઠાલાં વચનો. આ પછી ૨૦૨૦માં કોરોનાવાઇરસ રોગચાળાએ શ્રીલંકાના પગ નીચેથી ચાદર ખેંચી લીધી. આ દેશના અર્થતંત્ર પર પાણી ફરી વળ્યું. રોગચાળાને કારણે સહેલાણીઓ આવવાના બંધ થઇ ગયા અને ટુરિઝમ જેની જીવા દોરી હતી તેવા દેશને ક્રેડિટ એજન્સીઝે તળિયો મુક્યો. આખરે શ્રીલંકા આંતરરાષ્ટ્રીય કેપિટલ માર્કેટની સર્કિટમાંથી બહાર ફેંકાઇ ગયો. છેલ્લાં બે વર્ષમાં શ્રીલંકાનાં વિદેશી નાણાં ભંડોળનું પણ તળિયું દેખાવા માંડ્યું. શ્રીલંકામાં ખાદ્ય પદાર્થોની કટોકટી સર્જાઇ તેની પાછળ ૨૦૨૧માં કૃત્રિમ – રાસાયણિક ખાતરના ઉપયોગ પર મુકાયેલા પ્રતિબંધને પણ કારણભૂત ઠેરવી શકાય. જો કે આ પ્રતિબંધ પછી હટાવી લેવાયો હતો, પણ ત્યાં સુધીમાં તો શ્રીલંકા માટે અગત્યના ગણાતા ચોખાના પાકમાં નોંધાપાત્ર ઘટાડો થઇ ચુક્યો હતો.



