Opinion Magazine
Number of visits: 9456203
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ચલ મન મુંબઈ નગરી—289

દીપક મહેતા|Opinion - Opinion|17 May 2025

મુમતાઝ બેગમ : પુરુષો તો ઘણા જોયા, પણ સાચો મરદ તો આ એક જ   

બોમ્બે હાઈ કોર્ટમાં બાવલા ખૂન કેસની સુનાવણીનો વધુ એક દિવસ

એડવોકેટ જનરલ કાંગા : યોર ઓનર! આપની ઇજાજત હોય તો ગઈ કાલે અધૂરી રહેલી મુમતાઝ બેગમની જુબાની આગળ ચલાવીએ.

જસ્ટિસ એલ.સી. ક્રમ્પ : You may proceed, Mr. Kanga.

એડવોકેટ જનરલ કાંગા : Thank you, your honor! 

મુમતાઝ બેગમની જુબાની લેતા એડવોકેટ જનરલ કાંગા ChatGPT દ્વારા તૈયાર થયેલું ચિત્ર

પછી સાક્ષીના પિંજરામાં ઊભેલી મુમતાઝ બેગમ તરફ ફરીને : વિલાયતમાં તમો ક્યાં ક્યાં ફરિયાં, સું સું જોયું, એ જાણવામાં અમુને રસ નથી. પન એ કહો કે ત્યાંથી તમે પાછાં ક્યારે અને કઈ રીતે આવિયાં.

મુમતાઝ બેગમ : અમો પાછા આવવાના હતા ત્યારે પણ મારાં અમ્મા મુંબઈમાં જ હતાં. હું બંદર પર ઉતરું ત્યારે એવન કોઈ ધમાલ ન કરે એ માટે મને વિલાયતથી સિલોન જતી એસ.એસ. કોલંબો નામની સ્ટીમરમાં બેસાડી. કોલંબોથી તુતીકોરીન, ત્યાંથી કલકત્તા, અને ત્યાંથી ઇન્દોર, મને ટ્રેન વાટે લઈ ગયા. 

એસ.એસ. કોલંબો (ચિત્ર)

એડવોકેટ જનરલ કાંગા : તમે પાછાં ક્યારે આવિયાં? 

મુમતાઝ બેગમ : સાહેબ! તારીખ તો યાદ નથી, પણ ૧૯૨૧ના ડિસેમ્બરમાં. એ પછી થોડા વખતમાં મને હમેલ રહ્યા. મેં મહારાજને આજીજી કરી કે આવે વખતે તો મારી માને બોલાવો. પહેલાં તો મારી વાત કાને ધરી નહિ, પણ પછી અમ્માને ઇન્દોર બોલાવીને મારી સાથે રાખ્યાં. જો કે અમારી આસપાસ ચોવીસ કલાક પહેરો રહેતો, અને અમારી રજેરજ વાત મહારાજને પહોંચતી. 

એડવોકેટ જનરલ કાંગા : પછી?

મુમતાઝ બેગમ : મને રાજમહેલના એક અલાયદા ભાગમાં ખસેડી. સાથે ડોક્ટર, બે નર્સ, અને ચોકિયાતો તો ખરા જ. હું છૂટી પડી ત્યારે સૌથી પહેલાં એ ખબર મહારાજને આપવામાં આવ્યા. પછી બે નર્સોએ મને વધામણી આપી અને કહ્યું કે તમારે પેટે દીકરી જન્મી છે. તેનો રડવાનો અવાજ મેં સાંભળ્યો, પણ તેનું મોઢું હજી જોયું નહોતું. ત્યાં જ ડોકટરે આવીને કહ્યું કે અમો દિલગીર છૈયે કે તમારી દીકરી ગુજરી ગઈ છે. મને ખાતરી છે કે મારી બેટી મરી નહોતી ગઈ, પણ મહારાજાના હુકમથી તેને મારી નાખવામાં આવી હતી. અને એ જ ઘડીએ મેં નક્કી કરી લીધું કે હવે વહેલામાં વહેલી તકે ઈન્દોરને અને મહારાજાને ઝાઝેરા જુહાર કરી દેવા છે. 

એડવોકેટ જનરલ કાંગા : પછી તુમે ઇન્દોર કઈ રીતે છોડ્યું?

મુમતાઝ બેગમ : મહારાજે મને અને અમ્માને મસૂરી જવા ફરમાન કર્યું. ચોકિયાતો સાથે અમે ઇન્દોરથી મસૂરી જતી ટ્રેનમાં બેઠા. પણ દિલ્હી સ્ટેશને ઊતરી ગયાં અને ચોકિયાતોને સાફ કહી દીધું કે અમે મસૂરી જવા રાજી નથી. તેમણે ઘણી ધાક ધમકી આપી, પણ અમે બ્રિટિશ હિન્દુસ્તાનમાં હતા એટલે તેઓ કોઈ જાતની બળજબરી કરી શકયા નહિ. હું અને અમ્માજાન દિલ્હીથી નાગપુર થઈને જૂનની ૧૮મી તારીખે મુંબઈ આવીને વરસોવામાં એક બંગલો ભાડે રાખીને ત્યાં રહ્યાં.

એડવોકેટ જનરલ કાંગા : ત્યાં તમો કેટલો ટાઈમ રહ્યાં?

મુમતાઝ બેગમ : અમે મુંબઈ પહોચ્યાં તે પછી અમ્મા પોલીસ સુપરિનટેન્ડન્ટ ફુલરને મળવા ગઈ અને પોલીસ રક્ષણ માગ્યું. સાહેબે કહ્યું કે તમે જ્યાં રહ્યાં છો એ જગ્યા સલામત નથી. ત્યાં ચાર બંગલા સિવાય બીજી વસતી નથી. ઇન્દોરના રાજાના માણસો ત્યાં તમુને સહેલાઈથી ઓળખી જશે અને મુમતાઝ બેગમને ઉઠાવી જશે. વરસોવા મુંબઈ પોલીસની હદની બહાર છે એટલે અમે તમારી મદદે બી આવી નહિ શકીએ. (એ વખતે મુંબઈ શહેરની હદ વાંદરા સુધી જ હતી.)

એડવોકેટ જનરલ કાંગા : પછી? ફુલરસાહેબની વાત તમે માની?

મુમતાઝ બેગમ : હા, જી. અમે મદનપુરાના હકીમ બિલ્ડિંગમાં રહેવા ગયાં. પણ ત્યાં ય મહારાજાના માણસો અમારી પાછળ પડી ગયા. તેમણે મને ઉપાડી જવાનું કાવતરું ઘડ્યું હતું. અમ્માજાને પોલીસ કમિશનર સાહેબને મળીને વિનંતી કરી કે અમારી મદદ કરવાનું કામ ફુલરસાહેબને સોંપો. પણ સાહેબે કહ્યું કે તમે જ્યાં રહો છો તે મદનપુરા ફુલરસાહેબના એરિયામાં આવતું નથી. તમે પોઈબાવડી પોલીસ સ્ટેશનની હદમાં આવતી કોઈ જગ્યાએ રહો તો તમને ફુલરસાહેબનું રક્ષણ મળી શકે. એટલે અમે પરળમાં આવેલી રંગારી ચાલમાં રહેવા ગયાં. 

એડવોકેટ જનરલ કાંગા : મને એ કહો કે ઇન્દોર છોડીને મુંબઈ આવ્યા પછી તમે ઘરખર્ચ ક્યાંથી કાઢતા હતા?

મુમતાઝ બેગમ : સાહેબ! અમારી પાસે થોડી ઘણી બચત હતી તેના પર શરૂઆતમાં તો અમે નભી ગયા. પણ પછી રંગારી ચાલમાં રહેવા આવ્યા તે પછી પૈસાનો તોટો પડવા લાગ્યો. એટલે મેં ત્યાં મારું ગાવા-નાચવાનું કામ ફરી શરૂ કર્યું. અને એક દિવસ પચીસેક વરસનો એક જુવાન જોધ, ફૂટડો, અમીર, ઘરાક આવ્યો. તેનું નામ અબ્દુલ કાદર બાવલા.

રંગારી ચાલ

એડવોકેટ જનરલ કાંગા : એટલે કે જેનું ખૂન કરવામાં આવ્યું તે જ ઇસમ.

બચાવ પક્ષના વકીલ મોહમ્મદ અલી ઝીણા : I object my Lordship! So far it has not been proved beyond doubt that Mr. Bawla was murdered. My learned 

colleague is trying to influence the honorable members of the jury.

જસ્ટીસ એલ. સી. ક્રંપ : Objection sustained.

એડવોકેટ જનરલ કાંગા : જેવો નામદારનો હુકમ. મુમતાઝ બેગમ, આ મિસ્ટર બાવલા એ જ ઇસમ, કે જેનું ૧૩મી જાન્યુઆરીની વહેલી સવારે મોત થયું હતું? 

મુમતાઝ બેગમ : (જાણે સપનું જોતી હોય તેમ હળવેથી બોલવા લાગે છે) ઓહોહો! કહેવાય બાવલા, પણ જાણે સંગેમર્મરનું બૂત જોઈ લો. દિવસના અજવાળામાં પણ ઝગારા મારતી આંખો. કાળા ભમ્મર વાળ. હોઠ હસે ત્યારે લાગે કે આખી દુનિયા હસી રહી છે. એની આંગળીઓ અડે અને મારું રોમરોમ થનગનવા લાગે. કાનમાં હળવેકથી કહે તેનો પડઘો આખા જિસ્મમાં પડે. અને આખું બદન ખીલી ઊઠે જ્યારે એની આંગળીઓ અડે. પુરુષો તો ઘણા જોયા, પણ સાચો મરદ માણસ તો આ એક જ જોયો. 

એડવોકેટ જનરલ કાંગા : મુમતાઝ બેગમ! મારા સવાલનો જવાબ આપો.

મુમતાઝ બેગમ : હા, જી. એ જ મિસ્ટર અબ્દુલ કાદર બાવલા. જે હવે આ ફાની દુનિયામાં રહ્યા નથી. એક રાતે મારો નાચ જોવા નવેક વાગે આવેલા. સાડા દસ સુધી બેઠા. પહેલી જ વાર આવ્યા ત્યારે મારા પર એક હજાર રૂપિયા ઓવારી ગયેલા. ત્યારથી અમ્માના મનમાં વસી ગયું હતું કે મારું અને બાવલા શેઠનું ગોઠવાઈ જાય તો સારું. થોડા વખત પછી સ્લેટર રોડ પર આવેલા બાવલા શેઠના મકાનમાં અમે રહેવા ગયાં. ત્યાં બે-એક મહિના રહ્યા પછી બાવલા શેઠ અને હું તારદેવ ક્લબમાં રહેવા ગયાં. એ વખતે અમે બે પૂના અને લોનાવળા ફરવા ગયાં. લોનાવળામાં બાવલાશેઠનો બંગલો બંધાતો હતો તે જોયો. અમે પાછાં આવ્યાં તે પછી બાવળા શેઠને ઇન્દોરથી ધમકીઓ મળવી શરૂ થઈ. મારું અપહરણ કરવામાં આવશે અને તું જો વચમાં આવીશ તો તને તારા ખુદા પાસે મોકલી દેવામાં આવશે. આવી ધમકીઓ મળ્યા પછી બાવલાશેઠ તેમના ચોપાટીના બંગલામાં રહેવા મને લઈ ગયા. બાવલાશેઠ ત્રીજે માળે રહેતા. એ જ મકાનના ભોંય તળિયે ઇસ્લામ ક્લબ આવેલી હતી. આ ઘરમાં મને બીજી બધી છૂટ હતી. ફક્ત એકલા ક્યાં ય બહાર જવાની મનાઈ હતી. 

ચોપાટી પર બાવલા રહેતા તે મકાન. નીચે ઇસ્લામ ક્લબ

એડવોકેટ જનરલ કાંગા : શા વાસ્તે મનાઈ હતી?

મુમતાઝ બેગમ : કારણ મારું અપહરણ કરવાની ધમકીઓ સતત મળતી રહેતી હતી.

એડવોકેટ જનરલ કાંગા : કોના તરફથી?

મુમતાઝ બેગમ : ઇન્દોર દરબાર તરફથી.

એડવોકેટ જનરલ કાંગા : Point to be noted, my Lordship!

જસ્ટીસ એલ. સી. ક્રંપ : Noted. You may proceed further, Mr. Kanga.

એડવોકેટ જનરલ કાંગા : Thank you my Lordship. હા, તો મુમતાઝ બેગમ! બીજી કોઈ રીતે તમારી કનડગત થઈ હતી?

મુમતાઝ બેગમ : હા, જી. ઇન્દોર મહારાજાના મહેલમાંથી મેં અઢી લાખ રૂપિયાનાં ઘરેણાંની ચોરી કરી છે તેવો આરોપ મૂકવામાં આવ્યો અને આ અંગે મારા પર કામ ચલાવવા માટે મને ઇન્દોર પોલીસને સોંપવા વાઈસરોયને અરજી કરવામાં આવી.

એડવોકેટ જનરલ કાંગા : પછી?

મુમતાઝ બેગમ : પછી મુંબઈમાં રહેવું સલામત નથી એમ લાગતાં બાવલાશેઠ મને લઈને લોનાવળા ગયા. ત્યાં બંગલો તૈયાર થઈ ગયો હતો એટલે ત્યાં અમે ૨૬ દિવસ રહ્યાં. એ દરમ્યાન એડવોકેટ કે.એફ. નરીમાન પાસે તૈયાર કરાવેલા કેટલાક દસ્તાવેજો પર બાવલાશેઠની હાજરીમાં મેં સહીઓ કરી હતી, અને શેઠે એ કાગળિયાં મુંબઈ મોકલ્યાં હતાં. 

એડવોકેટ જનરલ કાંગા : My lordship! I pray your permission to file these documents as supportive evidence.

જસ્ટીસ એલ. સી. ક્રંપ : Permission granted.

એડવોકેટ જનરલ કાંગા : Thank you, My Lordship! હા, તો મુમતાઝ બેગમ. લોનાવળાથી તમે પાછાં ક્યારે આવ્યાં?

મુમતાઝ બેગમ : શનિવાર, તારીખ ૧૦મી જાન્યુઆરીએ.

એડવોકેટ જનરલ કાંગા : એટલે કે મિસ્ટર બાવલાનું ખૂન થયું – સોરી, એવન જન્નતનશીન થયા તેના ફક્ત બે દિવસ પહેલાં. 

મુમતાઝ બેગમ : હા, જી, સાહેબ. 

અને બરાબર એ જ વખતે અદાલતનો ઊઠવાનો સમય થયો. 

પછીની વાત હવે પછી.

e.mail : deepakbmehta@gmail.com

XXX XXX XXX

પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”; 17 મે 2025 

Loading

દેશનું આંતરિક દુ:શ્મન થઈને પ્રગટ થયેલું ટ્રોલીંગ કલ્ચર 

નેહા શાહ|Opinion - Opinion|16 May 2025

નેહા શાહ

સૌ પ્રથમ ઓપરેશન સિંદૂરના સૌ રક્ષાકર્મીઓને અંત:કરણ પૂર્વક સલામ. હવે જ્યારે યુદ્ધ વિરામની જાહેરાત થઇ ચુકી છે ત્યારે હવે સમય છે દેશની લોકશાહી પર કાળો ધબ્બો સમાન અને દેશને દુનિયા સમક્ષ નાલેશી અપાવનારા મીડિયા – ટી.વી. ચેનલો તેમ જ સોશ્યલ મીડિયાના બેજવાબદાર વર્તન વિષે વાત કરવાનો. કારણ કે, એક તરફ દેશની સેનાએ આપણને ગૌરવ અપાવ્યું તો બીજી તરફ દેશના મુખ્ય ધારાની ટી.વી. ચેનલોએ અપાવી શરમ. કટોકટીના સમયે સંયમ રાખી નાગરિક તરીકેની જવાબદારી નિભાવવાની હોય એવા સમયે ખોટી માહિતી, ઉન્માદ ભરી ભાષા, કે પછી ગાળ-ગલીચ ભરેલું સોશ્યલ મીડિયાએ ટ્રોલીંગ કરી લોકોને ના માત્ર ગેરમાર્ગે દોરવાનું કામ કર્યું, પણ ‘વૈવિધ્યમાં એકતા’ની ભારતની છબિ પર ઊંડા ઘા કર્યા. આ કામ કર્યું છે પોતાને ‘રાષ્ટ્ર પ્રેમી’ ગણાવનારા લોકોએ !

ટી.વી. ચેનલો ગપગોળા ચલાવી જે બિનજવાબદાર રિપોર્ટીંગ કર્યું અને વિશ્વભરમાં વિશ્વસનીયતા ગુમાવી એ અંગે ઘણી ચર્ચા થઇ. આજે ચર્ચા કરવી છે બેકાબૂ બની ગયેલા સોશ્યલ મીડિયા અંગે. આજના સમયે સોશ્યલ મીડિયાની ગતિવિધિને ધ્યાનમાં લેવી જ પડે. કારણ કે, અધિકૃત સંદેશા પણ ‘એક્સ’ (ટ્વીટર) જેવા પ્લેટફોર્મ પર મુકાતા હોય છે. એ સાથે મોટા ભાગના લોકો પણ સોશ્યલ મીડિયા પર પ્રવૃત્ત હોય છે. આ માધ્યમની તાકાત સમજીને દોઢ-બે દાયકાથી જાહેર અભિપ્રાય ઘડવા-તોડવાની પ્રવૃત્તિ બહુ સુઆયોજિત ઢબે થઇ રહી છે, જે અંગે સ્વાતિ ચતુર્વેદીએ પોતાના પુસ્તક ‘આઈ એમ અ ટ્રોલ’માં ખૂબ વિગતે લખ્યું છે. રાજકીય અભિપ્રાય ઘડવા માટે અને પોતાનાથી ભિન્ન રાજકીય અભિપ્રાય ધરાવનારને તોડી પાડવા માટે શરૂ થયેલી પ્રવૃત્તિ હવે બેકાબૂ બની ગઈ છે. ટ્રોલીંગ એનું મુખ્ય હથિયાર છે, જે લોકોની જિંદગીને ઊંડે સુધી અસર કરનારી પ્રવૃત્તિ બની ગઈ છે. રાજકીય અભિપ્રાયની અસંમતિ જાણે કોઈ સજાપાત્ર ગુનો બની જાય છે, જે તમારા પરના હુમલાનું કારણ બની શકે છે! જાહેર ચર્ચામાં ભાષા પરનો સંયમ લુપ્ત થઇ ગયો છે. આક્રમક શબ્દોનાં આઘાત માત્ર વિચારો પર નથી થતા, પણ એ તેની ઓળખ પર પણ થાય છે. સામે કોઈ મહિલા હોય તો તો ભાષા સભ્યતાની સીમા ઓળંગી શકે છે, એમાં ય જો લઘુમતી સમુદાયની અને સ્વતંત્ર રીતે બોલી-વિચારી શક્તિ મહિલા હોય તો એના એક રાતના ભાવ બોલવા સુધીની હલકાઈ સુધી ટ્રોલરો ઉતરી જતા આપણે જોયા છે. ઈન્ટરનેટના જમાનામાં સ્ક્રીન પાછળ પોતાની ઓળખ છુપાવીને હુમલા કરવાનું સરળ બની ગયું છે, અને સોશ્યલ મીડિયાના એલ્ગોરીધમ આગમાં હવા ફૂંકવાનું કામ કરે છે. 

આ યુદ્ધમાં હિમાંશી નરવાન અને વિક્રમ મીસરીનું ટ્રોલીંગ, નીચતાના સૌથી મોટા ઉદાહરણ તરીકે બહાર આવ્યા. ટ્રોલીંગ નામનો રાક્ષસ સંપૂર્ણપણે વિવેકભાન ખોઈ ચુક્યો છે. તે એક માત્ર વાત સમજે છે કે અમારાથી અલગ અભિપ્રાય ધરાવનારા બધા ‘દેશદ્રોહી’! હિમાંશી નરવાનનું પોતાનું મંતવ્ય આપવા બદલ ચરિત્રહનન કરી નંખાયું! પોતાના પતિના હત્યારા સામે  નિર્દોષ મુસલમાન અને કાશ્મીરીઓને નહિ રંજાડવાની અપીલ કરી હતી અને સાચા ગુનેગારો સામે પગલાં લઇ ન્યાય આપવાની વાત કરી હતી – જે મુસલમાન દ્વેષથી પીડાતા લોકોને માફક ના આવ્યું. આ એ મહિલા છે જેનો પતિના મૃતદેહની બાજુમાં બેઠી હોય એવો ફોટો પહેલગામ ત્રાસદીનું પ્રતિક બની ગયો છે. આંખો સામે હિંસામાં પતિને ગુમાવી ચુકેલી નવપરિણીત મહિલાને દેશબંધુઓ તરફથી આશ્વાસન અને સધિયારાની અપેક્ષા હોય. એને બદલે એણે ટ્રોલરોના હુમલાનો પણ ભોગ બનવું પડ્યું, એ દરેક ભારતીય નાગરિક માટે શરમજનક કહેવાય. અહીં એ કહેવાની જરૂર ખરી કે જે લોકો હિમાંશી નરવાનની પાછળ પડી ગયેલા લોકોએ ભાઈચારાની વાત કરનારા પત્રકારો, સામાજિક કાર્યકરો, કલાકારો, કે શિક્ષકોને પણ નથી જ બક્ષ્યા? 

વિક્રમ મીસરીના કિસ્સામાં તો, વિદેશ સચિવના હોદ્દાની રૂએ તેઓ માત્ર સરકારે લીધેલા નિર્ણયને જાહેર જનતા સુધી પહોંચાડતા હતા, એમના અંગત અભિપ્રાય નહિ. પણ વર્ષોથી યુદ્ધની માંગ કરનાર માટે ચાર દિવસમાં યુદ્ધ પૂરું થઇ જાય એ વાત હજમ ના થઇ. યુદ્ધ-વિરામની ઘોષણાથી જાણે એમની સાથે દગો થયો હોય એવું લાગ્યું. આ નિર્ણય લેનાર દેશના સર્વોચ્ચ નેતૃત્વને તો તેઓ કશું કહી શકે નહિ, એટલે એમના આક્રોશનો ભોગ બન્યા વિક્રમ મીસરી. વિવેક ભાન ભૂલેલી ટ્રોલ સેના એમની દીકરી સુધી પહોંચી ગઈ અને એનો અંગત ફોન નંબર શોધી કાઢી સોશ્યલ મીડિયા પર ફરતો કરી દીધો – જાણે કે પાકિસ્તાનની ખુફિયા માહિતી જાહેર કરી દેશ સેવા કરતા ના હોય ! મીસરી અને એમનો પરિવાર ગુનાહિત માનસિકતા ધરાવનારના રડાર પર આવી ગયા. જે સમયે દેશના વિદેશ સચિવનું ધ્યાન દેશના મુત્સદ્દી મુદ્દા પર હોવું જોઈએ ત્યારે તેમણે બધું છોડીને પોતાના પરિવારની ચિંતા કરવી પડે એવો માહોલ ‘રાષ્ટ્ર પ્રેમ’ના નામે ઊભો થાય એ તો કેટલી શરમજનક બાબત કહેવાય! 

પાકિસ્તાનને પહોંચી વળવા આપણી સેના સક્ષમ છે. પણ, દેશની અંદર ફેલાયેલી, ઘર ઘરમાં ઘૂસીને દેશભક્તિના નામે દેશનાં પાયાને ઊધઈની માફક નુકસાન કરી રહેલ આ મીડિયા / સોશ્યલ મીડિયા ફોજને કઈ રીતે પહોંચી વળીશું?

સૌજન્ય : ‘કહેવાની વાત’ નામક લેખિકાની સાપ્તાહિક કોલમ; નેહાબહેન શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

એક ટીપું

વસુધા ઈનામદાર|Poetry|16 May 2025

હું તો વરસાદનું એક ટીપું,
કહો, તમને શું આપું ?

ઝરમર ઝરમર વરસાદ આપું,
દરિયો આપું, નદીઓ આપું,
ગાતું રમતું ઝરણું આપું !
હું તો વરસાદનું એક ટીપું
કહો તમને શું આપું ?

રમતું  દોડતું બચપણ આપું
ધરાને ભીંજવી લીલો છમ,
લહેરાતો પાલવ પાથરું !
હું તો એક વરસાદી ટીપું,
કહો, તમને શું આપું ?

ટીપે ટીપે વૃક્ષો ઉગાડું,
પશુ પંખીને છાયા આપું,
હર્યાં ભર્યા ખેતર સીંચુ,
ધન, ધાન્ય ને પાણી આપું !
જળ ધારાથી જીવન આપું
હું તો એક વરસાદી ટીપું,
કહો તમને શું આપું ?

મન કહે મારું, હું  તમને
માનવતાનું ટીપું આપું ?
ટીપે ટીપે માનવતા વરસાવું
લીલીછમ માણસાઈને છલકાવું !
બસ એટલું જો હું આપું,
તો ધન્ય ધન્ય થાતું હું એક ટીપું  !

[બોસ્ટન, અમેરિકા]
e.mail : inamdarvasudha@gmail.com

Loading

...102030...149150151152...160170180...

Search by

Opinion

  • સાઇમન ગો બૅકથી ઇન્ડિયન્સ ગો બૅક : પશ્ચિમનું નવું વલણ અને ભારતીય ડાયસ્પોરા
  • ગુજરાતી ભાષાની સર્જકતા (૫)
  • બર્નઆઉટ : ભરેલાઓની ખાલી થઇ જવાની બીમારી
  • ચલ મન મુંબઈ નગરી—307
  • દાદાનો ડંગોરો

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved