Opinion Magazine
Number of visits: 9842716
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

મૌનની ભાષા

દિવ્યકાંત વિ છાયા ‘એકાંત’|Opinion - Opinion|27 October 2025

ઈશ્વર મારી ભાષા સમજી ન શક્યો.
કાં હું એનો ઇશારો સમજી ન શક્યો.

રચી સૃષ્ટિ અને મોં ફેરવી બેઠો એ.
રામ જાણે શાને રીસાઈ બેઠો એ.

કલયુગની અસરમાં આવી ગયો એ.
શું ભાષાના વિવાદમાં આવી ગયો એ.

ખૂબ નામ જાપ તપ કરી બેઠો હું.
તોયે,હે ઈશ્વર હાથ ન આવ્યો તું.

અકળાયો હું જોયું મેં મુજ હૃદયમાં.
ત્યાં દેખાણો તું મને દરેકના હૃદયમાં.

હે માનવ, ભાષા તારી જ શોધ છે.
સાચો ભાવ એ જ મારો તને બોધ છે.

હે માનવ, મારી ભાષા મારું મૌન છે.
“એકાંતે” તારે ધરવાનું મારું ધ્યાન છે.

ભુજ -કચ્છ ગુજરાત રાજ્ય ભારત
e.mail : divyakantchhaya@gmail.com

Loading

એક બાળક, KBCનો એક મંચ : આત્મવિશ્વાસ અને પેરેન્ટિંગના સબક 

રાજ ગોસ્વામી|Opinion - Opinion|27 October 2025

રાજ ગોસ્વામી

દિવાળીમાં ફટાકડા ફૂટે તે પહેલાં, ‘કૌન બનેગા કરોડપતિ’ ગેમ શોના એક એપિસોડને લઈને સોશિયલ મીડિયા પર બહુ તડાકા-ભડાકા થયા. અમિતાભ બચ્ચનના આ સૌથી લોકપ્રિય શોની પ્રતિસ્પર્ધામાં એક પ્રતિભાશાળી બાળકે ભાગ લીધો હતો (તેની ઉંમરને જોતાં આપણે તેનું નામ ટાળીએ). શરૂઆતમાં તો તેની બુદ્ધિમત્તા, હાજરજવાબી અને આત્મવિશ્વાસે (અમિતાભ સહિત) સૌનું ધ્યાન આકર્ષિત કર્યું, પરંતુ ગેમ જેમ જેમ આગળ વધતી ગઈ, તેનો આત્મવિશ્વાસ ધીમે-ધીમે અતિ-આત્મવિશ્વાસમાં તબદીલ થતો ગયો.

તેની જવાબો આપવાની રીત, સવાલોની ખીલ્લી ઉડાવવાની વૃત્તિ અને દરેક નિર્ણયમાં પોતાને ‘સાચા’ માનવાની માનસિકતા – આ બધાએ દર્શકોએ એ વિચારવા માટે મજબૂર કરી દીધા કે આ આત્મવિશ્વાસ હતો કે અહંકારની ઝલક? સોશિયલ મીડિયા પર તેની વીડીઓ ક્લિપ શેઅર કરીને બહુ બધા યુઝર્સે તો તેને બત્તમીજી ગણાવી હતી. અમુક લોકોએ તો તેને પેરન્ટસની ઘોર નિષ્ફળતા પણ ગણાવી હતી. 

બાળકના વ્યવહાર પર દર્શકોની પ્રતિક્રિયાઓ એટલી આકરી હતી કે કદાચ હોસ્ટ અમિતાભ બચ્ચન પણ ડઘાઈ ગયા હોવા જોઈએ, જે સામાન્ય રીતે હોટ સીટમાં બેસતા પ્રકાર-પ્રકારમાં પ્રતિયોગીઓ સાથે મોજ લેતા હોય છે અને જે ‘કૌન બનેગા કરોડપતિ’ને કોઈપણ પ્રકારની ભૂલ કે વિવાદથી છેટા રાખવાની દરકાર કરતા હોય છે.

ઘણા લોકોએ અમિતાભના ધૈર્ય અને સંયમની પ્રશંસા કરી કે તેમણે બાળકના વર્તનને શાંતિથી સહન કર્યું. કેટલાક લોકોએ કહ્યું કે બાળકની ભૂલ નથી, પરંતુ એ ઉછેરમાં કમી છે કે તેને ધૈર્ય અને શિષ્ટાચાર શીખવવામાં આવ્યો નથી. એક યૂઝરે લખ્યું, ‘બાળક સ્માર્ટ છે, પરંતુ તેને એ સમજવું જરૂરી છે કે મંચ પર બધાની ઈજ્જત કરવી જરૂરી છે.’ 

આ એપિસોડ સાહજિક હતો કે સ્ક્રિપ્ટેડ એ તો ખબર નથી, પણ આવો આત્મવિશ્વાસ એક સાર્વજનિક તમાશાનો વિષય બને અને તેને એક સિદ્ધિ ગણવામાં આવે તે પેરન્ટ્સ તરીકે અને એક સમાજ તરીકે ચિંતાની બાબત છે. એક વધુ પડતું લાડ-લડાવેલું બાળક એમ માનતું થઇ જાય કે તેનો વ્યવહાર પ્રશંસા પાત્ર છે તો તેના ભવિષ્ય માટે અહિતકારી છે. 

મનોવિજ્ઞાનમાં તેને ‘સિક્સ પોકેટ સિન્ડ્રોમ’ કહે છે – ખાવાનું, રમકડાં, એટેન્શન, વખાણ, ગેજેટ્સ અને લાડની ટેવ હોય તે. પાણી માંગે તો દૂધ હાજર કરી દેવાની વૃત્તિ. માતા-પિતા અને દાદા-દાદીના હાથે અતિશય લાડમાં ઉછેરેલાં બાળકોમાં ધીરજ ઓછી હોય છે, માત્ર લેવાની જ ભાવના હોય છે, નિરાશાને સહન કરવાની તાકાત નથી હોતી અને ‘ના’ સાંભળવાની તૈયારી નથી હોતી. 

આત્મવિશ્વાસ એવી  શક્તિ છે જે બાળકને આગળ વધવાની હિંમત આપે છે. પરંતુ જ્યારે એ આત્મવિશ્વાસ અનુભવ, વિનમ્રતા અને શીખવાની ક્ષમતા વગર આવી ગયો હોય, ત્યારે તે અતિ-આત્મવિશ્વાસ બની જાય છે – જે અંતે ખોટા નિર્ણયો અને નિષ્ફળતાનું કારણ બને છે. બાળકના જવાબોમાં ઘણી વખત ‘આ તો હું જાણું છું’નો ભાવ એટલો પ્રબળ હતો કે તે પ્રશ્નને પૂરો સાંભળ્યા વગર જ જવાબો આપતો હતો. આ વૃત્તિ આજના સમયમાં એક ઊંડી માનસિક સમસ્યાને દર્શાવે છે – તાબડતોબ પણ ઉપરછલ્લું જ્ઞાન. આજનાં બાળકો તેજ છે, પણ ગહેરાઈમાં જતાં નથી. 

આજનાં પેરેન્ટ્સ તેમનાં બાળકોને લઈને બહુ મહત્ત્વાકાંક્ષી હોય છે. તેઓ ઇચ્છતાં હોય છે કે તેમનું બાળક ‘સૌથી આગળ રહે.’ – સૌથી બુદ્ધિશાળી, સૌથી પ્રતિભાશાળી, સૌથી આત્મવિશ્વાસી. આ પ્રક્રિયામાં તેઓ ઘણીવાર ‘વિનમ્રતા’ અને ‘ધૈર્ય’ શિખવવાનું ભૂલી જાય છે. એવાં બાળકોને જ્યારે દરેક બાબતમાં પ્રશંસા મળે છે – ‘વાહ, તું તો જિનિયસ છે!’, ‘વાહ, તું તો બધું જાણે છે!’- ત્યારે તેનામાં ‘કૃત્રિમ શ્રેષ્ઠતાનો ભાવ’ વિકસવા લાગી જાય છે. ધીરે-ધીરે આ ભાવ અતિ-આત્મવિશ્વાસમાં ફેરવાઈ જાય છે, જ્યાં બાળક ટીકા સાંભળવાનું, ભૂલ સ્વીકારવાનું અથવા શીખવાનું ટાળવા લાગે છે. 

 અમેરિકન મનોચિકિત્સક કેરોલ ડ્વેકે તેમના સંશોધનમાં બતાવ્યું છે કે બાળકોની ઉછેરમાં બે માનસિકતાઓ હોય છે – ફિક્સ્ડ માઈન્ડસેટ અને ગ્રોથ માઈન્ડસેટ. ફિક્સ્ડ માઈન્ડસેટ વાળું બાળક એવા વિચારમાં રાચતું હોય છે કે ‘હું બુદ્ધિમાન છું, મને બધું આવડે છે.’ જ્યારે તે નિષ્ફળ જાય, તો તે સહન નથી કરી શકતું, કેમ કે તેને લાગે છે કે તેની ‘સ્માર્ટનેસ’ ખતમ થઈ ગઈ છે.

ગ્રોથ માઈન્ડસેટ વાળું બાળક એમ માનતું હોય છે કે ‘હું પ્રયત્ન કરીને શીખી શકું છું.’ તેની ઉર્જા શીખવામાં જ જાય છે, આવડતનો દેખાડો કરવામાં નહીં. ગેમ શોમાં પેલા બાળક જેવાં અનેક બાળકો ફિક્સ્ડ માઈન્ડસેટનો શિકાર છે – કેમ કે સમાજ અને પેરેન્ટ્સ બંનેએ તેમને શીખવ્યું છે કે ‘ભૂલ કરવી એ કમજોરીની નિશાની છે.’

KBC જેવા મંચ બાળકોની પ્રતિભા પ્રદર્શિત કરવાની તક આપે છે, પરંતુ તે સમાજનો આયનો પણ છે. એ બાળક એ વાતનો પુરાવો છે કે આપણા બાળકોમાં જ્ઞાનની ખોટ નથી, પરંતુ ભાવનાત્મક બુદ્ધિમત્તા(Emotional Intelligence)નો અભાવ છે. દિમાગ તેજ છે, પરંતુ સંયમ નથી. જાણકારી છે, પણ વિનમ્રતા નથી. અને આ ખોટ માત્ર બાળકની નથી, પણ તે કૌટુંબિક વાતાવરણની છે જેમાં તે મોટો થાય છે. 

આ બાળકનો વધુ પડતો આત્મવિશ્વાસ આપણને યાદ અપાવે છે કે શાણપણ માત્ર જાણવામાં નથી, સમજવામાં છે. સાચું જ્ઞાન વ્યક્તિને નમ્ર બનાવે છે, અહંકારી નહીં. આપણને એવા બાળકોની જરૂર છે જે પ્રશ્નોના જવાબો યાદ ન રાખતા હોય, પણ પ્રશ્નો પૂછવાની હિંમત ધરાવતા હોય. દરેક જીત પછી તે કહી શકે છે – ‘હું આજે કંઈક નવું શીખ્યો.’ કે.બી.સી.નો એપિસોડ સમગ્ર સમાજનો અરીસો છે – જ્યાં આપણે બાળકોને ઝડપથી અને સ્માર્ટ રીતે  ઉછેરવા માંગીએ છીએ, પરંતુ તેમને ઊંડાણપૂર્વક શીખવવાની તમા નથી રાખતા. 

બાળકોને શીખવાનો આનંદ શીખવવાની જરૂર છે, જીતનું જનૂન નહીં. બાળકને જ્યારે એવું લાગશે કે દરેક ભૂલ શીખવાનો એક અવસર છે, ત્યારે તે અસફળતાથી નહીં ડરે. એટલા માટે, તેની ઉપલબ્ધિની અતિ-પ્રશંસાથી બચવું – ‘તું તો જીનિયસ છે’ એવું કહેવાને બદલે, ‘તેં સરસ મહેનત કરી’ એવું કહેવું. તેનાથી બાળક પોતાને જીનિયસ સાબિત કરવાને બદલે મહેનતથી સાબિત કરવા પ્રયાસ કરશે. બાળકોને ઉડતાં જરૂર શીખવવું જોઈએ, પણ તેમને એ ખબર હોવી જોઈએ કે જમીન પર પગ કેવી રીતે રાખવા તે પણ ઉડવાની કળાનો જ હિસ્સો છે.

(પ્રગટ : “ગુજરાત મિત્ર” / “મુંબઈ સમાચાર” / “ગુજરાત મેઈલ”; 26 ઑક્ટોબર 2025)
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

બસ અકસ્માત માટે બહુ મહેનત થાય છે …

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|27 October 2025

રવીન્દ્ર પારેખ

કોઈ પણ અકસ્માતની આગોતરી વરદી હોતી નથી. એ તો થાય ને બસ ! થાય જ છે. જો કે, એવી સ્થિતિ નથી કે કુદરત પર દોષનો ટોપલો ઢોળી શકાય. હવે ઘણા અકસ્માતો માનવીય બેદરકારીનું પરિણામ હોય છે. એમાં સરકારથી માંડીને પ્રજા સુધીનાં સૌ વત્તે ઓછે અંશે જવાબદાર છે. વારુ, એમાં જવાબદારો બહુ ઓછા દંડાય છે ને સૌથી વધુ ભોગ બને છે – પેસેન્જરો અને રાહદારીઓ. એમનો કોઈ વાંક હોતો નથી ને સૌથી વધુ ભોગવવાનું એમને જ આવે છે. કોઈ ગુજરી જાય કે ઘવાય, તો એમની પાત્રતા થોડા હજાર કે લાખ રૂપિયાનું વળતર મેળવવાથી વિશેષ ભાગ્યે જ કૈં હોય છે.

છેલ્લા થોડા દિવસોમાં થયેલા બસ અકસ્માતો જોઈએ –

25 ઓક્ટોબરના સમાચારમાં હૈદરાબાદથી બેંગલુરુ જઈ રહેલી એક ખાનગી એ.સી. સ્લીપર બસ શુક્રવારે કુર્નુલના ચેન્નાતેકુર પાસે વહેલી સવારે ૩.30ના અરસામાં એક બાઈક સવાર સાથે ટકરાઈ. બાઈક બસની નીચે એવી ફસાઈ કે તેની ટાંકી ખૂલી જતાં આગ લાગી ને તેણે બસને લોખંડી હાડપિંજર બનાવીને જ છોડી. બસમાં બે ડ્રાઈવર સહિત 41 મુસાફરો હતા. એટલું સારું હતું કે બસની ડિઝલ ટેન્કમાં આગ નહોતી લાગી, એટલે કેટલાક મુસાફરોને બચાવી લેવાયા. કેટલાક ઈમરજન્સી ગેટ ખોલીને બહાર નીકળવામાં સફળ થયા. કેટલાક સારવાર હેઠળ છે, તો ય, વીસ જણાની રાખ એવી પડી કે કેટલાક મૃતદેહોની ઓળખ કરવાનું પણ મુશ્કેલ થઈ પડ્યું. વહેલી સવારનો સમય હતો એટલે મુસાફરો ભર ઊંઘમાં હતા ને શું થયું તેની ખબર પડે તે પહેલાં આગ બસને લપેટાઈ ચૂકી હતી. બસમાં બચવાના સાધનો જ ન હતાં, તે ત્યાં સુધી કે ઈમરજન્સી ગેટ તોડવાની હથોડી સુદ્ધાં ન હતી.

વાત તો એવી પણ છે કે બસમાં મુસાફરો 41 હતા, પણ સ્માર્ટ ફોન 236 હતા. આ ફોન અને એ.સી. બેટરીને કારણે આગે ઝડપથી વિકરાળ રૂપ ધારણ કર્યું. 46 લાખની કિંમતના આ ફોન હૈદરાબાદના એક વેપારીએ બેંગલુરુ સ્થિત ઈ-કોમર્સ કમ્પનીને મોકલ્યા હતા. બસ અને મૃતકો નસીબના એટલા બળિયા કે એમને રાષ્ટ્રપતિની, વડા પ્રધાનની, રાજ્યના મંત્રીઓની સંવેદનાઓ પ્રાપ્ત થઈ. વડા પ્રધાન રાષ્ટ્રીય રાહત નિધિમાંથી મૃતકોનાં સ્વજનોને બે લાખનું અને ઘાયલોને પચાસ હજારનું વળતર પણ તરત જ જાહેર થયું. વળતરની વ્યવસ્થા એટલી જડબેસલાક છે કે અકસ્માત થયો નથી કે વળતર જાહેર થયું નથી !

આવા જ બીજા અકસ્માતમાં જેસલમેરથી જોધપુર જઈ રહેલી એક ખાનગી બસ માર્ગમાં જ સળગી જતાં 22 લોકો ભડથું થઈ ગયાં. આ દુર્ઘટના 14 ઓક્ટોબરે વોર મ્યુઝિયમ નજીક બની. ફાયર બ્રિગેડની મદદથી આગ પર કાબૂ તો મેળવાયો, પણ 22 લોકોએ જીવ ગુમાવ્યો ને 15 લોકો ઘાયલ થયા. થયું હતું એવું કે શોર્ટસર્કિટ અને ફટાકડાને કારણે આગ લાગી હતી, પરિણામે ઘણાંને ભાગી છૂટવાની તક જ ન રહી. અહીં પણ પ્રધાન મંત્રી રાહત નિધિમાંથી 2 લાખના વળતરની જાહેરાત કરવાનું ચુકાયું ન હતું. આવી જ રીતે બે’ક વર્ષ પર મહારાષ્ટ્રનાં બુલઢાણાના સમૃદ્ધિ એક્સપ્રેસ વે પર બસ સળગી ગયેલી અને 25 લોકો આગનો ગોળો થઈ ગયેલા. બસ રોડ પર મુકાય ત્યારે તે મુસાફરો અને મુસાફરી માટે યોગ્ય છે, એવી કોઈ ચકાસણી થતી હશે કે કેમ તે નથી ખબર ! ઘણું ખરું નહીં જ થતી હોય, કારણ અકસ્માત પછી જે પાત્રતા જાહેર થાય છે, એમાં તો ખામીઓ જ બહાર આવે છે. આ ખામીઓ પ્રાદેશિક નથી, રાષ્ટ્રીય છે.

ગુજરાતની વાત કરીએ તો બસ, કાર, બાઈક અકસ્માતોના ટકરાવની નવાઈ નથી. 21 ઓક્ટોબરે ધોલેરા-ભડિયાદ માર્ગે એસ.ટી. બસ અને કાર ટકરાતાં એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું અને 4 ઘાયલોને ભાવનગરની હોસ્પિટલે ખસેડવા પડ્યા હતા. એના બે દિવસ પહેલાં ભુજ જતી લકઝરી અને ઇકો વચ્ચે ટક્કર થતાં બેનાં મોત થયાં હતાં ને ટ્રાફિક જામ થઈ ગયો હતો. ધોલેરા હાઈવે પર જ 5 ઓક્ટોબરે બે લકઝરી બસો આપસમાં એવી ટકરાઈ કે ૩ની હાલત ગંભીર થઈ ગઈ અને 10 ઘાયલ થયા. 1 ઓક્ટોબરે વંડામાં એસ.ટી. બસ અને કાર વચ્ચે અકસ્માત થતાં માતા અને પુત્રીને ઈજા થઈ હતી. આવા અકસ્માતો તો થતા જ રહે છે ને ઘાયલો અને મૃતકોના આંકડા વધતા રહે છે. તે ઉપરાંત  બસને કરોડો રૂપિયાનું નુકસાન થાય છે તે નફામાં, પણ અકસ્માતોનાં કારણોની અને તેને રોકવાની બહુ જરૂર જોવાતી નથી.

એ ચમત્કાર જ છે કે માણસ ઘરેથી નીકળીને સાંજને છેડે ઘરે આવી રહે છે, બાકી લોકોની સુરક્ષાની જવાબદારી જેમની છે, તે નેતાઓ કે મંત્રીઓ તો મૃતકોને અને ઘાયલોને આર્થિક વળતર નાખવા કે સંવેદનાઓ પાઠવવા સિવાય ભાગ્યે જ કોઈ ફરજ બજાવતા હશે. વિધિ બધી જ થાય છે, પણ સચ્ચાઈ તો અંતિમ વિધિમાં જ જોવા મળે છે. અકસ્માત થતા જ આદેશો છૂટે છે, સમિતિઓ રચાય છે, અહેવાલો આવે છે, પણ રસ્તા પર પૂર ઝડપે દોડતા અગનગોળાઓમાં જીવતી આહુતિઓ આપવાનું અટકતું નથી. બસોમાં ઈમરજન્સી ગેટ રાખવામાં જ એટલે આવે છે કે ઈમરજન્સી વખતે ન ખૂલે. કમ સે કમ ત્યારે તો ન જ ખૂલે. એ પછી પણ ખખડધજ બસો દોડતી રહે છે, એ.સી.માં શોર્ટ સર્કિટ થતી જ રહે છે, બસનાં સીટ ફોમ, તેનું વાયરિંગ, તેનાં ઈમરજન્સી ગેટ્સ, તેનો એક જ દરવાજો, એક માણસ પણ સરળતાથી પસાર ન થઈ શકે એવા સાંકડો પેસેજ, તેના અધકચરા તાલીમ વગરના ડ્રાઈવરો-કલીનરો, જે સડકો પરથી તે દોડે છે તે માંદલી સડકો, ટ્રેનોની ઓછી સંખ્યાઓ … વગેરે એટલી બધી રીતે જોખમી છે કે અકસ્માતે ન થવું હોય તો પણ થઈને રહે.

છેલ્લાં ત્રણેક વર્ષમાં થયેલા આઠેક સ્લીપર બસ અકસ્માતોમાં 100થી વધુ જીવ ગયા છે. એમાંના સાત અકસ્માતો મધરાતથી વહેલી સવાર દરમિયાન થયા છે. બને છે એવું કે એક જ પેસેજ હોવાથી ને બધા જ એક સાથે બહાર જવા ઉતાવળા હોવાથી, બસની બહાર નીકળવાનું મુશ્કેલ બની જાય છે. બીજી મુશ્કેલી સ્લીપર બસો ડબલ ડેકર હોય તો ઉપરથી નીચે ઉતરવાનો સમય ઓછો પડે છે એ છે. વળી નીચે પણ પેસેજમાંથી આવી રહેલા મુસાફરોની ભીડ હોવાથી અરાજકતા જ વધે છે ને એ જાનહાનિનો આંકડો જ મોટો કરે છે. ખરેખર તો ડબલ ડેકર રાત્રિ સ્લીપર બસો બંધ કરવા જેવી છે. એ ઈમર્જન્સીમાં ક્યારે ય ઉપયોગી સાબિત થઇ નથી. મોટા ભાગની રાત્રિ સ્લીપર બસો અંદાજે ૩૦૦થી 800 કિલોમીટર કવર કરતી હોય છે. આ સમયમાં ડ્રાઈવરો ભરોસાપાત્ર ભાગ્યે જ રહે છે. તેઓ થાકે છે કે ચાલુ બસે ઊંઘી જાય છે કે નશો કરેલી હાલતમાં અકસ્માત નોતરે છે.

આમ પણ લોકો ટ્રેનમાં મુસાફરી કરવાનું પસંદ કરે છે, તે એટલે કે તે ઓછી જોખમી અને બસ કરતાં ઝડપી છે. ટ્રેનો મળતી નથી એટલે મુસાફરો નાછૂટકે બસોમાં મુસાફરી કરે છે ને વધુ પૈસા ખર્ચીને જોખમ ખરીદે છે. વધારે જોખમ તો તહેવારો વખતે ઊભું થાય છે. દિવાળી, હોળી જેવા તહેવારોમાં લોકો ગામ જવા ઊમટી પડે છે. એનો લાભ ખાનગી બસના સંચાલકો પૂરેપૂરો ઉઠાવે છે. ફાલતું બસોનાં ભાડાં ત્રણ ચાર ગણા વધારીને આ સંચાલકો કારીગરોનું રીતસર લોહી લૂંટે છે ને ગરજના માર્યા આ લોકો વધારે પૈસા ચૂકવવા લાચાર બને છે. સરકાર અને પરિવહન ખાતું આ વાત સારી પેઠે જાણે છે, પણ કોઈ સાંઠગાંઠ હોય તેમ સૌ તાબોટા ફોડતા રહે છે ને કોઈ પગલાં લેવાતાં જ નથી. ટ્રાફિક પોલીસ, આર.ટી.ઓ., પોલીસ તંત્રો નથી એવું નથી, પણ તેઓ કબૂલવા કરતાં વસૂલવામાં વધુ સક્રિય છે. મંત્રીઓ બદલાય છે, પણ મંતરવાનું બદલાતું નથી, તો થાય કે બધા એક જ થેલીના ચટાપટા છે. આટલે વર્ષે પણ એક જ સરકાર હોવા છતાં આ લૂંટ અટકાવી શકાતી નથી એ શરમજનક છે. અકસ્માતના અને બસ સળગવાના અકસ્માતોમાં વધારો થતો જ રહ્યો છે, છતાં હાઈવે પર ટ્રોમા સેન્ટરો કે હોસ્પિટલો નથી. તે હોય તો ઘણાનાં જીવ બચાવી શકાય, પણ એવું તો થાય ત્યારે ખરું !

ખરેખર તો ખાનગી ડબલ ડેકર સ્લીપર બસો રાતના ચલાવવા પર પ્રતિબંધ હોવો જોઈએ, કારણ તેની એક માત્ર દાનત કમાણીની જ હોય છે. આ બસો ચાલુ રાખવી જ પડે એમ હોય તો તેનું કઠોર પરીક્ષણ થવું જોઈએ, જેથી મુસાફરોને માથેથી ઘાત ટળે. પૈસા ખર્ચીને મોત ખરીદવાનો આ ઉદ્યોગ બંધ થાય તો મુસાફરોએ ખાસ કંઇ ગુમાવવાનું નથી. એ બસ કંપનીઓએ જોવાનું છે કે તેણે સલામત ધંધો કરવો છે કે મુસાફરોની જિંદગી જોડે રમત રમતી યુક્તિઓ પર પ્રતિબંધ આવે તેની રાહ જોવી છે?

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 27 ઑક્ટોબર 2025

Loading

...102030...151152153154...160170180...

Search by

Opinion

  • ગઝલ
  • સુરત મહાનગરપાલિકાને –
  • MET Gala 2026: સૉફ્ટ પાવરના મંચ પર ભારતનો ‘આર્કટેક્ચરલ’ વિજય
  • ચલ મન મુંબઈ નગરી—340
  • ગુજરાત UCCમાં સ્ત્રી  

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • નોકરી એક ચુડેલ
  • સાંજ….ગઝલ.
  • મારા પછી
  • ગઝલ
  • મિસ્ટર આંબેડકર અને આંબેડકર કોણ હતા

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved