Opinion Magazine
Opinion Magazine
Number of visits: 9345137
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

કોરોના સમયનું સાહિત્ય

સંધ્યા ભટ્ટ|Opinion - Literature|15 February 2021

કોરોનાની મહામારી દુનિયાના દરેક દેશમાં વ્યાપી વળી અને ભારતમાં પણ તેણે પગપેસારો કર્યો. એને ખાળી શકાય એ હેતુથી આપણે ત્યાં વડા પ્રધાને લગભગ તાત્કાલિક કહી શકાય એ અસરથી લૉકડાઉન જાહેર કર્યું. ઉપરાછાપરી ત્રણ લૉકડાઉન આવ્યાં. આ સંજોગોમાં દેશના તમામ વર્ગના લોકોને બે પ્રકારે ગંભીર પરિસ્થિતિનો સામનો અચાનક જ કરવાનો આવ્યો. કોરોનાનો અને લૉકડાઉનનો. પોતે જ્યાં હતાં ત્યાં સ્થગિત થઈ ગયેલાં લોકો હતપ્રભ બની ગયાં? કોરોનાનો ડર અને લૉકડાઉનની ઘરના અર્થતંત્ર પર અસર ઘણાંને માટે જીવલેણ નીવડ્યાં. મૃત્યુ દર અને આપઘાત દરમાં ધરખમ વધારો હજી પણ થોભવાનું નામ નથી લેતો.

આટલી વાત પરથી કોરોનાની વ્યક્તિગત, પારિવારિક, સામાજિક, આર્થિક અને મનોવૈજ્ઞાનિક અસર કેટલી ઐતિહાસિક છે, તેનો ખ્યાલ આવશે. બહારથી સ્થગિત કહી શકાય એવા આ સમયમાં આપણી ગતિ વિલક્ષણ પ્રકારે વિપરીત દિશામાં થઈ. એક તો એ કે માણસોનું ઘરની બહાર જવાનું સદંતર બંધ થઈ ગયું, પણ ટેક્નોલૉજીના વ્યાપક વપરાશને કારણે માણસોએ આભાસી રીતે બહારની દુનિયા સાથે સંપર્ક રાખવાનું વધારે જોરશોરથી શરૂ કર્યું. આની ઘણી સારી-માઠી અસરો થઈ. તો કેટલાકને જેને ખૂબ ઝંખતા હતા તે અવકાશ મળ્યો, કહો કે નવરાશનો સમય મળ્યો જેનો તેમણે હકારાત્મક ઉપયોગ કર્યો. પણ આ નવરાશનો સમય જેઓ ન જીરવી શક્યા તેમને અથવા તો જેમને કામ વગર રહેવું અનેક રીતે પોષાય તેમ નહોતું એ વર્ગના વ્યક્તિગત અને સામાજિક જીવન પર વિઘાતક અસરો પડી.

પોતાની આસપાસ અને પોતાની ભીતર અમીબાની જેમ જેમતેમ આકાર લઈ રહેલી આ પરિસ્થિતિને પોતાના લખાણોમાં ઝીલવાનું કામ લેખકોએ કર્યું. આમાંનું કેટલુંક સાહિત્યની વ્યાખ્યામાં આવે અને કેટલુંક ન પણ આવે. પરંતુ એક વાત તો સાચી કે આ બધું કામ સ્વયંપ્રતીતિમાંથી આવ્યું છે. આ સમયમાં લેખન સાથે કામ પાડનારા સમુદાયને પણ એક અવકાશ મળ્યો અને તેનો લેખન-વાચન-વક્તવ્ય માટે ઉપયોગ થઈ શક્યો. કોઈ પણ કલા દ્વારા અભિવ્યક્તિ એ સંવેદનશીલ સર્જકજીવની જરૂરિયાત છે. એટલું જ નહીં લેખન એ લખી શકે એવા દરેકને માટે ઉપચાર છે. Expression has a therapeutic value? એરિસ્ટોટલે પણ કેથાર્સિસની વાત કરી જ છે. તો આ વિશેષ સંજોગોમાં લેખકો અને કલાકારોને સર્જનાત્મક હોવાનો લાભ રહ્યો.

આ સંદર્ભે ગુજરાતી ભાષાના લેખકોએ જુદા જુદા સ્વરૂપમાં સર્જન કર્યું. કવિતા, લઘુકથા, વાર્તા, નવલકથા, નાટ્યસ્વરૂપ અને નિબંધો (જેમાં હાસ્યનિબંધ પણ આવી જાય) દ્વારા સ્વાનુભૂતિની વાત સામયિકોમાં, પુસ્તકોમાં, ઇ-સામયિકોમાં, બ્લૉગ પર, વેબસાઇટ પર તેમ જ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર એમ  કોરોનાની અસર રૂપે પુષ્કળ લેખન થયું. તેની અસરકારકતા, સર્જકતા અને સાહિત્યિક તત્ત્વ વિષે મતમતાંતર હોઈ શકે, પણ આ અંગે પોતપોતાના મિજાજને અનુકૂળ વિધામાં લખાયું છે ! આ લખાણોમાંથી પસાર થઈએ તો ખબર પડે છે કે દરેક રસની અનુભૂતિ થાય એ પ્રકારે લખાયું છે. એવું બની શકે કે હજી કેટલીક કૃતિ કેટલાક લેખકોની કલમે આ દિવસોમાં ચર્વણામાંથી પસાર થતી હોય … કોરોનાની પશ્ચાદ્‌ અસર લોકજીવનમાં તેમ લેખન પર લાંબા અરસા સુધી ચાલશે જ.

આ ક્ષણે, આ ઉપક્રમમાં આપણે આ દિવસોમાં શું લખાયું અને પ્રગટ થયું તે અંગે વિહંગાવલોકન કરવાના છીએ. કેટલાંક સામયિકોએ ખૂબ સુંદર કામ કર્યું. ‘એતદ્‌’ એ સુરેશ જોશીના સમયથી ચાલતું આપણું સ્તરીય સામયિક છે. હાલ તેના સંપાદકો કમલ વોરા, નૌશિલ મહેતા અને કિરીટ દૂધાત છે. તેમણે કોરોના વિશેષાંક પ્રગટ કર્યો, જેમાં પ્રકાશિત કવિતા અને વાર્તામાં કોરોના સમયની વાત સૂક્ષ્મ સ્તરે થઈ. સંપાદકીયમાં લખાયું છે, ‘મનુષ્યમાત્રને કોરોના મહામારીની ભયાનકતા સ્પર્શી છે અને એની સંવેદનામાં, વાસ્તવને આકલન કરવાની વિચારશક્તિમાં અભૂતપૂર્વ અને ભારે ઊથલપાથલ થઈ છે. અમે એતદ્‌: ૨૨૫માં સાહિત્યકારમિત્રોને અનુરોધ કર્યો હતો કે તેઓ આ વિશિષ્ટ સમયથી પ્રેરિત અને પ્રભાવિત થઈ લખાયેલી રચનાઓ અંકના એક વિશેષ કોરોના – વિભાગ માટે અમને મોકલે.’ નોંધવું જોઈએ કે આ માગણીના ત્રણેક મહિનામાં જ આ અંક પ્રકાશિત થયો અને સંતર્પક કૃતિઓ આપણને સાંપડી. હરીશ મીનાશ્રુ દ્વારા સન્નિપાતના ઢાળમાં ‘મુમૂર્ષુની વિલાપિકાઓ’ શીર્ષકથી ૯થી ૩૦ મે દરમિયાન લખાયેલું દીર્ઘકાવ્ય સુરેશ જોશીને શતાબ્દીવંદના રૂપે અર્પણ કરાયું છે, જે વાંચીને સુરેશ જોશીનાં ‘તથાપિ’નાં દીર્ઘકાવ્યો યાદ આવે. કોરોનાના નિમિત્તે જાત સાથેની વાત જુઓ :

‘પ્રબુદ્ધ હું

હું તજ્‌જ્ઞ તતનો, રહસ્યવેત્તા, રમ્ય કલાધર
સ્કૉલર લગભગ સતનો
પ્રકાણ્ડપંડિત, વિદગ્ધ હું જ્ઞાનીવિજ્ઞાની
તદપિ કેવળ ક્ષણભંગુર ને દગ્ધ 
નિરુપાય હું સદાસર્વદા રોગી
મરણપ્રેયસીનો ભવભવનો ભોગી’

ભગવદ્‌ગીતા અને ઉપનિષદના અદ્વૈતના અધ્યાસ સાથે એકવીસમી સદીમાં ટી.વી. પર દેખાતી હનુમાનની સિરિયલની સહોપસ્થિતિ ((juxtaposition) આ કવિતામાં છે. ક્રીડાંગણો કૅરમબોર્ડમાં અને સ્ટેડિયમ સાપસીડીના ચોખંડા પૂંઠામાં સંકોચાઈ ગયા છે અને રેડ ઝોનમાં ઘર આખું નજરબંદ થયેલું કવિની નજર જોઈ શકે છે. ઝૂલણા અને ગઝલને એક શીર્ષક તળે પ્રયોજતા કવિ વાસ્તવની સેળભેળનો જાણે કે કાવ્ય રૂપે ચાર્ટ દોરે છે ! તેઓ લખે છે,

‘જીર્ણ વસ્ત્રો તજીને
મનુષ્ય જે રીતે નવાં વસ્ત્રો ધારણ કરે છે એ રીતે
મેં ધારણ કરી છે પીપીઈ કિટ
ને અશ્વિનીકુમારોનું આવાહન કરીને
મારી લાલાયિત જિહવા પરથી શબ્દ ઉપાડીને 
કર્યો છે સ્વેબટેસ્ટ :
હું સંક્રમિત છું આશાથી, સંભ્રમિત છું
ભાષાથી.’

અજય સરવૈયાનાં ગદ્યકાવ્યોમાં રશિયન લેખક અને ફિલ્મમેકર તાર્કોવસ્કીની ફિલ્મો સાથે સંલગ્ન કવિનું સંવેદન પ્રગટ થયું છે. તેઓ લખે છે,

‘મારા મનમાં ચાલતું હતું, પહેલો તબક્કો ‘નોસ્ટાલ્જિયા’નો,
પરિવારને ઘરમાં ગોંધી રાખવાનો. બીજો ‘સેક્રિફાઇસ’નો,
પરિવારને બચાવવા ઘરમાં આહુતિ આપવાનો. ‘નોસ્ટલ્જિયા’નો,
નાયક મીણબત્તી પ્રગટાવે છે, ‘સેક્રિફાઇસ’નો ઘર, ત્રીજો
તબક્કો ‘સ્ટોકર’નો, ઝોનની શોધનો, ઝોનમાંથી રૂમની શોધનો,
ને એમ જાતની શોધનો.’

અહીં, નોસ્ટાલ્જિયા, સેક્રિફાઇસ અને સ્ટોકર એ તાર્કોવસ્કીની ફિલ્મનાં નામ છે … ચૉમ્સ્કી અને બુદ્ધની સાથે લૉકડાઉનને મૂકીને તેઓ માનવજાતની મૂળ સમસ્યા પર આંગળી મૂકે છે. ‘લૉકડાઉનઃ ચૉમ્સ્કી અને બુદ્ધ’ શીર્ષક તળે તેઓ લખે છે,

‘અને પછી તો આટલી પણ વાત નહિ થઈ શકે, આ રીતે પણ
વાત નહિ થઈ શકે. હાલમાં એક મુલાકાતમાં ચૉમ્સ્કી જણાવે
છે : વાઇરસ એ સમસ્યા નથી, આપણા વ્યવસાયનું મૉડેલ
સમસ્યા છે. બેફામ, બેસુમાર, બેહદ નફો, કોઈ પણ ભોગે
નફો. એટલે કોઈ પણ ભોગે. આ ગ્રહના ભોગે પણ. બીજું બધું
તો શું ગણાવું? કે કેટલું ગણાવું? તમે એ બધું જાણો જ છો.
આ લોભ ક્યાં જઈ અટકશે ? અટકશે ? લગભગ અઢી હજાર
વર્ષ પહેલાં ગૌતમ બુદ્ધે કહેલું કે આપણી મોટા ભાગની
પ્રવૃત્તિઓ અને આપણા મોટા ભાગના સંબંધો વ્યાવસાયિક
પ્રવૃત્તિના મૉડેલને આધારે ઘડાયેલા છે. એટલે વ્યવહાર કે
લેવડદેવડનું મૉડેલ. એમણે મૉડેલ એવો શબ્દ નહોતો વાપર્યો.
આ તો ચૉમ્સ્કીની વાત સાથે પ્રાસ બેસાડવા.’….

કાવ્યાન્તે લખે છે,

‘આમ જુઓ તો આ વાઇરસ છે, બહાર, ને અંદર. તેમ જુઓ
તો મેટાફર. આ ચૉમ્સ્કી અને બુદ્ધ તો આ કવિતાનાં પાત્રો છે,
કહો ને ડિવાઇસ. બુદ્ધ હવે નથી, ચૉમ્સ્કી નહિ રહે, આ
વાઇરસ હમણાં છે, ભલે, પણ નહિ રહે. ફળિયાં, શેરી, ચોક 
આમ સૂનાં નહિ રહે. જોતજોતામાં બધું પહેલાં જેવું, સમુંસૂતરું
થઈ જશે. પણ પેલા મૉડેલનું શું ?’

કાનજી પટેલ કહે છે, ‘પ્રલય અલગથી નહીં આવે.’ કવિ રમણીક સોમેશ્વર સ્તબ્ધતાનો તાગ પુરાકલ્પનો દ્વારા મેળવવાની કોશિશ કરે છે અને વિપાશા લખે છે,

‘જન્મીશ હું
આવતી કાલે
આજે તો લાવ
જરા
મરી જઈ જોઉં
પૂરેપૂરું’.

રાકેશ દેસાઇ લૉકડાઉન અષ્ટકમાં ગલી, ઘર, કુટુંબ, ટોળું, સ્પર્શ, પીળી ચકલી, મંદિર અને હું શીર્ષકથી સન્નાટ્ટાના, સૂનકારના કે ચાલીસ-પચાસનાં ટોળાં સંદર્ભે અછાંદસ રીતિએ લખે છે. તેઓ કહે છે,

‘માણસ
ટેરવું થઈ ગયો છે,
ને દરેક ટેરવું
હજી અડધી જ વંચાયેલી કોઈ ક્રાઇમ થ્રીલરનાં દરેક પાત્રની જેમ
શંકાસ્પદ ખૂની છે.
વારંવાર હાથ ધોતી શેક્સપિયરની લેડી મેકબેથ
હવે લોકહિતાર્થે સરકારી જાહેરાત જેવી લાગે છે.’

આ સંવેદનમાં સીધાં સનનન જતાં તીરની વેધકતા છે.

કોરોના નામની ઘટનાએ પશ્ચિમ અને પૂર્વને એક રેખા પર ઊભા કરી દીધાં છે. પૂર્વે એમ હતું કે આપણે ત્યાંની પરિસ્થિતિ પ્રમાણે આધુનિક અને અનુઆધુનિક વલણ પશ્ચિમની રીતે જ આપણે ત્યાંના સાહિત્યમાં ન લાગુ પડે એવું યથાર્થ મનાયેલું’ પણ કોરોનાકાળના વૈશ્વિક અનુભવો સંદર્ભે જુદી રીતે વિચારવું પડે એમ છે. મેહુલ દેવકલા લખે છે,

‘દિવસ અને રાત્રિ જાણે
ભેળસેળ થઈ ગયાં છે.’

આ સંવેદનની હવે સમજૂતી આપવી પડે એમ નથી. શ્રમિકોની સ્થિતિ સંદર્ભે પ્રતિષ્ઠા પંડ્યાનું આલેખન કેટલું યથાર્થ છે !

‘રસોડાના પ્લૅટફૉર્મ પર
ખાંડ ઢોળાય ત્યારે
કે પછી કોઈ વંદો મારી ગયો હોય ત્યારે
બારસાખના નીચેના ખૂણામાંના
દરમાંથી નીકળી 
ઊભી-સીધી … જમણે …. નીચે …
ને પછી એક લાંબી લીટીમાં
થઈ આવી પહોંચતી
એક પાછળ એક
શિસ્તબદ્ધ હરોળમાં ચાલતી
કામદારો જેવી
ઝીણી લાલ કીડીઓ’

અને તે પછી કવિતામાં આગળ

‘બારીઓની ફાટમાંથી
દરવાજા નીચેની સાવ સાંકડી
ન દેખાય એવી જગામાંથી
ચાવીના નાના કાણાંમાથી
બારસાખની તિરાડમાથી
બાથરૂમના ખાળની જાળીનાં
એકેક ઝીણાં કાણાંમાથી
……
ઊભરાઈ, ઊભરાઈને આવી રહ્યાં
બેબાકળી કીડીઓનાં
ટોળેટોળાં
કોઈએ વેરવિખેર કરેલાં
તોડેલાં, ખતમ કરી નાખેલાં
એમનાં ઘર શોધતી
કોઈની ચપટીમાં
કોઈના ચંપલ તળે
ગૂંગળાઈ ગયેલાં
જીવન શોધતી
પોતાનાં દર શોધતી
ભૂખી, તરસી 
ભરીને અંદર
ભારોભાર ચટકા
તરફડતી લાલ કીડીઓ.’

સંવેદનશીલ સર્જકચેતનાનું શ્રમિકોની કતારો માટેનું આ સાદૃશ્ય તંતોતંત ! પ્રતિષ્ઠા પંડ્યા અછાંદસ દ્વારા તો પારૂલ ખખ્ખર ગઝલમાં આ દારુણ સ્થિતિને હદયદ્રાવક રીતે મૂકે છે. પ્લૅટફૉર્મ પર પડેલા માના શબ પાસે અબુધ બાળકને જોઈને પારૂલ લખે છે,

‘સનસનીખેજ થઈ ખબર સૂતી, છીનવી બાળનું છતર સૂતી
આભ ઓઢી ધરાના પાથરણે, જીવતીજાગતી કબર સૂતી
પીળ કાઢો ને ચીર ઓઢાડો, એક નારી લઘરવઘર સૂતી.’

‘નિરીક્ષક’ એ આપણું વિચારપત્ર છે અને તેનું નામ સૂચવે છે તે પ્રમાણે, અને ખાસ તો કોરોનાકાળમાં આપદ્‌ ધર્મ તરીકે દરરોજ ડિજિટલ આવૃત્તિ ૨ એપ્રિલ, ૨૦૨૦થી શરૂ કરી ૫ જૂન,૨૦૨૦ સુધી પ્રકાશિત કરીને રોજબરોજની સ્થિતિનાં અહેવાલો અને નિરીક્ષણો આપ્યાં. ઉર્વીશ કોઠારી અને ચંદુ મહેરિયાએ તેનું સંપાદન કર્યું. તે પછી સાપ્તાહિક ધોરણે પ્રકાશિત થયું તે હમણાં ઑક્ટોબર સુધી. રોજ ઓછામાં ઓછી એક વાસ્તવને વ્યક્ત કરતી કવિતા અહીં પ્રગટ થઈ જેમાં જનસામાન્ય પ્રત્યેની ચિંતા વ્યક્ત થઈ. મધુસૂદન પટેલ ‘મધુ’ લખે છે,

તાવડી પર ધૂળ ચડતી જાય છે, ઝૂંપડી માટીમાં ભળતી જાય છે.
સૂર્ય સાથે ભૂખ ઊગતી જાય છે ને અમર આશા ય મરતી જાય છે.
એક વિધવા મા બીજું તો શું કરે, ધીમેધીમે બાપ બનતી જાય છે.

રાજ ગોસ્વામી લખે છે,

‘એ મહારાષ્ટ્રમાં મર્યા,
કારણ કે ટ્રૅક પર સૂઈ ગયા હતા,
વિશાખાપટ્ટનમમાં એટલા માટે મર્યા
કારણકે ઘર પર સૂઈ ગયા હતા
ઉત્તર પ્રદેશમાં એટલે મર્યા
કારણ કે ટ્રક પર સૂઈ ગયા હતા
એ પ્લૅટફૉર્મ પર એટલા માટે મરી ગયા
કારણ કે ટ્રેનમાં ભૂખ્યા સૂઈ ગયા હતા
તમે એટલા માટે મરી ગયા છો
કારણ કે તમને મરતા લોકો દેખાતા બંધ થઈ ગયા છે.’

પ્રવીણ ગઢવી, વજેસિંહ પારગી, નિલેષ કાથડ, આત્મારામ ડોડિયા, ભરત મહેતા, બકુલા ઘાસવાલા, સાહિલ પરમાર, રાજુ સોલંકી – આ સૌએ પોતાની લાગણી પ્રગટ કરી.

સાહિત્યિક ઇ-જર્નલ ‘સાહિત્યસેતુ’, જે પ્રા.નરેશ શુક્લ સંપાદિત કરે છે, તેમણે કોરોના-વિશેષાંક પ્રગટ કર્યો. એ માટે તેમણે વિવિધ માધ્યમો પર સૌને આમંત્રિત કર્યા હતા અને ગુજરાતી, હિન્દી અને અંગ્રેજીમાં જાણીતા અને અજાણ્યા લેખકોની કૃતિઓ પ્રગટ કરી. અહીં રક્ષા ચોટલિયાની કલમે ‘મારી દિનચર્યા’ શીર્ષક હેઠળ કોરોનામાં પતિ ગુમાવેલ સ્ત્રીનો દૈનિક ક્રમ જોવા મળે છે, તો આ અફરાતફરીના માહોલમાં કથકને અચાનક ભેટી ગયેલ એક બહેનની વાત છે, જેમના હાથનો શીરો નાનપણમાં ખૂબ ભાવતો. પ્રીતિ ભાર્ગવની કલમે આવા સુખદ અનુભવની લઘુકથા પણ મળે છે. ડાયરી, પત્ર જેવાં આપણાં પરંપરાગત લેખનસ્વરૂપો અહીં વાંચવા મળે છે. કોરોના નિમિત્તે પૂર્વે આવેલ વધુ ગંભીર મહામારી વિષે લખીને ડૉ. પ્રદ્યુમન ખાચર સૌને આશ્વસ્ત કરે છે.

સુરતની રાષ્ટ્રીય કલાકેન્દ્ર સંસ્થા ૧૯૫૫થી વિવિધ વિધામાં કલાપ્રવૃત્તિ કરે છે. પોપટભાઈ વ્યાસ, વજુભાઈ ટાંક, ચંદ્રકાંત પુરોહિત અને વાર્તાકાર સરોજ પાઠક ત્યાં એક સમયે કામ કરતાં. હાલ તેની સાહિત્ય સમિતિનાં કન્વીનર કવયિત્રી અને અભિનેત્રી યામિની વ્યાસ છે. સંસ્થાના પ્રમુખ-મંત્રીના સહકારથી કલાપ્રેમી અને સતત કાર્યરત સન્નિષ્ઠ નરેશ કાપડિયાએ ખૂબ મહેનતથી કોરોના કાવ્યના બે ઇ-સંચય પ્રગટ કર્યા. પ્રથમ સંચયમાં તેમણે નીવડેલા કવિઓને આમંત્ર્યા અને ૩૦૬ રચનાઓ પ્રગટ કરી. બીજા સંચય માટે તેમણે સ્પર્ધા જાહેર કરી, જેમાં ૩૦૩ રચનાઓ પ્રગટ થઈ. આ સંચયમાં લગભગ દરેક કવિની કૃતિ મળશે. આ પ્રકારના ઉપક્રમથી દરેકને એક મંચ મળ્યો અને લાગણીના આવિર્ભાવનું વહેણ મળ્યું. કવિની સાહિત્યિક સજ્જતા અંગે પ્રશ્ન ન ઉઠાવતા શબ્દ માટેની નિસબત અને જિકર તરફ  જ આપણી દૃષ્ટિ હોવી ઘટે. કિસન સોસાની ગઝલનું આચમન કરીએ :

‘કાગ બોલે એકલો ટગડાળમાં, આ કાળમાં, પાંદડા ફફડે હવા વિણ ફાળમાં આ કાળમાં’
નાનકો એ કોણ કૂણી પાનીએ પથ કાપતો, આટલું બળ ક્યાંથી કૌવત બાળમાં આ કાળમાં

રાષ્ટ્રીય કળાકેન્દ્રએ એક સંચય સત્યકથાઓનો પણ કર્યો છે. જેમાં સુરતના કલેક્ટર, ડી.એસ.પી., સેવાસંસ્થાઓના સૂત્રધારો, ડૉક્ટરો – આ સૌના અનુભવો – સત્યકથાઓ નરેશ કાપડિયાના સંપાદનમાં સાંપડશે.

અછાંદસ, ગઝલ તેમ સંસ્કૃત છંદોમાં પણ કોરોના કાવ્યો લખાયાં છે. મુંબઈસ્થિત સ્નેહલ મઝુમદાર ‘તીરકિટ ધા’ નામે કૉલમ ‘જન્મભૂમિ પ્રવાસી’માં લખે છે. ગંભીર વિષયોની વાત હાસ્યરીતિએ લખવા માટે તેઓ જાણીતા છે. હજી થોડા દિવસો પહેલાં જ કોરોનાના દરદી તરીકે તેમને હૉસ્પિટલમાં રહેવું પડ્યું. પણ ત્યાંથી રજા લીધા પછી તેમણે લખેલ કોવિડ-કેલિ-અષ્ટકની ચાર પંક્તિ સંભળાવું …

‘કોરોના શક લાગતા જ ભરતી રુગ્ણાલયે સત્વરે,
ઇન્ટ્રાવીનસ ભોંકિયું નસ મહીં, ઊંધા કર્યા બાટલા,
સોયોની વણઝારશી તનમહીં આવી મને વીંધવા,
જાણે ભીષ્મપિતામહે રણ મધે બાણો સહ્યા કારમા’.

લતા હિરાણીએ શરૂ કરેલ ‘કાવ્યવિશ્વ’ વેબસાઇટમાં પણ કોરોના કૉર્નર હેઠળ કાવ્યો છે.

માંડવી કચ્છ સ્થિત વિવેકાનંદ રિસર્ચ ઍન્ડ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ અંતર્ગત ગોરધન પટેલ ‘કવિ’એ કોરોના કાળ પર આધારિત લઘુનવલની એક સ્પર્ધા યોજી, જેમાં ૩૬ જેટલી લઘુનવલ આવી હતી. વિજેતા કૃતિ મહેશ ‘સ્પર્શ’ની ‘લૉક્ડ’ અને મનસુખ સલ્લાની ‘નવો અવતાર’ને પ્રથમ ક્રમાંક મળ્યા. બંને લઘુનવલ નાનકડા મધ્યમવર્ગીય પરિવારની કથા છે. ‘લૉક્ડ’નો નાયક શરદ પ્રાથમિક શાળામાં શિક્ષક છે પણ હાલ તાલુકા હેલ્થ ઑફિસના કૉલસેન્ટરમાં તેણે ફરજ બજાવવાની છે. તે કવિજીવ છે, કામુ કાફકા વગેરેનાં પુસ્તકો પણ મંગાવીને વાંચે છે. પત્ની સ્મિતાને પણ નાટકફિલ્મ જોવાનો શોખ છે. પાંચ-છ વર્ષની પુત્રી દિયા છે જેના સ્વાસ્થ્ય અને સુખાકારી માટે શરદ ખૂબ ચિંતિત છે. પુત્રીને રસી મૂકવાની હોય તો તે પણ જોઈ ન શકે એવો દીકરીની બાબતમાં અતિ લાગણીશીલ છે. એવામાં શરદને પોતાને કોરોના થાય છે, તે ક્વૉરન્ટાઈન થઈ જાય છે પણ તે પછી તે ખૂબ ડરી જાય છે, અસલામતી અનુભવે છે, વારંવાર પત્ની પર ખિજાય છે અને દીકરી પોતાની નજીક ન આવે તેમ કરે છે. વધારે પડતો સેનેટાઇઝરનો ઉપયોગ કરવાને કારણે તેના હાથ કહોવાઈ જાય છે. કોરોનાનો ઓથાર એક વ્યક્તિને કેટલો પામર, પાંગળો અને જાતમાં કેદી બનાવી દે છે, તેની રફતાર મહેશ ‘સ્પર્શ’ એ બરાબર બતાવી છે. એ સંજોગોમાં નજીકના મિત્રના મૃત્યુના સમાચાર આવે અને પત્ની સ્મિતાને પતિ અને પુત્રીને સાચવવા કેટલું સંતુલન રાખવું પડે છે તે પણ અહીં છે. ‘લૉક્ડ’ શીર્ષક નાયકના અંતરમનને વ્યક્ત કરે છે.

મનસુખ સલ્લાની લઘુનવલ પણ પરિવારકેન્દ્રી છે. અહીં દીપ્તિ, સુકેતુ અને દીકરો-દીકરી છે. લૉકડાઉનની શરૂઆતમાં તો આખો પરિવાર જાતભાતની રમત રમે છે, કિલ્લોલ કરે છે. પચાસની વયની આસપાસનાં આ દંપતીમાં ગૃહિણી દીપ્તિ સહજપણે સૂઝથી સંસાર સંભાળે છે, પણ ઑફિસના કામના ભારણે સુકેતુને ડાયાબિટીસ આપ્યો છે. સામાન્ય રીતે રેઢિયાળ ચાલતા દિવસોમાં જે વાત દીપ્તિ સુકેતુને તેના સ્વભાવ વિષે ન કહી શકી તે સંવાદ લૉકડાઉનના અવકાશમાં થઈ શક્યો. સુકેતુને અંતે થતો કોરોના જીવનનું મૂલ્યભાન કરવામાં નિમિત્ત બને છે. એક સ્પર્ધામાં પ્રથમ ક્રમે વિજેતા થયેલી બંને કૃતિ આ સમયનાં બે સામસામેનાં પરિમાણો બતાવે છે.

અન્ય નોંધપાત્ર લઘુનવલમાં પ્રજ્ઞા વશીની ‘અભિતપ્ત’માં કોરોના નિમિત્તે અમેરિકા અને ભારતની સંસ્કૃતિ તેમ જ માનવીય સંવેદનામાં જોવા મળતા ભેદની વાત છે. વિષ્ણુ પ્રજાપતિએ હાસ્યનવલનો સરસ પ્રયત્ન કર્યો છે. કોરોનાનું કમઠાણ જ તેની પાછળ છે પણ શીર્ષક કોઈ બીજું આપી શકાયું હોત. શોપિઝન નામની એક વેબસાઇટ પર પ્રગટ થયેલી મનહર ઓઝાની  ‘વુહાન ઇફેક્ટ’ લઘુનવલ ફેન્ટસીનો ઉપયોગ કરીને લખાઈ છે.

‘અમદાવાદ વાર્તાવર્તુળ’ દ્વારા કોરોના વાર્તાઓનું એક સંપાદન ‘કોરોનાકથાઓ’ શીર્ષકથી વાર્તાકાર દીવાન ઠાકોર અને મનહર ઓઝાએ કર્યું. કોરોના થયો હોય તેને સારું ખાવાનું મળે, સવલત મળે તે જાણીને શ્રમજીવીનું બાળક કહે છે, ‘ચાલને, આપડે ય ચોંકથી કોરોના લઈ આઇએ’ ! ગિરિમા ધારેખાન વંચિતોની આ વિડંબનાને વાર્તામાં વાચા આપે છે. ‘એતદ્‌’માં કોરોનાકાળના સંવેદનની બે વાર્તા છે. હર્ષદ ત્રિવેદીની ‘નિષ્ક્રમણ’ અને કોશા રાવલની વાર્તા ‘લૉકડાઉન’. પ્રથમ પુરુષના કથનકેન્દ્રથી લખાયેલી ‘નિષ્ક્રમણ’માં નાયક કોરોનાગ્રસ્ત છે. ઘરમાં ક્વૉરન્ટાઇન છે. રાત્રીનો સમય છે. પત્ની, પુત્ર-પુત્રવધૂ, વાડાનાં ફૂલોની સુગંધ, ઘરનું રાચરચીલું – આ તમામનો ઊંડેથી અનુભવ કરે છે. તેને થાય છે કે આ છેલવેલ્લો અનુભવ છે. પોતાની ગેરહાજરીમાં બધો વહીવટ-વહેવાર કેવા ચાલશે તેની ચિંતાથી વિગતવાર ચિઠ્ઠી લખે છે … નિષ્ક્રમણની … ચાલી નીકળવાની તૈયારીની વાર્તા અંતે ચોટ પણ સાધે છે.’ લૉકડાઉન’ ડાયરીની પ્રયુક્તિથી લખાયેલી લગ્નેતર સંબંધની વાર્તા છે. ભાષાની પ્રોફેસર હરિતાને પરિણીત સુજોય સાથે પ્રેમ છે, પણ તેની સાથે પોતે ઇચ્છે છે તે રીતનો સમય ગાળવા મળ્યો નથી. આ વખતે પણ સુજોય એક મિટિંગ માટે મુંબઈથી અમદાવાદ આવવાનો હતો, તેથી બપોર પછી હરિતાના ઘરે આવ્યો. સવારે નીકળવાનો જ હતો, ત્યાં લૉકડાઉન જાહેર થયું. સુજોય સાથે આમ અચાનક રહેવાનું મળતા હરિતા રોમાંચિત થઈ જાય છે. બંનેનાં મનોસંચલનો ડાયરી દ્વારા જણાય છે. શારીરિક સંબંધોથી મળતો સંતોષ ખુશી, ફરિયાદ, ઊણપો, સરખામણી, અણગમો – એમ અનેક ભાવપલટા પછી અંતે ફરી એક વાર લૉકડાઉન જાહેર થાય છે ત્યારે …..? તેમનો સંબંધ આટલા દિવસોના સહવાસ પછી કયાં ઊભો છે ? એ માટે વાર્તા વાંચવી પડે.

આપણા મહત્ત્વના વાર્તાકાર મોહન પરમાર ‘કાલપાશ’ લઘુનવલ આપે છે. પતિ-પત્ની-બે દીકરીઓ અને બા-બાપુજી એક પરિવારમાં રહે છે. કોરોનાને કારણે બધાં આખો દિવસ ઘરમાં. ગૃહિણીનું કામ વધે. પતિ-પત્નીને માંડ એકાંતની ક્ષણો મળે, પાડોશીઓ સાથે કોરોનાની વાતો, કોરોનાનું બાજુની સોસાયટી લગી આવી જવું, સગાંવહાલાંમાં મરણ – આપણે સૌએ અનુભવ્યું તે અહીં કથારૂપે છે અને વધારામાં સ્વપ્નપ્રયુક્તિથી અન્ય વર્ગની કરુણ સ્થિતિ પણ ખરી. વાસ્તવિક સ્થિતિનું બયાન કરતી આ લઘુનવલમાં કેટલીક સંવેદનશીલ ક્ષણો કાલપાશમાં સપડાયેલા લોકની દશા બતાવે છે !

ખેવના દેસાઈ અને ગૌરાંગ જાની સમાજશાસ્ત્ર સાથે સંકળાયેલાં છે અને સર્જનાત્મક સાહિત્ય તરફ પણ તેમની વાચક-લેખક તરીકેની ગતિ છે. ખેવનાએ કેટલીક એકોક્તિઓ લખી છે જે દ્વારા તે સ્ત્રીઓની સ્થિતિ બતાવે છે. ‘ઘરમાં રહો, સુરક્ષિત રહો’માં સતત ઘરમાં રહેતો પતિ કામધામ વગર અને પોતાને જેની ટેવ પડી છે, તે પીણાંની અવેજીમાં પોતાના આવેશને કેવી રીતે પત્ની પર ઉતારે છે, તેની હચમચી જવાય એવી વાત છે. આવી દશા હોય ત્યારે સતત વાગતી રહેતી જાહેરાત ‘ઘરમાં રહો, સુરક્ષિત રહો’ને કેવી રીતે મૂલવીશું ?આ દિવસોમાં પહેલી વાર નર્સની સેવાનું મૂલ્ય આપણને સમજાયું. ખેવના લખે છે,

‘સદીઓથી અમને સદી ગઈ છે
આબાલવૃદ્ધ સૌને બેઠાં કરવાની
આ કળા
એમાં તે શી નવાઈ
કાળજી લેવી એ તો કાંઈ કળા કહેવાય ?
છોકરાં જણવાં અને ધવડાવવાં
જેવું જ સહજ છે એ તો … તમે ભજતા રહ્યાં પેલાં શ્વેતવસ્ત્રા વૃતાદેવીને
પણ, અમારાં શ્વેત વસ્ત્રો તો ઝાંખાં જ રહ્યાં…’

ગૌરાંગ જાનીએ ‘કોરોના બિંબ-પ્રતિબિંબ’ નામે એક અદ્‌ભુત પુસ્તક કેતન રૂપેરાના સંપાદનમાં આપ્યું છે. સામાજિક વિશ્લેષણને પોતાનો ધર્મ માનતા આ લેખકે ‘sociological imagination’ની પાંખે આસપાસ બનતી ઘટનાઓને ઘાટ આપ્યો છે. જુદા જુદા વર્ગ અને વ્યવસાય ધરાવતા લોકોની આ સમયમાં શું સ્થિતિ થઈ – ખાસ તો આવી વખતે આપણે જેમની ક્યારે ય વાત નથી કરતાં તે વર્ગ, ડાઉન સિન્ડ્રોમ વ્યક્તિઓ, કુપોષિત બાળકો, ઘરવિહોણાં કુટુંબો સાંકડા ઘરમાં રહેતાં કુટુંબો, સેક્સવર્કર્સ – આ સૌ વિષે આંકડા સહિત વાત કરી છે. ગૌરાંગ જાનીની કવિતાઓમાં હડસેલાયેલો લોક છે. બહાદુર બાઇસિકલ ગર્લ જ્યોતિ પર તેમણે લખ્યું,

‘ખૂબ લડુંગી મરદાની
મેં તો સાઇકલવાલી જ્યોતિ !
 
એક દિવસ, બે દિવસ
દિવસ પછી દિવસ ….
રાત પછી રાત
મારા પગ ને મારો શ્વાસ !

સાઇકલ મારી સરરર જાય
ટીનટીન ટોકરી વગાડતી જાય
પણ પંક્ચર તો પડે
પડે હાથમાં છાલાં !

ગીતો ગાતી જાઉં
પાપાને જગાડતી જાઉં
જોઉં આકાશે તારા
એ જ તો ગરીબના સહારા !

ક્યાંક મળે છાંયો
તો ક્યાંક કોઈનો ઓટલો
કોઈ આપે રોટલો
કેવો મારો ચોટલો !

થાક લાગે
લાગે પેટમાં ભૂખ
સાથે પિતાનું દુઃખ
સાવ સૂકું મારું મુખ !

પણ પહોંચી હું તો
ગામ મારે
ભેટી માને, ભેટી સખીઓને
હાશ ! હવે તો પડી માને ખોળે’.
(પૃ.૯૮-૯૯)

કોરોના સમયના સાહિત્યને ‘મધુરેણ સમાપયેત’ તો ન કરીએ પણ હાસ્યેન સમાપયેત કરીએ. અને તે એ કે ડૉ. કિરીટ વૈદ્યે ‘કોરોનાસંગ, હાસ્યવ્યંગ’ નામે આખો સંગ્રહ આપ્યો છે. તેઓ લખે છે, ‘મોઢે-મોઢે માસ્કનું ઉપવસ્ત્ર લાગ્યું છે … માસધોરણે માસ્ક ખરીદી લેવાં, વરસ માટેનું કરિયાણું ઘરમાં ભરી લેવું, આલ્કોહૉલયુક્ત સેનિટાઇઝર મળે એટલું અને કોઈ પણ સાઇઝની બૉટલો ઘરભેગી અને કરભેગી કરી દેવી એ ‘કોરોના સે મરોના’ જેવી બીકનું  પૅનિક છે.’

હાસ્યલેખિકા કલ્પના દેસાઈના હાસ્યલેખનો આ પતિ-પત્ની સંવાદ જુઓઃ

‘હં .. તો હું એમ પૂછું કે આ કોરોનાની જાતે કઈ હશે ?’

‘લે, હવે આવા કોઈ જીવડાની કોઈ જાત આવતી હશે?? ને એની જાત કોઈ પણ હોય, એ કંઈ હિંદુમુસ્લિમ શીખ, ઈસાઈ કે ગોરા-કાળાને જોઈને નથી કોઈની બોચી પકડતો. કોને નિશાન બનાવે તે ખબર જ ન પડે.’

‘કોરોના સાહિત્ય’ – આ સંજ્ઞા ભવિષ્યમાં ભુલાઈ જાય એવું નરવું વાતાવરણ બને એવી અપેક્ષા રાખીએ.

[‘ગુજરાતી સાહિત્ય પરિષદ’ના 50મા અધિવેશનમાં, 28 ડિસેમ્બર 2020ના,                                                                                                                                                                ‘મહામારીના સમયમાં સાહિત્ય’ નામક ઓનલાઈન પરિસંવાદમાંની રજૂઆત]

પી.આર.બી. આર્ટ્સ ઍન્ડ કોમર્સ કોલેજ, બારડોલી

e.mail : sandhyanbhatt@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક”, 16 ફેબ્રુઆરી 2021; પૃ. 08-11

Loading

15 February 2021 સંધ્યા ભટ્ટ
← ગેરસમજુ કવિ
… તો, અનુપમજીને સમજવાનાં વર્ષો હતાં →

Search by

Opinion

  • લાકડાના વેપારીની બોઇંગ કંપનીનું સો વર્ષનું એકચક્રી શાસન ડામડોળ થઇ રહ્યું છે
  • ….. તો શું થાત?
  • અમેરિકી પ્રમુખ ટ્રમ્પને નોબેલ ‘અશાંતિ’ પુરસ્કાર અપાવો જોઈએ …
  • ભારતીય ઉડ્‍ડયન ક્ષેત્રના રન-વેની વિટંબણાઓઃ સલામતી, આર્થિક મજબૂતાઈ, નીતિની ગૂંચ જેવા બર્ડ હિટ
  • પશ્ચિમનો યુગ પૂરો થઈ ગયો છે

Diaspora

  • ભાષાના ભેખધારી
  • બ્રિટનમાં ગુજરાતી ભાષા-સાહિત્યની દશા અને દિશા
  • દીપક બારડોલીકર : ડાયસ્પોરી ગુજરાતી સર્જક
  • મુસાજી ઈસપજી હાફેસજી ‘દીપક બારડોલીકર’ લખ્યું એવું જીવ્યા
  • દ્વીપોના દેશ ફિજીમાં ભારતીય સંસ્કૃતિ અને હિન્દી

Gandhiana

  • ગાંધીમાર્ગ કઠિન છે?
  • બાપુનો દાંત
  • વિરાટદર્શન
  • નિર્મમ પ્રેમી
  • મારી અહિંસા-યાત્રા

Poetry

  • કારમો દુકાળ
  • વિમાન લઇને બેઠા …
  • તારવણ
  • હે કૃષ્ણ ! કોણ છે તું?
  • આ યુદ્ધ છે !

Samantar Gujarat

  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 
  • સરકારને આની ખબર ખરી કે … 

English Bazaar Patrika

  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day
  • Destroying Secularism
  • Between Hope and Despair: 75 Years of Indian Republic

Profile

  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર
  • મૃદુલા સારાભાઈ
  • મકરંદ મહેતા (૧૯૩૧-૨૦૨૪): ગુજરાતના ઇતિહાસલેખનના રણદ્વીપ
  • અરુણભાઈનું ઘડતર – ચણતર અને સહજીવન

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved