અહીં ગઝલો પ્રસ્તુત છે : જેમાં ત્રણ ગઝલો અત્યંત લઘુ બહરમાં છે અને એક ગઝલ પ્રચલિત છંદમાં છે.
ગઝલ
અરીસા સામે તો જીવી રહ્યા છો
છતાંયે સત્યને શોધી રહ્યા છો
રહે છે સાથમાં એ છાયા જેમ જ
તમે જે શખ્સને શોધી રહ્યા છો
નથી આવ્યાં એ હોઠો પર કદાપિ
જે પ્રશ્નો આંખમાં વાંચી રહ્યા છો
જીવો છો મૌનના દરિયામાં ડૂબી
છે કોના બોલ જે બોલી રહ્યા છો
આ રસ્તો લઈ જશે ક્યાં રામ જાણે
છતાં આંખો મીચી દોડી રહ્યા છો
પવન બદલે દિશાને એમ લોકો
સદા ચહેરાને બદલાવી રહ્યા છે
કર્યા છે જેમણે સાહિલ સવાલો
જવાબો એમને પૂછી રહ્યા છો
•
ગઝલ
શોધે ગલ્લા
સુખના દલ્લા
મનમંદિરમાં
મારો ટલ્લા
પીડા કરતી
મન પર હલ્લા
હોવું અંતે
ફલ્લમ્ફલ્લા
ચારે બાજુ
તું છો વલ્લા
સપનાંઓ તો
છમ્મકછલ્લા
શબ્દો સાહિલ
ઈશ્વર અલ્લા
••
ગઝલ
રંગ છે
વ્યંગ છે
લાગણી
તંગ છે
આઈનો
દંગ છે
વેદના
ચંગ છે
અશ્રુઓ
ગંગ છે
ના કોઈ
સંગ છે
જીવવું
જંગ છે
•••
ગઝલ
કામ છે
નામ છે
જિંદગી
ધામ છે
ખાલીખમ
જામ છે
રોશની
શ્યામ છે
શ્વાસ પર
ડામ છે
હોવામાં
હામ છે
સત સ્વયં
રામ છે
નીસા ૩/૧૫ દયાનંદ નગર, રાજકોટ ૩૬૦ ૦૦૨
e.mail : sahilrjt1946@gmail.com