વેદ પ્રતાપ વૈદિકે ભારત પાછા ફરીને હાફિઝ સઈદ સાથેની મુલાકાતને લગતું જે નિવેદન પ્રસારિત કર્યું એ બેધારું હતું એટલે તો સંસદે બે દિવસ વેદ પ્રતાપ વૈદિકના કારનામા પાછળ બગાડ્યા હતા. આવડો મોટો હોબાળો મચવાનું કારણ એ નહોતું કે તેઓ ગદ્દગદ થઈ ગયા હતા, પણ ખરું કારણ એ હતું કે તેમણે તેમના કારનામામાં બૅકડોર ડિપ્લોમસીનો સંકેત આપ્યો હતો. આવડું મોટું સાહસ એવી જ વ્યક્તિ કરે જે નાદાન હોય અથવા જેણે સરકારની સંમતિ મેળવી હોય
વેદ પ્રતાપ વૈદિક ઘાટ-ઘાટનાં પાણી પી ચૂકેલા હિન્દી પત્રકાર છે. કેટલાક માણસો એવા હોય છે જેમનાં મૂળિયાં સમુદ્રી વનસ્પતિની માફક પાણી ઉપર ચારે બાજુ ફેલાયેલાં હોય છે, પણ જમીની વનસ્પતિની માફક ઊંડાં ઊતરેલાં નથી હોતાં. સમુદ્રનાં મોજાંની સાથે તેમની જગ્યા બદલાતી રહે છે. વેદ પ્રતાપ વૈદિક આવા એક પત્રકાર છે. તેઓ એક જમાનામાં સર્વોદયવાળાઓ સાથે ફરતા જોવા મળતા હતા. પઠાણકોટમાં સમન્વય આશ્રમમાં રહીને તેઓ સત્યમભાઈ નામના એક અંતેવાસી પાસેથી અફઘાનિસ્તાનનો અભ્યાસ કરતા હતા. એ પછીનાં વર્ષોમાં તેઓ કૉન્ગ્રેસના નેતાઓ સાથે જોવા મળતા હતા અને અત્યારે તેઓ બાબા રામદેવ, સંઘ પરિવાર અને BJPની આજુબાજુ ફરતા જોવા મળે છે. દક્ષિણ એશિયા એ તેમનો રસનો વિષય છે. સત્યમભાઈ પાસેથી અફઘાનિસ્તાનના ઇતિહાસ અને સંસ્કૃિતનો અભ્યાસ કર્યા પછી તેમણે બીજા ભારતના પાડોશી દેશોના ઇતિહાસ અને સંસ્કૃિતનો અભ્યાસ કર્યો હતો. દક્ષિણ એશિયા વિશેની તેમની જાણકારી સરાહના કરવી પડે એટલી વ્યાપક છે, પરંતુ એને ચોક્કસ પરિપ્રેક્ષ્યમાં રાખવા જેટલી આવડત તેઓ નથી ધરાવતા એટલે તેમની ગણના ભારતીય ઉપખંડને સમજનારા સમાજશાસ્ત્રીઓમાં નથી થતી.
વેદ પ્રતાપ વૈદિક સમુદ્રી વનસ્પતિ જેવા ઉફરા વિદ્વાન જ નથી, મહત્ત્વાકાંક્ષી માણસ પણ છે. આજકાલ તેઓ દિલ્હીમાં વિવેકાનંદ ઇન્ટરનૅશનલ ફાઉન્ડેશન સાથે સંકળાયેલા છે અને બાબા રામદેવની બહુ નજીકના માણસ ગણાય છે. વિવેકાનંદ ઇન્ટરનૅશનલ ફાઉન્ડેશન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સેંકડો સંસ્થાઓમાંની એક છે, જેને બાબા રામદેવ આર્થિક મદદ કરતા હોવાનું કહેવાય છે. વિવેકાનંદ ફાઉન્ડેશન હિન્દુત્વવાદીઓની થિન્ક ટૅન્ક છે જેમાં હજી હમણાં સુધી અજિત ડોવલ ડિરેક્ટર હતા. અજિત ડોવલની વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર તરીકે નિયુક્તિ કરી છે. વર્તમાન સરકાર સંઘ પરિવારની છે. વિવેકાનંદ ઇન્ટરનૅશનલ ફાઉન્ડેશન એક થિન્ક ટૅન્ક તરીકે સરકાર પર વગ ધરાવે છે અને એમાં વળી ફાઉન્ડેશનના ફાઉન્ડર ડિરેક્ટર અજિત ડોવલ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર છે એટલે વેદ પ્રતાપ વૈદિક મોસાળમાં જમણ અને મા પીરસનાર જેવી મજા લઈ રહ્યા છે.
આ વૈદિકસાહેબ તાજેતરમાં પાકિસ્તાન જઈને લશ્કર-એ-તય્યબાના આમિર હાફિઝ મહમ્મદ સઈદને મળી આવ્યા અને ગદ્દગદ થઈને પાછા આવ્યા. પત્રકાર આતંકવાદીને મળે એમાં કાંઈ ખોટું નથી. જગતમાં અનેક પત્રકારો આતંકવાદીઓ અને ગુનેગારોને જીવના જોખમે તેમના અડ્ડાઓમાં મળવા ગયા છે અને તેમણે દિલધડક સ્ટોરીઓ આપી છે. હજી દાયકા પહેલાં ડેનિશ પત્રકાર ડેનિયલ પર્લ પાકિસ્તાનમાં શેખ મુબારક અલી ગિલાની નામના આતંકવાદીની મુલાકાત લેવા ગયો ત્યારે તેને યહૂદી હોવા બદલ મારી નાખવામાં આવ્યો હતો. સિખ આતંકવાદી જરનૈલ સિંહ ભિંડરાંવાલેની મુલાકાત અનેક દેશી-વિદેશી પત્રકારોએ લીધી હતી. પત્રકારો પત્રકાર તરીકે ગુનેગારો કે આતંકવાદીઓને મળે છે અને સ્ટોરી લઈને પાછા આવે છે. કોઈ પત્રકાર આતંકવાદીની મહેમાનનવાજીથી ગદ્દગદ થઈ ગયો હોય અને તેને મહાન માનવતાવાદી તરીકે ચીતર્યો હોય એવું ક્યારે ય જોવા મળ્યું નથી. જો કોઈ પત્રકાર મહેમાનનવાજીથી ગદ્દગદ થઈ જાય તો એવા પત્રકારને અપરિપક્વ સમજવો. દરેક માણસની પરિપક્વતા અલગ-અલગ હોય છે.
તો પછી વૈદિકની ગદ્દગદ થનારી અપરિપક્વતા રાષ્ટ્રીય ચિંતા અને ચર્ચાનો વિષય શા માટે બની ગઈ છે? આનું એક કારણ છે. વેદ પ્રતાપ વૈદિકે ભારત પાછા ફરીને હાફિઝ સઈદ સાથેની મુલાકાતને લગતું જે નિવેદન પ્રસારિત કર્યું એ બેધારું હતું. માટે તો સંસદે બે દિવસ વેદ પ્રતાપ વૈદિકના કારનામા પાછળ બગાડ્યા હતા. આવડો મોટો હોબાળો મચવાનું કારણ એ નહોતું કે તેઓ ગદ્દગદ થઈ ગયા હતા, પણ ખરું કારણ એ હતું કે તેમણે તેમના કારનામામાં બૅકડોર ડિપ્લોમસીનો સંકેત આપ્યો હતો. આવડું મોટું સાહસ એવી જ વ્યક્તિ કરે જે નાદાન હોય અથવા જેણે સરકારની સંમતિ મેળવી હોય. વેદ પ્રતાપ વૈદિકની બાબતમાં બન્ને સંભાવના છે. તેમની અત્યાર સુધીની સફર અને ઉત્સાહમાં મિશન કરતાં નાદાની વધારે જોવા મળી છે. બીજી બાજુ વિવેકાનંદ ઇન્ટરનૅશનલ ફાઉન્ડેશન સાથેનો તેમનો ઘરોબો બૅકડોર ડિપ્લોમસી હોવા બદલ શંકા પેદા કરે છે. શંકાનાં વાદળો દૂર કરવા વિદેશપ્રધાન સુષમા સ્વરાજે સંસદમાં સત્તાવાર નિવેદન કરીને ખુલાસો કરવો પડ્યો હતો કે વેદ પ્રતાપ વૈદિક વ્યક્તિગત હેસિયતથી પાકિસ્તાન ગયા હતા અને હાફિઝ સઈદને મળ્યા હતા. સરકારને તેમની મુલાકાત સાથે કોઈ સંબંધ નથી. સુબ્રમણ્યમ સ્વામીએ વૈદિકનો પાસર્પોટ જપ્ત કરી લેવાની માગણી કરી હતી. રાજીવ પ્રતાપ રૂડીએ વૈદિકની ધરપકડ કરીને તેમની પૂછપરછ કરવાની માગણી કરી હતી. BJPના બીજા કેટલાક નેતાઓએ વૈદિકને કૉન્ગ્રેસના માણસ ગણાવ્યા હતા. કૉન્ગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ તેમને સંઘના માણસ ગણાવ્યા હતા. ઉપર કહ્યું એમ સમુદ્રી વનસ્પતિની માફક તેમનાં મૂળિયાં ચારે તરફ ફેલાયેલાં છે એટલે કોઈ પણ બાજુ તેમને ધકેલી શકાય છે અને સંબંધ જોડી શકાય છે.
ભારત-પાકિસ્તાન વચ્ચે સંબંધોનો સેતુ બાંધવા અનેક સ્તરે પ્રયાસો થઈ રહ્યા છે. સરકાર સિવાય નાગરિક સમાજ પણ એમાં સક્રિય છે, ત્યાં સુધી કે બન્ને દેશના નિવૃત્ત લશ્કરી અધિકારીઓ પણ બે દેશ વચ્ચેના સંબંધો રાબેતાના થાય એ માટે પ્રયત્નશીલ છે. લશ્કરી અધિકારીઓ કહે છે કે બે દેશ વચ્ચેની તંગદિલીની સૌથી મોટી કિંમત લશ્કરી જવાનોએ ચૂકવવી પડતી હોય છે એટલે શાંતિમાં તેમનો સ્વાર્થ છે. ખરું પૂછો તો બે દેશ વચ્ચેના સંબંધો સુધારવા માટે સરકાર તરફથી જેટલા પ્રયત્નો થઈ રહ્યા છે એના કરતાં વધુ પ્રયત્નો ખાનગી ધોરણે થઈ રહ્યા છે. એ ઉપરાંત વિદેશી સરકારો અને ત્યાંના નાગરિક સમાજો પણ આમાં સક્રિય છે. આવા ખાનગી પ્રયત્નોના ભાગરૂપે પાકિસ્તાનમાં રીજનલ પીસ ઇન્સ્ટિટ્યૂટ નામની સંસ્થાએ ટ્રૅક ટૂ કૉન્ફરન્સ યોજી હતી. એ કૉન્ફરન્સમાં ભાગ લેવા કૉન્ગ્રેસના નેતા સલમાન ખુરશીદ અને મણિશંકર ઐયર, BJPના ફૉરેન અફેર સેલના વડા અને ભૂતપૂર્વ રાજદૂત એન. એન. જહા તથા અટલ બિહારી વાજપેયીના સલાહકાર સુધીન્દ્ર કુલકર્ણી ગયા હતા. પત્રકારોમાં ‘હિન્દુ’ના ભૂતપૂર્વ તંત્રી સિદ્ધાર્થ વરદરાજન હતા. વેદ પ્રતાપ વૈદિકને પત્રકાર તરીકે નિમંત્રણ હતું કે પછી વિવેકાનંદ ફાઉન્ડેશન વતી ત્યાં ગયા હતા એની વિગત બહાર આવી નથી.
સિદ્ધાર્થ વરદરાજને ‘ઇન્ડિયન એક્સપ્રેસ’માં લખેલા લેખમાં કહ્યું છે કે કૉન્ફરન્સમાં વૈદિક પોતાને સંઘ અને સરકારની નજીકની વ્યક્તિ તરીકે ઓળખાવતા હતા. તેમના આવા દાવાને કારણે કૉન્ફરન્સમાં હાજર રહેલા લોકો તેમને વધુ મહત્ત્વ આપતા હતા અને તેમની પાસેથી નવી સરકારના પાકિસ્તાન માટેના વલણને સમજવા માગતા હતા. કૉન્ફરન્સ પૂરી થયા પછી બીજા ભારતીય પ્રતિનિધિઓ ભારત પાછા ફર્યા હતા, પરંતુ વૈદિક ત્રણ અઠવાડિયાંના વીઝા મેળવીને પાકિસ્તાન રોકાઈ ગયા હતા. પાકિસ્તાનમાં તેઓ અનેક લોકોને મળ્યા હતા જેમાં હાફિઝ સઈદ સાથેની મુલાકાત આશ્ચર્યજનક હતી.
આશ્ચર્યજનક એટલા માટે કે પાકિસ્તાન સરકારની મંજૂરી વિના અને ભારત સરકારની જાણ વિના હાફિઝ સઈદ સાથે મુલાકાત શક્ય નથી. હાફિઝ સઈદ પાકિસ્તાનના લશ્કર તેમ જ લશ્કર-એ-તૈયબાનું સર્જન છે. તે એનો કૃપાર્થી પણ છે અને પાકિસ્તાન માટે માથાનો દુખાવો પણ છે. એ ઉપરાંત અમેરિકાએ તેને આતંકવાદી જાહેર કર્યો છે, જે વૉન્ટેડ છે અને તેના માથા સામે ઇનામ છે. હાફિઝ સઈદ ભારતની સંસદ પર કરાયેલા હુમલાનો મુખ્ય આરોપી છે. ૨૦૦૮ના નવેમ્બર મહિનામાં આતંકવાદીઓએ મુંબઈ પર હુમલો કર્યો એમાં મુખ્ય સૂત્રધાર હાફિઝ સઈદ હતો. કસબ અને બીજા આતંકવાદીઓ હાફિઝ સઈદ પાસેથી મોબાઇલફોન પર આદેશ મેળવતા હતા એવો ભારત સરકાર દાવો કરે છે. હકીકતમાં ઓસામા બિન લાદેનના મોત પછી હાફિઝ સઈદ પાકિસ્તાનનો સૌથી મોટો અને ખતરનાક આતંકવાદી છે. તે કોઈ પાકિસ્તાની ઉર્દૂ શાયર કે યુનિવર્સિટીનો પ્રોફેસર નથી કે તેને ગમે ત્યારે મળી શકાય. હાફિઝ સઈદ પાકિસ્તાન સરકારની મંજૂરી વિના કોઈ ભારતીયને મળે એ શક્ય જ નથી. ભારત સરકાર પણ હાફિઝની પ્રવૃત્તિ પર નજર રાખતી જ હોવી જોઈએ. સંસદમાં હોબાળો મચવાનું આ પણ એક કારણ છે. હાફિઝે પણ વૈદિકને મળવાની સંમતિ કઈ ગણતરીએ આપી એ પણ એક પ્રશ્ન છે. ટૂંકમાં કહીએ તો, વૈદિકની હાફિઝ-મુલાકાત એક પત્રકાર તરીકેની રાબેતાની મુલાકાત નથી એ વાત નક્કી છે. એની પાછળ જરૂર કોઈ પૂર્વઆયોજન હોવું જોઈએ.
બીજી નોંધવા જેવી વાત એ છે કે મુલાકાતની વિગતો વૈદિકે જાહેર કરી છે. હાફિઝ એ વિશે કાંઈ બોલ્યો નથી. વૈદિકની નિવેદનમાંની ભાષા એવી હતી જાણે તેઓ ભારત સરકારના દૂત તરીકે હાફિઝને મળવા ગયા હતા અને તેમણે નરેન્દ્ર મોદીની બાબતે હાફિઝના મનમાં જે શંકાઓ અને ભય હતાં એ દૂર કર્યા હતાં. હાફિઝ તેમને બહાર કાર સુધી છોડવા ગયો હતો અને તેણે પોતે કારનો દરવાજો ખોલીને વેદ પ્રતાપ વૈદિકને વિદાય આપી હતી. વૈદિકના નિવેદનની ભાષા જોતાં એમાં નરેન્દ્ર મોદી સરકારના દૂત હોવાનો સંકેત પણ મળે છે અને જાણે કે કોઈ મીર માર્યો હોય એવા અપરિપક્વ દોઢડાહ્યા પત્રકાર હોવાનો સંકેત પણ મળે છે. જો પહેલી વાત સાચી હોય અને હવે સરકાર વાતને વાળતી હોય તો એ સરકારની મૂર્ખાઈ જ કહેવી પડે. વેદ પ્રતાપ વૈદિક બૅકડોર ડિપ્લોમસીની કોઈ લાયકાત ધરાવતા નથી. જો બીજી વાત સાચી હોય તો પણ ભારત સરકારે ચેતવા જેવું છે. આવા અપરિપક્વ માણસો ભારત સરકાર વતી બોલવાની હિંમત કરી શકે અને એ પણ વિદેશની ધરતી પર એમાં ચેતવણી છે. સરકારે આવા માણસોને બને ત્યાં સુધી દૂર રાખવા જોઈએ.
સૌજન્ય : ‘નો નૉન્સેન્સ’ નામે લેખકની કટાર, “ગુજરાતી મિડ-ડે”, 20 જુલાઈ 2014
http://www.gujaratimidday.com/features/sunday-sartaaj/sunday-sartaat-20072014-2