રાજકોટ જેવા શાંત શહેરમાં મારંમાર સાઇકલ ચલાવવાનો એક પણ ચાન્સ ન ગુમાવાય એવો મંત્ર મારા જેવાં અનેક ઊછળતાં નવજુવાન કિશોર-કિશોરીઓનો હતો. હું દસમા ધોરણમાં ભણતી હોઈશ, ત્યારે એક વહેલી સવારે બાનો ઑર્ડર છૂટેલો કે, "જા. સુધાને (મારી બહેન) હૉસ્પિટલે ચા આપી આવ. એને દીકરી આવી છે." આપણે તો આવા ઑર્ડરો માટે હર હંમેશાં આખી આર્મી ખડી હોય, એમ નવજુવાન યુદ્ધ માટે તૈયાર! અમારાં ઘરમાં એકની એક સાઇકલ હતી. જે લેડિઝ સાઇકલ નહીં, જેન્ટ્સ સાઇકલ! પાછી ઊંચી. એટલે ઓટલા પાસે રાખી, એના પર સવાર થઈ, એક પેડલ મારો તો બીજું ઊંચું આવે.
આમ, તાજી જન્મેલી નવજાત શિશુના મેં પહેલી વાર ઑગસ્ટની સાતમી તારીખ અને ૧૯૬૧માં પહેલા દર્શન કરેલાં. જાપાનીઝ ગુડિયા જેવી કુકુને જોઈને આનંદ આનંદ થઈ ગયેલો. ધોળી ધોળી, ગુલાબી ગુલાબી, નાજુક, સુંદર, કાળા વાળ અને એશિયન લોકો જેવી ચૂંચી આંખો. તે દી'થી આજ સુધી કુકુની વાંહે વાંહે સાઇકલના ફેરા ચાલુ રાખ્યા છે. ધીમે ધીમે આ બાળક અમારાં સૌ વચ્ચે મોટું થવા લાગ્યું. કુકુને, ઘણાં બાળકોને થાય છે, તે જ પ્રમાણે 'કોલિક' રોગ હતો. તેથી એનાં પેટમાં ચૂંક આવે અને રાતોની રાતો કજિયા. રડવાનું અવિરત ચાલુ ને ચાલુ. અમે બધાં વારાફરતી એને અમારાં પેટ ઉપર રાખી, બની શકે એટલી એની વેદના ઓછી થાય એનું ધ્યાન રાખતાં. આમ, આવી નાજુક બાળકીને ઉછેરતાં ઉછેરતાં એનું નામ જ પડી ગયેલું, "ભાઈસાબ! આ સુધાની દીકરી. કજિયાનું ઝાડ છે."
જેમ જેમ મોટી થતી ગઈ તેમ તેમ કજિયા તો બંધ થઈ ગયા, પણ અતિશય ડાહી અને ઠાવકી બનતી ગઈ. કામેકાજે હોશિયાર તો હતી જ. એની સાથે સાથે ભણવે તો બહુ જબરી નીકળી. તનતોડ મહેનત કરી, ઊભે શ્વાસે ભાગતી જ ગઈ … ભાગતી જ ગઈ … ભાગતી જ ગઈ અને ધડાક કરતી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી Financeમાં Ph.D.ની પદવી મેળવી અમારાં કુટુંબનું નામ ઉજાળી દીધું.
જુવાનજોધ કુકુનું નામ અતિશય દેખાવડી છોકરીઓની લાઇનમાં મૂકી શકાય, એવું એનું રૂપ છે. ચમક દમક શ્વેતવર્ણી કુકુ લગભગ પાંચ ફૂટ પાંચ ઇંચ ઊંચી છે. એક સરખું ભરાવદાર શરીર અને ગુલાબી ઝાંય પડતો હસતો ચહેરો. જેના ઉપર પોતાની બુદ્ધિનું તેજ ઝળહળે છે.
કુકુનું લાવણ્ય જોવું એક લહાવો છે. કુકુની મા તો ગામ આખાને કહેતી ફરે છે કે: "આયના સામે કુકુ ઊભી રહે, તો આયનો ફટાક કરતો તૂટી જાય, હોં!" એનાં કામણનાં એક એક પડ ખોલીએ તો દિલ તરબતર થઈ જાય.
કુકુને કાંઈ પણ ભુલાતું જ નથી. પોતાનો ભૂતકાળ, પોતાના પડછાયાની જેમ સતત સાથે રહે છે. આમ, સામાન્ય રીતે ન માની શકાય એવી વાત છે કે કુકુને પોતાના ગત જન્મની નાનામાં નાની વાત યાદ છે! જ્યારથી બોલતી થઈ, ત્યારથી ન માની શકાય એવી વાતો પોતાનાં દાદા-દાદી, નાની, મા-બાપ … બધાંને કહેવા લાગેલી. જે સાંભળી વડીલો તો ચકિત જ થઈ જતાં. આમ, ગત જન્મમાં કુકુબહેન અમારાં દાદીજી સાસુ, યાને કે રળિયાતબા હતાં. ટૂંકમાં કહું તો આ રળિયાતબા ભારી જબરા હતાં. રળિયાતબાને પોતાના દીકરાની વહુ સાથે જિંદગીભર મનમેળ નહોતો પડ્યો. જીવનના છેલ્લા દિવસોમાં કહેતાં કે, "હું તારા દીકરાનાં ઘરે જન્મીશ. મારા મોઢા ઉપર આ મસો છે, તે મારી નિશાની લઈને જન્મીશ. તારે મને નવાં રમકડાં, કપડાં લાવી દેવાં પડશે. આખા જગતને દેખાડી આપીશ કે હું પણ હોશિયાર, ભણેલી-ગણેલી, અંગ્રેજી વાંચતી -લખતી સ્ત્રીઓમાં નામ કાઢીશ."
આવાં રળિયાતબાએ પતિનાં અનેક દુ:ખો સહન કરી, એકલા હાથે બે બાળકો મોટા કરેલાં. વાંચવાનો, જ્ઞાન પ્રાપ્ત કરવાનો અનહદ શોખ હતો. હિંદી મૂવી જોવા માટે હરહંમેશાં તૈયાર રહે. ક્યારેક ક્યારેક અંગ્રેજી ફિલ્મો જોવા જતાં, ત્યારે થિયેટરના ડોરકિપર એમને પૂછતા કે, "માજી, આ અંગ્રેજી ફિલ્મ છે. હિંદી ફિલ્મ તો સામા થિયેટરમાં ચાલે છે." જરા પણ સંકોચ વગર કહી દેતાં : "મૂઆ, મને ખબર છે." એમનાં અંતરમનમાં પ્રબળ ઇચ્છા હતી કે આવતે જન્મે પોતાના ભણેલા-ગણેલા પતિને દેખાડી દેવું કે Accountingમાં પોતે પણ Ph.D.ની પદવી ધારણ કરી શકશે. નવલકથાઓ, ફિલ્મો વગેરેની વાર્તા કરવાનો એમને આગવો શોખ હતો. રળિયાતબાની વાર્તા સાંભળવા કુટુંબીજનો તત્પર રહેતાં. ત્યારે કહેતાં કે "આવતા જન્મે તમામ અંગ્રેજી-જગત આખાનું સાહિત્ય વાંચીશ, હોં!"
રળિયાતબા જેતપુર ગામમાં રહેતાં હતાં. એકલાં જીવન વિતાવેલું. પણ પાડોશી બહુ સારા હતા. ત્યાં એક લોહાણા કુટુંબમાં રહેતા એક 'ભાઈ', બાને દોડી દોડીને બહુ મદદ કરતા હતા. ત્યારે બા સૌને કહેતાં કે, "આવતે જન્મે લોહાણા સાથે લગ્ન કરીશ. એ લોકો વહુનું બહુ ધ્યાન રાખે છે."
આટલી લાંબી વાત એટલે કરી કે, આ જન્મે કુકુએ કરી બતાવ્યું. રળિયાતબાની જેમ જ હોઠ ઉપર મસો લઈને જન્મી. ગત જન્મના પતિને દેખાડી દીધું કે પોતે Financeમાં Ph.D. કરી શકે છે અને ધરાહાર ફાંકડા લોહાણા યુવાન સાથે પરણી. ગત જન્મથી જ 'વાંચવું એ વરદાન છે' એ સિદ્ધાંત ઉપર રોજ-બ-રોજ નવી નવી અંગ્રેજી નવલકથાઓ અને અસંખ્ય આધ્યાત્મિક ચોપડીઓના ઢગલા વચ્ચે વાંચનની વિરાસતમાં વિહરતી રહે છે. ગત જન્મની જેમ જ અમને વાંચેલી વાર્તાઓ કહેતી રહે છે.
આ કુકુ, યાને કે ડૉ. સ્મિતા સોનેચા – વિરલ સોનેચાની પત્ની એક વહાલસોયા દીકરા સત્ય સાથે ૧૯૯૪માં અમેરિકા પધારે છે. કુકુનાં સાસુ-સસરાએ બધાંને ગ્રીનકાર્ડ અપાવી, અમેરિકા વસવાટ કરવાનો નિર્ણય લીધેલો.
સાસુ-સસરા પાસે બે-ચાર દિવસ રહી, મારાં ગામમાં, એટલે કે ફિલાડેલ્ફિયામાં નોકરી શોધવા કુકુ, વિરલ અને સત્ય આપણે ત્યાં આવે છે. 'ધન ઘડી ધન ભાગ્ય!' પહેલીવાર દીકરી-જમાઈ અને પૌત્રનું સન્માન કરવાનો અનેરો લહાવો ક્યાંથી!
કુકુને આમ પુખ્ત વયની (Adult) વ્યક્તિ તરીકે પ્રથમવાર મળવાનું ને સાથે રહેવાનું બનતું હતું. પણ જમાઈરાજ વિરલ તો સાવ અજાણ્યો માણસ અને બાબો સત્યશીલ! કુકુ ઠાવકું માણસ, સંવેદનશીલ માણસ, ડાહ્યું માણસ! બોલવા-ચાલવામાં સતત જાગૃત. સૌને વહાલી લાગે એમ જ વર્તવાનું. અજાગૃતપણે કોઈ પણ વિધાન એનાં મોઢામાંથી ન જ નીકળે. 'ડાહપણ કેરો ડાબલો!' એટલી બધી ડાહી છે કે એને બહુ લુચ્ચી છે એમ કહેવાનું મન થાય, તો પણ તમારો માંહ્યલો – તમારું દિલ ના પાડે.
વિરલ … છણાવટનો માણસ. બનાવટનું એમાં નામ ન મળે. રાજકોટનો બેતાજ બાદશાહ ! શરૂઆતમાં અમેરિકામાં મૂંઝાયેલો તો હતો. વિરલને રાજકોટમાં બાળક તરીકે બહુ રમાડેલો. આખુંયે ગામ વિરલને 'ભૂરિયો' કહેતા હતા. ધોળો ધોળો રૂપાળો અને તડકામાં લાલઘૂમ થઈ જતો. સોનેરી વાળ અને સૌને મોહમાં પાડી દેતો હતો. અમે દોડીદોડીને એના ગાલે ચીટિયા ભરી લેતાં. હવે જુવાનજોધ, સત્યનો બાપ, કુકુનો વર. હિંદી મૂવીનો હીરો (અનિલ કપૂર) સામે ઊભો હોય એવો વિરલ! મનમાં તો થાય કે સાલાને ફરી ચીટિયો ભરી લઉં!
આમ કુકુ-વિરલને ફિલાડેલ્ફિયામાં સેટ કરવાના હતાં. ૨-૩ દિવસમાં રેઝ્યુમી તૈયાર કરી દીધી. પહેલીવાર ઇન્ટરવ્યૂ આપવા ગયેલો વિરલ, ૩-૪ કલાક પછી પણ ઘરે ન આવ્યો. અમને ચિંતા થઈ. સાંજે ૫ વાગ્યે ઘરે આવીને જણાવ્યું કે "મને નોકરી મળી ગઈ. આજથી જ કામ ચાલુ કરી દીધું." બાપુ …! દાદાગીરી! પહેલે ઘાએ નોકરી મળી ગઈ! 'વાહ-વાહ'ના પોકારા સાથે વધાવી લીધો. રાજકોટની શાન-બાન-આન લઈને આવેલાં કુકુ-વિરલની જિંદગી ચાલુ. બીજી બાજુ કુકુને પણ ઘરની નજીક આવેલા કે માર્ટ(K-Mart)માં નોકરી મળી ગઈ. અમે બધાં રોજ જોરજોરથી ગાવા લાગેલાં કે "કુકુ કુકુ સ્માર્ટ, હર દિન જાયે કે-માર્ટ." થોડો વખત સાથે રહ્યાં અને પછી ઘરની સાવ નજીકમાં જ ઍપાર્ટમૅન્ટમાં રહેવા ગયાં. સાથે રહેવાની અમારી સફર ચાલુ!
અમારી ઇમોશનલ જર્ની ધમાધમ, ફટાફટ દસ વર્ષ ચાલી. બંનેની, કુકુ-વિરલની સફળતાની સપ્તપદી ભાગતી ચાલી. એ લોકોની મિત્રતા અને હૂંફમાં અમે ઉભય પક્ષે સચવાઈ ગયાં. શુક્ર-શનિ-રવિ એક જ પંગતમાં બેસી મિજબાનીઓ ઉડાવી. સત્સંગો કર્યા. રોજ નવી ફરમાઈશ પ્રમાણે ખાધું-પીધું, સુખ-દુ:ખમાં ભેગાં ને ભેગાં ઘલાઈ ઘલાઈને રહ્યાં.
વિરલને એક જગ્યાએ સખે બેસી રહેવું ન પોસાય. સતત મોડું થઈ ગયું છે એમ 'ભાગો, ભાગો … રહી ગયાં … હાલો, હાલો'ની ધમાલ હોય. 'દુનિયા ભાગી ગઈ ને આપણે રહી ગયાં.' જેવા ઉદ્દગારો વાતાવરણમાં ગુંજતા હોય. "ન્યૂજર્સી બાલાજીનાં મંદિરે હાલો. શ્રાવણ મહિનો ચાલે છે તો સોમવારે સાંજે ચિન્મયા આશ્રમમાં મહાદેવનાં દર્શને હાલો." જરાક નવરા પડ્યાં કે 'હાલો, હાલો …' 'ન્યૂ હોપ' (પેન્સિલવેનિયા) આંટો મારી આવીએ. કાંઈ ન હોય એમ ગાડી મારી મૂકે. છેક લેન્કેસ્ટર (પેન્સિલવેનિયા) શોપિંગ કરી આવીએ. ચાંદો ઊગે, પૂનમની રાતે અચૂક ગમે તેટલાં બરફનાં તોફાન વચ્ચે, મોટરનાં વ્હિલ પાછળ બેઠેલો અસવાર ક્યારે ને ક્યાં ગાડી હંકારશે, ભગવાન જાણે!
આમ, જલસામાં જ કુકુ-વિરલ ભેગા હતાં એવું નહીં હોં! દીકરાની વહુની સુવાવડ હોય કે પતિદેવની નોનસ્ટોપ સર્જરી-ટ્રીટમેન્ટ હોય કે પૌત્રની હાર્ટ સર્જરી હોય. હરહંમેશાં ખભેખભા મેળવી ભેગાં જ હોય. એમની હૂંફ અને સંવેદનશીલતાનો અનુભવ કર્યો છે. એમની કદરદાની કરવાનું ક્યારે ય નહીં ભૂલીએ.
એકાદ-બે આડવાત : અમે ક્યારેક મશ્કરીમાં કહીએ છીએ કે લાંબા સમય સુધી હૉસ્પિટલમાં ઑપરેશન થિયેટરની બહાર વિરલ કલાકો બેસી રહે છે, ત્યારે એના કૂલા ઉપર લાલ લાલ ભાઠાં પડી જાય છે. ભાગાભાગીથી લથબથ કાયાને આવી રીતે બેસવું પાલવે નહીં હોં! વિરલની બીજી પણ આદત છે કે જો શનિ-રવિ ઘરમાં હોય તો નોનસ્ટોપ રસોડામાં આંટા મારવાના. દર દસ મિનિટે કાંઈ ને કાંઈ ખાવાનું. શિંગ ખાય, જ્યૂસ પીવે, ચેવડો ખાય, સાથે ગાંઠિયા ખાય. મરચાં વઘારે. ફરી એકાદ કાજુ કતરી કે મગજ ખાય. પાણી પીવે. આંટા મારે, ફરી થોડું જમે. સિરિયલ ખાય, જ્યૂસ બનાવે, સ્ટ્રોબેરી શેઇક બનાવે. બસ, દોડાદોડ કરી પોતે તો ખાય, બીજાને પણ હોંશે હોંશે ખવડાવે. નવરો જો પડે તો માંડે લસણની ચટણી બનાવવા. તમને શ્વાસ ચડે હોં! એકવાર હું ઊભી ઊભી વાસણ ઊટકતી હતી. વિરલ પાછળ ડાયનિંગ ટેબલની ચેરમાં બેઠેલો. હું તો ટેવ મુજબ અવિરત વાર્તાલાપ કરતી હતી. ત્યાં ફોનની ઘંટડી વાગી. વિરલનો ફોન હતો! બાપ રે બાપ! ક્યારે નીકળી ગયો ને ક્યારે એના ઘરે પહોંચી ગયો! કેવી રીતે ફોન આવ્યો … હું તો હજી વાતું જ કરતી હતી. પવન વાય એમ વિરલ ઊડતો માણસ છે.
બીજી એક વાત : એક વખત કુકુને હું ૩૦મી સ્ટ્રીટ સ્ટેશને લેવા ગયેલી. બહુ ભીડમાં કુકુ ક્યાં ય દેખાણી નહીં. અમેરિકામાં નવી નવી આવેલી, તેથી વિશેષ ચિંતા થઈ. મેં ઇન્ફોર્મેશન ડેસ્ક પર જઈ કહ્યું કે, "Please, page kuku! come to information desk." ત્યાં બેઠેલો ઑફિસર હસી પડ્યો અને મને કહ્યું કે આવી ઍનાઉન્સમૅન્ટ કરશું તો ઘણાં લોકો ધસી આવશે. (અમેરિકામાં કુકુ એટલે 'ઘનચક્કર લોકો' એવો સામાન્ય અર્થ હોય છે.)
સંબંધોમાં કેવી મોકળાશ અને મુક્તતા હતી! ગ્રોસરી લેવા જવું હોય, ચંપલ લેવાં જવા હોય કે કુકુનાં મોટા ઘરનું ક્લોઝિંગ કરવું હોય … બધું સાથે ને સાથે. નેપથ્યમાં અમારી ખુશીનું સંગીત સતત વાગતું જ રહેતું હતું.
અમારાં લાંબા પ્રવાસોમાં બાળક સત્ય ક્યારેક અતિશય કંટાળતો, ત્યારે પોતાની માની છાતીમાં માથા ભરાવી ભરાવી રડતો, કજિયા કરતો. ત્યારે એને હું મશ્કરીમાં ડરાવતી : "ભેરુને (મારા દીકરાને) એની બે’ન કુકુ બહુ વહાલી છે." આજની તારીખે, ૩૦ વર્ષનો સત્ય હજુ બોલે છે કે, "મને ભેરુમામાની બહુ બીક લાગે!"
નાનો નાનો સત્ય હિંદુસ્તાનથી અમેરિકા આવેલો અને એના માટે જાતજાતનાં રમકડાં લાવવા લહાવો હતો. રોજ સાંજે ઘરનાં બારણે મારી રાહ જોઈને ઊભો હોય. ને કહેતો : "ફ્રોકવાળી સૂચિદાદી ઘરે આવી ગઈ." અમે બંને આખા બગીચામાં પાણી પાતાં પાતાં એકબીજાને પ્રેમથી તરબોળ કરતાં. અમે લોકોએ આ ગેઇમનું નામ આપેલું : 'જીન જીનાટી જીન… જીન જીનાટી જીન.' આજે મારી જિંદગીના આનંદમય દિવસોનાં ઓવારણાં લઉં છું. જીવનપથ પર આવેલા કેટલાક લાઇટના થાંભલા … યાને કે પ્રકાશ સ્થંભો છે.
છેલ્લાં ૧૫ વર્ષથી આ સુખી કુટુંબ હ્યુસ્ટન- ટેકસાસ મૂવ થઈ ગયું છે. નાનો બાળ સત્ય આજે Ph.D.નો અભ્યાસ પૂરો કરવાની તૈયારીમાં છે. વિરલ દોડી દોડીને છેક અવકાશયાત્રીઓ સાથે 'નાસા'માં કામ કરે છે. કુકુ ટેકસાસમાં શિક્ષણક્ષેત્રમાં કામ કરે છે.
આવી મજાની કુકુ મારાં મનમંદિરમાં સદા રહે છે, મારી પાસ!
e.mail : girishsuchi@comcast.net
![]()


ઇટલી દેશના ઉગમણે કિનારે આદ્રિઆતિક સાગરની છોળો પણ શમીને ઉદાસ બની ગઈ હશે, ત્યારે આન્તોનેલ્લા નામે એક દીકરી પોતાના ઘરમાં પ્રભુપ્રાર્થના કરતી હતી : ‘પિતાની યાતનાનો હવે અંત આણજે, હે દેવ!’ તો એની મા રોઝાલ્બા દેવળમાં ઇસુ ભગવાનને અરદાસ કરતાં હતાં : ‘હે પ્રભુ, મારા પ્યારા પ્રદ્યુમ્નને હવે તારે ખોળે મેલું છું, તારા પુત્રને શીળો લેપ દેજે!’ એ જ ટાણે થોડે દૂર પેસ્કારા નગરની ઇસ્પિતાલમાં પ્રદ્યુમ્ન તન્નાના દેહે આખરી વિરામ લીધો, ને પ્રાણનું પંખી દિગંતની વાટે પાંખો ફફડાવી ગયું. દિવસોથી કાયાના પિંજરને ધમરોળતી વેદનાઓ વિરમી ગઈ. જીવનને જેણે ઉત્સવ બનાવીને ગાયા કરેલું કે ‘રોમ રોમ નર્યો આનંદ-અંઘોળ’ એ કવિ-ચિતારો-છબિકાર – જીવનનો કવિ – પોતાનો અસબાબ સંકેલીને પરમને પંથે પળ્યો. ઑગસ્ટની 30મીની એ સવાર હતી.
એ 2000ની સાલ હતી. ‘છોળ’ના છાપકામ નિમિત્તે ભાવનગર આવેલા અને ઘણા દિવસો સુધી એમની સોબતનો લાભ મળેલો. કાવ્યસંગ્રહનું ક્મ્પોઝકામ જ્યાં થતું હતું એ એક મિત્રના મથક પર કલાકો સુધી બેસીને પ્રૂફનું મઠારકામ કર્યા કરતા. ઝીણીમોટી ગોઠવણીઓ કરાવે, બદલાવે, ફરી બદલાવે : આટલી ચીવટથી કામ કરનાર જણ કમ્પ્યૂટરના એ કારીગરોએ પહેલીવાર દીઠો. સામાન્ય કારીગર હોય તો આવી ‘ચીકાશ’થી કંટાળી જાય. પણ પ્રદ્યુમ્નભાઈ તો મિત્રો બનાવવાની કળાના માહેર. થોડીવારમાં તો સામા માણસને પોતાનો બનાવી લે, તેના જાણે સ્વજન બની જાય. ‘છોળ’નું ક્મ્પોઝકામ કરનાર જુવાન હરેશની સાથે મૈત્રી સાધી લીધી. જાણ્યું કે હરેશના પિતા વણકર છે, ત્યારે કહે, ‘મને તમારે ગામ લઈ જશો? તમારું વણાટકામ જોવું છે’. ને એક દિવસ હરેશભાઇની સાથે ઊપડ્યા વાળુકડ. એમનો તળપદો કસબ બરાબર જોયો. કારકિર્દીનો આરંભ પ્રદ્યુમ્નભાઈએ મુંબઈના વણકર સેવા કેન્દ્રના ડિઝાઈનર તરીકે છેક 1959માં કરેલો. અને ચિત્ર-શિક્ષિકા તરીકે નિવૃત્ત થયા પછી રોઝાલ્બાએ પણ વણાટકામને કલા-માધ્યમ બનાવેલું; ઘરમાં જ શાળ ગોઠવેલી. પ્રદ્યુમ્નનાં સાગર-ચિત્રો અને રોઝાલ્બાએ વણાટમાં નીપજાવેલી સમદર-લહરોની જુગલબંદી જેવું સહિયારું પ્રદર્શન પણ એમના કોમો નગરમાં યોજાયેલું. ભાવનગરની એ જ ખેપને આગલે દિવસે મુંબઈથી ફોન આવે છે : “’નવનીત-સમર્પણ’માં ભાવનગરનાં પક્ષીઓ વિશે લેખ છે; તેના લેખક નવનીત ભટ્ટને મળવું છે.” પછી તો નવનીતભાઈ એમને વિક્ટોરીઆ પાર્ક અને કુંભારવાડામાં યાયાવર પંખીઓ જોવા લઈ ગયા. મને ડગલે ને પગલે તાજ્જુબી થતી હતી : આ માણસની જ્ઞાન-સંવેદના કેવી અખૂટ છે!
અને અત્યારે સંભારું છું કે થોડાં વરસ પહેલાં એમણે લખેલું : “યુરોપ આવો તો આપણે સ્કૅન્ડીનેવીઆમાં રખડીએ : મારે બાકી છે.” અરે, હમણાના મહિનાઓમાં બીજા કાવ્યસંગ્રહ માટેની થોડી સામગ્રી પહોંચાડી હતી, પ્રવાસ-નિબંધોનો સંગ્રહ ‘ચંદરવો’ પણ આયોજનમાં હતો. મને આશા બંધાણી હતી કે એ નિમિત્તે એક ખેપ મારશે અને થોડા દિવસના સહવાસનો અવસર ઊભો થશે. પણ નિયતિ તેની ચાલમાં અફર રહી.






