જ્યોતિ દેશમુખના એક કાવ્યનો ભાવાનુવાદ
હળવેથી કોરી કોરીને ખાજો ઈશ્કને
દળદાર જમરૂખની જેમ –
કે લીલા મરચાંની ચટણીની માફક –
દરેક કોળિયા પછી જરાક જરાક.
જો રોટીની જેમ ખાવા માગો
તો સારી રીતે ચાવી ચાવીને ખાજો
– ઈશ્કની રોટી પચવામાં અઘરી છે
ગપાગપ નહીં ખાતા
કેટલાય દિવસના ભૂખ્યા હો એમ
ઈશ્કનો ભાત ફસાઈ જશે ગળામાં
હેડકી ચડશે.
ઈશ્કની માછલીના કાંટા અણીદાર છે
સાચવીને આરોગજો
એકાદ કાંટોય જો ગળી ગયા
તો બધાં આંતરડાં ચીરાઈ જશે.
ઈશ્કને પીજો ગરમ દૂધની માફક
ફૂંકી ફૂંકીને એકેક ઘૂંટડે
અથવા પાણીની જેમ ધીમે ધીમે
જેથી તરસ છીપાય
એકીશ્વાસે બધેબધું નહીં પીતા –
અંતરાસ ચડશે જોરદાર.
ઈશ્કની ચાયને પીજો રકાબીમાં ઠાલવીને
ચૂસકી-ચૂસકી
અને અંદર સુધી એનો ગરમાવો માણજો –
ઈશ્ક કોઇ ઠંડું પીણું નથી
કે સ્ટ્રૉથી પી લીધું
ને કલાકો સુધી ઓડકાર ખાધા કર્યા.
એક ચપટી જ પૂરતું છે
ઈશ્કનું નમક, આખી જિંદગી માટે.
ઈશ્કની દાળ
આંખના પાણીમાં જ ચડે છે.
ઈશ્કની ખાંડમાં
બહુ ઝડપથી ચડી જાય છે કીડી.
ઈશ્ક કડવું કારેલું ને પાછું લીમડે ચડેલું;
ઈશ્કની રાઈના બને પહાડ.
ઈશ્ક કરનારને રીતરસમ ખબર હોય છે
ઈશ્કની –
કઈ બરણી કે ડબ્બામાં રખાય
કેટલો વખત તડકો દેખાડાય
ક્યારે છાંયડે રખાય
ગમેતેવા હાથેથી અડાય નહીં –
જરાક બેદરકારી રાખી, કે
ઈશ્કના મુરબ્બાને ચડી જાય છે ફૂગ.
સૌજન્ય : નંદિતાબહેન મુનિની ફેઇસબૂક દીવાલેથી સાદર