નેક નામદાર વિધાનસભ્યો, ક્યાં છો
કાશ, બચીખૂચી અકાદમી પંડે ખસી શકે!
ઉર્દૂ અકાદમીની પારિતોષિકવહેંચણી નિમિત્તે અખબારી પાનાં પર ઉભરેલ વિવાદમાં એક નિર્ણાયક વળાંક જેવા સમાચાર હર્ષ બ્રહ્મભટ્ટે ‘મેરા અપના આસમાં’ એ કાવ્યસંગ્રહ માટેનું પારિતોષિક નહીં સ્વીકાર્યાના હેવાલ સાથે આવ્યો છે. ‘મને કેમ નહીં અને ફલાણાને કેમ સહી’ એવા વિવાદવિખવાદમાંયે તથ્ય હોઈ તો શકે, પણ એવા નાના મુદ્દેથી હટીને ‘જો અકાદમી સ્વાયત્ત ન હોય તો હું એનું પારિતોષિક ન સ્વીકારી શકું’ એવી ભૂમિકા તત્ત્વતઃ એક જુદી ઊંચાઈ હાંસલ કરે છે.
ઉર્દૂ-ગુજરાતી બેઉ ભાષાઓમાં રચના કરતા હર્ષ બ્રહ્મભટ્ટ, આમ તો, પૂર્વ બ્યુરોક્રેટ છે. હાલની સરકારી અકાદમીના – કહો કે સરકાદમીના છત્રી પ્રમુખ ભાગ્યેશ જહા પણ, એમ તો, પૂર્વ બ્યુરોક્રેટ છે. વાતચીતમાં અકાદમી વિવાદને આ બે બાબુઓ વચ્ચેના વિવાદ તરીકે પણ કેટલાંક વર્તુળોમાં જોવાતો હોય છે. જો કે, નિરીક્ષક-તંત્રીએ સ્પષ્ટ કરેલું છે કે અમારી વિરોધભૂમિકામાં જળથાળ મુદ્દો લોકશાહી પ્રક્રિયા વિ. સરકારી નિયુક્તિકારણનો છે. આને બદલે તે બ્યુરોક્રેટ, બિહાર આંદોલનના દિવસોમાં જેપી કહેતા તેમ સાપનાથને બદલે નાગનાથ, એવી કોઈ નિયુક્ત પ્રતિભાપસંદગીમાં અમે નથી. બલકે, જેઓ સ્વાયત્તતાના સમગ્ર વિવાદને આવા કોઈ મુદ્દામાં ગંઠાઈને તુચ્છતાના કુંડાળામાં નાખે છે, ટ્રિવિયલાઈઝ કરે છે તેઓ પણ કાબિલે તપાસ છે.
છત્રી પ્રમુખને વરસ પૂરું થવામાં છે તે જ અરસામાં હર્ષ બહ્મભટ્ટે પારિતોષિકના અસ્વીકારથી આ બુનિયાદી મુદ્દે પડને પાછું ગાજતું ને જાગતું કર્યું તે માટે તેઓ અભિનંદનના અધિકારી છે. છેલ્લા મહિનામાં સરકાદમીની સલાહકાર સમિતિ પરથી ધીરુબહેન પટેલ અને કુમારપાળ દેસાઈ ખસ્યાં તેમ જ કારોબારીમાંથી રાજેન્દ્ર પટેલ, જનક નાયક અને નીતિન વડગામા પણ ખસી ગયા, તેમાં એક અવૈધ સરકાદમીને કથિત સાહિત્યપ્રીત્યર્થ જાણેઅજાણે અપાયેલ સ્વીકૃતિ અને વૈધતા (લેજિટિમસી)ના દોષનું કંઈક વારણ જરૂર હશે. પણ હજુ સ્વાયત્તતાની લડાઈ બાકી છે.
આ સંજોગોમાં પોતાના અસ્વીકૃતિપત્રમાં હર્ષ બ્રહ્મભટ્ટે એ વિગત ઠીક સંભારી આપી છે કે સાહિત્ય પરિષદના ટ્રસ્ટી હોવાને નાતે તેઓ પરિષદના સૈદ્ધાંતિક નિર્ણયથી બંધાયેલા છે કે બિનસ્વાયત્ત સાહિત્ય અકાદમી દ્વારા અપાતાં કોઈ પારિતોષિક વગેરેનો સ્વીકાર નહીં કરવામાં આવે. અલબત્ત, તેમણે એ સાથે ભારપૂર્વક ઉમેર્યુ છે કે અન્યથા પણ એક સાહિત્યકાર તરીકે, અકાદમીની સ્વાયત્તતાને સર્વોપરી માનનાર તરીકે, બિનસ્વાયત્ત અકાદમીના ઍવોર્ડ કે પારિતોષિક આદિ સ્વીકારી શકાય નહીં. હાલ છત્રી પ્રમુખ અને સરકાદમીનો મામલો અદાલતમાં વિચારાધીન છે એની પણ એમણે ઉચિતપણે યાદ આપી છે.
અદાલતગ્રસ્ત અકાદમીએ અણશોભીતી રીતે જે આડેધડ નિર્ણયો લીધા છે – ‘સાહિત્યરત્ન’ જેનો ઊંટની પીઠ પરના તણખલા જેવો છેલ્લો દાખલો છે – એ પણ તપાસ અને બહસ માગી લે છે. રત્ન વિષયક ધારાધોરણ તેમ જ ઉચ્ચસ્તરીય નિર્ણાયક સમિતિ, કશું જાહેર જાણમાં નથી. હું આ બધું લખી રહ્યો છું ત્યારે,
ગુજરાત વિધાનસભા હજુ ચાલુ છે. ગતાંકમાં, ધીરુબહેન અને કુમારપાળના રોકડાં રાજીનામાંની જિકર કરવાનું બન્યું ત્યારે પણ ગૃહ ચાલુ હતું એવો ખ્યાલ છે. જે એક વાતે મનમાં ખટકો રહે છે (જેમ પરિષદના હોદ્દેદારોએ સરકાદમીથી કિનારો કરતાં કરેલ વિલંબનો ખટકો રહે છે) તે એ છે કે અકાદમીની સ્વાયત્તતા કાગળ પર રાખી વહેવારમાં નામશેષ કરાઈ અને વરસ પર તો અંજીરપાંદ પણ ફગાવી દઈને મનસ્વી નિમણૂકશાહી ચલાવાઈ, ગુજરાતના સર્વસાધારણ સાહિત્યરસિક વર્ગે પરિષદ પ્રમુખની ચૂંટણીમાં સ્વાયત્તતાવિરોધી પરિબળોને સરકારી કોશિશ છતાં ‘રૂક જાવ’ ફરમાવવાપણું જોયું – આ આખા સમયગાળામાં રાજ્યમાં એકે વિધાનસભ્યને સહજપણે એટલુંયે ન સૂઝ્યું કે ગૃહમાં આ સંદર્ભે ઘટતો મુદ્દો ઉપસ્થિત કરીએ.
રાજકારણી ચેતાકોશમાં સાહિત્યસંસ્થાની સ્વાયત્તતા એ કદાચ કોઈ પ્રસ્તુત મુદ્દો જ નથી કે શું : આ વિચાર આવે ત્યારે આપણા એકંદર રાજકીય અગ્રવર્ગની સંસ્કારસમજ વિશે સવાલો ઉઠે છે. દિલ્હીની અકાદેમીના અધ્યક્ષપદે ક્યારેક જવાહરલાલ નેહરુ હતા અને ‘ઝિવાગો’ના સર્જક પાસ્તરનાક સાથે સોવિયેત દુર્વર્તાવ વિશે આ અકાદેમી સવાલ ઉઠાવી શકતી, એ બધું જ શું હવે વીતેલાં વરસોની વાત ખાતે ખતવવાનું છે.
૧ મે ૨૦૧૫ના રોજ પુસ્તક મેળા ખાતે સરકાદમી સબબ લેખકોની વિરોધસહી ઉઘરાવવાનું શરૂ થયું ત્યારે અહીં કહેવાનું બન્યું હતું કે રાજ્યના સ્થાપના દિવસે આવી સહી ઝુંબેશનો આરંભ થાય તે સરકાર માટે કંઈ નહીં તો પણ ઠપકાની દરખાસ્ત તો છે જ. હવે, નવા વરસે આ ચળવળે ઓર કાઠું કાઢવું રહેશે જેથી ઠપકાની દરખાસ્ત એક કાપ દરખાસ્ત(કટ મોશન)નું કૌવત દાખવી શકે.
સુજ્ઞ વાચકને અલબત્ત ખબર જ હોય કે કાપ દરખાસ્ત પછી સરકારે જવું પડે છે – આ કિસ્સામાં અલબત્ત સરકાદમીએ જવું જોઈશે. ખરું જોતાં, ઠીકઠીક રાજીનામાં પછી જે બચીખૂચી અકાદમી છે એણે પોતે જ ખસી જઈને લોકશાહી પ્રક્રિયાનો પથ પ્રશસ્ત કરવો જોઈએ.
લખ્યા તા. ૨૯ માર્ચ, ૨૦૧૬
સૌજન્ય : “નિરીક્ષક”, 01 અૅપ્રિલ 2016; પૃ. 20
![]()


કાર્યક્રમના પ્રથમ વક્તા એવા કર્મશીલ અને વિચારપત્ર ‘નિરીક્ષક’ના તંત્રી પ્રકાશભાઈ ન. શાહે યશવંતભાઈના આખરી દિવસોને યાદ કરતાં જણાવ્યું કે અમે સૌ સાથીઓ નેહરુ પુલ પર માનવસાંકળ રચીને ઊભા હતા. યશવંતભાઈ માટે લાંબો સમય ઊભા રહેવું એક તાવણી હતી, પણ એમનો જોસ્સો તો ‘સ્ટૅન્ડ અપ ઍન્ડ બી કાઉન્ટેડ’નો હતો, જેમ અક્ષરજીવનમાં તેમ જાહેર જીવનમાં. સ્વાધ્યાયસજ્જ એવા જ સંઘેડા ઉત્તમ વકતવ્યના સ્વામી યશવંતભાઈએ કરેલું મોટું કામ વિશ્વના વિચારપ્રવાહોને ગુજરાતગમ્ય કરતા રહેવાનુું હતું. જયશંકર સુંદરીએ એક મુલાકાતમાં યશવંત શુક્લને કહ્યું હતું કે લેખકે લખેલા સંવાદોમાં અભિનેતાએ પોતાના મુખભાવોથી ને અન્યથા ગાળો પૂરવાનો હોય છે. યશવંતભાઈએ કેટલાં બધાં વિચાર વાનાં સાથે વાચકો જોગ આ ગાળો પૂરી આપ્યો હશે, ન જાણે! આચાર્યના આ સુંદરી કર્મ વાસ્તે આપણે સૌ એમના ઓશિંગણ રહેંશું. એમનો કેટલાક ગદ્યકારોને આવ્યો છે. એવો અભ્યાસલાભ આપણે એમને આપી શક્યા નથી તે મુદ્દે અફસોસ સાથે પ્રકાશભાઈએ વક્તવ્ય આપ્યું.
એક વિદ્યાર્થિની તરીકે અને સ્વજન રૂપે નીલાબહેને નાટ્યકાર જશવંત ઠાકરને પણ યાદ કર્યાં. તેઓ એચ.કે.માં નાટક ભણાવવા આવ્યાં એ પહેલાં નીલાબહેનના મનમાં નાટકો માત્ર જોવા-ભજવવાનો જ ખ્યાલ હતો. તે એક વિદ્યા છે અને તેને ભણી શકાય, તેવી કોઈ સમજ તેમનામાં નહોતી. એ સમજણ જ.ઠા.એ વિકસાવી. બાલગાંધર્વ અને જયશંકર સુંદરીની વેશભૂષા કરતાં શાંતિકાકા નીલાને સાડી પહેરવાનું શીખવતાં – પહેરાવતાં. ઘર કરતાં વધુ સમય એચ.કે.માં વિતાવતા જ.ઠા વિશે અભિનેતા-દિગ્દર્શક પ્રવીણ જોશી કહેતાં કે ‘અમે લોકોને ગમતાં નાટકો કરીએ છીએ, લોકોને કેવાં નાટકો ગમવાં જોઈએ તે જ.ઠા. કરે છે.’