શિયાળાની રાત .. ઘનઘોર અંધારું .. અમદાવાદનાં લોકો શહેરમાં ટેંશન જેવું વાતાવરણ હોઈ ઘરમાં પુરાઈ ગયાં હતાં. લોકોનાં શ્વાસ અધર હતા. કોઈ પણ ક્ષણે કાંઈ પણ બની શકે તેમ હતું. વાતાવરણમાં અજંપો અને ગમગીની છવાયેલાં હતાં. પોલિસની ગાડીઓ પણ સાયરન વગાડતી રાતનાં અંધકારને ચિરતી ચાલી જતી હતી. કોઈ એકલ દોકલ માણસ રસ્તા પર દેખાતું હતું, બાકી તો શહેરનાં કૂતરાંઓનાં ભસવાનો અવાજ આવતો હતો. શહેરમાં કર્ફ્યુ તો નહોતો લાગ્યો, પણ લોકોએ જ સ્વંયભૂ કર્ફ્યુ પાડ્યો હતો.
એવામાં ગુજરાત મેલનું આગમન થયું. કાળુપુર સ્ટેશનનાં પ્લેટફોર્મ પર લોકોની ચહેલ પહેલ શરૂ થઈ. નિયમિત અપ ડાઉન કરવાવાળા માણસો જલદીથી પોતાનાં ઘરે પહોંચવા ઉતાવળે સ્ટેશનની બહાર નીકળી ગયાં. એસ ૮ નંબરના કોચમાંથી એક અત્યંત સ્વરૂપવાન અને ફેશનેબલ યુવતિ હાથમાં પર્સ ઝુલાવતી પ્લેટફોર્મ પર ઉતરી. તેણે આસપાસ નજર દોડાવી. પ્લેટફોર્મ સાવ ખાલી થઈ ગયું હતું. પ્લેટફોર્મની બહાર નીકળતાં જ ટિકીટ ચેકરે વણમાંગી સલાહ પણ આપી ખરી, ‘બહેન, જરા સંભાળીને રહેજો. અમદાવાદનું વાતાવરણ તંગ છે. કોમી રમખાણોને લીધે શહેરમાં અજંપો છે. ભારેલાં અગ્નિ જેવી હાલત છે. જલદીથી ઘરે પહોંચી જજો.
એકદમ અલ્લડ અને બેફિકરીભર્યાં અંદાજે તેણે ટિકીટ ચેકર તરફ એક કાતિલ નજર ફેંકી. જાણે તેને કશો ડર જ ના હોય. ફેશનેબલ કપડાંમાં સજ્જ તેનું ગોરું બદન ફાટફાટ થઈ રહ્યું હતું. એક્દમ લો કટ અને ડીપ નેક ટોપમાંથી જાણે હમણાં તેનાં ઉભાર બહાર આવી જશે તેવું જણાઇ રહ્યું હતું. તેણે બુઢ્ઢા ટિકીટ ચેકરની સલાહની પરવા કરી નહીં. તે સ્ટેશનની બહાર આવી. બધાં જ મુસાફરો જેને જે હાથ લાગ્યું, ઓટો રિક્ષા, સ્કુટર, કાર વગેરેમાં બેસીને જલદીથી જતાં રહ્યાં હતાં. તેણે થોડીવાર રાહ જોઈ, પણ સ્ટેશનની બહાર તેને કોઈ ઓટો રિક્ષા ના દેખાઈ. તેણે મોબાઈલમાંથી કોઈને કોલ કરવાની કોશિશ કરી, પણ જાણે સામે છેડે નો રિપ્લાય થયો હશે, એટલે તેણે પગપાળા જ પોતાની મંઝિલે પહોંચવાનું નક્કી કર્યું હોય, તેમ સુમસામ રસ્તા પર ચાલી નીકળી.. ધીમા છતાં ય મક્કમ પગલે. સ્ટ્રીટલાઈટનાં અજવાળે તેણે પોતાની મંઝિલ તરફ પ્રયાણ કર્યું.
તેની મંઝિલતો ઘણી દૂર હતી, પણ તેને આશા હતી કે રસ્તા પર એકલી જતી અલ્લડ અને ફેશનેબલ યુવતીને જોઈને કોઈને કોઈ તો જરૂર લિફટ આપી દેશે, નહિતર કોઈ ઓટોરિક્ષાવાળો તો જરૂર મળી જશે. તેની આશા ઠગારી નીવડી. લગભગ એકાદ કિલોમિટર જેવું ચાલવાં છતાં ય તેને ના તો કોઈએ લિફટની ઓફર કરી, કે ના કોઈ ઓટોરિક્ષાવાળાને તે ઊભી રખાવી શકી.
ચાલતાં ચાલતાં તે છેક ‘લી મરેડીઅન’ હોટેલ સુધી પહોંચી ગઈ. હવે તેણે નેહરુ બ્રિજ પર ચાલવા માંડ્યું. બ્રિજની બરાબર અધવચ્ચે પહોંચી હશે તો પાછળથી તેણે બાઈકનો અવાજ સાંભળ્યો.
તેણે પાછળ વળીને જોયું તો બે બાઈક પર સવાર ચાર છેલબટાઉ બદમાશ જેવા લાગતા જુવાનો હતા. તેણે તેમની ફિકર ના કરી ને આગળ ચાલવા માંડ્યું. બેઉ બાઈક સાવ બાજુમાંથી પસાર થઈ ગઈ. એકલી યુવતીને જોઈને તેમાંનાં એકે ગંદી મજાક પણ કરી.
થોડી દૂર ગયા પછી, બેઉ બાઈક પાછી વળી. અને હવે એ લોકો તેની સામેથી આવી રહ્યા હતા. એકદમ સામે આવીને એ લોકોએ બાઈક ઊભી રાખી. હવે બાઈકની હેડલાઈટનો પ્રકાશ તેનાં મોં પર પડી રહ્યો હતો.
ચારે ય બદમાશ જેવા લાગતા યુવાનો બાઈક પરથી નીચે ઉતર્યાં અને સાવ તેની લગોલગ આવી તેને ઘેરીને ઊભા રહી ગયા. એક જણે તો કમરમાં ખોસી રાખેલું રામપુરી ચાકુ બહાર કાઢી લીધું હતું. તે એકદમ ડઘાઈ ગઈ. હજુ તે કાંઈ વિચારે એ પહેલાં તો બે જણાએ તેને બાવડેથી પકડી લીધી, અને ત્રીજાએ તેનું પર્સ ઝુંટવવાની કોશિશ કરી. તેણે પોતાનું પર્સ જકડીને પકડી રાખ્યું. રામપુરી ચાકુવાળા બદમાશે ચાકુ તેની ગરદન પર અડાડી તેને ધમકાવી .. ‘ચાલ, જે કાંઈ હોય તે આપી દે, નહિતર તને અહીં ને અહીં ચૂંથી નાખીશું. તારી ઇજ્જત અત્યારે જ લૂંટી લઈશું ..’
‘અરે, ઇજ્જત લુંટવાની ધમકી કોને આપે છે, તું? લુંટવી હોય તો ઇજ્જત લૂંટી લે, બાકી પર્સ તો નહીં જ આપું. ઇજ્જત લુંટાવીને તો આ રૂપિયા કમાઈ આવી છું …’
e.mail : princeshail@gmail.com