
courtesy : "The Divya Bhaskar", Ahmedabad; 02 øctober 2017
![]()

courtesy : "The Divya Bhaskar", Ahmedabad; 02 øctober 2017
![]()
(કાબૂલમાં જન્મેલી સૌંદર્યા નસીમ (https://www.facebook.com/saundarya.naseem) પોતાના પિતાની શોધમાં ભારત આવી છે, અને ઇગ્નુ(ઇન્દિરા ગાંધી નેહરુ યુનિવર્સિટી)માં પોષણ અને સમાજવિજ્ઞાનમાં અભ્યાસ કરી, હાલ દેહરાદૂનમાં પોતાનું ‘હેલ્થ કેર ક્લિનીક’ ચલાવે છે. આ લખાણ એમની ફેસબુક વૉલ પરથી, એમના સૌજન્યથી, સારવીને લીધું છે. – અનુવાદક)
બન્યું એવું કે અમે તાજમહેલના શહેર આગરાથી સહેજ જ આગળ વધ્યાં હતાં ને ખબર પડી કે અમારી ટ્રેન બગડી છે અને રિપેઅર થતાં દોઢેક કલાક લાગશે. એક નાનકડા સ્ટેશન પર ટ્રેન ઊભી રહી. પગછૂટા કરવા હું, અમ્મી અને અમારા સહાયક કલિમ સાથે પ્લેટફોર્મ પર ઊતરી. અમ્મીને ચાલવાની ઇચ્છા નહોતી એટલે એ બાંકડા પર બેસી ગયાં. હું ચાલતાં ચાલતાં પ્લેટફોર્મના બીજા છેડે પહોંચી ગઈ. માંડ બે ચાર જણ નજરે પડતા હતા. કદાચ અહીં બહુ ગાડીઓની અવર જવર નહોતી. એક ફળની લારી દેખાઈ. મેં કેળાં લેવાનું વિચાર્યું. એટલામાં કલિમને મારી બાજુ દોડતો જોયો. તે મને બૂમ પાડતો હતો. મેં પણ દોટ મૂકી. અમ્મીના બાંકડા પાસે અજબ નજારો હતો. ત્યાં બાંકડાની ફરતે મવાલી જેવા હટ્ટાકટ્ટા પાંચ જણા હતા. તેઓ મમ્મીની આજુબાજુ ફરતા અને ‘ક્યા પીસ હૈ, મોનુ યાર!’ એમ બોલતા હતા. મને જોઈને એક જણ આકાશ તરફ જોઈ બોલ્યો, ‘કમાલ હો ગયા, યાર, દો દો પીસ!’ તેઓ અમારા ભણી જોતા નહોતા; પણ નિશાન અમે જ હતાં.
અમ્મી સહેજ હેબતાઈ ગયાં હતાં. અજાણ્યો વિસ્તાર હતો, અમારા સહાયકની પણ કંઈ બોલવાની હિમ્મત નહોતી ચાલતી. એ કંઈ બોલવા જાય તો તેઓ એની ઠેકડી ઉડાડે, ‘તને શી તકલીફ છે? અમે તને કંઈ નથી કહેતા, અમે અંદરોઅંદર વાત પણ ના કરીએ?’ અમ્મીએ મને ઈશારો કર્યો કે આપણે બોગીમાં બેસી જઈએ; પણ આવા ટાણે પીછેહઠ કરવાનું હું શીખી નહોતી.
અફઘાનિસ્તાનથી હિન્દુસ્તાન આવતાં હું એટલી મુસીબતો વેઠી ચૂકી હતી કે હવે કપરા સંજોગોમાં ‘બીક’ નામની વસ્તુ ક્યાં ગાયબ થઈ જાય છે, ખબર નથી. હું તો તેમની સાથે બાથ ભીડવાનો નિર્ધાર કરી ચૂકી હતી. મારો સહાયક કલિમ બીકને લીધે ધ્રુજતો હતો. મેં એને ખખડાવ્યો કે આવી રીતે ડરવું હોય તો ફરી વાર મારી સાથે ન આવીશ. મેં પ્રેમથી એ લોકો જોડે વાત કરવાની કોશીશ કરી; (થોડુંઘણું લખવા સિવાય હજી મને હિંદી બોલવાનો મહાવરો નહોતો) જ્યારે એ લોકોને ખબર પડી કે હું તેમની ભાષા બોલી નથી શકતી, તો કદાચ મને હિંદી પણ નહીં સમજાતી હોય, એમ જાણી તેઓ ગાળો ભાંડવા લાગ્યા. એમને ખબર નહોતી કે હું અને કલિમ હિંદી બરાબર સમજતા હતા. જોતજોતામાં આજુબાજુ ટોળું ભેગું થઈ ગયું; પણ કોઈએ વિરોધ કરવાની હિમ્મત દાખવી નહીં. વળી, કલિમે એકબે જણને વચ્ચે પડવાની વિનન્તી કરી. તો કહે કે : આ બધા તો, આ વિસ્તારના મવાલીઓ છે. એમની સાથે પંગો ના લેવાય. હજી કંઈ ખાટુંમોળું થયું નથી. તમે છાનામાના બોગીમાં જઈને બેસી જાઓ.
આ ટાંકણે મેં કલિમને મારી વાતનો તરજૂમો કરી એમને સમજાવવા કહ્યું. ઘડીક એવું લાગ્યું કે તેઓ થોડા નરમ પડી રહ્યા છે; પણ તેઓએ ફરી એમની હરકત શરૂ કરી. સારું હતું કે એ લોકો દૂર ઊભા રહીને એલફેલ બોલી રહ્યા હતા. ધ્યાનના અભ્યાસથી હું ધીરજ રાખતા શીખી ગઈ હતી. એટલે થોડી વાર હું ડર્યા વિના ઊભી રહી. પછી ધીમે ધીમે હું એ લોકો વચ્ચે પહોંચી અને સૌથી બળવાન દેખાતા માણસ સામે ઊભી રહી. જેવી એની બદનજર મારા પર પડી; તેવો મારો હાથ ઊઠ્યો ને સટાક …. ! એક જોરદાર તમાચો એના ગાલ પર પડ્યો. કોઈને આવો અણસાર નહોતો. બીજા ચાર જણ તો સડક થઈ ગયા. પળવાર રહીને બાકીનામાંથી કોઈ મારી બાજુ ધસે તે પહેલાં એમણે જોયું કે તમાચો ખાધેલ માણસ તો બેભાન અવસ્થામાં ભોંયભેગો હતો! બધા અચરજમાં હતા કે એક જ તમાચામાં કોઈ બેભાન કેવી રીતે થઈ શકે ?
એ બીચારાઓને ખબર નહોતી કે જે નમણી અને ભલીભોળી દેખાતી છોકરી જોડે તેમનો પનારો પડ્યો છે, તે કરાટેની બ્લેક બેલ્ટ છે. મારી અમ્મી અને મારું પોતાનું રક્ષણ કરવા આ કળા મેં હિન્દુસ્તાન આવ્યા પછી હસ્તગત કરી લીધી હતી. બ્લેક બેલ્ટ હાંસલ કર્યા પછી ક્યારે ય એવું બન્યું નથી કે મારો એક તમાચો ખાધા પછી કોઈ હોશ જાળવી શક્યો હોય. વળી, કરાટેનો અભ્યાસ તો હજી પણ દરરોજ હું કરું છું; પણ તે દિવસે તો જાણે મારા અભ્યાસની કસોટી હતી.
પછી મેં શાન્તિથી મારી કાચીપાકી હિન્દીમાં જણાવ્યું કે તમારામાંથી જેને પણ મને અડકવાની ઇચ્છા હોય અને જેને લાગે કે તે મારો તમાચો ખમી શકશે, તે સામે આવે. અત્યાર સુધીમાં એ લોકો સમજી ગયા હતા કે ચાર–પાંચ જણનો સામનો કરવા હું એકલી જ પૂરતી છું. હવે ટ્રેનમાંથી ઊતરેલા કેટલાક તમાસો જોનારાઓ બાંયો ચડાવી મેદાને પડ્યા; પણ મેં બધાને ઠપકો આપી રોક્યા. જ્યારે જરૂર હતી, ત્યારે કોઈ સામે ન આવ્યા અને હવે બહાદુરીનું પ્રદર્શન કરવા માંગો છો! એટલામાં પેલા પાંચમાંથી એકે સ્ટેશનની બહાર દોટ મૂકી.
પછી મેં નીચે જોયું તો બેભાન માણસને પડવાને લીધે માથામાં વાગ્યું હતું. સહેજ લોહી પણ નીકળતું હતું. મેં કલિમને બોગીમાંથી દવાની કીટ લાવવા જણાવ્યું અને બેભાન માણસ પર પાણી છાંટવા લાગી. લોકોને અલબત્ત, અજીબ લાગતું હતું કે જેણે જખ્મ આપ્યા હતા, તે હવે દવા કરી રહી છે! પણ આ સંસ્કાર તો હું હિન્દુસ્તાન આવીને શીખી હતી. પોતાના રક્ષણ કાજે હું કોઈ પર હાથ ઊગામી શકું છું; પણ નફરત કરવાની જરૂર મને જણાતી નથી. માણસ હવે હોશમાં હતો. તેને માથામાં સહેજ વાગ્યું હતું, તેની મેં પાટાપીંડી કરી. એ માણસની દશા જોવા જેવી હતી. એ ભોંઠો પડ્યો હતો.
એટલામાં કેટલાક લોકો બૂમો પાડતા અને હાથમાં લાકડીઓ લઈને આવતા દેખાયા. તેમાં બે બહેનો પણ હતી. એકે કહ્યું કે કોણે એના ભાઈ પર હાથ ઊગામવાની હિમ્મત કરી છે ? હું એની પાસે ગઈ. જ્યારે એને ખબર પડી કે મેં આ કર્યુ છે, તો તેના અચરજનો પાર ના રહ્યો. એ બહેનને હતું કે એના ભાઈનો ઝઘડો કોઈ પુરુષ સાથે થયો છે; પણ અહીં તો મામલો ઊંધો હતો. ખાસ્સી વાર સુધી તે મને અપલક જોતી રહી. માથું નમાવીને બેઠેલા ભાઈએ પણ હવે હાથ જોડી દીધા હતા અને પોતાની બહેનને શાન્ત રહેવા જણાવ્યું. એને પોતાની ભૂલ સમજાઈ હતી.
મેં એની બહેન તરફ હાથ લંબાવ્યો. તે મને ભેટી પડી. એણે કહ્યું કે આજે ખોટે રસ્તે ચાલતા એના ભાઈને પાઠ મળી ગયો છે. મેં બે હજારની નોટ કાઢીને બહેનના હાથમાં મૂકી. ‘યે દવા કે પૈસે હૈં, રખીએ. જખ્મ મૈંને દિયે હૈં; તો દવા ભી મેરી તરફ સે.’ ત્યાં જ ટ્રેન ઉપડવાની સીટી વાગી. અમે બોગીમાં સવાર થયાં. ગામ લોકો તરફ હાથ હલાવ્યો તો જોઈને ખુશી થઈ કે તેમણે પણ વળતા હાથ હલાવ્યા. ટ્રેન ચાલી તો લાગ્યું કે જિન્દગીને એક નવી લહેર મળી.
સારું થયું કે ખોટું; ખબર નથી. બહેનોને મારી ભલામણ છે કે તેઓએ પોતાનું રક્ષણ જાતે કરવાની હિમ્મત અને હુનર કેળવી લેવાં જોઈએ. એમાં પુરુષ સમોવડી થવાની વાત નથી. સ્ત્રીએ સાચા અર્થમાં સ્ત્રી બનવાની જરૂર છે. મારી સમજણ છે કે સ્ત્રી અને પુરુષમાં કોઈ ચઢિયાતું કે ઊતરતું નથી. જો આપણે આપણી ધરતીને જહન્નમનાં બી ને ખાતર–પાણી આપતાં રહીશું, તો જન્નતના આસમાની ખ્યાલોનો શો મતલબ ?
ગુજરાતી રૂપાન્તર : અશોક ભાર્ગવ : ( idealindia1@gmail.com) – વડોદરા
તા. 01-07-2017ના ‘ભૂમિપુત્ર’ પાક્ષિકના પાન 22 ઉપરથી, સમ્પાદક મંડળનાં બહેન પારુલ દાંડીકર અને રૂપાન્તરકાર ભાઈ અશોક ભાર્ગવની પરવાનગીથી સાભાર …
(આગ્રાથી પ્રકાશિત થતા પ્રસિદ્ધ ‘नवभारत टाईम्स’માં તા. 20-05-2017 ને શનિવારના અંકમાં (http://epaper.navbharattimes.com/paper/14-13@13-20@05@2017-1001.html) આ કિસ્સો પ્રકાશિત થયો છે.)
હવે ‘ભૂમિપુત્ર’ પાક્ષિક વિશે થોડુંક:
સરનામું : હુઝરાતપાગા, વડોદરા, – 390 001 ફોન : 0265- 243 7957, સમ્પાદક : રજની દવે, સમ્પાદક–મંડળ : બહેન સ્વાતિ (SWATI MICHEL (swati43@gmail.com) અને બહેન પારુલ દાંડીકર (PARUL DANDIKAR (bhoomiyagna@gmail.com). દર માસની પહેલી અને પંદરમી તારીખે પ્રકાશિત થતા આ પાક્ષિકનું વાર્ષિક લવાજમ છે – દેશમાં : રૂપિયા 200, આજીવન અનામત : રૂપિયા 2,500 અને વિદેશે વાર્ષિક લવાજમ છે : (એરમેલથી) 1,500 રૂપિયા. લવાજમ ‘યજ્ઞ પ્રકાશન’ સમિતિના દેના બૅન્ક, મંગળબજાર, વડોદરાના ખાતા નંબર : 0588 10001978માં પણ ભરી શકાય છે.
સૌજન્ય : ’સન્ડે ઈ.મહેફીલ’ – વર્ષઃ તેરમું – અંકઃ 384 –October 01, 2017
![]()
આવા કિસ્સામાં ગુનાની ગંભીરતા ઓછી કરનારા મુદ્દા જોઈને જામીન આપી દેવાય, તે વાજબી ગણાય?
આખરે કોઈ યુવતી પોતાના પુરુષ મિત્રની સાથે ટાઇટ જીન્સ અને ટીશર્ટ પહેરીને મોડી રાત્રે ફિલ્મ જોવા શા માટે જાય છે? શું આનાથી સ્વચ્છંદ સંબંધો જાહેર નથી થતા? તેણે પોતાનાં માતા-પિતા અને કૉલેજને જણાવ્યું શા માટે નહીં? તે એવી ખાલી બસમાં શા માટે બેઠાં, જેમાં છ લોફર સિવાય બીજું કોઈ નહોતું? આ કેવું અવિવેકી, દુ:સાહસી અને બેજવાબદાર વર્તન હતું? બસમાં બેઠેલા લોકોએ દુષ્કર્મ કરીને અને સાથે રહેલા યુવકને માર મારીને તો ખોટું જ કર્યું, પણ તમે તેમના માટે ઉત્તેજક સ્થિતિ શા માટે ઊભી થવા દીધી?
જ્યારે તેઓ ઉત્તેજિત થઈ ગયા, તો પછી આસારામ બાપુના કહ્યા અનુસાર તેમને ભાઈ કહીને તેમના કાંડે રાખડી બાંધવાની રજૂઆત કેમ ન કરી? એ બધું નિરર્થક જાય, તો પછી શાંતિથી બધું થવા કેમ ન દીધું? આનાથી તું હિંસા અને મોત-માંથી ઉગરી શકી હોત. બીજું એ કે, તારે તો બોયફ્રેન્ડ પણ હતો, કદાચ અંતરંગ સંબંધોની આદત પણ હશે. તેવામાં ઘાતક સંઘર્ષ કરવાની જરૂર શું હતી?
કાશ! એ મૂરખ છોકરાઓએ તને મારી ન નાખી હોત, તો તેમને થોડી હળવી સજા સંભળાવાઈ હોત, જેને મુલતવી રાખી શકાઈ હોત, કારણ કે ત્યારે આવા કિસ્સાઓની પહેલાં કે પછી થનારી ગંભીર હિંસા ન થઈ હોત. બનવાજોગ છે કે એ છોકરાઓ પણ બેંગલુરુની ઇન્સ્ટિટ્યુટ ઑફ મેન્ટલ હેલ્થ ઍન્ડ ન્યૂરોસાયન્સ(નિમહાન્સ)માં રહેલા દેશના સૌથી મોટા મનોવૈજ્ઞાનિકો પાસેથી કાઉન્સેલિંગ પછી સામાન્ય જિંદગીમાં પરત ફરી શક્યા હોત. અદાલતોએ પણ કદાચ નિમહાન્સના ડાયરેક્ટરને એ કામ પ્રાથમિકતાના ધોરણે કરવાનું કહ્યું હોત. આ એવી વીતકકથા છે, જેમાં આઠ જિંદગીઓ અને એટલા જ પરિવારોને ખાઈમાં ધકેલી દેવામાં આવ્યા.
સમગ્ર દેશને હચમચાવી નાખનારા નિર્ભયાકાંડ વિશે આવું લખવાને કારણે તમે મારા પર રોષે ભરાયા હો, તો મારો પ્રયાસ સફળ થયો. ચાલો, નિર્ભયા કાંડના એક વર્ષ પછી હરિયાણાના સોનિપતમાં બનેલી ઘટના જોઈએ. ઓ.પી. જિંદલ ગ્લોબલ યુનિવર્સિટીની એક વિદ્યાર્થિની બોયફ્રેન્ડ પર બ્લેકમેલ અને તેના મિત્રો સાથે અનેક વખત દુષ્કર્મનો આરોપ મૂકે છે, જેમાં એક પરિસ્થિતિ તો સામૂહિક દુષ્કર્મ જેવી પણ હતી. પહેલાં છોકરાએ પોતાની નિર્વસ્ત્ર તસવીરો મોકલી, પછી તેને પોતાની તસવીરો મોકલવા માટે કહ્યું. પછી તેને ધમકી આપી કે તે એ તસવીરોને કેમ્પસમાં બધાને અને તેનાં માતા-પિતાને બતાવી દેશે. તેણે આ બધું એક મેજિસ્ટ્રેટની સામે નિર્ભયાકાંડ પછી ઘડાયેલા એક કાયદાના સંદર્ભે સી.આર.પી.સી. કલમ 164 હેઠળ નોંધાવ્યું. તેણે એમ પણ કહ્યું કે બોયફ્રેન્ડે તેને બ્લેકમેલ કરીને તેને એક સેક્સ ટૉય ખરીદીને તેનો ઉપયોગ કરવા માટે પણ ફરજ પાડી, જેને તેણે સ્કાઇપ પર જોયું.
નીચલી અદાલતનાં જજ સુનીતા ગ્રોવરે યુવતીના આરોપો માન્ય રાખ્યા. ત્રણ છોકરાઓને દુષ્કર્મ, બ્લેકમેલ, આઈ.ટી. કાયદાના ઉલ્લંઘન સહિત અનેક આરોપો માટે ગુનેગાર ઠેરવાયા અને દુષ્કર્મ માટે 20 વર્ષની સજા સહિત અન્ય સજાઓ પણ ફટકારવામાં આવી. દોષિતોએ પંજાબ-હરિયાણા હાઈકોર્ટમાં અપીલ કરી. અલબત્ત, બે અઠવાડિયાં પહેલાં હાઈકોર્ટની બેન્ચે આ કિસ્સામાં ગુનાની ગંભીરતા ઓછી કરનારા અમુક મહત્ત્વના મુદ્દા જોઈને દુષ્કર્મ/બ્લેકમેલના દોષિતોને જામીન આપી દીધા. બેન્ચે સ્પષ્ટ કહ્યું છે કે આ આદેશમાં તે જે કહી રહ્યા છે, તેની અપીલ પર કોઈ અસર ન પડવી જોઈએ.
જો કે, આપણે ત્યાં અપીલની પ્રક્રિયામાં સમય લાગે છે. માટે સારું એ રહેશે કે આ યુવાનોને છોડી દેવામાં આવે. તેઓ નવેસરથી જિંદગી શરૂ કરે, અભ્યાસ પૂરો કરે, જરૂર પડે તો અદાલતની મંજૂરી લઈને વિદેશ પણ જાય. છોકરાઓનું દિલ્હીની એઇમ્સમાં કાઉન્સેલિંગ કરવામાં આવે. એઇમ્સના ડાયરેક્ટરને આદેશ આપવામાં આવ્યો કે તેઓ સમગ્ર પ્રક્રિયાનો રિપોર્ટ અદાલતને આપતા રહે.
જજોની બુદ્ધિમત્તા પર સવાલ ઉઠાવવાનો મારો જરા પણ આશય નથી. ફરિયાદીની પૃષ્ઠભૂમિ, વ્યવહાર, દોષિતો સાથેના તેના સંબંધોના આધારે તેમણે આ મહત્ત્વનો નિર્ણય લીધો છે. ચર્ચાને કોઈ અવકાશ જ નથી. પણ અહીં મેં કાયદાનાં તજ્જ્ઞ, મારાં સાથી અપૂર્વા વિશ્વનાથની મદદથી આદરણીય જજોના 12 પાનાંના આદેશમાંથી અમુક અંશ કાઢ્યા છે:
પીડિતાની જુબાની અને દલીલો દર્શાવે છે કે ત્રણ આરોપીની સાથે તેને અંતરંગ સંબંધ રહ્યા છે અને કોઈ પણ તબક્કે તેણે પોતાની માનસિક પરિસ્થિતિ કૉલેજના અધિકારીઓ કે વાલીઓ અથવા મિત્રોની સામે જાહેર કરવાનો પ્રયત્નો નથી કર્યો. દલીલ વખતે પીડિતાએ માન્યું કે હોસ્ટેલના રૂમની તપાસમાં વૉર્ડનને કોન્ડોમ મળ્યા હતા, પરંતુ વાલીઓને તેની જાણ કરવામાં આવી નહોતી. તેણે સ્વીકાર્યું કે તેને ‘ક્લાસિક’ સિગારેટ પીવાની આદત છે. તેણે નશાકારક પદાર્થ લેવાની વાત સ્વીકારી પણ કહ્યું કે એ તેણે પોતાની મરજીથી નથી લીધા. આ પદાર્થ ‘જોઇન્ટ’ હતા. આ સમગ્ર ઘટનાક્રમ યુવાનોની પતનશીલ માનસિકતા દર્શાવે છે, જેમાં નશાકારક પદાર્થો, દારૂ, અંતરંગ સંબંધો અને ચરિત્રહીનતાના કીચડમાં ખૂંપેલા સંબંધો બંધાય થાય છે. આશ્ચર્યની વાત નથી કે આપણી સામે એવી કથા છે, જેમાં ચાર યુવાન જિંદગીઓ અને એટલા જ પરિવારો રસાતળમાં પહોંચી ગયા છે.
પીડિતાનું બયાન મિત્રો સાથે તેના અનૌપચારિક સંબંધ તથા એવા સંબંધોમાં દુઃસાહસ અને પ્રયોગશીલતાની કહાણી જેવું છે. આ તથ્યો સજા મુલતવી રાખવા માટેની અરજી પર વિચાર કરવાનું અકાટ્ય કારણ દર્શાવે છે અને સમગ્ર ઘટનાક્રમ એ ખૌફનાક હિંસા નથી દર્શાવતો, જે આવી ઘટનાઓ પહેલાં અને પછી સામાન્ય રીતે થાય છે. હવે તો તમે આ લેખની શરૂઆતમાં લખેલા અંશોનો આશય સમજાઈ ગયો હશે. મારી દલીલ સ્વયંસ્પષ્ટ કરે છે. ફરીથી કહું છું કે હું જજોના તર્ક સામે સવાલ નથી ઉઠાવી રહ્યો. હું કોઈ પિતૃસત્તાક વ્યવસ્થાની કે નૈતિકતાની દુહાઈ પણ નથી આપતો. હું માત્ર યુવાનોના શારીરિક સંબંધો અને જીવનશૈલીની પસંદગી મુદ્દે વધારે સંવેદનશીલ બનવાનું સૂચન કરું છું.
જોનાથન કેપ્લનની 1988ની એવૉર્ડ વિનિંગ ફિલ્મ ‘ધ એક્યૂઝ્ડ’ જોવી સારી શરૂઆત હોઈ શકે છે. જૂડી ફોસ્ટર દ્વારા અભિનીત સામૂહિક દુષ્કર્મની શિકાર બનેલી પાત્ર વર્કિંગ વુમન છે. લિયો રોસી દ્વારા અભિનીત બચાવ પક્ષનો સાક્ષી પૂછે છે, ‘દુષ્કર્મ? આ વેશ્યા છે … તેને આ બધું પસંદ છે. હવે બીજાને દોષ આપી રહી છે.’ 1988ની ફિલ્મમાં આ દલીલને સ્વીકારાતી નથી. શું તેને 2017માં, વાસ્તવિક જિંદગીમાં સ્વીકારવી જોઈએ?
સૌજન્ય : ‘વૈચિત્રયમ્’, “દિવ્ય ભાસ્કર”, 27 સપ્ટેમ્બર 2017
![]()

