કોઈનો અભિશાપ, કોઈનું વરદાન
કાળઝાળ અંગારે,
મીઠાનાં અગરોમાં ઓગળી જતી
ઓખાના વંશજોની
હયાતી એનો અભિશાપ?
કે વરદાન!
થીજી જતાં હાડ,
બરફ બની પથરાઈ જતી દિશાઓ,
લપસણા માર્ગે લપસતી યાતાયાત,
સાન્તાક્લોઝના વંશજો માટે અભિશાપ?
કે વરદાન!
હા,
એકનો અભિશાપ એ
બીજાનું વરદાન.
જીવતરને ત્રિભેટે
તહસનહસ થતી
કરમકહાણીમાં આશાનો અણસાર!
આજનું છાપું લાવે છે
ઠોસ આંકડાની હકીકત
અને
અભિશાપમાં વરદાનની કથા!
લાં………………………..બા
દરિયાકિનારે
ધમપછાડા કરતાં પેટની લાહ્યમાંથી
વરસતો એ લવણિયો વરસાદ
વરસી પડે છે
વાયા ચીન
યુરોપ, અમેરિકા અને રશિયાની
બરફીલી લપસણી ધરા પર
ને આપી દે છે હૂંફ,
એ ઠીંગરાતી ભૂમાને
ત્યારે
બની રહે છે વરદાન,
એ ધરતીના સંતાનો માટે
સરળ રસ્તો બની.
અને
એ લવણિયા વરસાદની
નિકાસની આવકરૂપે
કલદાર ખણખણતા રુપિયાની
ગાજવીજ સાથે
ચાપુચપટી
વરસતી જિંદગી
જીવાડી દે છે
ઓખાના વંશજોને
વરદાન બની!
ને થઈ જાય છે
બાષ્પીભવન એ કાળઝાળ અભિશાપનું!
આમ જ ચાલ્યા કરે છે એક સમયચક્ર
લાં…………………….બા
દરિયાકિનારા જેવું
અભિશાપ અને વરદાનનું!
રાજકોટના નિમેષ ખાખરિયાના(TOI) ઈન્ટરનેટ પર પ્રસ્તુત લેખ પરથી સૂઝેલું આ કાવ્ય ગુજરાત દિને મીઠાનાં અગરિયાઓ માટે
વલસાડ, ૦૧/૦૫/૨૦૧૯
![]()


અહીં સવાલ ઉપસ્થિત થાય કે, શું એક સરખી વિચારધારાના બે રાજકીય પક્ષો ન હોઈ શકે? બીજું, વિચારધારા અનિવાર્યપણે મૂડીવાદી અને સમાજવાદી જ હોય અને બે રાજકીય પક્ષો આ બે વિચારધારાને વરેલા હોય એ જરૂરી છે? જ્યારે ભારતને આઝાદી મળી એ વર્ષો મૂડીવાદ અને સમાજવાદની વિચારધારા વચ્ચેનાં ધ્રુવીકરણનાં હતાં. બીજા વિશ્વયુદ્ધ દરમ્યાન યુરોપમાં જે પક્ષો વંશવાદી અને ફાસીવાદી હતા એ પક્ષો પણ ૧૯૪૫ પછીથી કલેવર બદલીને જમણેરી મૂડીવાદી થઈ ગયા હતા. સમાજવાદીઓ સમાજવાદીઓ હતા એટલે તેમણે કૉંગ્રેસને જમણેરી મૂડીવાદી પક્ષ તરીકે ચીતરવાની કોશિશ કરી હતી જે એક શીર્ષાસન હતું. સમાજવાદીઓએ સમાજવાદ અને મૂડીવાદની વિચારધારાઓ વચ્ચે બે અંતિમો શોધવાની જગ્યાએ જો એક સરખી વિચારધારા હોવા છતાં કૉંગ્રેસનો રાજકીય વિકલ્પ બનવાનો પ્રયાસ કર્યો હોત તો આજે ભારતનો ઇતિહાસ જૂદો હોત.
પતિ-પત્ની, બેઉ અમેરિકાની હાર્વર્ડ યુનિવર્સિટીમાં તાજાં જ પીએચ.ડી.ની નવાજેશ પામેલાં. 1956ની સાલ હતી. સ્વતંત્ર ભારત વિકાસપંથે પગલીઓ પાડી રહ્યું હતું. છવ્વીસ-અઠ્યાવીસ વરસનાં એ જુવાનિયાંઓને નવલ પ્રદેશો ખેડવાનો ઉમંગ હતો. લોય્ડ અને સુઝન રુડોલ્ફ સ્ટીમરમાં લંડન આવે છે અને ત્યાંથી એક લૅન્ડરોવર સ્ટેશનવેગનમાં અસબાબ બિછાવીને ભારતની વાટ પકડે છે. ‘ડેસ્ટીનેશન ઇંડિયા’ (દિલ્હી: ઑક્સફર્ડ, 2015, રૂ. 450) નામના બસો પાનાંના પુસ્તકમાં એમના આ ભારત-પ્રયાણની રોમાંચક કથની આલેખાઇ છે. ઑસ્ટ્રીઆના હરિયાળા સાલ્ઝબર્ગ નગરથી નીકળીને બીજા વિશ્વયુદ્ધે વેરેલી તારાજી વેઠતા યુરોપના દેશો અને પછી એશિયાના વેરાન અને દુર્ગમ મુલકોની આરપાર 8000 કીલોમિટરનો પંથ પૂરો કરીને આ અભ્યાસી યુગલ પાકિસ્તાનમાં પેશાવરની સીમે લગભગ એક મહિને પહોંચે છે. ત્યારે ભારત પછાત દેશ હતો, પણ ઇરાનથી માંડીને અફઘાનિસ્તાન સુધીના દેશો તો એથી પણ જીર્ણશીર્ણ હતા – એવો એ કાળ હતો. છ દાયકા પછી એ દંપતી પોતાના વિદ્યાર્થીકાળનું સાહસ વાગોળે છે, રસ્તે આવતા દેશોમાંથી પસાર થતા ગાંઠે બાંધેલા અનુભવો સંભારે છે. જમીનરસ્તે કરેલા આ પ્રવાસની કથનીનું નાનું પેટા-મથાળું છે : ‘અને અમે શું શીખ્યાં’ : હરેક ઊગતા અભ્યાસીને માટે જાણે તાવીજ જેવું આ નમ્ર સૂત્ર : ‘અમે શીખ્યાં’. સ્ટેશનવેગન જ એમનું ઘર : સૂવાની, રસોઇ કરવાની, કપડાં ધોવાની : બધી સગવડો હતી, પણ દુર્ગમ પ્રદેશોની કુદરત-દીધી તકલીફો પણ હતી. ભાષાની મુશ્કેલી, રસમોથી અજાણ, પરદેશી તરીકે બધે શંકિત આંખો એમના ભણી, છતાં, મીઠા માનવીય અનુભવો – બધું એમની ગઠરીમાં ભેગું થયું.