અહીંથી તારા દૂરના ઘરના છેડે
મારે ય તારી જેમ
પગપાળા ખેડવી છે આ ખેપ !
ધરતીને ધરાઈને જોઈ શકું
ઘેઘૂર ને સુક્કાં ઝાડવાંને
તાપભેળાં આંખે ભરી શકું
ને ધોમ ધોમ ધખતા
તાપને માથે ફાળિયાની જેમ બાંધી
ચાલી શકું
ભૂખને બાંધી શકું ખભે
સુક્કી નદીમાં નીતારી શકું
મારી તરસના ભીના છેડાને.
બુઝાતી જતી આશાને
ગાંઠે બાંધી ઢસડાતો
મને જોઈ શકું !
ને તો જ કદાચ
તારી કરુણ કથાને
કાવ્યમાં કંડારી શકું
કદાચ …
સૌજન્ય : “નિરીક્ષક” − ડિજિટલ આવૃત્તિ; 03 જૂન 2020
![]()


પડદા પર બેવકૂફ ભમતારામના કિરદારથી જગમશહુર બનેલા ચાર્લી ચેપ્લિને (૧૮૮૯-૧૯૭૭), તેની કારકિર્દીને બહેતરીન ફિલ્મ, મોડર્ન ટાઈમ્સ (૧૯૩૬), આ પૃષ્ઠભૂમિ પર બનાવી હતી. કોવિડ-૧૯ના કારણે દુનિયાભરમાં આજે જે આર્થિક મંદીનો માહોલ છે, તેવો જ માહોલ ૧૯૩૦ના દાયકામાં હતો, જેને 'ગ્રેટ ડિપ્રેશન' તરીકે ઓળખવામાં આવે છે. એ સૌથી ઊંડી અને સૌથી વ્યાપક આર્થિક મંદી હતી. ઘણા દેશોમાં ફેકટરીઓ બંધ થઇ ગયેલી, ખેતરો ખાલી થઇ ગયેલાં અને દેશોમાં બાંધકામો ઠપ્પ થઇ ગયેલાં. વૈશ્વિક અર્થવ્યવસ્થાનું પતન થાય, તો શું થાય, તેના ઉદાહરણમાં 'ગ્રેટ ડિપ્રેશન'નો ઉલ્લેખ થાય છે.