૨૧મી સદીના માનવે શીત યુદ્ધને ધરબીને, સમુદ્રના પેટાળમાં દાટ્યું અને અણુશસ્ત્રોની નિરર્થકતાનો અહેસાસ થવાથી તેમાં પણ ઘટાડો કર્યો ન કર્યો, ત્યાં સરમુખત્યારો કે લોકશાહીનો અંચળો ઓઢેલ સરકાર સામે વાણી સ્વાતંત્ર્ય તેમ જ માનવ અધિકારોની માગણી કરનાર લોકસમુદાયોએ ઠેક ઠેકાણે ચિનગારી ચાંપી મૂકી છે.
સાંપ્રત સમયમાં દુનિયા આખી જેની સામે મીટ માંડી શકે એવી વિભૂતિ નથી જડતી, તેથી આવા કપરા સંયોગોમાં માર્ગદર્શન મેળવવા ભૂતકાળના મહાનુભાવો ભણી નજર વળે છે. વારંવાર સાંભળ્યા છતાં ધરવ ન થાય એવા માર્ટિન લ્યુથર કિંગના જગ વિખ્યાત પ્રવચન ‘I have a dream’ને ૨૮મી ઓગસ્ટને દિવસે અર્ધી સદી વીતી ગઈ હશે. તેમણે મોન્ટગોમરી બસ બોયકોટ વખતે અન્ય પાદરીઓને સંબોધીને લખેલ પત્રમાં અન્યાયી તંત્ર સામે પ્રજાનું કર્તવ્ય શું છે, અને તેનો કઈ રીતે સામનો કરી શકાય તે બખૂબીથી વર્ણવ્યું છે, તો એનું ઓઠું લઈને શીર્ષકમાં ઉલ્લેખ કર્યો છે તે મુદ્દા વિશે વિચારીશું તો સંભવ છે કોઈ દિશા સૂઝે.
આમ તો સદીઓથી દુનિયામાં બે દેશો વચ્ચે લડાઈઓ ખેલાતી આવી છે, પરંતુ વિશેષ કરીને છેલ્લા પાંચ-સાત દાયકાઓથી યુદ્ધનું સ્વરૂપ બદલાયું અને આતંકવાદના અંચળા હેઠળ શાંતિના પાણી ડહોળાયા કરે છે. પૂર્વના દેશોમાં આતંકવાદી હુમલા થતા ત્યારે પશ્ચિમના દેશો અદબ પલાંઠી વાળીને એક કે બીજા રાજ્યને શસ્ત્રો પૂરાં પાડીને તાલ જોયા કરતા હતા, પણ જ્યારે પોતાની ધરતી પર વિસ્ફોટ થયા ત્યારે એ ઝેરને મહાત કરવા કમ્મર કસી. ખરું જોતાં એક જગ્યાએ થતો અન્યાય બીજી જગ્યાના ન્યાયી જીવન માટે ખતરારૂપ હોય જ છે, એનું ભાન મોડું મોડું પણ પશ્ચિમના દેશોને થયું છે. હશે, ચાલો હવે પૂર્વ અને પશ્ચિમના દેશો સાથે મળીને એ અનિષ્ટને દૂર કરવા મથશે.
છેલ્લા ત્રણેક વર્ષથી ભૂમધ્ય પ્રદેશના દેશોમાં આમ જનતાએ પોતપોતાના સરમુખત્યારો સામે માથું ઊંચક્યું છે, તેની શરૂઆત નિ:શસ્ત્ર વિરોધ, દેખાવો અને કૂચથી થઈ એ બતાવે છે કે અહિંસાનો સંદેશ વિશ્વ આખામાં પ્રસર્યો છે, પરંતુ સરકાર તરફથી દમનનો કોરડો વિંઝાતાં જ પ્રજાએ સ્વ-રક્ષા માટે હથિયારો ઊંચક્યા. માર્ટિન લ્યુથર કિંગ કહે છે તેમ કોઈ પણ અહિંસક ચળવળના ચાર ચરણ હોય છે : પ્રથમ તો અન્યાય ક્યાં અને કેટલા પ્રમાણમાં થાય છે તે વિષે પૂરતી માહિતી એકઠી કરવી, બીજું ચરણ વાટાઘાટો કરવી, ત્રીજું ચરણ ચળવળમાં ભાગ લેનારાઓએ પોતાના વિચારોની શુદ્ધિ કરવી અને છેલ્લું ચરણ સીધાં પગલાં લેવાં. આરબ સ્પ્રિંગની શરૂઆતના કારણમાં જે તે દેશની પ્રજાને વ્યક્તિ સ્વાતંત્ર્યનો અભાવ લાંબા સમયના સરમુખત્યારી શાસન દરમ્યાન ટૂંટિયું વાળીને સૂતો હતો તે આળસ મરડીને બેઠો થયો છે, એ હકીકત ગણાવી શકાય. એટલે કે અન્યાય ક્યાં અને કેટલો થાય છે એ પહેલું ચરણ સાચી દિશામાં મંડાયું. બીજા ચરણના અમલ રૂપે શાસક વર્ગના પ્રતિનિધિઓ સાથે પોતાના અધિકારોની માગણીઓ દર્શાવવાનું કેટલે અંશે સંભવ બન્યું હશે, તે કહેવું મુશ્કેલ છે કેમ કે લશ્કરી અને સરમુખત્યારશાહી આવી બાતમીઓ પોતાની પ્રજાથી તેમ જ અન્ય દેશની સરકારોથી અત્યંત ગુપ્ત રાખતી હોય છે. ત્રીજું ચરણ કે જે ચળવળમાં ભાગ લેનારાઓએ પોતાના વિચારોની શુદ્ધિ કરવાનું છે, તેના આચરણના અભાવે શાંતિમય અહિંસક દેખાવો હિંસક વળાંકે આવીને ઊભા છે. કદાચ લોકશક્તિને આવી આંતરદૃષ્ટિ પૂરી પાડનાર કોઈ આર્ષદૃષ્ટા તેમની પાસે નથી. ચોથું ચરણ સીધાં પગલાંનું છે તે જરૂર લેવાઈ રહ્યું છે, પરંતુ એ ન્યાયની માંગણી કરનાર પ્રજાને જ વિનાશની દિશામાં લઈ જઈ રહ્યું છે.
કોઈ પણ દેશમાં સ્થાનિક કે રાષ્ટ્રીય સ્તરના પ્રશ્નોનું નિરાકરણ કરવા માટે જ્યારે પ્રજા શાંતિમય ઉપાયોનો માર્ગ ગ્રહણ કરે, ત્યારે જેમ સૈનિકોને શસ્ત્રો વાપરવાની તાલીમ અપાય છે તેમ સત્યાગ્રહીઓના સૈન્યને પણ અહિંસાની તાલીમ અપાવવી જોઈએ, જેમાં તેમણે વિચારવું રહ્યું કે આપણે પોલિસ કે લશ્કરના હિંસક દમનનો વળતી હિંસા કર્યા વગર સામનો કરી શકીશું? જેલમાં ઉઠાવવા પડતાં કષ્ટ સહન કરી શકશું? હડતાળ પાડીએ ત્યારે પરિવારના સભ્યો આર્થિક સંકડામણ સહેતા છતાં આપણને ટેકો આપશે ? જો આ બધી બાબતોમાં લોકો સશક્ત હોય, તો જ એ લડાઈ સફળતા અપાવે. હિંસક લડાઈઓમાં જેમ તનાવ પેદા થાય છે, તેમ અહિંસક ચળવળમાં પણ અસ્વસ્થતા અને તનાવ અનુભવાય છે. પણ શાસક વર્ગ કે ધનિકો દ્વારા થતા અન્યાયો અને માનવ અધિકારોનો હ્રાસ થતો રોકવા એ સ્થિતિનો સામનો કરવા જેવી તાકાત દરેક દેશના પ્રજાજનોએ કેળવવી રહી. આપણે સહુને અનુભવ છે કે નીતિમાન વ્યક્તિ કદાચ અંગત સ્વાર્થ જતો કરીને પોતાને મળતા લાભ છોડીને બીજાના હિતમાં કામ કરે, પણ સંસ્થાઓ, સરકારો અને મોટી કંપનીઓ વ્યક્તિ કરતાં વધુ અનીતિમાન હોવાને કારણે પ્રજાહિતને ધ્યાનમાં લઈને પોતાને મળતા આર્થિક કે સામાજિક લાભો સ્વેચ્છાએ જતા નથી કરતા અને પોતાના જ લોકો પર શોષણ કરતાં પણ અચકાતા નથી. એ દુખદ પણ સત્ય હકીકત છે કે સ્વતંત્રતા કે અધિકારો કદી શાસકો કે શોષકો તરફથી સ્વેચ્છાએ આપવામાં નથી આવતા પણ દબાયેલા, કચડાયેલા, તરછોડાયેલા લોકોએ પ્રયત્નપૂર્વક મેળવવા પડે છે.
રાજકીય પ્રવાહોમાં આવતા ઝડપી પરિવર્તનો જોતાં વિચાર આવે કે અચાનક અત્યારે આટલા બધા દેશોમાં શાસન પદ્ધતિ સામે આટલો રોષ કેમ ભભૂકી ઊઠ્યો, ભલા ? કેટલાક પ્રેસિડન્ટ અથવા રાષ્ટ્રપતિઓએ તેની પ્રજાને ‘તમને માનવ અધિકારો, વાણી સ્વાતંત્ર્ય અને અન્ય સેવાઓ થોડા સમય પછી આપવામાં આવશે’ એવા વચનો આપ્યે રાખ્યાં, પણ એ ‘સમય’ બે, ત્રણ, ચાર, છ દાયકાઓ સુધી આવ્યો નહીં, તેથી હવે દમિત અને શોષિત પ્રજાની ધીરજ ખૂટી છે. સંઘર્ષમાં સંડોવાયેલા દેશોની સામાન્ય પ્રજાની વ્યક્તિગત ઓળખ ભૂંસાઈ ગઈ છે, તેમનો અવાજ રૂંધાઇ રહ્યો છે અને એમના પ્રત્યે પશુથી પણ બદતર વ્યવહાર કરવામાં આવી રહ્યો છે માટે તેમની ધીરજ ખૂટી છે અને આ આ અધીરાઈ વ્યાજબી પણ છે.
ટ્યુનીશીયાથી માંડીને સીરિયા સુધીની પ્રજા વિરુદ્ધ શાસનની તત્કાલીન ચળવળો જે તે દેશના લોકોને કાયદા-કાનૂનના ભંગ કરવા પ્રોત્સાહન આપે છે. ન્યાયી અને અન્યાયી એમ બે પ્રકારના કાયદાઓ હોય છે. માર્ટિન લ્યુથર કિંગે કહેલું તેમ દરેક પ્રજાજનની માત્ર કાયદેસરની નહીં, પણ નૈતિક ફરજ છે કે તે ન્યાયી કાયદાઓનું પાલન કરે, પણ તેઓએ સેઇન્ટ ઓગસ્ટિન સાથે સહમત થતાં કહ્યું છે કે અન્યાયી કાયદો એ કાયદો ન હોવા બરાબર છે અને તેનો સવિનય ભંગ કરવો એ દરેક જાગૃત નાગરિકનો માત્ર અધિકાર નહીં પણ નૈતિક ફરજ બની રહે છે. તેમના મતે ન્યાયી કાયદાઓના મૂળ કુદરતના નિયમો અને નીતિમત્તાના ધોરણોમાં હોવાથી એ દરેક વ્યક્તિના માનવીય પાસાને ઉજાગર કરે છે, જયારે કોઈ એક વ્યક્તિ કે સમુદાયની માનહાનિ કરે તે કાયદો અન્યાયી ગણાય. ઉપર કહેલા દેશોની આમપ્રજાને બેકારી અને ભૂખમરો વેઠવાનું દુ:ખ હવે અસહ્ય બની રહ્યું છે. એ અને બીજા લોકશાહી શાસન હોવાનો દાવો કરનારા દેશોમાં શાસક વર્ગ સિવાયના લોકો જાણે એક ‘વસ્તુ’નું પામર પદ પામીને કચડાઈ મરે છે. આ ભેદભાવ હવે માત્ર રાજકીય, આર્થિક કે સામજિક મુદ્દો ન રહેતાં અનૈતિક અને અભદ્ર લાગવાથી શાસીતોએ માથું ઊંચક્યું છે.
આજે વિરોધ, દેખાવો અને સશસ્ત્ર લડાઈઓ ચાલી રહી છે તે દેશોમાં સરમુખત્યારી કે લશ્કરી સત્તાએ પોતાના હિત પોષાય એવા કાયદાઓ બનાવ્યા, પણ પોતાની જાતને તેના પાલનમાંથી બાકાત રાખ્યા અને વધારામાં આવો ભેદભાવ કાયદેસર ગણાયો. તેનું પરિણામ આંતર વિગ્રહ અને એક જ ધર્મના બે વાડાઓના અનુયાયીઓ વચ્ચેના સંહારમાં આવ્યું અને આ સળગતી પરિસ્થિતિની બહાર ઉભેલા દેશો પોતાની તેની ઝાળ ન લાગી જાય એટલે અસહાય બનીને મૂંગા દર્શક બની રહ્યા છે.
વ્યક્તિગત કે પ્રજાકીય કાનૂન ભંગ એ નવી ઘટના નથી. રોમન સામ્રાજ્યના દમનના કોરડા સહન કરવાને બદલે ભૂખ્યા સિંહના મોઢામાં માથું ધરવાનું ખ્રિસ્તી લોકોએ પસંદ કરેલું, સોક્રેટીસે ઝેર ઘોળીને પીધેલું, હિટલરના મનાઈ હુકમ છતાં અનેક બહાદુર લોકોએ અસંખ્ય જુઇશ લોકોના જાન બચાવેલા, મોહનદાસ ગાંધીની આગેવાની નીચે દક્ષિણ આફ્રિકા અને ભારતના અન્યાયી કાયદાઓ સામે સત્યાગ્રહો થયા; આ અને આવાં અનેક ઉદાહરણો આપણી સામે છે.
અત્યાર સુધી અનુશાસનને કારણે તંગદીલીના અભાવને ‘શાંતિમય પરિસ્થિતિ’ ગણાવાતી હતી તેને ઠેકાણે ન્યાયપૂર્ણ શાંતિમય સ્થિતિનું નિર્માણ કરવા લોકશક્તિ જાગૃત થઈ છે. જેમના માનવીય મૂળભૂત અધિકારો ઝૂંટવાઈ ગયા છે તેમનું રક્ષણ થવું જોઈએ અને એ લૂંટનારાઓને સજા થવી જોઇએ. અત્યાચાર આચરનારી સરકારો અને શાસકોના દુષ્કૃત્યોને તો તત્કાલ ડામવા રહ્યા, પરંતુ સદ્દભાવ ધરાવતા લોકોનાં મૌનને પણ તોડવું રહ્યું કેમ કે તેઓ પણ એ પાપમાં આડકતરી રીતે ભાગીદાર બને છે. ઇતિહાસે પુરવાર કર્યું છે કે દમિત-પીડિત લોકો કાયમ માટે દબાયેલા નથી રહેતા, તેમનો આત્મા સળવળે ત્યારે ન્યાય મેળવીને રહેશે. સવાલ છે સાધનનો. હિંસાથી મેળવેલ સ્વતંત્રતા બીજા આતતાયીને જન્મ આપશે એ ઇજિપ્તના લોકોએ અનુભવી જાણ્યું. ભૂમધ્ય પ્રદેશના મોટા ભાગના દેશોની જનતાનો અસંતોષ, આક્રોશ ચરમ સીમાએ પહોંચ્યો છે અને એ સમજાય તેવું છે, પણ તેને અહિંસક અને રચનાત્મક દિશાએ વાળવો રહ્યો. અંતિમવાદી પગલાં ભરવા જ હોય તો જીસસનો પ્રેમ માટેનો અંતિમવાદ (‘Love your enemies, bless them that curse you, do good to them that hate you, and pray for them which despitefully use you, and persecute you.’), આમોસનો ન્યાય માટેનો અંતિમવાદ (‘Let justice roll down like waters and righteousness like an ever-flowing stream.’), અબ્રાહમ લિંકનનો સમાનતા માટેનો અંતિમવાદ (‘This nation cannot survive half slave and half free.’) અને થોમસ જેફરસનનો માનવીય સમાનતાનો અંતિમવાદ (‘We hold these truths to be self-evident, that all men are created equal …’) આપણા માટે દૃષ્ટાંતરૂપ છે. ન્યાય અને સમાનાધિકારની માગણી કરનાર પ્રજાએ વિચારવાનું રહે છે કે તેઓ ધિક્કાર માટે અંતિમવાદી થવા માંગે છે કે પ્રેમ માટે ? આ મહાનુભાવોએ શીખવ્યું છે કે ન્યાયનું રક્ષણ પ્રેમથી થાય અને અન્યાય હિંસક આચરણથી જન્મે.
માર્ટિન લ્યુથર કિંગને પણ મહાત્મા ગાંધી અને તેમના પુરોગામીઓની જેમ પ્રતીતિ થયેલી કે અહિંસક લડાઈની માગ છે કે ધ્યેય પ્રાપ્ત કરવા માટેના સાધનો પણ તેના જેટલાં જ શુદ્ધ હોવા ઘટે. એ વિશ્વ વિભૂતિઓએ સ્વતંત્રતા અને ન્યાયની લડતમાં તેમની સાથે જોડાયેલા સૈનિકોને નૈતિક ધ્યેય સુધી પહોંચવા અનૈતિક માર્ગે ચાલીને અશુદ્ધ સાધનોનો ઉપયોગ સર્વથા અયોગ્ય છે એ સિધ્ધાંત સમજાવીને તેનો અમલ પોતે કરી, બીજા કરે તેની ખાતરી કરીને સત્ય-અહિંસાને માર્ગે અશક્ય લાગતી એવી સ્વતંત્રતા અને ન્યાય મેળવેલા. આજની વિનાશક લડાઈઓ અને સંઘર્ષોના પરિણામો જોતાં પ્રતીતિ થયા વિના નથી રહેતી કે લોકશાહી શાસન પદ્ધતિની માગ હોય કે નાગરિક અધિકારોની ચળવળ હોય, પ્રજા અને સરકાર બંને માટે અહિંસાનું હથિયાર આજે પણ એટલું જ પ્રસ્તુત છે જેટલું ઓગણીસમી અને વીસમી સદીમાં હતું. જરૂર છે માત્ર એ હકીકતનો અહેસાસ કરાવનાર નેતાની અને એ હકીકતમાં શ્રદ્ધા ધરાવનાર પ્રજાજનોની.
e.mail : 71abuch@gmail.com