ચોથિયાને તો દિવાળી રોજ આવે તે ગમે. તેને ખાસ મજા તો પેલા દારૂખાનાંમાં જ આવે છે. દીવા કરવા અને તોરણો લગાવવાં કે પછી સાલમુબારક કહેવું કે મીઠાઈઓની આપ-લે કરવી તે તો બધું ‘રઇસી શાન’ કહેવાય. આપણા રામને તો દા’ડો ઊગે ને રઝળતા-નહીં ફૂટેલા ફટાકડા ફોડવા મળે એટલે હાઉ. ક્યારેક કોઠી તો ક્યારેક ફૂલઝડી, ક્યારેક રૉકેટ તો ક્યારેક ભોંયચકરડી, ક્યારેક સૂતળીબૉંબ અને ક્યારેક તડતડિયાં. અરે ક્યારેક તો ખાંસી થઈ જાય તેવો ધુમાડો છોડતા અને દરમાંથી નીકળતા જણાય તેવા સાપ પણ ફોડાય અને ક્યારેક સૌને ગમી જાય તેવા-સૌના મન-કી-બાત જેવા સુમધુર તારામંડળ પણ ફોડાય. દિવાળી જાય જ નહીં અને સદાકાળ ટકી રહે એટલે બસ. પછી મોંઘવારી કે બેકારી જેવા કોઈ સવાલો જ નહીં. એમાં દેશી બનાવટના ફટાકડા હોય તો સારું – બીજાના ફટાકડા અમે ફોડતા નથી એવાં વિધાનોના ફટાકડા પણ ફોડીને ક્યારેક તો ચલાવી લેવું પડે – શું થાય.
‘શેના ગોટે ચઢી ગયો? તને તો ભઈસા’બ વાતેવાતે છછૂંદરાં ભળાતા હોય તેમ આંખના ખૂણે ઝબકારા જ ગોઠવાયા કરતા હોય છે. તારા દેદાર તો જો, ઘડીમાં ટશિયા ઊભા થઈ જાય છે, તો ક્યારેક દાંતની ડાબડી અધખૂલી રહી જાય છે. તને આ કઈ જાતનો રોગ લાગુ પડ્યો છે તે ખબર પડતી નથી. મને તો લાગે છે તારા દાણા જોવડાવવા પડશે. ઝોડઝોપટ કે પછી વળગાડ જેવું કાંક હોય તો થોડી મરચાંની ધૂણી કે ભૈરવદાદાનો દોરોધાગો કરીએ.’ ચોથેશ્વરીએ ચોથિયાને ફરી એક વાર ટપાર્યો. અલબત્ત, પતિનું સન્માન સાચવાની એક આર્યનારીની મનતોડ મહેનત તેમાં દેખાઈ આવતી હતી.’ જા, જરા નાકેથી ચારેક લીલા મરચાં વીણી લાવ, તો ઢોકળાંની થાળીમાં પાથરી દઉં.’ ચોથેશ્વરીને ધણીને ધંધે લગાડી દેવાનો ઇલાજ પેલા તાવીજના ઇલમ જેવો જ અસરકારક જણાતો.
ચોથિયાને આવું કામ ચીંધાય ત્યારે પોતે કોઈ બાટલીમાં પુરાયેલા જીન જેવો છે તેમ જ લાગતું. આ તો ઠીક છે કે દેશમાં લોકશાહી છે, નહીં તો પોતાના કેવા હાલહવાલ થયા હોત, તેણે વિચાર્યું. ‘ખરેખર’ ? તેને ક્યાંકથી એક ગેબી અવાજ સંભળાયો. પોતાની ઉપરના વડના ઝાડની ડાળીઓમાં ઝીણવટથી જોતા તેને જણાયું કે ઉપર બેસીને વડના ટેટા ખાતાં-ખાતાં કોઈક આ વાઈફાઈ મોજાં મોકલી રહ્યું હતું. ચોથિયો તેની પાસે પહોંચી ગયો અને પૂરા માનવિવેક સાથે હળવે રહીને પૂછ્યું, ‘મહાશય, આ દેશની લોકશાહી તરફ મેં ચાહત દાખવી તેમાં આપશ્રીને નડતર ક્યાં થયું? અમે કાંઈ ચીન જેવા થોડા જ છીએ કે લોકોની જમીનો ખૂંચવી લઈએ કે પછી અમારે ત્યાં કોઈ અંકુશો હોય અને કોઈ અભિવ્યક્તિ કરી ના શકતું હોય તેવું ક્યાંય બને છે ખરું તે તમે શંકા આદરો છો? હા, અમારી મન કી બાતમાં કોઈને એવું જણાય ખરું કે અમે લખવા-બોલવાની કે સભાસરઘસની મંજૂરીની બાબતમાં જરા આળા છીએ. પણ શું થાય, અમારે તો એક સુપર પાવર થવું છે અને દુશ્મન હોય કે ના હોય તેના દાંત ખાટા કરી નાંખવા છે. અમે નવસો-હજાર વર્ષ ગુલામ રહ્યા – પણ હવે તો જોઈ જ લેજો આ ભાયડાના ભડાકા.’ ચોથિયાને થયું આ છેલ્લી વાત તો કદાચ તેણે ચોથેશ્વરીજીને ઉદ્દેશીને કહેવાની હતી પણ અહીં કહેવાઈ ગઈ. ખેર, અલબત્ત તેનું ધ્યાન હતું કે આ કોઈક નવો જ વાનર બિરાદર હતો.
‘મારું નામ છે સવારીદાસ અને હું ઉત્તરનો શિતપ્રદેશોનો વાસી છું.’ આગંતુકે વડના લાલ ટેટાને તોડીને બટકાવતા કહ્યું. ચોથિયો તેની મુખમુદ્રા અને છટાને મુગ્ધભાવે નીરખી રહ્યો છે. રખેને તેની પાસે દેશની પરિસ્થિતિ બાબતે કોઈક ગૃહ્યજ્ઞાન હોય પણ ખરું. ચોથિયાની કુંડળીમાં જ શાશ્વત શિષ્યત્વનો યોગ હતો, તેથી તે દરેકને ગુરુ માનવા પણ સજ્જ બની રહેતો. છેક ઉત્તરના પ્રદેશોમાંથી – એટલે કે નગાધિરાજ હિમાલયની ગિરિકંદરાઓમાંથી પધારેલા આ સવારીદાસ પાસેથી રખેને જ્ઞાનનો કોઈક ઇલમ સાંપડી બેસે – એવી આશા સાથે તેણે પણ વડના ટેટા આરોગવાનો પ્રારંભ કર્યો. ‘અમે સૌ બાટલીમાં પુરાયેલા જીન જેવા નથી એમ મેં કહ્યું ત્યારે તમે શંકા કેમ પ્રગટ કરી’, ચોથિયાએ વિનમ્રભાવે સવાલ કર્યો.
અનેક પર્વતો, ખીણો, સરોવરો અને પ્રદૂષિત નદીઓનાં પણ નીર પીને પાવન બની ચૂકેલા સવારીદાસે સ્વાભાવિકપણે જ સાંપડી ગયેલા આ શિષ્ય તરફ દયાદૃષ્ટિ કરીને જ્ઞાનયજ્ઞનો શુભારંભ કર્યો. ‘જો ભાઈ, સ્વતંત્રતા એટલે શું તે તું જાણે છે? સ્વતંત્રતા એટલે મનફાવે તે વસ્ત્રો પહેરવા કે મનફાવે તે ખાવુંપીવું એટલું જ નથી. ખરી સ્વતંત્રતા તો અભિવ્યક્તિની ગણાય. તમને ન ગમે તેવું બોલવા-લખવાની છૂટ હોય ત્યારે સ્વતંત્રતા પ્રગટવાની શરૂઆત થાય. પેલા આનર્તદેશના એક પ્રોફેસરે કહ્યું હતું ને તેમ – ‘નો, સર’ કહેવાય, એટલે સ્વતંત્રતા તરફ અભિમુખ થયા ગણાઈએ.’
‘આ તમે બધા જાતભાતના કુવિચારો કરનારા ક્યાંથી આવી મળો છો તે જ મને તો સમજાતું નથી.’ અચાનક જ પ્રગટી ઊઠેલા યપ્પીએ ઝપાટાભેર પોતાની વિદગ્ધ વાણી વહેવડાવવા માંડી. તમારે સ્વતંત્રતાને કરવી છે શું તે તો કહો. સ્વતંત્રતાને મધ મૂકીને ચાટવી છે? જુઓ, પેલું ચીન સ્વતંત્રતા વગર જ કેટલું આગળ નીકળી ગયું. આપણે પણ તેની સામે યુદ્ધ કરવાની વેળા આવી ચડે, ત્યારે આ તમારી સ્વતંત્રતાને તોપમાં ભરીને ભડાકો કરી શકવાના છો? આગળ વધો – આ બધું વેવલાપણું પાછળ છોડો. જુઓ, હવે તો અમેરિકા પણ કેટલું આગળ વધી ગયું છે. પેલા ટ્રમ્પ મહાશય પણ આપણા નેતાની વાણી અજમાવીને ‘અબકી બાર-ટ્રમ્પ સરકાર’ બોલતા થઈ ગયા છે તે આપણો પ્રભાવ જ ને! અને સૌ સારાં વાનાં થાય અને અમેરિકામાં પણ તે ચૂંટાઈ આવે એટલે આ લોકશાહી અને સ્વતંત્રતાના તમારા ખ્યાલોને કાટમાળના ભાવે વિદાય કરી દેવાશે.’ યપ્પીએ પોતાની વધતી જતી આક્રમકતા સાથે ડારો દીધો, પણ પોતાના બોલવાના ઉત્સાહમાં તે ભૂલી ગયો કે શ્વેતકેશી, ગુચ્છપુચ્છ, એકદંતગૂમ અને ચોથેશ્વરી પણ આ વડના ટેટા ખાવા આવી પહોંચ્યાં હતાં.
‘યપલા, જરાક લાજ તો ખરો – આ જ લોકશાહી અને સ્વતંત્રતાની સીડી ચઢીને તો તું અહીં લગી પહોંચ્યો છું. બાકી તું ને તારા નાતીલા તો જ્યારે અંગ્રેજોની ગોળીઓ ચાલતી હતી અને નવજુવાનોના લીલાં માથાં વધેરાતાં હતાં ત્યારે ક્યાં તો તેમની ચાપલૂસીમાં લાગ્યા હતા અને નહીં તો લપાઈને બેઠા હતા. અને હવે તમને કોના બોલ નથી ગમતા? પેલા ઉનાના દલિતો કે સૈનિકો દિનેશ રાઠોડના ન્યાય માટે કોઈ બોલે તે નથી ગમતું. કોઈ રોહિત વેમુલ્લાની વાત બોલે કે પછી કન્હૈયાકુમાર બોલે તે નથી ગમતું, કોઈ મહંમદ અખલાકનો મુદ્દો કરે કે પછી દલિતો અને આદિવાસીઓને આપવાની થતી જમીનોનો મુદ્દો ઉઠાવે – તમારી આંખો જ તંગ થઈ જાય છે. પેલા સૈનિકે – રામેશ્વર ગ્રેવાલે આત્મહત્યા કરી અને તમે તેને ‘ચાર પૈસા’ના મોલે આંકી. તેના દુઃખી પરિવારને સાંત્વના આપવા જવા માંગનારા વિપક્ષી નેતાઓને તમે તેમને મળવા તો ના જ દીધા -તેમની અટકાયતો કરી અને ઓછું હોય તેમ બાપના અપમૃત્યુના આઘાતથી હચમચી ગયેલા દીકરાને માર પણ માર્યો. હવે જો આની સામે કોઈ બોલે તો તમારા વિકાસના રથનાં પૈડાંમાંથી હવા નીકળી જાય છે. તમને જો કોઈ પૂછે કે ભઈલા મારા, ભૂલ્યો. મહારાજાસાહેબ, જરા જણાવવાની કૃપા કરો કે અમારો એવો તે કયો વાંકગૂનો થયો કે તમારે અમારા મોંએ ડૂચા મારવા પડે? બાપા, તમારા જગતગુરુ થવાના કે પછી મહાશક્તિ બનવાનાં સ્વપ્નાં ભલે તમને મુબારક રહે, પણ અમારાં અંગ દાઝે છે અને દિલ નીચોવાઈ જાય છે, તેનું જરાક સરખું ધ્યાન તો રાખો.’
‘તમે તો એટલા જડવાદી અને મતાગ્રહી છો કે તમને કેમ કરીને સમજાવવું તેની જ મને ખબર પડતી નથી.’ યપ્પીએ પોતાના ઊર્ધ્વગામી પથના રોડા સમાન આ સ્વતંત્રતા અને લોકશાહીના વિચારો સામે બળાપો વ્યક્ત કરતા કહ્યું.’ તમારે વિકાસ કરવા માટે અને મહાસત્તા બનવા માટે ભોગ તો આપવો જ પડશેને. આ ભોગ એટલે જ મોઢું બંધ રાખવું તે.’ યપ્પીએ એક મહાન દેશભક્ત અને પ્રખર વિચારકની અદામાં એક લાગણીસભર દલીલ ફેંકી. પછી ઉમેર્યું’ ‘તુમ મૂઝે ખૂન દો, મૈં તુમ્હેં આઝાદી દૂંગા’ ને બદલે હવે કહેવાનું થાય છે – ‘તુમ ચુપ રહો …’ પછી શું બોલવાનું થાય તેની તેને ખબર ના પડી.
‘જો યપ્પીડા, તું જે વાત કરે છે તે પ્રકારની વાતો બીજા વિશ્વયુદ્ધના ગાળામાં મુસોલિનીએ પણ કહી હતી. રાષ્ટ્રવાદના મહોરા હેઠળ તેણે પણ હાહાકાર મચાવેલો. તેનાં પરિણામોની જગતને ખબર છે. દુનિયાનો ઇતિહાસ કહે છે : જ્યાં પણ લોકો જીવંત હોય ત્યાં જ બોલચાલો હોય છે. અસહમતી, દલીલ, વાદ-વિવાદ, ચર્ચા. આ બધા તો લોકશાહી માટેનાં વસાણાં કહેવાય. તમારે પેલા અરવિંદ કેજરીવાલ કે પછી રાહુલ ગાંધીની અટકાયત કરવી જ કેમ પડી? એક દુઃખી પરિવારને સાંત્વન આપવા જવું તે ખોટું છે?’ શ્વેતકેશીને આ બાબતે ઉપડેલી વ્યથા અટકાવાનું નામ લેતી ન હતી.
ધીમે રહીને ચોથેશ્વરી મેદાનમાં ઊતર્યાં. ‘ભાઈ યપ્પી, આ તું આટઆટલું બોલ્યે ગયો તે તને બોલવા જ ના દેવાય તો? તમને ફાવે અને તમારાં વખાણ થાય તેવું જ બધા બોલે અને લખે કે? સદાકાળની સ્તુિત તો માત્ર જગતનિયંતાની જ થાય અને આ ઈશ્વર કાંઈ લોકશાહીમાં ચૂંટણી લડીને આવતા નથી. તમારે લોકોના મત જોઈએ પણ લોકો તમને કાંઈ પણ પૂછે તો તમે આળા થઈ જાવ એવું કેમ? આમ તો ઘણીબધી ટીવી ચૅનલો તમને ફાવે તેવું જ બોલે છે, પણ જો કોઈ તમારી તરફદારી ન કરે તો તમને તેની તરફ ગુસ્સો કેમ આવે છે? અને તે પણ એટલો બધો કે તેમને એકાદ દા’ડા માટે ‘ઑફ ઍર’ કરી દો ? યાદ રાખજો, અગાઉ આ દેશમાં કટોકટીનું શાસન લદાયું હતું. તે વખતે લોકોએ જાતે જ લોકશાહીનું રક્ષણ કરી બતાવ્યું હતું. આ દેશમાં શાસન કરવાનો અર્થ એવો હરગિજ નથી કે તમે લોકોને મારી-મચડીને કોઈક ચોકઠામાં ફિટ કરી દો. તમે આખા દેશને દીવાલો ચણીને કેદ ના કરી શકો. બર્લિનની દીવાલ તો તૂટી તે તૂટી જ. હવે તેને ફરીફરીને ચણવાનો ઉદ્યમ ના કરશો. અમે નથી બાટલીમાં પુરાઈ જઈએ એવાં જીન કે સહેજ ઘસતાની સાથે ‘હુકમ મેરે આકા’ કરતાને ઊભાં થઈ જઈએ. અને નથી કોઈ અનારકલી કે જીવતે જીવ, કોઈ ઊંચી ને ઊંચી ચણાતી જતી દીવાલોમાં કેદ થઈને રૂંધાઈ જઈએ. અમને જીવનના મહત્ત્વની બરાબર ખબર છે અને તેથી જ અમે ડારો દેનારાથી ડરતા નથી.’ ચોથેશ્વરીએ મણનો નિસાસો મેલતા કહ્યું.
હવે તો ગુચ્છપૂચ્છથી પણ રહેવાયું નહીં. ‘બહુ થયું અને બહુ સહન કીધું.’ બાપલા તમે તો નીત નવી ને નવી મોજમાં મંડાતા જ જાવ છો. અમે કહીએ, આ ચિકનગુનિયા અને ડૅન્ગ્યુમાં લોક ભરખાતું જાય છે. તો તમે મારા વા’લીડા, કે’શો, ચાઇનીઝ બનાવટના ફટાકડા ફોડવાથી આપણી રાષ્ટ્રભક્તિને આંચ આવે છે. અમે કહીએ, બાપ તો દીવાળીના ટાંકણે કેરોસીન મળતું નથી તો તમે કો’ છો આપણો દેશ વિકાસ કરવામાં અગ્રેસર છે. અમે કહીએ છીએ, આ ભણવાની ફીયું બહુ ઊંચી છે અને ભણ્યા કેડે કોઈ નોકરીઓ જોગ ખાતો નથી તો તમે કો’ છો, દેશદેશાવરમાં અમારા ભ્રમણને લીધે આપણી આબરૂ વધી છે. અમે કહીએ છીએ એમને પીવાનું ચોખ્ખું પાણી મળતું નથી અને તમે કો’ છો આપણી જી.ડી.પી. સડસડાટ વધી રહી છે. અમે કહીએ છીએ, આ મગફળીના ભાવ પોષાતા નથી, તો તમે કો’ છો મગફળી અમને પૂછીને વાવી હતી? પણ કપાસના ભાવ તો તમે જ ઊંચા અલાવશો એમ તો તમે કે’તાતાને – હવે બધું ભૂલાવી દીધું? તમે તેના સારા ભાવ આલશે એમ માનીને કપાસ વાવ્યો અને પાયમાલી આવે એવા નીચા ભાવ આવ્યા તે અમારો એક જુવાનજોધ દીકરો ફાટી પડ્યો. મારા બાપલા, અમારા સવાલો કયા છે અને તમારા જવાબો તો ઠીક પણ વે’વારોય કેવા છે? અમને તો લાગે છે કે તમે અમારા સવાલોના જવાબો આપી શકો તેમ જ નથી તેથી આ દિવાળીના દિવસોમાં જાતભાતનાં તારામંડળ, બપોરિયાં, સાપ, તડતડતડિયાં અને લવિંગિયાં ફોડે જાવ છો. અમારી ભેરે ચડે અને અમ જેવાની બે વાત જગતના કાને નાંખે તે બધા તમારા વેરી થઈ ગયા? અને તમને તમારી ટીકા કરનારા જણાય છે તે લોકો આખરે બોલે છે શું? ગરીબને મારો નહીં. અમીરને પહેલા ખોળાના ગણો નહીં. ખેડૂતને મારો નહીં, જમીન ઝૂંટવો નહીં, દલિત કે મુસલમાન પણ આજ દેશના મારા-તમારા જેવા જ નાગરિકો છે, તેમને પણ ખુશહાલીમાં ભાગ આપો, બધાને ખાવા-પીવાની, હરવા-ફરવાની હળવા-મળવાની સ્વતંત્રતા તો ગાંધીબાપાના જમાનાથી મળેલી જ છે. તે ખૂંચવી તો ના લો.’
અને હવે તો એકદંતગૂમે પણ દરેક ‘શ’કારે સિસોટી વગાડતા-વગાડતા ઉમેર્યું. ‘અમને તો એમ કે તમે વેદ-ઉપનિષદ-પુરાણોમાં યથોચિત શ્રદ્ધા ધરાવીને અને તેને આધુનિક સમયમાં ઉજાગર કરીને આ દેશને વધુ સારો બનાવશો. પણ તમારી વાતો અને વ્યવહાર વચ્ચે જોજનોનું અંતર પ્રગટી રહ્યું છે તે તમને ભળાતું જ નથી? આ દેશ તો કહે છે, ‘અબધ્નન પુરુષં પશુમ’ – પુરુષ કે પશુની પણ હત્યા ન કરો અને તમારા શાસનમાં થતી હત્યાઓ સામે જો કોઈ બોલે તો તમે કહેશો અરે, આ તો રાષ્ટ્રવિરોધી છે. બાપા મારા, આ રાષ્ટ્ર તમારું આટલું બધું આરાધ્ય હતું, તો આઝાદીની લડત વખતે તમે કેટલી દરકાર કરી તે તો કહો. અને રાષ્ટ્રને માત્ર ગઠીલા સ્નાયુ અને લટ્ઠાબાજી વડે જ ઓળખી શકાય કે? આ રાષ્ટ્ર માટેની ન્યોછાવરી તો બેહિસાબ છે અને તેના પ્રેમ કે ભક્તિ માટે ન તો કોઈના સર્ટિફિકેટની જરૂર છે કે ન તો તે માપી, આંકી કે ખૂંચવી શકાય છે.’
હવે તો પેલા સવારીદાસને પણ લાગ્યું કે પોતે જે ધરમનો ધંધો કરવા નીકળ્યા હતા તે કાંઈ બહુ કામની ચીજ ન ગણાય. ધરમનો મરમ તો કટિંગ ચા પીનારા. બે મૂઠી ચવાણું ફાકનારા, દાલરોટીની જદ્દોજહદ કરનારા, અડખેપડખેના લોકોની ભીડ જાણનારા એવા કરોડો લોકમાં કુંડલી મારીને બેઠી છે. તેમને કુંડલીની યોગ શિખવાડવાના ધખારા કરવા જેવા નથી.
આમ તો ચોથેશ્વરીને પણ હજુ ઘણું બધું કહેવાનું હતું પણ તેમને ખ્યાલ આવ્યો કે યપ્પીના દિમાગમાંથી કશું પણ સાંભળવાનો પ્રોગ્રામ જ ડિલીટ કરી દેવામાં આવ્યો હતો. એક મુઠ્ઠો ભરીને વડના ટેટા બધા સામે ઉછાળીને આપણો પ્રિય મિત્ર યપ્પી હૂપાહૂપ કરતો ભાગી ગયો.
E-mail : shuklaswayam345@gmail.com
સૌજન્ય : “નિરીક્ષક”, 16 નવેમ્બર 2016; પૃ. 08-09