બિરસા સાર્ધ શતાબ્દી
અંગ્રેજ અમલના ઉત્તરકાળે આરંભાયેલ રાષ્ટ્રીય ઇતિહાસલેખને સાંસ્થાનિક દૃષ્ટિકોણમાં બદલાવ આણ્યો અને માર્ક્સવાદી ઇતિહાસલેખને ચોક્કસ મર્યાદામાં એમાં આર્થિક – સામાજિક પરિમાણનો પ્રવેશ કરાવ્યો : સહૃદય સ્વાધ્યાય અને સમીક્ષાને કારણે આ પ્રક્રિયા અનવરત રહેશે.
હાલના સત્તા પ્રતિષ્ઠાને બિરસા મુંડાની સાર્ધ શતાબ્દીનો રંગેચંગે પ્રારંભ કીધો અને રાષ્ટ્રપતિ, વડા પ્રધાન તથા ગૃહ પ્રધાને પોતપોતાને સ્તરેથી તે અંગે ઘટતા અવાજો પણ કાઢ્યા એ તો જાણે કે ઠીક જ થયું. ચોક્કસ રાજકીય-સામાજિક અગ્રવર્ગની ફરતે રમતે ભમતે આપણું ઇતિહાસચિંતન ચાલતું હોય છે તે વિસ્તરે અને આટલા મોટા લગભગ ખંડસદેશ દેશમાં જે નાનાવિધ સમુદાયો છે એ સૌને અંગે એક સહૃદય એવો સમાવેશી અભિગમ વિક્સે એ અલબત્ત ઇષ્ટ છે. રાજ્યોમાં ચૂંટણીદોર જારી હતો અને એમાં વળી ઝારખંડ તો સુવાંગ આદિવાસી ઇલાકો, એ જોતાં રાજકીય-શાસકીય અગ્રવર્ગ બિરસા મુંડા નિમિત્તે વરસી પડે એ ય સમજી શકાય એવું છે.
પણ આ બધા શોરની કળ વળે (બલકે, મૂર્છા ઉતરે) ત્યારે કેટલીક પાયાની બાબતો સહવિચારની દૃષ્ટિએ સમજવી જરૂરી બને છે. નહીં કે અન્યથા પણ આ ચર્ચા ન કરવી જોઈએ, પરંતુ વડા પ્રધાને અને ગૃહ પ્રધાને બિરસા-બિરસા નાદ વચ્ચે જે એક એવી છાપ ઉપસાવવાની કોશિશ કરી કે અમે આગળનાઓએ ઇરાદાપૂર્વક બાજુએ રાખેલ મહાનાયકોને સંભારી રહ્યા છીએ તેને કારણે સહવિચારની તાકીદ ઓર વધી જાય છે.
પહેલાં તો, સમતાપૂર્વક આપણે સૌએ એટલું સમજવું અને સ્વીકારવું પડે કે ઇતિહાસ બધો વખત આખો ને આખો આપણી સામે ઊઘડતો નથી હોતો. સરજાતા ઇતિહાસમાં કેટલીક પરત ખૂલે છે, કેટલીક અધખૂલી રહે છે. બહુ જ જાડો, સાવ સાદો દાખલો આપવો હોય તો હજુ સૈકા બે સૈકા પર લખાતો ઇતિહાસ રાજાઓ અને રાજવંશોને તેમ જ તેમનાં આપસી જુદ્ધોનો મુખ્યત્વે હતો. ધીરે ધીરે આપણે પ્રજાઓના ઇતિહાસલેખનમાં પ્રવેશ્યા. સામાન્યપણે આ લેખન પણ જે અગ્રવર્ગ હોય એની ફરતે થતું હશે, ક્રમે ક્રમે એમાં આમ આદમીનો પ્રવેશ થયો. વળી, આપણે ત્યાં જેમ અગ્રવર્ગ તેમ અગ્રવર્ણનોયે સ્વાભાવિક પ્રશ્ન રહે. અંગ્રેજ કાળમાં આપણે જે ઇતિહાસલેખન જોયું તે સ્વરાજ આવતે આવતે સ્વાભાવિક જ જુદા ફલક પર મૂકાયું. રાષ્ટ્રીય ઇતિહાસલેખનની દૃષ્ટિએ અંગ્રેજ અમલના ઉત્તરકાળમાં રાજેન્દ્રપ્રસાદની અધ્યક્ષતામાં જે સમિતિ બની એણે બહુ સરસ અભિગમ લીધો હતો કે ‘રાષ્ટ્રીય’નો અર્થ એ નથી કે આપણી મર્યાદાઓ અને ક્ષતિઓને આ અભ્યાસમાં ઢાંકવી. આપણો આશય આ ક્ષતિઓ ઢાંકવાનો નહીં પણ તેની દુરસ્તીનો છે.
આ જ રાષ્ટ્રીય ઇતિહાસલેખનની ધારામાં (ક્વચિત તેને સમાંતર પણ) માર્કસવાદી ઇતિહાસલેખન આવ્યું. સ્વાતંત્ર્યચળવળ ઉત્કર્ષકાળની મુખ્ય ધારા એટલે કે કાઁગ્રેસ ને ગાંધી જેવાં ને જેટલાં ઊપસતાં હશે એમાં એમણે વંચિત સમુદાયો અથવા મુખ્યધારામાં દેખીતા ન જણાય તેવા કિસાનમજદૂર ઉઠાવોને ઊંચક્યાં. બિરસા પ્રકારના આદિવાસી – કિસાન ઉઠાવોને અંગે એમાં ખાસું કામ થયું. બિપનચંદ્ર જેવા માર્ક્સવાદી ઇતિહાસકારે ડાબેરીઓ રાષ્ટ્રીય ચળવળમાં ગાંધીના યોગદાનને સુપેરે સમજી શક્યા નહીં હોવા બાબતે ખખડાવીને લખ્યું પણ ખરું.
નમૂના દાખલ, બિરસાની જ વાત લઈએ તો એમની ભૂમિકા સારુ એકાએક કોઈ આસમાની નવજાગૃતિ પેરેશૂટ પેઠે ઊતરી પડી હોય એવું નથી. 1885-90 બિરસા પ્રકરણ વખતે ત્યારનો વિધાનગૃહમાં સુરેન્દ્રનાથ બેનરજીએ ઉઠાવેલ સવાલો ને છેડેલ ચર્ચા ઇતિહાસદર્જ છે. તત્કાલીન અખબારોમાંયે તે ઝિલાયેલી છે. હાલ ઝારખંડમાં પણ સાંથાલ પરગણાનો બંગાળ સાથે સીધો સંબંધ એટલે બંગાળ સાથે સીધો સંબંધ એટલે નેતાજી અને એમનો ફોરવર્ડ બ્લોક ખાસ બિરસા જયંતીનો આયોજનો કરતાં. 1940ની રામગઢ કાઁગ્રેસે પોતાના મુખ્ય પ્રવેશદ્વાર સાથે બિરસાના નામને સાંકળ્યું હતું. સંસદ પરિસરમાં (હવે જેને પ્રેરણાસ્થળ કહેવાય છે, ત્યાં) પચીસ વરસથી બિરસાની પ્રતિમા સ્થાપિત થયેલી છે.
ઘણાં અણગાયાં પાત્રો હજુ પ્રજાસૂચ પુજાપાની પ્રતીક્ષામાં છે. હાલનું સત્તા-પ્રતિષ્ઠાન ગમે તે ક્ષણે જેને ‘વોક’માં ખપાવી શકે એવા એક સમર્પિત કર્મશીલ પત્રકાર પી. સાઇનાથે એમનાં પૈકી કેટલાંક જીવંત ચિત્રોની હજુ એકબે વરસ પર જ ‘ફૂટપ્રિન્ટ્સ’ રૂપે અક્ષર રજૂઆત કરી છે. ઇતિહાસલેખનમાં આર્થિક-સામાજિક પૃષ્ઠભૂ એ ડાબેરી લેખનનો વિશેષ છે જે હવે મુખ્યધારામાં સ્વીકારાયેલો છે.
ઇતિહાસને ઓજાર કે સંપ્રદાય તરીકે નહીં પણ વ્યાપક સ્વશિક્ષણની અભિનવ સાધનારૂપે જોવા ઘટાવવાપણું છે.
Editor: nireekshak@gmail.com
પ્રગટ : ‘પરિપ્રેક્ષ્ય’, “દિવ્ય ભાસ્કર”; 20 નવેમ્બર 2024