
![]()

![]()
પોલીસ અને નક્સલવાદીઓ જેવી બે સરખી હિંસક તાકાતો વચ્ચે છત્તીસગઢનાં આદિવાસીઓ પીસાતા રહ્યા છે

નક્સલવાદી હિંસાથી આતંકિત છત્તીસગઢમાં આદિવાસીઓ પરના અત્યાચાર અને અન્યાયના સતત આવતા દર્દનાક અહેવાલોની વચ્ચે દિલાસો આપનારા સમાચાર તાજેતરમાં મળે છે. તેના સહુથી પીડિત એવા બસ્તર વિસ્તારના, ઇન્સ્પેક્ટર જનરલ ઑફ પોલીસ એસ.આર.પી. કલ્લુરીને રાજ્ય સરકારે ગયા ગુરુવારે નેવું દિવસ માટે રજા પર ઊતરી જવાનો આદેશ આપ્યો છે. રાષ્ટ્રીય માનવ અધિકાર પંચે ત્રીસ જન્યુઆરીએ બસ્તર પોલીસની જુલમી કામગીરી માટે કાઢેલી ઝાટકણી પછી રાજ્ય સરકારે આ પગલું લીધું છે. શિવરામ પ્રસાદ કલ્લુરી હેઠળ ગયાં વર્ષે 135 નક્સલવાદીઓ એનકાઉન્ટરમાં મરાયા છે અને 1210 શરણે આવ્યા છે એમ સરકારી આંકડા જણાવે છે. જો કે શરણાર્થીઓમાંથી માત્ર ત્રણ ટકા જ સરકારના ધોરણોમાં બંધબેસતા હોવાનું બહાર આવ્યું છે. તદુપરાંત, કલ્લુરીના અઢી વર્ષના કાર્યકાળમાં છત્તીસગઢમાં કામ કરતાં કર્મશીલો, પત્રકારો, ઍકેડેમિશિયન્સ અને વકીલોને સતામણી, ધાકધમકી, હુમલાના અને પોલીસની કાનૂની ફસામણીનો સતત સામનો કરતા રહેવું પડ્યું હતું. એટલા માટે કે આ બધાં, આદિવાસીઓ પરના માઓવાદીઓ અને પોલીસના જુલમ, સરકાર અને કંપનીઓ દ્વારા તેમનાં શોષણ અટકાવવાની, તેમને ન્યાય અપાવવાની, સરકારની લોકવિરોધી નીતિઓની સમીક્ષા કરવાની અને અસમાનતા દૂર કરવાની કોશિષ કરી રહ્યાં છે.
બંધારણને કોરાણે મૂકવાનો જાણે રાબેતો હોય તેવાં છત્તીસગઢની ગતિવિધિઓથી દેશનો ઘણો હિસ્સો ઠીક ઓછી જાણ ધરાવે છે. દેશના કુલ આદિવાસીઓમાંથી સાડા સાત ટકા આદિવાસીઓની વસ્તી ધરાવતું આ રાજ્ય જંગલ અને ખનિજોથી ખૂબ સમૃદ્ધ છે. આ સંપત્તિની સરકાર અને કૉર્પોરેટ સેક્ટરની મિલીભગતથી લૂંટ ચાલતી રહી છે. તેમાં વિકાસનાં નામે આદિવાસીઓનાં જંગલો અને જમીનો છિનવાતાં તે વધુ ને વધુ કંગાલ બનતા જાય છે. વળી વંચિતોના સાચા કલ્યાણ માટેની રાજકીય ઇચ્છાશક્તિને અભાવે સરકારો પાણી, વીજળી, આરોગ્ય અને શિક્ષણ જેવી પાયાની જરૂરિયાતો અહીં પહોંચાડી શકી નથી. સામે જંગલ-જમીન છિનવવા માટે સુરક્ષાદળોનો ઉપયોગ વધતો રહ્યો છે. આવા સંજોગોમાં, અલગ સરકાર થકી ન્યાય અપાવવાનો દાવો કરનાર માઓવાદી જુથો આદિવાસીઓને દંડ-ભેદ દ્વારા પોતાની તરફ ખેંચવા પ્રયત્ન કરી રહ્યા છે. આ સદીની શરૂઆતથી દસ રાજ્યોમાં ફેલાતાં રહેલા માઓવાદની સહુથી વધુ પકડ છત્તીસગઢમાં છે. સમાનતાના વિવાદાસ્પદ વિચારો અને હથિયારોથી સજ્જ માઓવાદીઓને પોલીસ જેર કરી શકતી નથી. એટલે તે દરેક આદિવાસીને નક્ષલવાદી કે તેના સમર્થક ગણીને તેની પર અત્યાચાર કરે છે. આમ એક તરફ પોલીસ અને બીજી તરફ નક્ષલવાદીઓ એવી બે એક સરખી હિંસક તાકાતો વચ્ચે છત્તીસગઢનાં આદિવાસી સ્ત્રી-પુરુષો પિસાતાં રહ્યાં છે. તેમાં સરકારે 2006માં સાલ્વા જુડુમ નામનું સશસ્ત્ર નાગરિક દળ ઊભું કરીને આદિવાસીઓને હિંસાચાર માટે પરસ્પરની સામે મૂક્યા. યાદવી જેવા ખતરનાક માહોલ તરફ લઈ જનાર આ દળોની સામે કર્મશીલોએ તર્કબદ્ધ રજૂઆતો કરી. એટલે પાંચ વર્ષ બાદ સર્વોચ્ચ અદાલતના આદેશથી રાજ્યને સાલ્વા જુડમ વિખેરી નાખવાની ફરજ પડી. સાલ્વા જુડુમના ટેકેદાર કલ્લુરી તેના થોડા ઓછાં હિંસક રૂપો એવા એક્શન ગ્રૂપ ફૉર નૅશનલ ઇન્ટેિગ્રટી (અગ્નિ) અને સામાજિક એકતા મંચ જેવા વિજિલાન્ટે ગ્રૂપ્સ એટલે કે રક્ષક દળોની સહાય લેતા હતા. સુરક્ષાકર્મીઓ દ્વારા કથિત નક્ષલવાદીઓનાં એન્કાઉન્ટર્સ, સાવ નાનાં અંતરિયાળ ગામોમાંથી તેમને પકડવા માટે કોમ્બિન્ગના નામે લૂંટ અને બળાત્કારના કિસ્સાઓ બહુ વધ્યા હતા.
સુરક્ષાદળો દ્વારા ચાળીસ આદિવાસી મહિલાઓ પર બળાત્કારનો સિલસિલો રાજ્યની દક્ષિણે આવેલા બિજાપુર જિલ્લાના ચાર ગામોમાં 2015ના ઑક્ટોબરમાં પાંચ દિવસ ચાલ્યો હતો. તે પછીના જાન્યુઆરીના પહેલા અઠવાડિયાના ચાર દિવસ પણ આ જિલ્લાના નેન્દ્રા ગામે પણ આમ જ બન્યું હતું. બિજાપુરની ઘટનાની તપાસ માટે માનવ અધિકાર પંચની ટુકડી સાથે સંશોધક બેલા ભાટીઆ ગયાં હતાં. બેલા જગદલપુરની સરહદે આવેલા પાર્પા ગામમાં રહીને આ પંથકમાં ભૂખ, ગરીબી, શિક્ષણ અને સ્વાસ્થ્યની પરિસ્થિતિ પર કામ કરે છે. તપાસ કરીને તેઓ પાછાં આવ્યાં એ પછીના જ દિવસે 23 જાન્યુઆરી 2017 ના રોજ એક હથિયારધારી ટોળાએ તેમને ઘર ખાલી કરવા માટે ધમકીઓ આપી. જાણીતા અર્થશાસ્ત્રી જ્યાં ડ્રેઝના પાર્ટનર એવા બેલા પરના હુમલાના પડઘા દેશ-વિદેશમાં પડ્યા. તે પૂર્વે નવેમ્બરમાં દિલ્હી યુનિવર્સિટીના માનવવંશશાસ્ત્રનાં વિખ્યાત અધ્યાપક નંદિની સુંદરની પણ છત્તીસગઢ સરકારે કનડગત કરી હતી. નંદિની અને તેમનાં ત્રણ સાથીઓ ( અર્ચના પ્રસાદ, વિનિત તિવારી, સંજય પરાતે) પર એક આદિવાસીની હત્યાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. આ ટુકડીએ ગયાં વર્ષે મે મહિનામાં તપાસ કરીને ‘કૉટ ઇન અૅન ઇરિસ્પૉન્સિબલ વૉર’ નામે એક અહેવાલ લખ્યો હતો. તેમાં તેમણે રાજ્યની પોલીસ અને કેન્દ્રના અર્ધલશ્કરી દળો દ્વારા થતાં ધાકધમકી, જમીન હડપી, જબરદસ્તી ધરપકડ, બળાત્કાર અને એક્સ્ટ્રા જ્યુડિશ્યલ એગ્ઝિક્યૂશનના કિસ્સા નોંધ્યા હતા. નંદિની સાલ્વા જુડુમની સામે પણ અદાલતમાં જનારામાંના એક હતાં. છત્તીસગઢની દુર્દશા વિશેનું તેમનું પુસ્તક ‘ધ બર્નિંગ ફૉરેસ્ટ’ તાજેતરમાં પ્રગટ થયું છે.
નંદિની પહેલાં માલિની સુબ્રમન્યમનો વારો હતો. માલિની પાંચેક વર્ષથી બસ્તરની અરાજકતા વિશે એક ન્યૂઝ પોર્ટલ અને અન્યત્ર લખતાં હતાં. લાંબા ગાળાની ધાકધમકી, સાથીદારોની કનડગત અને જોખમોને લઈને માલિનીને બરાબર એક વર્ષ પહેલાં ઉચાળા ભરવાની ફરજ પડી હતી. માલિનીને અને અનેક આદિવાસીઓની કાનૂની સહાય કરવા માટેની સ્વયંસેવી સંસ્થા જગદલપુર લીગલ એઈડ ગ્રૂપનાં વકીલ શાલિની ગેરા અને ઇશા ખંડેલવાને પણ ધમકીઓ મળતી રહી છે. શાલિની ગયા વર્ષે ડિસેમ્બરમાં એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા તેર વર્ષના સોમારુ પોટ્ટમનો કેસ લડી રહી છે. પોટ્ટમના કિસ્સાની તપાસ માટે આવેલા તેલંગણા ડેમૉક્રેટિક ફ્રન્ટ નામના મંચની ટુકડીને છત્તીસગઢ પોલીસે રદ નોટો અને માઓવાદી સાહિત્ય થકી નક્ષલવાદીઓને મદદ માટેના આરોપ હેઠળ ત્રીજી જાન્યુઆરીએ ધરપકડ કરી.
છત્તીસગઢમાં ગયાં તેર વર્ષથી શાસન કરનાર ભારતીય જનતા પક્ષની સરકારના અને પોલીસ તેમ જ માઓવાદીઓના અત્યાચારોને બહાર લાવનાર કરનારા પ્રામાણિક અને નીડર પત્રકારોનું કામ અત્યંત કપરું છે. એટલું બધું કે તેમણે રાજ્ય સરકાર પાસે પત્રકાર સુરક્ષા કાનૂન લાવવાની માગણી કરી છે. નેમિચંદ જૈન અને સાઇ રેડ્ડી માઓવાદીઓને હાથે 2013માં મરાઈ ચૂક્યા છે. પોલીસ પરેશાનીની ઝાળ લાગી ચૂકી હોય તેવા પત્રકારોની યાદી લાંબી છે.
સરકારી દમનનો 2011 સુધી પાંચેક વર્ષ સામનો કરનાર સેવાભાવી ડૉકટર વિનાયક સેનને કેમ ભૂલાય ? યાદ કરવાં જ પડે સોની સોરીને. સરકાર અને પોલીસના અમાનુષ સિતમથી એકતાળીસ વર્ષની આ શિક્ષિકાની જિંદગી તબાહ થઈ ચૂકી છે. છતાં આદિવાસીઓના જંગલ, જમીન, શિક્ષણ, રોજીના અધિકારો માટે તે લડી રહ્યાં છે. શાંતિ, શિક્ષણ અને કલમને તેમણે પોતાનાં હથિયારો બનાવ્યાં છે. બરાબર ત્રણસો પંચાવન દિવસ પહેલાં તેમના પર જ્વલનશીલ પ્રવાહી નાખીને તેમના ચહેરાને વિકૃત બનાવવાની કોશિશ થઈ. છતાં આ આદિમાયા ક્રાન્તિજ્યોતિ બસ્તરનાં અંધકારમાં ઉજાસ માટે લડનારાને રાહ બતાવતી રહી છે.
9 ફેબ્રુઆરી 2017
+++++
e.mail : sanjaysbhave@yahoo.com
(લેખકની ‘ક્ષિતિજ’ નામક સાપ્તાહિક કોલમ, “નવગુજરાત સમય”, 10 ફેબ્રુઆરી 2017)
![]()
અગાઉ કચ્છને સિંધુ નદીનાં જળ અપાવવા ઉધામા કરનારા મોદી હવે પંજાબને વચનોની લ્હાણી કરે છે

ભારતીય ચૂંટણીઋતુમાં અગસ્ત્ય મુનિના વાયદાનું સ્મરણ થવું સ્વાભાવિક છે. હમણાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પંજાબની ચૂંટણી સભાઓમાં પાકિસ્તાન સાથેની 1960ની સિંધુ જળ સંધિ તોડીને પણ પંજાબને દુશ્મનદેશમાં વહી જતાં ભારતીય નદીઓનાં જળ પૂરાં પાડવાના સંકલ્પની ઘોષણાઓ કરી. પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નેહરુ અને પાકિસ્તાનના રાષ્ટ્રપતિ ફિલ્ડમાર્શલ અય્યૂબ ખાન વચ્ચે, 9 વર્ષની મહેનત પછી, એ વેળાની પાકિસ્તાનની રાજધાની કરાંચીમાં 19 સપ્ટેમ્બર 1960ના રોજ થયેલી અને 12 જાન્યુઆરી 1961થી અમલમાં આવેલી આ સંધિ પર હસ્તાક્ષર કરનાર ડબલ્યૂ.એ. આઇલિફનો ત્રીજો પક્ષ ઇન્ટરનેશનલ બેંક ફોર રિકન્સ્ટ્રક્શન એન્ડ ડેવલપમેન્ટ એટલે કે વિશ્વબેંક પણ છે, એ રખે ભૂલાય. વિશ્વ બેંકના એ વેળાના અધ્યક્ષ યુજેન આર. બ્લેક બીમાર હોવાથી બેંકના ઉપાધ્યક્ષ આઇલિફે હસ્તાક્ષર કરવા પડ્યા હતા.
આ સંધિના ઉકેલનો ઇતિહાસ પણ રસપ્રદ છે. ભારત અને પાકિસ્તાન વચ્ચેના વરવા જળવિવાદને ઉકેલવા માટે 1951માં ટેનેસી વેલી ઓથોરિટીના પૂર્વ અધ્યક્ષ ડેવિડ લિલિએન્થલે અમેરિકાના માતબર સામયિકમાં લખેલા લેખમાં બંને દેશો મળીને સમજૂતી પર આવે અને જરૂરી આર્થિક સહાય વિશ્વ બેંક આપે એવું સૂચવાયું. એને પગલે મંત્રણાઓ શરૂ થઈ અને નવ વરસને અંતે સમજૂતી શક્ય બની. એને ‘ઇન્ડસ વોટર ટ્રીટી’ (સિંધુ જળસંધિ) કહેવાઈ. એમાં કોઈ વિવાદ ઉકેલવા માટે બંને દેશોના કાયમી પંચની જોગવાઈ છે અને એમ છતાં વિવાદ ઉકેલાય એવા સંજોગો ન હોય, તો એ વિશ્વ બેંક પર છોડીને એનો નિર્ણય કબૂલ રાખે. તે પછી પણ બંને દેશોને એનો ચુકાદો સ્વીકાર્ય ન હોય, તો બંનેને સ્વીકૃત લવાદનો ત્રીજો અને અંતિમ વિકલ્પ રહે છે. વિશ્વમાં 20,000 જેટલી જળ સંધિઓ વિવિધ દેશો અને સંસ્થાઓ વચ્ચે થયેલી છે. ભારતે એ સંધિઓ કરાવવામાં કે એ અંગે સુધારા કરાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવેલી હોઈ એ પોતે ઊઠીને કોઈ જળ સંધિ તોડે તો દુનિયાભરમાં એની બદનામી થવી સ્વાભાવિક છે.
દેશનાં પાંચ રાજ્યોમાં ચૂંટણીનો તખ્તો તૈયાર કરવા માટે વડાપ્રધાન મોદીએ ગયા સપ્ટેમ્બર મહિનામાં સંધિ તોડવાની તૈયારી માટે બેઠક પણ યોજી હતી. જમ્મુ-કાશ્મીરનાં મુખ્યમંત્રી મેહબૂબા મુફ્તી પણ ભા.જ.પ.ના ટેકે સરકાર ચલાવતાં હોવાથી કેન્દ્રના નિર્ણયને આગોતરો આવકાર આપવા માંડ્યાં હતાં. ભેંસ ભાગોળે અને છાશ છાગોળે જેવા આ ઘાટની ભીતર ખૂબ રસપ્રદ છે. અગાઉ કચ્છને પણ સિંધુ નદીનાં જળ અપાવવા માટે ચૂંટણીલક્ષી ઉધામા મારતા રહેલા મુખ્યમંત્રી મોદી હવે વડાપ્રધાન છે, ત્યારે કચ્છને ભૂલીને પંજાબ ભણી વચનોની લ્હાણી કરતા થયા છે.
31 જુલાઈ, 2014ના રોજ મોદી સરકારના વિદેશ રાજ્યમંત્રી જનરલ (નિવૃત્ત) વી.કે. સિંહે સંસદમાં આ જળ સમજૂતી અંગે સંતોષ વ્યક્ત કર્યો હતો. એ પછી હવે સરકાર એને તોડવાની વાત કરે છે. વિરોધાભાસોથી ભરેલા આ ઘટનાક્રમને જોતાં પાડોશી દેશ પાકિસ્તાન પણ આવી ચૂંટણીલક્ષી ઘોષણાઓને ગંભીરતાથી લેવાને બદલે હસી કાઢે છે. કારણ? ત્રણ-ત્રણ યુદ્ધ લડતાં પણ અખંડ રહેલી આ સમજૂતીને ખરેખર તોડવાનું શક્ય છે ખરું, એ મહાપ્રશ્ન છે.
મુખ્યમંત્રી મોદીએ દિલ્હીની વાજપેયી સલ્તનત પાસે યાચના કરી હતી કે કચ્છને સિંધુ નદીનાં પાણી સિંધુ જળ સંધિ હેઠળ પૂરાં પાડવામાં આવે. વાજપેયી સરકારે 8 એપ્રિલ 2003ના રોજ કચ્છને સિંધુ નદીનાં જળ પૂરાં પાડવાનું શક્ય નથી, એવું સંસદમાં સ્પષ્ટ કરતાં કહ્યું હતું કે આ સંધિમાં કચ્છનો સમાવેશ નથી. આટલું કહ્યા છતાં એ પછીનાં વર્ષોમાં પણ મોદીએ એ માગણી ચાલુ રાખીને ગુજરાતની પ્રજાને દિલ્હીની કોંગ્રેસી સલ્તનત અન્યાય કરી રહ્યાનું દર્શાવવાનો પ્રયાસ ચાલુ રાખ્યો હતો.
ઉત્તરે હિમાલયના ચીનમાંથી અને જમ્મુ-કાશ્મીરમાંથી વહી આવતી પૂર્વની નદીઓ સતલજ, બિયાસ અને રાવી તથા પશ્ચિમની નદીઓ સિંધુ, જેલમ અને ચિનાબનાં પાણીની બંને દેશો વચ્ચે વહેંચણી કરવાનું આ સંધિ હેઠળ નક્કી થયેલું છે. સતલજ, બિયાસ અને રાવીનાં મોટા ભાગનાં જળ ભારતને અને સિંધુ, જેલમ અને ચિનાબનાં મોટા ભાગનાં જળનો લાભ પાકિસ્તાનને મળે. ભારતમાં તો આ મુદ્દે ઝાઝી ચર્ચા થતી નથી, પણ પાકિસ્તાનમાં આ સંધિ તોડવાની વાતે અત્યારથી વિશ્વ મંચ પર ફરિયાદ કરી દેવાઈ છે એટલું જ નહીં, ભારત સંધિનું ઉલ્લંઘન કરીને પાકિસ્તાનને મળવાનું થતું પાણી બંધ કરી દે, તો એણે ‘પાણીના ત્રાસવાદ’ તરીકે લેખાવીને દુનિયાભરમાં ભારતને બદનામ કરવાની ગોઠવણ પણ થઈ ચૂકી છે. પાકિસ્તાન વિરુદ્ધનાં મોદીનાં ભાષણો સાંભળીને હરખપદુડી થનારી પ્રજાને આ સંધિ તોડવાનાં દુષ્પરિણામો અંગે ભાગ્યે જ અંદાજ હશે.
1960માં સિંધુ જળ સંધિ થઈ, એ પહેલાં ભારતે યથાસ્થિતિ કરાર થાય ત્યાં સુધી એટલે કે મે, 1948માં ત્રણેક મહિના માટે પાકિસ્તાનમાં જતાં જળ રોકવા બદલ જે નુકસાની ભરપાઈ કરવી પડી હતી એની કલ્પના પણ મુશ્કેલ છે. આ સંધિ માત્ર ભારત અને પાકિસ્તાન બેઉ દેશનો આપસી મામલો નથી રહેતો, વિવાદ વણસે ત્યારે એ આંતરરાષ્ટ્રીય મામલો બની જાય છે. સંધિ થતાં ભારતે અગાઉ પાકિસ્તાનનું જે પાણી રોક્યું હતું એની નુકસાની પેટે પાકિસ્તાનને 6.2 કરોડ પાઉન્ડ તથા એના બે પ્રકલ્પ વિલંબમાં પડતાં એ પ્રકલ્પ માટે 87 કરોડ અમેરિકન ડોલર ચૂકવવા પડ્યા હતા. આજની કિંમતે આ રકમ કેટલી થાય એનો અંદાજ મેળવવો ભારતને કેટલો મોંઘો પડે એ સમજી શકાય છે.
વાત આટલે અટકતી નથી. આ મુદ્દે યુદ્ધના સંજોગો પેદા થાય પણ બેમાંથી એકેય દેશને યુદ્ધ કરવાનું પરવડે તેમ નથી. ઉલટાનું પાકિસ્તાન તરફ વહી જતું વધારાનું પાણી રાતોરાત રોકવાની યંત્રપ્રણાલિ તૈયાર કરવાની સ્થિતિમાં પણ ભારત નથી. વળી ભારત પાણી સંગ્રહની વ્યવસ્થા કરવા માંગે તો પણ પાંચ કે દસ વર્ષ લાગે. એ પહેલાં નદીઓનાં વધારાનાં જળને વાળવા માટે ડેમ બની શકે નહીં.
સિંધુ જળ સંધિ અન્વયે આ નદીઓનાં પાણીની વહેંચણી બંને દેશોને સ્વીકાર્ય એવા ડેમ બાંધી જળવિદ્યુત ઊર્જાના ઉત્પાદન સહિતના પાણીના વપરાશની એમાં જોગવાઈ છે. ભારત સિંધુ જળ સંધિ તોડવામાં કોઈ આક્રમક પગલું ભારે તો ચીન ટાંપીને બેઠું છે. એ ચીનમાંથી નીકળીને ભારતમાં વહેતી બ્રહ્મપુત્રા નદી થકી ભારતની 20 ટકા જળ જરૂરિયાતને ખોરવી નાખે. આમ પણ ચીન દાંડાઈ કરીને એ નદી પર ડેમ બાંધી ભારતનો પાણી પુરવઠો ખોરવવાના વહેંતાં જ છે. એના મિત્ર પાકિસ્તાનની વહારે ધાવાની તક ચૂકવા એ તૈયાર નથી. એટલે પાકિસ્તાન છાતી કાઢીને ગર્જના કરે છે કે ભારત આ સંધિ તોડતાં પહેલાં સો વાર વિચારશે. પાકિસ્તાની મીડિયામાં તો આ મુદ્દાને માત્ર મોદી સરકારનો વધુ એક ચૂંટણીલક્ષી ‘જુમલો’ જ ગણાવવામાં આવે છે.
e.mail : haridesai@gmail.com
હરિ દેસાઈ, લેખક જાણીતા પત્રકાર, સંશોધક વિશ્લેષક છે
સૌજન્ય : ‘પાણી વગરની વાત’, “દિવ્ય ભાસ્કર”, 08 ફેબ્રુઆરી 2017
![]()

