OPINION

મતદારો માટે હિંદુ બહુમતી, વિકાસ અને રાષ્ટ્રવાદ આ મુદ્દા, મોદીએ ફેંકેલા ત્રિશૂળનાં ત્રણ પાંખિયા સાબિત થયા

ઐતિહાસિક જ કહી શકાય તેવાં ચૂંટણીનાં પરિણામે પક્ષને નહીં, પણ એક ચહેરાને મત આપીને ૨૦૧૪નાં ‘વેવ પૉલિટિક્સ’નું પુનરાવર્તન કર્યું છે. ખરેખર તો આ પુનરાવર્તન એ મોદીની સફળતાનો નહીં પણ આ ભારતીય રાજકારણ અને ભારતમાં આવેલાં પરિવર્તનનો પુરાવો છે.

મોદીની સફળતાએ રાજકારણમાં એક એવો યુગ શરૂ થયો છે, જ્યાં બીજા કોઇ રાજકારણીની શક્તિ - સત્તા સંતુલનમાં કામ લાગતી જ નથી. અહીં માત્ર એક જ માણસનું ચાલે છે અને તે છે મોદી. એક સમયે ‘ઇંદિરા ઇઝ ઇન્ડિયા’ ચાલ્યું હતું, તો હવે રાષ્ટ્રવાદ એ મોદી ભક્તિનો પર્યાયવાચી બની ચૂક્યો છે. ગમે કે ન ગમે પણ હકીકત એ છે કે ભારતનાં વિચાર-આકાર-ઘડતર-ઓળખ, તમામ સાથે જો કોઇનું નામ જોડવું હોય તો એ પહેલાં ઇંદિરા ગાંધી હતું અને હવે નરેન્દ્ર મોદી છે. મોદીએ ૨૦૧૪નાં રાજકારણમાં જાતિ, પ્રદેશ વગેરેના વિચારો પર ધર્મનું ત્રિશૂળ ફેંક્યું. મતદારો માટે હિંદુ બહુમતી, વિકાસ અને રાષ્ટ્રવાદ આ મુદ્દા, મોદીએ ફેંકેલા ત્રિશૂળનાં ત્રણ પાંખિયા સાબિત થયા. જો કે રાષ્ટ્રીય ફલક પર કાઠું કાઢવા માટેની ધાર કાઢવાની મહેનત અમિત શાહની મદદથી ૨૦૧૪ની ચૂંટણીનાં ઘણાં વર્ષો પહેલાં ચાલુ થઇ ગઇ હતી.

રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘમાં ‘મેનેજમેન્ટ’ એક એવો સંસ્કાર છે, જેનો ઉપયોગ કરવામાં મોદી-શાહે પાછું વળીને નથી જોયું. અમિત શાહ ગુજરાતનાં રાજકારણમાં સક્રિય થયા પછી તેમણે જુદાં જુદાં સ્તરની ૨૯ ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવી અને એકેયમાં હાર્યા નથી. લોકો સુધી પહોંચીને પોતાની વાત ગળે ઉતારવામાં અમિત શાહ પાવરધા છે. તેમણે આ વર્ષે ચૂંટણી માટે દોઢ લાખ કિલોમીટરનો પ્રવાસ ખેડ્યો અને ૧૬૧ જાહેર રેલીઓ સંબોધી. બુથથી માંડીને પન્ના પ્રમુખ સુધી અમિત શાહ પહોંચ્યા હતા. જે રીતે સંઘ મેનેજમેન્ટનું મોડલ ગુજરાતનાં રાજકારણમાં અનુસરાયું તે જ રીતે તે રાષ્ટ્રીય સ્તરે પણ અનુસરાયું. તેમણે અલાઇઝને ધરપત આપી, સ્થાનિક મત બેંકને ભા.જ.પા. તરફ કરીને વિરોધીઓને દૂર રાખ્યા, જ્યાં નવા અલાઇઝની જરૂર હતી ત્યાં એ પણ કર્યું. અડવાણી કે વાજપાયીનાં સૂકાન હેઠળ જ્યાં અલાઇઝને સાચવવા માટે થઇને હિંદુત્વનો પૂરેપૂરો ઉપયોગ નહોતો કરાતો, ત્યાં શાહ-મોદીનાં રાજકારણમાં હિંદુત્વને ભા.જ.પા.નાં કટ્ટર રાષ્ટ્રવાદી એજન્ડા સાથે ભેળવીને જ પ્રચાર કરાયો. વળી અમિત શાહે પ્રચારમાં વિરોધ પક્ષો માટે કોઇપણ શેહ-શરમ રાખ્યા વિના વાણી વિલાસ કર્યો. જ્યારે વિરોધ પક્ષોનાં પ્રચારને તેમણે પાકિસ્તાનીઓની રેલી વગેરે સાથે સરખાવ્યા ત્યારે પોતાના પક્ષને ટેકો આપનારાઓને રાષ્ટ્રપ્રેમી, હિંદુ મૂલ્યોની જાળવણી કરનારાની ઓળખ આપવાનું પણ એ ભૂલ્યા નહીં. મતદારોની અસંતોષની અને વિરોધ પક્ષો સાથેનાં અંતરની લાગણીને ભા.જ.પા.એ પોતાની ઊર્જા બનાવી લીધી. જ્યાં પ્રાદેશિક પાર્ટીઓની બોલબાલા હતી તેવા રાજ્યોમાં પણ ધીમે અને મક્કમ પગલે ભા.જ.પા.એ પગપેસારો કર્યો.

આ ચૂંટણી એકત્વની એટલે કે વ્યક્તિત્વની ઓળખની અને દેશની ઓળખ બનાવવાની ભૂખના આધારે લડાઇ તથા જીતાઇ છે. મોદીની છાપ એક વંચિત વાતાવરણમાંથી સખત સંઘર્ષ કરીને આગળ આવેલા માણસની રજૂ કરાઇ જે સતત પોતાના દેશને આંતરરાષ્ટ્રીય ફલક પર કેન્દ્રમાં લાવવા પ્રયત્નશીલ છે. દરેક સામાન્ય માણસની મહેચ્છા સંઘર્ષ કરીને, આગળ આવીને કાઠું કાઢવાની જ હોય છે અને માટે તેઓ મોદી સાથે પોતાની જાતને સાંકળી શક્યા. મોદીએ ‘હિંદુ’ મતદારને નવું જ જોમ પૂરું પાડ્યું. ભારતના રાજકીય ભૂતકાળમાં ઓળખ મેળવવા સ્પર્ધાઓ થઇ છે, સત્તાના એક કરતાં વધારે ચહેરા રહ્યા છે અને કૉન્ગ્રેસનાં છત્રી રાજકારણ પછી મહાગઠબંધને દેશની છાપ ઘડી. મોટાભાગનાં મતદારોને વિખેરાયેલી ઓળખને મજબૂત રીતે જોડવા એક જ ઓળખમાં વણાઇ જવાનું ગળે ઊતરી ગયું. ભા.જ.પા.એ પક્ષ તરીકે એક જ વિચારને સતત આગળ કર્યો કે અમારા ભારતીય મતદારોમાંથી મોટા ભાગનાં હિંદુ છે અને અમારો પક્ષ હિંદુ હિતને હૈયે રાખે છે. વળી કમનસીબે આખા વિશ્વમાં આતંકવાદનો વિસ્તાર, તેમાં મુસ્લિમ ઓળખનું ખરડાવું વગેરે પણ મોદીની તરફેણમાં કામ કરી ગયું છે. મોદીએ જ્યારે પણ ભારતીય પુનરુત્થાનની વાત કરી ત્યારે હિંદુ મૂલ્યોને પુનઃઉજાગર કરવાની જ વાત કરાઇ. પહેલાના સત્તાધિશોને પશ્ચિમી, વિદેશી, પરિવારવાદનાં લેબલ અપાયાં જે લોકોને ગળે ઊતરી ગયાં, વળી વિરોધી પક્ષોએ આ લેબલમાંથી બચવાના કોઇ માર્ગ પણ ન અપનાવ્યા. મૂલ્યની વાતમાં ગૌરક્ષા, ગૌમૂત્ર, ધર્મ, લિન્ચીંગ એવું બધું પણ વપરાયું.  હિંદુ મૂલ્યો પ્રત્યેની પોતાની વફાદારી સાબિત કરવા માગતા ‘ભક્તો કોઇપણ હદે જાય છે. મોદી ઇચ્છે તો ય આ ‘કુકર્મો’નો ખૂલીને વિરોધ નહીં કરે કારણ કે આ તેમની સિક્યોરિટી એજન્સીનાં ‘ચોકીદાર’ છે. આવી હાલતમાં ચૂંટણી ટાણે ડાબેરીઓએ તો જાતે જ ભીંતમાં માથા અફાળ્યા તો જાતિવાદને આધારે ચાલતા પક્ષો પણ કંઇ ઉકાળી ન શક્યા અને પ્રાદેશિક ઓળખ ધરાવતા પક્ષોને ભા.જ.પા. સામે લડવાનું આવ્યું ત્યારે અમિત શાહની ચાણક્ય સંઘ નીતિ કામ કરી ગઇ.

પક્ષમાં આંતરિક રીતે મોદીની પકડ એવી રહી કે જરા સરખી સ્પર્ધાનાં એંધાણ પણ આપે એવી વ્યક્તિઓ હાંસિયામાં ધકેલી દેવાઇ. એક જ વ્યક્તિ તરફી, એક જ વ્યક્તિ મુજબ બધું થવા માંડ્યું. વરિષ્ઠોને ખસેડી દેવા, મજબૂત લાગે તેવા ચહેરાઓ સાથે સિફતથી કામ લેવું, વિરોધીઓને ફગાવી દેવા, વગેરે પક્ષનું આંતરિક રાજકારણ પણ સતત ચાલ્યું. વળી, મોદીનું ઇમેજ બિલ્ડીંગ પહેલેથી જ મજબૂત હતું. રોડ શો, ભાષણો, ઇન્ટરવ્યુઝથી માંડીને સતત કોઇને કોઇ રીતે સમાચારમાં ઝળકવું આ બધું જ મોદીની મહેનતનો અને જીતની યોજનાનો હિસ્સો રહ્યું છે. ભા.જ.પા.ની ઓળખ હવે એક જ ચહેરા પૂરતી સીમિત થઇ હોવા છતાં પણ તે રાષ્ટ્રની ઓળખ ઘડવામાં સફળ રહેલો પક્ષ છે. 

જે.એન.યુ.નાં પ્રોફેસર ઝોયા હસનનું કહેવું છે કે, “ઐતિહાસિક રીતે દરેક રાષ્ટ્ર કોઇને કોઇ તબક્કે જમણેરી, મજબૂત પૌરૂષીય જોર દેખાડી શકે તેવાં અને સરમુખત્યાર રાજકારણ તરફ વળે છે, જેમ કે અમેરિકા, ફિલિપાઇન્સ, રશિયા વગેરે. પરંતુ, આ કાયમી નથી. ૧૯૮૪ની સાલમાં કૉન્ગ્રેસને ૪૦૦થી વધુ બેઠક મળી પણ તેના પછીની ચૂંટણીમાં ૧૯૮૯ની સાલમાં આ બેઠકો ૨૦૦થી પણ ઓછી હતી. ભા.જ.પા.ની જીત અસાધારણ ન ગણાય કારણ કે યુ.પી.એ.ની સરકારને પણ ૨૦૦૪ અને ૨૦૦૯માં બે વાર સત્તા મળી હતી. ભા.જ.પા.નાં સત્તા પર આવવા પાછળ તેમનું શક્તિ પ્રદર્શન કામ કરી ગયું છે કારણ કે લોકોને ‘થિગડાં સરકાર’ કરતાં એક મક્કમ સરકારમાં વધારે વિશ્વાસ બેસે છે. પહેલાં પાંચ વર્ષમાં રાજકારણી તરીકે મોદીએ દેશ માટે કંઇ બહુ નથી કરી નાખ્યું, પણ લોકોને મજબૂતાઇની છાપ પાસેથી અપેક્ષા છે. વિરોધ પક્ષો અત્યારથી પ્રવૃત્ત થશે તો જ ફેર પડી શકશે.”

બાય ધી વેઃ 

પશ્ચિમી દેશો માટે ભારત હંમેશાં એક ઉદારમતવાદી, મોકળો દૃષ્ટિકોણ ધરાવતો અને વૈશ્વિક સ્તરે વાજબી રીતે વહેવાર કરનારો દેશ રહ્યો છે પણ મતદારો અને ભા.જ.પા.ના સત્તાધિશો માટે દેશની ઓળખ જરૂરી નથી. મોદી પ્રત્યેની વફાદારીને રાષ્ટ્રવાદનું રક્ષા કવચ આપી દેવાયું છે. જે રીતે આપણે આપણા દેશને જોતા થયા છીએ અથવા જોવા માગીએ છીએ એ હિંદુ રાષ્ટ્ર તરફ જોવાનો દૃષ્ટિકોણ પશ્ચિમી દેશો બદલી નાખે તેવું ય બને. જ્યાં સરમુખત્યારશાહી ચાલે છે અથવા તો જ્યાં રાષ્ટ્રના વડાને દિવાલો ચણવી છે ત્યાં આ આખી વાત જુદી રીતે જોઇ શકાય છે. આ પણ એક તબક્કો છે, જે પસાર થઇ જશે અને ફરી ભારતીય રાજકારણમાં કંઇક જુદું થશે. પણ એ થાય ત્યાં સુધી આપણે એ સ્વીકારવું રહ્યું કે આજથી દસ વર્ષ પહેલાં જે ભારત હતું તે હવે નથી રહ્યું. વિરોધ પક્ષોએ એમ માનવાની જરૂર નથી કે ૨૦૨૪માં મતદાર, સત્તા વિરોધી મતદાન કરીને બાજી પલટી નાખશે કારણ કે દેશને ‘સારા’ નેતાનો નહીં પણ શક્તિશાળી ‘નેતા’નો મોહ વધારે છે. લોકશાહી બહુ મજબૂત તંત્ર છે, એવું મજબૂત કે તેને પગલે એક સરમુખત્યાર પણ જીતીને સત્તા પર આવી શકે છે. પરંતુ આ જ તંત્ર વિરોધ પક્ષને પણ મોકો આપી શકે છે, જો કે એ ત્યારે જ શક્ય બને છે જ્યારે વિરોધ પક્ષો માત્ર ચૂંટણી રાજકારણ નહીં પણ બે ચૂંટણી વચ્ચેનાં રાજકારણને ખેલતાં પણ શીખે.

સૌજન્ય : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ‘રવિવારીય’ પૂર્તિ, “ગુજરાતમિત્ર”, 26 મે 2019

Category :- Opinion / Opinion

ગયા લેખમાં મેં પ્રશ્ન કર્યો હતો કે ભગવદ્ ગીતા લખાઈ, એ પછીથી અંદાજે હજાર-બારસો વરસ સુધી કેમ એના વિષે કોઈ વાત નથી થતી? આઠમી સદીમાં શંકરાચાર્યે ગીતા પર ભાષ્ય લખ્યું એ  ગીતા પરનો પહેલો ઉપલબ્ધ ગ્રંથ છે. મધ્યકાલીન સંતોએ પણ ગીતા વિષે ભાગ્યે જ વાત કરી છે. ખરું પૂછો તો મધ્યકાલીન સંતો ગીતા શું, કોઈ ગ્રંથોને અડ્યા નથી; કારણ કે ત્યાં સુધીમાં દર્શન ગ્રંથો ધર્મ ગ્રંથ બની ગયા હતા અને સામાજિક ભેદભાવયુક્ત કર્મકાંડી રૂઢ ધર્મ માટે ખપમાં લેવામાં આવતા થયા હતા. આ રીતે મૂળ દર્શનગ્રંથોને ધર્મગ્રંથ બનાવીને સામાજિક વિખવાદ પેદા કરવામાં આવતા હતા, જ્યારે મધ્યકાલીન સંતોનો ઉદ્દેશ સમાજને જોડવાનો હતો.

બીજી બાજુ એવું શું બન્યું કે આધુનિક યુગમાં ગીતા અત્યંત લોકપ્રિય બની ગઈ. આજે બીજા કોઈ પણ દાર્શનિક ગ્રંથ કરતાં ગીતા સૌથી વધ લોકપ્રિય છે. કોઈ હિંદુ ઘર એવું નહીં હોય જ્યાં ગીતા ન હોય, કોઈ સાધુ નહીં હોય જેણે ગીતા પર ભાષણ કે લેખન ન કર્યું હોય અને ૧૯મી અને વીસમી સદીમાં કોઈ લોકસેવક નહીં હોય જેણે ગીતાનો સામાજિક જાગરણ માટે ઉપયોગ ન કર્યો હોય. શા માટે? શું આધુનિક યુગમાં ગીતા વધુ પ્રાસંગિક છે? જ્યારે કોઈ વ્યક્તિ, વિચાર કે ગ્રંથની બહુ વાત થતી હોય ત્યારે તેને સમજવાની કોશિશ કરવી જોઈએ. ગાંધી અને ગીતા તમને અવારનવાર રસ્તામાં ભેટ્યા કરશે અને રસ્તો ચાતરીને જવાનો કોઈ માર્ગ નથી. સમજી લો એક વાર કે ગીતા શું કહે છે અને એમાં અત્યારના યુગમાં પ્રાસંગિક હોય એવું શું જડે છે? આખરે એમાં કાંઈક તો એવું હશે જ જેને કારણે ગીતા બીજા બધા દાર્શનિક ગ્રંથો કરતાં વધારે ખપની બની ગઈ છે.

મારી દૃષ્ટિએ બે તત્ત્વો ગીતાને આજના યુગમાં પ્રાસંગિક બનાવે છે અને એ બે તત્ત્વો છે : જીવનશોધન અને વીર્યશોધન. પરાયાના પરિચયમાં આવ્યા પછી આપઓળખની મથામણ શરુ થઈ. આ ઉપરાંત સંગઠિત ધર્મનો પણ પરિચય થયો; જેમાં એક ગ્રંથ હોય, એક પયગંબર હોય, એક ઈશ્વર હોય અને ધર્મનું પિરામીડ જેવું માળખું હોય. હિંદુઓ માટે આ બધું નવું હતું. હિંદુઓ માટે ધર્મ એ જીવનરીતિ (way of life) હતો અને ધર્મનો અર્થ સ્વભાવ અથવા ફરજ કરવામાં આવતો હતો. અંગ્રેજીમાં જેને religion કહેવાય તેનાથી આપણે સાવ અપરિચિત હતા. અજાણી સભ્યતા અને આપણા કરતા અલગ પ્રકારની ધાર્મિકતાનો પરિચય થયો અને આપઓળખના પ્રશ્નો જાગ્યા. આમાંથી જીવનશોધન અને વીર્યશોધનનો પ્રારંભ થયો. આધુનિક યુગમાં ગીતાની પ્રાસંગિકતા વધવા લાગી તેનાં આ બે કારણ મને દેખાય છે.

આજની ચર્ચા સાથે સીધો સંબધ નથી, છતાં પાશ્ચાત્ય ધર્મ(religion)ના પ્રભાવનો એક દાખલો આપું. ગુરુ નાનક બીજા સંતો જેવા જ એક સંત હતા. તેમને પણ બીજા સંતોની માફક સંગઠિત ધર્મ, ધર્મગ્રંથ, કર્મકાંડ વગેરેનો ખપ નહોતો. તેમના પર કબીરનો મોટો પ્રભાવ હતો. નાનકના ગયા પછી વરસો સુધી નાનકની પરંપરા અને નાનકની ગાદી ચાલી આવતી હતી. નાનકના ગયા પછી લગભગ દોઢસો વરસે ગુરુ ગોવિંદ સિંહને લાગ્યું હતું કે નાનકની પરંપરાને ટકાવી રાખવી હોય તો તેને ઢાંચાબદ્ધ કરવી જોઈએ. પશ્ચિમના ધર્મનું ટકાઉપણું તેમને માળખાબદ્ધ સ્વરૂપમાં નજરે પડ્યું હતું. તેમણે નાનકની પરંપરાને ખાલસા ધર્મમાં પરિવર્તિત કરી હતી, જેમાં એક સગુણ નિરાકાર પરમતત્ત્વ હોય, એક પયગંબર હોય, એક ધર્મગ્રંથ હોય, ઓળખના અલાયદા બાહ્ય ચિન્હો હોય. આ પાશ્ચાત્ય ધર્મનો પ્રભાવ હતો. ૧૯૮૦ના દાયકામાં ભારતથી અલગ થવા ખાલીસ્તાન માટેનું અંદોલન થયું એ એનું પરિણામ હતું.

પશ્ચિમના પ્રભાવમાં ગીતામાંથી પુરુષત્વ શોધવાના પ્રયાસ બીજા લોકોએ પણ કર્યા છે. આમ એક બાજુ તાકાત એકઠી કરવા માટે ગીતાનો ખપ હતો તો બીજી બાજુ જીવનશોધન માટે પણ ગીતાનો ખપ હતો. યુદ્ધના મેદાનમાં પણ હ્રદયની કુમાશ સાથે, લાગણીથી દ્રવી જઇને સારાસાર વિવેક વિષે વાત થાય એવું તો ભારતમાં જ બને. એમ પણ કહી શકાય કે મહાભારત જેવા મહાકાવ્યમાં જ બને જેના રચયિતા વ્યાસ હોય. યુદ્ધમાં કાં તો માણસ ડરીને નર્વસ થઈ જાય અને કાં દ્વેષયુક્ત તામસિકતાથી ભડકો થઈ જાય. અર્જુન નથી ડરેલો કે નથી કોઈને છોડીશ નહીં એવું કહેનારો તાપેલો. એ વિષાદગ્રસ્ત છે. તેને પ્રશ્ન થાય છે કે વેર લેવાની ક્ષુદ્ર વૃત્તિથી પ્રેરાઈને કે પછી રાજ્ય અથવા વિજય મેળવવાની સ્થૂળ કામનાથી લલચાઈને હું મારો ધર્મ તો નથી ચૂકતો? ચિંતા ધર્મ સાચવવાની છે અર્થાત્ શું યોગ્ય અને શું અયોગ્ય એનો વિવેક કરવાની છે; બાકીનું બધું ગૌણ છે.

મનુભાઈ પંચોળીએ એક સરસ નિરીક્ષણ કર્યું છે. અર્જુનની માફક જ સામે પક્ષે દુર્યોધન છે જે કૌરવસેનામાં થોડો આગળ આવીને ગીતાના પહેલા અધ્યાયના બીજા શ્લોકથી લઈને દસમા  શ્લોક સુધી ગુરુ દ્રોણને પોતાની સેનાનો પરિચય આપે છે. દુર્યોધન પાંડવોના પક્ષે લડનારાઓનો પણ પરિચય આપે છે અને તેમના શૌર્યનો સ્વીકાર કરે છે. આમ કરતી વખતે તે તાકાતનું આકલન કરે છે, બળાબળની તુલના કરે છે, લડવા માટે અને વિજયી થવા માટે પાનો ચડાવે છે, એ પછીના શ્લોકમાં રણનીતિની વાત પણ કરે છે; પરંતુ ક્યાં ય કોઈ જગ્યાએ સગાંને કે વડીલોને મારવાની ગ્લાની નથી. ઊલટું તે તો કહે છે કે આ બધા લડવૈયાઓ મારા ખાતર મરવા આવ્યા છે. દુર્યોધને ધર્માધર્મનો વિવેક કરવાનો નથી. તેની એટલી ગતિ જ નથી. બાકી દુર્યોધનના આપ્તજનો પણ ક્યાં રણમેદાનમાં નહોતા? 

વિવેક અર્જુન કરવા માગે છે માટે તે દુઃખી થઈ જાય છે, સાશંક થઈ જાય છે, સાચા કે ખોટા તત્ત્વજ્ઞાનનો આશ્રય લે છે ભગવાન કૃષ્ણના કથનને પડકારે છે, વગેરે. આમ કરતી વખતે તે કડવાશ ભરેલો પારિવારિક ઇતિહાસ સાવ ભૂલી ગયો હતો એવું નથી, પણ તેને ચિંતા એ વાતની હતી કે રખે મારા હાથે અધર્મ તો નથી થઈ રહ્યો! આગળ કહ્યું એમ ભરયુદ્ધમાં આવું માત્ર ભરતમાં બને.

આવા પ્રસંગની અને પ્રસંગને લઈને કહેવાયેલા તત્ત્વજ્ઞાનની આધુનિક યુગમાં વિવેક કરવા  માટે ખપ ન હોય એવું કદાપી બને ખરું? આધુનિક યુગના ઘણા ચિંતકોને એમ લાગ્યું હતું કે પશ્ચિમની સભ્યતા કદાચ વીર્યવાન હશે, પણ તેમાં વિવેકનો અભાવ છે. ચિત્તની જાગૃતિ અને દિલની કુમાશ માટેનાં પદાર્થ ગીતામાંથી મળી રહે એમ છે. પશ્ચિમને આપણે નકારીએ નહીં, આંખ વિંચીને કોઈ સભ્યતાને નકારવી એ તો વળી અવિવેક કહેવાય, પરંતુ પશ્ચિમ પાસેથી શું અપનાવવું, કેટલું અપનાવવું, આપણું શું અને કેટલું છોડવું અને શું કોઈ પણ સંજોગોમાં છોડવું નહીં અને પકડી રાખવું એનો વિવેક શીખવા માટે ભગવદ્ ગીતા ઉપયોગી હતી. આ હતી તેની પ્રાસંગિકતા.

દરેક જરૂરિયાત અને દરેક પ્રશ્નનો ઉત્તર ગીતામાંથી મળે છે, કારણ કે ગીતામાં તમામ દર્શનપ્રવાહો સમાહિત થઈ જાય છે. એમાં વેદો અને ઉપનિષદોનું દોહન છે. એમાં સાંખ્ય અને યોગ છે. એમાં શ્રમણદર્શન પણ છે. અભિગમોની વાત કરીએ તો એમાં કર્મ, જ્ઞાન, ભક્તિ અને ઉપાસનાની વાત આવે છે. ગાંધીજીએ ભગવદ્ ગીતાને અધ્યાત્મિક નિદાનગ્રંથ તરીકે ઓળખાવી છે. મૂંઝવણ હોય તો ગીતા પાસે જાવ, નિદાન કરી આપશે અને ઈલાજ શોધી આપશે. તેમણે કહ્યું છે; “ધર્મવેદના, ધર્મસંકટ, હ્રદયમંથન સહુ જિજ્ઞાસુને (જીવનમાં) એક વખત થાય જ છે.”

આ યુગ સંક્રમણનો અને મંથનનો છે એટલે આજના યુગમાં ગીતા વધુ પ્રાસંગિક છે.

23 મે 2019

સૌજન્ય :  ‘દૂધનું દૂધ, પાણીનું પાણી’ નામક લેખકની સાપ્તાહિક કટાર, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”, 26 મે 2019

Category :- Opinion / Opinion