મોહનદાસ કરમચંદ ગાંધી ભલે દાવો કરતા હોય, ભારતમાં ભારતીય રાષ્ટ્રવાદ જેવી કોઈ ચીજ નથી, જે છે એ ધર્મ આધારિત કોમી રાષ્ટ્રવાદ છે અને તે પરસ્પર ભિન્ન છે. એક છે હિંદુઓની રાષ્ટ્રીયતા અને બીજી છે મુસલમાનોની રાષ્ટ્રીયતા. તે બેની વચ્ચે સમાનતા નહીંવત્ છે અને જે છે એ પણ ગૌણ છે. માટે આ બે પ્રજા સાથે રહી શકે એમ નથી. હિંદુ મહાસભાના નેતા વિનાયક દામોદર સાવરકરે ૧૯૩૭ની સાલમાં પક્ષના અમદાવાદ અધિવેશનમાં આમ કહ્યું હતું અને ૧૯૪૦માં મુસ્લિમ લીગના નેતા મહમ્મદ અલી ઝીણાએ લીગના લાહોર અધિવેશનમાં આમ કહ્યું હતું. આમ એટલે અદ્દલ એક સરખી ભાષામાં ડીટ્ટો. બન્ને ઠરાવો ઉપલબ્ધ છે જે તમે જોઈ શકો છો અને ખાતરી કરી શકો છો.
એ પછી જે થયું એ ઇતિહાસ છે. ભારતનું ધર્મના નામે વિભાજન થયું અને મુસ્લિમ અથવા ઇસ્લામની રાષ્ટ્રીયતા આધારિત પાકિસ્તાન અસ્તિત્વમાં આવ્યું. પૂર્વ અને પશ્ચિમ પાકિસ્તાનમાં મુસલમાનો બહુમતીમાં હતા એટલે રાષ્ટ્રવાદની જે પહેલી શરત હોય છે બહુમતીની તો એ બહુમતીની શરત પૂરી થતી હતી. પણ પાકિસ્તાન હજુ અસ્તિત્વના બે દાયકા પણ હજુ તો પૂરા કરે એ પહેલાં તેની અખંડતા સામે પડકારો પેદા થવા લાગ્યા. મુખ્ય પડકાર પૂર્વ પાકિસ્તાનમાંથી પેદા થયો હતો. પૂર્વ પાકિસ્તાનના બંગાળીઓને એમ લાગવા માંડ્યું હતું કે પશ્ચિમ પાકિસ્તાનના શાસકો તેમની કલ્પનાનો ઇસ્લામ, તેમની કલ્પનાનું ઇસ્લામિક શાસન, તેમની કલ્પનાની ઇસ્લામિક જીવનપદ્ધતિ, ભારતીય ઉપખંડના મુસલમાનોની તેમની કલ્પનાની કહેવાતી કોમી મઝહબી ભાષા એટલે કે ઉર્દૂ પૂર્વ બંગાળના મુસલમાનો પર લાદી રહ્યા છે. પશ્ચિમ પાકિસ્તાનના શાસકોએ અને વિશેષ કરીને લશ્કરી શાસકોએ પૂર્વ પાકિસ્તાનને એક સંસ્થાન બનાવી દીધું છે. અંગ્રેજોના સંસ્થાન તરીકે મુક્તિ મેળવીને પશ્ચિમ પાકિસ્તાનનું સંસ્થાન બન્યું. ઊલમાંથી ચૂલમાં પડ્યા હોય એવો અનુભવ પૂર્વ પાકિસ્તાનના મુસલમાનોને થવા લાગ્યો.
પાકિસ્તાનના શાસકો બેખબર હતા અને જો ખબર હતી તો મુસ્તાક હતા. આ મુસ્તાકી ખતરનાક સાબિત થતી હોય છે. બેખબરને ખબરદાર બનાવી શકાય, પણ મુસ્તાકને કોઈ વારી ન શકે, એ પડે ત્યારે જ સમજે અને જ્યારે સમજે ત્યારે ઘણું મોડું થઈ ગયું હોય. પાકિસ્તાનની સ્થાપના પછી તરત જ ૧૯મી માર્ચ ૧૯૪૮ના રોજ પાકિસ્તાનના સ્થાપક અને રાષ્ટ્રપિતા મહમ્મદ અલી ઝીણા પૂર્વ પાકિસ્તાનની રાજધાની ઢાકા ગયા હતા. પૂર્વ પાકિસ્તાનની એ તેમની પહેલી અને છેલ્લી મુલાકાત હતી. ઢાકાની યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓને સંબોધતા તેમણે કહ્યું હતું કે દરેક દેશને પોતાની પ્રજાને જોડનારી એક ભાષા જોઈએ એટલે અમે નિર્ણય લીધો છે કે પાકિસ્તાનની રાષ્ટ્રભાષા ઉર્દૂ હશે. મહમ્મદ અલી ઝીણાના આશ્ચર્ય વચ્ચે ત્યાંને ત્યાં જ તેમની સામે વિદ્યાર્થીઓએ ઉર્દૂ ભાષાનો વિરોધ કર્યો હતો અને માગણી કરી હતી કે ઉર્દૂની સાથે બંગાળીને પણ રાષ્ટ્રભાષા બનાવવામાં આવે. એક પાકિસ્તાન, એક ધર્મ, બે પાંખ અને બે ભાષા. ઝીણાએ ભારતમાં બે ધર્મના સહઅસ્તિત્વને નકાર્યું અને પાકિસ્તાનમાં બે ભાષાના એક સમાન દરજ્જાને અથવા સહઅસ્તિત્વને નકાર્યું.
અહીં વિરોધાભાસ ધ્યાનમાં આવ્યો? ૧૯૪૦થી ૧૯૪૭ સુધી દલીલ કરવામાં આવતી હતી કે ઇસ્લામ મુસલમાનોને જોડનારી પ્રબળ કડી છે. ૧૯૪૭ પછી કહેવામાં આવ્યું કે બહુમતી પ્રજા એક જ ધર્મને માનતી હોય એ પૂરતું નથી, તેમની એક (અને માત્ર એક જ) ભાષા પણ હોવી જોઈએ. પહેલાં કહેવામાં આવ્યું કે એક ભૂમિમાં બે ધર્મ પાળનારાઓનું સહઅસ્તિત્વ શક્ય નથી અને પછી તરત કહેવામ આવ્યું કે બે ભાષાનું સહઅસ્તિત્વ શક્ય નથી. અને એનાથી મોટું આશ્ચર્ય એ વાતનું હતું કે અવિભાજિત પાકિસ્તાનમાં જેટલા મુસલમાન હતા તેનાથી વધારે મોટી સંખ્યામાં મુસલમાનોએ ભારતમાં રહેવાનું પસંદ કર્યું હતું જેમને ઇસ્લામ સિવાયના બીજા ધર્મો સામે અને ઉર્દૂ સિવાયની બીજી ભાષાઓ સામે કોઈ વાંધો નહોતો. અને તેની સંખ્યા પણ પાછી ડઝનોમાં હતી. ભારતના ઇતિહાસમાં પાકિસ્તાન એક ફારસરૂપ નાટક હતું અને એ ફારસને હિન્દુત્વવાદી હિંદુઓનો ટેકો હતો. તેઓ પણ એવું એક ફારસ ભજવવા માગતા હતા અને અત્યારે તેઓ તે ભજવી રહ્યા છે.
ખેર, પાકિસ્તાનના વિભાજનની શરૂઆત પાકિસ્તાનની સ્થાપના પછી છ મહિનામાં ૧૯મી માર્ચ ૧૯૪૮ના રોજ મહમ્મદ અલી ઝીણાની નજર સામે શરૂ થઈ ગઈ હતી. ઢાકાની યુનિવર્સિટીમાં જે છાત્રોએ ઝીણાનો વિરોધ કર્યો હતો એ છાત્રોનું નેતૃત્વ કરનારા છાત્રનેતા હતા શેખ મુજીબુર રહેમાન. પાકિસ્તાન હજુ તેની સ્થાપનાની રજતજયંતી ઉજવે એ પહેલાં તેનું બંગાળી ભાષાને નામે વિભાજન થયું. ભાષાની અસ્મિતાએ ઇસ્લામની અસ્મિતાને પરાસ્ત કરી. પણ ફારસનો હજુ અંત આવવાનો નહોતો.
પૂર્વ પાકિસ્તાનમાંથી ઇસ્લામના અને ઇસ્લામિક તેહઝીબના ઠેકેદારો ગયા અને તેમની જગ્યા બંગલા અસ્મિતાના ઠેકેદારોએ લીધી. બંગાળી ભાષા બંગલાદેશને જોડનાર એકમાત્ર અંતિમ પરિબળ છે અને જે કોઈ તેનો વિરોધ કરે છે એ બધા દેશદ્રોહી છે. શેખ મુજીબુર રેહમાનના વખતથી ડરાવવાનું શરૂ થયું. ઠેકેદારોને દુશ્મન વિના ચાલતું નથી. બંગાળી ભાષા કરતાં ઇસ્લામ વધારે મહત્ત્વ ધરાવે છે એમ માનનારા અનેક બંગાળી મુસલમાનો બંગલાદેશમાં અસ્તિત્વ ધરાવે છે. એનો અર્થ એવો નથી કે તેઓ બંગાળી અસ્મિતાની વિરુદ્ધ છે. બંગલાદેશમાં મુસલમાનોની જીવનશૈલી પર હિંદુઓનો મોટો પ્રભાવ છે અને તેમણે તે છોડીને ઇસ્લામિક જીવનશૈલી અને રીતિરિવાજ અપનાવવા જોઈએ એમ માનનારા મુસલમાનો પણ મોટી સંખ્યામાં છે, ભારતમાં પણ છે, પાકિસ્તાનમાં પણ છે. ઈરાની મુસલમાનો પર ઝોરોસ્ટ્રીયન સંસ્કારોનો પ્રભાવ છે એમ માનનારા ઈરાની મુસલમાનો છે. બંગલાદેશમાં બંગલા અસ્મિતાના ઠેકેદારોએ તેમને દુશ્મન તરીકે ઓળખી બતાવ્યા અને તેમને સતાવવાનું શરૂ કર્યું. શેખ હસીનાની સરમુખત્યારશાહી આના પર નિર્ભર હતી.
જો હું સત્તામાં નહીં હોઉં તો આ બંગલા અસ્મિતાના દુશ્મનો તમારા પર ચડી બેસશે. હું છું તો તમે સુરક્ષિત છો. આગળ કહ્યું એમ આ ફારસ છે જે ભારત, પાકિસ્તાન અને બંગલાદેશમાં ભજવવામાં આવી રહ્યું છે. ભજવનારાઓ અલગ અલગ છે, ફારસ એક સરખું છે.
પ્રગટ : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 08 ઑગસ્ટ 2024