(બળવો) બાંગલા ઘટના
જનરેશન ઝેડની આ કમાલ એમાં ભળી ગયેલાં ઝનૂની પરિબળોને કાબૂમાં રાખવા સહિતના પડકારોએ ભરેલી અને ભારેલી છે : વંચિતોના વાણોતર વચગાળાની આ નવી પાળી ખેલી જાણશે ?
હજુ બાંગલાદેશના પ્રમુખ શહાબુદ્દીને વિપ્લવી છાત્રજોવનાઈના સૂચવ્યા એમને હસીના વાજેદના ત્યાગપત્ર અને દેશત્યાગ પછીના સંજોગોમાં વચગાળાની જવાબદારી સાહલા સાદ પણ દીધો નહોતો, ત્યારે ઓલિમ્પિકની સલાહકારી જવાબદારી સર પેરિસ બેઠે વંચિતોના વાણોતર યુનુસે એક અખબારી મુલાકાતમાં વતન આંગણે વાસ્તવિકતા શું છે તે સચોટ સમજાવ્યું હતું : ‘જુઠાણાં, જુઠાણેજુઠાણાં … એ હદે એનો મારો કે પછી પોતે પણ એમાં માનવા મંડે.’
કારુણિકા એ છે આ મુલકની કે એક દેશ, એક પક્ષ, એક નેતા અને એક જ કથાનક (નેરેટિવ). જરીક જુદો અવાજ કે જમાત બહાર. ચૂંટણી કેવી તો કહે, નકો નકો હમણાં જાન્યુઆરીમાં શેખ હસીના વાજેદ ચોથી વાર ચુંટાયાં તે કેવી રીતે? વિપક્ષે ચૂંટણીનો બહિષ્કાર કર્યો હતો એ રીતે! અને મતાધિકાર તેમ જ મતદાન એ જો લોકશાહી ચૂંટણીની એક ઓળખ હોય તો દેશના સત્તર કરોડ લોકમાંથી ખાસી બે તૃતીયાંશ વસ્તી – બાંગ્લાદેશી યુવાનો – કને વાસ્તવમાં મતાધિકાર છે જ ક્યાં.
તો લોકો અને સરકાર વચ્ચે કોઈ સંવાદતક પણ ક્યાંથી રહે, સિવાય કે જેલ, લાઠીગોળી …. બધી વિકાસવાર્તા વચ્ચે – આર્થિક વિકાસને મોરચે પ્રતિમાન છતાં – લોકશાહીને નામે ભેંકાર સૂનકાર.
એક જરા જુદો મુદ્દો પણ નોંધવો જોઈએ. એક જમાનામાં ટી.વી. ક્રાન્તિનો મહિમા એટલો બધો હતો કે ગોર્બાચોફે સોવિયેત સામ્રાજ્યશાહીના સંકેલાની શરૂઆત કરી ત્યારે રુમાનિયામાં પલટાનું શ્રેય બિનસામ્યવાદીઓએ કેવો ટી.વી. સ્ટુડિયો કબજે કરી લીધો એ બીનાને અપાયું હતું. આજનો દસકો જનરેશન ઝેડનો છે : એ છાત્રયુવા પેઢી કે જેને સારુ ઇન્ટરનેટ થકી ઝુમિંગ સરખી વિશ્વબારી ખુલી છે તે તમારી બંધ દુનિયાની બંદી કે મોહતાજ નથી. (બાય ધ વે, 2024ના આપણે ત્યાંના પરિણામોએ 2014 અને 2019ની ફતેહને ઓક્સિજન પર મુકાઈ જવા જેવો કિંચિત અનુભવ કરાવ્યો, એના કંઈક સગડ અહીં પકડાય છે?)
પરિવર્તનનો જે વાયરો બાંગલાદેશમાં ફુંકાયો છે તે એનાં ભયસ્થાનો ને મર્યાદાઓ પણ લઈને આવ્યો છે. તસલીમા નસરીને સચોટ ટિપ્પણી કરી છે આ દિવસોમાં કે જે ઇસ્લામિસ્ટોને રાજી કરવા હસીના વાજેદે મને તગેડી મૂકી હતી, તે આ છાત્રયુવા ઉઠાવ સાથે ભળી ગયા છે. હવે હિંદુઓનું, સેક્યુલરિસ્ટોનું, બિનકોમવાદીઓનું, રેશનલિસ્ટોનું આવી બન્યું સમજો.
પરિવર્તનની પ્રક્રિયામાત્રમાં જેમ આદર્શવાદનો ધક્કો ને ધખના હોય છે તેમ કશુંક સંમિશ્ર પણ હોવાનું, રહેવાનું. 1971ના આઝાદી લડવૈયાઓની નવી પેઢીને સારુ સરકારમાં ખાસી ત્રીસ ટકા અનામતની (એટલે કે સત્તાપક્ષની કેડરની પરબારી ભરતીની) જાહેરાતે છાત્રયુવા માનસને એક ચિનગારી ચાંપી પણ એ તત્કાળનિમિત્ત પાછળ વાસ્તવિક લોકતંત્રને નામે જે મોટું મીંડુ હતું અને છે એનો ફાળો ઓછો નથી. આ ઉઠાવનો એક ચહેરો તમને જો પૂર્વ વડા પ્રધાનનાં આંતરવસ્ત્રો સરેઆમ પ્રદર્શિત કરવાની હીન ચેષ્ટામાં દેખાતો હોય તો એ પણ એનો ચહેરો છે કે હિંદુ મિલકતો ને મંદિરો પરના હુમલા આડે આ દિવસોમાં એની કવચ કોશિશ પણ રહી છે. રામકૃષ્ણ મિશનના કોઈ સંન્યાસી અને આ યુવજનોની જુગલબંદી હિટલરી જર્મનીમાં યહૂદીઓની પડખે ઊભા રહેલા વણગાયા ખ્રિસ્તી પાદરીઓના વારાની યાદ આપે છે. બાંગલાદેશી સડકો પર લહેરાતા પારાવાર વચ્ચે આવી દ્વીપ ઘટનાઓ સ્તો સ્વામી આનંદ કહે તેમ ‘ધરતીનું લૂણ’ છે.
યુનુસે થોડા દિવસ પર એ મતલબનીયે એક પ્રગટ ફરિયાદ કરી હતી કે અમારે ત્યાંના ઘટનાક્રમને ભારત સરકાર ‘બાંગલાદેશની આંતરિક બાબત’ કહીને બધો વખત બાજુએ કેમ મૂકી દે છે. આપણે અગ્નિ એશિયાઈ દેશો છેવટે તો એક બિરાદરી છીએ. અમારા યુવાજનોનો આતશ ફાટશે તો ભારત કંઈ અસ્પૃષ્ટ રહી શકવાનું નથી. દેશની વિદેશ નીતિ અને સ્વદેશનીતિ રાષ્ટ્રીય હિત અને મૂલ્યમાવજતની રીતે કશુંક નવવિધાન માગે છે, જેમાં પરિવર્તનના વાયરાને આવકાર હોય અને એમાં રહેલી સંમિશ્રતા હોય એમાં રહેલી સંમિશ્રતા પરત્વે શોધનની સોઈ હોય.
Edito: nireekshak@gmail.com
પ્રગટ : ‘પરિપ્રેક્ષ્ય’, “દિવ્ય ભાસ્કર”; 07 ઑગસ્ટ 2024