માર્ચ ૧૯૭૭.
ઇન્દિરા ગાંધીએ લાદેલી આંતરિક કટોકટી ઉઠ્યા પછીની લોકસભા ચૂંટણીમાં જનતા પાર્ટીનો વિજય થયો હતો. એવા સમયે કેટલાક અધિકારીઓ અને રાજનેતાઓએ રાજધાનીના વી.પી. હાઉસના ફ્લેટ નંબર ૪૦૩નો દરવાજો ખખડાવ્યો. કાર્યકરે દરવાજો ખોલ્યો તો તેમણે પ્રો. મધુ દંડવતે ક્યાં?-ની પૃચ્છા કરી. કાર્યકરે પૃચ્છાના જવાબમાં બાથરૂમ તરફ ઈશારો કર્યો. પ્રોફેસર અને નવનિર્વાચિત સાંસદ બાથરૂમમાં કપડાં ધોતાં હતા! મધુ દંડવતે મહારાષ્ટ્રના રાજાપુર મતવિસ્તારમાંથી લોકસભામાં ચૂંટાયા હતા. કોઈ આવ્યાનું જણાતા એ ભીના લૂગડે ચશ્માંની દાંડી નાક પર ચઢાવતા બહાર આવ્યા. આગંતુકોના આશ્ચર્ય અને આઘાતમિશ્રિત ચહેરા નીરખીને તે બોલ્યા, ‘ચૂંટણીમાં બધાં લૂગડાં બહુ મેલા થઈ ગયાં હતા. આજે મોકો મળ્યો તે ધોવાનો.’ અફસરો અને નેતાઓએ તેમને નવી સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે જોડાવા શપથવિધિમાં પહોંચવાનું ઈજન દીધું. જનતા સરકારના રાજ્યારોહણની તૈયારીમાં દિલ્હી વ્યસ્ત હતું ત્યારે એ બધાથી જાણે કે બેખબર, સાદગી અને સ્વાશ્રયને વરેલા પ્રો. દંડવતે કપડાં ધોવામાં મસ્ત હતા.
મોરારજી દેસાઈના વડપણ હેઠળની જનતા પક્ષની સરકારના રેલવે મંત્રી અને સંનિષ્ઠ એટલા સમર્પિત સમાજવાદી મધુ દંડવતે(૨૧ જાન્યુઆરી ૧૯૨૪ – ૧૨ નવેમ્બર ૨૦૦૫)નું આ જન્મ શતાબ્દી વરસ છે. લાલબત્તીવાળી સરકારી ગાડી તો જાણે કે પહેલીવાર ૧૯૭૭માં મળી પણ સમાજવાદી હોવાના નાતે જેલના તો એ આદિ. ઇતિહાસકાર રામચંદ્ર ગુહાએ લોકોના જીવનમાં મૂળભૂત ફેરફાર લાવનારા જૂજ રાજકીય નેતાઓ પૈકીના એક તેમને ગણાવ્યા છે. રેલવેના બીજા વર્ગની બર્થ એટલે લાકડાનું પાટિયું. રેલવે મંત્રી દંડવતેએ તેને બે ઈંચ ફોમથી મઢ્યું અને સેકન્ડ કલાસના રેલયાત્રીઓની મુસાફરી આરામદાયક બનાવી. રેલવેના મૂળભૂત માળખામાં તેમણે મહત્ત્વના સુધારા કર્યા. રેલવેનું કમ્યુટરીકરણ પણ મધુ દંડવતેની જ દેન છે. દંડવતે જે રાજાપુર મતવિસ્તારનું પ્રતિનિધિત્વ કરતા હતા તે મહારાષ્ટ્રના કોંકણમાં રેલવે પહોંચી નહોતી. તેમના પુરોગામી સમાજવાદી સાંસદ નાથ પૈ જ્યારે આ પ્રશ્ન સંસદમાં ઉઠાવતા ત્યારે તેમને મળતો સરકારી જવાબ, ‘અસંભવ કામ માટેનો મૂર્ખતાપૂર્ણ પ્રયાસ’નો રહેતો. પરંતુ દંડવતે એ કોંકણને રેલવે આપી અસંભવ કામ સંભવ કર્યું હતું. રેલવે કર્મચારીઓની લાંબી હડતાળ પછી સરકાર અને રેલવે યુનિયનો વચ્ચે અંતર વધ્યું હતું. દંડવતે એ તે અંતર ઘટાડ્યું હતું.
મહારાષ્ટ્ર્ના અહમદનગરમાં જન્મેલા મધુ દંડવતેના દાદા સાહિત્યકાર હતા અને પિતા ઈજનેર. પિતા દીકરાને ઈજનેર બનાવવા માંગતા હતા. પરંતુ દીકરો કોઈ જુદા જ દેવ માંડી બેઠેલો. મુંબઈની પ્રતિષ્ઠિત રોયલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સમાંથી ફિઝિક્સમાં એમ.એસસી. કર્યું. ૧૯૪૬માં બાવીસ વરસના મધુ દંડવતે ડો. બાબાસાહેબ આંબેડકર સ્થાપિત સિદ્ધાર્થ કોલેજમાં ફિઝિક્સના અધ્યાપક બન્યા હતા. અઢાર વરસની વયે ક્વીટ ઇન્ડિયા મુવમેન્ટમાં જોડાયા ત્યારથી એમના જાહેરજીવનની શરૂઆત થઈ હતી. પાંચવારના આ લોકસભા સભ્યે તેમની બે દાયકા લાંબી સંસદીય કારકિર્દીનો આરંભ ૧૯૭૦માં મહારાષ્ટ્ર વિધાના પરિષદના સભ્ય તરીકે કર્યો હતો. દંડવતે મોરારજી સરકારના રેલવે મંત્રી હતા તો વી.પી. સિંઘ સરકારના નાણાં મંત્રી, અને હા દેવગૌડા સરકારના પ્લાનિંગ કમિશનના વાઈસ ચેરપર્સન પણ હતા.
સરકારી હોદ્દા અને મંત્રી પદ એમણે પૂર્ણ લાયકાતના ધોરણે મેળવ્યું હતું. હાડના તો એ સંઘર્ષશીલ કર્મશીલ હતા. એટલે ગોવા મુક્તિ આંદોલનમાં કમરનું હાડકું પણ ભંગાવ્યું હતું. કટોકટી દરમિયાન બેંગલુરુની સેન્ટ્રલ જેલમાં તે લાંબો સમય રહ્યા. તે સમયના તેમના બેરેક સાથી અટલ બિહારી વાજપાઈ હતા. સમાજવાદને વરેલાં કર્મશીલ જીવન સાથી પ્રમિલા દંડવતે પણ કટોકટીમાં જેલમાં હતાં. મધુ બંગલુરુમાં તો પ્રમિલા યરવડામાં. જેલવાસ દરમિયાન દંડવતે દંપતી વચ્ચે થયેલો પત્ર વ્યવહાર ઠીક ઠીક ઉલ્લેખાય છે, પરંતુ જેલમાંથી જ મધુ દંડવતે એ વડા પ્રધાન ઇન્દિરા ગાંધીને પણ તેમની આપખુદ રસમો માટે લલકારતા અને ઠપકારતા બસો જેટલા પત્રો નીડરપણે લખ્યા હતા. એ ન જાને કેટલાને યાદ હશે ?
દંડવતેના નામ સાથે પ્રોફેસરનું લટકણિયું કંઈ અમસ્તું નથી. ડોં. આંબેડકરે નાતજાતના ધોરણે નહીં, પણ પૂર્ણ લાયકાતના ધોરણે સિદ્ધાર્થ કોલેજમાં અધ્યાપકોની નિમણૂક કરી હતી. ભૌતિકશાસ્ત્રના પ્રોફેસર તરીકે એમને દંડવતે જડ્યા એ પણ એવા કે જે ન્યૂક્લિયર ફિઝિક્સ સ્થાનિક અને સરળ ભાષામાં ભણાવે. “વિજ્ઞાનના કઠિન કહેવાતા પારિભાષિક શબ્દો હિંદી કે ભારતીય ભાષામાં શક્ય છે. હું આખું પરમાણુ ભૌતિકી હિંદી-મરાઠીમાં ભણાવી શકું છું,’ તેમ અદબ અને અભિમાનથી લખતા મધુ દંડવતે કંઈ અમથા પ્રોફેસર કહેવાયા હશે?
સિદ્ધાર્થ કોલેજના અધ્યાપકને નાતે દંડવતેને ડો. આંબેડકર સાથે પણ સારો નાતો બંધાયો હતો. તેમની સાથેના સંવાદે દંડવતેના મનમાં સામાજિક ન્યાયનો ખ્યાલ વધુ દૃઢ થયો હતો. વાજબી રીતે જ બંધારણના ઘડવૈયા કહેવાતા ડો. આંબેડકરના વિચારો પ્રમાણેનું વર્તમાન બંધારણ કેટલું તેનો દંડવતે જ આપી શકે તેવો જવાબ હતો કે, “બંધારણની એક નકલનાં પાનાં પર ડો. આંબેડકરે પોતાની સમાલોચના લખી છે. બંધારણના એક એક પરિચ્છેદ પર ટિપ્પણી સ્વરૂપે. એ પ્રકાશિત થાય તો બાબાસાહેબની યુગદૃષ્ટિની ઝલક જોવા મળે.”
જેમ દંડવતેની બૌદ્ધિકતા, પ્રામાણિકતા અને પારદર્શિતાની દુહાઈ દેવાય છે તેમ તેમની તટસ્થતા પણ વખણાય છે. એટલે પક્ષે ઘણી મહત્ત્વની ચૂંટણીઓના તેમને ચૂંટણી અધિકારી બનાવ્યા હતા. જો કે વી.પી.સિંઘની વડા પ્રધાન તરીકેની પસંદગી ચૂંટણી અધિકારી દંડવતેની તટસ્થતા પર સવાલો કરે તેવી હતી. જનતા દળના સંસદીય પક્ષના નેતાની ચૂંટણીમાં ચન્દ્રશેખર ઝંપલાવવાના હતા. પરંતુ તેમને દેવીલાલના નામે મનાવી લેવાયા. પછી દેવીલાલે “હું તો તાઉ જ ભલો” એમ કહીને વિશ્વનાથ પ્રતાપ સિંઘને પસંદ કર્યા. આ સઘળુ ચન્દ્રશેખરને અંધારામાં રાખીને થયું હતું અને મધુ દંડવતેએ થવા દીધું હતું. આ ઘટનામાં મધુ દંડવતેની ભૂમિકા સંદર્ભે ચન્દ્રશેખરે આત્મકથા “જીવન જૈસા જિયામાં લખ્યું છે, “મધુ દંડવતે ઈસ તરહ કી તિકડમ કે સાઝીદાર હોંગે, ઈસકા મુઝે કભી વિશ્વાસ નહીં હુઆ.” (પૃષ્ઠ- ૧૬૩) દંડવતેની તટસ્થતાનું આથી મોટું પ્રમાણ બીજું શું હોઈ શકે?
૧૯૯૧ અને ૧૯૯૬ની સામાન્ય ચૂંટણીઓમાં દંડવતેની હાર થઈ હતી. એટલે ૧૯૭૧થી ૧૯૯૧ની તેમની દીર્ઘ સંસદીય કારકિર્દીનો અંત આવ્યો. જો કે ૧૯૯૬માં જ્યારે તેઓ ચૂંટણી હાર્યા હતા ત્યારે જ વડા પ્રધાન પદ માટે તેમના નામની વિચારણા ચાલી હતી. પોતે લોકસભાના સભ્ય જ નથી એટલે તેમણે વાતને ઊગતી ડામી દીધી હતી. કહેવાય છે કે તે પછી દેવગૌડાની પ્રધાન મંત્રી તરીકેની પસંદગી દંડવતેની હતી. દેવગૌડાએ તેમને આયોજન પંચના ઉપાધ્યક્ષ બનાવ્યા એટલે ઘણાંને વાતમાં તથ્ય પણ લાગ્યું.
એક્યાસીની વયે ૨૦૦૫માં એમનો દેહવિલય થયો. વાંચતી, લખતી, લડતી, ઝઘડતી અને તર્કવિતર્ક સાથે વિચારવિમર્શ કરતી સમાજવાદીઓની ગઈ પેઢીનું મધુ દંડવતે અણમોલ સંતાન હતા.
e.mail : maheriyachandu@gmail.com