આજે ઑગસ્ટની સાતમી તારીખ છે : 1941માં આ તારીખે (શ્રાવણી પૂર્ણિમાએ) કોલકાતામાં કવિગુરુ રવીન્દ્રનાથે જોડાસાંકોની ઠાકુરવાડીમાં, જ્યાં જન્મ્યા’તા ત્યાં જ અંતિમ શ્વાસ લીધા હતા. એમની પૂર્વાજ્ઞા પ્રમાણે ત્યારે ગવાયેલી રચના હતી :
‘સંમુખે શાંતિ પારાવાર
ભાસાઓ તરણી હે કર્ણધાર…’
(‘મારી સન્મુખ શાંતિનો પારાવાર લહેરાય છે. હે કર્ણધાર, હવે નૌકાને તરતી મૂકો.’
કવિએ પસંદ કરી રાખેલું અંતિમ ગાન જો ‘શાંતિ પારાવાર’નું હતું તો એમનું છેલ્લું જાહેર વ્યાખ્યાન હજુ બે-ત્રણ માસ પૂર્વે અપાયું એનું વસ્તુ ‘સભ્યતાર સંકટ’ (‘ક્રાઈસિસ ઈન સિવિલાઈઝેશન’) હતું. પહેલા વિશ્વયુદ્ધની વિભીષિકા વારાથી એ રાષ્ટ્રવાદનાં ભયસ્થાનો બાબતે સચિંત રહ્યા છે અને 1941નું વરસ બીજા વિશ્વયુદ્ધના સમયગાળાનું છે એટલે એ સભ્યતા પર એમને જે સંકટ વરતાય છે તેને વિશે બોલ્યા વિના રહી શક્યા નથી. જીવન સહજ ક્રમે સંકેલાવામાં છે, મૃત્યુને પોતે જગતજનની એક એક થાનલેથી બીજે થાનલે લેતી હોય એવા વત્સલ ભાવે વધાવ્યું છે, સામે શાંતિ પારાવાર છે, પણ વિશ્વમાનવતા પરનું જે સંકટ છે એને વિશે બોલ્યા વિના રહેવાય શાનું.
ત્યારે જે સ્વાભાવિક જ સામ્રાજ્યવાદવશ અક્ષરશ: આદર્શ લેખાતું હતું એ પશ્ચિમનું ઓઠું લઈને કવિએ સભ્યતાની ચીલેચાલુ વ્યાખ્યાની અસલિયતને અસંદિગ્ધ શબ્દોમાં પકડી છે કે આ તો લોભ, હિંસા, પશુબળ અને અહંકાર પર ઊભેલી ઈમારત છે.
કવિ સ્વદેશવત્સલ છે, માનવતાના અનુરાગી છે. 1905માં બંગભંગ વખતે હિંદુ-મુસ્લિમ ભાગલાની અંગ્રેજ રાજવટની કોશિશ વરતી જઈ એ ‘રાખીબંધન’નું ગાન કરતા કોલકાતાના રાજમાર્ગો પર અવિશ્રાન્ત ચાલ્યા છે. ગાંધીએ જ્યારે વિરાટ આંદોલન જગવ્યું ત્યારે ઊછળતા રાષ્ટ્રવાદની મર્યાદા વિશે ચિંતા વ્યક્ત કર્યા વિના એ રહી શક્યા નથી. બીજી પાસ આ જ કવિ 1919માં અમાનુષી જલિયાંવાલા હત્યાકાંડ વખતે અંગ્રેજ સરકારને કહે છે, પાછું લઈ લો તમે મને આપેલું નાઈટહુડ.
સ્વાભાવિક જ એ સ્વરાજ આંદોલનની સાથે છે – અલબત્ત, કંઈક ભાવનાત્મક ધોરણે. પણ એમાં શીલ ને સંયમ પરનો એમનો ભાર છે જે ગાંધીને ગમે પણ છે. એ રીતે 1920-21માં અસહકાર આંદોલનના વારામાં કવિનો જે પ્રત્યાઘાત હતો એના કરતાં 1930માં દાંડીકૂચના વારામાં ચોક્કસ જ ન્યારો છે. પોતે ઇંગ્લેન્ડમાં છે અને ત્યાંનો સ્થાપિત મત આ કૂચની જે ટીકા કરે છે એ કેમ ઠીક નથી એવો પ્રતિભાવ એમણે ખખડાવીને ત્યાંના પ્રસાર માધ્યમોમાં આપ્યો છે.
તો, સંમુખે શાંતિ પારાવાર છે. સિત્તેરમે 1931માં શાંતિનિકેતનના આમ્રકુંજમાં કેફિયતનુમા અંદાજમાં કહ્યું છે : ‘હું કેવળ કવિ છું. હું નથી તત્ત્વજ્ઞાની, નથી શાસ્ત્રજ્ઞાની, નથી ગુરુ કે નથી નેતા, હું નવબંગાળમાં નવયુગનો ચાલક પણ નથી. હું તો વિચિત્રનો દૂત છું. હું નાચું છું, નચાવું છું, હસું છું, હસાવું છું, ગાન કરું છું, ચિત્રો ચીતરું છું. જે લોકો મને શંખ વગાડી ઊંચે માંચડે બેસાડવા ઈચ્છે છે તેમને હું કહું છું કે હું તો નીચું સ્થાન લઈને જ જન્મ્યો છું. હું સૌનો બંધુ છું. હું છું કવિ! આ જ મારો એકમાત્ર પરિચય છે.’
જો કે, આ પરિચય જરી ખોલીને સમજવા જોગ છે. તે માટે ‘પ્રાન્તિક’ પાસે જઈશું જરી? 1937ના સપ્ટેમ્બરમાં એક સાંજે વાત કરતાં કરતાં એ અચાનક જ બેભાન થઈ ગયા. પૂરા બે દિવસ પછી ભાનમાં આવ્યા ત્યારે આ મૃત્યુવત અનુભૂતિ અને નવજીવનની સંપ્રાપ્તિનાં જે કાવ્યો લઈને આવ્યા તે ‘પ્રાન્તિક.’
ઉમાશંકર જોશીએ ‘પ્રાન્તિક’નાં છેલ્લાં ચાર કાવ્યોનું વિવરણ કરતાં કહ્યું છે કે આ ચાર કાવ્યો રવીન્દ્રનાથના વસિયતનામા રૂપ વ્યાખ્યાન ‘સભ્યતાર સંકટ’નાં આગોતરાં કાવ્યરૂપ સમાં છે.
‘કવિની વાણી’, ઉમાશંકર કહે છે, ‘વગર અવાજે અનંતની છાબમાં ભલે સરી પડશે, પણ તે પૂર્વે મૃત્યુ લગોલગના પ્રાન્તિક પ્રદેશથી પાછા ફરેલા કવિને આસુરી બળો સામે તૈયાર થતાં સૌને બારણે બારણે હાક મારતા જવું એવો સ્વધર્મ સમજાય છે, જેથી તેઓ સૌ ઉદ્યુક્ત રહે, સાવધ રહે, પીઠબળ અનુભવે, ખપી ખૂટવામાં પાછી પાની ન કરે. વિજયી નીવડીને રહે. જીવન છે ત્યાં સુધી, શ્વાસ ચાલે છે ત્યાં સુધી, સત-અસતના સંઘર્ષમાં સક્રિયપણે સંડોવાવાનું રહે છે જ …’
સત-અસત વચ્ચેના સંઘર્ષનો રોડમેપ, ખરું જોતાં જો કે કવિપથ એમની અમર ‘ભારત-પ્રાર્થના’માં આબાદ ઝીલાયો છે :
‘ચિત્ત જ્યાં ભયશૂન્ય છે, શિર જ્યાં ઉન્નત છે,
જ્ઞાન જ્યાં મુક્ત છે, ઘર ઘરના વાડાઓએ જ્યાં રાત–દિવસ
વસુધાના નાના નાના ટુકડા કરી મૂક્યા નથી,
વાણી જ્યાં હૃદયના ઝરણામાંથી સીધી વહે છે,
કર્મનો પ્રવાહ જ્યાં રૂંધાયા વિના દેશે દેશે અને
દિશાએ દિશાએ સતત સહસ્રવિધ સફળતા પ્રતિ ધસે છે,
તુચ્છ આચારરૂપી રણની રેતીએ જ્યાં વિચારનાં ઝરણાંને ગ્રસી લીધું નથી,
અને પૌરુષના લાખ લાખ ટુકડા કરી નાખ્યા નથી,
જ્યાં હંમેશાં તું સકળ કર્મ, વિચાર અને આનંદનો નેતા છે,
ત્યાં, ત્યાં જ, તે સ્વર્ગમાં, તારે પોતાને હાથે નિર્દય આઘાત કરી
હે પિતા, તું ભારતને જગાડ.’
Edito: nireekshak@gmail.com
પ્રગટ : ‘તવારીખની તેજછાયા’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘કળશ’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”; 07 ઑગસ્ટ 2024