ડોર બેલ રણક્યો !
મને થયું ‘લોક્ડાઉનના સમયગાળામાં કોઇના ઘરે મળવા જવાનું ના હોય, કોઇને આવકારવાનું પણ ના હોય, ને આ વળી કોણ ટપકી પડ્યું’ ! અમને નવાઇ લાગી. મેં મારી પત્ની નિમા સામે જોયું.
એણે કહ્યું : ‘અરે, રવિ, શું ઊભા છો ! બારણું ખોલીને જુઓ તો ખરા કે કોણ છે? ટપાલી છે કે બીજું કોઇ છે?’
મોં પર માસ્ક પહેરીને બારણું ખોલ્યું તો સામે ‘ભમતારામ’ પ્રેમાનંદી હસતા ઊભા હતા! બોલ્યાઃ ‘કેમ છે?’ એમના મોં પર માસ્ક નો’તું. પીઢ ‘એન્ટિ-માસ્કર’ અને ‘કોવિડિયેટ’ના હાસ્યપ્રકાશને લીધે મારો ચહેરો ઝંખવાઇ ગયો.
તમને થશે આ ‘એન્ટિ-માસ્કર’ અને ‘કોવિડિયેટ’ વળી શું? અત્યારના કોરોનાકાળમાં ઘણાં નવા શબ્દો ચલણી બન્યા છે તેમાંના આ બે શબ્દો છે. ‘એન્ટિ-માસ્કર’ એટલે જે કોઇ ‘માસ્ક વિરોધી’ હોય તે અને ‘કોવિડિયેટ’ એટલે કોરોના અંગેની ગાઇડલાઇન ન માનનાર (ઈડિયટ) !
એમને જોઇને હું અવઢવમાં પડ્યો. મારી ચૂપકીદીથી બોલ્યા : ‘કેમ અલ્યા, ઇંગ્લેંડ આવીને આપણા ભારતીય સંસ્કાર, સંસ્કૄતિ, પરંપરા, અને આદર્શ પણ ભૂલી ગયો?’
મેં કહ્યું : ‘મને સમજાયું નહીં.’
પ્રેમાનંદી બોલ્યા : ‘અતિથિ દેવો ભવ !’ અતિથિ દેવ સમાન ગણાય, એમને આવકાર આપવાનો હોય.’
મેં કહ્યું : ‘હા, બરાબર, પણ ફોન નહીં, વોટ્સએપ પર મેસેજ પણ નહીં, ને કોરોનાકાળમાં તમે અચાનક આવ્યા તેથી મને જરા ….’
‘અલ્યા, મેં શું કહ્યું? અતિથિ દેવો ભવ, ‘અતિથિ’ શબ્દનો અર્થ જ ‘જેને આવવાની તિથિ નક્કી ના હોય તે અતિથિ’. અતિથિ ગમે તે દિવસે, ગમે તે સમયે આવે, એને હસતા મોંએ જ આવકારવાના હોય.’
હું વિચાર કરતો ઊભો હતો, મને હિંદી ફિલ્મ ‘અતિથિ, કબ ઘર જાઓગે?’ મારા સ્મરણપટ પર છવાઇ ગઇ. મને વિચાર આવ્યો આ બલાને કઇ રીતે ટાળવી!
મેં કહ્યું : ‘અત્યારે લેસ્ટરમાં લોકડાઉન છે, એની તો તમને ખબર છે ને? એના રૂલ પ્રમાણે આપણાથી કોઇના આંગણે ના જવાય, કોઇના ઘરમાં પણ ના જવાય, તેથી હું …’
મહાશય બોલ્યા, ‘અલ્યા, સરકાર એનું કામ કરે, આપણે આપણી રીતે જીવવાનું હોય, આપણે આપણો અમૂલ્ય સંસ્કાર વારસો ગુમાવવાનો ના હોય. આપણું લેસ્ટર તો મીની ગુજરાત કહેવાય છે ! આપણા કવિ દુલા ભાયા ‘કાગ’ લલકારી ગયા છે તે તો યાદ છે ને? એમ કહી લલકારવા લાગ્યા :
‘એ જી તારા આંગણિયે પૂછીને કોઇ આવે રે,
આવકારો મીઠો આપજે રે જી ….’
દુલા ભાયાના લલકારની મને ચિંતા નો’તી પણ પ્રેમાનંદીના નાટકીય લલકારથી ચિંતિત થઇ, એમના કલ્ચરલ અને ઇમોશનલ બ્લેકમેઇલિંગ સામે નમતું મૂકી, મોં પર કુદરતી હાસ્ય લાવવાનો સફળ અભિનય કરતો જ હતો ને એમણે ધસી જઇને ગૄહપ્રવેશ કરી દીધો. મેં એમને બીતા બીતા, કાયદેસરની ગુનાહિત લાગણી અનુભવતાં ઘરમાં આવકાર્યા.
એમને દૂર એક સોફા પર બેસાડ્યા.
નિમાએ માસ્ક પહેરી લીધું ને એમને કમને પૂછ્યું, ‘ચા લેશો કે કોફી?’
પ્રેમાનંદીએ કહ્યું, ‘જો આ છે આપણા ભારતીય સંસ્કાર! હું તો ચા લઇશ અને તે પણ આદુ ને મસાલાવાળી, સાથે થોડો નાસ્તો પણ લઇશ. સાથે સામે બેસીને બે વાત પણ કરીશ.’
એમની બે વાત એટલે કેવી ને કેટલી તેનો અમને અનુભવ હતો, એટલે અમારા મોતિયા મરી ગયા પણ મોં પર જિજ્ઞાસા ધારણ કરી કહ્યું, ‘બોલો શી વાત કરવી છે?’
પ્રેમાનંદી બોલ્યા : ‘આપણી ટોરી સરકાર દેખાદેખીને લીધે, બીજા દેશોને રવાડે ચઢી લોકડાઉન લાવે ને લોકો હરતાં ફરતાં બંધ થાય તે ઠીક ના કહેવાય.’
મેં કહ્યું ‘લો, કરો વાત ! તમે પણ શું યાર! કોવિડ 19 એટલે કે કોરોના વાઇરસ ડીઝિઝ 2019ની મહામારીએ જગતભરમાં માઝા મૂકી છે અને તમને લોકોના હરવા ફરવાની ચિંતા છે! કરોડો લોકો એને લીધે માર્યા ગયા છે ને મરે છે ને કેટલા મરશે તેની ગણતરી નહીં, ને……’
મને આગળ બોલતો અટકાવી બોલ્યા, ‘જે જન્મે તે મરે, વહેલા કે મોડા. ભાગ્યમાં લખાયા પ્રમાણે જ થાય, બધાએ મરવાનું જ છે, તો આનંદથી હરીફરીને મોજમજા કરીને શા માટે ના મરીએ? ડરી ડરીને થોડું જીવવાનું હોય? જિંદગી લાંબી નહીં, બિંદાસ્ત હોવી જોઇએ !’
‘આપણે કાળજી રાખી જીવીએ તો કમોતે તો ના મરીએને? પરિવાર માટે રોટલો રળનાર ઘરનો મોભ, ઘરનો આધાર હોય, એ તેની પોતાની કે કોઇ બીજાની બેકાળજીને લીધે કસમયે મરે તો એના પરિવારનું શું? એટલે…….’
મને ફરી અટકાવી બોલ્યા : ‘ભાઇ, તારા જેવા બીકણ ઘણાં છે પણ આ દેશમાં ને દુનિયાના અનેક દેશોમાં બિંદાસ્ત માણસો પણ પડ્યા છે, જેઓ લોક્ડાઉનના રૂલની પરવા કરતા નથી. આમજનતાના સભ્યો, પ્રસિદ્ધ માણસો અને ખુદ કાયદા-કાનૂન બનાવરા પોલિટિશિયનોનો પણ તેમાં સમાવેશ થાય છે, તેનું શું?’
એમના સવાલથી મને ચીડ ચઢી. મેં કહ્યું ‘એ લોકો બિંદાસ્ત ના કહેવાય. અક્કલ વગરના કહેવાય. તેથી તો ખુલ્લેઆમ નફકરા બનીને હરેફરે છે.’
‘અલ્યા, આ શું બોલ્યો? વિશ્વની મહાસત્તા અમેરિકાના મહાન, બુદ્ધિશાળી, બહાદુર, પીઢ બિઝનેસમેન, બહુમુખી પ્રતિભા ધરાવતા નેતા ડોનાલ્ડ ટ્રમ્પ પોતે માસ્ક પહેરતા નથી કે કોઇને માસ્ક પહેરવાની ફરજ પણ પાડતા નથી! બે મિટરનું અંતર રાખવાની વાત પણ કરતા નથી. અમેરિકા તો ફ્રી કંટ્રી છે એટલે જ તો અમેરિકામાં ઘણા લોકો મસ્ત બનીને ફરે છે, પાંચપંદર મિત્રોને બોલાવી પાર્ટી પણ કરે છે.’
‘અમેરિકામાં કંઇ બધા લોકો એવા અવિચારી નથી ને ડોનાલ્ડ ટ્રમ્પ…….’ મેં જોયું તો એમનું ધ્યાન મારી દલીલ કરતાં નિમાએ સામે મૂકેલાં ચા-નાસ્તા તરફ વધારે હતું.’
‘નિમા, આ શું જીરામીઠાવાળા બિસ્કિટ? અત્યારે વિંટર છે ને મગજ કે અડદિયા નથી બનાવ્યા?’
નિમા બોલી : ‘અમે ઘી તેલવાળી વસ્તુ ખાતા નથી. એ હેલ્થ માટે નુકસાનકારક છે.’
‘લો કરો વાત ! તમે લોકો પરદેશ આવીને આપણી પરંપરા ભૂલી ગયા. ચાલો, કોઇ વાત નહીં.’ એમ બોલી, અતિથિ ચા-નાસ્તો કરતાં કરતાં બોલ્યા : ‘બિચારા ટ્ર્મ્પને લોકો સમજતા જ નથી, એ બિઝનેસમેન છે, પ્રેસિડેંટ છે ને મોટો સાયંટિસ્ટ પણ છે એટલે જ તો એણે કોવિડ મટાડવાનો નુસ્ખો ય બતાવ્યો હતો પણ લોકો એને સાંભળવા ય રાજી નો’તા.’
‘ડોનાલ્ડ ટ્રમ્પ ને સાયંટિસ્ટ!? ટ્રમ્પ ડિસઇંકેટંટના ઇંજેકશન આપવાની વાત કરે છે એટલે તમે એને સાયંટિસ્ટ કહો છો !? લોકો એને ક્યાંથી સાંભળે, તમે પણ યાર….’
મારી વાત કાપી પ્રેમાનંદીને દલીલ કરતા અટકાવવા માટે નિમાએ એમને પૂછ્યું : ‘આપણા લેસ્ટરની શું નવાજૂની છે? અમે તો બહાર નીકળતા જ નથી.’
‘જોયું ને, ઘરની બહાર નીકળો તો ખબર પડે ને કે શહેરમાં શું થઇ રહ્યું છે. લેસ્ટરમાં પણ લોકો લંડન, લિવરપુલ, નોટીંગહામની જેમ એ…ય આરામથી ફરે છે! મોજમજા કરે છે, પાન, માવો ખાતા ખાતા પિચકારી મારતા જુવાનિયાઓ પણ પાંચછના ટોળામાં હાહાટીટી કરતા રસ્તા પર, પાર્કમાં બિંદાસ્ત બનીને ફરે છે.’
‘હે ભગવાન, એ જુવાનિયાઓને કોણ સમજાવે કે આ કોરોનાકાળના સમયગાળામાં કાળજી રાખી જીવન જીવવાનું હોય છે.’ હું બોલ્યો.
‘અરે, રવિ, તું તદ્દન વેદિયો જ રહ્યો. અલ્યા ફક્ત જુવાનિયાઓ જ નહીં, મોટી ઉંમરના બુઢિયાઓ પણ લાકડી લઇને રસ્ત્તા પર ફરે છે ને ગ્રોસરી સ્ટોરમાં પણ શોપિંગ કરવા નિરાંતે જાય છે.’
‘જુવાનિયાઓ રૂલ અનુસાર, ન છૂટકે, ખાસ જરૂરી કામ હોય તો જ બહાર જતા હોય, મોં પર માસ્ક બાંધે, બે મિટરનું અંતર રાખી ચાલે, ટોળામાં ન જાય પણ એકલા જ જાય, પાન માવો ખાઇને રસ્તા પર પિચકારી ના મારે તો કોને વાંધો હોય? તેઓ સલામત રહે ને બીજાઓ પણ સલામત રહે. પણ પાન, માવો ખાતા ખાતા પિચકારી મારતા પાંચછના ટોળામાં હાહાટીટી કરતા રસ્તા પર ફરતા હોય એ તો ઠીક ના કહેવાય. એથી કોરોના વાયરસ વધે ને કામધંધો કરતા લોકો બીમાર પડે ને અનેક માણસો માર્યા પણ જાય એ તો ઠીક નથી. એથી એમની ને બીજાની પણ સલામતી જોખમાય છે, એમને કોરોના વાયરસ લાગી ગયો તો એમને સહેવું પડે ને એમની ફેમિલીને પણ સહન કરવું પડે અને આપણી નેશનલ હેલ્થ સર્વિસ પર પણ બિનજરૂરી બોજો પડે તેનું શું? આપણે એ પણ વિચારવાનું હોય. આપણા દેશની ઇકોનોમીનું શું? આપણી બેકાળજીથી દેશની ઇકોનોમી પર માઠી અસર…. ’
મને અટકાવી અતિથિ બોલ્યા : ‘અરે .. ઇકોનોમીની માને પરણે, સરકાર તો ઇકોનોમી સંભાળવા બેઠી છે. તો આપણે શી ચિંતા? આપણે ટેક્સ ભરીએ છીએ ને સરકારને પોષીએ છીએ એટલે ઇકોનોમીની ચિંતા સરકાર કરે.’
નિમા અમારી વાતચીતથી ઊંચીનીચી થતી હતી. એણે મને મારા મોબાઇલ પર મેસેજ મોકલી અતિથિને ખબર ન પડે તેમ ઇશારો કરી મેસેજ વાંચવા જણાવ્યું. મેં મોબાઇલ ચેક કર્યો.
નિમાનો મેસેજ હતો, ‘આ ભૂત સાથે દલીલબાજી ના કરો, ને એને ટાળવાનો ઉપાય કરીએ. હું તમને જે કહીશ તે સાંભળીને મને કોઇ પણ સવાલ પૂછ્યા વિના એકટિંગ કરો.’
મેં કહ્યું, ‘આ દેશના નાગરિક તરીકે આપણે…..’
મને આગળ બોલતો અટકાવી, નિમા બોલી : ‘ અરે, તમે બેઠા બેઠા વાત કર્યા કરો છો, તે આજે તમારે શશીભાઇને અગિયાર વાગે તેમના અંગત કામ માટે ફોન કરવાનો છે તે તો યાદ છે ને? જુઓ, અગિયારમાં દસ થયા છે.’
‘ઓહ હા, એ તો હું તો ભૂલી જ ગયો હતો, તેં યાદ કરાવ્યું તે સારું કર્યું.
‘જુઓ, બાપુજીને લંચ પહોંચાડવા હું જાઉં છું. આપણું ને બાપુજીને માટે પણ શોપિંગ કરવાનું છે, મને આવતા વાર લાગશે’. બોલી નિમા બહાર જવાની તૈયારી કરવા લાગી.
પ્રેમાનંદીએ પૂછ્યું, ‘નિમા, તું કારમાં જાય છે? હું પણ તારા બાપૂજીને મળી લઇશ….’
નિમાએ કહ્યું, ‘માફ કરજો. લોકડાઉનના નિયમ પ્રમાણે, મારા બાપૂજીને મારા સિવાય બીજું કોઇ મળી શકતું નથી. રવિ પણ મળી શકતા નથી. મારા બાપૂજી એકલા છે અને એમને ડાયાબિટિસ ને હાર્ટની તકલીફ છે, એટલે લોક્ડાઉનના નિયમ અનુસાર હું બાપૂજીને તેમનું ખાવાનું, દવા અને જરૂરી વસ્તુ પહોંચાડવા અને તેમની કાળજી રાખવા માટે ‘સપોર્ટ બબલ’માં છું એટલે માત્ર હું જ તેમને મળું છું.’
પ્રેમાનંદી બોલ્યા, ‘જો બે’ન, હું તો માણસભૂખ્યો છું, મને માણસોને મળવાનું ને તેમની સાથે વાત કરવાનું ગમે એટલે એમને મળવાનો વિચાર થયો. ભલે તું જા.’
મને મનમાં થયું, ‘તમે માત્ર માણસભૂખ્યા નથી, પણ માનવ-મગજ ને ભોજનભૂખ્યા પણ છો તે અમારાથી કયાં છૂપું છે!’
નિમાએ બારણાં બહાર જતાં જતાં ફરી યાદ કરાવ્યું, ‘જો જો રવિ, તમે શશીભાઇને ફોન કરવાનું ના ભૂલતા.’
‘તું ચિંતા ના કર, નિમા, હું બેઠો છું, હું રવિને યાદ કરાવીશ,’ અતિથિ બોલ્યા.
‘જુઓ પ્રેમાનંદી, શશીને મને કોઇ અંગત વાત કરવી છે અને મારા મિત્રોની અંગત તકલીફોની વાત હું નિમાની હાજરીમાં પણ કરતો નથી. મિત્રોની કોન્ફિડેંશિયાલિટિ જાળવવાની હોય છે તેથી તમારી જ નહીં, કોઇ બીજાની હાજરીમાં પણ એની સાથે તેની કોઇ અંગત વાત ના થાય. માફ કરજો. આપણે ફરી કયારેક મળીશું, આવજો’. મેં હિંમત કરી કહ્યું.
‘હા હા વાંધો નહીં, આવતા શનિવારે મળીશું’ ‘અતિથિ’એ ઊભા થતાં થતાં તિથિ નક્કી કરી!’
‘આવતા શનિવારે નહીં, કોરોના વાયરસ જતો રહે પછી જ મળીશું, એ જ અમારા ને તમારા હિતમાં છે,’ કહી સ્પષ્ટવકતા બનવામાં મેં સફળતા મેળવી.
‘અરે યાર…તું પણ….જવા દે વાત, આવજે…’ બોલી અમારા ‘અતિથિ-વાયરસ’ ઘર બહાર નીક્ળ્યા ને મેં બારણું બંધ કર્યું. સેનેટાઇઝર વડે અતિથિવાળા સોફાને સાફ કર્યો ને બીજા સોફા પર લંબાવી મેં નિરાંતનો શ્વાસ લીધો.
(લેસ્ટર)
e.mail : j.kant@ntlworld.com