સમાજમાં એકલતા ઘણા માણસોને સાલતી હોય છે, પણ એના કોચલાને તોડી બહાર નીકળવા માટે અભિમાન, અશ્રદ્ધા અને ઉદાસીનતા મહત્ત્વનો ભાગ ભજવે છે, જેને ‘વ્યસ્તતા‘ નામ અપાય છે.
એ દિવસે સેવા આપનાર શિક્ષકો માટે, The Literacy Council – અક્ષરજ્ઞાન સંસ્થા તરફથી, સન્માન કાર્યક્રમ હતો. હ્યુસ્ટનમાં, હું સાત વર્ષથી અંગ્રેજી શીખવવાની સેવા આપતી હતી. મેળાવડામાં મને “Chicken Soup for the Soul” નામનું પુસ્તક ભેટ મળ્યું. પહેલી વખત આ પુસ્તકનો પરિચય થયો. આ પુસ્તકમાં સત્યકથાઓનું સંપાદન કરવામાં આવેલું હોય છે અને આવા ઘણા સંગ્રહ-ગ્રંથો અમેરિકામાં લોકપ્રિય છે …. ‘સમય મળશે ત્યારે વાંચીશ’ એમ વિચારીને મેં પુસ્તક એક બાજુ મૂકી દીધું.
અમારા ઘરની નજીકમાં એક ઘરડા-ઘર હતું. હું જ્યારે પણ ત્યાંથી પસાર થતી ત્યારે મને મનમાં વિચાર આવે કે મારે કંઈક સેવા આપવી જોઈએ. એક દિવસ અંદર જવાના વિચારને અમલમાં મુક્યો. ફોન પર વાતોમાં અટવાયેલ બહેને મને આવકાર આપી સંસ્થાના પ્રોગ્રામ-ડિરેક્ટર પાસે મોકલી.
મેં એમને કહ્યું, “મદદરૂપ થવા સમય આપીશ, પણ શું કરી શકું એ ખબર નથી! કદાચ પુસ્તક વાંચુ કે એવું કાંઈક …” મારા અચોક્કસ પ્રસ્તાવ વિશે ડિરેક્ટર બહેને કોઈ સુજાવ તો ન આપ્યો, પણ તેમણે કહ્યું કે અહીં Alzheimerના દર્દીઓ છે અને બીજા વિભાગમાં Assisted Living છે. તેઓ મને યાદદાસ્ત ખોયેલા વૃદ્ધોના જુદા વિભાગમાં લઈ ગયાં. મોટા રૂમમાં ટી.વી. પર ચલચિત્ર ચાલતું હતું. મને કહેવામાં આવ્યું કે, એક જ ચલચિત્ર ચાલે રાખે તો પણ આ વડીલો જોતા રહે છે. એક વખતની હોંશિયાર, ચપળ વ્યક્તિઓની દયનીય દશા! એક માજી, જે પોતાનું મોં પણ નહોતાં લૂછી શકતાં, એ મારો હાથ પકડી કહે, ‘મારે એપાર્ટમેન્ટમાં રહેવું છે. મને શોધી આપને.’ … જરા આગળ ગઈ તો મારા આશ્ચર્ય વચ્ચે વ્હીલચેરમાં એક ગુજરાતી માજી આનંદથી, “ચક્કી ચોખા ખાંડે છે…” ગણગણતાં હતાં.
હું પંદર-વીસ મિનિટ પ્રયત્ન કરતી ફરી, પણ મને કોઈની સાથે લાગણીની દોર ન બંધાઈ. બહાર આવી ત્યાં મને ડિરેકટરે પૂછ્યું કે, “ફરી ક્યારે આવશો?” તો અનાયાસ, “સોમવારે આવીશ” એમ કહેવાઈ ગયું … સોમવાર આવ્યો ને મને વિચારો સતાવે, ‘હું ત્યાં જઈને શું કરીશ!’ પોતાની દશાની ખબર ન હોય તેવા ઘરડા લોકોને જોવા એ પણ એક કસોટી છે. અંતે એક ભાવ સ્ફૂર્યો. ‘હું ફરી એક વખત જઈશ અને જો કોઈ મારી રાહ જોતું હશે તો મને મળશે.’
સોમવારે સવારે હું ઘરડા-ઘરના આગલા ખંડમાં દાખલ થઈ ત્યારે એક વૃદ્ધા વ્હીલ ચેરમાં બેઠાં હતાં અને ટી.વી. પર સમાચાર ચાલુ હતા. મને ફરી એ જ પાછળના મોટા રૂમમાં લઈ ગયાં. મેં થોડી મદદ કરવા પ્રયત્ન કર્યો, પણ મારી ત્યાં હાજરી નિરર્થક લાગી. મેં મનમાં ગાંઠ વાળી, ‘બસ, પ્રયત્ન કરી છૂટી, …હવે ઘર ભેગાં.’ પાછી આગલા ખંડમાં આવી તો એ વૃદ્ધાની ખુરશી બીજી તરફ હતી, અને ટી.વી. પ્રોગ્રામ રસથી સાંભળતાં હતાં. મેં એમની નજીકના સોફા પર બેસી વાતચીત શરૂ કરી :
“મારું નામ સરયૂ, આપનું નામ?”
એ મજાનું હસીને કહે, “હેલન.”
મેં જરા ટી.વી.ના શો વિષે વાતો કરી. તેઓ કેમ ટી.વી. તરફ જોવાને બદલે સાંભળે છે? એવા મારા સવાલના જવાબમાં હેલને કહ્યું કે, એમને લગભગ અંધાપો આવી ગયો છે. જ્યારે મારી પાસેથી જાણ્યું કે હું ભારતીય છું તો ઉત્સાહથી બોલ્યાં, “અરે વાહ! હું થોડા ભારતીઓને ઓળખું છું. અમે મારી દીકરીના પડોશીને ત્યાં જમવા ગયેલાં. મને ખાસ કરીને, નાન, બહુ ભાવેલી.”
મેં પૂછ્યું, “હું અઠવાડિયામાં એકાદ બે દિવસ આવીને કાંઈક વાંચન કરું તો ગમશે?” એ સાંભળતાં એમનો ચહેરો ખીલી ઊઠ્યો, “મારાથી હવે વંચાતુ નથી તેથી એ શોખને વિસારે મુક્યો. જો તમે આવીને વાંચશો તો મને ખૂબ ગમશે. મારાં બહેનપણી, નેલ, પણ આવશે.”
બીજે દિવસે સવારનો સમય નક્કી કરી, મેં વિદાય લીધી. મનનો ભાવ પુલકિત થઈ કહેતો હતો કે, “હા, હેલન મારી રાહ જોતી હતી!”…. હવે સવાલ એ થયો કે એવું શું વાચું જેથી નેવું વર્ષનાં બહેનોને રસ પડે! એ વખતે સમજાયું કે, પેલું ભેટ મળેલ પુસ્તક, મને જ કેમ મળ્યું! મેં નક્કી કરી લીધું કે, “Chicken Soup fort he Soul”માંથી, સત્ય કથાઓ વાંચવાની યોગ્ય રહેશે.
અમે જમવાના ખંડમાં મળવાનું નક્કી કરેલ પણ હેલન નહોતાં. હું એમનાં ઓરડામાં ગઈ તો એ નર્સને જલદી કરવાનું કહી રહ્યાં હતાં. મને કહે કે, હવે પછી મને રાહ નહીં જોવડાવે અને ત્યાર પછી લગભગ દરેક વખતે મારા જતાં પહેલાં હાજર થઈ જતાં. હું લગભગ દરેક વખતે ‘નાન’ લઈ જતી જે હેલન બધાને આગ્રહ કરી ચખાડતાં.
હેલન ૮૯ વર્ષનાં, ઉત્સાહી અને હોશિયાર હતાં. વાંચતાં મને કોઈ શબ્દ ખબર ન હોય તો તરત અર્થ કહેતાં. એમનાં બહેનપણી, નેલ પણ આવ્યાં, જે હેલન કરતાં એક વર્ષ મોટાં હતાં. પાતળાં અને નાજુક બહેનને જોતાં ખ્યાલ આવે કે એક સમયે બહુ દેખાવડાં હશે. એમને એક કાને જરા ઓછું સંભળાતું હતું. પછી તો બીજી બહેનો પણ આવીને બેસતી અને સપ્તાહમાં બે દિવસ સવારે મેં વાંચવાનું ચાલુ કર્યું. પુસ્તક પાનાઓ દિવસો, મહિનાઓ અને વર્ષોમાં ફેરવાયાં. ઘણાં પ્રસંગો આવ્યા, જ્યારે એમની આંખોનાં અશ્રુઓ લૂછ્યાં અને એમની ખુશીમાં હસ્યા. એમનાં પોતાના સ્વજનો કરતાં પણ અમારી મુલાકાતો વધી ગઈ. મને પચ્ચાવન વર્ષ થયાં હતાં, પણ એમની નજરે તો, “અરે નાની! તારે તો હજુ બહુ વર્ષો બાકી છે.”
હેલનના પરિચયથી મને ઘણું શીખવા મળ્યું. તેઓ આખું જીવન અહીંથી દૂર ઇન્ડિયાના સ્ટેટમાં રહેલાં, પણ એમની દીકરી અને દીકરાનું કુટુંબ ટેક્સાસમાં હોવાથી થોડાં વર્ષોથી અહીં રહેવાં આવી ગયાં હતાં. એ કહેતાં કે, “મને તો અહીં ગમે છે. હું નસીબદાર છું કે મારાં પ્રેમાળ બાળકો મારી સંભાળ લે છે. એમને અગવડ ન પડે એની મારે પણ કાળજી રાખવી જોઈએ. હું મરી જઉં ત્યારે મને અગ્નિદાહ આપવાનો આદેશ છે, તેથી મારા ગામે લઈ જઈ દાટવાના ક્રિયાકર્મ ન કરવા પડે.” હેલન દરેક સંબંધને કોઈ ખેંચતાણ વગર સ્વીકારતાં અને તેમનાં બહોળા કુટુંબના દરેક સભ્યની પ્રેમપૂર્વક વાત કરતાં. ક્યારેક મારી વાતોમાં ફરિયાદનો સૂર સાંભળી પૂછતાં, “તારાં બાળકો એમના નવા સથવારા સાથે ખુશ છે?” મારા હા કહેતાં એ બોલી ઊઠતાં, “Then what is the problem?” “તો પછી શું મુશ્કેલી છે?” કેટલી સરળ વાત! … બાળકોનાં જીવનમાં આપણું મહત્ત્વ ઓછું થઈ જવાનું દુઃખ આપણને નવા સંબંધોને ખુલ્લા દિલે આવકારતા અટકાવે છે. હેલનના એક સવાલે, મને પોતાની દયા ખાવાને બદલે, દરેકને પોતાની રીતે જીવવાની ચાહને કેટલી સહજતાથી સ્વીકાર કરી શકાય તે શીખવ્યું.
હેલન અને નેલની મિત્રતા પાક્કી હતી. હેલન એક દિવસ કહે, “નેલ સુંદર છે ને? આ નેલ નાની હતી ત્યારે મોડેલ તરીકે કામ કરતી.” બધાં હસીને નેલને વખાણી રહ્યાં. એક દિવસ નેલ ઉદાસ હતી. મેં નજીક બેસી એમને કારણ પૂછ્યું. એમણે સંકોચ સાથે કહ્યું કે, મને સરખું સંભળાતું નથી, તેથી ડોક્ટર કાલે મારા કાન સાફ કરવાના છે, એની મને બીક લાગે છે. મેં એમનો હાથ મારા હાથમાં લઈ પ્રેમપૂર્વક બે શબ્દો કહી હિંમત આપી. પછીના શુક્રવારે જેવી હું રૂમમાં દાખલ થઈ કે નેલ આવીને મને ભેટી પડી. મને કહે, “તેં કહ્યું હતું એમ મને કાંઈ દુખ્યું નહીં અને મને ઠીક સંભળાય છે. ભગવાન તારું ભલું કરે.” એ નાજુક સન્નારીની ખુશી જોઈ હું ગદ્દગદ્દ થઈ ગઈ.
કેટલીક વખત નેલ તેની દીકરી, શેરનની વાત કરતી જેને મળવાની મને ઉત્સુકતા હતી. એ દિવસે હું ઘરડા-ઘરમાં દાખલ થઈ રહી હતી, ત્યારે નેલ તેની દીકરીને સ્નેહથી ભેટી વિદાય આપી રહી હતી. શેરન મને બારણાં પાસે મળતા જ બોલી,
“ઓહ! તમારું નામ સરયૂ હોવું જોઈએ. નેલીમાએ તમારી મુલાકાતોની વાતો કરી …આનંદ સાથ તમારો આભાર.” એકદમ સરળ ભાવે ભેટીને આવજો કહેતી જતી રહી.
મેં અંદર જઈ નેલને કહ્યું, “તમારી શેરન બહુ મજાની છે, પણ તમારા જેવી નથી દેખાતી.” નેલ હેલનની સામે જોઈને હસી. હેલન કહે, “એનું કારણ છે, પણ નેલ બહુ ઓછા લોકોને એની વાત કહે છે.”
નેલ બોલી, “સરયૂને જરૂર કહીશ… હું એ સમયે પચ્ચીસેક વર્ષની હતી. મારા મૉડલિંગના કામને લીધે, એક સ્ટિવ નામના ફોટોગ્રાફરનો પરિચય થયો. મારા કરતાં પંદર વર્ષ મોટો હતો પણ એની કુશળતા અને આત્મવિશ્વાસ માટે મને અહોભાવ થઈ ગયો. એ કહે રાત છે તો રાત અને દિવસ કહે તો દિવસ. ધીમે ધીમે તેનો મારા ઉપરનો પ્રભાવ વધતો ગયો અને હું દબાતી ગઈ. તે પરણેલો અને એક બાળકનો બાપ છે તે ખબર છતાં એને ખુશ રાખવાનું મારું જીવન લક્ષ બની ગયું. હું તેની કઠપૂતલી બની ગઈ. દસેક વર્ષ આમ ચાલ્યું એ સમયે હું ગર્ભવતી બની. મારા તરફની તેની બેદરકારી અને બીજા કારણોસર મારી તબિયત લથડી અને બાળક મરેલું જન્મ્યું. મારામાં સ્ટિવને રસ ઓછો થઈ રહ્યો હતો. બીજે અગત્યની નોકરીનું બહાનું મળતા જ, મને દયાજનક પરિસ્થિતિમાં છોડી અદૃશ્ય થઈ ગયો …… અનેક વર્ષો પસાર થઈ ગયાં, ના ખત- ના ખબર …”
નેલ પાણી પીવા અટકી. “એક દિવસ મને એક મોટી કંપનીમાંથી કોલ આવ્યો કે ‘હું સેક્રેટરી બોલું છું, મારી સાહેબાન, શેરન તમને મળવા માંગે છે’. એક કંપનીની માલિક, શેરન કોણ હશે!!!
“એ સમયે હું એકલી ભાડાના ઘરમાં રહેતી હતી. શેરન મને મળવા આવી. એનો ચહેરો જોતાં જ સ્ટિવની યાદ આવી ગઈ. તેના પહેરવેશ પરથી બહુ શ્રીમંત લાગતી હતી. અચકાતાં મારી સામે આવીને બેઠી અને મારો કોમળતાથી હાથ પકડી બોલી કે, તેને સ્વર્ગસ્થ પિતાના દુષ્કર્મનું પ્રાયશ્ચિત કરવાનું છે.”
શેરને વાત કરી કે સ્ટિવ સાથે વર્ષો સુધી માતા-પુત્રીને ખાસ સંબંધ નહોતો. પણ સ્ટિવને કેન્સર થતાં શેરન બધું ભૂલીને પિતાની સેવામાં હાજર થઈ ગઈ હતી. બે વર્ષની માંદગી દરમ્યાન સ્ટિવે નેલને કરેલા અન્યાયની વાતો શેરનને કરેલી અને પ્રાર્થના પણ કરેલ કે સ્ટિવ તરફથી માફી માગવા તે જઈને નેલને મળે. શેરનને નેલની ભાળ મેળવતા મહિનાઓ નીકળી ગયા. ભાળ મળતા, ખાલી ફરજ પૂરી કરવા આવેલ શેરન, નેલની પ્રેમાળ પુત્રી બની ગઈ હતી. શેરનની મા જીવ્યા ત્યાં સુધી તેમની સાથે પણ નેલનો સદ્દભાવભર્યો સંબંધ રહ્યો હતો.
“છેલ્લા ત્રણ દસકાથી મારી બધી રીતે સંભાળ લેતી શેરનનાં સ્નેહથી મારું જીવન ભર્યું ભર્યું છે.” નેલની આંખો ભાવભીની બની ગઈ.
…. એ દિવસે અમારે બીજી કોઈ વાર્તા વાંચવાની જરૂર ન પડી.
સમયનાં વહેણ સાથે મારા જીવનમાં અને પ્રવૃત્તિઓમાં બન્ને બહેનો ખૂબ રસ લેતાં રહ્યાં. તેઓ મારા આવવાની ઉત્સાહથી રાહ જોતાં અને મને મારા સ્વજનોને મળવા જતી હોઉં એવો ભાવ થતો. હેલન જ્યારે હસતી આંખો સાથે સવાલ કરતી, “તો આજે તું શું વાંચવાની છો?” ત્યારે હું લાગણીના દોરે અનાયાસ બંધાઈને ત્યાં બેઠી છું એની પ્રતીતિ થતી.
માનવ મેળો
વિચાર વર્તન વાણીનો આ કાચોપાકો બાંધો છે, સાંધામાં પણ સાંધો છે ને એમાં સૌને વાંધો છે. જીવજીવ કોઈ ચોરી ચળવળ ચર્ચામાં બંધાયો છે, ઊજળો રસ્તો જોઈ શકે ના એવો આ અંધાપો છે.
મનબુદ્ધિનો લગાવ ધાગો અળવીતરો ફંટાયો છે, ભરી ભોમમાં બે જણા સંગ માંડ કરી સંધાયો છે. સ્વાર્થ સલામત સુવિધા સર્જી, અંતે એ મૂંઝાયો છે, કૂપમંડૂકના સ્થિર નીરમાં અવાજ બહુ રૂંધાયો છે.
સહજ સરળ ને શુદ્ધ ટકે ના, એવો વા સૂસવાયો છે, કરમ કુંડાળે ફરતો, દોડા દોડીમાં રઘવાયો છે. સ્વપ્ના સંતાકૂકડી, ખાલી પડછાયો પકડાયો છે, સમય સરંતી રેતી સાથે, અંગત આજ પરાયો છે.
જાણી શકે તો, હકાર હેતે હોંશે સંગ સુમેળો છે, માણી શકે તો આ જીવન એક મસ્તજનોનો મેળો છે.
Courtesy : Dilip Parikh. Austin. Texas.
e.mail : SaryuParikh@yahoo.com.