જીવવું છે
હોય સારી કે બૂરી ક્ષણ; જીવવું છે,
અન્યની જેમ જ, મને પણ જીવવું છે.
કાંકરીચાળો થવાનો છે જ; પણ,
મારે પણ બસ, થઇને દર્પણ જીવવું છે.
હોય ગમતું કે ન ગમતું એ ભલે ને,
ભીંત-ફળિયું-દ્વાર-આંગણ; જીવવું છે.
ઘરઝૂરાપો લાવશે ઘેરે પરત પણ !
વળગેલું એક એક વળગણ જીવવું છે.
ઝાંખીપાંખી રોશની; ઝાંખી નજર; ને,
ઝાંખુપાંખું એક સગપણ જીવવું છે.
મોત પ્હેલાં મોતનો અહેસાસ ઝંખું,
વસ્ત્ર સ્થાને મારે ખાપણ જીવવું છે.
જીવવું છે બુંદબુંદે જળ મહીં પણ !
રણ વિષે પણ; કણ કણેકણ જીવવું છે.
છે યુવાની, પણ ‘પ્રણય’, તું યાદ રાખ,
આજ નહિ તો કાલ ઘડપણ જીવવું છે.
તા. ૨૪/૧૦/૨૦૧૬
°
એક સરખો હોઉં છું
હોઉં તન્હા, કે બધામાં; એક સરખો હોઉં છું,
હોઉં ઘરમાં કે સભામાં; એક સરખો હોઉં છું.
એક સરખી છે મજા; ને એક સરખી પીડ છે !
ઉત્સવો ને આપદામાં; એક સરખો હોઉં છું.
સત્ય જાણું છું સંબંધોનું બરોબર; એટલે,
હું કબીલા-કરબલામાં; એક સરખો હોઉં છું.
સ્હેજ પણ વ્હેલું નહીં; કે સ્હેજ પણ મોડું નહીં,
આવવા સાથે જવામાં એક સરખો હોઉં છું.
ઝૂંપડી હો, કે મહેલ હો; ફર્ક કંઇ પડતો નથી,
નાની કે મોટી જગામાં એક સરખો હોઉં છું.
ભીતરે એવી બરોબર સ્થિરતા છે કાયમી,
હોય મન ગમ કે મજામાં; એક સરખો હોઉં છું.
મારી ભીતર કંઇ નથી; મારી બહારે કંઇ નથી !
હું ક્ષણે-ક્ષણની અદામાં; એક સરખો હોઉં છું.
મારી ભીતર માત્ર મોસમ એક ને એક જ રહી !
હું વસંતો ને ખિઝાંમાં એક સરખો હોઉં છું.
મૂર્ત ક્યાં છું હું ‘પ્રણય’ ? હું છું મહેક મઝધારની,
હોઉં જળ, કે ઝાંઝવામાં; એક સરખો હોઉં છું.
તા. ૨૩-૨૪/૧૦/૨૦૧૬