પ્રિય બાપુ,
પ્રણામ!
શ્રાદ્ધ પક્ષ ચાલે છે. કૌટુંબિક પૂર્વજોને અંજલિ આપીએ છીએ. તમારી જન્મ તિથિની આગલી સાંજે દુનિયામાં ત્રણ મોટા ખુલ્લા યુદ્ધો, અને કેટલીયે આંતરિક લડાઈ ચાલે છે. ભારતમાં પણ ધાર્મિક ઝઘડા ચાલ્યા કરે છે.
ભારતના બધા જ નેતાઓ તમારાં પૂતળાને સૂતરનો હાર ચઢાવશે અને ભાષણો કરશે, કેટલાક રેંટિયો સાથે ફોટો પડાવશે, કેટલા યકવિઓ નવી ગાંધી-કવિતા રચશે, કેટલીક શાળાઓનાં પાઠ્યપુસ્તકમાંથી તમારા પાઠ જ કાઢી નાખ્યા છે તો પણ તે શાળાઓમાં ગાંધી જયંતીની રજા પડશે તેનો બાળકોને આનંદ, શિક્ષકો ને છુટ્ટી! એક દિવસ ‘ગાંધી ગાંધી’ના નગારા વાગશે.
પણ … ઑક્ટોબરની ત્રીજી તારીખથી રાબેતા મુજબ ગાંધી મૂલ્યોનો હ્રાસ યથાવત ચાલુ!
તમારી આત્મકથા વાંચવાનો કોઈને સમય નથી. એ તો દંતકથામાં ખપી જાય છે. તમારા દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહની વાતો કોઈ ને ગળે ઉતરતી નથી, તે સમજાવવી કેવી રીતે?
તો અમારે કરવું શું?
ગોડસેના ચાહકોએ વોટ્સ-એપ, યુ ટબ ને ડિજિટલ માધ્યમો પર કાબૂ કરી તમને બદનામ કરવામાં કશું જ બાકી નથી રાખ્યું. FAKE ન્યૂઝની મદદથી સત્યના સાધકને અસત્યની તલવારથી રોજ રહેંસે છે.
સ્વતંત્રતા તમારા કરેલાં કર્યોથી મળી જ નથી, પરંતુ એ તો બીજાઓને લીધે અને બીજા કારણોથી મળી છે, આમ ખુલ્લેઆમ લોકોને મનાવવામાં આવે છે.
તો અમારે કરવું શું?
ભારતની પ્રજા આજકાલ રામ રાજ્યમાં માને છે. તેથી કહે છે કે જો મોહનદાસ ગાંધી અગ્નિ પરીક્ષામાંથી પસાર થાય તો કદાચ અમે માનીએ કે એક લાકડી અને પોતડીથી તમે અંગ્રેજોને ભગાડેલા. બાકી તો તમારાં ઉપવાસ, લખાણ, સત્યાગ્રહોની વાતોને લોકો હસી કાઢે છે.
તો અમારે કરવું શું?
એકાએક મારી નજર બાપુ તમારાં પુસ્તકોના વિભાગમાં સાવનાની પુસ્તિકા, આશ્રમ ભજનાવલિ પર પડી છે.
ચાલો, અજમાવી જોઈએ આ આશ્રમ ભજનાવલિની આધ્યાત્મિક અને માનવતાવાદી તાકાત!
એ એક સાધન રહ્યું છે બાકી, લોકોનાં હૃદય સુધી પહોંચવાનું.
કેટલી મહેનત કરી ને શાસ્ત્રી ખરેએ તૈયાર કરી! કિશોરલાલ મશરૂવાળાએ શ્લોકોનું સંસ્કૃતમાંથી ભાષાંતર કર્યું ! ભજનોમાં પ્રથમ જ – ઈશાવાસ્યમ …… તેન ત્યક્તેન ભુંજીથાથી જે શરૂઆત કરી છે! બધી ભાષા અને બધા ધર્મોનાં ભજન અને પ્રાર્થના છે. સર્વધર્મ સમભાવનું સૌથી સબળ પ્રતીક જો હોય તો બાપુ આ તમારી આશ્રમ ભજનાવલિ.
કદાચ અસર કરે!
વલ્લભ વિદ્યાનગરમાં શાળામાં રોજ સવારે ઘંટ વાગે પછી સમૂહ પ્રાર્થના સભામાં આશ્રમ ભજનાવલિમાંથી એક બે પ્રાર્થના ગાવાનો શિરસ્તો. ખાદીધારી આચાર્યો છોટુભાઈ સુથાર સાહેબ અને પછી પાઠક સાહેબનો ખાસ આગ્રહ કે આશ્રમ ભજનાવલિમાંથી જ. દરરોજ પ્રાર્થના સંગીત સાથે ગાવી. એ જવાબદારી શાળાના બધાં જ વર્ષ દરમ્યાન મને મળી તે મારા જીવનનો એક લ્હાવો હતો!
વળી ખાદીધારી કવિ કરસનદાસ માણેક ખભે થેલો લટકાવીને, ભાઇકાકા અને એચ.એમ. પટેલના આગ્રહથી મહિને એક-બે વાર નિયમત વલ્લભ વિદ્યાનગર આવતા, અને તે પણ સાંજે રામ-કૃષ્ણ મિશનના પ્રાર્થના ખણ્ડમાં આશ્રમ ભજનાવલિનાં ભજન ગાઈ ને સમગ્ર વિદ્યાનગરના વિવિધ વિદ્યાર્થીઓને એક સૂત્રે બાંધતા. તેમાં પણ તેમની સાથે બેસીને ભજન ગાવાનો અને હાર્મોનિયમ પર સાથ આપવાનો લાભ યાદ કરું છું તો આજે પણ રુંવાડા ઊભા થઇ જાય છે.
બાપુ, આશ્રમ ભજનાવલિનું મહત્ત્વ એ છે કે તમને અને સૌ સ્વતંત્ર સેનાનીઓને એ પ્રાર્થનામાંથી અંગ્રેજોને ભગાડવા માટેની નૈતિક તાકાત, એકતા, અને બળ મળેલા. અને એ ક્રમ તમે અંત સુધી ચાલુ જ રાખ્યો હતો.
એ રીતે જોતાં એ એક નીવડેલ સાધન લાગે છે.
જો કદાચ જુઠ્ઠા ડિજિટલ માધ્યમ અભિપ્રાય બદલી શકે, તો ચાલો પ્રયત્ન કરીએ કે આશ્રમ ભજનાવલિનાં ભજનોથી લોકોનાં હૃદયમાં સહિષ્ણુતા ભાવ પ્રગટે –
સબ કો સંમતિ દે ભગવાન!
લિ. વિજય ભટ્ટના પ્રણામ
****
લોસ એન્જલ્સ, ઓક્ટોબર ૧, ૨૦૨૪, ગાંધી જયંતીની પૂર્વ સંધ્યા.
e.mail : vijaybhatt01@gmail.com