નવી દિલ્હીના ગાંધીદર્શન પરિસરમાં ગાંધીજીને સમર્પિત રેલવે કોચ
ગાંધીજીની અને ગાંધી આસપાસની ટપાલ ટિકિટોને લગતી નિરીક્ષા ને નુક્તેચીનીને ધોરણે તરતમાં પ્રકાશિત થઈ રહેલા પુસ્તકનું નામ હસિત મહેતાએ પાડ્યું છે પણ મજાનું – ગાંધીજી : જહાં હો વહાં. વસ્તુત: આ શીર્ષક ગાંધીજી પર આવેલી કોઈ ટપાલ પરના સરનામાનું છે! દૂર દેશથી આશાએ ને આરતે ભર્યું કોઈ જણ બાપુને પત્ર લખે છે. ખબર નથી, ત્રીજા વર્ગનો નિત્યપ્રવાસી આ પત્ર પુગશે ત્યારે ક્યાં હશે. ભલે ભાઈ, ‘જહાં હો વહાં’ લખ્યું કે પતાકડું પુગ્યું સમજો.
ગાંધીસ્મૃતિ પણ હવે તો અમૃતપર્વનાં વર્ષોમાં પ્રવેશી ચૂકી છે ત્યારે, આટલે વરસે, આવા રમતીલા-ગમતીલા પ્રસંગો સંભારવાનું મન કેમ થઈ આવે છે? એવું તો નથી ને કે ગાંધીને કિસ્સા-કહાણીમાં ખતવી નાખ્યા કે હાશ, છૂટ્યા! હમણાં મેં એમને ત્રીજા વર્ગના નિત્યપ્રવાસી કહ્યા.
1915થી 1948નાં એમનાં હિંદવી વર્ષોમાં એમણે ત્રીજા વર્ગની મુસાફરીમાં કેટલા દિવસો કાઢ્યા હશે, એ પણ એક વિસ્મયનો વિષય સ્તો. હજુ બે-ત્રણ અઠવાડિયાં જ થયાં છે એ વાતને જ્યારે નવી દિલ્હીના ‘ગાંધીદર્શન’ પરિસરમાં કેન્દ્ર સરકારના સંસ્કૃતિ ને પ્રવાસન મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતે અસલના વારાના ત્રીજા વર્ગના ડબ્બાની એક સોજ્જુ પ્રતિકૃતિ ખુલ્લી મૂકી છે.
સરકારી ખાતાને એક સ્મૃતિજોણું સૂઝ્યું એ તો જાણે કે ઠીક થયું. પણ શેખાવતે તે પ્રસંગે જે કહ્યું એમાં મને ચોક્કસ જ રસ પડ્યો. એમણે કહ્યું કે સામસામાં ધ્રુવીકરણો ને ઝઘડે ભર્યા આજના જગતમાં બાપુનો સંવાદિતા ને સ્વયંપોષિતતાનો જે સંદેશ છે તે અગાઉ કરતાં પણ વધુ અગત્યનો બની રહે છે.
આજનું સત્તા-પ્રતિષ્ઠાન ગાંધીની આ વાતમાં ખરેખર માને છે કે કેમ એ અલબત્ત તપાસનો વિષય છે, પણ ગાંધીને ઉઘાડે છોગ ફગાવવાનું એને સારુ કદાચ શક્ય નથી. હજુ મહિનો પણ નથી થયો એ વાતને જ્યારે વિદેશ મંત્રી જયશંકરે ‘ફોટો-ઓપ’ની સર્વાગ્ર કાળજીભેર જીનીવા ખાતેની પોતાની સત્તાવાર કામગીરીનો આરંભ ત્યાં મુકાયેલી ગાંધી પ્રતિમાના વિધિવત્ દર્શનથી કર્યો હતો.
ગયે અઠવાડિયે દેશમાં બે બૌદ્ધિક ઉપક્રમો એક કરતાં વધારે ઠેકાણે જોવા મળ્યા તે આ ક્ષણે સાંભરે છે. એક ઉપક્રમ પક્ષ પરિવારના સિદ્ધાંતકોવિદ દીનદયાલ ઉપાધ્યાયના 108મા જન્મદિવસ આસપાસનો હતો તો બીજો પુના કરારના અવસરને અનુલક્ષીને હતો. દીનદયાલના વિચારો અને ગાંધીવિચારમાં કેવું સામ્ય છે એ ઉપસાવવાની સહજ કોશિશ સત્તાવર્તુળોમાંથી થઈ.
પુના કરાર એ દેશના દલિત બૌદ્ધિકોના મોટા હિસ્સાને સારુ ગાંધીજી બાબતે ટીકાનો મુદ્દો રહેલ છે. જો કે, ગોપાલ ગુરુ આ મુદ્દામાં પિન ચોંટી ન રહેતા વ્યાપક રીતે ન્યાય ને સમાનતાની કોશિશ બેઉ છેડેથી હતી તે વાત પર પોતાની રીતે ધ્યાન ખેંચતા રહ્યા છે. ગમે તેમ પણ આ વખતે મેં કોઈક બૌદ્ધિક-શૈક્ષણિક સંસ્થાનમાં ગાંધી-આંબેડકર બેઉ પોતપોતાને છેડેથી સ્વતંત્રતા અને સમાનતા તેમ જ બંધુતાને કેટલા બધા વરેલા હતા એ મુદ્દા પર ભાર મૂકાતો પણ જોયો.
આપણી સ્વરાજ લડતની કથિત મુખ્ય ધારાના કોઈ પણ નેતા કરતાં ગાંધીજી કદાચ સૌથી વધુ સંવાદમાં ઊતર્યા હશે. ભીખુ પારેખે ‘ડિબેટિંગ ઈન્ડિયા’માં ટાગોર ને આંબેડકરથી માંડીને બધા મહત્ત્વના સંવાદો સુપેરે મૂકી આપ્યા છે. મને લાગે છે, જે દિવસોમાંથી આપણે પસાર થઈ રહ્યા છીએ તેમાં આ પ્રકારનું ગાંધીસેવન નિરામય સમજ કેળવવાની દૃષ્ટિએ ખાસું ઉપયોગી ભાથું ખસૂસ સંપડાવી શકે. કમાલ તો એ રીતે પ્યારેલાલ કૃત ‘લાસ્ટ ફેઝ’ (‘પૂર્ણાહુતિ’) પણ છે. ગાંધી એમના જીવનના અંતિમ પર્વમાં જે સંઘર્ષ ને જે સાધનામાંથી સમર્પણ બુદ્ધિપૂર્વક ગુજર્યા એનું આ તંતોતંત આલેખન ત્યારના જાહેર જીવનને અને સ્વરાજ સંક્રાન્તિને સમજવામાં એક દિલબર ભોમિયો બની રહે એ બરનું છે. આપણા સમયનું મહાભારત જ કહો તો પણ ચાલે.
એમણે જે પંથ પકડ્યો હતો એને ભર અસંમતિએ પણ પ્રીછનારા ને પ્રમાણનારા એમને ક્યાં ક્યાંથી કેવા મળી રહ્યા એની તપસીલ આહલાદક રીતે આશ્વસ્તકારી છે. પખવાડિયા પર જ જેમની 145મી જન્મજયંતી ગઈ તે રામસ્વામી પેરિયારે ગાંધીહત્યા પછી એમની પત્રિકા ‘વિદુથલાઈ’માં લખ્યું હતું : ‘અનેક લોકો માને છે કે ગાંધી પ્રત્યે મારું શોકાકુલ હોવું, મગરનાં આંસુથી અધિક નથી. તેઓ જે માનતા હોય તે એમને માનવા દઈએ. કેવળ એ દુષ્ટ પ્રવૃત્તિના લોકો જેમણે ગાંધીહત્યા નિમિત્તે મીઠાઈ વહેંચી હતી તેઓ જ ગાંધીથી પ્રભાવિત ન હોય એવું ને, અને તે પણ એ હદે કે તેઓ ખુશી મનાવે છે. પણ ગાંધીના નિધનની ખબર મળતાં હું મારું દુ:ખ રોક્યું રોકી શક્યો નહોતો. લાંબો વખત હું મારા પંદર બાય પંદરના કમરામાં આંટા પર આંટા મારતો રહ્યો, કેવળ એ પ્રેમને વશ થઈને જે એમના રાજકારણ અને સેવાઓને કારણે મારા દિલના અતલ ઊંડાણમાં છુપાયેલ હતો. એમની કેટલીક રાજકીય રસમો સાથે મને ઊંડા મતભેદ હતા, પણ એમના અહિંસા, સત્ય અને પ્રેમને લઈને મારા મનમાં કોઈ પૂર્વગ્રહ નહોતો. એ સ્તો હતું મારા શોકનું કારણ.’
ગાંધી ‘જહાં હો વહાં’ ત્યાં તો આપણે ક્યાંથી પહોંચી શકવાના હતા! પણ આપણે જ્યાં છીએ ત્યાં આ કે તે નિમિત્તે ગાંધી સાથે હૃદયવાર્તા તો કરી જ શકીએ છીએ ને. એમની પ્રસંગમાળા, વિચારમાળા, સમગ્ર ગાંધી સાહિત્ય રૂપે સર્વજન સુલભ છે. મળતાં મળે એવા અવસરો પણ આવી જ મળતા હોય છે. ગાંધી સંસ્થાઓ પરની સરકારી તવાઈમાં જેમ આ સંસ્થાઓની ખરી ખોટી નિર્બળતાઓ નિમિત્ત આપતી હશે તેમ સત્તા પ્રતિષ્ઠાનની માનસિકતા પણ તરત ઢેકો કાઢતી માલૂમ પડે છે. આ તવાઈ પણ, એમ તો, ગાંધી સન્મુખ થવાનો અવસર જ ને?
Editor: nireekshak@gmail.com
પ્રગટ : ‘તવારીખની તેજછાયા’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘કળશ’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”; 02 ઑક્ટોબર 2024