૧૫, ઓગસ્ટ નિમિત્તે આ પ્રેરક જીવન કથા –
શ્યામ સુંદર! તમારા પૌરુષથી ભરેલા રૂક્ષ ચહેરાની નીચે મહિલાઓ માટે અપાર પ્રેમ છલકાય છે! પણ કેવી મહિલાઓ માટે? ઉછરતી કળીઓ જેવી, આવતીકાલની મહિલાઓ માટે જ તો! તમે નાના હતા ત્યારે તમને તમારી બહેનો સાથે રમવાનું વધારે પસંદ હતું. પાંચિકાઓ ઉછાળવા અને દોરડાં કૂદવા જેવી છોકરીઓની રમતો તમને વધારે પસંદ આવતી હતી. બધાં તમારી મશ્કરી કરતાં કે ‘આ તો છોકરી થતાં થતાં છોકરો બની ગયો છે!’ તમારા બાળક મનમાં એ વખતે પણ સંશય પેદા થતો હતો કે, ‘ગામમાં છોકરીઓની સંખ્યા કેમ બહુ ઓછી રહે છે?’
યુવાનીનો દોર ફૂટવા છતાં, લાખોમાં કોઈકને જ હોય, તેવી તમારી એ લાક્ષણિક વૃત્તિ તો ચાલુ જ રહી. પણ હવે એમાં સમાજની કુરૂપતાઓની સમજ પૂરેપૂરી ઉમેરાઈ ગઈ હતી. તમને બહુ ગમતી હતી એવી, ગરીબ ઘરની મનજિત (* કાલ્પનિક પાત્ર) જ્યારે પરણીને સાસરે ગઈ; ત્યારે એનાથી વિખૂટા પડવાના દર્દ કરતાં વધારે દર્દ તમને એનાં માવતરને ચૂકવવા પડેલા દહેજના બોજને કારણે થયું હતું. કન્યાવિદાય વખતની રોક્કળની પાર્શ્વભૂમિકામાં, માંડ પેટિયું રળી ખાતા, એ કુટુમ્બે શી રીતે એ કમરતોડ જફા વ્હોરી હશે, એની વ્યથા તમારા ચિત્તને કોરતી જ રહી, કોરતી જ રહી. હવે તો તમને ખબર પણ પડી ગઈ હતી કે, ગામમાં છોકરીઓની સંખ્યા કેમ ઓછી હતી? ‘કઈ અકુદરતી રસમોનાં કારણે આમ થતું હતું?’ – એ તમે હવે સમજવા લાગ્યા હતા.
બાલિકાઓના પ્રેમી, ઓ શ્યામસુંદર! માનાં પેટમાંથી જ સમાજના કુરિવાજોની વેદી પર વધેરી દેવામાં આવતી બાલિકા ભૃણોની અને દૂધપીતી કરી દેવામાં આવતી નવજાત બાળકીઓની બહાર ન સંભળાતી ચીસ હવે તમને સંભળાવા લાગી હતી. મારવાડી સમાજના આ કુરિવાજો સામે લડત આપવા તમારું અસલી રાજસ્થાની ખમીર ઊછળવા લાગ્યું હતું. કોઈક સુભગ પળે તમારા ચિત્તમાં આ આક્રોશને વાચા આપતો સંકલ્પ પ્રગટ્યો. તમે એ જ ઘડીએ એક નિર્ધાર કર્યો.
‘આ કુરિવાજો સામે હું મારા શૂરવીર બાપદાદાઓની જેમ લડત આપીશ – ભલે એ મનની તલવાર હોય!’
છોકરીઓ અને એમનાં ગરીબ માબાપ માટેની આ કૂણી લાગણીની સાથે સાથે નષ્ટ થઈ રહેલી વનરાજિ માટેની વ્યથા પણ તમારા ચિત્તને કોરી ખાતી હતી. તમે નાના હતા ત્યારે આંબળી પિપળી રમતા હતા તે ઘટાદાર, લીલાંછમ વૃક્ષો કપાઈ ગયાં હતાં. ગામની ભાગોળે જંગલી તેમ જ ઉપયોગી ઝાડવાંઓ પણ મરણ શરણ થઈ ગયાં હતાં. લીલોતરીના પ્રેમી એવા તમારા દિલમાં એ સૂકો વગડો કુહાડીની ધારની જેમ આઘાત કર્યા કરતો હતો.
શ્યામ સુંદર પાલીવાલ! ૨૦૦૬ની સાલમાં તમને જેમાં અખૂટ શ્રદ્ધા હતી તેવી તમારી કૂળદેવીની કૃપા તમારા એ નિર્ધારના અમલીકરણ માટે વરસી. પિપલાન્ત્રી ગામના સરપંચ તરીકે તમે ચુંટાઈ આવ્યા. ગામના પંચની પહેલી સભામાં જ તમારા જિન્સમાં ધરબાઈને પડેલી વેપારી કુનેહ અને ચિત્તમાં સતત ઘુમરાઈ રહેલા આ આક્રોશના બળે તમે એક પ્રસ્તાવ પંચના સભ્યો સમક્ષ મૂક્યો, ‘દરેક બાલિકાના જ્ન્મને વધાવી લેવા આપણે ગ્રામજનોને પ્રેરીએ, મદદ કરીએ તો?’ અમુક અપવાદો સિવાય મોટા ભાગના સભ્યોએ તમારા સૂચનને ટેકો આપ્યો. એ જ દિવસે ઠરાવ કરવામાં આવ્યો કે, ‘જન્મ લેતી દરેક બાલિકાના નામે તેનાં કુટુમ્બીજનો ૧૧૧ વૃક્ષો રોપશે. પંચાયત એમને જાળવી રાખશે. બાલિકા યુવતી બને અને તેનાં વિવાહ થાય તે વખતે આ વૃક્ષો કાપીને એમાંથી થતી આવક એનાં માબાપને આપવામાં આવશે. આ ધરતી પર પગ મુકનાર એ લક્ષ્મીના આગમનને આમ સત્કારી લેવામાં આવશે.’
આમ પણ રાજસમંદ જિલ્લાનું પિપલાન્ત્રી ગામ સરકારની સારી સારી યોજનાઓના અમલીકરણમાં સક્રીય ભાગ લેવા માટે પ્રખ્યાત હતું જ. આ ઠરાવે આખા જિલ્લામાં પિપલાન્ત્રી ગામની શાખ વધારે ઊંચી કરી દીધી. શ્યામસુંદર! આટલું કરીને અટકી જાય એ પાલીવાલનો બચ્ચો નહીં ને? તમે તો આજુબાજુના ગામો પણ આવી યોજનાઓ કરે તેમ સમજાવવા અવિરત પ્રયત્નો કરતા રહ્યા.
‘ભામાશા યોજના’ પણ તમે આમ જ શરૂ કરી દીધી ને? જન્મ લેનાર છોકરીના નામે બેન્કમાં ખાતું ખોલાવવાનું અને તેમાં દાન આપનાર ભામાશાઓ તેમ જ બાલિકાનાં માબાપ જોગવાઈ થાય તેમ રકમ જમા કરાવતા રહે. જ્યાં સુધી એ કન્યા પુખ્ત વયની ના થાય, ત્યાં સુધી એમાંથી રકમ ઊપાડી ન શકાય. આમાંથી જ તેનાં લગ્ન માટે દહેજની રકમ મળી જાય. ભામાશા કાર્ડ પણ બાળકીની માતાનાં નામે જ તો. અન્ના હજારેના વિચારો મુજબ, અને તમારી સ્વ. દીકરી કિરણના નામને ચિરંજીવ કરતી ‘કિરણ નિધિ યોજના’ પણ બધાંને સાથે રાખીને કામ કરવાની તમારી કુનેહના પ્રતાપે જ શરૂ થઈ ગઈ ને? આ યોજના હેઠળ, જન્મ લેનાર બાળકીના નામે પંચાયતમાં ફિક્સ ડિપોઝિટ રાખવાની શરૂઆત પિપલાન્ત્રી ગામે કરી દીધી.
શ્યામ સુંદર પાલીવાલ! આવી જડબેસલાક યોજનાઓ તો તમારા વેપારી પણ નવજાત બાલિકા જેવા કોમળ દિમાગમાંથી જ નીકળી શકે ને?!
નોંધ –
જયપુરથી ૩૫૦ માઈલ દક્ષિણે અને ઉદયપુરથી ૬૭ માઈલ ઉત્તરે આવેલ રાજસમંદ જિલ્લો આમ તો રળિયામણો છે. પણ જયપુર, જોધપુર, કોટા વિ, શહેરોના હસ્ત કારીગીરી ગૃહોદ્યોગ અને આજુબાજુમાંથી નીકળતા આરસપહાણની ખાણોને કારણે એની વનસંપદા સતત ઘટતી રહી છે.
૨૦૦૬ની સાલમાં, પિપલાન્ત્રી ગામના તે વખતના સરપંચ, શ્યામ સુંદર પાલીવાલે શરૂ કરેલ આ બધી યોજનાનોના પ્રતાપે, એક વખત ઉજ્જડ બની ગયેલ ગામના વગડામાં હાલ લીમડો, આંબો, આમળાં અને સીસમનાં વૃક્ષો લહેરાઈ રહ્યાં છે. આ વૃક્ષોમાં ઉધાઈ અને બીજો સડો ન લાગે તે માટે, આજુબાજુ કુંવારપાઠાનાં ૨૫ લાખ છોડ પણ ઊગાડવામાં આવ્યાં છે. સૌંદર્ય પ્રસાધન કરતી બનાવટોમાં આના થતા ઉપયોગથી ગામને ઘણી મોટી આવક ઊભી થઈ ગઈ છે.
તેમને ઘણા બધા એવોર્ડ આ માટે મળ્યા છે – જેની ચરમસીમા રૂપે તેમને ૨૦૨૧ની સાલમાં ‘પદ્મશ્રી’ એવોર્ડ પણ એનાયત કરવામાં આવ્યો છે.
સંદર્ભ –
http://www.thebetterindia.com/73393/piplantri-rajasthan-girl-child-planting-trees/
https://en.wikipedia.org/wiki/Piplantri
https://starsunfolded.com/shyam-sunder-paliwal/
e.mail : surpad2017@gmail.com