‘એ.આઈ.’ અને રોબૉટિક્સ એકબીજા સાથે ગાઢપણે સંકળાયેલાં છે. “Homo Deus” -માં હરારીએ રોબૉટિક્સ અને ‘એ.આઈ.’ વિશે વિસ્તૃત નૉંધ કરી છે. બન્નેને તેઓ આપણા સમયની અત્યન્ત મહત્ત્વની ટૅક્નોલૉજિ ગણે છે. પરન્તુ તેઓ ઉમેરે છે કે વખત જતાં એ બન્ને ટૅક્નોલૉજિ મનુષ્યને ટપી જાય એટલી બધી પરિષ્કૃત – સૅફિસ્ટિકેટેડ – થઈ ગઈ હશે. એથી પોતાની મૅળે સક્રિય થઈ જાય એવાં શસ્ત્રો – ઑટોનૉમસ વેપન્સ – પેદા કરી શકાશે. એ સ્વાયત્ત શસ્ત્રો વિનાશ વેરશે. આ એક બહુ મોટી થ્રેટ, ધમકી અથવા ચેતવણી, છે. (P.149-151).
પરન્તુ હરારીએ નથી ભાળી કે નથી ચર્ચી એક બીજી થ્રેટ, જે હવે થ્રેટ પણ નથી રહી, તે છે, સૅક્સરોબૉટ્સ – મનુષ્યની જાતીય વાસનાના ‘તોષ’ માટે કામ આપતાં સ્વયંસંચાલિત મશીનો.
’એ.આઈ.’ માણસોની જેમ વિચારવા કે શીખવા માટેનાં મશીન બનાવે છે. રોબૉટિક્સ રોબૉટ્સ વિવિધ કાર્યો ઑટોનૉમસલિ કરી શકે એવાં મશીન બનાવે છે. રોબૉટને ગુજરાતીમાં સ્વયંસંચાલિત માનવ કહીશું. ‘એ.આઈ.’-ની મદદથી રોબૉટ્સ જાતે નિર્ણયો લઈ શકે છે અને તદનુસારનાં કામો કરી શકે છે; વિશેષતા એ છે કે રોબૉટ્સને અલગપણે પ્રોગ્રામ્ડ નથી કરવા પડતા. આવી સવલતને લીધે સૅક્સરોબૉટ્સ જનમ્યાં અને એક આગવા ધંધા રૂપે માનવસંસ્કૃતિમાં ગોઠવાઈ ગયાં.
‘એ.આઈ.’-પાવર્ડ અનેક વસ્તુઓ હાલમાં સ્વયંસંચાલિત છે. સૅલ્ફ ડ્રાઇવિન્ગ કાર જાતે રસ્તા નૅવિગેટ કરે છે, અવરોધો ઓળંગી જાય છે, અને રીયલ ટાઈમમાં નિર્ણયો લે છે, કેમ કે એમાં ‘એ.આઈ.’ પ્રયોજાયું હોય છે. એ જ પ્રકારે ઘરનો કચરો સાફ કરી આપતું પેલું ગોળ વૅક્યુમ-ક્લીનર પણ રોબૉટ છે, ‘એ.આઈ.’-ને પ્રતાપે એ કાર્યદક્ષ છે. એ તો ઠીક છે, બાકી રોબૉટ્સને અણધાર્યા વાતાવરણમાં અઘરાં કામો કરવાનાં હોય તો પણ એમને ‘એ.આઈ.’-થી સારી પૅઠે શિક્ષિત કરાયાં હોય છે.
રોબૉટને ‘એ.આઈ.’-ઑલ્ગોરીધમ્સથી કમ્પ્યૂટર-વિઝન આપી શકાય છે. આજુબાજુ જોઈ શકે, તેને પામી શકે, વસ્તુઓની પરખ કરી શકે.
‘એ.આઈ.’-ઑલ્ગોરીધમ્સ રોબૉટને એના સ્વના અનુભવથી પ્રગતિ કરતાં શીખવે છે કેમ કે એ ઑલ્ગોરીધમ્સને મશીનલર્નિન્ગ માટે પણ સુસજ્જ કરાયાં હોય છે. તેથી, વખત જતાં, એ રોબૉટ્સ જાતે જ પોતાના પરફૉર્મન્સીસ બાબતે વિકસી શકે છે.
’એ.આઈ.’-ઑલ્ગોરીધમ્સ રોબૉટને મનુષ્યભાષા સમજતાં તેમ જ પ્રતિભાવ આપતાં પણ શીખવે છે. કેળવણી બાબતે કે કસ્ટમર-સર્વિસ કે આરોગ્યવિષયક સેવાઓ માટે એવા રોબૉટ્સ ઉપકારક પુરવાર થયા છે. રોબૉટિક સર્જ્યનો પણ પેદા થયા છે. તેઓ નાજુક અને સંકુલ વાઢકાપ એકદમની ચૉક્ક્સાઈથી કરી દે છે. પૅકિન્ગ શીપિન્ગ જેવાં વૅઅરહાઉસનાં કામો ઘણી સફાઈથી કરી દે છે. ચન્દ્ર તેમ જ વિવિધ ગ્રહોવિષયક સંશોધનો અને અવકાશસંલગ્ન ઍક્સપરિમૅન્ટ્સમાં રોબૉટ્સની મદદો લેવાય છે.
આ બધાં રોબૉટિક ટાસ્ક્સ છે પણ તેના મૂળમાં ‘એ.આઈ.’ છે.
સૅક્સરોબૉટના ઉત્પાદનને રોબૉટિક્સની આ પ્રકારની બહુમુખી સગવડનો પૂરો લાભ મળ્યો છે. મનુષ્યનાં કોઈક લક્ષણો કે કશીક વર્તણૂક કોઈ પ્રાણી કે કોઈ વસ્તુના જેવી હોય તેને ઍન્થ્રોપોમૉર્ફિઝમ કહેવાય છે. જેમ કે, ડિઝની કૅરેક્ટર્સ મિકી અને મિની માઉસ; જ્યૉર્જ ઑર્વેલની લઘુનવલ “ઍનિમલ ફાર્મ”-નાં પ્રાણીઓ કે આપણા બકોર પટેલ અને શકરી પટલાણી જેવાં મનુષ્યારોપણ પામેલાં અસ્તિત્વો એનાં ઉદાહરણો છે. પુરુષદેહ કે સ્ત્રીદેહના આકારનાં રોબૉટ્સ સૅક્સ માટેનાં ક્રીડનકો કે ઉપકરણો છે, એને એટલે જ ઍન્થ્રોપોમૉર્ફિક રોબૉટિક સૅક્સડોલ્સ કહેવાય છે. એને સૅક્સબોટ્સ પણ કહે છે.
આ ઉપકરણો, સૅક્સરોબૉટ્સ, હ્યુમનોઇડ એટલે કે મનુષ્યસદૃશ હોય છે. પુરુષસદૃશ હોય એને ‘મેલબોટ’ કહેવાય અને એની પાસે પુરુષસમ બધું જ હોય. સ્ત્રીસદૃશ હોય એને ‘ફીમેલબોટ’ કહેવાય અને એની પાસે સ્ત્રીસમ બધું જ હોય. આ ઉપકરણોના સંગે જાતીય આનન્દ મેળવતી વ્યક્તિને ‘રોબૉસૅક્સ્યુઅલ’ કહેવાય છે.
મનુષ્યસદૃશ હોવાથી એ રોબૉટ્સ પુરુષ કે સ્ત્રી કરે એવાં સર્વ હલનચલન અને વર્તન કરે છે. એમના ‘એ.આઈ.’-પ્રોગ્રામિન્ગને કારણે તેઓ બોલે, ચહેરા પર હાવભાવ પ્રગટાવે, સ્પર્શની પ્રતિક્રિયા આપે, અને સરવાળે જાતીય આનન્દ પેદા કરે.
નિષ્ણાતોએ અને નફાખોર કમ્પનીઓએ ૨૦૧૮-માં અનેક પરિષ્કૃત સૅક્સરોબૉટ્સનાં ઉત્પાદન કરેલાં. જો કે હજી લગી ફુલ્લી ઍનિમેટેડ સૅક્સરૉબૉટ નથી જનમ્યું.
હરારીને સ્વયંસંચાલિત શસ્ત્રો પેદા થવાનો ભય સતાવી રહ્યો છે એ તો બરાબર છે, પણ આ સ્વયંસંચાલિત જાતીય ઉપકરણોએ સહજ પ્રેમ અને સહજ વાસના, ક્યારેક તો બન્ને એકરૂપ, જેવાં મનુષ્યજીવનનાં નાજુક પરિબળો પર ભારે પ્રહાર કર્યો છે.
એથી સંસારમાં મોટો ઊહાપોહ મચ્યો છે; ઊહ અને અપોહ, એટલે કે, તરફેણમાં અને વિરોધમાં. તરફેણ કરનારા ધંધાદારીઓ તો છે જ પણ વાસનાભૂખી સ્ત્રીઓ છે, પુરુષો પણ છે; નિરાશ અને એકલવાયા પુરુષો છે, સ્ત્રીઓ પણ છે; સ્ટ્રેસ કે ડીપ્રેશનનો ભોગ બનેલાં દયાપાત્ર મનુષ્યજીવો છે, સ્ત્રીઓ કે પુરુષો.
૨૦૧૪-માં તરફેણમાં સર્વપ્રથમ આન્તરાષ્ટ્રીય અધિવેશન ભરાયેલું, પોર્ટુગાલના ફન્ચલમાં. શીર્ષક અપાયેલું, ‘ધ ફર્સ્ટ ઇન્ટરનેશનલ કૉન્ગ્રેસ ઑન લવ ઍન્ડ સૅક્સ વિથ રોબૉટ્સ’. પ્રૉફેસર આડ્રિયાન ડેવિડ ચેઓક અને પ્રૉફેસર ડેવિડ લેવિએ સંચાલન કરેલું. મુશ્કેલ છે છતાં, આ મશીની પ્રેમ અને કુદરતી પ્રેમસમ્બન્ધ વચ્ચે કેવીક ભેદરેખા દોરવી; પ્રેમ અને વાસનાનું ભવિષ્ય શું; વગેરે મુદ્દાઓ સવિશેષે ચર્ચાયેલા.
૨૦૧૫-માં પ્રૉફેસર કૅથલિન રીચાર્ડસન અને પ્રૉફેસર ઍરિક બિલિન્ગે ચળવળ ઉપાડેલી -‘કૅમ્પેઇન રીગાર્ડિન્ગ સૅક્સરોબૉટ્સ’. તેઓએ તરફેણમાં માગણી કરેલી કે સૅક્સરોબૉટના ઉત્પાદન પર પ્રતિબન્ધ મૂકવામાં આવે. એમણે જણાવેલું કે ઍન્થ્રોમૉર્ફિક સૅક્સરોબૉટ્સ મશીનોએ પોતાની સાથે માણસોને ‘નૉર્મલ’ બનાવી દીધા છે તેમ જ નારીના નિર્માનવીકરણને દૃઢ કર્યું છે.
આ ઊહાપોહ પછી આ પરત્વે નીતિવિષયક પ્રશ્નો વધારે ધ્યાનપાત્ર બન્યા છે, દુષ્પ્રભાવ વિશે તીવ્ર ચર્ચાઓ જાગી છે, તેમ જ કાયદાકીય માગણીઓ પણ જોશપૂર્વક ચાલુ થઈ ગઈ છે.
આ પરત્વે આપણે કશું કરવાની જરૂર નથી કેમ કે આપણે ત્યાં સૅક્સરોબૉટ્સ ક્યાં આવ્યા છે, એવી દલીલ થઈ શકે છે. પણ કદાચ એ સ્થિતિ જ આપણને કંઈ નહીં તો વિચાર કરવાની પ્રેરણા તો આપી જ રહી છે.
ઝૅર જોયું કે પીધું નથી પણ ઝૅર શું છે એ જાણવું ય નથી, એ પછાત માનસિકતા છે. જ્ઞાન માટેની બારીઓ ખુલ્લી રાખવામાં શું ડહાપણ નથી?
= = =
(08/16/23 : USA)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર