પ્રત્યેક સંવેદના ઊર્જાથી ભરપૂર હોય છે. આનંદની લાગણી પોષણ આપતી ઊર્જા છે તો દુ:ખની લાગણી વિનાશ કરતી ઊર્જા છે. જાગૃતિના શાંત પ્રકાશમાં વિનાશક ઊર્જાને પોષક ઊર્જામાં ફેરવવાની તાકાત રહેલી છે.
મૌન અનિવાર્ય છે. જેમ શ્વાસને હવાની, જેમ છોડને સૂર્યપ્રકાશની, તેમ મનને મૌનની જરૂર હોય છે. શબ્દો અને વિચારોથી ભરેલા મનમાં પોતાના માટે જ જગ્યા બચતી નથી.
— તિક નાટ હાન
‘સંવાદી રીતે ચાલવું કે બોલવું એ પણ ધર્મ છે. એનાથી સર્જાતાં વાતાવરણની સુગંધ દૂર સુધી પહોંચે છે.’ જેવી સૂક્ષ્મ અને ‘આપણે એક તાળી પણ પાડીએ તો એનાં આંદોલનો છેક આકાશગંગાને સ્પર્શે છે.’ જેવી વિરાટ અપીલ ધરાવતા વિયેતનામના બૌદ્ધ સાધુ ટિક નાટ હન પંદર દિવસ પહેલા 95 વર્ષની વયે મૃત્યુ પામ્યા.
જન્મ 1926માં. વિશ્વપ્રવાસીની જેમ જીવ્યા. 16માં વર્ષે તુ-હ્યુ મંદિરમાં દીક્ષા લીધી હતી, 88માં વર્ષે ત્યાં જ પાછા ફર્યા અને 22 જાન્યુઆરી 2022ના દિવસે મૃત્યુ પામ્યા ત્યાં સુધી ત્યાં જ રહ્યા. સાયગોન યુનિવર્સિટીમાં બિનસાંપ્રદાયિક વિષયો ભણનારા અને સાયકલ પર ફરનારા તેઓ પહેલા સાધુ હતા. માર્ટિન લ્યૂથર કિંગ જૂનિયરે ‘શાંતિ અને અહિંસાના દૂત’ તરીકે નોબેલ શાંતિ ઈનામ માટે એમની ભલામણ કરી. વિયેતનામમાંથી 40 વર્ષના દેશવટા દરમ્યાન એમણે પશ્ચિમને બુદ્ધિઝમ અને માઈન્ડફૂલનેસનો પરિચય આપ્યો હતો અને 21 સદીના વિશ્વને એંગેજ્ડ બુદ્ધિસ્ટ કૉમ્યુનિટીની ભેટ આપી.
વિયેતનામમાં યુદ્ધ થયું ત્યારે સાધુઓ-સાધ્વીઓ સમક્ષ સવાલ હતો કે ધ્યાન અને ચિંતનમનનમાં મગ્ન રહેવું કે પછી ઘવાયેલાઓની સેવા કરવી. તિક નાટ હાને બંને કર્યાં. આ જ હતું એમનું એંગેજ્ડ બુદ્ધિઝમ. ‘વિયેતનામ : લોટસ ઈન અ સી ઑફ ફાયર’ પુસ્તકમાં એમણે આ શબ્દ વાપર્યો છે. એ વખતથી તેઓ આંતરિક પરિવર્તનને વ્યક્તિ અને સમાજના કલ્યાણ માટે પ્રયોજતા રહ્યા છે.
પુષ્કળ કામ કર્યું છે એમણે. 1961માં તેમણે અમેરિકા જઈ કમ્પેરિટિવ રિલિજિયનનો અભ્યાસ કર્યો, બુદ્ધિઝમ ભણાવ્યું, સંશોધન કર્યું. વિયેતનામમાં અહિંસા અને કરુણા માટે કામ કરતા 10,000 સ્વયંસેવકોવાળી સ્કૂલ ઑફ યુથ એન્ડ સર્વિસિઝની સ્થાપના કરી. સાયગોનમાં બૌદ્ધ યુનિવર્સિટી સ્થાપી, પબ્લિશિંગ હાઉસ અને સામયિક શરૂ કર્યાં, યુ.એસ. અને અમેરિકામાં પ્રવાસો કરી વિયેતનામમાં શાંતિ સ્થાપવાની અપીલ કરી. પણ જે શાંતિપ્રયાસો માટે માર્ટિન લ્યૂથર કિંગ જૂનિયરે નોબેલ કમિટીને એમની ભલામણ કરી હતી, એ જ શાંતિપ્રયાસો માટે યુદ્ધરત વિયેતનામે એમને દેશવટો આપ્યો.
ફ્રાંસમાં એમણે સ્થાપેલું નાનું એવું પ્લમ વિલેજ આજે પશ્ચિમનો સૌથી મોટો સક્રિય મઠ છે અને દુનિયાભરમાંથી હજારો લોકો જાગૃત જીવનની કલા શીખવા ત્યાં આવે છે. એમાં ખાવા, બેસવા, બોલવા, ચાલવા, કામ કરવા અને અટકવાનું ધ્યાન તેમ જ શ્વાસનું અને સ્મિતનું ધ્યાન શીખવવામાં આવે છે. એનાથી અનુભવાતી પૂર્ણ શાંતિ જિંદગીના પડકારોમાં સ્વસ્થ અને સ્થિર રહેવાની કલા શીખવે છે. એમની એક મૂવમેન્ટનું નામ ‘વેક અપ’ છે જેમાં યુરોપ, અમેરિકા અને એશિયાની શાળાઓનાં બાળકો અને શિક્ષકોને માઈન્ડફૂલનેસ શીખવાય છે.
તિક નાટ હાન કેલિગ્રાફી નિષ્ણાત હતા. તેમના આલેખેલા નાના સંદેશાઓનાં અનેક પ્રદર્શનો થયાં છે. ‘નો મડ, નો લોટસ’ પુસ્તકમાં એમણે પીડાનું રૂપાંતરણ શીખવતાં સૂત્રો આપ્યાં છે, જેનાથી માનવી પ્રેમ અને કરુણા વ્યક્ત કરી પીડાની બાદબાકી અને આનંદની પ્રાપ્તિનો અનુભવ કરે છે. તેઓ કહે છે, આ સૂત્રો જાદુઈ છે. બોલતાંની સાથે પરિવર્તન શરૂ થઈ જાય છે. બસ શીખી લો અને યોગ્ય સમયે યાદ કરો. જાગૃતિ જેટલી વધારે, તેટલી તેની અસર વધારે.
હું તમારી સાથે છું : પ્રેમ અર્થ જ સાથે હોવું. પણ સાચા અર્થમાં સાથે હોવું એ એક અભ્યાસ માગતી કલા છે. જે જાગ્રત કે એકાગ્ર ન હોય એ પોતાની કે અન્યની સાથે પૂર્ણપણે ન હોય. જાગ્રતપણે શ્વાસ લેવા, ચાલવા, બેસવાથી શરીર અને મન વચ્ચે એકતા સ્થપાય અને તો તમે સાચા અર્થમાં અને પૂર્ણપણે એ ક્ષણમાં હોઈ શકો. પહેલા પોતાની સાથે હોવાનો અભ્યાસ કરો. શ્વાસ લેવા અને છોડવાની ક્રિયાથી સભાન થાઓ. મન અને શરીરના લયને સંવાદી બનવા દો. જે વ્યક્તિ પોતાની સાથે હોય, એની ઊર્જા અન્ય વ્યક્તિને પણ પોતાની સાથે હોવાનું શીખે છે. ‘હું તમારી સાથે છું’ કહેવું એટલે આ અર્થમાં સાથે હોવું.
હું જાણું છું કે તમે મારી સાથે છો. મને એનો ઘણો આનંદ છે : આ મંત્ર પણ ખૂબ શક્તિશાળી છે અને પોતાને તેમ જ બીજાને ઊર્જાથી ભરી દે છે. સાચા અર્થમાં સાથે હોય એ વ્યક્તિ એ જાણી શકવા સમર્થ હોય છે કે સામી વ્યક્તિ પણ સાચા અર્થમાં હાજર છે.
પણ પહેલું પગલું ભર્યા પહેલાં બીજું ભરી શકાતું નથી. ‘હું સાથે છું’ એ ‘તમે સાથે છો’ની પૂર્વશરત છે. ગમે તેટલો ખર્ચ કરો, પ્રિય વ્યક્તિને તમારી સાચી હાજરીથી વધારે કિંમતી ચીજ તમે નહીં આપી શકો. માઈન્ડફૂલ પ્રેઝન્સ – જાગૃતિ સાથેની હાજરી વધુ તાજગીપૂર્ણ, વધુ આનંદપૂર્ણ, વધુ પ્રેમપૂર્ણ હોય જ છે.
હું જાણું છું કે તમને તકલીફ થાય છે. હું એટલે જ તમારી સાથે છું : પ્રિય વ્યક્તિ તકલીફમાં હોય ત્યારે આ જાદુઈ શબ્દો તેની તકલીફને તત્ક્ષણ ઓછી કરે છે. આ શબ્દોના ઉચ્ચાર માત્ર રાહતનો અનુભવ આપે છે. પ્રિયજન પીડાને સમજે ને પીડાની ક્ષણોમાં સાચા અર્થમાં હાજર રહે ત્યારે પીડા ઘટી જાય એ કુદરતી છે. એટલે આ મંત્ર સમજપૂર્વક, જાગૃતિપૂર્વક બોલાય ત્યારે એની અસરકારકતા ખૂબ વધી જાય છે.
મને પીડા થાય છે. મદદ કરો, પ્લીઝ : આ મંત્ર થોડો અઘરો છે. દરેક માણસમાં ઓછોવત્તો અહમ્ તો હોય જ છે. આ મંત્ર બોલવા માટે અહમ્ને ઓગાળવો પડે. તમે પીડામાં હો અને એ પીડા જે પ્રિયજને આપી છે એને જ આ શબ્દો કહી શકો એ ક્ષણથી આ સૂત્રની અસર શરૂ થાય છે. થાય છે શું કે આપણે ઊંધું જ કહીએ છીએ, ‘મારી પીડાનું કારણ તું છે. પણ મને ય તારા વિના ચાલશે.’ જો ખરેખર તેમ હોત તો પીડા ન થાત.
પણ, સંબંધની શરૂઆત સુખદુ:ખમાં સાથે હોવાના જે ભાવથી થઈ હતી, એ ભાવને યાદ કરો અને પ્રિયપાત્રને યાદ કરાવો. અધિકારથી કહો કે ‘મને પીડા થાય છે. મદદ કર.’ સરળ છે ને? પણ એટલું જ અઘરું પણ છે.
આ સુખની ક્ષણ છે : આ કોઈ ઓટોસજેશન કે વિશફૂલ થિંકિંગ નથી. જાગ્રત મનને પ્રસન્ન ક્ષણો મળતી જ રહે છે. આ સૂત્ર એની કદર માટે છે. એકલા ચાલતા હો ને સુંદર પુષ્પો દેખાય, તો પોતાને આ કહો. પ્રિયજનની સાથે ચાલતા હો ત્યારે તેને આ કહો. ભૂતભવિષ્યના અકળામણ-અજંપાઓ લઈને ચાલતા મનને સુખની ઢગલો ક્ષણો પણ દેખાય નહીં, પણ એકાગ્ર અને જાગ્રત મન હવાની આછી લહેરને પણ માણે છે. આ મંત્ર ભરપૂર સર્જનાત્મકતા આપે છે.
તમે થોડા સાચા છો : કોઈ તમારી સિદ્ધિ માટે અભિનંદન આપે અને ઢગલો વખાણ કરે. કોઈ ગુસ્સે થઈને આવે. કોઈ વળી આક્ષેપો પણ મૂકે. હવે રાજી થવું, ગુસ્સે થવું કે દુ:ખી થવું નકામું છે કેમ કે વખાણ કે ટીકા પૂરેપૂરા સાચા ભાગ્યે જ હોય છે. કોઈ વખાણ કરે ત્યારે કહો, ‘તમે થોડા સાચા છો, પણ મારામાં દોષો પણ છે.’ અને કોઈ ટીકા કરે તેને પણ કહો, ‘તમે થોડા સાચા છો, પણ મારામાં ગુણો પણ છે.’ બન્ને સ્થિતિમાં તમારી નમ્રતા અને સ્થિરતા બરકરાર રહે છે અને સારા હોવું, ખરાબ હોવું વગેરે સાપેક્ષ બાબતો છે, નિર્ણાયક નહીં.
દુનિયાના દસ દેશોમાં એમના મઠો છે. 100થી વધારે પુસ્તકો લખ્યાં છે. એમણે કહ્યું છે, ‘ધ્યાન એટલે જાગૃત હોવું. પોતાના શરીરમાં, પોતાના મનમાં, પોતાની બહાર અને વિશ્વમાં જે પણ ચાલી રહ્યું છે તેના પ્રતિ જાગ્રત હોવું.’ આ વ્યાખ્યા જેટલી સાદી-સરળ છે તેટલી જ ગહન અને વિસ્તૃત છે.
e.mail : sonalparikh1000@gmail.com
પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 06 ફેબ્રુઆરી 2022