આંખે પાટા બાંધીને, સાવ અજાણ્યા કોઈ સાથે વાતો કરવાની મઝા કદી માણી છે?
બન્ગલરૂની જેનેટ ઓરલિને એ કળા વિકસાવી છે! ૨૪ વરસની આ યુવતી ચિત્રકાર છે, કવયિત્રી છે, જાતે સ્વીકારેલી કારકિર્દી વાળી શિક્ષિકા છે અને … આંખે પાટા બાંધવાની / બંધાવવાની તજજ્ઞ છે! તેણે પોતાનું તખલ્લુસ ‘Inkweaver’ રાખ્યું છે – શાહીને વણનારી! એ તખલ્લુસ એને બરાબર બંધ બેસતું પણ છે. લેખિકા તરીકે એને શાહી બહુ પ્રિય છે. પણ એ માને છે કે, શાહીથી લખાય તો ખરું, પણ અભિગમ બદલીએ તો જિંદગીના વણાટ, એના તાણા / વાણાની ગુંથણી પણ એનાથી કરી શકાય! અલબત્ત શાહી અને કલમ તો વિચારોની અભિવ્યક્તિનાં બાહ્ય સાધનો જ ને?
વાત એમ છે કે, એની એક બે સખીઓ સાથે દિલની વ્યથાઓ, ઉલઝનો, અનિર્ણયાત્મકતાઓ, હતાશાઓ વગેરે અંગે વાત કરતાં એને કોઈક ગેબી પળે વિચાર આવ્યો કે, ’ જાણીતા મિત્રો કે લોકો સાથે આપણે અંતરની વાત કરતાં સંકોચ થાય છે. એ શું ધારશે? મારા માટે તેને પૂર્વગ્રહ તો નહીં બંધાઈ જાય ને? મારો એની સાથે સંબંધ ટૂટી જશે તો? એ બીજાને આ વાત કરી દેશે તો? પણ સાવ અજાણ્યા લોકો સાથે, એમની નજરમાં નજર મિલાવ્યા વિના, આવી વાતો કરીએ તો આવાં બંધનો ન નડે. આવો કાંઈ પ્રયોગ કરી શકાય?’
જેનેટ કોનું નામ? સર્જકતાનું ખળ ખળ વહેતું, નિર્મળ ઝરણું. તેણે થોડાક મિત્રોને આ વાત કરી અને પ્રસ્તાવ મુક્યો કે, ‘દરેક જણ એના આઠ દસ મિત્રોને લઈ આવે. એવું ગ્રપ ભેગું થાય કે, જેમાં ઘણાને માટે ઘણી વ્યક્તિઓ સાવ અજાણી હોય. આંખે પાટા બાંધેલા રાખીએ એટલે ચહેરો મહોરો પણ તે ન જાણી જાય. માત્ર વાતો જ ‘શેર’ કરવાની !’
૨૧ ઓગસ્ટ – ૨૦૧૬ રવિવાર, બન્ગલરૂનો કબ્બન બગીચો
પહેલી જ વાર……આ નવા વિચારને, નવી તરાહને અમલમાં મુકવા ૧૬૦ જણા ભેગા થયા. એકબીજાની આંખે પાટા બાંધી દીધા. થોડુંક આમ તેમ ટહેલી, સામે જે આવી જાય, તેની સાથે પોતાના મનની ઉલઝન કહેવા લાગે એમ નક્કી કર્યું.
અને જે મઝા આવી છે! સંયમ અને સંકોચના બધા દ્વાર ફટાબાર ખુલ્લા થઈ ગયા. મન મોકળું મેલીને વાતો કરવાની જે લિજ્જત સૌએ માણી છે ! મનમાં રાખેલા બધા બોજ વેરાઈ ગયા. છુટા પડ્યા ત્યારે એકદમ હળવાશ – જાણે કે, ધ્યાનની ચરમસીમા જેવો આનંદ. એની પછીના રવિવારે બીજા મિત્રોને પણ આ મિજલસમાં ભાગ લેવા બોલાવવાનું નક્કી કરી, બધાં છુટાં પડ્યાં.
બસ આ ઘટના….અને દર રવિવારે કબ્બન બગીચામાં અજાણ્યા, પાટા બાંધેલા મિત્રોનો મેળો જામવા લાગ્યો. ધીમે ધીમે સંખ્યા વધતી જ રહી……. વધતી જ રહી. કોઈ આપણને જાણતું ન હોય તેવી વ્યક્તિની નજરમાં દેખાયા વિના મનની વ્યથાઓ ઠાલવવાની એક અવનવી મઝાની અનુભૂતિ સૌને થવા લાગી.
જેનેટને એ વાતની પ્રતીતિ થઈ કે, આવી લાગણીઓ બહુ જ વ્યાપક હોય છે. દા.ત. રાતોની રાતો મનમાં થતા વલોપાત – કોણ મારી આ વ્યથા સમઝવા તૈયાર થાય? પુરુષો પર પણ શારીરિક / માનસિક બળાત્કાર થતા હોય છે; જેની વાત એ કોઈને નથી કરી શકતા હોતા. કોઈકની આગળ આવી જાતજાતની વ્યથાઓનું પોટલું ખુલ્લું મુકી શકાય તો બહુ મોટો ઓથાર મનમાંથી ઊતરી શકે છે. જીવનને એનાથી મુક્ત કરી આગળ ધપાવવાની નવી દિશાઓ મળી શકે છે.
શીતળ વૃક્ષોની છાયામાં …
આ મેળામાં ૩૦૦ યુવાનો અને યુવતીઓ આવતાં થઈ ગયાં. બધાંના સંતોષનો આ જ સૂર. હળવા થઈ ગયા, ખુલ્લા થઈ શક્યાં, નવી દૃષ્ટિ, નવો અભિગમ હાથવગાં થયાં. જાણે કે, ટિનેજરો માટેની સેલ ફોન એપ ‘ટિન્ડર’ની ફિઝિકલ આવૃત્તિ !
બન્ગલરૂમાં યુવાન / યુવતીઓને બહુ જ પ્રિય એવો આ મેળો પૂણે અને દિલ્હી પણ પહોંચી ગયો છે !
ફેસબુક પર – https://www.facebook.com/InkWeaver.in
સંદર્ભ –
http://www.thebetterindia.com/88417/blindfolded-conversations-lodhi-gardens-delhi/
http://www.deccanchronicle.com/lifestyle/books-and-art/051116/blind-spot-for-apt-confessions.html
e.mail : surpad2017@gmail.com