Opinion Magazine
Number of visits: 10,261,158
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ચલ મન મુંબઈ નગરી—361

દીપક મહેતા|Opinion - Opinion|10 October 2026

માંદાની સારવાર માટે હું ક્યારે ય કોઈની પાસેથી એક પૈસો ય નહિ લઉં : આનંદીબાઈ    

એક દિવસ આનંદીબાઈ, ગોપાળરાવ અને આનંદીબાઈના અમેરિકન યજમાન, મિત્ર, અને સહાયક મિસિસ કેરોલીન ડોલ વાતો કરતાં બેઠાં હતાં. વાતો ચાલતી હતી હિન્દુસ્તાનના રીતરિવાજોની. ગોપાળરાવ જે રીતે વાત કરતા હતા તે જોઈને ડોલના મનમાં એકાએક વિચાર આવ્યો : ‘આ ગોપાળરાવ, આનંદીનું જીવવું હરામ કરી નાખશે. તેની સાથે રહીને આનંદી ઝાઝું નહિ જીવે.’ એ વખતે મુંબઈની રખમાબાઈના કેસ અંગે અમેરિકામાં પણ ચર્ચા ચાલી રહી હતી. છાપાંમાં રખમાબાઈ તરફી લખાણો અવારનવાર છપાતાં હતાં. રમાબાઈ રાનડે અવારનવાર ભાષણો કરીને રખમાબાઈની વાત અમેરિકનોને સમજાવતાં હતાં. દેખીતી રીતે જ આનંદી હતી રખમાબાઈને પક્ષે. તેવામાં ૧૮૮૬ના માર્ચ મહિનાની ૧૪મી તારીખે સવારના પહોરમાં ‘ધ ઇન્ડેક્સ’ નામનું છાપું વાંચતાં જ આનંદી હેબતાઈ ગઈ. એમાં છપાયું હતું ગોપાળરાવનું ચર્ચાપત્ર : ‘રખમાબાઈનો પ્રશ્ન એ હિન્દુસ્તાનના લોકોનો પ્રશ્ન છે. અને અમને અમારા પ્રશ્નોનો નિવેડો લાવતાં આવડે છે. અમેરિકનોએ કે બીજા કોઈએ તેમાં માથું મારવાની જરૂર નથી.’ 

પણ હવે આનંદીએ આવી વાતો અંગે ગોપાળરાવ સાથે ચર્ચા કરવાનું છોડી દીધું હતું. મિસિસ ડોલ અને આનંદીબાઈના મિત્રોની વિમાસણ અને ચિંતા વધતી જતી હતી : આનંદી આ બધું કઈ રીતે જીરવી શકશે, ક્યાં સુધી જીરવી શકશે. વધુમાં, હવે ગોપાળરાવે અમેરિકનોની, તેમના વિચારોની, તેમની રહેણીકરણીની જાહેરમાં ટીકા કરવાનું શરૂ કરી દીધું હતું. આમ થાય ત્યારે આનંદીને પારાવાર દુઃખ થતું. કારણ તેને અમેરિકનોની સારમાણસાઈનો અસાધારણ સારો કહી શકાય એવો અનુભવ થયો હતો. પણ પતિનો જાહેરમાં વિરોધ કરતાં હિંદુ સમાજના રીતરિવાજો અને બંધનો આનંદીને રોકતા હતા. એટલે તે મનમાં ને મનમાં સમસમીને બેસી રહેતી. બીજી બાજુ તબિયત સુધારવા ખાતર ડોકટરો અમુક નોનવેજીટેરિયન વાનગીઓ ખાવાનો આનંદીને આગ્રહ કરી રહ્યા હતા. કારણ એ ખાધા વગર આનંદીની તબિયત સુધરશે નહિ એમ તેઓ માનતા હતા. પણ આનંદી પૂરેપૂરી મક્કમ હતી, ફક્ત શાકાહારી ખોરાક જ ખાવા માટે. અને તે જે શાકાહારી વાનગીઓ ખાવાને ટેવાયેલે હતી, તે બનાવીને તેને આપવાનું એ વખતના અમેરિકામાં સહેલું નહોતું.

આનંદીબાઈનો વિચાર ફિલાડેલફિઆની હોસ્પિટલમાં એકાદ વરસ કામ કરીને અનુભવ મેળવવાનો હતો. આનંદીબાઈ એ અંગે તૈયારીઓ પણ કરી રહ્યાં હતાં. પણ કહે છે ને કે Man proposes, and God disposes. ૧૮૮૬ના માર્ચની ૧૦મી તારીખે લખાયેલો એક કાગળ ફિલાડેલફિઆની વિમેન્સ મેડિકલ કોલેજના ડો. બોડલેને મળ્યો. લખ્યો હતો હિન્દુસ્તાનમાં આવેલા કોલ્હાપુરના દેશી રાજ્યના દીવાન મેહરજી કુંવરજીએ. ડો. બોડલેએ પહેલાં તો કાગળ પર એક અછડતી નજર નાખી. પછી વિચાર્યું : ‘આ કોલ્હાપુર સ્ટેટ’ એ છે શું એ પહેલાં તો જાણવું જોઈએ. લાયબ્રેરીમાંથી હિન્દુસ્તાનના રાજકારણ અંગેનું એક થોથું મગાવ્યું. ‘હિન્દુસ્તાનનાં દેશી રાજ્યો’ અંગેનું પ્રકરણ વાંચવા બેઠા. જાણવા મળ્યું કે મુંબઈ સરકારના અખત્યાર નીચે આવેલું કોલ્હાપુરનું રાજ્ય હિન્દુસ્તાનનું એક મહત્ત્વનું દેશી રાજ્ય હતું. તેની સ્થાપના ઈ.સ. ૧૭૦૦માં થઈ હતી. તેના રાજવીને ‘છત્રપતિ’નું સર્વોચ્ચ સન્માન અને ૧૯ તોપોની સલામી આપવામાં આવતી. અગાઉ પૂરેપૂરું સ્વતંત્ર એવું આ રાજ્ય ૧૮૧૮માં કોલ્હાપુર બ્રિટિશ સરકાર સાથે સંધિ કરીને તેનું ‘આશ્રિત’ રાજ્ય બન્યું હતું. ૧૮૭૪માં છત્રપતિ શાહુ મહારાજ કોલ્હાપુરના રાજવી બન્યા હતા. સ્ત્રીઓનું આરોગ્ય, કન્યા કેળવણી, બાળલગ્નો પર પ્રતિબંધ જેવા સુધારક પગલાં તેમણે પોતાના રાજ્યમાં લીધાં હતાં. 

આટલું જાણ્યા પછી ડો. બોદલેએ ફરી વાર ધ્યાનપૂર્વક કાગળ વાંચવાનું શરૂ કર્યું. તેમાં લખ્યું હતું કે રાવબહાદુર મહાદેવ ગોવિંદ રાનડેએ હમણાં જ મારું ધ્યાન ખેંચ્યું કે આનંદીબાઈ જોશી નામની એક હિન્દુસ્તાનની છોકરીએ તમારી કોલેજમાંથી MDની ડિગ્રી મેળવી છે. અમારા છત્રપતિ શાહુ મહારાજ સ્ત્રીઓ માટેની એક અલાયદી હોસ્પિટલ ટૂંક સમયમાં શરૂ કરવા ધારે છે. પણ તેના ઉપરી તરીકે કામ કરી શકે એવી કોઈ ડોક્ટર સ્ત્રી અહીં તો મળે તેમ નથી. એટલે મારી આપને ખાસ વિનંતી છે કે અમારી આ નવી હોસ્પિટલના વડા ડોક્ટર તરીકેની જવાબદારી સ્વીકારવા આપ આનંદીબાઈ જોશીને સમજાવો. તેમની નોકરી અંગેની શરતો નીચે પ્રમાણે રહેશે :

૧. તેમનો હોદ્દો ‘લેડી ડોક્ટર ઓફ કોલ્હાપુર’નો રહેશે. 

૨. પહેલાં બે વરસ સુધી તેમનો માસિક પગાર રૂ. ૨૦૦નો રહેશે. બે વરસ પછી વધારીને રૂ. ૪૦૦ અને પાંચ વરસ પછી રૂ. ૫૦૦ કરવામાં આવશે. 

૩. સામાન્ય ઘરવખરી સાથેનું રહેઠાણ તેમને રહેવા માટે રાજ્ય તરફથી પૂરું પાડવામાં આવશે. 

૪. તેમની અમેરિકાથી હિન્દુસ્તાન સુધીની દરિયાઈ મુસાફરીનું ભાડું કોલ્હાપુર રાજ્ય ભોગવશે. પણ જો તેઓ એક વરસ કરતાં ઓછી મુદ્દતમાં કોલ્હાપુર રાજ્યની નોકરી છોડી દે તો તેમણે ભાડાની પૂરેપૂરી રકમ રાજ્યને પરત કરવી પડશે.  

૫. તેમની નિમણૂકની મુદ્દત સાત વરસની રહેશે, પણ છ મહિનાની નોટિસ આપીને બંને પક્ષ ગમે ત્યારે તેમની નોકરીનો અંત લાવી શકાશે. 

૬. ડોક્ટર મિસિસ જોશીને આલ્બર્ટ એડવર્ડ હોસ્પિટલનો અખત્યાર સોંપવામાં આવશે પણ દરબાર હજુરના ડોક્ટર તેમના કામકાજ પર નજર રાખતા રહેશે. 

૭. ડોક્ટર જોશી રાજ્યની નોકરી ઉપરાંત ખાનગી પ્રેક્ટીસ કરી શકશે, પણ તે માટે રાજમહેલની સ્ત્રીઓ કે હોસ્પિટલ માટે દાન આપનાર દાતાઓના કુટુંબની સ્ત્રીઓ પાસેથી  તેઓ ફી તરીકે કોઈ પણ જાતની રકમ કે ચીજ-વસ્તુ સ્વીકારી શકાશે નહિ.

૮. મુંબઈ સરકાર તેની ‘Female Medical Education’ની નીતિને આખરી રૂપ આપે તે પછી અમે કોલ્હાપુર રાજ્યમાં એ માટેની કોલેજ શરૂ કરવા ધારીએ છીએ. એ વખતે ડો. મિસિસ જોશીને એ કોલેજ સાથે પણ યોગ્ય રીતે સાંકળવામાં આવશે. 

મારી આપને આગ્રહભરી વિનંતી છે કે આ પત્રમાંની વિગતોથી આપ ડો. જોશીને માહિતગાર કરો અને આ નિમણૂક સ્વીકારવા તેમને રાજી કરો. જો તેઓ રાજી હોય તો તે મતલબનો એક પત્ર અમને લખવા જણાવશો. જો તેઓ પહેલી જૂન સુધીમાં કોલ્હાપુર રાજ્યની નોકરીમાં જોડાઈ શકે તો તે સગવડભર્યું રહેશે.

આપનો વિશ્વાસુ,

મેહરજી કુંવરજી

કોલ્હાપુર રાજ્યના દીવાન 

દીવાન મેહરજીનો આ પત્ર ફિલાડેલ્ફિઆની કોલેજના આર્કાઈવ્ઝમાં સચવાઈ રહ્યો છે. પણ  આનંદીબાઈએ નોકરીની શરતો સ્વીકારતો જે પત્ર લખેલો તેની નકલ ક્યાં ય સચવાઈ નથી.  પણ ૧૮૮૮માં પ્રગટ થયેલા આનંદીબાઈના પહેલવહેલા જીવનચરિત્રમાં મિસિસ ડોલ લખે છે કે આ પત્રનો જવાબ આપતાં આનંદીબાઈએ તેમાંની સાતમી શરત વિષે આ પ્રમાણે ખુલાસો કર્યો હતો : ‘તમારા પત્રમાંની પહેલી છ શરતો અંગે મારે કશું કહેવાનું નથી અને મને તે મંજૂર છે. પણ સાતમી શરત અંગે મારે જણાવવું જોઈએ કે આપણાં શાસ્ત્રોમાં માંદાની સારવાર અને માવજત માટે કોઈ પણ પ્રકારની ફી લઈ શકાય નહિ એવો સ્પષ્ટ આદેશ આપવામાં આવ્યો છે. અને હું આ આદેશને પૂરેપૂરી રીતે વફાદાર રહીશ. પણ ન કરે નારાયણ, ને ક્યારેક મારે મારા કામ માટે ફી લેવાનું અનિવાર્ય બને તો જેમને એવી ફી આપવાનું પોસાય તેમ હોય તેમની પાસેથી જ હું ફી લઈ શકું, પણ ગરીબો અને અનાથો પાસેથી તો હું ક્યારે ય ફી લેવાનો વિચાર પણ ન કરું. બીજું, પહેલી જૂન સુધીમાં નોકરી પર હાજર થવાનું આપે જણાવ્યું છે. પણ મારી અત્યારની ગણતરી ૧૮૮૭ના જાન્યુઆરીમાં અમેરિકા છોડવાની છે. 

 પણ પછી આનંદીની તબિયત વધુ ને વધુ બગડવા લાગી. ડિસેમ્બર-જાન્યુઆરીની ઠંડી તેનાથી સહન નહિ થાય એમ તેમના મિત્રોને લાગ્યું. એટલે હિન્દુસ્તાન પાછા જવાની મુસાફરી અંગેની તૈયારી આનંદીનાં મિત્રોએ શરૂ કરી. એ વખતે અમેરિકામાં પણ લાંબી મુસાફરી માટે પતરાની ટ્રંક વપરાતી. આવી ૧૯ મોટી ટ્રંકમાં આનંદીનો સામાન ભરાયો. જો કે મોટા ભાગની ટ્રંકમાં તેને અમેરિકાના વસવાટ દરમ્યાન, કોન્વોકેશન પ્રસંગે, અને બીજા જુદા જુદા પ્રસંગે મળેલી ભેટો કાળજીપૂર્વક ગોઠવાઈ હતી. આ બધું ચાલી રહ્યું હતું ત્યારે આનંદી તો આરામ ખુરસી પર બેસીને કદાચ હિન્દુસ્તાનનો દરિયા કિનારો જોઈ રહી હતી. કદાચ એને પોતાની માંદગીની ગંભીરતાનો ખ્યાલ આવી ગયો હતો. 

અને આવી પહોંચી ૧૮૮૬ના ઓક્ટોબરની નવમી તારીખ. ન્યૂ યોર્કના બંદરેથી સવારે આઠ વાગે HMS Etruria ગ્રેટ બ્રિટન જવા રવાના થવાની હતી. એટલે રોઝેલથી આગલે દિવસે ટ્રેનમાં નીકળી, રાત ન્યૂ યોર્કમાં ગાળવાનું જરૂરી હતું. ઘરથી રોઝેલ સ્ટેશન સુધી જવા માટે યજમાન મિસિસ કાર્પેન્ટરે મોટી અને ઉપરથી ખુલ્લી એવી ઘોડા ગાડી ભાડે કરી હતી. જેથી પોતાની જિંદગીનાં ખૂબ મહત્ત્વનાં વરસ આનંદીએ જ્યાં ગાળ્યાં હતાં એ બધી ઈમારતોને, સંસ્થાઓને, શહેરના બાગ-બગીચાને આનંદી આંખો ભરી ભરીને છેલ્લી વાર જોઈ શકે. અહીંનાં કેટલાં ય ઘરોએ આનંદીને આવકારી હતી. તેમાંના કેટલાયે લોકોએ આનંદીને સાચવી લીધી હતી. આનંદી મૂંગે મોઢે, અનિમેષ નજરે આસપાસ જોઈ રહી હતી. 

ન્યૂ યોર્ક રેલવે સ્ટેશનેથી સીધા પહોંચ્યાં ન્યૂ યોર્કના બંદરે. HMS Etruriaના ગેંગ વે પરથી આનંદીએ પાછું વાળીને જોયું. હા, આ છેલ્લી નજર હતી અમેરિકાને જોતી. ગુજરાતીના આલા દરજ્જાના ગઝલકાર જનાબ આદીલ મન્સૂરીના જન્મને તો હજી પચાસ વરસની વાર હતી. પણ એમની પ્રખ્યાત ગઝલના શબ્દો જાણે કે આનંદીબાઈના મનમાં પડઘાઈ રહ્યા હતા :

ભરી લો શ્વાસમાં એની સુગંધનો દરિયો,

પછી આ માટીની ભીની અસર મળે ન મળે.

પરિચિતોને ધરાઈને જોઈ લેવા દો,

આ હસતા ચહેરા; આ મીઠી નજર મળે ન મળે.

ભરી લો આંખમાં રસ્તાઓ, બારીઓ, ભીંતો,

પછી આ શહેર, આ ગલીઓ, આ ઘર મળે ન મળે.

વળાવા આવ્યા છે એ ચ્હેરા ફરશે આંખોમાં,

ભલે સફરમાં કોઈ હમસફર મળે ન મળે. 

e.mail : deepakbmehta@gmail.com

XXX XXX XXX

પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”; 10 ઓક્ટોબર 2026

Loading

10 October 2026 Vipool Kalyani
← ક્યાં જરૂર છે.

Search by

Opinion

  • ક્યાં જરૂર છે.
  • નાના પાટેકર નાના નહીં, મોટા કલાકાર હતા …
  • વિશ્વકોશ ભવનમાં યોજાયો ગ્રંથાલય સંસ્કૃતિ વિશે પરિસંવાદ
  • પ્રતિરોધની રાજનીતિ : દમ બ દમ વિપક્ષ ને જેન ઝી : કદમ બ કદમ 
  • નેપાળનો જળપ્રલય માનવીય ભૂલોનું પરિણામ છે.

Diaspora

  • 55 Million Speakers, 84 Editors: The Challenge Facing Gujarati in the Age of AI  
  • ગુજરાતી સાહિત્ય અને અનુવાદ – દશા અને દિશા
  • આપણે કયા ગુજરાતની વાત કરી રહ્યા છીએ?
  • દશમી ભાષા-સાહિત્ય પરિષદ :
  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા

Gandhiana

  • નિરાધાર, દીન, હીન, સર્વને સમાવતો ગાંધી-સમાજવાદ 
  • બધી શાળાઓએ અપનાવવા જેવું પુસ્તક
  • યાંત્રિક યુગમાં માનવ ક્યાં ખોવાયો?
  • ગાંધીજીને પૂજવા સહેલા, સમજવા મુશ્કેલ અને અનુસરવા અસંભવ – શા કારણે?
  • ગાંધીજીનો ઘરડો દોસ્ત

Poetry

  • ને ,પાળ તૂટી! !
  • હળવે હળવે હળવે
  • બગલ ખંજવાળો
  • નિષ્ક્રમણ
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • State-Sponsored Communal Profiling : The Gujarat Government Must Be Held Accountable
  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved