ગુજરાતના અનેક લોકશાહી-ચાહકોની જેમ આખો દિવસ ઉકળી રહેલા મારા પણ લોહીમાં, અત્યારે દિવસના છેડે તેનો સહુથી વધુ ઉકળાટ છે.
મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામા માટેના વિરોધ પ્રદર્શનમાં તાનાશાહી સરકારે પ્રકાશભાઈ ન. શાહ અને મીનાક્ષીબહેન જોશીની આજે સાંજે અમદાવાદમાં એમ.જે. લાઈબ્રેરી પાસેના વિસ્તારમાંથી અટકાયત કરી. તેમની સાથે બીજા ત્રીસેક નાગરિકોની પણ અટકાયત કરી. મોડી સાંજે તેમને મુક્ત કરવામાં આવ્યાં.
કોમવાદના રાજકારણમાં વિવેકભ્રષ્ટ બનેલી સરકાર ! તમને ખબર છે કે તમે કોની અટકાયત કરી છે ? ગુજરાતમાં તમામ પ્રકારની સેક્યુલર, પ્રગતિશીલ, આધિકારકેન્દ્રી હિલચલો, ચળવળો અને આંદોલનો માટે પ્રકાશભાઈ શાહ એક દીવાદાંડી છે. એના પ્રકાશને, સરકાર ! તમે આજે વધારે દેદિપ્યમાન બનાવ્યો છે.
પ્રકાશભાઈ એટલે અરધી સદીથી અનેક કર્મશીલો માટેનું પૂછવાઠેકાણું, અસામાન્ય વાચક, વિદ્યાચતુર, witty in the best sense of the term, ઉદારમતવાદી-મુક્ત-વિરોધદર્શી અભિવ્યક્તિનું માધ્યમ.
ઇન્દિરા ગાંધીએ 1975માં લાદેલી કટોકટી વખતે પણ પ્રકાશભાઈએ લાંબો જેલવાસ ભોગવ્યો હતો. હવે ઘણી બાબતોમાં અઘોષિત કટોકટી સર્જનારી અત્યારની જુલમી સરકારે 87 વર્ષના પ્રકાશભાઈને અટકાયતમાં લીધા હતા. લોકશાહી માટેની લડતનું કેવું સાતત્ય !
સરકાર ! જાહેર જીવન માટેના જ્ઞાનપ્રકાશના સ્રોતને તમે સત્તા થકી અવરોધવાનો તમે આજે હિચકારો પ્રયાસ કર્યો છે. અમારા ઘણાંનાં જીવનમાં અસાધારણ આદરનું સ્થાન ધરાવનારા, અમને હૂંફ આપનારા અમારા વડીલને તમે રંજાડ્યા છે. ये हमेशा याद रखा जाएगा !
જાહેરજીવનની ચપટીક સમજ અને તેનાં મૂલ્યો માટેની થોડીક નિસબત જે અનેક લોકોમાં પ્રકાશભાઈને કારણે આવી છે તેમાંનો હું એક અકર્મણ્ય આસામી છું. અનેક બાબતો એવી છે કે જેમાં પ્રકાશભાઈ પિતૃતુલ્ય છે. वैचारिक रिश्ते में तो वो हमारे बाप लगते है । पांव छूते है हम ऊनके ।
આઝાદીની શહીદ-ત્રિપુટીના વારસદાર મીનાક્ષીબહેન જેવાં મહિલા કર્મશીલો જૂજ છે. લોકશાહી, સમાનતાવાદી-અધિકારયુક્ત સમાજ માટે પોતાની જિંદગી ખરચી રહ્યાં છે. ઊંચા હોદ્દા પરની નોકરીમાં હતાં ત્યારે પણ સમાજ માટે અરધો પગાર આપી દેતાં, જાહેરજીવનને લગતાં સાહિત્યના અઠંગ વાચક, બળુકું લખનારા, માધ્યમોની ઊંચી સમજ ધરાવતાં, અતિશય સ્ટૅમિના ધરાવતાં, નોકરીના કામે અને લોકાઅંદોલનો માટે ગુજરાત ખૂંદી વળનારાં, સ્વાસ્થ્યના ભોગે પણ સરકાર સામે ઝૂઝતાં રહેનારાં, ડાબેરી પક્ષ સોશ્યાલિસ્ટ યુનિટી સેન્ટર ઑફ ઇન્ડિયાના ઉમેદવાર તરીકે એલિસબ્રિજ મતવિસ્તારમાંથી 2024ની લોકસભાની ચૂંટણી લડનારાં, મારી વિનંતીને પોતાની ફરજ સમજીને મારી આપત્તિમાં આવેલી મારી વિદ્યાર્થિનીઓની મદદે આવનારાં મીનાક્ષીબહેન !
નીતિનાશને માર્ગે ચાલી રહેલી સરકારને ભર્તૃહરિનું नीतिशतक યાદ કરાવવું રહ્યું : विवेकभ्रष्टानाम् भवति विनिपात: शतमुख: – ભ્રષ્ટ થઈ મતિ જેનો, તેનો શતમુખ વિનિપાત જ નિર્મેલો (‘ધૂમકેતુ’)
શતમુખ વિનિપાતને માર્ગે આગળ વધી રહેલી સરકાર તમને ધિક્કાર છે !
લોકમાન્ય ટિળક યાદ આવે છે. તેમના મરાઠી વર્તમાનપત્ર केसरी તેમણે 6 જુલાઈ 1887ના દિવસે તેમણે અંગ્રેજ સરકારની દમનશાહીના વિરોધમાં જહાલ તંત્રીલેખ લખ્યો હતો. તેનું મથાળું હતું : या सरकारचे डोके ठिकाणावर आहे काय ? – આ સરકારનું મગજ ઠેકાણે છે ખરું ?
પ્રકાશભાઈ અને મીનાક્ષીબહેન તમને સો સો સલામું !
ઇન્કિલાબ ઝિંદાબાદ !
જય હિન્દ !
——————-
ફોટો સૌજન્ય : જિગર ભટ્ટ
10 ઑક્ટોબર 2026
નીતિનાશને માર્ગે ચાલી રહેલી સરકારને ભવભૂતિનું नीतिशतक યાદ કરાવવું રહ્યું : विवेकभ्रष्टानाम् भवति विनिपात: शतमुख: – ભ્રષ્ટ થઈ મતિ જેનો, તેનો શતમુખ વિનિપાત જ નિર્મેલો (‘ધૂમકેતુ’ )
e.mail : sanjaysbhave@yahoo.com
![]()

