Opinion Magazine
Number of visits: 9791399
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

આ પણ પોલિસ!

સુરેશ જાની|Opinion - Opinion|18 April 2026

પોલિસ શબ્દ સાંભળીએ એટલે મોટા ભાગે નફરત કે અવજ્ઞા જ પેદા થાય. પણ કાલે પોલિસ માટે સન્માન ઉપજે તેવો એક સુખદ અનુભવ થયો.

ગઈ કાલે સવારના જમણ પછી, દસ માઈલ દૂર આવેલા મારા દીકરાના ઘેર એક કામ સબબે નીકળ્યો હતો. ગાડી માંડ હાઈવે પર ચઢી હશે અને પૈડાનો અવાજ બદલાઈ ગયો. થોડીક સાવધાની રાખી હોત અને પછીના એક્ઝિટ પરથી ગાડી પાછી વાળી હોત, તો આ વાત આગળ ન વધત. પણ એ થોડીક બેકાળજીના પ્રતાપે, માંડ પાંચેક મિનિટ થઈ હશે અને પાછળનું ટાયર ફસકી ગયું. માંડ ગાડી ઊભી રહી શકે, તેટલા પહોળા શોલ્ડર પર ગાડી પાર્ક કરવી પડી.

પેડું બદલી શકું એવી મારી શારીરિક ક્ષમતા તો દસકાથી વિદાય લઈ ચૂકી છે. આથી મદદ માટે દીકરીને ફોન કર્યો. એ વ્યવસ્થા કરવાની ગડમથલમાં હતી; એટલામાં જ ઝબકારા મારતી પોલિસની ગાડી મારી ગાડીની પાછળ આવીને ઊભી રહી ગઈ. સ્વાભાવિક જ મનમાં જૂનો ભય સવાર થઈ ગયો. વળી પાછી આ બીજી મોંકાણ?

પોલિસ તો મારી બાજુમાં આવીને ઊભો રહી ગયો. મને પૈડું બદલીને ગાડી ચાલુ કરવા આદેશ આપ્યો. મેં તેને મારી મુશ્કેલી સમજાવી. પોલિસ તો એની ગાડી તરફ પાછો ગયો. મને એમ કે, તે મને ટિકિટ આપવાની તૈયારી કરવા ગયો હશે. આ દરમિયાન દીકરી સાથે વાતચીત ચાલુ જ હતી. થોડી વારે મારી નજર રસ્તા તરફ ગઈ. અહો! આશ્ચર્યમ! પોલિસ પાછલું પૈડું કાઢવાની તૈયારી કરી રહ્યો હતો!

મેં તરત પાછળથી સ્પેર પૈડું કાઢીને તેને આપ્યું. માંડ દસેક મિનિટ થઈ હશે, અને મારી ગાડી દોડવા માટે સક્ષમ બની ગઈ. મેં એ સજ્જન પોલિસનો દિલી આભાર માન્યો. You are my saviour.  અને મારી ગાડી ફરી પૂરપાટ હાઈવે પર દોડવા લાગી.

વાચકને થશે કે, આ તો અમેરિકાની વાત. દેશમાં તો આવું સાવ અસંભવ. લો! ત્યારે અમદાવાદમાં પોલિસે મને ચા પીવડાવી હતી, તે વાત પણ માણી લો!

નવેમ્બર 2003- અમદાવાદ

બિન્ધાસ્ત દિવસો, એ જુસ્સાભરેલી વાતો, એ ઉત્સાહ અને એ નિર્દોષતાનાં સંસ્મરણો ઊભરી રહ્યાં છે. એ મિત્રને આજે ઘણા વરસ પછી મળાશે; એ આનંદ ચિત્તમાં ઉભરી રહ્યો છે.  અને ત્યાં જ એક કર્કશ સિસોટી, વાદળોમાંના એ મધુર સપનાંઓ અને સ્વૈરવિહારમાંથી મને અમદાવાદના ડામરના રસ્તાની કાળી ડીબાંગ સપાટી પર ખાબકી દે છે.

હવે ભાન થાય છે કે, લાલ સિગ્નલમાં સ્કુટર હંકારી જવાનો અક્ષમ્ય ગુનો હું આચરી બેઠો છું. એ દિવાસ્વપ્નની શું કિમ્મત મારે ચૂકવવી પડશે તેનો અમદાવાદી હિસાબ હવે શરૂ થઈ જાય છે! ખાખી પાટલૂન અને સફેદ ખમીસ પહેરેલો, એ અમદાવાદી ઠોલો (કે મફતલાલ?) દૃષ્ટિગોચર થાય છે. એ મને રસ્તાની બાજુએ દોરી જાય છે.

સ્કુટર બંધ કરી, હું હવે આવી પડનાર વિપત્તિ માટે પૂર્વતૈયારીઓ કરવા લાગું છું. અમદાવાદની ધરતી ઉપર ઘણા વખત બાદ કરેલ આ ગુના માટે મને મારી જાત ઉપર નફરત પણ પેદા થવા માંડે છે. ‘અમેરિકામાં ત્રણ વરસ રહેવાથી પેદા થયેલી શિસ્તભાવના આટલી ઝડપથી, અમદાવાદી માહોલમાં હું ગુમાવી બેઠો’ – એ માટેનો પશ્ચાત્તાપ પણ ઉભરી આવે છે.

મફતલાલ ડ્રાઈવિન્ગ  લાયસન્સ માંગે છે. હું પાટલૂનના ડાબા ખિસ્સામાં હાથ નાંખું છું- અને મને કેવળજ્ઞાન પ્રાપ્ત થાય છે કે, હું તે ઘેર ભૂલી ગયો છું. મારા હાવભાવ પરથી જ, તેને આ બીજી વાસ્તવિકતાની તરત ખબર પડી જાય છે. મારા મ્લાન વદન ઉપર શિયાળાની એ ઠંડીમાં પણ પસીનો પથરાવા માંડે છે. આ બે અક્ષમ્ય ગુનાઓ માટેની મારી લાચારી સ્વયંસંચાલિત રીતે ઊભરવા માંડે છે. એની વધારાની શી કિમ્મત ચૂકવવી પડશે તેનો અંદાજ લગાવવાના વહેવારુ પ્રયત્નો મારા મનમાં શરૂ થઈ જાય છે. ‘હવે શી રીતે આવી પડેલી આ આપત્તિને પહોંચી વળવું?’ – એના વિચારમાં જૂની અમદાવાદી આદત પ્રમાણે સસ્તામાં ‘પતાવટ’ કરવી કે કેમ તે વિકલ્પ પહેલો જ ધ્યાનમાં આવે છે. પણ અમેરિકામાં થયેલા આવા અનુભવથી જાગેલા નવા સંસ્કાર મને એવી પતાવટ કરવામાંથી ખાળે છે.

મારો ગુનો કબૂલ કરી હું તેને તેને મારી મજબૂરી સમજાવું છું. સાથે મફતલાલજીને નજીકની ચાની કીટલીની રેંકડી પર ચા પીવા આમંત્રું પણ છું; તે કશું બોલ્યા ચાલ્યા વગર મારી સાથે આવે છે. હું ‘કટિંગ’ નહીં પણ, બે આખી ચાનો ઓર્ડર આપું છું. સ્વાભાવિક રીતે મારો હાથ હવે જમણા ખિસાને ફંફોસે છે. અને ત્રીજા સત્યનું રહસ્યોદ્ઘાટન થાય છે કે, હું પૈસાનું પાકિટ પણ ઘેર ભૂલી ગયો છું. ચાલાક મફતલાલને કોઈ કથન વિના આની જાણ પણ થઈ જાય છે. હું ચાનો ઓર્ડર રદ કરવા રેંકડીવાળાને વિનંતી કરું છું.

અને કદી ન બની હોય તેવી ઘટના બને છે, મફતલાલ એને વારે છે. રદ કરેલા ચા બનાવવાના ઓર્ડરને સુધારીને ‘બે કટિંગ બનાવજે’ એમ સૂચના આપે છે. હું વિસ્ફારિત નેત્રે, ‘સ્વપ્નમાં તો નથી ને?’ અથવા ‘ આ ન માની શકાય એવી આ ઘટના સાચી છે કે જૂઠી? ‘ –  તેની ખાતરી કરવા મારા પગને ચીમટો ભરી લઉં છું.

 હસીને મફતલાલ મને કહે છે, ”આજે મારા તરફથી ચા પી લો.” હવે અમારી વચ્ચે એક નવા સંબંધની શરૂઆત થાય છે. ચાના ઘૂંટડા ગળાની નીચે ઊતારતાં અમે ઘણી બધી વાતો પર ચઢી જઈએ છીએ. એ પણ મારી જેમ શેરો શાયરીનો શોખીન છે.

ચાનો એ મધમીઠો પેગ પૂરો થાય છે. હું એને પુછું છું,” સાહેબ! હવે મારે શું કરવાનું? કઈ કોર્ટમાં ક્યારે હાજર થવાનું? “ એ સજ્જન પોલિસ હાથ હલાવી મને જતો કરે છે. ભવિષ્યમાં સતેજ રહેવાની અને થોડા ઓછા ભુલકણા થવાની સલાહ આપે છે; અને અમે છૂટા પડીએ છીએ.

‘પૂણ્ય પરવાર્યું નથી’ એની મને પ્રતીતિ થઈ જાય છે. ‘આમ પણ બને. ’ એવી મીઠી મૂંઝવણ સાથે આ અનન્ય અનુભવ મારા એ જૂના મિત્ર સાથે વાગોળવા હું સ્કુટર ચાલુ કરવા બટન દબાવું છું.

‘એ સજ્જન પોલિસમેન ઠોલો કે હું?’ એવા આંતરદર્શનની પણ શરૂઆત થઈ ગયેલી છે. પણ એ મનન અને ચિંતનને બ્રેક મારી, બીજા ટ્રાફિક સિગ્નલ આગળ આ ઘટનાનું પુનરાવર્તન ન થાય એ માટેની સતર્કતાનું એક્સલરેટર દબાવી; હું મિત્રના ઘર તરફ સભાનતા અને પરિતોષની લાગણીઓથી સભર બનીને પ્રયાણ આદરું છું.

E.mail :  surpad2017@gmail.com

Loading

18 April 2026 Vipool Kalyani
← – મૈં ભી વહીં સો જાઉંગી …

Search by

Opinion

  • – મૈં ભી વહીં સો જાઉંગી …
  • પરિવાર નિયોજન નીતિમાં રાજ્યો દ્વારા મુકાતી ઢીલ યોગ્ય છે?
  • આંબેડકરઃ નેહરુથી ન.મો. દલિત રાજનીતિના પડકારો
  • ડૉ. આંબેડકરના જીવન અને વિચારોનું મૂલ્યાંકન કરતું સંપાદન : સમતાના સેનાની આંબેડકર
  • હું મારો નિર્ણય નહીં બદલું

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • મિસ્ટર આંબેડકર અને આંબેડકર કોણ હતા
  • ગઝલ
  • વિધ્વંસ
  • કવિ
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved