પેન્ડેમિકનો ધક્કો કંઈક ખમ્યો મેં,
લાખો શ્રમજીવીઓની વિપદાઓ,
દલિતો ને સ્ત્રીઓ પરના અત્યાચારોથી
મારું લોહી જાણે થીજી ગયું છે
શરીર આખું ય ક્રોધથી તમતમે છે
મગજ મારું
રાજકારણીઓના ગંદા પેંતરાઓને મહાત કરવા
કટિબદ્ધ બને છે
વાણી આક્રોશપૂર્વક પ્રહાર કરવા તત્પર છે
છતાં ય કોઈક મોટી ખોટ લાગે છે!!
વૈશ્વિક મૂડીવાદનો વહેતો ખળખળતો પ્રવાહ,
લોકશાહીને ઠોકશાહીમાં ફેરવતાં રામરાજનાં ગાણાં,
બળતા અગ્નિમાં ઘી નાંખીને ભેદભાવ વધારતાં છાણાં,
વિવિધ રૂપે ધમકીઓને શણગારીને ભક્તિભાવ જગાવતાં જૂઠાણાં,
રે ગાંધી, સુભાષ, આંબેડકર!!
ખોવાયાં છે, ભરમાયાં છે તમારા વિચારરત્નો …
કયા મારગે દોરું સહુને
જ્યાં મળે શાંતિ ને સમતા …
જાણી ગયાને તમે મને?!
હું છું ભારતની જનતા …
••••••
ભારતનું કમળ હવે મને બરાબર સમજાય છે!
મલીન પાણીમાં વિકસતું ને એ પાણીથી પોષાતું
પણ
કાદવ-કીચડથી વિરક્ત એ પંકજ
ના લેવા-દેવા એને પાણી કે માટી સાથે …
ભારતનું કમળ હવે મને બરાબર સમજાય છે!
લક્ષ્મીદેવીનું પૂજન કરવાનું પ્રસિદ્ધ આ પુષ્પ
સૌથી વધુ કિંમતી
ધનસંપદા સાથે સીધું-સટ સંધાન સાધનારા ઉત્પલને
વિધવિધ કુસુમો સાથે ના કોઈ નિસ્બત …
ભારતનું કમળ હવે મને બરાબર સમજાય છે!
પદ્મ તો પુરાણ શાસ્ત્રોનો આરંભ મનાય
નીરજ સૌંદર્ય પ્રસાધન માટે ઉત્તમ ગણાય
એટલે જ
પુરાણોને શણગારીને જનતા સમક્ષ
અતિ સુંદર ચારિત્ર્યનું ઉદાહરણ પૂરું પાડતું
શિરમુખ સાધન તરીકે પ્રસ્તુત કરાય છે …
ભારતનું કમળ હવે મને બરાબર સમજાય છે!
ભારતીયોની પ્રસાધનવૃત્તિ અને સૌંદર્ય માટેની વાંછના
પુરાણોની ઉત્કૃષ્ટિના ગુણગાન કરવાની વૃત્તિ
એમાં પશ્ચિમી સંસ્કૃતિનાં તર્ક અને સમાનતાને અવગણવાની ભાવના …
ભારતીયોની કમળભક્તિ હવે મને બરાબર સમજાય છે!
સૌજન્ય : “નિરીક્ષક” સાપ્તાહિક ડિજિટલ આવૃત્તિ; 19 ઑક્ટોબર 2020; પૃ. 08