= = = = જ્યારે પણ અસર અનુભવાય, ઍક્સિલરેટર અને બ્રેક પરથી પગ નથી ઉપાડવાનો બલકે એવો દાબ આપવાનો છે કે ઍક્સિલરેટર ડાઉન થાય = = = =
= = = પણ હકીકત એ છે કે કોઈ ફાવતું નથી – ન તો જ્ઞાની, ન વૈરાગી કે ન ભક્ત. કેમ? કેમ કે આખા પ્રશ્નમાં શાસન અને શાસને ઊભી કરેલી વ્યવસ્થાઓ મોટો ભાગ ભજવે છે = = = =
ભારતીય પરમ્પરમાં ઈશ્વરપ્રાપ્તિ માટેના ત્રણ માર્ગ દર્શાવાયા છે : જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ.
આ કોરોના-કાળે કેટલાક – બહુ જ ઓછા – ભારતીયોએ જ્ઞાનમાર્ગ અપનાવ્યો છે. એઓ તાકી રહ્યા છે કે વિજ્ઞાન વડે રસી શોધાશે ને ત્યાં લગી ઘરે બેસીને બધું સહી લેશું. એમણે એવા જ્ઞાનનો, એટલે કે સમજદારીનો સાથ કર્યો છે.
કેટલાક – બહુ જ ઓછા – વૈરાગી થઈ ગયા છે. તેઓ એક એવી વાતના સહારે જીવી રહ્યા છે – શું લઈને આવ્યા’તા, શું લઈને જવાના’તા … એમની વાત ગળે ઊતરી જાય એવી છે તેમ છતાં જાતે જવા માટે એમનામાંનું કોઈ તૈયાર નથી. એમનો વૈરાગ્યભાવ એમને જિવાડી રહ્યો છે ને એટલે તેઓ જાહેરમાં બેફામપણે ભટકી શકે છે.
ત્રીજા ભારતીયો – ઘણા જ ઘણા – ભક્તિમાર્ગી છે. તેઓ આ ભયાનક સમયમાં તાળી અને થાળીવાદનથી તેમ જ દીવા પ્રગટાવીને એક અને અખણ્ડ ભારતવાસી હોવાનો પરસ્પરને અહેસાસ કરાવી રહ્યા છે – સારી વાત છે. એથી કરીને, એટલે કે એવી એકતા જોઈને, બને કે કોરોના-દેવ રાજી થઈ જાય ને સુખાશીર્વાદ આપીને જતા રહે … થાય તો, સારું …
ગુજરાતી ભાષામાં એક કહેવત છે કે : મગ જે પાણીએ ચડતા હોય ચડવી લેવા. એટલે ડાહ્યા માણસો એમ કહે છે કે જ્ઞાન, વૈરાગ્ય કે ભક્તિ – જેનાથી પણ આ મહા મહામારી ટળે તો ટાળો. એ ડાહ્યાઓ ઠાવકા છે. એટલું કહીને બેસ્યા રહે છે.
પણ હકીકત એ છે કે કોઈ ફાવતું નથી – ન તો જ્ઞાની, ન વૈરાગી કે ન ભક્ત. કેમ? કેમ કે આખા પ્રશ્નમાં શાસન અને શાસને ઊભી કરેલી વ્યવસ્થાઓ મોટો ભાગ ભજવે છે. જો શાસન અને વ્યવસ્થાઓ બન્ને સુભગ સુન્દર હોય તો આવકાર્ય પરિણામોની હળવાશભરી દિશાઓ ખૂલી શકે છે. પણ કદાચ, એટલે જ, આવા હરેક મહાસંકટ ટાણે માનવજાત સામે એવી દિશાઓ નથી ખૂલી અથવા અરધીપરધી ખૂલીને બંધ થઈ ગઈ છે. યાદ કરો, વિશ્વયુદ્ધના સમયો. પહેલાએ બીજાને જનમાવ્યું અને બીજાએ ત્રીજાને – જે 'શીત યુદ્ધ'-ને નામે ઓળખાયું …
આ પ્રસ્તાવના સાથે કહું કે પશ્ચિમની પ્રજાઓ આવા સમયે મોટા ભાગે જ્ઞાન-વિજ્ઞાનનો માર્ગ પકડતી હોય છે ને તેથી સાંપડતા શાણપણને અપનાવતી હોય છે. પણ, ત્યાં પણ, દિશાઓ ખોલ-બંધ થવાની ઘટનાઓ ઘટતી હોય છે. એ સંદર્ભમાં, અમેરિકાના એક જ્ઞાનીનું આ દૃષ્ટાન્ત સમજવાલાયક છે :
કોરોના વાઇરસ અથવા COVID-19 બાબતે અમેરિકામાં આજકાલ એ જ્ઞાની વ્યક્તિ અત્યન્ત ચર્ચાસ્પદ બની છે. તે છે, ઍન્થની ઍસ. ફૉચિ.
૭૯ વર્ષના મિસ્ટર ફૉચિ સ્પષ્ટવક્તા છે, આખાબોલાયે ખરા. ‘નેશનલ ઈન્સ્ટિટ્યુટ ઑફ ઍલર્જી ઍન્ડ ઇન્ફૅક્શિયસ ડિસીઝિસ’ના ડિરેક્ટર છે. COVID -19 અંગેના અમેરિકન સરકારના પ્રયાસોમાં એમનો મોટો હિસ્સો છે. એટલું જ નહીં, તેઓ COVID-19 માટેની રસીના સંશોધન-કાર્યમાં પણ નેતૃત્વ પૂરું પાડી રહ્યા છે.
ફૉચિ આ વિષયની એક સુજાણ વ્યક્તિમત્તા છે. પોતાની એ હેસિયતે એમણે કોરોના વાઇરસના ફેલાવા વિશે ખાતરીપૂર્વકની ચેતવણીઓ અવારનવાર ઉચ્ચારી છે. એમણે કહ્યું છે કે વાઇરસની અસરોને મન્દ કરવા જતાં આપણે કેટલાંયે બલિદાન આપવાં પડશે. વ્હાઇટ હાઉસના 'ટાસ્ક ફોર્સ' સાથેની મીટિન્ગમાં ફૉચિએ આ મતલબનું કહેલું કે : હવે એ સમય આવી લાગ્યો છે, જ્યારે પણ અસર અનુભવાય, ઍક્સિલરેટર અને બ્રેક પરથી પગ નથી ઉપાડવાનો બલકે એવો દાબ આપવાનો છે કે ઍક્સિલરેટર ડાઉન થાય : એમણે ભયંકર સંભાવના વ્યક્ત કરેલી કે ૧૦૦,૦૦૦-થી ૨૪૦,૦૦૦ અમેરિકાવાસીઓનાં મૃત્યુ થઈ શકે છે.
કથળી રહેલા જાહેર સ્વાસ્થ્ય બાબતે માર્ગદર્શનો આપવામાં તેઓ સૌ ઑફિસરોની મૉખરે રહ્યા છે. પ્રૅસિડેન્ટને સુધારવા બધા ડરતા હોય પણ ફૉચિએ ટ્રમ્પનાં અનેક ભ્રાન્ત વિધાનોને સુધાર્યા છે. દાખલા તરીકે, ટ્રમ્પને એમણે સોશ્યલ ડિસ્ટન્સિન્ગની ગાઇડલાઇન્સની ટાઇમલાઇન વધારવા કહ્યું છે – આ પૅન્ડામિકથી આંકડો કેટલે પ્હૉંચવાનો છે એ એમણે ગ્રિમ મૉડેલ્સ – ગમ્ભીર નિદર્શનો – રજૂ કરીને સમજાવેલું. દાખલા તરીકે, ટ્રમ્પે લલકારેલું કે રસી બે મહિનામાં મળી જશે, ત્યારે, ફૉચિએ જણાવેલું કે રસી હમણાં નથી મળવાની, વરસ-દોઢ વરસ લાગી શકે છે.
પણ વૈચિત્ર્ય જુઓ, ફૉચિના વરતારાની ટીકાઓ થવા લાગી છે. એમને ધમકીઓ અપાઈ રહી છે. એમની સુરક્ષા સામે જોખમો ઊભાં થયાં છે. શું કરવાનું? જ્ઞાન સામે અજ્ઞાનની લડાઈ ! સમજુને શૂળીએ ચડાવવાની વાત !
ધમકીઓ ખરેખર કેવી છે તે બહાર નથી આવ્યું પણ કેટલાક રાઇટ-વિન્ગ કમૅન્ટેટર્સ અને બ્લૉગર્સ માટે ફૉચિ હવે પબ્લિક ટાર્ગેટ છે. તેઓ ફૉચિને એમની નિપુણતા બાબતે આક્રમક ભાવે પ્રશ્નો કરી રહ્યા છે. ફૉચિને રીપોર્ટરોએ પૂછ્યું કે – તમને સિક્યૉરિટી પ્રોટેક્શન અપાયું છે? એમણે કહ્યું – એ માટે તમે HHS-ને પૂછો, મારે કમૅન્ટ નથી કરવી. આ બાબતે પ્રૅસિડેન્ટ ટ્રમ્પશ્રી શું બોલ્યા તે જાણવા જેવું છે. કહે – એમને (ફૉચિને) સિક્યૉરિટીની કોઈ જરૂર નથી. ઍવરિબડી લવ્ઝ હિમ – એમને તો હર કોઈ ચાહે છે.
નકરી હકીકત એ છે કે અમેરિકા પણ હાલ બે પાર્ટીઓમાં ચુસ્તતાથી વિભાજિત દેશ છે. ને એટલે જ ફૉચિને બીજે છેડે લઈ જઈને રંજાડવાની કોશિશ થઈ રહી છે. જો કે એ લોકશાહીય દેશમાં એમને સિક્યૉરિટી તો અપાઈ જ છે …
એવા જ બીજા જ્ઞાની બિલ ગેટ્સે પણ ઉપકારક સૂચનો કર્યાં છે. એ વાત હવે પછીના દિવસે.
= = =
(March 6, 2020 : Ahmedabad)