બરેલીના બજારમાં હમ દોનોંકી તકરારમાં ઝુમખા ગિરાનું તો સાંભળ્યું હતું, પણ બરેલીના બસ અડ્ડે શૂરી સરકાર, વગર તકરારે રાંક રૈયત પર કેમિકલનો છંટકાવ કરે એને શું કહીશું? ઉત્તર પ્રદેશના જિલ્લા મથક બરેલીના કલેકટર એને તંત્રનો અતિ ઉત્સાહ કહે છે, પણ જે તંત્ર અને સરકાર માટે એના સ્થળાંતરિત રાંક લોકો કોરોના સંક્રમણથી આમ જ “શુદ્ધ” થવાના હોય અને જ્યાં ગરીબોના જીવની કોઈ કિંમત ન હોય ત્યાં ઝુમખા ગિરે કે કેમિકલ છંટાય શું ફેર પડે છે ! એટલે જ દેશના પ્રધાન સેવકે જ્યારે કોરોના સામેના પ્રતિકાર માટે ૨૧ દિવસના લૉક ડાઉનનો આદેશ કર્યો ત્યારે એમને માટે પણ આ કામદારોની કાળજીનો કોઈ માયનો નહોતો. એમણે તો એમની ચિરપરિચિત શૈલીમાં આદેશ આપી દીધો. અમલ કરવાનું કામ તો એમને વોટ આપનારે જ કરવાનું હતું ને? જ્યારે દેશના રાજમાર્ગો પર ભૂખી ભૂતાવળોનાં ટોળાં ઉમટ્યાં ત્યારે એમની વિશ્વછબી પર જરાકેય ધૂળ ન ચોંટે એટલે દેશના મહિલા વિત્તમંત્રી અને તેમના ‘ગદ્દારોં’ બ્રાન્ડ જુનિયર મેદાને આવ્યા અને ‘માગ માગ, માગે તે આપું’ નહીં પણ ‘આટલું તો બહુ થયું’-ના અંદાજમાં જાણે ખેરાત કરતા હોય તેમ ગરીબો, ખેડૂતો, વિકલાંગો અને મહિલાઓને રાહતના ટૂકડા નાખ્યા — નામે રૂ. ૧.૭૦ લાખ કરોડનું આર્થિક પેકેજ જાહેર કરીને.
વડાપ્રધાને ૨૦૧૪ના એમના કાર્યકાળના આરંભે જ ભર સંસદમાં ગામડાંઓમાં ગરીબોને સો દિવસની રોજીની ખાતરી આપતી “મનરેગા’ યોજનાને કૉન્ગ્રેસની ગરીબીની પાલખી કહી ઉતારી પાડી હતી. પણ તેનો વિકલ્પ તે હજુ શોધી શક્યા નથી. આ મનરેગા યોજનાના મજૂરોના હાલના વેતનમાં રૂ. ૨૦નો મોટો વધારો કરવાની ઘોષણા આર્થિક પેકેજમાં કરી છે. નાણાંમંત્રી આ વધારાથી મનરેગા કામદારોને વરસે દહાડે બે હજાર રૂપિયાનો ફાયદો થવાનું જણાવે છે. મનરેગા મજૂરોનો હાલનો વેતન દર રૂ. ૧૮૨ છે, તે વધારીને રૂ. ૨૦૨ કરવાનું સરકારનું આ પગલું કોરોનાકાળમાં કેટલી રાહત આપનારું નીવડશે તે સમજવું કઠિન છે. કેમ કે દેશવ્યાપી લોકડાઉનમાં કામ બંધ હોય અને મનરેગા મજૂરો કાંઈ વર્ક ફ્રોમ હોમ તો કરી શકે તેમ નથી ત્યારે આ વધારો દેખાડો નથી તો બીજું શું છે? મનરેગા કામદારોને કેન્દ્ર સરકારે નિર્ધારિત કરેલા વેતન કરતાં રાજ્ય સરકારો વધુ વેતન આપે જ છે અને તમામ રાજ્યોની મનરેગા વેતનની સરેરાશ રૂ.૨૩૮.૫ની છે ત્યારે કેન્દ્રનો આ વધારો નકરી છેતરામણી છે. મનરેગા કામદારોને વરસે ૧૦૦ દિવસ રોજી આપવાનું વચન આપેલું છે, પરંતુ આટલા વરસોમાં કદી ૪૫ દિવસથી વધુ રોજી મળી નથી. વળી કેન્દ્ર દ્વારા રાજ્યોને સમયસર મનરેગા માટેના નાણાં ચુકવાતા નથી તેને કારણે કામદારોને રોજી ચૂકવવામાં વિલંબ થતો હોવાનું કેગના રિપોર્ટમાં કહેવાયું છે. ઓકટોબર ૨૦૧૯માં ૨૯ ટકા, નવેમ્બર ૨૦૧૯માં ૩૨ ટકા, ડિસેમ્બર ૨૦૧૯માં ૫૪ ટકા અને જાન્યુઆરી ૨૦૨૦માં ૯૧ ટકા મનરેગા કામદારોની રોજીની ચૂકવણી બાકી છે.
ખેડૂતોની આવક બમણી કરવાના વચનની મુદત લંબાવી રાખતી મોદી સરકારે ૨૦૧૯ની સામી ચૂંટણીએ ‘કિસાન સન્માનનિધિ’ યોજના શરૂ કરી હતી. આ યોજના હેઠળ સરકાર ખેડૂતોને દર ચાર મહિને ત્રણ હપ્તે બે-બે હજાર લેખે વરસે રૂ..૬,૦૦૦ આપે છે. સરકારનો દાવો છે કે તેણે ૨૦૧૯ની ચૂંટણી વખતે ૧૪.૪૯ કરોડ ખેડૂતોને તેનો લાભ આપ્યો હતો. યોજનાની વેબસાઈટ પર પણ લાભાર્થીઓની સંખ્યા ૧૪.૪૯ કરોડ દર્શાવી છે. પણ નાણાંમંત્રી જ્યારે કોરોના પેકેજમાં રૂ.૨,૦૦૦નો પ્રથમ હપ્તો એપ્રિલમાં ચૂકવી દેવાની જાહેરાત કરે છે ત્યારે લાભાર્થી ખેડૂતોની સંખ્યા ૮.૭ કરોડ જણાવે છે. તો બાકીના ૬ કરોડ ક્યાં ગાયબ થઈ ગયા? આ યોજનાના રજિસ્ટર્ડ લાભાર્થીઓની સંખ્યા ૯.૮ કરોડ હોય તે જો માન્ય રાખીએ અને ૧૪.૪૯ કરોડને ચૂંટણી જીતવા ફુગાવીને કહેવાયેલો આંકડો ગણીએ, તો પણ ૧.૧ કરોડની ઘટ પડે છે. કિસાનોને રૂ.૬,૦૦૦ દર ચાર મહિને જે તે મહિનાના આરંભે જ ચૂકવાના હોય તે હિસાબે જો એપ્રિલનો હપ્તો ડ્યુ થયો હોય તો તેમાં રાહત કે પેકેજ શું છે? મનરેગા અને કિસાન સન્માનનિધિના નાણાંની જોગવાઈ ૨૦૨૦-૨૧ના બજેટમાં કરવામાં આવી જ છે, તો આ કઈ રીતે કોરોના પેકેજ બની શકે ?
વર્તમાન સમયે આરોગ્યકર્મીઓ જીવના જોખમે કપરી કામગીરી બજાવી રહ્યા છે. દેશમાં જે બાવીસ લાખ ડોકટર્સ, નર્સ, પેરામેડિકલ સ્ટાફ અને સફાઈકામદારો કોરોનાનાં દર્દીઓની સારવાર કરી રહ્યાં છે, તેઓ જો સારવાર દરમિયાન કોરોનાના ચેપથી મૃત્યુ પામે તો રૂ.૫૦ લાખના વીમાની જાહેરાત સરકારે કરી છે. પરંતુ આ વીમારાશિ તો માત્ર અવસાન પામનારને જ મળશે, જેઓ આ કપરા કાળમાં ફરજ બજાવી રહ્યા છે તેમના સન્માનમાં માત્ર ઘંટડી કે થાળી વગાડવી કે તાળીઓ પાડવી જ પૂરતી નથી. તેમને ખાસ પગારવધારો, બોનસ કે રાહત આપવાની જરૂર હતી. આરોગ્ય કર્મચારીઓની હાલની તાકીદની જરૂરિયાત તો સુરક્ષા ઉપકરણોની છે. તે તાત્કાલિક પૂરા પાડવાને બદલે મૃત્યુવીમાની ઘોષણા પણ મજાક છે.
નાણાંમંત્રીએ કર્મચારીના જી.પી.એફ. ઉપાડના કારણોમાં કોરોનાનો સમાવેશ કર્યો તે બદલ તેમનો ઉપકાર માનીએ તેટલો ઓછો છે. પરંતુ એ હકીકત છે કે તાળાબંધી કે અન્ય કારણે કારખાનાં બે મહિના બંધ રહે તો કામદાર –કર્મચારી તેના જી.પી.એફ. ફાળાની ૧૦૦ ટકા અને એક મહિનો બંધ રહે તો ૭૫ ટકા ઉપાડ કરી શકે છે તેવી જોગવાઈ હાલમાં છે જ. તો કોરોનાના કારણનો સમાવેશમાં નવું શું છે? હા, સરકારમાબાપ આગામી ત્રણ મહિના સુધી માલિક અને કર્મચારીનો જી.પી.એફ. ફાળો ચૂકવાની છે. પરંતુ તેનો ફાયદો મજૂરો કરતાં માલિકોને વધુ થશે. વળી ૧૦૦ કરતાં વધુ કામદારો ધરાવતા ઉદ્યોગો અને રૂ. પંદર હજારથી ઓછું વેતન ધરાવતા કર્મચારીને જ આનો લાભ મળવાનો હોય તો, તેવા કામદારો-કર્મચારીઓ તો માત્ર સોળ ટકા જ છે.
એપ્રિલની પહેલી તારીખ તો નિર્દોષમજાક મસ્તીની હોય છે. આપણે ક્યારેક હોંશેહોંશે પણ એપ્રિલફૂલ બનતાં હોઈએ છીએ. પરંતુ ગુજરાત સરકારે તો કરોડો ગરીબ ગુજરાતીઓને એ દિવસે મૂર્ખ બનાવ્યા. ગુજરાતના મુખ્યમંત્રીએ ભામાશાની અદામાં સરકારના ભંડારો ખાલી મૂકી દેવાના હોય તેમ જાહેરાત કરી હતી કે તમામ રેશનકાર્ડ ધારકોને સરકાર મફત રેશન આપશે એટલું જ નહીં, તેમણે ઉમેર્યું હતું કે જેમની પાસે રેશનકાર્ડ નહીં હોય તેને પણ મફત રેશન અપાશે.
બાપડા ગરીબો પહેલી એપ્રિલની પરોઢથી જ લોકડાઉન કે કોરોના કરતાં પેટના ખાડાની પરવામાં તેઓ જેને ‘સસ્તા અનાજની દુકાન’ તરીકે જાણે છે અને સરકાર માબાપ જેને પંડિત દિનદયાળ ઉપાધ્યાય અનાજ ભંડાર કહે છે તેની બહાર ખડકાઈ ગયા. પરંતુ જેમ જેમ સૂરજ ચડતો ગયો તેમ તેમ તેમની પીડા અને પારો વધતાં ગયાં. કેમ કે મોટા ભાગના લોકોને મફત અનાજનો લાભ મળવાનો નહોતો ! કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સિતારામન અને રાજ્યમંત્રી અનુરાગ ઠાકુરે ‘પી.એમ. ગરીબકલ્યાણ અન્ન યોજના’માં દેશની બે તૃતિયાંશ વસ્તી અને ૮૦ કરોડ લોકોને હાલની યોજનામાં મળતા અનાજને બદલે બે ગણું અનાજ ત્રણ માસ સુધી મફત આપવાની જાહેરાત કરી હતી. તેમાં ગુજરાતના કેટલા ગરીબો ગણ્યા હતા તે તો રામ જાણે કે સિતારામ જાણે (“રાજ્યમાં ૮.૦૭ લાખ અંત્યોદય કાર્ડધારકો તથા ૫૭.૩૩ લાખ જેટલા અગ્રતા ધરાવતાં કુટુંબો મળી કુલ ૬૫.૪૦ લાખ નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટના કાર્ડ ધારકોની સવા ત્રણ કરોડ જનસંખ્યા” હોવાનું ગુજરાત રાજ્યના નિયામક, અન્ન અને નાગરિક પુરવઠાના તા. ૨૮-૦૩-૨૦૨૦ના પત્રમાં જણાવ્યું છે.) પણ પહેલી એપ્રિલે સવારે ગુજરાતમાં જે દૃશ્યો જોવા મળ્યાં તે તો ગરીબો પર ન તો કેન્દ્રને અનુરાગ છે કે ન તો રાજ્યને, તેની પ્રતીતિ કરાવનારા હતાં.
મહિલાઓને ઉજ્જવલા યોજના હેઠળ ત્રણ માસ સુધી ગેસ સિલિન્ડર મફત આપવાની, જનધન ખાતાધારક મહિલાઓના ખાતામાં ત્રણ મહિના સુધી દર માસે રૂ.૫૦૦ જમા કરાવવા અને મહિલા સ્વંયસહાય જૂથની મહિલાઓને રૂ. દસ લાખને બદલે રૂ. વીસ લાખની લોન જામીન વિના આપવાની સરકારની જાહેરાત કોરોનાનો સૌથી વધુ માર સહન કરનારી મહિલાઓ માટે શાતાદાયી નીવડશે. એ જ રીતે વિધવાઓ, વિકલાંગો અને વરિષ્ઠ નાગરિકો મળીને ત્રણ કરોડ લોકોને ત્રણ મહિના માટે દર મહિને રૂ. એક હજારની સહાય ચૂકવાશે તે આવકારદાયક છે. સ્થળાંતરિત કામદારો અને છૂટક મજૂરી કરનારા લોકો માટે સરકારે કોઈ ખાસ યોજના જાહેર કરી નથી. બાંધકામ મજૂરો માટેના લેબર સેસનાં નાંણા તમામ રાજ્ય સરકારો પાસે વણવપરાયેલાં પડ્યાં છે તેનો ઉપયોગ કરવાની કેન્દ્રે રાજ્યોને ભલામણ કરી છે. પરંતુ તેમાં નોંધાયેલાં અને વણનોંધાયેલાં કામદારોનો પ્રશ્ન ઊભો રહે છે. તેમ જ સરકારને લાખો-કરોડો લાભાર્થીઓના આંકડા જાહેર કરવામાં જેટલો રસ હતો, તેટલો યોજના માટેના ખર્ચના આંકડા કે બજેટ ફાળવણીમાં નહોતો. નિષ્ણાતોના મતે હાલની રૂ. ૧.૭૦ લાખ કરોડની આ આર્થિક સહાય દેશના જી.ડી.પી.ના માંડ એક ટકા જેટલી જ છે. સમગ્ર રાહત પેકેજમાં મધ્યમ વર્ગની બાદબાકી થયેલી દેખાય છે. એ સંદર્ભમાં આ રાહત ઊંટના મોંમા તણખલું કે વચનોનાં આભલાં જેવી છે. નોટબંધી કે દેશબંધી વખતે પીડાતા ભૂખ્યાજનોનો જઠરાગ્નિ જાગવાનો નથી તેની સરકારોને ખાતરી છે અને જો ભૂલેચૂકે જાગી જાય તો તેને થાળી પિટાવી કે દીવડા પ્રગટાવી પોતાના તરફ કરી દેવાની કળા તેને હસ્તગત છે.
e.mail : maheriyachandu@gmail.com
સૌજન્ય : “નિરીક્ષક” − ડિજિટલ આવૃત્તિ; 05 ઍપ્રિલ 2020