સમગ્ર માનવજાત સહિત આખું ય વિશ્વ
આજે નિરુપાય કોરોના વાઇરસની
વૈશ્વિક મહામારી સમક્ષ
પ્રત્યેક ઘર વચ્ચે ઊભી થઈ ગઈ છે
અદૃશ્ય દિવાલ !
કહો કે માણસ-માણસ વચ્ચે પડી ગયું છે
અંતર સો સો જોજનનું !
કોરોનાએ ક્યાંક્યાં રોક લગાવી નથી
એ યક્ષપ્રશ્ને આખી માનવજાતને
અસમંજસમાં મૂકી દીધી છે !
કોરોનાએ રોક લગાવી દીધી છે
રેલમાર્ગ, હવાઈ માર્ગ, દરિયાઈ માર્ગ અને
પૈદલ માર્ગ પર
મિલન, મેળાવડા અને બેસણાં પર
હળવા-મળવા અને પ્રવાસ-પર્યટન પર
વિહાર, સ્વૈરવિહાર અને તરણ પર
પાડોશી, સગાં-સંબંધીના ખબરઅંતર પર
અને આપ્તજનોની સેવાશુશ્રૂષા પર
હૉટેલ, મોટેલ, બુફે અને પંગત પર
મૉલ-મલ્ટીપ્લેક્સ અને ક્લબ પર
શાળા, મહાશાળા, કોલેજ અને યુનિવર્સિટી પર
ટપાલ, સ્પીડ પોસ્ટ અને કુરિયર પર
સંવાદ, પરિસંવાદ અને વિચારવિમર્શ પર
માત્ર એક જ બાબત પર કોરોનાએ રોક લગાવી નથી
અને એ બાબત છે : મૃત્યુ, મૃત્યુ અને મૃત્યુ
છતાં છેલ્લે છેલ્લે આખું ય વિશ્વ
અસ્પૃશ્ય, અસ્પૃશ્ય અને અસ્પૃશ્ય
સૌજન્ય : “નિરીક્ષક” − ડિજિટલ આવૃત્તિ; 30 ઍપ્રિલ 2020