== કોરોના-કાળે ==
= = = = અદ્ભુત-કરુણ તો એ થાય છે કે આ ક્ષણોમાં મ્યરસોને મા-ના શબ્દો યાદ આવે છે. એ અવારનવાર કહેતી – લાંબે ગાળે, બેટા, કોઈપણ વસ્તુ માણસને સદી જાય છે = = = =
= = = = આ એ જ દિવસે બનેલું જે દિવસે મ્યરસોને લાગેલું, એના જ શબ્દોમાં, કે આ કોટડી મારું ‘લાસ્ટ હોમ’ છે, મારો ‘ડેડ એન્ડ’ છે = = = =
= = = = એને એક સરસ વિચાર આવે છે : ઝાડના થડિયાની અંદર કૅદ થઈ જઉં ને આકાશનો ટુકડો જોઉં – જેટલો દેખાય એટલો = = = =
મ્યરસો કામૂની ‘આઉટસાઈડર’ નવલકથાનો નાયક છે, એટલો તો અરૂઢ અને જુદો છે કે એને પ્રતિ-નાયક કહેવાયો છે. એનાથી આરબની હત્યા થઈ હતી. સજાને એણે નકારી નથી પણ દૃઢતાથી કહ્યા કર્યું છે કે પોતાથી હત્યા થઈ ગઈ છે, તડકાને કારણે થઈ છે. હવે, એવી વાત તો કોણ સ્વીકારે? ધર્મના રખેવાળો કે કૉર્ટના કાયદાબાજો જોડે આ પરત્વે મ્યરસોનો ઠીક ઠીક સંઘર્ષ ચાલે છે. મ્યરસો પોતાના આ આત્મસત્યને પુરવાર નથી કરી શકતો. એના પર કેસ ચાલે છે, એને જૅલમાં કૅદ કરાય છે.
આ નવલકથા બે ભાગમાં છે. બીજા ભાગના પ્રકરણ ૨-માં દર્શાવાયું છે કે એને જેલ થઈ છે. એ પ્રકરણમાં એના જેલ-નિવાસનું નિરૂપણ છે. એ દરમ્યાન સૌ પહેલાં તો એને એમ લાગે છે કે પોતે અને પ્રશ્નકર્તા મૅજિસ્ટ્રેટ કશી રમત રમતા’તા. એને થાય છે, વાસ્તવિકતા વિશેની પોતાની દૃષ્ટિ બદલાઈ રહી છે. શરૂમાં તો એને લાગ્યું જ નહીં કે પોતે એક કૅદી છે. જે કંઈ બન્યું એની એને કશી ફૉમ ન્હૉતી રહી.
એ તો એવી આશામાં હતો કે કંઈક બનશે, એવું કે સ્વીકારી શકાય એવું ને એકદમનું આશ્ચર્યકારક. એવામાં એને એની પ્રેમિકા મૅરીનો પત્ર મળે છે. મા-ના મૃત્યુ પછી મ્યરસો વૃદ્ધાશ્રમમાં મા-ની દફનવિધિમાં ગયેલો. પણ ત્યાંથી પાછો ફરીને મૅરી સાથે ફિલમ જોવા ગયેલો. એ મૅરીએ પત્રમાં જણાવેલું કે – હું તને જેલમાં મળવા નહીં આવી શકું કેમ કે આપણે પરણેલાં નથી ને તેથી પત્નીને અપાય છે એ હક્ક તેઓ મને નથી આપતા. આ એ જ દિવસે બનેલું જે દિવસે મ્યરસોને લાગેલું, એના જ શબ્દોમાં, કે આ કોટડી મારું ‘લાસ્ટ હોમ’ છે, મારો ‘ડેડ એન્ડ’ છે.
શરૂમાં તો એને એક મોટા હૉલમાં રાખેલો, જ્યાં અનેક આરબો હતા, એટલે કે, વતનવાસીઓ અને તેમની વચ્ચે, પોતે એક ફ્રૅન્ચમૅન ! એ કહેતો કે પોતાથી આરબની હત્યા થઈ છે પણ પેલા એને કાન ન્હૉતા આપતા. પછી મ્યરસોને કોટડીમાં લાવેલા. મ્યરસો કહે છે કે ત્યાં એક નાની બારી હતી ને તેમાંથી દરિયાની ઝાંખી થતી’તી. એને થાય છે, પાણી પર તડકો ઝલમલે છે, ન્હાવાની કેટલી મજા આવે. આરબની હત્યાની કબૂલાત વખતે એણે સૂર્યના એ જ તડકા માટે કહેલું કે – જે થયું એ તડકાને કારણે થયું છે …
પોતાની આસપાસના દશ્યને મ્યરસો સરસ રીતે પૂરી વીગતોમાં વર્ણવે છે. કેમ કે માણસ કૅદમાં હોય ત્યારે એને ઝીણુંઝીણું બહુ દેખાય. એણે અમુક અન્તરથી તમુક અન્તર લગી પ્હૉંચવામાં કેટલાં પગલાં થાય એ પણ ગણી રાખ્યું છે. પાછળથી એવી જોગવાઈ થાય છે કે બીજાં વિઝિટર્સ દૂરથી પોતાના કૅદી સ્વજનને મળે એમ મૅરી પણ મ્યરસોને મળી શકશે. પણ ખાસ કશી સફળતા નથી મળતી. ચોતરફ આરબોનો બબડાટ ને ફુસફુસાટ હતો. મૅરી સળિયાને ચૉંટેલી હતી, સુન્દર લાગતી’તી. મ્યરસોને થાય છે પોતે એને ‘બહુ સુન્દર લાગું છું’ એમ કહે પણ એનાથી એ નથી થતું કેમ કે ઘણા આરબો વચ્ચે આવી ગયેલા ને એ લોકો એમની બધી પંચાતોમાં રઘવાયા હતા. છતાં, મૅરીએ આવુંબધું પૂછેલું : તું કેમ છો? તને જોઈએ એ બધું છે ને તારી પાસે? : સાવ ઉપલકિયા પ્રશ્નો હતા છતાં મ્યરસો ઝડપઝડપમાં પણ ચૉક્કસ ઉત્તરો આપે છે. વળી પાછા આરબો પોતાની મુશ્કેલીઓના માર્યા વચ્ચે આવી જાય છે. એ દખલગીરીને લીધે બન્ને ખાસ્સાં વેગળાં પડી જાય છે …
દરમ્યાન, મ્યરસોને જેલમાંથી મુક્ત થવાની, મૅરીને ફરીથી પામવાની, મૅરીના પાતળા ડ્રેસમાંથી દેખાતી એની કાયાને અનુભવવાની તીવ્રતમ ઇચ્છા થાય છે. દૂરથી મૅરી કહેતી હોય છે : તું છૂટી જવાનો છું. આપણે વળી પાછાં સાથે સ્વીમિન્ગ કરશું. તું આશા છોડતો નહીં : પણ પેલા ઘૉંઘાટમાં મ્યરસોને કશું સંભળાતું નથી. મૅરી બોલ્યા કરે ને મ્યરસોને સરખું સંભળાય નહીં એવી એ ક્ષણો ખરેખર બહુ દુ:ખદાયી હતી …
મ્યરસો જણાવે છે કે પહેલાં તો પોતાને ચક્કર આવ્યાં કેમ કે કોટડી અંધારી હતી વળી અતિ અતિ શાન્ત. કેટલોક સમય તો એ ચૂપ હતો. જેલની વાસ્તવિકતા અકારી થઈ પડેલી. એને થાય છે, પોતે હવે મુક્ત માણસ નથી. હવે એને કૅદીઓને આવે એવા વિચારો આવે છે. એને થાય છે, દિલ અને દિમાગ તેમ જ વૃત્તિઓ ઝંખે એવું બધું હવે નહીં કરી શકાય. જો કે, કેટલુંક કરાય એવું છે – રોજનું ચાલવાનું કૉર્ટયાર્ડમાં કરી શકાય. એને એક સરસ વિચાર આવે છે : ઝાડના થડિયાની અંદર કૅદ થઈ જઉં ને આકાશનો ટુકડો જોઉં – જેટલો દેખાય એટલો. કષ્ટ તો પડશે પણ ગોઠવાઈ જઈશ. એમ કરાય તો, આકાશી પંખીઓ ને વહેતાં વાદળ જોવાની કેવી મજા આવશે ! એટલું થાય તો જીવને બહુ સારું લાગશે. એને વિચાર આવે છે કે : સજા સામે ભલે ને આછો પણ એ મારો વિદ્રોહ હશે. એથી મને આ ન સમજાતી કૉર્ટને અને ન સમજાતી આ દુનિયાને હું મ્હાત્ કરવાનું બળ મળશે. અદ્ભુત-કરુણ તો એ થાય છે કે આ ક્ષણોમાં મ્યરસોને મા-ના શબ્દો યાદ આવે છે. એ અવારનવાર કહેતી – લાંબે ગાળે, બેટા, કોઈ પણ વસ્તુ માણસને સદી જાય છે …
સૅક્સ – વાસના – કૅદ દરમ્યાન કોને ન સતાવે? મ્યરસોને ય સતાવે જ છે પણ પૂર્વકાળની સ્ત્રીઓને યાદ કરીને એ મન મનાવી લે છે. એ સ્ત્રીઓના ચ્હૅરાથી કોટડી સભર થઈ ગઈ. જો કે એ ખુશીની વચ્ચે એને સમજાય છે કે સૅક્સ તો ક્યાં શક્ય છે, અશક્ય છે. એટલે, મ્યરસોને કંટાળો આવે છે – શું કરવાની એ યાદોને? મ્યરસોને સિગારેટ પીવાની પણ મનાઈ છે. કહે છે – એથી તો હું સાવ જ નંખાઈ ગયો છું. એથી ક્રમશ: સ્ફુરેલા જાતસંકુચનને – વિથ્ડ્રોઅલને – તેમ જ એથી શરૂ થયેલી ચીડ અને ગ્લાનિ જેવી લાગણીઓને મ્યરસોએ વીગતે વર્ણવ્યાં છે.
એને ખાતરી થાય છે કે પોતે એક કૅદી છે ને કૅદીને હમેશાં સજા થાય છે – જેવી કે પોતાને થઈ રહી છે. આવા આત્મભાનથી એ હસી પડે છે કેમ કે એને થાય છે કે સિગારેટ નથી તો શું બગડી ગયું …ચાલશે, બિલકુલ ચાલશે … સત્તાવાળા શું તોડી લેવાના છે, હવે ! ધીમે ધીમે મ્યરસોને કંટાળાને હરાવવાનું આવડી જાય છે. જ્યારે પણ કંટાળો આવે, યાદોમાં ચાલી જવાનું. દાખલા તરીકે, પોતાના ઍપાર્ટમૅન્ટને યાદ કરવાનો, એની એકોેએક ચીજને ઝીણામાં ઝીણી વીગતોમાં યાદ કરવાની. લાકડાની વસ્તુઓના રંગ, તે પરની ખાંચખૂંચ, ઘસરકા કે લીકા … એને થાય છે કે આ બધું તો પોતે પહેલાં ક્યારે ય જોયું જ ન્હૉતું. એ બધું જેમ હતું, જેમ એ હતો. એને એ વસ્તુઓની મહત્તા સમજાઈ ન્હૉતી જેમ એ વસ્તુઓને એની ન્હૉતી સમજાઈ.
યાદોનું એવું છે કે આવ્યા જ કરે, યાદ કરો તેમ વધુ ને વધુ આવે – આ સત્યને મ્યરસો ઓળખી ગયો છે. એ જણાવે છે – આ છે, મારું વળતર ! અને માનવતાને તેમ જ બધી આશાઓને ગૂંગળાવનારી સિસ્ટમ્સ પરનો આ છે મારો વિજય ! એને થાય છે પોતે જીવતો’તો એ દુનિયા તો ત્યારે હતી જ કાં ! હવે એ જાગી. પણ એ તો અત્યારે જાગી, જ્યારે મન એમાં જીવવાની મનાઈ છે ! એ ઊંઘી જાય છે. ઊંઘ પણ કંટાળાના નાશનો ચૉક્કસ ઇલાજ છે.
જેલરે કહ્યું કે ભાઈ તમે છ-છ મહિનાથી અહીં છો, પણ મ્યરસોને એ શબ્દો અર્થ વગરના લાગે છે, એ શબ્દોની એને કશી અસર નથી થતી. મ્યરસો ટિનની એની નાનકડી તાસકમાં પોતાના ચ્હૅરાને નિહાળે છે, એમ નક્કી કરવા કે પોતે બદલાયો છે ખરો. તાસકને આમથી તેમ ફેરવી ફેરવીને જુએ છે પણ એ જ તંગ અને એ જ શોકાકુલ ચ્હૅરો. સૂર્યાસ્ત જોતો’તો, ત્યારે એને સમજાયું કે ક્યારનો પોતે પોતાની જ સાથે વાતો કરતો’તો – ખબર જ ન પડી ! મ્યરસો કહે છે – બહારના માણસને શું ભાન પડવાનું કે જેલમાં સાંજો કેવીક હોય છે.
સ્વતન્ત્રતા કે કશી મૉકળાશ વિનાની આ જગ્યામાં સમય મ્યરસો માટે બહુ મોટા મહત્ત્વની વસ્તુ છે, ખાસ તો એ કારણે કે એ, સમય, ખૂટતો જ નથી, અવિરત અનુભવાય છે. મ્યરસોને એક જ સાર પકડાયો છે કે યાદોથી અને ઊંઘી ઊંઘીને પોતે આ સજાને હંફાવશે.
એ ઊંઘી જ ગયેલો. એણે કહ્યું છે : પછી મને લાંબી ઊંઘ આવી હશે કેમ કે આંખ ખૂલી ત્યારે તારાઓ મારા ચ્હૅરા પર પ્રકાશતા’તા, આછા અવાજો બહારથી અંદર આવતા’તા. રાતની ઠંડી હવા ધરતીની તેમ જ દરિયાની ખારી સુવાસ સાથે મને પંખો નાખતી’તી. ભરતીનાં મોજાંની જેમ ઊંઘરેટી રાતની સમ-સમતી શાન્તિ મારામાં છલકાઈ ઊઠી …
એમ કહેવાય છે કે આ નાની શી અને સરળ દેખાતી કૃતિ, ‘આઉટસાઈડર’, મન બુદ્ધિ હૃદયને એવાં તો ઊંડે લઈ જાય છે કે એ માટે માણસે એક આખી ચૉપડી ભરીને વાત કરવી જોઈએ. તો, આગળ તો શું કહું?
= = =
(March 29, 2020 : Ahmedabad)