તાજેતરમાં રાજકોટ, જામનગર અને અમદાવાદ-વડોદરા વચ્ચે પાંચેક અઠવાડિયાં ગાળવાનો લ્હાવ મળ્યો. તે વખતે અખબારોમાં આવતા સમાચારો દ્વારા અને જાગૃત નાગરિકો સાથેના સંવાદ મારફતે કેટલીક રસપ્રદ માહિતી મળી અને પ્રબુદ્ધ સ્વજનોના અભિપ્રાયો અનાયાસ જાણવા મળ્યા જે અહીં ટપકાવું.
એક સમાચાર હતા : ‘અમદાવાદમાં વિશ્વની સૌથી મોટી હોલસેલ માર્કેટ બનશે. 500 એકર જમીન પર ચીની પેઢી સાથે મળીને આ સાહસ થશે. અઢી લાખ કામદારોને રોજગારી મળશે.” એ વાંચતાં જાણે સંવાદદાતા, હોલસેલ માર્કેટના માલિક અને તે માટેની પરવાનગી આપનાર સત્તાધારીઓ એક ખુશ ખબર સુણાવતા હોય તેવો ટોન સંભળાયો. હા જ તો વળી, ગુગલ પર ‘દુનિયાની સૌથી મોટી હોલસેલ માર્કેટ’ લખો અને તેમાં અમદાવાદની આ માર્કેટનું નામ આવે તો કયો ગુજરાતી ન પોરસાય?
વધુ માહિતી વાંચતાં જણાયું કે ઇન્ડિયા ઇન્ડસ્ટ્રીઅલ ટ્રૈડ સેન્ટરનો આ પ્રોજેક્ટ છે. દોઢ અબજ ડોલર ખર્ચવાના વચન પર સહી સિક્કા થયા છે અને આવતા ત્રણ વર્ષમાં 75 કરોડ ડોલરનું રોકાણ કરવામાં આવશે તેવું આયોજન છે. ગ્રાહક વપરાશની ચીજો અને ઔદ્યોગિક માલ સામાનના ભારતીય અને વિદેશી ઉત્પાદકોનાં માલનું વેચાણ। કરતી આ હોલસેલ માર્કેટમાં નાણાં ચીની કંપનીના રોકાશે અને તેની વ્યવસ્થા અને સંચાલન ભારતીય કંપનીનું રહેશે. વેપારની અન્ય જોગવાઈઓ ઉપરાંત કર્મચારીઓ માટે ચાર હજાર ફ્લેટ્સ પણ બનાવાશે જેને માટે રાજ્ય સરકાર સાથે જમીન મેળવવા વાટાઘાટ ચાલે છે.
હવે આ સમાચાર તો ભારતની વેપારી ક્ષેત્રે થઈ રહેલી ઉન્નતિ અને આર્થિક સમૃદ્ધિના દ્યોતક છે એટલે તેમાં કંઈ ખાસ નવું નથી, પણ મારા સંપર્કમાં આવેલ શિક્ષિત લોકોનાં પ્રતિભાવોએ મને આ લખવા પ્રેરી. એ પ્રતિભાવોનો સાર કંઈક આવો હતો : ‘જુઓ, માત્ર પાંચ મહિનામાં નરેન્દ્ર મોદીની સરકારે ઘણું સારું કરી બતાવ્યું છે, હો. હવે જમાનો જ સુપર માર્કેટ અને ઈન્ટરનેટ વેપારનો છે. મોદી પોતાના વતનને લાભ થાય એનું ધ્યાન તો રાખે ને, ભાઈ સાહેબ? અઢી લાખ કામદારને રોજગારી મળે અને રહેવા આવાસો મળે તે કંઈ જેવી તેવી સુવિધા ગણાય? વળી એ હોલસેલ માર્કેટની આજુબાજુનો વિસ્તાર ટ્રક અને મોટર ગાડીઓથી ધમધમતો થઇ જશે અને દેશ વિદેશના નાના મોટા વેપારીઓ સોદા કરવા આવતા થઈ જશે તે નફામાં. આપણને (ગુજરાતીઓને, અને ખાસ કરીને અમદાવાદના ઉચ્ચ માધ્યમ વર્ગના લોકોને જ તો, વળી) તો ભાઈ ઘી કેળાં, તો બીજાની શી પરવા?’
મારા દેશ બંધુઓ-ભગિનીઓનો ઉત્સાહ મંદ ના પડે એવી હળવાશથી મેં કહ્યું, ‘તમે સિક્કાની એક બાજુ જોઈ, હવે આપણે એ અખબારોના સંવાદદાતા, હોલસેલ માર્કેટના માલિક અને તે માટેની પરવાનગી આપનાર સત્તાધારીઓને પૂછીએ કે ભાઈ આ 500 એકર જમીનના માલિક અત્યારે કોણ છે? એ કંઈ સાવ વેરાન અને બિન વારસ જમીન તો નહીં હોય. એવડો મોટો જમીનનો પટ ખરીદવા જતાં નાના મોટા જમીનના માલિકોને શું વળતર અપાયું અને તેઓ ક્યાં સ્થળાંતર કરી જશે? એવી જ રીતે આ ખુશ ખબરનો ઢોલ પીટનારા અઢી લાખ લોકોને રોજગારી મળશે એ કહેશે પણ તેને કારણે કેટલા લાખ લોકો બેકાર બનશે એ કેમ નથી કહેતા? જરા વિચાર કરો, એ મહાકાય માર્કેટમાં આવનાર માલ હાલમાં બીજા નાના મોટા વેપારીઓ-ઉદ્યોગપતિઓ લે-વેચ કરે જ છે, તો એમના પેટ પર પાટુ નહીં પડે? યાદ રાખવું ઘટે કે એ અઢી લાખ તો માત્ર વાણોતર હશે જે પોતાના નાના વેપારના એકદા ‘માલિક’ હશે. એટલે કાકા મટીને ભત્રીજા થવાની વાત છે.
મોટા પહોળા રસ્તાઓ પર દોડતાં ગંજાવર વાહનો અને ચકમક થતી મોટર ગાડીઓના હોર્નથી પ્રભાવિત થનારા ગુજરાતીઓને ખ્યાલ છે જ કે ભારતના ધનાઢય અને સાધન સંપન્ન વેપારીઓ જ આ હોલસેલ માર્કેટનો લાભ લઈ શકશે. બીજું, જેનું નાણું તેનું ગાણું એ વાત વ્યાપાર અને વ્યવહાર કુશળ ગુજરાતી પ્રજાથી વધુ સારી રીતે કોણ સમજી શકે? ભારતની વહીવટી વ્યવસ્થા ગમે તેટલી સારી હશે, પણ તે અને ગ્રાહકો રૂપી બે બિલાડી વચ્ચે ન્યાય તોળનાર ચીની કંપની રોટલાનો મોટો ટુકડો જપ્ત કરી જશે તેમાં લેશ શંકા નથી. નાણાંકીય ગુલામીનો દરવાજો જાતે જઈને ખખડાવવો તે આનું નામ. ચીની કંપની આપણી લાલચુ વૃત્તિ અને મૂર્ખામી પર હસતી હશે.
દુ:ખની વાત એ છે કે અમેરિકા પાસે ‘વર્લ્ડ ટ્રેડ સેન્ટર’ હતું તો ભારત કહે, ‘હમ ભી કુછ કમ નહીં હૈ’. પણ પશ્ચિમના દેશો પોતાની જ આ મૂડીવાદી અર્થવ્યવસ્થા અને બજારુ વૃત્તિથી વાજ આવી ગયા છે. જુઓ શું થયું? સંપત્તિ એક જગ્યાએ એકઠી કરી તો બીજાની ઈર્ષ્યાને પાત્ર ઠર્યા અને આતંકવાદીઓએ જોડિયા ટાવરને ઘડીમાં ફૂંકી માર્યા. કેન્દ્રીય અર્થ વ્યવસ્થાને પગલે કેન્દ્રીય સમાજ અને રાજ્ય વ્યવસ્થા આવે જે શોષણ અને અન્યાયનું મૂળ હોય છે. જપાન અને ચીનમાં બને છે તેમ એ ચાર હજાર આવાસોમાં રહેતા કામદારો ઘડીભર વિચારશે કે અમે તો અમારી જમીન અને નાનો સૂનો વેપાર વેંચીને બેકાર થયેલા હતા, તો ભલું થાજો આ બહુ રાષ્ટ્રીય કંપનીનું કે તેણે અમને રોટી, કપડાં અને મકાન આપ્યાં.
થોડાં વર્ષો પછી એમની આંખ ઉઘડશે કે તેમની પાસે માનવ શક્તિની બહાર હોય તેટલું કામ લેવામાં આવે છે, કુટુંબ સાથે ગાળવા સમય નથી રહેતો, કામ કરવાની વ્યવસ્થા સારી નથી અને વધારામાં એ હોલસેલ માર્કેટને થતો મોટા ભાગનો નફો તેના ચીની અને ભારતીય માલિકો જ ઢસડીને પોતાના ઘર ભેગો કરે છે અને પોતાને ભાગે રસ ચુસાઈ ગયેલા ગોટલા જ આવે છે. તે વખતે અન્યાય સામે માથું ઊંચકવા જેટલી શક્તિ પણ તેમનામાં નહીં રહી હોય. જમીનદારીના જમાનામાં જેમ બંધુઆ મઝદૂર હતા તેમ હવે આ નવી રીત છે જે કંપનીના માલિકો અને તેના કામદારોને એક પ્રકારના માલિક-ગુલામના ચોકઠામાં મૂકી દેવાની જેની તેમને – ખરું જોતાં કામદાર વર્ગને – જાણ પણ ન થાય તેવી રીતે ફૂંકી ફૂંકીને ભોળવવામાં આવે છે.
હું મારા તમામ ગુજરાતી ભાઈ-બહેનોને યુનાઇટેડ કિંગ્ડમ અને અમેરિકા જઈને જાત તપાસ કરવાનું આમંત્રણ આપું છું (અલબત્ત, તેમના પોતાને હિસાબે અને જોખમે). ખેતી, ડેરી અને તેને લગતા તમામ ગૃહોદ્યોગ-ગ્રામોદ્યોગને આધુનિકતાને નામે કેન્દ્રિત કરીને મૂડીવાદ અને બજારુ વેપાર વાણિજ્ય વિકસાવવાને પરિણામે આજે પાતાળમાં ચાંપી દેનારી મંદીના ભોગ બનવું પડ્યું છે. હોલસેલ માર્કેટ્સ પેલી માન્ચેસ્ટરની સૂતરની મિલોની જેમ માંદી પડી, મોટી મોટી સુપર માર્કેટ્સ ખુલતાં નાની દુકાનો અને છૂટક વેપારીઓ બેકાર બનતા જાય છે અને સરકારી મદદ પર અથવા સદાવ્રત પર નભતા થાય છે. વિદેશમાં એક બાજુ શ્રમનું મહત્ત્વ હોવાને કારણે ડોકટરનો દીકરો કે દીકરી પ્લમર થવાનું પસંદ કરે કેમ કે તેમાં આવક વધુ છે તો બીજી બાજુ કોલસાની ખાણ કે કાપડની મિલમાં કામ કરનારનાં સંતાનો સુપર માર્કેટની ફર્શ સાફ કરીને ગુજરાન ચલાવે છે. જો અમદાવાદમાં ખુલનારી વિશ્વની મોટામાં મોટી હોલસેલ માર્કેટ અને તેના જેવાં બીજાં સાહસો થતાં રહેશે તો જગતનો તાત મનાતો ખેડૂત અને પ્રજાને પ્રેમથી સ્થાનિક ઉદ્યોગોથી પેદા થયેલ માલ વેચનારો વણિક એ માર્કેટમાં અભેરાઈઓ પર દેશ-વિદેશની સસ્તી ચીજો ગોઠવનારો એક વાણોતર માત્ર બની જાય એ પરિસ્થિતિ દૂર નહીં હોય.
મોદીની આપેલી મધલાળથી મોહી પાડનારાઓને એટલી જ વિનંતી કે આવા બહુરાષ્ટ્રીય કેન્દ્રિત વેપાર સાહસોથી હાથી જેવી મૂડી રોકનાર વિદેશી કંપનીઓને મણના હિસાબે નફો મળી રહેશે પણ તેમાં કામ કરનારને અને જેની જમીન અને વેપાર ખૂંચવી લેવામાં આવશે તેવી કીડીઓને કણ પણ નહીં મળે એ હકીકત સમજે અને અસર પામનાર તમામ લોકોની સાથે મળીને લેવાનાર પગલાનો સક્રિય વિરોધ કરે.
e.mail : 71abuch@gmail.com