પ્રસ્તાવના : ગુજરાતને પુરાતત્ત્વ અને ઇતિહાસની દૃષ્ટિએ જોઈએ તો સિંધુ સંસ્કૃિતના ભાગ લેખે, વાયવ્ય ખૂણેથી જુદા જુદા સમુદાયો આવ્યા હશે અને અહીં વસતી આદિવાસી ભીલ પ્રજા સાથે સંસર્ગમાં આવ્યા હશે. પાંચ હજાર વર્ષ પૂર્વે શ્રીકૃષ્ણની સાથે યાદવો મથુરાથી ગુર્જર પ્રદેશ પશ્ચિમ દિશાએ આવ્યા હશે. બે હજાર વર્ષ પૂર્વે શક અને કુશાનો ઉત્તરેથી આવીને અહીં રાજકર્તા બન્યા હશે. ગુજરાતની રાજધાની ગિરિનગર જૂનાગઢ બાદ વલ્લભી વિકસી હશે. ત્યાર બાદ પાટણમાં પહોંચી. તે ગાળામાં હૂણો અને ગુર્જરો મધ્ય એશિયાની સંસ્કૃિત ગળથૂથીમાં લઈને આવ્યા હશે.
આ પ્રજાઓ ભૂમિ માર્ગેથી આવી. પરંતુ આરબ અને ઈરાની સોદાગરો ગુજરાતના બંદરો પર આવી વેપાર કરતા હતા, એવું અભિલેખોને આધારે તેમ જ આરબ મુસાફરોનાં વૃત્તાંતો પરથી કહી શકીએ. તે જ રીતે પારસીઓ સમુદ્ર માર્ગે આવી દૂધમાં સાકરની જેમ ભળી ગયા. આ રીતે તુર્ક, આરબ, ઈરાની, અફઘાની, મોગલ જે મધ્ય એશિયામાંથી સૈનિક તરીકે, તેમ જ ગુલામ તરીકે આવેલા સીદીઓ, બધા ઈસ્લામ ધર્મના અનુયાયીઓ પણ તેરમી સદી પછી ગુજરાતને પોતીકુ બનાવીને વસ્યા, આને પરિણામે ગુજરાતમાં પંચરંગી અવનવી રંગછાયાઓ ઉપસી. એ સઘળી રંગ છાયાઓ આજના ગુજરાતના પહેરવેશમાં, ખાનપાનમાં અને વાણીમાં અભિવ્યક્ત પામી છે. આજે જેને આપણે ગુજરાતની વિશિષ્ટ સંસ્કૃિત ગણીએ છીએ, તે વાસ્તવમાં આદિવાસીઓના આરંભિક કાળથી શરૂ કરી, સિંધુ સંસ્કૃિતથી અંગ્રેજોનું શાસન સ્થપાયું, ત્યાર સુધીની, હજારો વર્ષથી આવીને વસેલી પ્રજાઓના પરિણામથી સંયુક્તરૂપે વિકસેલી સંસ્કૃિત છે.
કનૈયાલાલ મુનશીએ ‘ગુજરાતી સાહિત્ય પરિષદ’ના આશ્રયે, ઇ.સ. ૧૯૩૯માં, પાટણ મુકામે યોજાયેલ ‘શ્રી હેમસારસ્વત જ્ઞાનસત્ર’ના પ્રમુખ સ્થાનેથી આપેલા વ્યાખ્યાનમાં જણાવેલ હતું કે ‘આજે આપણે જેને ગુજરાત કહીએ છીએ એના પિતા તો છે સિધ્ધરાજ. મૂળરાજે જે જે શરૂ કર્યું તે એના વંશજે પૂરું કર્યું. ગુર્જર મંડલને લાટ, સોરઠ ને કચ્છ એના બાહુબળે ભેગા મળ્યા અને સતત યુધ્ધોત્સાહમાં એકતા પામ્યા. પણ મેં (ક.મા. મુનશી) ફરી ફરી કહ્યું છે તેમ ગુજરાત પ્રાંત નથી, માત્ર જનસમુદાય નથી, એ તો પેઢી દર પેઢી ગુજરાતીઓએ સંકલ્પપૂર્વક સેવેલી, પેઢીએ પેઢીએ નવી સિદ્ધિ પામતી, સામુદાયિક ઈચ્છા શક્તિએ એ સબબ બનેલી જીવનભાવના છે. એ ભાવનાનું તીવ્ર ભાન તે ‘ગુજરાતની અસ્મિતા.’’
ગુજરાતમાં નવજાગૃતિની શરૂઆત : ઓગણસમી સદીમાં પાશ્ચાત્ય શિક્ષણ અને સભ્યતાના પ્રભાવથી ગુજરાતમાં જે નવજાગૃતિ આવી હતી તેના પરિણામે સામાજિક અને ધાર્મિક ક્ષેત્રે જે નવી વિચારસરણીઓનો ઉદ્ભવ થયો હતો તેની અસર વીસમી સદીમાં ચાલુ રહી હતી. આ નવી વિચારસરણીઓના કારણે ધર્મક્ષેત્રે જે ક્રાંતિકારી પરિવર્તન આવ્યું તેની ગુજરાતના સાંસ્કૃિતક જીવન પર નોંધપાત્ર અસર થઈ છે. મુખ્ય બાબત એ છે કે આ સમયગાળામાં શિક્ષણ અને ધર્મ સમાજ સુધારણાનું વાહન બને છે. પાશ્ચાત્ય શિક્ષણ સભ્યતાના પરિચયને કારણે ધર્મ વિશેનો અભિગમ બદલાઈ ગયો, ધર્મ વિશેના રૂઢ અને સંકુચિત ખ્યાલો દૂર થયા અને એ અંગે વિચારણા કરવા માટે ઐતિહાસિક દૃષ્ટિનો વિકાસ થયો, શિક્ષકો અને સમાજ સુધારકોએ સુધારાનો સૂર ધીમે ધીમે સંભળાવીને ધાર્મિક વહેમ, અંધશ્રધ્ધા, મૂર્તિપૂજા તેમ જ કર્મકાંડમાં ડુબેલી ગુજરાતની પ્રજામાં નવું ચૈતન્ય પ્રગટાવ્યું. આ ઉપરાંત યુરોપીય મિશનરીઓની તેમ જ સરકારી નિશાળો, ઉચ્ચ શિક્ષણ આપતી કોલેજો અને યુનિવર્સિટીઓ, છાપખાના, વર્તમાનપત્રો તેમ જ સામયિકો, વ્યવસાયી અને અવેતન રંગભૂમિ, ધર્મ, શિક્ષણ અને સાહિત્યના વિકાસ માટે સ્થાપવામાં આવેલી સંસ્થાઓ ઇત્યાદિને કારણે ગુજરાતમાં આ સમયગાળામાં સાંસ્કૃિતક ઉત્થાનની શરૂઆત થઈ હતી. ગુજરાતના સમજુ અને શિક્ષિત વર્ગમાં પરંપરાગત ધર્મ સંપ્રદાયોના મૂલ્યાંકનમાં ઐતિહાસિક અને વૈજ્ઞાનિક અભિગમ આવ્યો. પરિણામે ધાર્મિક આચાર વિચારમાં પરિવર્તન આવ્યું. બુધ્ધિવાદની સરાણ ઉપર ધર્મ સંપ્રદાયોની કસોટી થવા લાગી.
આ સમયગાળામાં, ઇ.સ. ૧૯૧૫માં, આફ્રિકાથી ગાંધીજીનું ભારતમાં આગમન એ ગુજરાતના ઇતિહાસની એક મહત્ત્વની ઘટના છે. વીસમી સદીના ભારત કે ગુજરાત પર જ નહિ, પરંતુ સમગ્ર જગત પર ગાંધી વિચારસરણીનો પ્રભાવ પડ્યો હતો. અસ્પૃશ્યતા નિવારણ અને ‘હરિજન ઉધ્ધાર’નાં કાર્ય દ્વારા ગાંધીજીએ હિન્દુ ધર્મના રૂઢ આચારોમાં ક્રાંતિકારી ફેરફારો કર્યા અને પ્રજામાં ‘સર્વ ધર્મ સમભાવ’ની ભાવના જાગૃત કરી. મહાત્મા ગાંધીજીના પ્રભાવ હેઠળ કિશોરલાલ મશરૂવાળા, કાકાસાહેબ કાલેલકર, કેદારનાથ, સ્વામી આનંદ, પંડિત સુખલાલજી, વિનોબા ભાવે અને વિમલા તાઈ જેવાં વિદ્વાનોએ ધર્મનું ચિંતન સામાજિક, રાષ્ટ્રીય અને વૈશ્વીક ભૂમિકાએ કર્યું.
‘હિન્દ સ્વરાજ્ય’માં મહાત્મા ગાંધીએ કહ્યા મુજબ ભારતીય પ્રજાની અસ્મિતા મુખ્યત્વે બંગાળના ભાગલાને લીધે ઘડાઈ, અંગ્રેજો તરફથી થતા અન્યાયો અંગે સભાનતા જન્મી અને તેથી આપણામાં એકતા આવી. આ એકતા પાછળની શક્તિ અભય અને આપભોગમાંથી આવ્યાનું ગાંધીજીએ આપણને કહ્યું છે. ઊભા થયેલા અશાંતિ અને અસંતોષને યોગ્ય માર્ગ મળવાથી આ અસ્મિતા રચાઈ હતી. આગવી અસ્મિતાથી રાષ્ટ્રની અવધારણા પણ મજબુત થઈ. સ્વરાજ પૂર્વે ઊભી થયેલી રાષ્ટૃીય અસ્મિતામાં સાંસ્કૃિતક, મનોવૈજ્ઞાનિક અને આધ્યાત્મિક તત્ત્વો જોવા મળ્યા હતા. આ તત્ત્વો આપણી સભ્યતાના પણ સૂચક છે.
શું ભારત કે ગુજરાતની અસ્મિતા અને વૈશ્વીક અસ્મિતા વચ્ચે ટકરાવ છે? છેક ઇસ્વી સનની પાંચમી સદીમાં પાણિનિએ ‘અષ્ટાધ્યયી’માં કચ્છ, સૌરાષ્ટ્ર, વલ્લ્ભીપુર, આનર્ત, મહીં પ્રદેશ બતાવેલ છે. દસ હજાર વર્ષના અહીં કચ્છમાં 'લોથલ' સંસ્કૃિતના અવશેષો આજે પણ હયાત છે, જેને અમેરિકાના પૂર્વ પ્રમુખ બીલ ક્લીંટન નજરે જોવા આવ્યા હતા..
હકીકત એ છે કે હજારો વર્ષથી ગ્રીસ, રોમ, બેબીલોન સાથે ગૂગળ, હાથીદાંત, અકીક, પન્ના, સુતરાઉ, રેશમી કાપડનો વેપાર થયેલો છે. અહીં ગુજરાતમાં શૈવ, વૈષ્ણવ, સૂર્ય, બૌધ્ધ, જૈન જીવન પ્રણાલી છે. શક, હૂણ, મૈત્રક, બર્બર, ગુર્જર, બ્રાહ્મણ, ચાલુક્ય છે. સોલંકી વંશ પણ છે. ગુર્જર પરથી ગુજરાત થનાર આ મુલકને સોલંકી શાસને એકતા અર્પી હતી. આજથી એક હજાર વર્ષ પૂર્વે જ ‘ગુજરાત’ નામ આ પ્રદેશને સાંપડ્યું.
૧૨મી સદીમાં સોલંકી વંશે આરંભેલી ગુજરાતની ગાથા કરણઘેલોના રાજ સુધી રહી હતી. ૧૩મી સદીમાં ખીલજી, ગુલામ, તુઘલખ વંશો અહીં આવીને વસ્યા હતાં. ૧૫મી સદીમાં અહમદ શાહ બાદશાહે પાટણથી નવી રાજધાની અમદાવાદ વસાવી ગુજરાત પર રાજ કરતા હતાં. તેમના વંશજ મેહમુદ બેગડોએ જૂનાગઢ, કચ્છ, સિંધ, ચાંપાનેર સુધી રાજ્યનો વિસ્તાર કર્યો હતો. તે બાદ મોગલ, ફિરંગી અને અંગ્રેજ આવ્યાં. સોળમી સદીમાં ગુજરાતી ભાષાનું લેખિતરૂપ બંધાયું, નરસિંહ, મીરાં, ભાલણ, નાકર વગેરેએ ભાષાને આંકી સંસ્કૃત, પાકૃત, પાલી દ્રવિડ, ફારસી, અરબી, ઉર્દૂ, રાજસ્થાની હિન્દીના મિશ્રણથી બનેલી રચનાઓ ગુજરાતમાં થતી રહી. લોક એની બોલીમાં જીવતું રહ્યું. દેશી પરદેશી ભાષા સાહિત્યનાં સ્વરૂપો એકમેકમાં ઊતરતા રહ્યા. કચ્છ, કાઠિયાવાડમાં સૂફી, નિર્જાર સ્વર પ્રસર્યા, આદિવાસી, મહામાર્ગ, હિન્દુ, ઈસ્લામ, પારસી, જૈન, શૈવ, સ્વામીનારાયણ, પ્રણામી ધર્મ, આર્યસમાજ, કબીરપંથ વગેરેની જીવન પ્રણાલીએ એકમેકમાં ગુંથાઈ છે. નાની મોટી સૌ જાતિઓની ઓળખ ખુલ્લી આવી છે. વિવિધ રંગી સમૂહો અહીં અડતા આખડતા માનવરંગી જીવ્યા છે. વેપાર, કારીગરી, ફક્ત મજૂરી વગેરેના આધારે લોક ‘આ અમારી ગુજરાત’ કરતી પેઢીઓને આગળ ચલાવે છે. દેશ પરદેશમાં જઈ ગુજરાતનું નામ રોશન કરે છે.
'ગુજરાત રાજ્ય' તથા 'ગુજરાતી ભાષા'ને તેની પહેલવહેલી ઓળખ મળી ત્યારથી આજ લગતમાં તેમાં અનેકવિધ પરિવર્તનો આવતા રહ્યાં છે. તેથી સ્વાભાવિક રીતે જ ગુજરાતની અસ્મિતા પણ સમયે સમયે નવા નવા અર્થો ધારણ કરતી રહી છે. ઓગણીસમી સદીના ઉતરાર્ધમાં તથા વીસમી સદીના પૂર્વા-ર્ધ દરમિયાનના એક સદીના અંગ્રેજી શાસિત મુંબઈ રાજ્યના કાળમાં ગુજરાત અને ગુજરાતના અર્થસંકેતો જુદા હતાં. ઇ.સ. ૧૯૬૦ પછી, ગુજરાત રાજ્યની સ્થાપના બાદ, આજ દિન લગી, એના અર્થસંકેતો બદલતા રહ્યા છે. ગુજરાતમાં અસ્મિતાની વાત કરીએ ત્યારે ગુજરાતના માલેતુજાર, ધનિક, ઉચ્ચ વર્ણીય જ્ઞાતિના સમૂહો જ પ્રકાશમાં આવે અને બીજા બધા સમૂહો હાંસિયામાં રહી ન જાય તેની કાળજી રાખવાની જરૂર છે. નહિતર ગુજરાતની અસ્મિતાનું વાસ્તવિક ચિત્ર ઉપસશે નહિં.
આજે જેને આપણે 'પટેલ' તરીકે ઓળખીએ છીએ તે જ્ઞાતિસમૂહ ભૂતકાળમાં 'કણબી' તરીકે ઓળખાતો હતો, પછી 'પાટીદાર' તરીકે ઓળખાતો થયો અને હવે પટેલ તરીકે ઓળખાતો થયો છે. રજપૂતોમાં શરૂઆતમાં 'વજાજી', 'જેસાજી', 'કુંભાજી' વગેરે નામો હતાં. હવે વજેસિંહજી, જશવંતસિંહજી, કુંભદેવસિંહજી એવાં નામો થયાં. પૂર્વ સમાજકલ્યાણ નિયામક જયંત મલકાણીએ 'વાઘરીઝ ઓફ ગુજરાત' પર પુસ્તિકા બહાર પાડી હતી. આજે ગુજરાત વિધાનસભાના ઠરાવ અનુસાર આ જ્ઞાતિ 'દેવીપૂજક' તરીકે ઓળખવામાં આવે છે. બ્રાહ્મણોમાંથી કેટલાક ગામ છોડી નગરના વહીવટમાં આવ્યા અને પોતાને 'નાગર' તરીકે ઓળખવામાં આવે છે. બ્રાહ્મણોમાંથી કેટલાક ગામ છોડી નગરના વહીવટમાં આવ્યા અને પોતાને 'નાગર' તરીકે ઓળખાવી 'અમે બ્રાહ્મણ નથી, નાગર છીએ' તેમ કહેતા. શ્રી નિવાસે આ બદલાતી ઓળખની વાત સંસ્કૃિતકરણથી સમજાવેલી છે.
પટેલ સમાજના વહેણ અને વમળ : આઝાદી મળ્યા બાદ, સૌરાષ્ટ્ર એક રાજ્ય તરીકે ઉભર્યું હતું. તેના ગાંધીવાદી મુખ્ય પ્રધાન ઉછરંગરાય ઢેબરના જમીન સુધારાના કાનુની પગલાંઓને કારણે નોંધનીય સામાજિક, આર્થિક, રાજકીય અસરો થઈ હતી. આ પગલાંનો લાભ ગણોતિયા એવા પટેલોને મળ્યો અને જમીનના માલિક દરબારો આથી ગુસ્સે થયા. મુખ્યત્વે દરબારો અને પટેલો વચ્ચે જન્મેલા ઘર્ષણ-તાણને કારણે સૌરાષ્ટ્રભરના પટેલો દબાણ હેઠળ આવ્યા. તેમની પર વધેલી ભીંસ અને વર્ચસ્વકારી દરબાર સમૂહના દમનના કારણે ટકી રહેવા માટે પટેલોએ 'ઓળખ' કે 'અસ્મિતા'નું શરણું લીધું એમ કહી શકાય.
આમ જમીન સુધારાને પગલે સર્જાયેલ સામાજિક – રાજકીય ભૂકંપની પાર્શ્વ અસરરૂપે 'પટેલ અસ્મિતા'નું પરિબળ ઉભર્યુ કે જેણે ગુજરાતના સમગ્ર સામાજિક, રાજકીય આર્થિક વ્યવસ્થા પર ઘેરી અસરો જન્માવી, ગુજરાતના સામાજિક રાજકીય માહોલમાં એક વર્ચસ્વકારી પરિબળ તરીકે આ અનન્ય ઓળખે પગદંડો જમાવ્યો જેમાં કૃષિક્ષેત્રે રોકડા પાકોની ખેતી થકી આ સમૂહે સાધેલ 'પ્રગતિ' ઉપરાંત વિશેષત: સુરતના હીરા ઉદ્યોગથકી સૌરાષ્ટ્રના પટેલોએ આર્થિક વિશ્વમાં જમાવેલી ધાકનો વિશેષ ઉલ્લેખ કરવો અનિવાર્ય છે. આર્થિક ક્ષેત્રે અભૂતપૂર્વ વર્ચસ્વ વધવાને કારણે પ્રદેશના મુખ્ય પ્રવાહના ચૂંટણીલક્ષી રાજકારણમાં પણ 'પટેલ' પરિબળની પકડ વર્ષો પર્યંત રહી છે. આ 'પટેલ ઓળખે' પટેલ લોકોની વિભિન્ન પેટા કોમોમાં એકતા તો જન્માવી પણ સમગ્રપણે ગુજરાતના સમાજજીવન પર તેમનું પ્રભુત્વ રહ્યું. અર્થતંત્રમાં સાધેલ પ્રગતિના પરિપાક રૂપે ગુજરાતના મુખ્ય પ્રવાહના રાજકારણમાં, પછી તે કોઈ પણ પક્ષ હોય તે એક વર્ચસ્વકારી પરિબળ તો બની જ રહ્યાં પણ સાથે નાગરિક સમાજની વિભિન્ન સંસ્થાકીય પ્રવૃત્તિઓ પર પણ તેમની પકડ રહી. વિશેષ: તો પોતાની જ્ઞાતિ સભ્યોના કલ્યાણ માટે સામાજિક સંગઠન લક્ષી પ્રવૃત્તિઓની ભરમાર દ્વારા પટેલ સમાજને સમગ્રપણે સામાજિક આર્થિક સુરક્ષા પણ ઉપલ્બ્ધ થઈ. સુરતનો હીરા ઉદ્યોગ તેની ઉમદા મિશાલ છે. સૌરાષ્ટ્રના વિભિન્ન જિલ્લાઓમાંથી સ્થળાંતરિત થઈ સુરત આવી વસેલા પટેલોની જુદી જુદી પેટાજ્ઞાતિઓના વિભિન્ન સ્તરના સભ્યોને તેણે આર્થિક રીતે પગભર કર્યાં, અલબત તે થકી સમૃધ્ધ, માલદાર માલેતુજાર બનેલ બહુ થોડા હતા. પણ સાથે શૈક્ષણિક અને આરોગ્યનાં ક્ષેત્રે શાળાઓ તથા હોસ્પિટલો સ્થાપવાથી માંડીને અનેકવિધ સંસ્થાકીય પ્રવૃત્તિઓ થકી સૂરતના 'સૌરાષ્ટ્ર પટેલ'ના સભ્યોને અનોખું સુરક્ષા કવચ પૂરું પડાયું. બીજી તરફ આ 'પટેલ અસ્મિતા' એક નુકીલી આક્રમકધાર પણ ધરાવે છે. જે હીરા ઉદ્યોગના આંતર જગતની પ્રવૃત્તિઓને લીધે સરકારીતંત્ર અને સુરતના નાગરિક સમાજના હસ્તક્ષેપ થાય છે જેથી સમાજમાં માઠી અસર ઊભી કરે છે. 'પટેલ ઓળખ'નો આ ડરામણો ચહેરો સુરતના હીરા ઉદ્યોગને એક અભેદ્ય દુર્ગ બનાવે છે. મધ્ય ગુજરાતમાં કૃષિક્ષેત્ર રોકડિયા પાકની ખેતી થકી તે વિસ્તારના પટેલોએ પણ પોતાની આગવી ઓળખ બનાવી છે. અલબત્ત આ બંને 'પટેલ ઓળખ' ભિન્ન અસ્તિત્વ ધરાવતી રહે છે. પણ તેણે સંયુક્તપણે ગુજરાતના સમાજજીવન પર જડબેસલાક વર્ચસ્વ જમાવ્યું છે. આ 'પટેલ અસ્મિતા' થકી ગુજરાતના અન્ય સમાજના લોકોને કોઈ ફાયદો થયો છે કે કેમ તે પણ જાણવું જરૂરી છે આ રીતે 'પટેલ અસ્મિતા'ને લીધે વિશાળ જનસમાજને કોઈ લાભ થયો હોવાનું પ્રતિતીપૂર્વક દર્શાવી શકાય તેમ નથી.
હાલમાં ગુજરાત સરકારના ઉદ્યોગપતિઓને સેઝ (SEZ) બનાવવા માટે જમીન ફાળવણીના મુદે જાણીતા ગાંધીવાદી આગેવાન ચુનીભાઈ વૈદ્યે જણાવ્યુ છે કે 'હજારો એકર જમીન તેમના માલિકોને (ખેડૂતોને) વિશ્વાસમાં લીધા વગર તગેડી મૂકવામાં આવે અને વિકાસના નામે ઉદ્યોગો માટે જમીન ફાળવવામાં આવે તે સરાસર અન્યાય છે. ખેતમજૂરો, વિચરતી વિમુક્ત જાતિના સમુદાયો, ગરીબી રેખા હેઠળ જીવન જીવતાં કુટુંબો માટે રાજ્ય સરકાર કશી દરકાર કરતુ નથી તેવી છાપ ઉપસી રહી છે.’
ગુજરાતની મહિલાઓની વર્તમાન પરિસ્થિતિ : ગુજરાતમાં દીકરી જન્મી ગઈ અને જીવી ગઈ તો તેને થોડું ભણવા શાળાએ મોકલે તો મોકલે. સરકાર કેળવણી રથ કાઢે અને શિક્ષકો નામ લખે તેથી શું? છોકરીને ઘર બહાર મુકાય જ કેમ? બહુ બહુ તો ચોથા ધોરણ સુધી શાળાએ મોકલે ત્યાં ભણાવી નાખવાની વ્યવસ્થા ભલે હોય, ચાર ધોરણ પાસ બાળકો નિરક્ષર રહે છે તે વાસ્તવિકતા છે. આમ છતાં સમાજમાં શિક્ષણનું મહત્ત્વ સ્વીકારાયું છે અને હવે કન્યા કેળવણીનો વ્યાપ વધ્યો છે, સાથે છોકરાઓ વધુ ભણતાં નથી તેથી શિક્ષિત સ્ત્રીઓના લગ્ન અંગેના પ્રશ્નો ઊભા થયા છે.
ગુજરાતીઓ માને છે કે દીકરીને ઉછેરવામાં તેનાં પોષણ કે ઈલાજની ચિંતા કરવાની જરૂરત નથી. ૧ થી ૬ વર્ષની ઘણી બાલિકાઓ અપોષણથી મૃત્યુ પામે છે. ઈ.સ. ૨૦૦૧માં તેથી જ ૦ થી ૬ વર્ષની ઉંમરના બાળકોમાં દીકરાની ૧૦૦૦ એક હજારની સંખ્યા સામે બાલિકાની સંખ્યા ૮૭૮ હતી. હજુ સુધી ૨૦૦૯માં બહુ સુધારો જણાયો નથી. દીકરીઓને જન્મતાં પહેલાં જ હણી નાખવાની ગુજરાતીઓને સુગ નથી.
ગુજરાતમાં બાળલગ્નો હજુ પણ થાય છે, મોટા ભાગની બક્ષી પંચની પછાતજાતિ, હરિજન, આદિવાસી, વિચરતી વિમુક્ત જાતિઓમાં સાટા પધ્ધતિનો રિવાજ વધારે પ્રમાણમાં થાય છે. કન્યાની સંખ્યા જે જે જ્ઞાતિઓમાં ઓછી થઈ તે તે જ્ઞાતિઓએ સાટાનો રિવાજ કર્યો છે. પહેલાં ઉત્તર ગુજરાતના કડવા પટેલોમાં સાટાની પ્રથા હતી જેમાં દીકરી સાટે દીકરી લેવી, જે કુટુંબમાં દીકરી છે તે કુટુંબમાંથી પોતાના કુટુંબના પુરુષ માટે દીકરી લે તે પ્રથા હવે ઠાકોરો, કોળી પટેલો વગેરે જાતિઓમાં પણ પ્રસરી છે.
દીકરીના ઉછેરથી માંડીને તેના પ્રત્યે આચરાતો ભેદભાવ સર્વતોમુખી છે. ખોરાક, ભણતર, ઈલાજ, વ્યક્તિ તરીકે આદર, માન-સન્માન, કામ કર્યાનું વેતન, મિલકતોમાં ભાગ, દરેકમાં તેને ભાગે ઓછું જ હોય અથવા ન પણ હોય, કમાવા માટે સ્ત્રીને ઘરની બહાર જવાની છૂટ હોય છે, પૂર્વશરત સાથે કે ઘરનું કામ પતાવીને જ જવાય. સ્ત્રીની કમાણી પૂરેપૂરી ઘરમાં વપરાય જ, પુરુષનો તેના પર અધિકાર હોય. ઘણું કમાતી સ્ત્રીને પણ ખબર ન હોય કે તેની કમાણીમાંની બચત ક્યાં મૂકવામાં આવે છે, જેમ શ્રીમંતની વિધવાને પણ જાણ નથી હોતી કે પતિની કમાણી તેના હાથમાં આવશે કે કેમ? મિલકત માટે તો સ્ત્રીને ડાકણ ઠેરવીને મારી નાખવાના બનાવો ગુજરાતમાં બને જ છે. દીકરીને જન્મતા રોકે, કન્યાને નાની ઉંમરમાં પરણાવે, પત્નીને સળગાવી મરવા દે તે ગુજરાતની સંસ્કૃિતને કેવી સંસ્કૃિત ગણવી???
સ્ત્રીઓને ઘરની બહાર નોકરી કરવાની છૂટ તો આપી પણ તેને વ્યક્તિ તરીકે સ્વીકારી તેના વ્યક્તિત્વનો આદર કરવાનું ગુજરાતીઓ પૂરું શીખ્યા નથી, તેવું લાગ્યા કરે છે. જાતીય સતામણી, અભદ્ર વર્તન, અશ્લિલ હરકતો શિક્ષણના ક્ષેત્રોમાં ક્ષોભકર છે જ, ઓફીસોમાં કાર્યરત સ્ત્રીઓને માટે પણ ક્ષોભ પમાડે તેવી છે. કોઈક જ સ્ત્રી તે વિશે ફરિયાદ કરે કેમ કે, તેવી ફરિયાદ કર્યાથી પોતાની પર જ સમાજનું પ્રત્યાઘાતી વલણ ઊભું થશે તેવો તેને ડર રહે છે. થાય છે પણ તેવું જ એક યુનિવર્સિટીના કર્મચારીઓ વિશે નહિ જેવી ફરિયાદ તો શું કરી કે કુલપતિ અને અન્ય સત્તાધીશોએ તેમને એટલી હદે પ્રભાવિત કરી કે તે કહેવાતી ફરિયાદમાં ફક્ત શંકા જ વ્યક્ત કરી હતી, તે પાછી ખેંચવાની થઈ એટલું જ નહિ સત્તાધીશોની માફી પણ માંગવી પડી. જુના જમાનાથી ચાલતું આવ્યું છે કે ‘સ્ત્રી કાં દાસી, કાં ભૌગ્યા’ (ભોગનું સાધન માત્ર).
આ સીમિત પરિધમાંથી નીકળવા સ્ત્રી આકળવિકળ થાય છે પણ હજુ સુધી સલામત માર્ગ જડ્યા નથી. ગુજરાતમાં સ્ત્રીઓના કમનસીબે હજુ એકવીસમી સદીમાં સ્ત્રીલક્ષી વિચારણા પ્રવેશી જણાતી નથી. જ્યાં સુધી ગુજરાતની લગભગ અર્ધી વસ્તી આમ માનવીય ગરિમા માણી શકતી ન હોય ત્યાંસુધી ‘અસ્મિતા’ની વાત જ શું કરવાની???
દલિત અસ્મિતાની શરૂઆત : હિન્દુ સમાજ વ્યવસ્થાના સ્થાપકો અને પોષકો બ્રાહ્મણો રહ્યા છે. આ વ્યવસ્થા મનુસ્મૃિત પર આધારિત છે જેના રચયિતા મનુ છે. વર્ણવ્યવસ્થાનુસાર બ્રાહ્મણ વર્ણ સૌથી ટોચનો સામાજિક મોભો ધરાવે છે. જ્યારે શુદ્રો કે જેઓ આજના દલિતો પૈકીના એક ભાગરૂપ હતા. તેમનું સ્થાન નિમ્નતમ હતું. આ વ્યવસ્થાને જડબેસલાક બનાવવા માટે તેને ઈશ્વરીય લેખીને વ્યાજબી ઠરાવવાનો પ્રયત્નો થયો છે.
પરંતુ સમય જતાં દલિત અસ્મિતાનો પ્રાદુર્ભાવ થયો છે. આધુનિક ગુજરાતમાં તે ક્યારે શરૂઆત થઈ તે કહેવું મુશ્કેલ છે. ૧૮મી સદીની શરૂઆતનાં વર્ષોમાં ગુજરાતના અસ્પૃશ્યોના માત્ર સ્પર્શના કારણે ઉચ્ચ કોમ અપવિત્ર બની જતી હતી તેવાં ઉદાહરણો જોવા મળે છે. બ્રિટિશ કાળમાં જો કે કેટલાક નીતિ વિષયક ફેરફારોના કારણે અસ્પૃશ્યો અને અન્યની સ્થિતિમાં તેઓ વચ્ચેના આંતર સંબંધોમાં ફેરફાર થાય તેવાં બીજ વવાઈ ચૂક્યાં હતાં. ગાંધીયુગના આગમન બાદ ગુજરાતમાં અસ્પૃશ્યોની આઝાદીના આંદોલનમાં લાવવા નવા જ પ્રકારનો અભિગમ પેદા થયો. ગાંધીજીએ અસ્પૃશ્યતા નાબૂદી માટે ખૂબ શ્રમ લીધો. શૂદ્રોને 'હરિજન' નામ આપ્યું, તેઓને સમાજના મુખ્યપ્રવાહમાં લાવવા પ્રયાસ કર્યો. આથી વીસમી સદીની શરૂઆતમાં દલિતોને શિક્ષણ આપવાની શરૂઆત થઈ હતી.
દલિત ચળવળ વિશેષપણે ૧૯૭૦ના દાયકા બાદ પ્રચલિત બની છે. જો કે ઈતિહાસ તરફ દૃષ્ટિપાત કરતાં માલુમ થાય છે કે આ પૂર્વે પણ દલિત ચળવળો થવા પામી હતી. તે ઘણાંબધાં તબક્કામાંથી પસાર થઈ છે. ૧૪મી અને ૧૬મી સદીમાં દલિત ચળવળ ‘ભક્તિ આંદોલન’ નામે ઊભી થઈ હતી. આ આંદોલનનો મૂળભૂત આશય સમાજ અને ધર્મના ક્ષેત્રોમાં સમતાલક્ષી સમાજ ઊભો કરવાનો હતો. ‘ભગવાન સમક્ષ બહુ સરખા છે’ એવા પ્રતિકાત્મક ધાર્મિક વિચાર પાછળ અસલી બાબત હિન્દુ સમાજમાં ધરમૂળથી પરિવર્તન લાવવાનો હતો. અને દલિતોને હિંદુ ધર્મમાં જ ટકાવી રાખવાનો હતો.
ઓગણીસમા સૈકાના ઉતરાર્ધમાં ગુજરાતમાં અનેક નાના મોટા સંપ્રદાયો પાંગર્યા. કબીરપંથી, સંતરામ, બીજમાર્ગી, પ્રણામી અને છેલ્લે છેલ્લે સ્વામીનારાયણ સંપ્રદાયે શૂદ્રોની લાગણી અને જરૂરિયાતોને સંતોષવા પ્રવૃત્તિ આદરી આને પરિણામે ગુજરાતમાં જેમ જેમ આ સંપ્રદાયોમાં શુદ્રો જોડાતા ગયા તેમ તેમ મંદિરોમાં જઈ, કથાવાર્તા સાંભળી, માંસમદિરા ત્યજી પોતપોતાની જ્ઞાતિઓમાં શુધ્ધ થતા ગયા.
કેટલાક દલિતો હિન્દુ સમાજ વ્યવસ્થામાં ગુંગળામણ અનુભવે છે જેને કારણે તેઓ હિન્દુ ધર્મનો ત્યાગ કરવાને માનસિક રીતે તૈયાર થાય છે. અવારનવાર વર્તમાનપત્રોમાં દલિતોએ હિન્દુ ધર્મ ત્યજીને પરધર્મ સ્વીકાર્યાના સમાચારો પ્રકાશિત થતા રહે છે.
હિન્દુ ધર્મવ્યવસ્થામાં દલિતો રહે તે માટે સમજાવટ અને ધમકી એમ બંને પ્રકારના પ્રયત્નો ચાલુ છે. એક તરફ સ્વાધ્યાય પરિવાર, આશારામબાપુ, મોરારીબાપુ, રમેશભાઈ ઓઝા, ગાયત્રી પરિવાર વગેરે તરફથી દલિતોને હિન્દુ વ્યવસ્થાના ભાગરૂપ માનીને તેઓને હિન્દુ ધર્મમાં જોડાયેલા રાખવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.
બીજી તરફ તાજેતરના ૨૦૦૨ના કોમી રમખાણો બાદ ગુજરાતમાં હિન્દુત્વવાદીઓએ સત્તાના સૂત્રો અંકે કરી લીધા બાદ, દલિતોને હિન્દુ વ્યવસ્થાના અંતર્ગત રાખવા માટે અનેક પ્રકારના પ્રયત્નો થઈ રહ્યા છે. જેમાં આર.એસ.એસ., ભા.જ.પ., વિશ્વ હિન્દુ પરિષદ, દ્વારા દલિત સંગઠનોને હિન્દુત્વનો સ્વીકાર કરવા માટે પ્રયત્નો ચાલુ છે. હિન્દુ વ્યવસ્થામાં જકડી રાખવા પ્રયત્નશીલ છે. સૌ જાણે છે કે ફક્ત કાયદા કાનુનથી કેટલે અંશે શક્ય બની શકે તે કહેવું મુશ્કેલ છે.
એ પણ હકીકત છે કે દલિતો અને બિનદલિતો વચ્ચેનો પરંપરાગત અને રૂઢિગત આ સંબંધો તથા આચાર નિષેધો છેલ્લાં પચાસેક વર્ષમાં ઢીલા થયા છે જરૂર, પરંતુ સંપૂર્ણપણે નાબુદ થયા નથી.
અસ્પૃશ્યતા નિર્મુલન અંગે પણ ઘણા પ્રયત્નો થયા છતાં પણ હજુ પણ આ પ્રથા હયાત છે. ગુજરાતમાં આજે પણ સરકારી આંકડા અનુસાર ૬૪,૦૦૦ કુટુંબો માથે મેલું ઉપાડી રહ્યાં છે. આજે પણ સરકાર તે દૂર કરી શકી નથી. આમ આજે પણ મેલું ઉપાડવાની પ્રથા ચાલુ છે, જેની જાણકારી ‘ગુજરાતી સાહિત્ય પરિષદ’ના જ્ઞાનસત્રમાં ડિસેમ્બર ૨૦૦૮ દરમિયાન જિ. સૂરતના જાણીતા કર્મશીલ માર્ટીને મેકવાને આપી હતી.
દલિતો પોતાના આંદોલનને વેગ આપવા માટે રાજ્યના વિવિધ ભાગોમાં નાનાં મોટાં સભા સંમેલનો, પ્રવચનો યોજી રહ્યાં છે. બૃહદ્દ સમાજમાં બનતી ઘટનાઓ અને બનાવોને ફુલે, આંબેડકરી પરિપ્રેક્ષ્યમાં મૂકીને લોકોના જનમાનસને તૈયાર કરવાનો પ્રયત્ન ચાલી રહ્યો છે. આ કાર્યમાં સ્થાનિક લોકોનો સાથ સહકાર મળી રહ્યો છે. આ બધાંને પરિણામે ગુજરાતમાં માત્ર દલિતો જ નહિ, પણ અન્ય પછાત કોમોમાં પણ જાગૃતિનું સ્તર ઊંચું આવેલું જણાય છે. ઈ.સ. ૧૯૯૫ની આસપાસ ગુજરાતમાં બ્રાહ્મણવાદ વિરોધી આંદોલનની કોઈ નોંધ સુધ્ધા લેવા રાજી નહોતુ, હવે ઉપલી જ્ઞાતિ સમેત તમામ વર્ણ જ્ઞાતિના લોકો આ આંદોલનને ગણતરીમાં લેતા થયા છે. આ રીતે દલિતો પોતાની આગવી અસ્મિતા ઊભી કરવાની પ્રવૃત્તિમાં સફળતાની રાહ પર છે. દલિત સાહિત્ય પણ આમાં મદદરૂપ રહ્યું છે, જેની નોંધ લેવી રહી.
આદિવાસીઓ મૂળ નિવાસી તરીકે : આદિવાસીઓ અંગે બે મહત્ત્વનાં પુસ્તકો વેરિયર અને ઠક્કરબાપાએ લખ્યા છે. તે પુસ્તકોના શીર્ષકોમાં એબ ઓરિજીન્સ શબ્દનો ઉપયોગ થયો છે. પ્રસિધ્ધ સમાજશાસ્ત્રી જી.એસ. ગુર્પુએ આદિવાસીઓ માટે ‘કહેવાતા મૂળ નિવાસી’ અથવા ‘પછાત હિન્દુઓ’ એવા શબ્દપ્રયોગ કર્યો છે. જ્યારે કેટલાક અભ્યાસકર્તાઓએ આદિવાસીઓને ‘વંશીય લઘુમતિ’ ‘ચોથી દુનિયા’ તેમ જ પરિવર્તન પામતા ‘ટ્રાઈબ્સ’ એવો શબ્દપ્રયોગ કર્યો છે. ખાસ કરીને સમાજસુધારકો અને આદિવાસી આંદોલનકારીઓએ ‘આદિવાસી’ શબ્દપ્રયોગ કર્યો છે. આ શબ્દપ્રયોગનો હેતુ તેઓ આ જમીનના સૌથી પ્રથમ નિવાસી છે તેવો હતો, આદિવાસી શબ્દનો સૌથી પ્રથમ ઉપયોગ ઈ.સ. ૧૯૩૯માં આદિવાસી મહાસભાના નેતા જયપાલસિંઘે કર્યો હતો.
બંધારણ અંગેની પરિષદમાં જયપાલસિંધે ‘અનુસૂચિત જનજાતિ’ને બદલે ‘આદિવાસી’ શબ્દનો ઉપયોગ કરવા માટે આગ્રહ રાખ્યો હતો. પરંતુ બંધારણના મુખ્ય ઘડવૈયા બાબાસાહેબ આંબેડકરે મત પ્રદર્શિત કર્યો હતો કે આદિવાસીઓના ટકાઉ અને મજબૂત વિકાસ માટે ‘અનુસુચિત જન જાતિ’ શબ્દપ્રયોગ વધુ અસરકારક સાબિત થશે. પરિણામે ‘અનુસુચિત જનજાતિ’ શબ્દ કાયદેસર રીતે અપનાવવામાં આવ્યો.
સંયુક્ત રાષ્ટ્રસંઘે (યુનો) ૧૯૯૩નું વર્ષ ‘મૂળ નિવાસી વર્ષ’ તરીકે જાહેર કર્યું હતું. આથી આદિવાસી અસ્મિતા અંગેના આંદોલનકારીઓએ પણ ૧૯૯૩ બાદ આ શબ્દપ્રયોગનો વધારે ઉપયોગ શરૂ કર્યો છે. અને મૂળ નિવાસીઓ માટેનું ઘોષણાપત્ર પણ તૈયાર કર્યુ છે.
જ્યારે ગુજરાતના સંઘ પરિવારના સંગઠનો આદિવાસીઓને ‘વનવાસી’ તરીકે જાહેર કરે છે. તેવો માટેની યોજનાઓને વનવાસી ઉત્કર્ષ માટેની યોજનાઓ કહે છે. પરંતુ ખરી હકીકત એ છે કે ગુજરાતની ૧૫ ટકા આદિવાસી વસતી બહુધા પૂર્વ વિસ્તારમાં વસવાટ કરે છે જ્યાં પહાડો, જંગલો અને ગુજરાતની મુખ્ય નદીનાં ઉગમસ્થાનો છે. આ રીતે નૈસર્ગિક સંસાધનોના પ્રદેશમાં આદિવાસીઓ વસવાટ કરે છે. ગુજરાતમાં આઝાદી બાદ અમલમાં આવેલ વિકાસકીય પ્રકલ્પોને કારણે આદિવાસીઓનું જીવન અસ્તવ્યસ્ત થયું છે. કુલ આદિવાસી વિસ્તારોમાં અવારનવાર સંઘર્ષો થાય છે. તાજેતરનાં વર્ષોમાં ગુજરાત આદિવાસી પક્ષ દ્વારા રાજકીય રીતે આદિવાસીને જાગૃત કરીને તેમને થતાં અન્યાય સામે લડત આપવામાં આવી રહી છે. આ આંદોલનમાં પણ આદિવાસીઓની અસ્મિતા થકી આદિવાસીઓની ભેગા કરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. તો બીજી તરફ આદિવાસી એકતા પરિષદ દ્વારા આદિવાસીઓની સાંસ્કૃિતક અસ્મિતાને ધ્યાનમાં રાખીને આદિવાસીઓને જાગૃત કરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. જો કે આ પક્ષોના આદિવાસી નેતાઓ તેમને થતા સામાજિક અન્યાય, શોષણ અને પીડન એકઠા માટે થાય તે સર્વાંગે આવકાર્ય છે. સાથે સાથે આ અસ્મિતાના નારા થકી સમાજના સમૂહો વચ્ચે નફરત પેદા ન થાય તેની કાળજી અસ્મિતાના આંદોલનો ચલાવનાર નેતાગીરીએ સમજવી જરૂરી લાગે છે.
પારસીઓની ઘટતી જતી વસ્તીની સમસ્યા : હાલમાં સર્વે પ્રમાણે સમગ્ર જગતમાં પારસી સમાજની વસ્તી માંડ એકાદ લાખની કહેવાય છે. ભારતમાં મુખ્યત્વે ગુજરાત અને મુંબઈમાં વધારે પ્રમાણમાં પારસી રહે છે.
આજથી લગભગ ૧૩૮૦ વર્ષ પૂર્વે પારસીઓનું આગમન ગુજરાતમાં સંજાણ બંદરે થયું હતું. તે સમયના રાજા જાદી રાણાને દૂધમાં સાકરની જેમ ભળી જવાનું વચન આપેલું, તે વચન સંપૂર્ણપણે પાળી બતાવ્યું છે. આમ તો ગુજરાતીને માતૃભાષા તરીકે સ્વીકારી લીધી છે. આથી જ ગુજરાતના અખબાર, સામાયિક ગુજરાતીમાં સૌ પ્રથમ શરૂ કરવાનું બહુમાન પારસીઓને ફાળે જાય છે. તે જ પ્રમાણે ગુજરાતીમાં રંગભૂમિની શરૂઆત પણ પારસી લોકોએ જ કરી છે. ઈ.સ. ૧૮૧૧માં ફરહનજી મર્ઝબાને ગુજરાતી ભાષાનુ સૌ પ્રથમ છાપખાનુ સ્થાપ્યું. આથી જુલાઈ ૧૮૨૨માં ગુજરાતી ભાષાનું સૌ પ્રથમ અખબાર "મુંબઈ સમાચાર" બહાર પડ્યું હતું, જે મુંબઈથી આજની તારીખે પણ બહાર પડે છે. તેમના પારસી માલિક તથા પારસી તંત્રી છે. જેમાં દર રવિવારે પારસી સમાજની વિગતો પ્રકાશિત થાય છે.
પારસી માલિકનું બીજું અખબાર "જામે જમશેદ" ૧૨મી માર્ચ ૧૮૩૨માં પ્રગટ થયું હતું. મુંબઈથી આ સિવાય ફક્ત પારસીઓ માટે “કયસરે હિન્દ" સામયિક બહાર પાડેલ હતું. સુરતમાં "ગુજરાત મિત્ર" જેવા પ્રખ્યાત અખબારની સ્થાપના ૧૮૬૩માં દિનશા તાલીયારખાને કરી હતી. શરૂઆતમાં તેનું નામ "સુરત મિત્ર" હતું.
કલકત્તામાં ૧૧/૧૧/૧૯૧૭ના રોજ એદલજી નવરોજ કાંગાએ "નવરોઝ" નામનું મેગેઝીન પ્રગટ કર્યુ હતું.
આમ ગુજરાતના પારસીઓએ ગુજરાતમાં અને ગુજરાત બહાર ગુજરાતી અખબારો સામયિકો સૌ પ્રથમ પ્રગટ કરી ગુજરાતીઓની અસ્મિતા જાળવી રાખી હતી.
એ જ રીતે રંગભૂમિને જન્મ આપવાનો યશ પારસીઓને જાય છે. એમણે રંગભૂમિની ભાષા તરીકે ગુજરાતી ભાષા અપનાવેલી એ સમયગાળામાં નાટક લખનાર, નાટક કરનાર પણ પારસીઓ હતાં. આ દિશામાં પારસીઓ ૧૯મી સદીમાં તથા ૨૦ સદીના પહેલા ભાગ સુધી ખૂબ જ સક્રિય હતાં.
આ નાનકડા સમાજે રાજકારણ, અર્થકારણ, હુન્નર ઉદ્યોગ, કાયદો (લો), સખાવત, સમાજ સુધારો, રમતગમત, વિજ્ઞાન, શિક્ષણ, સંગીત, સાહિત્ય, પત્રકારત્વ, રંગભૂમિ, વિગેરે વિવિધ ક્ષેત્રોમાં નોંધનીય કાર્ય કર્યું છે અને ગુજરાતની અસ્મિતા ઘડવામાં અનુપમ અર્પણ કર્યું છે. પરંતુ પારસીઓની વસ્તીમાં સતત ઘટાડો નોંધાયો છે. લાંબે ગાળે કે એકવીસમી સદીના અંત સુધી પારસીઓની વસતી કે ધર્મ દુનિયા પર રહેશે કે કેમ? તે પ્રશ્ન ઊઠ્યો છે.
માનવ સેવા એ જ લઘુમતિ ખ્રિસ્તીની અસ્મિતા : ગુજરાતના ખ્રિસ્તીઓ વિશે આલેખીએ તો ગુજરાતમાં સાડા પાંચ કરોડ વસ્તીમાંથી માત્ર અડધો ટકો (૨,૪૮,૦૯૨) વસેલાં છે. ખ્રિસ્તીઓ પણ 'આદર્શ સહજ લઘુમતી' બનીને ગુજાતની સંસ્કૃિતમાં ભળી ગયાં છે તેમ જ ગુજરાતની અસ્મિતા માટે યોગદાન આપી રહ્યાં છે. ગુજરાતના ઈતિહાસમાં આર્થિક વિકાસમાં ખ્રિસ્તીઓએ ઘણો ફાળો આપ્યો છે. જેમાં ફાર્બસ અને ટેલર (વ્યાકરણ) સાહિત્યમાં ફાધર વાલેસ (નિબંધ) જોસેફ મેકવાન (નવલકથાકાર) યોસેફ મેકવાન (કવિ) માર્ટીન મેકવાન (જાણીતા કર્મશીલ), આનંદની અમૂલ ડેરીના વિકાસમાં શ્વેતક્રાંતિના પ્રેરક વર્ગીસ કુરીઅનએ ગુજરાત તથા ભારતભરમાં નામ રોશન કર્યું છે.
શૈક્ષણિકક્ષેત્રે સેન્ટ ઝેવીઅર્સ, સેંટ આન્સ, કોન્વેટ અને ડોનબોસ્કો જેવી અતિ પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થાઓ ખ્રિસ્તી મિશનરીઓ દ્વારા ચાલતી હોવા છતાં નાત, જાત, ધર્મ કે લિંગના ભેદભાવ વગર માત્ર મેરીટને ધ્યાનમાં લઈ સમાજના સહુને સાથે લઈ ચલાવે છે. આ જ રીતે તબીબી સેવાઓ અને અન્ય સેવાકીય પ્રવૃત્તિઓમાં પણ ખૂબ જ બહોળો ફાળો આપે છે.
આદિજાતિ, પછાત જાતિ તેમ જ આદિવાસી વિસ્તારમાં ખ્રિસ્તી મિશનરી સંસ્થાઓ દાયકાઓથી સેવા કાર્ય કરી રહી છે. ગુજરાતનો પૂર્વ વિસ્તાર જે ડાંગથી સાંબરકાઠા સુધી આદિવાસી વિસ્તાર ગણાય છે તે છેવાડાના વિસ્તારમાં શૈક્ષણિક તેમ જ તબીબી સેવાઓ માટે સંસ્થાઓ ચલાવે છે. સમાજથી બહિષ્કૃત જેવા રક્તપિતિયાઓ, ઘરડાગૃહો, અનાથ આશ્રમો અને વિકલાંગોની સેવા કરી એમને સમજમાં પોતાની આગવી જીવનશૈલીથી જીવવા પ્રેરે છે. વંચિતો અને ગરીબોને ઉપર લાવવામાં કમર કસીને કાર્ય કરે છે. છતાં પણ ગુજરાતના અમુક કટ્ટરવાદી હિન્દુત્વવાદી તત્ત્વો ખ્રિસ્તીઓ ઉપર અત્યાચારો કરે છે. દેવળો, સ્કૂલો, હોસ્પિટલો, ઘરોને સળગાવે છે તો પછી ગુજરાતની અસ્મિતા ક્યાં છે? કોને તમે ગુજરાતની અસ્મિતા કહો છો???
મહાત્મા ગાંધીએ “નવજીવન”ના તા.૯/૮/૧૯૨૫ના અંકમાં લખેલ છે કે ‘ટૂંકમાં તમને (મિશનરીઓને) એટલું જ કહેવું છે કે તમો આંકડા ન ગણાવો, તમારી પ્રગતિનો કોઈ ઈતિહાસ માગે તો તમે કેટલા પરધર્મીઓને ખ્રિસ્તી કર્યા છે તેના આંકડા ન ધરો, પણ તમે લોકોનું કેટલું દુ:ખ ટાળી શક્યા, કેટલાં તેમના સુખદુ:ખમાં ભાગીદાર થઈ શક્યા છો તે બતાવો’.
મુસ્લિમોની સમસ્યાઓ : ગુજરાતમાં મુસ્લિમો ફક્ત ૯% જ છે. ગુજરાતમાં છેક સોલંકી કાળથી (ઈ.સ. ૯૪૨-૧૩૦૦) આરબ વેપારીઓ અને સૂફી સંતોનું આગમન થતાં મુસ્લિમોનો ઉદય અને વિકાસ થયો. ગુજરાતની મલ્ટી કલ્ચરલ વ્યાપારી સંસ્કૃિતને અનુરૂપ હિન્દુ, યહૂદી, જૈન, મુસ્લિમ, પારસી જેવી કોમો હજાર બારસો વર્ષથી રહેતી આવી છે. ગૌરવની વાત એ છે કે બધી કોમોએ દેશ વિદેશમાં ગુજરાતી ભાષાની અસ્મિતાને જીવંત રાખી છે.
મુસ્લિમોની સમસ્યાઓ અંગે ભારત સરકારના વડાપ્રધાનના સચિવાલયે ૯મી માર્ચ ૨૦૦૫ના આદેશથી જાહેરનામા દ્વારા જસ્ટીસ રાજેન્દ્ર સાચરના વડપણ હેઠળ, સાત સદસ્યોવાળી વડાપ્રધાનની ઉચ્ચ સ્તરીયે (હાઈ લેવલ) સમિતિ મુસ્લિમ સમુદાયના સામાજિક, આર્થિક અને શૈક્ષણિક સ્તર અંગે અહેવાલ તૈયાર કરવા માટે રચવામાં આવી હતી. તેમાં જણાવ્યા મુજબ આપણા બંધારણ મુજબ ભારતનો દરેક નાગરિક સમાન દરજ્જો ભોગવે છે. પરંતુ મુસ્લિમો ત્રણ સમસ્યાથી વધારે ચિંતિત છે.
(૧) મુસ્લિમ તરીકેની ઓળખ કે પહેચાનની અસ્મિતા
(૨) સલામતી
(૩) ન્યાયપૂર્ણ વહેવારની અપેક્ષા
ઉપરોક્ત બાબતો ગુજરાતના મુસ્લિમોને પણ લાગુ પડે છે. મુસ્લિમ તરીકેની પોતાની આગવી ઓળખ કે અસ્મિતા માટે મુસ્લિમ સાથે ભેદભાવ રાખવામાં આવે છે. તેવું મુસ્લિમો સતત અનુભવી રહ્યા છે તેમ જ અસમાનતા અને અન્યાયપૂર્ણ વ્યવહાર થાય છે તે વાતનું ભારોભાર દુ:ખ અનુભવે છે.
આથી આ અહેવાલમાં અસમાનતા અને અન્યાયપૂર્ણ વહેવાર તરફ વિશેષ ધ્યાન આપવામાં આવેલ છે. કેટલાક મૂળભૂત ઐતિહાસિક પાયાનાં કારણોના લીધે ભારતમાં સામાજિક, આર્થિક અને રાજકીય ક્ષેત્રોમાં જ્ઞાતિ, ધર્મ, પ્રદેશ અને ભાષાના આધારે ભેદભાવો અને અલગતા પ્રવર્તે છે જેને લીધે દેશના વિવિધ સમુદાયના લોકો પર સામાજિક અને આર્થિક સંબંધો પર ઊંડો પ્રભાવ પડે છે. આની અસર મુસ્લિમ સમાજ પર પણ જણાય છે. આથી અન્ય સામાજિક ધાર્મિક જૂથોની સરખામણીમાં મુસ્લિમોની સ્થિતિ રજૂ કરવાના આ અહેવાલમાં પ્રમાણિક પ્રયત્ન કરવામાં આવ્યો છે. મુસ્લિમો વિકાસના તબક્કે ક્યાં ક્યાં વંચિત રહ્યા છે, કેટલા પછવાડે, પછાત રહ્યા છે, વિકાસમાં ક્યાં ઊણપો રહી છે તે મુદ્દાઓ ઉપર આ અહેવાલમાં અભ્યાસ, આંકડા, તારણો દરેક સ્રોત દ્વારા એકત્ર કરવામાં આવ્યા છે.
જેમાં મુસ્લિમોની શિક્ષણક્ષેત્રમાં પછાત અવસ્થા બાબતે સમિતિએ નીચે મુજબના તારણો બતાવ્યા છે :-
(૧) દેશના બિન મુસ્લિમોની તુલનામાં મુસ્લિમોમાં શિક્ષણનું પ્રમાણ ઓછું છે. મુસ્લિમો સાક્ષરતામાં પછાત રહી ગયા છે.
(૨) ગ્રામ્ય તથા શહેરના ઝુંપડપટ્ટી વિસ્તારમાં બાળકો નિશાળમાં ઓછી સંખ્યામાં જાય છે. માધ્યમિક, ઉચ્ચ માધ્યમિક તેમ જ ઉચ્ચ શિક્ષણના ક્ષેત્રમાં વસ્તીની ટકાવારીના પ્રમાણમાં મુસ્લિમ વિદ્યાર્થીઓની ટકાવારી અતિશય ઓછી જોવા મળે છે. મેડીકલ અને એંજિનીયરીંગ શાખામાં બહુ જ થોડા પ્રમાણમાં મુસ્લિમ વિદ્યાર્થીઓ હોય છે.
(૩) બીજા ઘણાં કારણો ઉપરાંત મુસ્લિમોના શૈક્ષણિક પછાતપણા માટે દેશના રાજકારણ, વહીવટ, નીતિ નિર્ધારકો, તેમ જ નેતૃત્વ ક્ષેત્રે પણ મુસ્લિમોની અવગણના થતી રહે છે જેના કારણે મુસ્લિમોને શિક્ષણના લાભોથી વંચિત રહેવું પડે છે. ઉપરોક્ત બાબતો ગુજરાતના મુસ્લિમો વિશેષ અનુભવે છે.
આ સમિતિએ મુસ્લિમોનો શિક્ષણનો વ્યાપ વધારવા માટે મૌલાના આઝાદ એજ્યુકેશન ફાઉન્ડેશનની નાણાંકીય સહાય વધારી દેવી જોઈએ તેમ સૂચવેલ છે. જેથી તે રકમ શિક્ષણના વ્યાપ વધારવા ઉપયોગી થશે તેમ કમિટીનું માનવું છે.
ગુજરાતી મુસલમાનોને વધારે વ્યાપક દૃષ્ટિકોણથી સમજવાની જરૂર છે. ભારત અને ગુજરાતના મુસલમાનોએ અન્ય દેશોના મુસ્લિમોની સરખામણીએ વધારે ઉદાર મનના છે. કારણ કે તેઓએ ભારતના લોકશાહી સમાજને જોયો છે, અનુભવ્યો છે. ભારત અને ગુજરાતના મુસ્લિમો આંતકવાદનો વિરોધ કરતા રહ્યાં છે. ગુજરાતના મુસ્લિમોને પાકિસ્તાની, બાંગ્લાદેશી, અને ઈરાકી, અફઘાની મુસ્લિમો સાથે સરખાવી ના શકાય.
પાકિસ્તાની આતંકવાદીઓએ ૨૬મી નવેમ્બર-૨૦૦૮ ના રોજ મુંબઈ પર મહાવિનાશક આંતકવાદી હુમલો કર્યો ત્યારે ભારત, ગુજરાત અને બ્રિટનમાં રહેતા મુસ્લિમોએ એક સંપ થઈને પાકિસ્તાની આંતકવાદી અને ત્રાસવાદી રીત રસમોનો જોરદાર વિરોધ નોંધાવ્યો હતો. જેની તે વખતે ભારત સહિત બ્રિટન અને અમેરિકાના અખબારોએ નોંધ લીધી હતી.
મહાત્મા ગાંધી હિન્દુ મુસ્લિમ એકતાના પ્રખર હિમાયતી હતા. તેઓ હિન્દુ મુસ્લિમને પોતાની બે આંખ કહેતા હતા. ઐતિહાસિક રીતે જોઈએ તો મહાત્મા ગાંધી ગુજરાતની અસ્મિતા હતા. ગુજરાતનું અહોભાગ્ય છે કે ગાંધીજી જેવા મનુષ્યે અહીં પોરબંદરમાં જન્મ લીધો. ગાંધીજીની વિચારધારા મૂળભૂત એક સ્વતંત્ર વિચારધારા હતી. તેઓ સમાજના દરેક વર્ગના લોકોને સાથે લઈ દેશના હિતમાં કાર્ય કરતા હતા. ગાંધીજી આધ્યાત્મિક અને સાંસ્કૃિતક વારસાની સર્વોત્તમ ઉપલબ્ધિ હતા. દુનિયાએ ગાંધીજીને શાંતિ અને અહિંસાથી ઓળખ્યા. જગતમાં ગાંધીજીના વિચારોનો જે પ્રભાવ પડ્યો તેને લીધે સંયુક્ત રાષ્ટ્ર સંઘે (યુનો) બીજી ઓક્ટોબરના ગાંધીજીના જન્મદિવસને ‘નોન વાયોલન્સ ડે’ – ‘અહિંસા દિન’ તરીકે ઉજવવાનું નક્કી કર્યું છે. આજે ગુજરાત દુનિયાના કોઈપણ ખૂણેથી ગાંધીજીના ગુજરાત તરીકે ઓળખાય છે.
પરંતુ હાલમાં ગુજરાતમાં બનેલા પ્રસંગો પરથી એવુ લાગે છે કે જાણે ગુજરાતે ગાંધીજીને છોડી દીધા છે. વાતાવરણ એવું સર્જાયું છે કે ગાંધીજીની વિચારધારા, તેમણે સ્થાપિત કરેલા સત્ય, અહિંસાનાં મૂલ્યોને તિલાંજલી આપી, તેમની વિરુધ્ધની જ વિચારધારા અપનાવેલ છે. આજે તો એવો પ્રચાર થઈ ગયો છે કે જાણે હિન્દુ ધર્મના રક્ષક કે તારણહાર આર.એસ.એસ.ના હેડગેવાર, ગુરૂરુગોલવાલકર અને હિન્દુ મહાસભાના વીર સાવરકર જ છે.
આ ત્રણેયની વિચારધારા ભારતને હિન્દુ રાષ્ટ્ર બનાવવા માટેની છે. તેઅો ભારતમાં રહેતા મુસ્લિમો, ખ્રિસ્તીઓ, પારસીઓને નાગરિકત્વ પણ આપવામાં માનતા નહોતા. તેમને ફક્ત સેકન્ડ ક્લાસ સિટીઝનનો દરજ્જો આપવામાં માનતા હતા. તેઓના જણાવ્યા મુજબ આ ધર્મના લોકોના પોતાના ધર્મસ્થાનકો બહાર પરદેશમાં હોવાથી તેમની આસ્થાઓ પરદેશ તરફ હોય છે.
આ ત્રણેય મુસ્લિમો અને ખ્રિસ્તીઓના કટ્ટર વિરોધી હતા. તેઓના લખાણોમાં મુસ્લિમો અને ખ્રિસ્તીઓ માટે લખેલું છે કે તેઓ વિદેશથી આવેલા મલેચ્છ અને તુચ્છ હતા.
ખરેખર વાસ્તવિક સ્થિતિ એ છે કે હજારો વર્ષથી મનુ સ્મૃિત પ્રમાણે એ સમયે હિન્દુ સમાજના જે ચાર ભાગ પાડ્યા તેમાં બ્રાહ્મણોએ પોતાનું પ્રભુત્વ સ્થાપવા દલિત વર્ગને અછૂત ગણેલા. અને તેઓ પ્રત્યે ધૃણાથી જોતા હતા. આ દયાજનક અને અમાનવીય પરિસ્થિતિમાંથી બહાર આવવા દલિતો કે અન્ય પછાતવર્ગના લોકોએ ઈસ્લામ કે ખ્રિસ્તી ધર્મ અપનાવ્યો. આ રીતે વિશાળ જનસમુદાયે ધર્માન્તર કર્યું. તેઅો મૂળ આ દેશના જ અનેક સૂફી સંતો, મોહયુદીન ચિશ્તી અજમેરી ગરીબે નવાજ હિન્દલવલી, હઝરત નિઝામુદીન ઓલિયા જેવા સંતોનો પ્રભાવ હેઠળ ઈસ્લામનો સ્વીકાર થયો હતો. આજે તો ભારતીય ઉપ મહાદ્વીપના દેશોમાં ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશમાં ચાલીસ કરોડથી વધારે મુસ્લિમો રહે છે. તે આટલા બધા લોકો પરદેશી કેવી રીતે હોઈ શકે?
આપણા દેશની આઝાદીની લડતમાં મૌલાના આઝાદ, ખાન અબ્દુલગફારખાન, વગેરે ઘણા જ નેતાઓનું ખૂબ જ મોટું યોગદાન છે. ઉપરાંત દેશનું વિભાજન ના થાય અને દેશ અખંડિત રહે, હિન્દુ મુસ્લિમ સાથે રહે તે માટે દેવબંધના મૌલાના હુશેન મહમદ મદની સાહેબે મરણિયો પ્રયાસ કર્યો હતો.
એ રીતે ગુજરાતમાં ઇ.સ. ૧૯૪૬ના જુલાઈ માસમાં અમદાવાદમાં રથયાત્રા દરમિયાન કોમી ભડકો થયો હતો. પરંતુ તે વખતે વસંતરાવ હેગિષ્ટે અને રજબાલી લાખાણીએ પોતાની જાતનું બલિદાન આપી કોમી એકતાની મિશાલ કાયમી બનાવી હતી. આ રીતે કોમી એકતા માટે ગુજરાતના બે શાંતિદૂતો શહીદ થઈ ગયા. આને જ ગુજરાતની સાચી અસ્મિતા ગણાય.
હાલમાં જે 'ગુજરાતી અસ્મિતા'ની વાતો ચાલે છે તે પ્રાદેશિક, સંકીર્ણ ધ્વનિ ધરાવતી સાવ આભાસી, ખોખલી, છીછરી છે. તે થકી એક બે રાજકીય નેતા અને તેમના સાગરિતોના સંકીર્ણ હિતો ભલે સધાતા હોય કે એક ગણનાપાત્ર જનસંખ્યા ભલે તે થકી મિથ્યા પ્રદેશ દાઝથી ગેરમાર્ગે દોરવાતી હોય, પણ તેમાં નક્કરતા નથી અને તે આક્રમક દ્વેષયુક્ત હોઈ વિદ્યાતક છે. તે પ્રદેશના તમામ સમૂહોને સમાવતી નથી. પણ ઊલટું કેટલાક સમૂહોને બહાર ધકેલે છે. હાંસિયામાં ફગાવે છે તો વંચિત સમૂહો સંદર્ભે તેને કોઈ નિસ્બત નથી. કોઈ એક નક્કર સ્વરૂપની કદાચ ‘ગુજરાતી ઓળખ’ હોઈ શકે જ નહિ. ગુજરાત પ્રદેશમાં વિભિન્ન ધાર્મિક, સાંપ્રદાયિક, જ્ઞાતિય, સામુદાયિક જૂથો વસે છે અને સાંસ્કૃિતક વિશેષતા, અર્થોપાર્જનની પ્રવૃત્તિ સંદર્ભે તેમની દરેકની આગવી ઓળખ છે. કેટલાક સમૂહોએ આ ઓળખને સચેતપણે જાહેર જીવનમાં વાર્તાલાપમાં, પ્રસ્થાપિત પણ કરી છે. જે ‘પટેલ ઓળખ’ કે ‘દલિત અસ્મિતા’ના કિસ્સામાં દેખાય છે.
અત્યારના ગુજરાતમાં છેલ્લાં થોડાં વરસોથી કેટલુંક ન બનવા જેવું પણ બનતું રહ્યું તેમ જ હાલની ગુજરાત સરકાર ચૂંટણી જીતવા માટે ગૌરવ યાત્રાઓ, હિન્દુત્વની, લેબોરેટરી હોય તેમ સંચાર માધ્યમોમાં છવાયેલું રહ્યું. આને જ લોર્ડ મેઘનાદ દેસાઈએ ગુજરાતની અસ્મિતાને બદલે ભસ્મિતા કહી હતી.
પરંતુ હકીકત એ છે કે સાચી ‘ગુજરાતની અસ્મિતા’ એ જ હોઈ શકે કે અલગ ઓળખ ધરાવતો પ્રત્યેક સમૂહ અન્ય સમૂહોની ઓળખ સાથે સંમિલન સાધી, આત્મસાતપણું દર્શાવી પોતાની ઓળખને વધુ વ્યાપક, બૃહદ્દ બનાવે છે. ફક્ત ગુજરાતના જ સમૂહો નહિ પણ તમામ ભૌગોલિક સીમાઓ વળોટીને રાષ્ટૃીય, આંતરરાષ્ટૃીય વિભિન્ન સમૂહો જોડે આત્મીયતા, આત્મસાતપણાની અનિવાર્યતા છે.
કહેવાતી શાંતિપ્રિયતા, અહિંસાના ગુણો ધરાવતી ‘ગુજરાતની અસ્મિતા’ના આ દાયકાની શરૂઆતમાં બનેલ હિંસક વિભિષકા બાદ ચૂરેચૂરા થઈ ગયા છે તેનું પુન:સ્થાપન તો ત્યારે જ શક્ય બને જ્યારે આ નૃશંસકાંડનો ભોગ બનેલાઓને યોગ્ય ન્યાય મળે અને દોષિતોને સજા.
'ગુજરાતની અસ્મિતા કોઈ એકાંગી, એકસ્તરીય, એકપરિમાણીય, એકધર્મિય, નક્કર સ્વરૂપ ધરાવતી નથી. પરંતુ તે તો પ્રદેશમાં અને પ્રદેશ બહાર રહેલા વિભિન્ન સમુદાયો, સમૂહોની સામાજિક, સાંસ્કૃિતક વિશેષતાઓની આગવી છટાઓને સમાવતી અને માનવતા, સમાનતા, સહનશીલતા, અહિંસા, ઉદારતા જેવા કેટલાક બુનિયાદી મૂલ્યોને પોષતી, સતત પરિવર્તનશીલ એક અનેરી જીવનશૈલી, જીવન ચેતના છે. 'અસ્મિતા' કોઈ ચોક્કસ જનસમૂહ કેન્દ્રીત ન હોય, પણ તે થકી જીવનમૂલ્યો ઉદ્ઘોષિત થવાં જોઈએ. ગુજરાતની અસ્મિતા દ્વારા પણ વિશ્વના સમાજને આવા કોઈ શાશ્વત મૂલ્ય-સંપુટની અપેક્ષા રહે છે. તે સર્વ સમાવેશક હોવા ઘટે કે જેથી વિશ્વભરના ઉત્તમ વિચારો, ખ્યાલોનું પ્રતિબિંબ તેમાં પડે.
(ઘાંચીવાડ, જામનગર-૩૬૧ ૦૦૧, ગુજરાત)
સંદર્ભ સૂચિ :
(૧) ગુજરાતનો રાજકીય અને સાંસ્કૃિતક ઈતિહાસ, ભાગ-૯ આઝાદી પહેલા અને પછી ભો.જે.વિદ્યાભવન, અમદાવાદ.
(૨) આદિવચનો ભાગ-૧ કનૈયાલાલ મુનશી ગ્રંથાવલી-૧૨, ગુર્જર પ્રકાશન, અમદાવાદ જન્મશતાબ્દી આવૃત્તિ.
(૩) ભારતમાં સામાજિક અને ધાર્મિક ચળવળ, યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ, અમદાવાદ.
(૪) ‘હિન્દ સ્વરાજ્ય’ મહાત્મા ગાંધી, નવજીવન, અમદાવાદ.
(૫) ‘ગુજરાતની અસ્મિતા’ ઉત્તમભાઈ પરમાર, ક્રીમ એજ્યુકેશન સોસાયટી, કીમ સુરત.
(૬) ‘ગુજરાત ઘડવૈયા’ મકરંદભાઈ મહેતા, અમદાવાદ.
(૭) હિંદુ વર્ણવ્યવસ્થા, સમાજ પરિવર્તન અને ગુજરાતના દલિતો, મકરંદભાઈ મહેતા, અમદાવાદ.
(૮) ગુજરાતનો સાંસ્કૃિતક ઈતિહાસ, ઈસ્લામયુગ ગુજરાત વિદ્યાસભા, અમદાવાદ.
(૯) આ તે ગરવી (કે વરવી) ગુજરાત, મહેન્દ્ર મેઘાણી, જગદીશ શાહ, યજ્ઞ પ્રકાશન ભૂમિપત્ર વડોદરા.
(૧૦) ગુજરાતનો સાંસ્કૃિતક વારસો ડો. રસેશ જમીનદાર, ગુજરાત વિદ્યાપીઠ, અમદાવાદ